તમારા માટે, તમારી સાથે, સતત…

ધ્યેયે કશિશની સહીવાળો પત્ર રજૂ કરતાં ઉદયને પરસેવો વળી ગયો

કશિશ હોશિયાર હતી, એને તો એટલા ટકા પણ આવ્યા હતા, તો તમે એને કેમ ડૉક્ટર ન બનાવી?'

0 375

‘રાઇટ એન્ગલ’  નવલકથા પ્રકરણ – ૨૮

  • કામિની સંઘવી

અદાલતમાં આરંભાતી  શૂન્યમાંથી શાશ્વત  થવાની સફર!………….

આઇ લવ યુ ટુનો ધ્યેયનો જવાબ સાંભળી કશિશના દિલને શાંતિ થઈ. પોતે કૌશલ પાસે પાછી જતી રહે તેવું તે શા માટે ઇચ્છે છે તેવો સવાલ કરી કશિશે ધ્યેયને મૂંઝવણમાં મુક્યો. ધ્યેયે જવાબ વાળ્યો કે જો તે પાછી જવા ઇચ્છતી હોય તો તે વચ્ચે નહીં આવે. ધ્યેયે કશિશને જણાવ્યું કે તે તેને મૃત્યુપર્યંત ચાહતો રહેશે. બંનેએ એકબીજાના પ્રેમનો સ્વીકાર કર્યાે. બીજી તરફ કોર્ટની મુદત નજીક આવતાં નીતિન લાકડાવાલા પર દબાણ વધ્યું. પુરાવાના અભાવે પોતે આ કેસ જીતી નહીં શકે અને હારશે તો નાલેશી મળવાથી પોતાની પ્રેક્ટિસ પર અસર થશે તેવો તેમને ડર સતાવા લાગ્યો. આ ચિંતામાં તેમણે પોતાની બીમારીનું બહાનું કાઢી કોર્ટમાંથી ૨૫ નવેમ્બરની તારીખ મેળવી લીધી. કેસ ઠેલાયા કરે ને કશિશની ફેવરમાં સહાનુભૂતિનું મોજું શાંત પડી જાય તેવી તેમની ગણતરી હતી. ધ્યેયે કશિશને ધીરજ રાખવા જણાવ્યું. એક દિવસ કશિશ કૉફી હાઉસ બંધ કરવાની તૈયારી કરતી હતી અને અચાનક કૌશલ આવ્યો. તેણે કૌશલને કૉફી હાઉસ દેખાડ્યું. કૌશલે તેના પિતાએ મહિનાઓથી એમ જ પડેલા કૉફી હાઉસને ચલાવવા કરેલી ઓફર વિશે જણાવ્યું. જોકે, કશિશે કોર્ટનો કેસ અને પોતાના કૉફી હાઉસનો હવાલો આપી પોતે વિચારશે તેમ જણાવી વાત ટૂંકમાં પતાવી. પોતે કશિશને જાણવાની કોશિશ ક્યારેય ન કરી તેમ વિચારી કૌશલે નિઃસાસો નાંખ્યો. બીજી તરફ કોર્ટમાં તારીખના દિવસે ઉદયે આરોપો ફગાવ્યા અને પુરાવારૃપે રજૂ કરાયેલો ઍડ્મિશનનો લેટર ઊભો કરાયો હોવાનું જણાવ્યું. કશિશને પિતાની મિલકતમાં હિસ્સો જોઈતો હોઈ બદનામ કરવા કેસ કર્યાે હોવાનું ઉદયે જણાવ્યું. ધ્યેયે ઊલટતપાસ શરૃ કરી પોતાને મિલકતમાં હિસ્સો નથી જોઈતો તેવો કશિશની સહીવાળો પત્ર રજૂ કરતાં ઉદયને પરસેવો વળી ગયો. લાકડાવાલા અને ઉદય બરાબરના ફસાયા. ધ્યેયે આ લેટર કશિશના ઘેરથી મેળવી લીધો હતો. કશિશને આશ્ચર્ય થયું. ધ્યેય પાસે એવાં ક્યા કાર્ડ છે જેથી કેસ ત્યારે જ પતી જાય તેમ હતો?

હવે આગળ વાંચો…

‘વેઈટ…હું એક ફોન કરી લઉં..!’ કશિશ કશું વધુ પૂછે તે પહેલાં ધ્યેયે કહ્યું,

‘એડિટર સાહેબ…આજે તમારો રિપોર્ટર આવ્યો છે?’

‘હા…તમે કહ્યું હતું એટલે આવશે ને..મારા મિત્રોને પણ જાણ કરી છે. એટલે મોટા ભાગના મીડિયામાં કવરેજ આવશે..’ સામેથી જવાબ આવ્યો એટલે ધ્યેયે એમનો આભાર માનીને ફોન મૂકી દીધો.

‘યોર ઑનર, હવે હું મહેન્દ્રભાઈ શાહને ઇગ્ઝેમિન કરવા ઇચ્છું છું.’ રિસેસ પછી કોર્ટ કાર્યવાહી ચાલુ થઈ. જજસાહેબે પરવાનગી આપી એટલે મહેન્દ્રભાઈ વિટનેસ બોક્સમાં આવીને ઊભા રહ્યા,

‘મહેન્દ્રભાઈ, તમારે કેટલાં સંતાન છે?’ ધ્યેય એમની નજીક કઠેડાને પકડીને ઊભો રહ્યો.

‘જી, બે..એક દીકરો ઉદય અને એક દીકરી કશિશ.’ મહેન્દ્રભાઈએ કશિશ સામે જોયું,

‘તમે દીકરા અને દીકરીના ઉછેરમાં કદી કોઈ ભેદભાવ રાખ્યો છે?’ મહેન્દ્રભાઈને જે રીતે નીતિનભાઈએ બ્રીફ કર્યા હતા કે એમને ગૂંચવવા માટે કેવા પ્રકારના સવાલ પૂછાય શકે એને બદલે ધ્યેયે એકદમ અલગ સવાલ પૂછ્યો તેથી મહેન્દ્રભાઈને નવાઈ લાગી, પરંતુ એમણે હળવાશથી જવાબ આપ્યો.

‘જી મેં દીકરા અને દીકરીના ઉછેરમાં કદી કોઈ ફરક રાખ્યો નથી. હું તો મારે બંને સંતાનને સરખા જ સમજું છું.’

‘બહુ જ સરસ, મારા જાણ મુજબ તમે તમારી દીકરીને પણ દીકરા તરીકે સંબોધન કરો છો, જેથી એને એમાં પણ ભેદભાવનો ફરક ન વર્તાય? બરાબર?’ ધ્યેયે પૂછ્યું,

‘બરાબર છે..મેં હંમેશાં કશિશને કશિશ દીકરા તરીકે જ સંબોધન કર્યું છે.’ મહેન્દ્રભાઈએ ગર્વથી કહ્યું,

‘ઉદય અને કશિશ એ બંનેમાંથી ભણવામાં કોણ હોશિયાર હતું?’ ધ્યેય બોલ્યો એ સાથે જ નીતિન લાકડાવાલાએ ઓબ્જેક્શન લીધું,

‘માય ઓબ્જેક્શન માય લૉર્ડ…ફરિયાદીના વકીલ કેસને રિલેટેડ સવાલ પૂછે તેવી મારી વિનંતી છે.’

‘યોર ઑનર, હું કેસને રિલિટેડ સવાલ જ પૂછી રહ્યો છું, પ્લીઝ મને પૂછવાની પરવાનગી આપો.’

‘ઓબ્જેક્શન ઓવર રૃલ્ડ!’ જજે ધ્યેયને પરવાનગી આપી,

‘ઉદય કરતાં કશિશ ભણવામાં બહુ તેજ હતી. પહેલાં ધોરણથી જ એનો ક્લાસમાં હંમેશાં પહેલો-બીજો નંબર આવ્યો છે. સ્કૂલમાં બહુ ઇનામ મેળવ્યાં છે. એક બાપ તરીકે મને એના માટે બહુ ગર્વ છે. એના સ્કૂલના ટીચર્સ અને પ્રિન્સિપાલ કશિશના બહુ વખાણ કરતા હતા. મને કહેતાં કે તમે તમારી દીકરીને ખૂબ ભણાવજો…ડૉક્ટર બનાવજો..’ મહેન્દ્રભાઈ બહુ ઉત્સાહમાં આવી ગયા.

‘ઉદયને તમારા ધંધામાં એટલે જોડી દીધો કે એ હોશિયાર ન હતો?’

‘માય ઓબ્જેક્શન માય લૉર્ડ, ફરિયાદીના વકીલ બિનજરૃરી સવાલ પૂછીને અદાલતનો સમય વેડફી રહ્યા છે.’ નીતિનભાઈએ વાંધો ઉઠાવ્યો, જજ કશું બોલે તે પહેલાં ધ્યેય બોલ્યો,

‘માય લૉર્ડ, આરોપીના વકીલ બિનજરૃરી દખલ કરીને મને વારંવાર અટકાવીને કોર્ટનો સમય વેડફી રહ્યા છે તેથી મને મારી વાત પૂરી કરવા માટે એમને કોર્ટ શાંતિ રાખવા કહે.’

‘ફરિયાદીના વકીલની પૂછપરછ પૂરી થવા દો..પછી તમને પણ ચાન્સ મળશે..’ જજે નીતિનભાઈને કહ્યું એટલે એ બેસી ગયા,

ધ્યેયે ફરી સવાલ પૂછ્યો એટલે મહેન્દ્રભાઈ બોલ્યા,

‘હા..કારણ કે એ બીજું કશું કરી શકે તેમ ન હતો.’

‘અગર ઉદય ભણવામાં હોશિયાર હોત તો તમે એને એન્જિનિયર કે ડૉક્ટર બનાવ્યો હોત?’

‘ચોક્કસ..મને તો ઉદય પણ ભણી ગણીને ડૉક્ટર-એન્જિનિયર બને તો વાંધો ન હતો.’ મહેન્દ્રભાઈ એકદમ સહજતાથી વાતવાતમાં જે કહેવું ન જોઈએ તે કહી દીધું,

‘માય લૉર્ડ, આ પોઇન્ટ નોટ કરશો..’ જજે માથું હલાવીને આ વાતને નોંધ કરી.

‘જો ઉદય હોશિયાર હોત તો તમે એને ડૉક્ટર બનાવવા રાજી હતા તો પછી કશિશ હોશિયાર હતી, એને તો એટલા ટકા પણ આવ્યા હતા, તો તમે એને કેમ ડૉક્ટર ન બનાવી?’ ધ્યેયે ધીમે રહીને સવાલ પૂછી લીધો. હવે ધ્યેયના સવાલથી મહેન્દ્રભાઈ મૂંઝાઈ ગયા. અત્યાર સુધીના જે સવાલ પૂછાયા તેના જવાબ એમણે જાતે આપ્યા હતા, પણ હવે જે સવાલ પૂછાયો એના જવાબ એમને ગોખવવામાં આવ્યા હતા. એટલે જ એ યાદ કરવા પડે તેમ હતા અને તેથી જ એ કન્ફયુઝ થઈ ગયા.

‘જી…મેં ક્યાં ડૉક્ટર બનાવવાની ના પાડી હતી? એ તો એના ટકા આવ્યા નહીં…એટલે…બાકી હું તો ઇચ્છતો હતો…’ એ જવાબ આપવામાં થોથવાઈ ગયા,

‘મહેન્દ્રભાઈ, કશિશની સાથે ભણતા બે છોકરા કે જેમને કશિશ જેટલા જ માર્ક હતા તેમને ઍડ્મિશન મળે તો કશિશને કેમ ન મળે તેવો તમને સવાલ ન થયો?’ ધ્યેયના સવાલથી હવે મહેન્દ્રભાઈએ અકળામણ અનુભવી,

‘જી…મેં તપાસ કરી હતી…હું કૉલેજ ગયો હતો…ત્યાં જ ખબર પડી કે મેરિટ ઊંચંુ ગયું છે તેથી કશિશને ઍડ્મિશન નહીં મળે.’ આ વખતે ગોખેલો જવાબ મહેન્દ્રભાઈ સડસડાટ બોલી ગયા,

‘મહેન્દ્રભાઈ, તમે જે હમણાં કહ્યું તે સાચું છે?’ ધ્યેયે એદકમ નજીક આવીને પૂછ્યું, મહેન્દ્રભાઈ મૂંઝાઈને આમતેમ જોઈ રહ્યા, પછી એ નીચું જોઈ ગયા.

‘મહેન્દ્રભાઈ, હું તમને યાદ કરાવું શું બન્યું હતું. કશિશના નામનો ઇન્ટરવ્યૂ કૉલ આવ્યો હતો, તમે અને ઉદયે જાણીજોઈને ઍડ્મિશન ઇન્ટરવ્યૂ લેટર છુપાવી રાખ્યો, ઍડ્મિશનનાં બધાં રાઉન્ડ પતી ગયાં તે પછી પણ કશિશનો કૉલ લેટર ન આવ્યો એટલે એ તપાસ કરવા જતી હતી, પણ તમે બંનેએ એને રોકી અને ખુદ તપાસ કરવા ગયા, કારણ કે તમારે એને ઍડ્મિશન નહોતું અપાવવું. તમે એને એટલે ભણતા અટકાવી કે તમે એના માટે મેડિકલનો મોટો ખરચ કરવા ઇચ્છતા ન હતા…!’

Related Posts
1 of 34

‘ના…ના…મને ખરચાનો વાંધો ન હતો…’ મહેન્દ્રભાઈ વચ્ચે બોલી પડ્યા,

‘તો તમને એ વાંધો હતો કે એ છોકરી છે ક્યાંક કશું આડુંઅવળું…’ ધ્યેયે જાણી જોઈને વાત અધૂરી મૂકી,

‘એ જ તો.. છોકરીની જાતને બહાર ભણવા મોકલું તો વળી ક્યાંક એનો પગ…’ મહેન્દ્રભાઈને અચાનક ભાન થયું કે પોતે આડકતરી રીતે પોતાના ગુનાની કબૂલાત કરી રહ્યા છે એટલે એ બોલતા અટકી ગયા, ઉદય અને નીતિનભાઈના ચહેરા પર ટેન્શન આવી ગયું,

‘બોલો…મહેન્દ્રભાઈ…તમારી વાત પૂરી કરો.’

મહેન્દ્રભાઈ કશું બોલવા ઘડીક ઉદય તરફ તો ઘડીક નીતિનભાઈ તરફ તો ઘડીક કશિશ સામે જોઈ રહ્યા, ભૂલમાં એમનાથી કબૂલાત થઈ ગઈ હતી.

‘બોલો મહેન્દ્રભાઈ, તમે જાણીજોઈને કશિશને ડૉક્ટર બનવા ન દીધી…કારણ કે ઉદય ઇચ્છતો હતો કે એની બહેન છોકરી છે એટલે એને બહાર ભણવા ન જવા દેવાય, તમે દીકરાના કારણે તમારી દીકરીને એના સપનાથી વંચિત રાખી. બોલો મહેન્દ્રભાઈ, આ વાત સાચી છે? જો નથી તો કશિશના સમ ખાઈને કહી દો કે આ વાત ખોટી છે! તમારા કારણે આજે કશિશની હાલત આવી છે…જે છોકરી ભણી ગણી, ડૉક્ટર બનીને સમાજમાં લોકોની સેવા કરતી હોત, જેનું સમાજમાં નામ હોત, પ્રતિષ્ઠા હોત એને આજે ઘર છોડવાનો વારો આવ્યો..પોતાનું ગુજરાન ચલાવવા કૉફી હાઉસ ખોલીને લોકોના માટે નાસ્તો-કૉફી બનાવવા પડે છે. તમારા કારણે એણે લોકોનાં એઠાં વાસણ ઉપાડવાનો વારો આવ્યો. માત્ર ને માત્ર તમારા એક નિર્ણયના કારણે કશિશને તમે એટલી લાચાર બનાવી દીધી કે એનું જીવન સંઘર્ષમય બની ગયું, એક બાપ તરીકે તમને દુઃખ નથી થતું કે તમારી દીકરીની કેવી હાલત તમે કરી નાખી જેને કદી ભગવાન પણ માફ ન કરી શકે…કશિશની આવી હાલત માટે માત્ર ને માત્ર તમે જવાબદાર છો..તમે જ..’

એ સાથે જ મહેન્દ્રભાઈ વિટનેસ બોક્સમાં બેસી પડ્યા. એમણે કાન પર હાથ દાબી દીધા…

‘બસ…બસ….’ એ બેઠાં બેઠાં રડી પડ્યા, રડતાં રડતાં બોલ્યા, ‘કશિશ બેટા મને માફ કરી દે…મારી ભૂલ થઈ ગઈ…હું ઉદયની વાતમાં આવી ગયો હતો એટલે મેં તને મેડિકલ કૉલેજમાં ઍડ્મિશન લેવા ન દીધું…દીકરા મને માફ કર…તને ઍડ્મિશન મળી ગયું હતું…મને માફ કર…’ મહેન્દ્રભાઈની આંખમાંથી પસ્તાવો આંસુરૃપે વહી રહ્યો. એમની કબૂલાતથી પળવાર માટે કોર્ટરૃમમાં સન્નાટો છવાઈ ગયો.

ઉદય અને નીતિનભાઈના માથા શરમથી નીચે ઝૂકી ગયા. મહેન્દ્રભાઈને રડતાં જોઈને કશિશ ઊભી થઈ ગઈ. એક બાજુ દિલમાં આનંદ થતો હતો કે પોતાને થયેલા અન્યાય સામે ન્યાય મેળવવા માટે એણે કેટલાં બલિદાન આપ્યાં હતાં, એ બધાં આ ક્ષણે એને વાજબી લાગ્યા. બીજીબાજુ એના પપ્પા પોતાના કારણે દોષી ઠર્યા એટલે દુઃખ થતું હતું.

‘માય લૉર્ડ…આજે પણ આપણા દેશમાં છોકરીઓને હાયર એજ્યુકેશન અપાવવા માટે મા-બાપ ભેદભાવ રાખે છે. દીકરાને ભણાવવો હોય તો લોકો લાખો રૃપિયાનો ખર્ચો કરી નાંખે છે, પણ દીકરી પાછળ ખરચ કરતાં પહેલાં સો વાર વિચાર કરે છે, કારણ કે એમને જાત જાતના ડર સતાવે છે. છોકરીઓની સલામતીથી લઈને એમના ભણતર પાછળ ખરચ કરવામાં આવે તો એનું વળતર મળશે કે કેમ એ વિશે પહેલાં વિચાર કરવામાં આવે છે. છોકરી કોઈના પ્રેમમાં પડી જશે તો નાત બહાર લગ્ન કરવા પડશે તો સમાજમાં પોતાની શું ઇજ્જત રહેશે તે વિશે વિચાર કરવામાં આવે છે. દીકરીનાં લગ્ન પાછળ કરોડો રૃપિયાનો ખર્ચ કરતાં મા-બાપ દીકરીનાં ઍજ્યુકેશન કે કરિયર બનાવવા માટે રૃપિયા ખરચવાનું પસંદ નથી કરતા. માય લૉર્ડ, જાતીય ભેદભાવને કારણે કશિશને ડૉક્ટર બનવાથી વંચિત રાખવામાં આવી. જો સમાજના કહેવાતા સુધરેલા પરિવારમાં આવી પરિસ્થિતિ હોય તો સમાજના નીચલા વર્ગમાં દીકરીઓની સ્થિતિ સમજી શકાય તેવી છે. માય લૉર્ડ…સમાજમાં દાખલો બેસે તે માટે આ ગુનો કરનારા મહેન્દ્રભાઈ તથા એમના સાથે કાવતરામાં સામેલ એમના દીકરા ઉદય શાહને અદાલત કડકમાં કડક સજા કરીને કોર્ટમાં દાખલો બેસાડે તેવી મારી અરજ છે, કારણ કે આ કેસ રેરેસ્ટ ઓફ ધ રેર છે તેથી એની સજા પણ એવી હોવી જોઈએ, જેથી મા-બાપ પોતાની દીકરીઓને ભણાવવા માટે આગળ આવે અને સમાજમાં દીકરીને અન્યાય ન થાય.’

ધ્યેયનું આ નાનકડું લેક્ચર પૂરું થયું અને એ સાથે જ કોર્ટરૃમ તાળીઓથી ગુંજી ઊઠ્યો. જજે કોર્ટને શાંત થવા કહ્યું,

‘કોર્ટ આવતીકાલે સવારે અગિયાર વાગે પોતાનો ફેંસલો સંભળાવશે. ત્યાં સુધી કોર્ટ મહેન્દ્રભાઈ તથા ઉદયને દેશ કે શહેર છોડવાની મનાઈ કરે છે, કોર્ટ ઈઝ આડજર્ન ફોર ટુ ડે.’

જજ ગયા તે સાથે જ કોર્ટરૃમમાં ધ્યેય અને કશિશને અભિનંદન આપવા માટે લોકોનો ધસારો થયો. કશિશ લોકોના અભિનંદન ઝીલતી હતી, પણ એની નજર એના પપ્પા મહેન્દ્રભાઈ પર હતી. એણે જોયું કે ઉદય એમના પપ્પા તરફ નજર કર્યા વિના જ વકીલ સાથે કોર્ટરૃમની બહાર નીકળી ગયો. મહેન્દ્રભાઈ એકલા પડી ગયા હતા. કશિશ એમની પાસે જઈને ઊભી રહી. કશિશને જોતા જ મહેન્દ્રભાઈએ હાથ જોડ્યા અને બોલ્યા,

‘મને માફ કરી દે..બેટા…’ કશિશે એમના હાથ પકડી લીધા,

‘પપ્પા…’ માંડ આટલું બોલી શકી, અને એમને ભેટી પડી. બાપ-દીકરી ભેટીને રડી પડ્યાં. આ બાજુ ધ્યેયની આસપાસ પ્રેસ રિપોર્ટર્સ અને બીજા વકીલો ઊભા રહી ગયા હતા. બધા જાત-જાતના સવાલ પૂછતા હતા. ધ્યેય બધાને શાંતિથી જવાબ આપતો હતો. ત્યાં એની નજર કશિશ પર ગઈ. એને અને મહેન્દ્રભાઈને રડતાં જોઈને તે એ તરફ ચાલ્યો એટલે બધાની નજર કશિશ અને મહેન્દ્રભાઈ તરફ ગઈ. એક રિપોર્ટરે પૂછ્યું,

‘તમને શું લાગે છે? મહેન્દ્રભાઈ તથા ઉદયને શું સજા થશે?’

ધ્યેયે જરા વિચારીને જવાબ આપ્યો,

‘આવો કેસ આજ પહેલાં આવ્યો નથી. બાકી એમની સામે જે કલમ લગાવવામાં આવી છે તે મુજબ ત્રણથી દસ વર્ષની સજા થઈ શકે.’

એ રિપોર્ટરની સાથે સાથે કશિશે પણ સાંભળ્યું. ત્યાં એક રિપોર્ટરે પૂછ્યું,

‘મૅમ, તમે કેસ જીતવાની અણી પર છો તેથી તમને કેવું ફીલ થાય છે?’

‘આઈ એમ ફિલિંગ ગુડ…’ કશિશે હસીને જવાબ આપ્યો, પણ રિપોર્ટરના બીજા સવાલે એનું હાસ્ય છીનવી લીધું,

‘તમારા જ પપ્પા અને ભાઈને ત્રણ વર્ષથી લઈને દસ વર્ષ સુધીની સજા થઈ શકે છે તેથી તમને ખુશી થશે?’

‘વ્હોટ રબિશ! મારા ભાઈ કે પપ્પાને સજા થાય તેથી હું ખુશ થાઉં?’ કશિશ ઉશ્કેરાઈ ગઈ.

‘સજા તો થશે જ ને..મૅમ, તે તમે કેવી રીતે રોકી શકો?’ તરત જ રિપોર્ટરે સવાલ ફેંક્યો,

‘પ્લીઝ લેટ મી ગો ટુડે…હું તમને કાલે બધા જવાબ આપીશ.’ કશિશે મહેન્દ્રભાઈનો હાથ પકડ્યો અને સીધી ધ્યેયની ઑફિસમાં જતી રહી. એ રિપોર્ટર્સના સવાલથી પરેશાન થઈ ગઈ હતી. ઑફિસમાં આવીને કશિશે એમને પાણી પીવડાવ્યું. પછી બાપ-દીકરી ચુપચાપ બેઠાં રહ્યાં. કહેવા જેવી તો અનેક વાત હતી, પણ હવે કશું કહેવાનું બચ્યું જ ન હતું. કશિશને એ સવાલ પરેશાન કરતા હતા કે પોતાના કારણે આજે એના પપ્પાને આમ સમાજમાં નીચાજોણું થયું. તો બીજી બાજુ મહેન્દ્રભાઈએ પોતાના ગુનાની કબૂલાત કરી તેથી એ પારાવાર ક્ષોભ અનુભવી રહ્યા હતા. કશિશ સામે જોવાની પણ એમને હિંમત થતી ન હતી. એમને બીજી ચિંતા પણ સતાવતી હતી. ઉદય એમને મૂકીને જ ઘરે જતો રહ્યો. તેથી સ્પષ્ટ હતું કે એ કેટલો નારાજ છે. હવે પોતાને એ ઘરમાં પહેલાં જેવા માન-આદર નહીં મળે તો રહેવું કેમ અને ક્યાં?

‘પપ્પા…શું વિચારો છો?’ કશિશે બાપ-દીકરી વચ્ચેના ક્ષોભને તોડવાનો પ્રયત્ન કર્યો,

‘બસ એ જ વિચારતો હતો કે ઉદય બહુ નારાજ થશે…મને એ રાખશે કે નહીં?’ મહેન્દ્રભાઈ દીકરી સામે ખોટું બોલી શક્યા નહીં.

‘ડોન્ટ વરી પપ્પા…હું છું ને…હું એકલી જ રહું છું..તમે મારી સાથે રહેજો..!’

કશિશ સામે મહેન્દ્રભાઈ જોઈ રહ્યા, એમનાથી મનોમન બંનેની સરખામણી થઈ ગઈ.

કશિશને એમની કેટલી પરવા છે! આટલું એના પર પોતે વિતાડ્યું તો ય એના દિલમાં એમના માટેનાં પ્રેમ-માન અકબંધ છે. આ બાજુ ઉદયને બધી સંપત્તિ આપી, એણે કહ્યું તેમ કર્યું તો ય આજે મુશ્કેલીની ઘડીએ એમને છોડીને જતો રહ્યો. નવેસરથી એમની આંખમાં આંસુ આવી ગયા. કશિશે એ જોઈને એમના હાથ પકડી લીધા,

‘પ્લીઝ પપ્પા, ડોન્ટ ક્રાય…હું છું ને તમારી સાથે!’

‘હા..દીકરા…તું તો મારી સાથે જ છે ને..પણ જોકે મારે રહેવાની ચિંતા કરવાની નથી..કાલથી તો હું કદાચ જેલના સળિયા ગણતો થઈ જઈશ..’ મહેન્દ્રભાઈ સહેજ ખસિયાણું હસી પડ્યા,

‘ના..પપ્પા…હું એવું કદી નહીં થવા દઉં…’ કશિશ બોલી ત્યાં જ ધ્યેય ઑફિસમાં આવ્યો. કશિશે કશી જ ઔપાચારિકતા વિના સીધું જ કહી દીધું,

‘ધ્યેય….મારે કેસ પાછો ખેંચવો છે!’ માથે વીજળી પડી હોય તેમ ધ્યેય આઘાત અને આશ્ચર્યથી કશિશની સામે તાકી રહ્યો.
(ક્રમશઃ)

અદાલતમાં આરંભાતી  શૂન્યમાંથી શાશ્વત  થવાની સફર! ‘રાઇટ એન્ગલ’ નવલકથા વાંચવા અભિયાન સબસ્ક્રાઇબ કરો.

——————————-.


Leave A Reply

Your email address will not be published.

Translate »