– હેતલ રાવ
શું તમને દાંતથી નખ ખાવાની આદત છે..? ના, તો ચોક્કસથી તમે કાન કે આંખો ખંજવાળતા જ હશો..? અને નાકમાં આંગળી નાખવાની તમારી બાળપણની આદત હજુ પણ કદાચ ગઈ નહીં હોય..? પણ શું તમે જાણો છો તમારી આ આદત તમારો પર્સનાલિટી ગ્રાફ કેટલો નીચો લઈ આવે છે? આવી આદતોના કારણે ઑફિસમાં તમે ગોસિપનો મોસ્ટ પોપ્યુલર વિષય બની જાવ છો…
નખ ચાવવાથી હાથની સુંદરતા લુપ્ત થઈ જાય છે. તો વળી તમને ફંગલ ઇન્ફેક્શન પણ થાય છે જે તમારા નખને હંમેશાં માટે નુકસાન પહોંચાડી શકે છે. તમારા નખ હંમેશાં સાફ જ રહેતા નથી અને નખ મોઢામાં નાખતા પહેલાં તમે હાથને ધોવાની પણ તસ્દી લેતા નહીં હોવ. તમારી આ હરકતના કારણે ઑફિસમાં તમારા કલિંગ્સ તમારી સાથે બેસવાનું પણ પસંદ કરતા નહીં હોય. એટલું જ નહીં, ઑફિસ ચર્ચામાં તમારો નંબર અવ્વલ રહેતો હશે જે તમારી પર્સનાલિટી પર ખોટી અસર પાડે છે.
નખ ચાવવા કે પછી કાન ખંજવાળવા, નાકમાં આંગળી નાંખવી કે પછી માથામાં ખંજવાળવું આ બધી ખરાબ આદત છે જે ઘણી મુશ્કેલીથી જાય છે. માટે આ આદતોથી જેટલો જલ્દી છુટકારો મળી જાય તેટલું વધારે સારું છે. આ આદતો તમારી માટે તો નુકસાનકર્તા છે જ સાથે જ બીજા લોકોને પણ ખરાબ લાગે છે. જેના કારણે તમારા વ્યક્તિત્વને ઘણુ નુકસાન થાય છે અને જો તમે નોકરી કરતા હો તો તમારી માટે આ આદતો વધારે નુકસાનકર્તા છે.
કોઈ તમારી પાસે બેસવાનું કે વાત કરવાનું પસંદ નહીં કરે જેના કારણે તમારામાં નેગેટિવ એપ્રોચ આવશે. સાથે જ આ ખરાબ આદત તમારી નોકરી માટે પણ જોખમ ઊભું કરશે. પગ હલાવવા, કાન ખંજવાળવા, આંગળી ચાટવી, મોઢા પર હાથ રાખ્યા વિના ખાંસી ખાવી કે છીંક ખાવી, ખુરસીમાં ગોળ ફરવા જેવી આદતો ઑફિસમાં કોઈ પસંદ નથી કરતું. માટે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી પોતાની આ ખરાબ ટેવ પર કાબૂ રાખો.
ડાઇનિંગ ટેબલ પર વાતો કરવી
કહેવાય છે કે જમતા સમયે વાતો કરવી જોઈએ નહીં. હકીકતમાં જ્યારે આપણે જમવા બેઠા હોઈએ ત્યારે જો વાતો કરીએ છીએ તો મોઢામાંથી ખોરાક, થૂંક વગેરે બહાર આવે છે અને જો આ સામે બેઠેલી વ્યક્તિ પર પડે તો તેને ઘણુ ખરાબ લાગે છે. જો આવી આદત તમારી હશે તો તમારી સાથે બેસવાનું કોઈ પણ વ્યક્તિ પસંદ નહીં કરે. જે તમારી પર્સનાલિટીને નુકસાન પહોંચાડે છે. તો બીજી બાજુ ઑફિસમાં પણ કોઈ મિત્ર તમારી સાથે લંચ કરવું કે વાત કરવાનું પસંદ નહીં કરે.
નાકમાં આંગળી નાંખવી
આ આદત ઘણી ખરાબ છે. તમારું આવંુ કરવું અન્ય લોકોને બિલકુલ પસંદ નથી પડતું. આવું કરવાની આદત હોય તો લોકો તમારાથી દૂર રહેવાનું જ પસંદ કરશે. એટલંુ જ નહીં, તમારી સાથે હાથ મિલાવાનું પણ પસંદ નહીં કરે. એટલંુ જ નહીં, પણ જો તમારી આવી ગંદી આદત હશે તો તમને જોઈને સામેની વ્યક્તિનું રિએકશન બિલકુલ વિચિત્ર હશે.
કાન ખંજવાળવા
ઑફિસમાં નવરા પડ્યા નથી કે પેન્સિલ કે પેન લઈને કાનમાં ખણવાનું શરૃ કરી દેવામાં આવે છે. આ એવી આદત છે જેના કારણે તમારી પેન પેન્સિલનો ઉપયોગ અન્ય લોકો નથી કરતા. સાથે જ બને ત્યાં સુધી તમારી સાથે વાત કરવાનું પણ ટાળે છે.
આ બધી ખરાબ આદતો તમારા પર્સનાલિટી ગ્રાફને ડાઉન કરે છે. માટે જરૃરી છે કે આ બધી આદતોને એવોઇડ કરો અથવા કાયમ માટે અલવિદા કહો. જો તમે નોકરી કરો છો તો તમારે આવી ટેવને તત્કાલ છોડવી જોઈએ અને યુવાનોએ પોતાના પર્સનાલિટી ગ્રાફને જાળવી રાખવા માટે અત્યારથી જ આ કુટેવોથી દૂર રહેવું જોઈએ.
————————–