તમારા માટે, તમારી સાથે, સતત…

હસતાં રહેજો રાજઃ શિયાળામાં પરણજો વ્હાલાં

ઉનાળામાં લગ્ન રાખવા એના કરતાં શિયાળામાં રાખવા વધુ યોગ્ય છે.

0 330
  • હસતાં રહેજો રાજ – જગદીશ ત્રિવેદી

લગ્ન એટલે સંલગ્ન થવંુ. અત્યારે લગ્નવિચ્છેદ ખૂબ થાય છે, એનું કારણ સહનશક્તિનો અભાવ છે. પતિ અને પત્ની જો સાચા અર્થમાં સંલગ્ન થાય તો સહનશક્તિની ઊણપ વરતાય નહીં. પતિ એમ વિચારે કે હું લગ્ન બાદ મારી પત્નીને ખૂબ સુખી કરીશ અને પત્ની એમ વિચારે કે હું લગ્ન બાદ મારા પતિને ખૂબ સુખી કરીશ તો બેમાંથી કોઈ દુઃખી થાય જ નહીં. સ્વસુખની અપેક્ષા જ દુઃખો સર્જે છે. વિદ્વાનોએ તો એમ કહ્યું છે કે, અપેક્ષા જ દુઃખો સર્જે છે, પરંતુ આપણે ઈશ્વર નથી પરંતુ માણસ છીએ. અપેક્ષા સાથે જીવવું એ માણસનો જન્મસિદ્ધ અધિકાર છે.

‘જય માતાજી ચંદુભા…’ મેં હોટલમાં પ્રવેશતા જ પડકારો કર્યો.

‘એ… જય માતાજી ભાઈ… આવો… આવો…’ ચાની હોટલના માલિક ચંદુભાએ ક્ષત્રિયને શોભે એવો આવકારો આપ્યો.

‘શું વાત છે? ભોગીલાલ પણ આવી ગયો છે?’ મેં પૂછ્યું,

‘આજે મારે ઓફ છે.’ ભોગીલાલ ઉવાચ.

‘બિચારો લગનગાળાથી કંટાળી ગયો છે.’ ચંદુભા બોલ્યા.

‘હા.. લગ્નગાળો અત્યારે રોગચાળાની માફક ફાટી નીકળ્યો છે.’ મેં સમર્થન આપ્યંુ.

‘મને એવું લાગે છે કે ઉનાળામાં લગ્ન રાખવા એના કરતાં શિયાળામાં રાખવા વધુ યોગ્ય છે.’ ભોગીલાલે વિધાન રજૂ કર્યું.

‘ભોગીલાલ, તેં સ્ટેટમેન્ટ આપ્યું, પરંતુ તારા વિધાનને સત્ય સાબિત કરવા માટે તારે દલીલો પણ રજૂ કરવી પડે.’ મેં વાતને વળ ચડાવવા માટે ભોગીલાલને ભડકાવ્યો. ત્યાં સુધીમાં હોટલમાં કામ કરતો છોકરો ત્રણ અડધી ચા મુકી ગયો. ભોગીલાલે ચાનો કપ હાથમાં પકડીને વાત શરૃ કરી.

‘જુઓ, હું એસ.ટી. બસમાં કંડક્ટર હોવાથી બસથી વાત શરૃ કરું. જો શિયાળામાં લગ્ન હોય તો જાનની બસમાં સાઈડ પેસેન્જરની કેપેસિટી હોય અને સિત્તેર જાનૈયા ચડાવી દો તો પણ એડજસ્ટ થઈ જાય. ત્રણની સીટમાં ચાર બેસે અને બેની સીટમાં ત્રણ જાનૈયા બેસે તો પણ શિયાળામાં મઝા આવે.’

‘હા… ઠંડીમાં નજીક બેઠા હોય તો એકબીજાની હૂંફ મળે.’ મેં કહ્યું.

‘ઉનાળામાં ત્રણની સીટમાં ચોથો બેસવા આવે તો જે બેઠા હોય તે મોઢા બગાડે, કારણ ગરમી.. અમુક તો ન્યૂઝપેપરનો પંખો કરીને હવા ખાતા ખાતા ડોળા પણ કાઢે.’

‘તારી વાત સાવ સાચી છે ભાઈ.’ ચંદુભાએ ટેકો કર્યો.

‘એવું જ મહેમાનોને સૂવડાવવામાં થાય. શિયાળામાં એક ઓરડામાં પચીસ મહેમાન ટૂંટિયું વાળીને ઘોંટી જાય, કારણ વધારે માણસો સાથે સૂતા હોય તો ઠંડી ઓછી લાગે. ઉનાળામાં અમુક મહેમાનને અગાસીમાં ઢોળી નાખો, અમુકને ફળિયામાં પાથરો છતાં જગ્યા ટૂંકી પડે એનું કારણ ગરમી છે.’ ભોગીલાલે વિગતવાર વાત માંડી.

‘બધા મહેમાનને સૂવડાવીને પછી વરનો બાપ તો રસોડામાં મસોતાનું ઓશીકું કરીને સૂતો હોય, કારણ શિયાળામાં જેટલા મહેમાન સાથે સૂઈ શકે તે ઉનાળામાં ન સૂઈ શકે.’ મેં પણ ટેકો કર્યો.

‘ત્રીજું કારણ શિયાળામાં પાણીનો બગાડ બહુ જ ઓછો થાય. ઠંડી હોય એટલે ઘણા ખરા મહેમાન નહાવાનો વિચાર માંડી વાળે.’

‘આપણે ત્યાં નહાવા કરતાં નવડાવવાનો મહિમા વધુ છે એટલે તો દર વરસે વિજય માલ્યા અને નીરવ મોદી જેવા નમૂનાઓ પ્રગટ થતાં જ રહે છે.’ ચંદુભાએ નહાવાની સાવ અલગ વ્યાખ્યા રજૂ કરી.

‘શિયાળામાં મહેમાનો પાણી પીવે પણ ઓછું અને વાપરે પણ ઓછું.’

‘વાપરે એટલે?’ મેં પૂછ્યું,

‘નહાવા-ધોવામાં ઓછું વાપરે. શિયાળામાં મહેમાન જેટલું પાણી નહાવામાં વાપરે એથી વધારે પાણી ઉનાળામાં ટોયલેટમાં વાપરી નાખે. શિયાળામાં બધી જગ્યાએ કરકસર આવી જાય એનું કારણ ઠંડી છે. બીજું, ઉનાળામાં પુષ્કળ પાણી પીવાય એટલે મહેમાનો જમી ન શકે જ્યારે શિયાળામાં જમવાની મઝા પણ ખૂબ આવે.’ ભોગીલાલે ચોથું કારણ રજૂ કર્યું.

Related Posts
1 of 29

‘એ વાત સાવ સાચી. મને જમવાનો ખૂબ જ શોખ છે.’ મેં કહ્યું.

‘તને જમવાનો શોખ છે એ વાત સાચી, પરંતુ પારકા ઘરે. તને ક્યારેય તારા પોતાના ઘરે શોખથી જમતા જોયો નથી.’ ભોગીલાલે સિક્સર મારી દીધી.

‘તેં તારું પેટ બગાડ્યું છે, પણ ઘરધણીની રસોઈ બગડવા દીધી નથી.’ ચંદુભાએ ભોગીલાલને ટેકો કર્યો.

‘પરંતુ એ બધું પારકા ઘરે.’ ભોગીલાલે ફરી ઘા કર્યો.

‘હવે હું બીમાર પડું છું તો ડૉક્ટર એમ કહે છે કે થોડા દિવસોથી તમારા ઘરનું ભોજન લીધું લાગે છે.’ મેં પણ ઉદારતાથી બંનેની વાતનું સમર્થન કર્યું.

‘શિયાળામાં લગ્ન રાખવાથી ચોથો ફાયદો એ થાય કે મહેમાનો પેટ ભરીને જમી શકે. ઉનાળામાં બરફનું પાણી પી પીને પેટ ફુલ થઈ ગયું હોય એટલે જમી પણ ન શકે. બીજું શિયાળામાં ભોજનના મેનુમાં જે વેરાયટી મળે તે પણ ઉનાળામાં ન મળે.લ્લ ભોગીલાલ ઉવાચ.

‘તારી વાત સાચી છે.લ્લ મેં કહ્યું.

‘ઉનાળામાં ખરા તડકે વર-કન્યા લગ્નની વિધિમાં બેઠાં હોય અને ગોર મહારાજ અગ્નિ પ્રગટ કરે ત્યારે ગરમીમાં એમ થાય કે લગ્ન કર્યા વગર ઊભા થઈ જઈએ.લ્લ

‘વર-કન્યા માટે દુઃખની શરૃઆત યજ્ઞની ગરમીથી થાય પછી તો આખી જિંદગી બળવાનું અને શેકાવાનું જ હોય છે.લ્લ મેં વ્યંગ કર્યો.

‘શિયાળાની ઠંડીમાં લગ્ન સમયનો અગ્નિ પણ હૂંફ આપે છે.લ્લ

‘વાહ ભોગીલાલ.. તારો ઊંડો અભ્યાસ છે.લ્લ ચંદુભાએ પ્રમાણપત્ર આપ્યું.

‘હજુ પૂરો સાંભળો તો ખરા. શિયાળામાં કપડાં પહેરવાની મઝા આવે, કારણ સૂટ-બૂટમાં હૂંફ મળે. ઉનાળામાં ઝભ્ભો-લેંઘો પહેર્યા હોય તો પણ કાઢી નાખવાનું મન થાય. બીજું સૌથી મહત્ત્વનું કારણ બહેનોનો મૅકઅપ છે. શિયાળામાં મોંઘા ભાવનો મૅકઅપ સચવાઈ જાય અને ઉનાળાની ગરમીમાં મોઢા ઉપરથી મૅકઅપના રેલા ઊતરે.લ્લ

‘કન્યાના મોઢા ઉપરથી કલરના રેગાડા ઊતરે તો કન્યા ચૂંટણીનું બેનર વરસાદમાં પલળી ગયું હોય એવી લાગે.લ્લ મેં વાતમાં વ્યંગરંગ ઉમેર્યો.

‘લગ્ન બાદ વર અને કન્યા ફરવા જાય તો ફરવાની પણ જે મજા શિયાળામાં છે તે ઉનાળામાં નથી.લ્લ

‘અત્યારે લોકો લગ્ન પછી ફરવા જાય એને શું કહે છે?લ્લ ચંદુભાએ પૂછ્યું.

‘બાપુ એને હનીમૂન કહેવાય.લ્લ મેં કહ્યું.

‘અમારા જમાનામાં હનીમૂન બનીમૂન જેવું કશું જ હતું નહીં. અમારા તો લગ્ન થયા એટલે અમે દર્શન કરીને ઘરે આવતાં રહ્યાં હતાં. અત્યારે બધાં સિંગાપુર જાય છે અને પછી બાર મહિના સુધી એના હપતા ભરે છે.લ્લ બાપુએ વાસ્તિવકતાનો ચિતાર રજૂ કર્યો.

‘બાપુ… અમે સિંગાપુરને બદલે વિરપુર ગયા હતા, કારણ ત્યાં ગમે તેટલા દિવસ સુધી રોકાઈએ છતાં જમવાનો ખર્ચ ન થાય.લ્લ ભોગીલાલે પોતાના જમાનામાં નવયુગલની ધર્મભાવના અને રમૂજ બંને સંયુક્ત રીતે રજૂ કર્યા.

‘ભોગીલાલ, એક બસ કંડક્ટર તરીકે તારું સમાજ-દર્શન સચોટ છે. લોકો ઉનાળાના બદલે શિયાળામાં પરણે તો વધુ સારું એ અમને બરાબર સમજાઈ ગયું. મારે જીવનમાં બીજીવાર પરણવાનું થશે તો તારું આ સૂચન ધ્યાનમાં રાખીશ.લ્લ મેં કહ્યું.

‘તું હવે બીજી વાર પરણવાનો વિચાર માંડી વાળ, કારણ એક વખતમાં તારો માંડ માંડ મેળ પડ્યો છે. હવે તારા દીકરાને પરણાવવાનો વિચાર કર.લ્લ ભોગીલાલે મારા વિનોદનો સાવ સાચો જવાબ આપ્યો.

‘આજની આપણી ચર્ચાનો નિચોડ એટલો જ કે લોકોને ઉનાળામાં પરણ-વા ઉપડે એના કરતાં શિયાળામાં ઓશિયાળા વધે તે વધુ સારું.લ્લ ચંદુભાએ શબ્દોની રમત કરી લીધી.

‘લગ્નગાળો રોગચાળાની માફક ફેલાય ત્યારે એક જ સમસ્યા થાય છે. એક જ દિવસમાં ચાર-પાંચ જગ્યાએથી ભોજનનાં નિમંત્રણ મળે. આપણે એક જ જગ્યાએ જમવું પડે અને ચાંદલો દરેક જગ્યાએ લખાવવો પડે છે.લ્લ મેં મારી પીડા રજૂ કરી અને અમારી સાથે હોટલનો વેઇટર પણ હસી પડ્યો.
——————-

Leave A Reply

Your email address will not be published.

Translate »