તમારા માટે, તમારી સાથે, સતત…

હસતાં રહેજો રાજ – પુત્રનાં લક્ષણ પારણામાં…

'અત્યારે અલગ-અલગ રંગના બૂટ પહેરવાની ફેશન નીકળી છે

0 239

હસતાં રહેજો રાજ – જગદીશ ત્રિવેદી

એક સવારે અમે ચારે મિત્રો ચાની હોટલ ઉપર બેઠા હતા. અમારી સાથે હોટલના માલિક ચંદુભા પણ હતા. ભોગીલાલે બૂટમાંથી પગ બહાર કાઢ્યા અને ચતુર ચુનીલાલે ભૂલ પકડી લીધી.

‘ભોગીલાલ, તારા બંને મોજાંનો રંગ એક જ છે, પણ ડિઝાઇન જુદી છે.’

‘આ ભૂલ મારાથી અવારનવાર થાય છે.’ ભોગીલાલે ભૂલ સ્વીકારી.

‘આટલા માટે તો હું બૂટ કાયમ પહેરું છું. પણ મોજાં ક્યારેય પહેરતો નથી.’ ચંદુભાએ આત્મવૃત્તાંત રજૂ કર્યું.

‘હવે બંને મોજાંનો રંગ જુદો હોય તો પણ ચાલશે?’ મેં કહ્યું.

‘મોજાંનો રંગ જુદો હોય તો પણ ચાલશે?’ અંબાલાલને અચરજ થયું.

‘અત્યારે અલગ-અલગ રંગના બૂટ પહેરવાની ફેશન નીકળી છે. તેથી હવે ટૂંક સમયમાં જુદા-જુદા રંગનાં મોજાંની પણ ફેશન નીકળશે.’ મેં આશા પ્રગટ કરી.

‘આ ફેશને દાટ વાળ્યો છે.’ ચંદુભા ગુસ્સે થયા.

‘કેમ શું થયું?’

‘અત્યારે એક નવી ફેશન નીકળી છે. બહેનો બંને ખભા પાસે હાથ થોડા ખુલ્લા રહે એવાં કપડાં પહેરે છે.’ ચંદુભા ઉવાચ.

‘એમાં એક ફાયદો થાય. જો ઇમરજન્સીમાં ઇન્જેક્શન લેવાનું થાય તો હાથ ખુલ્લો હોય તો ઉતાવળ થાય.’ ભોગીલાલે પોતાનો વિચાર મૂક્યો.

‘અમુક છોકરા-છોકરીઓ ફાટેલા પેન્ટ પહેરે છે. આપણને એમ થાય કે ગરીબી ભરડો લઈ ગઈ લાગે છે.’ ચંદુભાએ કહ્યું.

‘બાપુ… ફાટેલા પેન્ટ તો વધારે મોંઘા મળે છે.’

‘એના કરતાં ગરીબો સાથે બદલાવી લેતા હોય તો વધુ સારું. ગરીબોને સાજા-સારા પાટલૂન મળી જાય અને અમીરોને ફાટેલા મળી જાય.’ અંબાલાલે ફરી લાખ રૃપિયાની વાત રજૂ કરી.

‘હું તો બહુ વિચાર કરીને એક તારણ ઉપર આવ્યો છું.’ ભોગી બોલ્યો.

‘એટલે તું વિચારી પણ શકે છે?’ ચુનીલાલે ટીખળ કરી.

‘હું એવા તારણ ઉપર આવ્યો છું કે પુરુષો થોડાં વ્યસન ઓછાં કરે અને સ્ત્રીઓ થોડી ફેશન ઓછી કરે તો ફરી રામરાજ્ય આવી શકે છે. મને એસ.ટી. બસમાં રોજ અનેક માણસો મળે છે એના ઉપરથી તારણ કાઢ્યું છે.’ ભોગીલાલે સરસ વાત કરી.

‘આ અંબાલાલ અને ચુનીલાલ તારી મઝાક કરે છે, પણ ચુનીલાલની એક સત્ય ઘટના તમને કહું છું.’ મેં ચુનીલાલનું પાનિયું ખોલ્યું.

‘રહેવા દે ભાઈ… હવે નહીં બોલું.’ ચુનીલાલે હાથ જોડ્યા.

‘ના… એકાદ વાત તો કરવી જ પડશે.’ ચંદુભાએ હઠ પકડી.

‘મારો એકવાર મુંબઈમાં કાર્યક્રમ હતો. ચુનીલાલ મુંબઈ જોવા માટે સાથે આવ્યો. મારો મિત્ર હોવાથી આયોજકોએ ચુનીયાને સ્ટેજ પર બેસવા દીધો. ચુનીલાલ પહેલી જ વખત મુંબઈ આવતો હોવાથી બૂટ પહેર્યા હતા, પણ મોજાંની બીજી જોડ ભૂલી ગયેલો એટલે ત્રણ દિવસથી એકની એક જોડી પહેરી રાખી હતી.’ મેં વાત માંડી.

‘મારી નાખ્યા…’ ભોગીલાલ ઉવાચ.

‘અમુક લોકો બૂટ કાઢે પછી મોજાં બહુ ગંધાય. ચુનીલાલનું પણ એવું જ છે. એમાં પાછા ત્રણ દિવસથી પહેર્યા હતા. ચુનીલાલનાં મોજાં એવા ગંધાય કે હું મારું બોલવાનું ભૂલવા લાગ્યો.’

‘પછી?’

‘મારાથી રહેવાયું નહીં એટલે મેં ચાલુ કાર્યક્રમે ચુનીલાલને સો રૃપિયાની નોટ આપતા કહ્યું કે અત્યારે જ બહાર જઈને નવા મોજાં ખરીદીને પહેરી લે.’

‘બરાબર છે.’ અંબાલાલે ટાપશી પુરી.

‘સોની નોટ હાથમાં આવી એટલે દોડતો ગયો.’

‘રૃપિયા સારા-સારા માણસોમાં ચેતન લાવી દે છે. આપણા પોલીસનો જ દાખલો લ્યો. સો નંબર ડાયલ કરો એટલે દોડીને આવે છે અને સો રૃપિયા આપો એટલે દોડીને પાછા જતા રહે છે.’ ચંદુભાએ ઘા કરી લીધો.

‘પંદર મિનિટમાં નવાં મોજાં પહેરીને આવી ગયો. મને બંને પગ બતાવ્યા. મેં જોયંુ તો સ્ટિકર સાથે નવા નકોર મોજાં પહેર્યા હતા છતાં ગંધ દૂર થતી નહોતી.’

‘નવા મોજાં પહેર્યાં છતાં પણ ગંધ?’

Related Posts
1 of 29

‘હા, મેં ગંધના ત્રાસથી કાર્યક્રમ વહેલો પૂરો કરી નાખ્યો. જેવો પડદો પડ્યો એટલે મેં માઈક બંધ કરી ચુનીલાલને પૂછ્યું કે નવા મોજાં પહેર્યા છે છતાં આટલી બધી ગંધ કેમ આવે છે? ચુનીયો શું બોલ્યો એ ખબર છે?

‘ના…’

‘ગંધ તો આવે જ, કારણ જૂના મોજાં મેં મારા ખિસ્સામાં રાખ્યા છે.’

મારી વાત સાંભળી ચુનીલાલ સિવાય બધા ખડખડાટ હસી પડ્યા.

‘ચુનીલાલ તો મોજાંને કાણા પડી જાય તો પણ છોડતો નથી.’ અંબાલાલ બોલ્યો.

‘આપણે બૂટમાંથી પગ બહાર કાઢીએ તો સામેના માણસને ખબર પડે કે કાણાવાળા મોજાં પહેર્યા છે. હું પગ બહાર કાઢતો જ નથી.’ ચુનીલાલે ચોખવટ કરી.

‘જગદીશનો અનુભવ સાંભળ્યા પછી તારે જીવદયા માટે પણ પગ બહાર કાઢવા નહીં.’ ભોગીલાલે લેગકટ મારી દીધી.

‘તેં પગ બહાર કાઢ્યો એમાં જ આ ‘ચાય પે ચર્ચા’ શરૃ થઈ. ચુની બોલ્યો.

‘આ કાણાવાળા મોજાં ઉપરથી મને એક વાત યાદ આવી.’ મેં કહ્યું.

‘થાવા દે… થાવા દે… એક નહીં પણ બે વાત થાવા દે…’ ચંદુભાને મઝા પડી. એમણે નોકરને ઇશારો કરી ચાનો બીજો રાઉન્ડ શરૃ કરાવ્યો.

‘એક બાપ કાયમ વાદળી રંગના કાણાવાળા મોજાં પહેરતો એ એના દીકરાને ગમતું નહોતું. આ બાબતે બાપ-દીકરા વચ્ચે ચકમક ઝરતી હતી. એક દિવસ પિતાએ પોતાના પુત્રને બોલાવીને કહ્યંુ કે, હું હવે વધારે જીવીશ નહીં. મારી એક અંતિમ ઇચ્છા છે કે હું મરી જાઉ પછી તું મારા મૃતદેહને કાણાવાળા મોજાં પહેરાવીને અંતિમ વિદાય આપજે.’ મેં વાત માંડી.

‘પછી?’

‘થોડા દિવસમાં બાપ ખરેખર ગુજરી ગયો. દીકરાએ પિતાની અંતિમ ઇચ્છા પુરી કરવા માટે ફાટેલા મોજાં પહેરાવ્યા ત્યાં તો પંડિત અને વડીલો કૂદ પડ્યા કે હિન્દુ ધર્મના રિવાજ પ્રમાણે માણસ જે સ્થિતિમાં આ પૃથ્વી ઉપર આવ્યો એ જ સ્થિતિમાં એને વિદાય કરવામાં આવે છે. તું મોજાં કાઢી લે. દીકરો માન્યો નહીં અને ઝઘડો થયો.’

‘પછી શું થયું?’

‘ત્યાં બીજા એક વડીલ એક ચિઠ્ઠી લઈને આવ્યા. પેલા પિતાએ મરતાં પહેલાં પોતાના પુત્ર ઉપર પત્ર લખ્યો હતો. તેમાં એટલું જ લખ્યું હતું કે દીકરા… જોયું ને? ફાટેલા મોજાં પણ મરણ બાદ સાથે લઈ જઈ શકાતાં નથી માટે સંપત્તિનો પરિગ્રહ કરતો નહીં. સંપત્તિને સમાજસેવામાં વાપરતો રહેજે.’ મેં વાત પુરી કરી.

‘વાહ… લાખ રૃપિયાની વાત કરી. આજનો માણસ આરતીની થાળીમાં એક રૃપિયો નાખીને પાંચ રૃપિયાનો સિક્કો પાછો લે એવો થઈ ગયો છે એ શું ખાક સમાજસેવા કરશે?’ ચંદુભાએ ચિતાર આપ્યો.

‘પાનના ગલ્લાવાળા પથુભાએ એક દિવસ ગલ્લો બંધ રાખ્યો.’

‘સહકારી બેંક બંધ થાય પણ પથુભાનો ગલ્લો બંધ ન થાય’ મેં કહ્યું.

‘છતાં એક દિવસ બંધ રહ્યો. બીજે દી’ ખૂલ્યો એટલે મેં પથુભાને પૂછ્યું કે કાલે ક્યાં ગયા હતા? તો મને કહે, હું રક્તદાન કરવા ગયો હતો.’ ભોગીલાલે કહ્યું

‘રક્તદાનમાં આખો દિવસ..?’ અંબાલાલે પૂછ્યું.

‘મેં પણ એમ જ કહ્યું કે લોહી લેવામાં પાંચ મિનિટ થાય. ત્યાર બાદ અડધી કોફી અને બે બિસ્કીટ લઈને ચાલતા થવાનું હોય છતાં તમારે આખો દિવસ કેમ થયો?’

‘પથુભાએ શું કહ્યું?’

‘એમણે કહ્યંુ કે મેં બસો સીસી લોહી આપ્યું એમાં હું બેભાન થઈ ગયો પછી અઢારસો સીસી મને ચડાવવું પડ્યું.’ ભોગીલાલે વાત પુરી કરી.

‘એનો મતલબ બસો સીસી દીધંુ નહીં પરંતુ સોળસો સીસી પીધંુ.’ ચંદુભા ઉવાચ.

‘એને દાન દીધું ન કહેવાય, પરંતુ લીધું કહેવાય.’ ચુનીયો બોલ્યો.

‘કેરળમાં પૂર આવ્યંુ. મેં તલકચંદ શેઠને દાન આપવા માટે વિનંતી કરી એટલે શેઠે તરત જ એક હજાર અને એક રૃપિયાનો ચેક લખી દીધો.’

‘વાહ.. શેઠ… વાહ…’ અંબાલાલ બોલ્યો.

‘તું પુરી વાત સાંભળ્યા પહેલાં વાહ… વાહ.. ન કરીશ. મેં શેઠને કહ્યંુ કે ચેકમાં આપની સહી બાકી છે. આ સાંભળી શેઠ બોલ્યા કે હું કાયમ ગુપ્તદાન કરું છું.’

‘ભક્તિ, સજ્જનતા, દાતારી, શૂરવીરતા એ બધા એવા સદ્ગુણ છે કે એ કુદરતી આવે છે.’

‘એક ગરીબના છોકરાએ બહુ મોંઘી કારના માલિકને કારની કિંમત પૂછી. પેલા અમીરે કહ્યું કે મને ગાડીની કિંમતની ખબર નથી, કારણ મારા મોટાભાઈએ મારા જન્મદિવસે મને આ ગાડી ભેટ આપી છે. ત્યાર બાદ પેલા અમીર માણસે ગરીબના છોકરાને પૂછ્યું કે તને મોટા થઈને મારા જેવા માણસ થવું ગમશે ને? ત્યારે ગરીબનો છોકરો બોલ્યો કે ના, મને તમારા મોટાભાઈ જેવો થવું ગમશે. મારે મોટા થઈને દાન લેવાવાળો થવું નથી, પરંતુ દાન દેવાવાળો થવું છે.’ મેં વાત પુરી કરી.

‘વાહ… એ છોકરો મોટો થઈને જરૃર દાનેશ્વરી બનશે કારણ પુત્રના લક્ષણ તો પારણામાંથી જ પરખાય’ ચંદુભાએ સમાપન કર્યું.

ભોગીલાલે પોતાનાં અલગ-અલગ ડિઝાઇનનાં મોજાંવાળા પગ બૂટમાં નાખ્યા અને અમે પોતપોતાના ઘર તરફ રવાના થયા.
—————————–

Leave A Reply

Your email address will not be published.

Translate »