તમારા માટે, તમારી સાથે, સતત…

હસતાં રહેજો રાજ – એક ગંભીર મજાક

'ભગવાને આજથી આશરે પાંચ હજાર વર્ષ પહેલાં અર્જુનને 'નપુંસક' કહ્યો હતો.'

0 311

હસતાં રહેજો રાજ – જગદીશ ત્રિવેદી

એક ગંભીર મજાક

”સમય સમય બલવાન હૈ, નહીં પુરુષ બલવાન

કાબે અર્જુન લૂંટીયો, વહી ધનુષ વહી બાણ”

જે ગાંડીવનો રણટંકાર સાંભળીને ગમે તેવો મહાશક્તિશાળી યોદ્ધા હોય તો પણ પરસેવો છૂટી જાય તેવા મહારથી અર્જુનને સાવ સામાન્ય એવા કાબાએ લંૂટી લીધો હતો. અર્જુન જ્યારે કાબાના હાથે લૂંટાયો ત્યારે મહાભારતના ઘોરકરાળ યુદ્ધમાં વિજેતા બનાવનાર જે ગાંડીવ નામનું ધનુષ્ય હતું એ પણ અર્જુન પાસે હતું, પરંતુ એનો ઉપયોગ કરીને એ હવે શત્રુને ખાળી શક્યો નહીં ત્યારથી ‘સમય સમય બલવાન હૈ’ નામની કહેવત અસ્તિત્વમાં આવી હશે. ખરેખર સમય જ મહાન હોય છે. સમય બદલાય તેમ માણસનું, માનવીય સંબંધોનું, રિવાજોનું અને સમગ્ર અસ્તિત્વનું મૂલ્ય બદલાય છે.

‘પથુભા… જય માતાજી…’ મેં પથુભાના પાનના ગલ્લા ઉપર જઈને મારી હાજરીની નોંધ લેવડાવી.

‘એ… જય માતાજી લેખક જય માતાજી’ પથુભાએ મારા એકવારના જય માતાજીને બેવડા ઉત્સાહથી બે વાર ‘જય માતાજી’ બોલીને પરત આપ્યા.

‘આજનું છાપું વાંચ્યું કે ગ્રાહકોમાંથી ફુરસદ જ મળી નથી?’

‘તમારી વાત સાચી છે. ફેરિયો સાત વાગ્યામાં છાપું નાખી ગયો છે. અત્યારે અગિયાર વાગ્યા, પણ હજુ છાપું હાથમાં પકડવાનો સમય મળ્યો નથી.’

‘આજના છાપામાં ચોથા પાને એક ચોંકાવનારા સમાચાર છે.’ મેં છાપું ખોલી ચોથા પાનાના સમાચાર પથુભાને દેખાડ્યા.

‘કોઈ વ્યક્તિને નપુંસક કહેવો એ માનહાનિ ગણાશે’ પથુભાએ સમાચારની હેડલાઈન મોટેથી વાંચી.

‘જુઓ પથુભા… મુંબઈ હાઈકોર્ટની નાગપુર બેન્ચનો ચુકાદો છે.’

‘મારે તો વાતવાતમાં નપુંસક કહેવાની ટેવ છે.’ પથુભાએ ડર પ્રગટ કર્યો.

‘એ હવે બંધ કરવું પડશે. તમે એક કામ કરો.. નપુંસકનું નરાધમ કરી નાખો.’

‘એ કેવી રીતે થઈ શકે?’

‘અલ્લાહાબાદનું પ્રયાગરાજ થઈ શકે તેમ…’

‘અરે પણ મને નાનપણથી અમદાવાદ બોલવાની ટેવ છે, પરંતુ અંબાલાલ ખબર લાવ્યો છે કે ર૦૧૯ની ચૂંટણી પહેલાં ‘અમદાવાદ’માંથી ‘કર્ણાવતી’ થવાનું છે.’

‘નપુંસક બોલું તો વાંધો શું છે?’ પથુભા ફરી મૂળ શબ્દ ઉપર પાછા ફર્યા.

‘નાગપુરની કોર્ટે ફરમાન કર્યું છે કે આઈપીસી કલમ ૪૯૯ હેઠળ કોઈને ‘નપુંસક કહેવો એ સામેના માણસની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે છે તથા આઈપીસી કલમ પ૦૦ હેઠળ આ અપરાધ માટે માનહાનિની સજા થઈ શકે છે.’ મેં સમાચારમાં વાંચીને વિગતવાર વાત કરી.

‘મેં તો મારી સાઈઠ વરસની ઉંમરમાં સાઈઠ હજાર વખત બીજાને નપુંસક કહ્યો હશે.’ પથુભાએ કન્ફેશન કર્યું.

‘જુઓ, મને તમારી ચિંતા નથી, પરંતુ મને ભગવાનની ચિંતા થાય છે.’

‘ભગવાનને તમારી ચિંતા થતી હશે, તમને ભગવાની ચિંતા થાય છે?’

‘હા.. આજ સવારથી મને ભગવાન

શ્રીકૃષ્ણની ચિંતા થાય છે.’

‘કેમ?’

‘ભગવાને આજથી આશરે પાંચ હજાર વર્ષ પહેલાં અર્જુનને ‘નપુંસક’ કહ્યો હતો.’

‘પાંચ હજાર વરસ પહેલાં કહ્યો હોય એનો કોઈ પુરાવો ન હોય..’

‘છે… લેખિતમાં પુરાવો છે.’

‘લેખિતમાં પુરાવો છે? તમે યાર મને ગોટે ચડાવો છો.’ પથુભા કંટાળ્યા.

‘હા… મારી પાસે લેખિતમાં પુરાવો છે. માત્ર મારી પાસે જ નહીં, પરંતુ આખા વિશ્વ પાસે પુરાવો છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાજીના બીજા અધ્યાયના ત્રીજા શ્લોકમાં ભગવાને અર્જુનને ‘નપુંસક’ કહ્યો હતો.’ મેં ઠોશ માહિતી આપી.

‘શું વાત કરો છો?’

‘હું જે કહું છું તે સત્ય કહું છું. તમને પાનમાંથી ફુરસદ મળે તો ક્યારેક ગીતાજીનાં પાનાં ઊથલાવીને જોઈ લેજો.’ મેં ટકોર કરી.

‘તમે સાચા જ હોય એમ માનીને ગીતાજી વાંચવાની તકલીફ લેવાનો નથી, પરંતુ નાગપુરની કોર્ટના ચુકાદા મુજબ ભગવાનને ૪૯૯ અને પ૦૦ એમ બે કલમ લાગે.’ પથુભાએ ચિંતા પ્રગટ કરી.

Related Posts
1 of 29

‘એનું નામ જ દેશકાળ બાપુ… અત્યારે રામ અને રાવણ બંને રેશનકાર્ડ લઈને સસ્તા અનાજની દુકાને જાય તો રામને સો ગ્રામ ખાંડ મળે તો રાવણને એક કિલો ખાંડ મળે.’

‘રામ કરતાં રાવણને વધુ મળે?’

‘દસગણી વધુ મળે, કારણ અત્યારે માથાદીઠ અનાજ મળે છે અને રાવણને દસ માથા હોવાથી વધારે જ મળે.’ મેં ખુલાસો કર્યો.

‘કૃષ્ણ ઉપર કેસ થાય અને રામ કરતાં રાવણને વધુ લાભ મળે… આજે સવારના પહોરમાં તમે ક્યારેય ના સાંભળી હોય એવી વાતો કરો છો લેખક.’ પથુભા બોલ્યા.

‘એનું નામ જ કળિયુગ બાપુ… એમ તો દેવોના દેવ મહાદેવ ઉપર પણ આઈપીસી કલમ ૩૦ર હેઠળ હત્યાનો ગુનો બની શકે છે.’ મેં જાણી જોઈને નવો ફણગો ફોડ્યો.

‘હેં… ૩૦ર…?’ પથુભા કલમનો નંબર સાંભળીને હસી ગયા.

‘કેમ? એમણે પોતાના જ પુત્ર એવા ગણપતિનું માથંુ વાઢી નાખ્યું હતું એવું શિવમહાપુરાણમાં સ્પષ્ટ લખ્યું છે.’

‘પછી એમણે માણસના મસ્તક બદલે હાથીનું મસ્તક લગાવીને જગતની સૌ પ્રથમ હેડ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરીને ગણપતિને જીવતાં કરી દીધા હતા એવું મેં કથામાં સાંભળ્યું છે.’ પથુભાએ ધારદાર દલીલ કરી.

‘એનો અર્થ એ થયો કે હાથીનું માથું તો કાપ્યું હતું એ નક્કી છે. જો સલમાન ખાન હરણનો શિકાર કરે તો ગુનો બને તો આ તો હરણ કરતાં પણ મોટંુ પ્રાણી થયું.’ મારે ગમે તેમ કરીને આજે બાપુને ગુસ્સે કરવા હતા.

‘ઊભો રે… તારી જાતનો બ્રાહ્મણ મારુ…. મહાદેવમાં અને સલમાન ખાનમાં કંઈ જ ફરક નહીં ?’ બાપુનો બાટલો ફાટ્યો.

‘બાપુ તમે શાંત થાવ… ભગવાન શંકર અને સલમાન ખાન વચ્ચેના સામ્યની મને ખબર નથી, પરંતુ ભગવાન રામ અને સલમાન ખાન વચ્ચે એક સામ્ય જરૃર છે.’

‘શું સામ્ય છે?’

‘બંને હરણ પાછળ ગયા એટલે હેરાન થયા.’ મેં જવાબ આપ્યો.

‘લેખક… આજે તમારે માર ખાવો છે કે ગાળ ખાવી છે?’ પથુભાએ શાબ્દિક યુદ્ધ પડતું મૂક્યું અને શારીરિક યુદ્ધ માટે મને આહ્વાન આપી દીધું.

‘બાપુ… મારે માર પણ ખાવો નથી અને ગાળ પણ ખાવી નથી. આપના હાથનું પાન ખાવું છે.’ મેં પણ હથિયાર હેઠાં મૂકી દીધા, કારણ હું તો મજાકના મૂડમાં હતો.

‘પાન એક બદલે બે ખવડાવું, પણ તમે મહાદેવ અને કૃષ્ણ ઉપર કેસ કરવાની વાત કરો એ આપણાથી સહન થશે નહીં. ભગવાન રામને સલ્લુ સાથે સરખાવો એ ક્ષત્રિયના દીકરાથી સહન થશે નહીં.’ પથુભાએ હૈયે હતું એવું હોઠ ઉપર લાવી દીધું.

‘બાપુ… હું પણ બ્રાહ્મણનો દીકરો છું. આપણા બધા ભગવાન મને વ્હાલા છે એટલા કદાચ આપને પણ વ્હાલા નહીં હોય. હું તો મઝાક કરતો હતો અને સતયુગ, દ્વાપર, ત્રેતા કરતાં કળિયુગ કેવો જુદો છે એનું પ્રમાણ આપતો હતો.’ મેં આખી વાતનો સાર કહ્યો.

‘અત્યારે દેવડીએ દંડાય છે ચોર મૂઠી જારના, લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે.’ પથુભાએ અજાણતા જ ખૂબ જાણીતી કવિતાનો સંદર્ભ આપી દીધો.

‘એ કરસનદાસ માણેક નામના મહાન કવિની કવિતાની પંક્તિ છે બાપુ.’ મેં કહ્યું.

‘એવી મને ખબર નથી, પણ મને આટલું મોઢે છે.’ પથુભાએ હકીકત રજૂ કરી.

‘એ કવિતા નખશિખ સુંદર છે, પરંતુ છેલ્લી બે પંક્તિઓ તો વિશેષ ધ્યાન ખેંચે એવી છે.’ મેં કહ્યું.

‘તમને યાદ હોય તો સંભળાવો લેખક.’ પથુભાને રસ પડ્યો.

‘કામધેનુને મળે ના એક સૂકું તણખલું અને લીલાછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે.’ મેં કહ્યું.

‘લાલુપ્રસાદ દવાખાને ગયા અને ડૉક્ટરને કહ્યું કે, મને માથામાં ગૂમડાં થયાં હોય એવું લાગે છે. ડૉક્ટરે તપાસીને શું કહ્યું તેની ખબર છે?’

‘ના…’

‘આપને ગૂમડાં થયાં નથી, પરંતુ શિંગડાં ઊગે છે. થોડા દિવસો રાહ જુઓ તો કદાચ પૂછડું પણ ઊગશે.’ પથુભાએ સિક્સર મારી દીધી.

‘વાહ… બાપુ વાહ…’

‘આ તો તમે કહ્યું કે, લીલાંછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે એટલે મને આઠસો કરોડનો ઘાસચારો ચરી જનાર આખલો યાદ આવ્યો.’ પથુભા ઉવાચ.

‘છે ગરીબોના કૂબામાં તેલ ટીપું દોહ્યલું ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે.’ મેં બીજી પંક્તિ પણ પૂરી કરી.

‘દિવાળી ઉપર પેટ્રોલ કરતાં ડીઝલના ભાવ વધી ગયા અને મુકેશ અંબાણીએ પોતાની દીકરીના લગ્નમાં જે કંકોત્રી છપાવી એ કંકોત્રી નથી, પરંતુ ચોરસ ડબ્બો છે અને એક ડબ્બાની કિંમત આશરે ત્રણ લાખ રૃપિયા છે.’ પથુભાએ સચોટ માહિતી આપી.

‘એક આમંત્રણના ત્રણ લાખ રૃપિયા?’ મને આંચકો લાગ્યો.

‘હા, પાનના ગલ્લે જે સમાચાર સાંભળવા મળે છે એ બીબીસીમાં કે સીએનએનમાં પણ સાંભળવા ન મળે. આ તમારી છેલ્લી પંક્તિને લાગુ પડે છે કે નહીં?’ પથુભા સાહિત્યકાર નથી, પરંતુ સાવ સાચા સાહિત્યરસિક છે. એમણે બંને પંક્તિ સાથે બરાબર બંધબેસતાં ઉદાહરણ આપ્યા હતા.

પથુભાએ પ્રેમથી પાન બનાવ્યું અને હું પાન મોઢામાં પધરાવીને ચાલતો થયો. મને થયું કે આજે મજાક-મજાકમાં પણ ઘણુ વિચારવા જેવું બોલાઈ ગયું.
————–

Leave A Reply

Your email address will not be published.

Translate »