તમારા માટે, તમારી સાથે, સતત…

અને જાણે વીજળી પડી હોય તેમ ધ્યેય કશિશને તાકી રહ્યો

અદાલતમાં આરંભાતી શૂન્યમાંથી શાશ્વત થવાની સફરનો અંતિમ પડાવ!

0 551

‘રાઇટ અેન્ગલ’   નવલકથા – પ્રકરણ – ( અંતિમ )

  • કામિની સંઘવી

અદાલતમાં આરંભાતી શૂન્યમાંથી શાશ્વત થવાની સફર!

ધ્યેયે કોર્ટમાં એકદમ અલગ સવાલ પૂછ્યા જેથી મહેન્દ્રભાઈને પણ નવાઈ લાગી. મહેન્દ્રભાઈએ જણાવ્યું કે ઉદય કરતાં કશિશ ભણવામાં બહુ તેજ હતી. તેમને એક પિતા તરીકે તેના પર ગર્વ છે. ધ્યેયના સવાલનો જવાબ આપતાં મહેન્દ્રભાઈ બોલ્યા કે ઉદય બીજું કાંઈ કરી શકે તેમ ન હતો એટલે તેને ધંધામાં જોડી દીધો હતો. કશિશ હોશિયાર હતી છતાં એને ડૉક્ટર કેમ ન બનાવી તેવા સવાલ પર મહેન્દ્રભાઈ મૂંઝાયા. ધ્યેયે તેમને યાદ અપાવ્યું કે કશિશનો ઍડ્મિશન ઇન્ટરવ્યૂનો લેટર તેમણે અને ઉદયે જાણીજોઈને છૂપાવી રાખ્યો હતો. ધ્યેયે તેમને જણાવ્યું કે ઉદય નહોતો ઇચ્છતો કે કશિશ છોકરી છે એટલે એને ભણવા બહાર જવા દેવાય અને એને એના સપનાથી વંચિત રાખી હતી. ધ્યેયે વાત આગળ ધપાવતાં જણાવ્યું કે, તેમના એક નિર્ણયના કારણે કશિશને કૉફી હાઉસ ખોલી લાચારી અને સંઘર્ષમય જીવન જીવવું પડી રહ્યું છે. આ સાંભળી મહેન્દ્રભાઈ રડી પડ્યા અને સ્વીકાર્યું કે કશિશને ઍડ્મિશન મળી ગયું હતું, પરંતુ ઉદયની વાતોમાં આવી તેમણે આવું કામ કર્યું હતું. મહેન્દ્રભાઈએ તેમનાથી ભૂલ થયાનું સ્વીકારી કોર્ટમાં કશિશની માફી માગી. ધ્યેયે સમાજમાં દીકરા અને દીકરી વચ્ચે પ્રવર્તતા ભેદભાવ અને ચાલી આવતી રીતરસમો સામે સવાલો ઊભા કરી કડકમાં કડક સજા કરવા અરજ કરી. કોર્ટે બીજા દિવસે ફેંસલો સંભળાવવાનું જાહેર કર્યું. બીજી તરફ કશિશ પિતા મહેન્દ્રભાઈને ભેટીને રડી પડી. રિપોર્ટર્સને ધ્યેયે માહિતી આપી કે આ કેસમાં ત્રણથી દસ વર્ષની સજા થઈ શકે છે. કશિશને એક રિપોર્ટરે સવાલ કર્યાે કે તમારા જ પિતા અને ભાઈને સજા થશે તો તમને ખુશી થશે? આવા સવાલથી પરેશાન કશિશ પિતા સાથે ધ્યેયની ઑફિસ પહોંચી. મુશ્કેલીની ઘડીમાં ઉદય પિતાને છોડીને જતો રહ્યો. આથી કશિશે મહેન્દ્રભાઈની મૂંઝવણ પારખી જણાવ્યું કે તેઓ તેની સાથે રહી શકે છે. ધ્યેય ઑફિસમાં આવ્યો ત્યાં જ કશિશે તેને સીધું કહી જ દીધું કે તે કેસ પાછો ખેંચવા માગે છે. આઘાત અને આશ્ચર્ય સાથે ધ્યેય કશિશને જોતો રહ્યો.

હવે આગળ વાંચો…

‘વ્હોટ?’ ધ્યેય અવાચક બનીને કશિશ સામે જોઈ રહ્યો,

‘હા…મારે કેસ પાછો ખેંચવો છે.’ કશિશ એક-એક અક્ષર છૂટો પાડીને બોલી,

‘કિશુ, આપણે જીતી જઈશું…તારે ન્યાય જોઈતો હતો ને, તે તને મળી રહ્યો છે. તે સાથે દુનિયાભરની નામના મળી રહી છે. આવતી કાલના પેપર જોજે…ઇનફેક્ટ ન્યૂઝ ચેનલ પર તો અત્યારથી આ વિશે ચર્ચા ચાલુ હશે. માત્ર ગુજરાતમાં જ નહીં, દેશ આખામાં નામ બનાવવાની જીવનમાં આવી બીજી તક નહીં મળે.’ ધ્યેયે પળભરના આંચકા પછી એને સમજાવવાની કોશિશ કરી,

‘ધી, આઈ નો કે તારે માટે આ બહુ ઓચિંતું છે, પણ મેં કેસ કર્યો ત્યારે જ એ નક્કી કરી રાખ્યું હતું કે હું મારા પપ્પાને જેલમાં ન જોઈ શકું…’ કશિશે પોતાના પોઈન્ટ ક્લિયર કરીને ધ્યેયને સમજાવવાની કોશિશ કરી,

‘અરે પણ જરૃરી નથી કે આ કેસમાં જેલ જ થાય…બીજી કોઈ પણ સજા થઈ શકે છે…કારણ કે આવો કેસ આજ સુધી આવ્યો નથી. એટલે એમને જેલ જ થશે તે કહી ન શકાય.’ ધ્યેયે દલીલ કરી,

‘પણ અગર જેલ થઈ તો? મારા પપ્પા આ ઉંમરે જેલમાં જાય, એવું આકરું જીવન જીવે તો હું એક દીકરી તરીકે મારી જાતને કેમ માફ કરી શકું?’ ધ્યેય એની વાત સમજશે તે ઉમ્મીદથી કશિશ એને જોઈ રહી.

‘અરે પણ તું એ કેમ ભૂલી જાય છે કે જે કાંઈ થયું તે ઉદયને કારણે થયું. તને ભણવા ન જવા દેવા માટે એણે અંકલને ભરમાવ્યા હતા તો એને તો સજા મળવી જોઈએ ને?’ ધ્યેયને કેસ પાછો ખેંચી લેવાની વાત જ ગળે નહોતી ઊતરતી. એની વીસ વર્ષની પ્રેક્ટિસમાં આ કેસે જેટલી એને નામના અપાવી તે બીજા કેસે અપાવી ન હતી. વળી, આ કેસ સાથે એ જેટલો દિલથી જોડાયો હતો તેટલો બીજા કેસ સાથે નહોતો જોડાયો. હવે કેસ જીતી જવાની અણી પર હોઈએ ત્યારે કેસ પાછો ખેંચવો પડે તો એ પરિસ્થિતિ માટે આમ તો રાતોરાત કેવી રીતે તૈયાર થાય?

‘ધી..પણ સાથે-સાથે પપ્પાને પણ જેલમાં જવું પડે તે કેમ નથી સમજાતું?’ કશિશે હજુ ધીરજ રાખીને એને સમજાવવાની કોશિશ જારી રાખી,

‘મને ઉદય માટે લાગણી નથી…એને એની સજા મળી ગઈ છે. સમાજમાં આંખ ઊંચી કરીને જોઈ ન શકે એટલી એની બદનામી અને નાલેશી થઈ ચૂકી છે. આથી વધુ સજાની એને જરૃર નથી…અને એને કારણે પપ્પાને સજા થાય તે મને મંજૂર નથી. એટલે હવે હું કેસ પાછો ખેંચવા ઇચ્છું છું.’

આજ સુધી જે કોઈ કેસ ધ્યેયે કોર્ટમાં જોયા છે તેમાં નેવું ટકા કેસમાં સ્ત્રી પોતાના ભાઈ, પતિ કે પિતા સામેના કેસ પાછા ખેંચીને ખાનગીમાં સમાધાન કરી લેતી હોય છે અથવા તો એમને માફ કરી દેતી હોય છે. સ્ત્રીઓ મોટા ભાગે પોતાનાં સગાં-વહાલાં તરફ લાગણીશીલ નિર્ણય લે છે, પણ ધ્યેયને કશિશ કદી એવી સ્ત્રી નહોતી લાગી કે જે છેલ્લી ઘડીએ કેસ પાછો ખેંચે. એટલે એને આ વાત ગળે નહોતી ઊતરતી.

‘તારી વાત સાચી છે…અંકલને જેલની સજા થાય તેવું હું નથી ઇચ્છતો, પણ તને ન્યાય મળે સમાજમાં દાખલો બેસે તેવું ઇચ્છું છું. એટલે જ મારે કેસ પાછો નથી ખેંચવો.’ ધ્યેયે મક્કમ અવાજે પોતાનો પોઈન્ટ ક્લિયર કર્યો.

‘વ્હોટ ડુ યુ મીન?’

‘વ્હોટ આઈ મીન, સમાજ માટે આ મિસાલરૃપ કેસ છે અને તેમાં ચુકાદો આવે તે જરૃરી છે. ત્યારે તું પીછેહઠ કરે તે યોગ્ય નથી.’ ધ્યેયે પોતાનો મુદ્દો વ્યવસ્થિત રીતે સમજાવવાની કોશિશ કરી,

‘જો, ન્યાય મેળવવા માટે હું બધા સંબંધો બાજુ પર મૂકીને આજ સુધી લડી છું. સમાજ માટે આટલું પૂરતું છે. બસ, આથી વધુ બલિદાન હું ન આપી શકું.’ કશિશ જરા પણ ઝૂકવા તૈયાર ન હતી,

‘હું કેસ પાછો ખેંચું તેથી મારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તે મને ન પોસાય!’ ધ્યેયે છેલ્લું હથિયાર અજમાવ્યું, એ જીદ્દ પર આવી ગયો હતો કે કશિશ કેમ એને સમજતી નથી.

‘પણ મારો પરિવાર જેલમાં જાય તેનું શું?’ કશિશના આ સવાલનો જવાબ ધ્યેય પાસે ન હતો. એને ચૂપ જોઈને કશિશ એક ઓર મુદ્દો વચ્ચે લાવી,

‘અને તને મારા કરતાં તારા પ્રોફેશનની વધુ પડી છે? આ છે તારો મારા પ્રત્યેનો પ્રેમ?’ કશિશ બોલી રહે તે પહેલાં જ ધ્યેયે એની વાત તોડી પાડી,

‘કિશુ ડોન્ટ મિક્સઅપ….પ્રોફેશન અને પ્રેમ અલગ વસ્તુ છે.’

‘અચ્છા? કેવી રીતે? મને સમજાવ તો! તું મારો મિત્ર હતો એટલે તેં મારો કેસ લડ્યો કે માત્ર વકીલની રૃહે કેસ લડ્યો છે?’ આ સવાલથી અત્યારે સુધી જે વાત અહમ્ સુધી સીમિત હતી તેમાં હવે એકબીજાની લાગણીઓ દુભાવવા સુધી પહોંચી ગઈ,

‘તારી કોઈ ફરિયાદ પણ સ્વીકારવા તૈયાર ન હતું ત્યારે મેં તને સાથ આપ્યો એ કેમ ભૂલી જાય છે? મારા પ્રયાસથી તે અહીં સુધીની મંઝિલ કાપી છે સમજી?’ એકબીજાને પ્રેમ કરતાં બે પ્રેમીઓ આજે એકબીજા પર કોણે કોના માટે શું કર્યું તે ગણાવતાં થઈ ગયાં.

‘અચ્છા તો તેં મારા માટે એ અહેસાન કર્યું તેનો બદલો તું ઇચ્છે છે?’ કશિશ હવે ગુસ્સે થઈ ગઈ હતી,

‘ડોન્ટ બ્લેમ મી….કિશુ, યુ આર ક્રોસિંગ ધ લિમિટ!’ કશિશના આક્ષેપથી ધ્યેય ઉશ્કેરાઈ ગયો. બંને વચ્ચેનો ઝઘડો ચરમસીમાએ પહોંચ્યો. તે જોઈને રાહુલ ઑફિસ છોડીને જતો રહ્યો. એ બંનેની પર્સનલ વાતચીતમાં આડખીલી રૃપ બનવા ઇચ્છતો ન હતો. મહેન્દ્રભાઈ અવાચક થઈને બંનેને ઝઘડતા જોઈ રહ્યા હતા. તે હવે બોલી પડ્યા,

‘તમે બેઉં ગાંડા થઈ ગયા છો તે મનફાવે તેમ એકબીજા પર કાદવ ઉછાળો છો? જો હવે એક પણ શબ્દ બંનેમાંથી કોઈ બોલ્યાં છો તો આજ ક્ષણે હું અહીંથી સીધો નદીમાં કૂદી પડીશ કે ટ્રેન સામે પડતું મૂકીને મરી જઈશ…કે જીભ કચરીને મરી જઈશ…પણ ભગવાનને ખાતર મારા માટે ન ઝઘડો! બહુ પાપ કર્યાં હવે મને વધુ પાપ કરવા મજબૂર ન કરો!’

કશિશ અને ધ્યેય ઝઘડવામાં એ ભૂલી ગયાં હતાં કે મહેન્દ્રભાઈની સામે જ બંને જણાં વરવો સીન ભજવી રહ્યાં છે. બંનેએ ઉશ્કેરાઈને લિમિટ ક્રોસ કરી નાંખી તેનો અહેસાસ બંનેને થયો. ઑફિસમાં બોઝિલ મૌન છવાઈ ગયું. ધ્યેય માથે હાથ દઈને ચૅર પર બેસી પડ્યો.

‘ધી…આઈ એમ સોરી…હું વધુ પડતું બોલી ગઈ…પણ હું મારા પપ્પાને જેલમાં ન જોઈ શકું…’ ધ્યેયની નજીક આવી કશિશ બોલી. એની આંખમાં આંસુ આવી ગયાં હતાં.

ધ્યેય એની સામે જોઈ રહ્યો. બાળપણથી આજ સુધી પોતે કશિશનો બેસ્ટ ફ્રેન્ડ બની રહ્યો છે તો આજે એ મિત્રતાને લાંછન લાગે તેવું શું કામ કરી રહ્યો છે? ભૂલ તો પોતાનાથી પણ થઈ છે. ઉદયને બદલે મહેન્દ્રભાઈને જ મુખ્ય આરોપી બનાવી દીધા છે. એટલે સજા થશે તો પણ એમને કદાચ વધુ થાય. કશિશ દુઃખી થાય તેવું તે ન કરી શકે.

‘આઈ એમ સોરી ટુ…હું આજ સુધી પ્રોફેશનલી કમિટેડ રહ્યો છું, એટલે તને સમજી ન શક્યો. હું અંકલને જેલમાં મોકલવા ઇચ્છતો ન હતો. બસ, આ કેસમાં ચુકાદો આવે તેવું ઇચ્છતો હતો. એનીવે, હું કેસ પાછો ખેંચી લેવાની પ્રોસેસ હમણાં જ શરૃ કરી દઉં છું.’ કશિશ સામે નજર મિલાવતા ધ્યેય બોલ્યો, કશિશ એની સામે જોઈ રહી. વર્ષોથી જે ધ્યેયને એ ઓળખે છે તે આજ ધ્યેય છે, એકદમ બુદ્ધિશાળી, શાંત અને સમજદાર. બંને વચ્ચે સમજૂતી થઈ તેથી મહેન્દ્રભાઈ સંતોષથી એ બંનેને જોઈ રહ્યા. એક સારું કામ કરવામાં એ નિમિત્ત બન્યા એમનો એમને આનંદ થયો.
* * *

Related Posts
1 of 34

બીજે દિવસે સવારથી જ કોર્ટના પ્રાંગણમાં મહિલા સંસ્થાના કાર્યકરો, મીડિયાના પત્રકારો, ચેનલ રિપોર્ટર્સ ફોટોગ્રાફર્સની અને ઓબી વૅનની જમાવટ થઈ ગઈ હતી. મીડિયા આ કેસની સરખામણી પરેશ રાવલની ફિલ્મ ‘ઓહ માય ગોડ’ સાથે કરી હતી, કારણ કે એ ફિલ્મમાં ધરતીકંપમાં થતાં નુકસાન માટે ભગવાનને જવાબદાર ઠેરવીને એમની સામે વળતર મેળવવા માટે કેસ કરવામાં આવ્યો હતો, જેનો વિચાર આજ સુધી કોઈએ કર્યો ન હતો કે ધરતીકંપ આવે તો અને નુકસાન થાય તો એનું વળતર મેળવવા માટે ભગવાન સામે કેસ કરી શકાય.

તેવી જ રીતે આજ સુધી કોઈએ કશિશની જેમ વિચાર્યું ન હતું કે પોતાને મરજી મુજબ જાણીજોઈને માત્ર છોકરી હોવાના કારણે ભણવા દેવામાં ન આવે તો તેના માટે પોતાના ભાઈ કે પિતા સામે કેસ કરી શકાય. પહેલી નજરે બાલિશ લાગતી આ ઘટના વાસ્તવમાં સ્ત્રીઓને સમાજમાં થતાં અનેક અન્યાય જેવો જ આ એક અન્યાય છે તે વાત લોકોને સમજાઈ હતી. એટલે જ આ કેસની ચર્ચા ઘરે-ઘરે થઈ હતી.

ઉદય અને નીતિન લાકડાવાલા કોર્ટ પ્રાંગણમાં આવ્યા તેવા જ પ્રેસ રિપોર્ટર્સે એમને ઘેરી લીધા અને એમના પર અનેક સવાલનો મારો ચલાવ્યો, પણ બંનેને ચૂપ રહેવામાં જ સમજદારી દેખાતી હતી. આ કેસને મીડિયામાં વધુ કવરેજ ન મળે તે માટે નીતિનભાઈએ ભરપૂર પ્રયાસ કર્યા હતા, પણ તે બધા નિષ્ફળ રહ્યા હતા. એમના ચહેરા પર કેસ હારી જવાની નાલેશી ચાડી ખાતી હતી.

કશિશ અને ધ્યેય સાથે મહેન્દ્રભાઈને જોઈને લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું. પ્રેસે એમને અનેક સવાલ પૂછવાની કોશિશ કરી હતી ત્યારે કશિશ અને ધ્યેયે માત્ર એટલું જ કહ્યું કે કોર્ટનો ફેંસલો આવી જવા દો…અમે પછી બધા સવાલના જવાબ આપીશું. કશિશ કોર્ટરૃમમાં દાખલ થઈ તો એની નજર ત્યાં બેઠેલા કૌશલ અને એના પપ્પા પર પડી. એ પણ કોર્ટમાં આવ્યા હતા. તે એને માટે સુખદ આશ્ચર્ય હતું. એ અતુલભાઈને પગે લાગી એટલે એમણે આશીર્વાદ આપ્યા,

‘વિજયી ભવઃ!’ જવાબમાં કશિશે માત્ર સ્મિત કર્યું. ફોટોગ્રાફરે એના ફોટા પણ પાડી લીધા.

જજસાહેબ ચેમ્બરમાં પ્રવેશ્યા અને કોઈ ફેંસલો આપે તે પહેલાં જ ધ્યેયે એપ્લિકેશન આપી. એના પર નજર ફેરવીને એમણે કશિશને પૂછ્યું,

‘બહેન, તમે આ ફેંસલો તમારી મરજીથી લીધો છે કે કોઈના દબાણમાં આવીને લઈ રહ્યાં છો?’

‘જી..ના સર…, આ ફેંસલો મેં મારી મરજીથી લીધો છે. હું કોર્ટને વિનંતી કરું છું કે મારી કેસ પાછો ખેંચવાની અરજી મંજૂર થાય અને મારા ભાઈ અને પિતાને છોડી મૂકવામાં આવે!’ કશિશના આ નિવેદન પર કોર્ટમાં એક ક્ષણ માટે સ્તબ્ધતા છવાઈ ગઈ, પણ બીજી ક્ષણે લોકોએ કોર્ટ શિષ્ટાચાર ભૂલીને કશિશની તરફેણમાં નારા લગાવ્યા.

લોક લાગણીનું અભૂતપૂર્વ મોજું કશિશની તરફેણમાં હતું. તે પાછળ કદાચ સદીઓથી સ્ત્રીઓને થતો અન્યાય જવાબદાર હતો. તારીખ ગવાહ છે કે પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીઓનું અનેક રીતે શોષણ થાય છે, કદીક ધર્મના નામે તો કદીક જાતિના નામે ભેદભાવ રાખવામાં આવે છે. આ કેસ સ્ત્રીઓને થતાં અન્યાય સામે મિસાલરૃપ હતો. તેથી જ લોકોમાં એનાં પરિણામ માટે અપેક્ષા હતી.

જજે લોકોને શાંત રહેવા અપીલ કરી અને કશિશની વિનંતી મંજૂર રાખી. ભારે આશાએ આવેલા લોકો તથા મીડિયા આને માટે તૈયાર ન હતા. તેથી જેવા કશિશ અને ધ્યેય કોર્ટરૃમની બહાર નીકળ્યાં તેની સાથે જ લોકોએ એમને ઘેરી લીધા, કશિશે હાથ ઊંચો કરીને એમને શાંત થવા કહ્યું,

‘તમારી પાસે અનેક સવાલ છે, પણ મારી વિનંતી છે કે મને એકવાર સાંભળી લો, પછી તમે પૂછો તેના જવાબ આપીશ. મેં કેસ કર્યો તે પહેલાંથી જ નક્કી કર્યું હતું કે હું મારા ભાઈ તથા પપ્પાને સજા નહીં કરાવંુ, કારણ કે મારી એમની સામે કોઈ દુશ્મની નથી. હું સમાજ સામે આ ઘટના લાવવા ઇચ્છતી હતી તેથી મેં કેસ કર્યો હતો. જેથી કરીને લોકો પોતાની દીકરીને સપનાં પૂરાં કરવા માટે શહેરમાં મોકલે. ગામડાંમાં રહેતી દેશની દરેક દીકરીને મનગમતું ઍજ્યુકેશન મળે, છોકરાની જેમ શહેરમાં ભણવા માટે અધિકાર મળે તે જરૃરી છે. દીકરીને પણ કરિયર બનાવવા માટે એટલો જ સ્કોપ મળવો જોઈએ જેટલો દીકરાને મળે છે. માત્ર દીકરી હોવાના કારણે કોઈ સ્ત્રી હાયર ઍજ્યુકેશનથી વંચિત ન રહેવી જોઈએ, કારણ કે ઍજ્યુકેશન મેક્સ ધ ઓલ ડિફરન્સ!

‘વળી, કોઈ છોકરીને લગ્ન કરવા જ ન હોય, માત્ર કરિયર જ બનાવવી હોય તો શું કામ એના બળજબરીથી લગ્ન કરાવવાનાં? દીકરી મોટી થાય એટલે પરણાવી જ દેવી એ એક માત્ર અભિગમ ન હોવો જોઈએ. મારી લડાઈ આ મુદ્દા માટે જ હતી, આ કેસથી સમાજમાં જાગૃતિ આવે. ઘરે-ઘરે દીકરીને દીકરા જેટલા અધિકાર મળશે તો એ જ મને થયેલો ન્યાય હશે.

‘તમે જે સંખ્યામાં અહીં હાજર રહ્યા, મને સપોર્ટ આપ્યો તે જ દર્શાવે છે કે હું તમારા સુધી મારી વાત પહોંચાડવામાં સફળ રહી છંુ. બસ મારી એટલી જ અરજ છે કે તમારા કુટુંબ, સગાં-વહાલાં કે કોઈ પણ દીકરીને તમે ઓળખતા હોવ અને એને કરિયર બનાવવાનો મોકો આપવામાં ન આવતો હોય તો એને સપોર્ટ કરજો…જરૃર પડે તો ચોક્કસ મારી મદદ માગજો..મારાથી થાય તેટલી મદદ હું કરીશ. રહી વાત કેસ જીતવાની તો એ હું તમારા પ્રેમને કારણે જીતી જ ગઈ છું. પ્રેસ-મીડિયાએ મારા કેસને કવરેજ આપીને સમાજ કલ્યાણનું કામ કર્યું છે તે માટે એમની હું ઋણી છું.’ કશિશનું બોલવાનું પૂરું થયું અને સતત પાંચ મિનિટ સુધી તાળીઓના ગડગડાટ સંભળાતા રહ્યા.

‘મૅમ..તમે તમારા ભાઈ અને પિતા સાથે હવે કેવા સંબંધ રાખશો?’ કશિશ શું જવાબ આપે છે તે સાંભળવા માટે ઉદય ઊભો રહી ગયો,

‘જી..હું પહેલાં જેવા જ સંબંધ રાખીશ..કારણ કે આ અન્યાય સામેની લડાઈ હતી. પર્સનલી મને તેમની સામે કોઈ વાંધો નથી.’ એટલું સાંભળીને કશિશ તરફ જવા માટે ઉદયે પગ ઉઠાવ્યા ત્યારે નીતિનભાઈએ એને રોકવાની કોશિશ કરી,

‘આમ જાહેરમાં એને મળશો તો સમાજમાં ઇજ્જત નહીં રહે.’

‘સમાજમાં ઇજ્જત રહે એટલા માટે જ જાઉં છું…બહેનને અન્યાય કર્યાનો ભાર લઈને જીવી નહીં શકું.?’ નીતિનભાઈ એને જતાં જોઈ રહ્યા. કશિશની નજીક ઉદયે આવીને હાથ જોડ્યા,

‘મને માફ કરી દે કિશુ..!’

‘મેં તો ક્યારનો માફ કરી દીધો છે એટલે જ તો કેસ પાછો ખેંચ્યો.’ કશિશના માથા પર ઉદયે વહાલથી હાથ ફેરવ્યો.

‘આ કેસ માટે તમારે બહુ બધું ગુમાવવું પડ્યું તેનો અફસોસ છે?’ મીડિયાનો આ સવાલ કશિશ માટે ઇમોશનલ હતો,

‘રામ જ્યારે વનવાસમાં જતા હતા ત્યારે લક્ષ્મણે કહ્યું હતું કે રામ, તમે ઇચ્છો તો કૈકયી માતાનું વચન ફોક કરી શકો, કારણ કે ચૌદ વર્ષ વનવાસ વેઠવામાં જીવન વ્યર્થ બની જશે. આદર્શ મુજબ જીવન જીવવામાં જીવન વ્યર્થ બની જાય છે ત્યારે રામે કહ્યું હતું કે, આદર્શ માટે વ્યર્થ બનેલું જીવન બીજા માટે આદર્શ બની જતું હોય છે. હું રામ જેટલા ત્યાગ તો નથી કરી શકી, પણ મારા કારણે કોઈને નવી જીવન દિશા મળતી હોય તો એ માટે જે ગુમાવવું પડ્યું તેનો મને અફસોસ નથી.’

કશિશના આ વાક્ય સાથે તાળીઓનો ગડગડાટ થયો. કશિશે બધાંને હાથ જોડી નમસ્કાર કર્યાં. એ કોર્ટનાં પગથિયાં પાસે આવી. ત્યાં એની નજર કૌશલ સામે પડી. એક પિલરને અડીને એની રાહ જોતો ઊભો હતો. કૌશલ સામે કશિશે સ્મિત કર્યું, તો એની નજર ધ્યેય પર પડી, એની ઑફિસ પાસે એની રાહ જોઈને ઊભો હતો. કશિશના ડગ એના તરફ મંડાયા, અસમંજસમાં એ ઊભી રહી ગઈ, પછી ધ્યેય સામે પ્રેમભર્યું સ્મિત કર્યું અને એણે આશા અને ઉમંગ સાથે કૉફી હાઉસ તરફ ડગલું ભર્યું.
(સમાપ્ત)

————————————————-.

કથાના સર્જનની વાત…
એકાદ વર્ષ પહેલાં ‘અભિયાન’ માટે નવલકથા લખવી તેવી તંત્રી તરુણ દત્તાણી સાથે વાતચીત થઈ ત્યારે અમે બંને એક બાબત પર મક્કમ હતા કે ‘અભિયાન’ના વાચકોને કશુંક નવીન આપવું. જે માત્ર ચીલાચાલુ મનોરંજનથી વિશેષ હોય! એટલે મેં કોર્ટ ડ્રામા લખવાનું વિચાર્યું. જેને તંત્રીશ્રીએ અનુમોદન આપ્યું. તેમાંથી ‘રાઈટ એંગલ’ નવલનું સર્જન થયું, પણ પહેલી નજરે એ એટલું સહેલું પણ ન હતું, કારણ કે કોર્ટ ડ્રામા લખવા માટે તમારી પાસે કોર્ટમાં કેસ ચાલે તે પ્રક્રિયા સમજવી પડે અને સાથે-સાથે કાયદાકીય જ્ઞાન પણ હોવું ઘટે. તે માટે મેં કોર્ટના કેટલાક સેશન્સ અટેન્ડ કર્યાં. ત્રણ વકીલ મિત્રો પાસે આખી રૃપરેખા સમજી કે મારા પ્લોટ મુજબ કેસ બને છે કે નહીં?

આ બધી કાયદાકીય માહિતી સાથે વાર્તા પણ તેમાં યોગ્ય રીતે ફિટ કરવાની જેથી વાચકને માત્ર વાંચન દ્વારા મનોરંજન જ નહીં, કાયદાનું જ્ઞાન પણ મળે. મારી આ ચોથી નવલકથા છે, પણ બાયગોડ આ નવલકથાએ મને નવનેજાં પાણી લાવી દીધાં. મારા આ નવીન પ્રયોગમાં હું સફળ થઈ છું તેનો મને આનંદ છે. મારી આ નવલકથાને મધ્યમવયની સ્ત્રીઓએ ખૂબ આવકારી…એવી સ્ત્રીઓ જેમને એમના જીવનમાં કરિયર બનાવવાનો મોકો મળ્યો ન હતો કે છીનવી લેવામાં આવ્યો હતો. આ કથા આંશિક સત્ય ઘટના પર આધારિત છે. એક છોકરી જેને મોટા શહેરમાં ભણવા જવું હતું, પણ એના ભાઈએ એને પપ્પા સાથે મળીને જૂઠું બોલીને જવા ન દીધી, જેને કારણે પેલી છોકરીની કરિયર ન બની. આ ઘટનાની મને જાણ હતી એટલે એને મારી નવલકથાના બીજનું રૃપ આપીને વટવૃક્ષ બનાવ્યું.

‘અભિયાન’ના વાચકોએ આ નવીન પ્રયોગને વધાવ્યો તથા આવકાર્યો જેથી આ નવલકથા માત્ર નારી કેન્દ્રી ન બની રહેતાં પૂરા સમાજ સુધી પહોંચી શકી તે માટે એમને ધન્યવાદ!

મારી નવલકથા માટે જરૃરી કાયદાકીય સલાહ-સૂચન આપવા માટે વકીલ મિત્રો ભાવિનભાઈ ઠક્કર તથા વિરલભાઈ રાચ્છનો દિલથી આભાર. સૌથી વિશેષ આભાર ક્રિમિનલ લોયર ધ્રુમિલ સૂચકનો..જેણે ડગલે અને પગલે મને માર્ગદર્શન પૂરું પાડ્યું. નવલકથાના પહેલા વાચક તરીકે અજય સોનીએ ઉમદા ફરજ બજાવી તે માટે એને થેન્કયુ!

લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ… અભિયાન તંત્રી તથા ટીમ અભિયાનનો આભાર.

ફરી મળીશું…ત્યાં સુધી અલવિદા દોસ્તો!

-કામિની સંઘવી

મેઇલ આઇડી – kaminiks25@gmail.com

મોબાઇલ નંબર- ૯૪૨૭૧૩૯૫૬૩

——————————-

Leave A Reply

Your email address will not be published.

Translate »