તમારા માટે, તમારી સાથે, સતત…

વ્યંગરંગ – હૉસ્પિટલમાં ટીવી

ચમત્કાર! પેશન્ટો ફરિયાદ કરવાનું જ ભૂલી ગયા!

0 172
  • વ્યંગરંગ – કલ્પના દેસાઈ

આજ સુધી કોઈને એ સમજાયું નથી કે હૉસ્પિટલોમાં સ્વાગત-કક્ષ કે બગાસાં-કક્ષમાં અને પેશન્ટની રૃમમાં ટીવી મૂકવાનો મૂળ આઇડિયા કોનો હતો? જેને આવો અદ્ભુત વિચાર પહેલવહેલો આવ્યો હશે એને તો અંદાજેય નહીં હોય કે હૉસ્પિટલોમાં ટીવીને કારણે ભવિષ્યમાં કેવા કેવા પ્રસંગો બનશે?

એક જમાનામાં તો હૉસ્પિટલમાં ડૉક્ટરના રૃમમાં ટેબલ, ખુરશી, પંખો ને પેશન્ટને તપાસવાનું લાંબું ટેબલ રહેતું. તેવું જ પેશન્ટના રૃમમાં પલંગ, ખુરશી, નાનકડો કબાટ અને પંખો રહેતો. કોઈ ભેદભાવ નહીં. સમય જતાં ડૉક્ટરે પોતાની સાથે પેશન્ટનું પણ ભલું વિચારી દરેક રૃમમાં એસીની સગવડ કરી. પછી જોયું કે જ્યારે જ્યારે પોતે રાઉન્ડ પર નીકળે ત્યારે ત્યારે ટાંપીને બેસી રહેલા પેશન્ટો ઝીણી ઝીણી ફરિયાદો ચાલુ જ કરી દે. આખરે કંટાળીને ડૉક્ટરે પોતાના રૃમમાં નહીં, પણ ઉદાર ભાવના રાખીને દરેક પેશન્ટના રૃમમાં ટીવી મૂકાવી દીધું.

અને ચમત્કાર! પેશન્ટો ફરિયાદ કરવાનું જ ભૂલી ગયા! કોઈ વાર કોઈને યાદ આવી જાય કે હૉસ્પિટલમાં કેમ સૂતાં છીએ, તો અમસ્તાં એકાદ નજીવો સવાલ પૂછીને ડૉક્ટરનો ફેરો વ્યર્થ ન જવા દે. પછીથી તો, પેશન્ટનાં સગાંવહાલાં પેશન્ટને સ્ટ્રેચર પર સૂતેલા મૂકીને કે વ્હીલચૅરમાં બેસાડીને પણ સૌથી પહેલાં રૃમ જોઈ આવે. એસી, ટીવી, ફ્રીઝ ચાલુ હાલતમાં છે ને? બસ, હવે તો બાર પંદર દિવસ રહેવું પડે તોય વાંધો નહીં. વળી, ડૉક્ટર પણ જોઈ લે, કે આ લોકોને અહીં ગમી ગયું છે તો સારું છે. આરામથી દવા થશે, ઉતાવળ પણ શું છે?

હાલમાં એક હૉસ્પિટલમાં એક કાકીની ખબર કાઢવા જવાનો યોગ ઊભો થયો. બહુ વખતથી ઘરે બોલાવ બોલાવ કરતાં હતાં, પણ જવાયું જ નહોતું તો આ બહાને મેં’કુ ચાલો, એમને પણ સારું લાગશે કે ઠે…ઠ ઘરેથી ખાસ ખબર કાઢવા આવી. રૃમની બહાર પેસેજમાં કાકીનાં સગાંવહાલાં તો ટોળે વળીને એવાં વાતે લાગેલાં તે ભૂલી જ ગયેલાં કે ક્યાં ઊભા છે! હું ગંભીર મોંએ રૃમમાં પ્રવેશી તો મુલાકાતીઓનો સમય હોવાથી, કાકીની મુલાકાત લેવા દસેક જણ રૃમમાં હાજર હતા. ટીવી પર વન-ડે મેચ ચાલતી હતી એટલે કાકીના પલંગ પર બેય બાજુએ મળીને ત્રણ જણ બેઠેલા અને નીચે જમીન પર ત્રણેક જણ ઘૂંટણિયે બેસીને અને બાકીના દૂરના સોફા પર બેસીને મેચનો આનંદ માણતા હતા. કાકીને પણ ક્રિકેટમાં ખાસ્સો રસ હોય એવું લાગ્યું, કારણ કે એ સતત પથારીમાં ઊંચાનીચાં થતાં ડોકું આમતેમ કરતાં મેચ જોવાની માથાકૂટ કરી રહેલાં દેખાયાં!

‘ધોની રમે છે કે આઉટ થઈ ગયો?’ કાકીએ કોણી પર બેઠાં થવાની કોશિશ કરતાં પૂછ્યું, પણ કોઈને જવાબ આપવાની ફુરસદ નહોતી.

‘આ છેલ્લી વિકેટ જ છે ને ‘છગ્ગો માર, છગ્ગો’ના અવાજો વાતાવરણને તંગ કરી રહ્યા હતા. મારી સામે કે મારા ગંભીર હાવભાવને જોવાની કોઈને ફુરસદ જ નહોતી. હુંય એક દીવાલે ટેકો લઈને ‘ધોની હવે શું કરશે?’ તે જોવા ઊભી રહી. કાકીના પલંગ પાછળ નર્સ અને વૉર્ડબોય પણ બાઘા બનીને ટીવી જોતા હતા. એટલામાં અચાનક જ ડૉક્ટર સાહેબ રૃમમાં પ્રવેશ્યા! તરત જ અડધી મિનિટમાં રૃમ ખાલી! રહી ગયાં નર્સ, કાકી અને હું!

મારી નવાઈ વચ્ચે ડૉક્ટર તો ખુરસી ખેંચી ને ટીવી સામે ગોઠવાઈ ગયા!

Related Posts
1 of 29

મારી સામે જોઈને ડૉક્ટરે પૂછ્યું, ‘આ છેલ્લી જ ઓવર ને છેલ્લી જ વિકેટ છે ને? તમને શું લાગે છે, ધોની છગ્ગો મારશે?’

હું તો ડૉક્ટરને જોઈને જ ગભરાઈ ગયેલી તે મેં કાકીને પૂછ્યું, ‘કાકી, તમે ક્યારના મેચ જોતાં હતાં તે શું લાગે છે, ધોની છગ્ગો મારશે?’

‘બેન, મને ક્યાં કંઈ સમજ પડે ક્રિકેટમાં? આ તો બધાંને બે ઘડી મેચ જોવી હતી તો મેં ચાલુ કરવા કહ્યું. છો જોતાં બિચારા. ડૉક્ટરસાહેબ, આ મેચ પછી કરોડપતિ પ્રોગ્રામ આવવાનો છે. એમાં અમિતાભ કંઈ પણ પૂછશે તો મને આવડશે. મને બહુ શોખ છે આવું બધું જાણવાનો.’ કાકીએ હરખભેર કહ્યું.

‘કાલે જે છોકરી પાંચ લાખ જીતેલી તે હજી રમવાની છે આગળ? મારે પછી ઇમરજન્સી આવેલી તો છેલ્લે જોવાનું જ રહી ગયેલું.’ ડૉક્ટરને પણ કરોડપતિમાં રસ હોય ને?

‘મને તો ત્યારે જ ઝોકું આવી ગયેલું, પણ ત્યારે નર્સ રૃમમાં જ હતી એને પૂછી લો.’

ડૉક્ટરે નર્સને પૂછ્યું, ‘સોરી સર, હું મોબાઇલ પર હતી ત્યારે, એટલે મને નથી ખબર.’

‘કંઈ નહીં ડૉક્ટર, આ મેચ પતે એટલે કાલનું કરોડપતિ જ આવવાનું છે પાછું. જરાક વાર બેસો, જોઈને જ જજો.’

ડૉક્ટરે ખુરસીમાં આરામથી બેસી પગ લંબાવી દીધા. નર્સે કાકીને પલંગ ઊંચો કરી આપ્યો ને બાજુમાં ટેબલ ખેંચીને બેસી ગઈ.

———————–

Leave A Reply

Your email address will not be published.

Translate »