તમારા માટે, તમારી સાથે, સતત…

રાજકાજઃ કાશ્મીરી આતંકવાદીઓની ખતરનાક નવી શૈલી

નોટબંધી બહુ ફાયદાકારક ન નિવડી

0 71
  • રાજકાજ

કાશ્મીરી આતંકવાદીઓની ખતરનાક નવી શૈલી
કાશ્મીર ખીણના ત્રાસવાદનું નવું સ્વરૃપ હવે જોવા મળી રહ્યું છે. વાસ્તવમાં કાશ્મીરી ત્રાસવાદીઓનો આ અસલી ચહેરો અને ચરિત્ર છે. જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનોના પરિવારજનોને અપહૃત કરીને બાનમાં રાખવાની ઘટનાએ ત્રાસવાદીઓની અસલિયતને ઉઘાડી કરી નાંખી છે. આ ત્રાસવાદીઓને કાશ્મિરિયત સાથે કોઈ નિસ્બત નથી. તેઓ કાશ્મીરીઓને જ ટાર્ગેટ બનાવી રહ્યા છે. ચારે બાજુથી ઘેરાઈ ગયેલા કાશ્મીરી ત્રાસવાદીઓ હવે તેમના અસ્તિત્વની લડાઈ લડી રહ્યા હોય એવી સ્થિતિ છે. ભલે બે દિવસ પછી અપહૃત લોકોને છોડી મુક્યા હોય, આમ છતાં તેમના એ કૃત્યથી પોલીસ કે અર્ધલશ્કરી દળોની કાર્યવાહી બંધ થવાની નથી. બલ્કે તેઓ વધુ ઉગ્રતા અને દૃઢતા સાથે કામ કરશે.

ત્રાસવાદીઓનો આ દાવ તેમને જ ભારે પડે તેમ છે. આવાં કૃત્યથી તેઓ લોકોની સહાનુભૂતિ ગુમાવી દેશે એટલું જ નહીં તો સામાન્ય લોકોનાં ઘરોમાં અનેકવાર આશ્રય લઈને પડ્યા રહેતા આ ત્રાસવાદીઓ તેમના આશ્રયસ્થાન પણ ગુમાવી બેસશે. જમ્મુ-કાશ્મીરનાં પૂર્વ મુખ્યપ્રધાન મહેબુબા મુફ્તી આવા સમયે સંતુલિત પ્રતિક્રિયા આપવાનું ચૂકી ગયાં છે અને તેમણે પોલીસ જવાનોની કાર્યવાહી અને ત્રાસવાદીઓનાં કૃત્યોને એક જ ત્રાજવે તોળવાનો પ્રયાસ કર્યો છે. મહેબુબા મુફ્તીના ગૃહનગરમાંથી પણ એક અપહરણ થવાને કારણે તેમણે આવેશમાં આવીને નિવેદન કર્યું હોય તો પણ આવી બાબતમાં આ પ્રકારનું રાજકારણ શોભે નહીં. મહેબુબા મુફ્તીની ઇમેજ આમ પણ ત્રાસવાદીઓ અને પાકિસ્તાન તરફી લોકો પ્રત્યેની સહાનુભૂતિની રહી છે. એટલે કાશ્મીરમાં કદાચ કોઈને તેમનાં વિધાનોથી આશ્ચર્ય થયું નહીં હોય.

મહેબુબા મુફ્તીએ એવું કહ્યું કે ત્રાસવાદીઓ અને સુરક્ષાદળો બંને બદલાની ભાવનાથી એક બીજાના પરિવારોને નિશાન બનાવી રહ્યા છે એ કમનસીબી છે. આવું કહીને મહેબુબા મુફતી સુરક્ષા દળો અને ત્રાસવાદીઓને એક ત્રાજવે તોળી રહ્યાં છે. તેઓ ભૂલી જાય છે કે જ્યારે ત્રાજવાની એક બાજુ ત્રાસવાદીઓ હોય ત્યારે તેની સામે સુરક્ષાદળોને મુકી શકાય નહીં. મહેબુબા મુફ્તીની વાતોમાં ત્રાસવાદીઓ પ્રત્યે સહાનુભૂતિ પ્રગટ થતી રહે છે. આ નિવેદન પણ એ પ્રકારનું જ છે, પરંતુ તેઓ મુખ્યપ્રધાન રહી ચૂક્યાં છે અને તેમને ખબર હોવી જોઈએ કે સુરક્ષાદળો જે કાર્યવાહી કરે છે એ આતંકી કૃત્ય ગણી ન શકાય. આવી વાત કરીને તેઓ એક બેજવાબદાર નેતા હોવાનું પુરવાર કરી રહ્યાં છે. કાશ્મીરનો ત્રાસવાદ એવા તબક્કે આવી ઊભો છે કે જ્યાં હવે નિર્ણાયક કાર્યવાહી અનિવાર્ય બની છે. ત્રાસવાદીઓની કમર જ નહીં તો કરોડરજ્જુ તોડી નાખવામાં સુરક્ષાદળોને સફળતા મળી છે. હવે જમ્મુ-કાશ્મીરમાં પંચાયતોની ચૂંટણીનો ઇરાદો સરકારે જાહેર કર્યો છે એટલે ત્રાસવાદીઓ રાજ્યમાં દહેશતનો માહોલ ખડો કરવા પ્રયાસ કરી રહ્યા છે. પોલીસ જવાનોના સંબંધીઓના અપહરણ પાછળ પણ આવો જ ઉદ્દેશ હોય એ સ્વાભાવિક છે.
—————————.

નોટબંધી બહુ ફાયદાકારક ન નિવડી
રિઝર્વ બેન્કના વાર્ષિક અહેવાલમાં પાંચસો અને એક હજાર રૃપિયાની નોટોને રદ કરવાના નિર્ણય બાદ આ ચલણની ૯૯.૩ ટકા નોટો પાછી આવી હોવાનું જાહેર થતાં સમગ્ર ચર્ચા નોટબંધીની સફળતા-નિષ્ફળતા પૂરતી મર્યાદિત થઈ ગઈ. રિઝર્વ બેન્કના અહેવાલમાં જોકે અન્ય અનેક મુદ્દાઓ વિચારણીય હોવા છતાં વિપક્ષી રાજનીતિને અનુકૂળ આવે એવો આ એક મુદ્દો હતો અને તેને એક અવસર તરીકે ઝડપી લઈને સરકારના આ નિર્ણયને એક મોટી નિષ્ફળતા અને દુઃસાહસ ગણાવવામાં આવ્યું. આ વાત આંશિક રીતે સાચી પણ છે. આ આંકડા પ્રમાણે તો માત્ર ૦.૭ ટકા કાળુનાણું ભારતીય અર્થતંત્રમાં હતું. તેનો અર્થ એવો પણ થાય કે ભારતીય અર્થતંત્રમાં કાળાનાણાનો જે હાઉ ખડો કરવામાં આવે છે તેનું અસ્તિત્વ ચલણી નોટોના સ્વરૃપમાં સાવ નજીવું છે. નોટબંધીનાં પગલાંને કારણે રોકડ વ્યવહારમાં અંકુશ આવ્યો છે તો કરચોરીના પ્રમાણમાં ઘટાડો કરવામાં આંશિક સફળતા જરૃર મળી છે, પરંતુ નોટબંધી માટે સરકાર જે પ્રકારે મોટા દાવાઓ કરતી હતી અને ફાયદાઓ ગણાવતી હતી એ યોગ્ય ન હતું. સરકારના ફાયદા કરતાં લોકોને સહન કરવી પડેલી મુસીબતો અનેક ગણી વધારે રહી અને વેપાર-રોજગાર પરની લાંબાગાળાની અસરો હજુ પણ અનેક ક્ષેત્રોમાં જોવા મળે છે. અલબત્ત, એ એક એવો નિર્ણય હતો કે જેમાં પીછેહઠ શક્ય ન હતી. એટલે હવે અર્થશાસ્ત્રીઓ કહે છે તેમ નોટબંધીના લાંબાગાળાના ફાયદાઓનો જ વિચાર કરવો રહ્યો. આર્થિક ક્ષેત્રે આવા તરંગી નિર્ણયો લેવાનું ટાળવું જોઈએ એ આ ઘટનાનો મોટો બોધપાઠ છે.
—————————.

મણિપુરમાં ૧૯પ૧ પછી આવી વસેલા લોકો ગેરલાયક ગણાશે
આસામમાં રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (એનસીઆર)નો વિવાદ ઠંડો પડ્યો છે, ઉકેલાયો નથી, ત્યાં ભાજપના નેતૃત્વ હેઠળની મણિપુરની સરકારે આસામથી એક ડગલું આગળ વધીને વિધાનસભામાં એવો ખરડો પસાર કર્યો છે કે જેમાં ૧૯પ૧ પછી મણિપુરમાં સ્થાયી થયેલા નાગરિકોને કાયમી નિવાસી તરીકેનો દરજ્જો આપવામાં આવશે નહીં એવી જોગવાઈ કરવામાં આવી છે. તેઓએ કાં તો રાજ્ય છોડીને જવું પડશે અથવા ખાસ પ્રવેશ અને વર્ક-પરમિટ મેળવવી પડશે. આ ખરડાએ કેન્દ્ર સરકારને મુશ્કેલીમાં મૂકી દીધી છે. કેમ કે આ ખરડામાં નાગરિકતા માટે યોગ્યતા માટેની કટ-ઓફ તારીખ ર૦ વર્ષ પાછળની નક્કી કરી છે. એટલે કે આસામમાં ૧૯૭૧ પછી આવીને વસેલા લોકોને અયોગ્ય ઠરાવવામાં આવ્યા છે, જ્યારે મણિપુરમાં ૧૯પ૧ પછી આવીને વસેલા લોકોને અયોગ્ય ઠરાવવામાં આવનાર છે. હકીકતમાં મણિપુર રાજ્યની રચના જ ૧૯૭રમાં થયેલી છે. રાજ્યના રાજ્યપાલ નઝમા હેપતુલ્લા આ ખરડો ઉતાવળે મંજૂર કરવા ઇચ્છતા ન હોવાથી ગત સપ્તાહે દિલ્હી દોડી ગયા હતા. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળીને પરિસ્થિતિની જાણકારી આપી હતી. મણિપુરમાં વર્ચસ્વ ધરાવનાર મેઈતિ જાતિના દબાણ હેઠળ રાજ્ય સરકારે ખરડામાં નાગરિકતા અંગેની આવી જોગવાઈ કરી હોવાનું કહેવાય છે.
—————————.

કેરળની કુદરતી આપદા સૌને માટે પદાર્થપાઠ
કેરળમાં એક સદીની સૌથી વધુ વર્ષા અને સૌથી વધુ ભયાનક પૂરની પરિસ્થિતિએ સર્જેલી તારાજી અને તબાહીની કલ્પના થઈ શકે તેમ નથી. આંકડાઓમાં આર્થિક નુકસાનનાં અનુમાનો થઈ રહ્યાં છે. એ બધાં અનુમાનો પણ અપૂરતાં જણાય છે. કેરળનો કોઈ જિલ્લો તારાજીમાંથી બચ્યો નથી.

કૃષિને નુકસાન થયું છે, એટલું જ નુકસાન રોડ-રેલવે અને નાગરિક સુવિધાઓને થયું છે. આ તારાજી અને વિનાશમાંથી બેઠા થવામાં કેરળને લાંબો સમય લાગશે એ નિશ્ચિત છે. દેશ-વિદેશમાંથી તમામ પ્રકારની મદદનો પ્રવાહ કેરળ તરફ વહી રહ્યો છે. સરકાર, સૈન્ય અને સામાજિક સંસ્થાઓ અને સમગ્ર દેશના લોકો કેરળની આ આપદાની ઘડીએ તેમની પડખે ખડા છે. ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ યાને આપદા વ્યવસ્થાપન નિષ્ફળ ગયાની ચર્ચાનો કોઈ અર્થ નથી. આવા કુદરતી પ્રકોપ સામે બાથ ભીડવાની ક્ષમતા કોઈ પ્રબંધનમાં હોઈ ન શકે નહીં. આખરે તો એ બધા વ્યવસ્થાપન માનવ આયોજિત હોય છે, પરંતુ અસાધારણ સંજોગોમાં માનવ પાંગળો પુરવાર થાય છે. રાહત અને બચાવ કાર્યોનો આરંભ પણ ભારે વર્ષાની આગાહી અને ઓથાર નીચે કરવો પડ્યો. આ મહિને કેરળમાં ૧૬૪ ટકા વધુ વરસાદ પડ્યો. ભારે વરસાદના આવા ત્રણ રાઉન્ડ સમયાંતરે આવ્યા. ભારે વરસાદ અને નદીઓમાં પૂર ઉપરાંત છલકાઈ ગયેલા બંધના દરવાજા ખોલવામાં આવતા જે જળરાશી વહેતી થઈ એ નાગરિક વસાહતોને તારાજ કરતી ગઈ. કેરળમાં જૂનમાં શરૃ થતો વરસાદ ઑગસ્ટમાં ઓછો થઈ જાય છે, પરંતુ આ  વખતે તેનાથી ઊલટું બન્યું. વરસાદનું પ્રમાણ અસાધારણ રીતે વધ્યું.

હવામાન ખાતાની ચેતવણી છતાં હાલ વરસાદ અટક્યો છે તેને કારણે રાહતકાર્યમાં તેજી આવી છે. બચાવ અને રાહતકાર્યમાં સેનાના જવાનોને કામે લગાડવા પડ્યા છે. કેરળના બંધો હજુ પણ ભયજનક સપાટીએ છલકાઈ રહ્યા છે. ભારે પૂરને કારણે ભૂસ્ખલનના બનાવોએ સંકટમાં વધારો કર્યો છે. રસ્તાઓના ધોવાણને કારણે વાહન-વ્યવહાર અવરુદ્ધ છે. શહેરોમાં લોકોને બચાવવા અને મદદ પહોંચાડવા હોડીઓ ચલાવાઈ છે. ચોતરફ ભરાયેલાં પાણીને કારણે રોગચાળાનો ભય વધી ગયો છે. ભોજન સામગ્રીની સાથે પીવાના પાણીની પણ અછત છે. સરકારે પાણીની ટ્રેન દોડાવી છે. સંભવિત બીમારીથી લોકોને બચાવવા આરોગ્ય મંત્રાલય સજ્જ બન્યું છે.

રાજ્ય સરકારે માગેલી ૯૦ પ્રકારની દવાઓનો જથ્થો પહોંચાડવામાં આવ્યો છે. કેરળના ઉદ્યોગોને વીસ હજાર કરોડના નુકસાનનો અંદાજ છે. દેશમાં તેજાના અને મસાલાના ઉત્પાદનમાં અવ્વલ ગણાતા કેરળના આ ક્ષેત્રમાં ચાલીસ ટકા ઉત્પાદન ઘટશે એવું માનવામાં આવે છે. કૃષિ ક્ષેત્રને નવસો કરોડનું નુકસાન છે. ભારતીય રબરનું ૮૫ ટકા ઉત્પાદન કેરળમાં થાય છે. આજે ૨૮ હજાર હૅક્ટર જમીન પાણીમાં ગરકાવ છે. આ કેરળમાં સાતસો પ્રકારના ઔષધિય છોડની ખેતી થાય છે. ભગવાનનું ઘર કહેવાતા આ કેરળમાં આજે દસ લાખ લોકો રાહત શિબિરોમાં રહેવા મજબૂર બન્યા છે. જનજીવન ખરાબ રીતે ખોરવાઈ ગયું છે. પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા અને ઇન્ટરવ્યૂ રદ કરવા પડ્યા છે.

કેરળમાં પહેલીવાર એવું બન્યું છે કે પ્રાકૃતિક આપદાને કારણે ઓણમ જેવો વિશ્વ પ્રસિદ્ધ તહેવાર લોકો મનાવી નહીં શકે. આ પર્વ કેરળના પ્રવાસન ઉદ્યોગ માટે મહત્ત્વનો બની રહેતો હતો. કેરળમાં અત્યારે જાણે બધું જ સ્થગિત થઈ ગયું છે. કેરળની આ હાલત સમગ્ર દેશને પર્યાવરણની દૃષ્ટિએ નવેસરથી વિચારવા મજબૂર કરે તેવી છે. પર્યાવરણના નિષ્ણાતોની ચેતવણીને અવગણવાની અને હળવાશથી લેવાની આપણી આદતની ભારે મોટી કિંમત ચૂકવવી પડે છે, એ ભૂલવા જેવું નથી. સો ટકા સાક્ષરતાને વરેલા કેરળમાં પણ આવું જ બન્યું હતું. વિશ્વભરમાં મોસમનો મિજાજ બદલાઈ રહ્યો છે. ભારત પણ તેની અસરથી મુક્ત રહી શક્યું નથી. તેનો અનુભવ હવે પ્રતિ વર્ષ પ્રત્યેક ઋતુમાં થઈ રહ્યો છે. મોસમની આ વિકૃતિ હવામાનશાસ્ત્રીઓ અને વિજ્ઞાનીઓને પણ મૂંઝવી રહી છે. તેના ઉપાય આસાન નથી. વિકસિત થયેલી માનવ જીવન-શૈલીમાં પીછેહઠ થઈ શકે તેમ ન હોય તો કુદરતના મારને સહન કરવાની તૈયારી રાખવી પડે. કેરળ આપણા સૌને માટે એક મોટો પદાર્થપાઠ છે.
——————————.

Related Posts
1 of 31

દિવંગત ચંદ્રાસ્વામી સીઆઈએના જાસૂસ હતા !
અમેરિકાની જાસૂસી સંસ્થા સીઆઈએ અને સોવિયેત સંઘની જાસૂસી સંસ્થા કેજીબી માટે ભારત દાયકાઓ સુધી તેમના જાસૂસી ષડ્યંત્રો માટેનું મોકળું મેદાન બની રહ્યું હતું. ભારતની જાસૂસી સંસ્થા ‘રૉ’ના ભૂતપૂર્વ વડા વિક્રમ સૂદે તેમના ટૂંક સમયમાં પ્રસિદ્ધ થનાર પુસ્તક ‘ધ અનએન્ડિંગ ગેઇમ’માં એ વિશેનાં અનેક તથ્યો અને ઉદાહરણો આપ્યાં છે. અનેક રાજકારણીઓના આધ્યાત્મિક ગુરુ રહેલા દિવંગત ચંદ્રાસ્વામી પણ સીઆઈએના જાસૂસ હતા એમ જણાવતા આ પુસ્તકમાં કહેવાયું છે કે તેમણે મોરારજી દેસાઈની સરકારને તોડવામાં મદદ કરી હતી અને સેન્ટ કિટ્સ બેંકના બનાવટી દસ્તાવેજો દ્વારા વી.પી. સિંહની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યાનો આરોપ તેમના પર છે. ચંદ્રાસ્વામી અને મામાજીને સાઉદી અરબના અબજોપતિ અદનાન ખાસોગી સાથે મૈત્રી સંબંધો હતા.

તેઓએ બોફોર્સ કૌભાંડ ઉજાગર થયા પછીની ચૂંટણીમાં રાજીવ ગાંધીના વિજય માટે ખાસોગીની મદદ માગી હતી. ખાસોગીએ સ્વામીને તેમના જમાઈ લેરી કોલ્બનો પરિચય કરાવ્યો હતો. એ પાર્ટ ટાઈમ સીઆઈએ એજન્ટ હતો. ખાસોગીએ ન્યૂયૉર્કમાં સ્વામીના રહેવાની વ્યવસ્થા એક ફેન્સી એપાર્ટમેન્ટમાં કરી આપી હતી. જ્યારે કોલ્બેએ સેન્ટ કિટ્સની સ્ટોરી કુવૈતના અખબાર ‘આરબ ટાઇમ્સ’માં પ્રસિદ્ધ થાય એ માટે ભારે જહેમત ઉઠાવી હતી. આ વિગતોને ટાંકીને સૂદ લખે છે કે ગોડમેન ચંદ્રસ્વામીના આવા ઉધામા છતાં વી.પી. સિંહ વડાપ્રધાન બન્યા હતા. એ પછી ચંદ્રાસ્વામીએ ચંદ્રશેખરને હાથમાં લીધા, વી.પી. સિંહની સરકારનું પતન કરાવી ચંદ્રશેખર ખુદ વડાપ્રધાન બન્યા હતા. સૂદે પુસ્તકમાં એવો દાવો કર્યો છે કે કેજીબી પાસે દસ અખબારો અને એક ન્યૂઝ એજન્સી તેના પે-રોલ પર હતી અને તેમાં હજારો આર્ટિકલ્સ પ્લાન્ટ કરાવ્યા હતા.
——————————.

નીતિ આયોગ અને સ્વદેશી જાગરણ મંચ વચ્ચે જંગ
આરએસએસની આર્થિક પાંખ ગણાતા સ્વદેશી જાગણ મંચ અને કેન્દ્રની મોદી સરકારની આર્થિક ટેંક ગણાતા નીતિ આયોગ વચ્ચે કડવાશભર્યો વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદે હવે ખુલ્લંખુલ્લા ઉગ્ર રૃપ ધારણ કર્યું છે. સ્વદેશી જાગરણ મંચના સંયોજક અશ્વિની મહાજને નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંત અંગે ટ્વિટ કરીને કહ્યું છે કે તમને નીતિ આયોગમાં રહેવાનો નૈતિક અધિકાર નથી. તમે તમારી પસંદગીની બહુરાષ્ટ્રીય કંપનીઓની તરફેણ કરીને ઘોષિત સરકારી નીતિની વિરુદ્ધ ચાલી રહ્યા છો. તમે એવા રોકાણને આવકારી રહ્યા છો જે છૂટક વેપારીઓ, મેઇક ઇન ઇન્ડિયાના નાના વેપારીઓ અને ઈ-કોમર્સ સ્ટાર્ટઅપને ખતમ કરી રહ્યા છે.

આ પ્રકારે સ્વદેશી જાગરણ મંચે ઈ-કોમર્સના જંગી ખેલાડીઓની તરફેણ કરતી નીતિ-આયોગની નીતિ વિરુદ્ધ યુદ્ધ છેડ્યું છે. એવું લાગે છે કે ભાજપના સમર્થનના આધાર અને કરોડરજ્જુ સમાન નાના રિટેલર્સ અને વેપારીઓને મોટા ખેલાડીઓ બરબાદ કરી રહ્યા છે. મહાજને આ મહિનાના અંતમાં ઈ-કોમર્સ વિશે સરકારની નીતિઓ અંગે એક બેઠક યોજવાનું વિચાર્યું છે. આવી રહેલી ચૂંટણીના સંદર્ભમાં નીતિ આયોગ અને સ્વદેશી જાગરણ મંચ વચ્ચે થનારી અગ્નિવર્ષા હજુ વધુ ઉગ્ર રૃપ ધારણ કરે તેવી શક્યતા છે.
——————————.

બાંગલાદેશી ઘૂસણખોરો ઃ દેશને ધર્મશાળા બનવા દઈ શકાય નહીં
આસામમાં રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટરનો આખરી મુસદ્દો જાહેર થતાની સાથે તેને વિશે ઊહાપોહ સર્જાયો છે. આ કામ હાથ ધરવામાં આવ્યું ત્યારે જ એ નિશ્ચિત હતું કે જ્યારે પણ એ પૂર્ણ થશે ત્યારે તેને વિશે વિવાદ અને વિરોધના સ્વર ઊઠવાના છે. આ આખરી મુસદ્દામાં ૨.૮૯ કરોડ લોકોને નાગરિકતા માટે યોગ્ય ગણવામાં આવ્યા છે. જ્યારે ચાલીસ લાખ લોકોનાં નામ આ યાદીમાં નથી તેનો અર્થ એ છે કે તેઓ નાગરિકતા પુરવાર કરવા માટે પૂરતા યોગ્ય પુરાવા રજૂ કરી શક્યા નથી. તેમની નાગરિકતા સંદિગ્ધ છે. કુલ ૩.૨૯ કરોડ લોકોએ નાગરિકતા માટે આવેદન આપ્યા હતા. એ પછી સરકારી કર્મચારીઓએ ઘરે-ઘરે જઈને આવેદન સાથે આપવામાં આવેલા પુરાવાઓની ચકાસણી કરી હતી.

આ આખરી મુસદ્દામાં પણ ઘણા છબરડા છે અને એથી જ રાજ્ય અને કેન્દ્ર સરકારે જાહેર કરવું પડ્યું છે કે જેમનાં નામોનો સમાવેશ નથી થયો એ લોકોને પુરાવા રજૂ કરવા માટે વધુ સમય અપાશે. આવો વધુ સમય અપાયા પછી પણ તમામ બાકી રહી ગયેલા ચાલીસ લાખ લોકોનો સમાવેશ થવાનું શક્ય બનવાનું નથી. કેમ કે આ આખી કવાયત બાંગલાદેશમાંથી ગેરકાયદે આસામમાં ઘૂસણખોરી કરી આવેલા લોકોને અલગ તારવવા માટે કરવામાં આવી છે અને જે લોકો ગેરકાયદે ઘૂસણખોરી કરીને રહે છે એ તમામને નાગરિક તરીકે સ્વીકારી લેવાના હોત તો આ કવાયત કરવાનો કોઈ અર્થ જ ન હતો.

આસામમાં બાંગલાદેશીઓની ઘૂણસખોરીનું દૂષણ એટલી હદે વ્યાપક બન્યું હતું કે આસામના મૂળ નિવાસી ભારતીય નાગરિકોની વસતીનાં સમીકરણ બદલાવા લાગ્યાં હતાં. અનેક ગામો અને નગરોમાં આસામના રહેવાસીઓ કરતાં ઘૂસણખોરોની વસતી વધવા લાગી હતી. મતની લાલચમાં રાજકારણીઓએ અને ભ્રષ્ટ સરકારી તંત્રએ આ બધા ઘૂસણખોરોને રેશનકાર્ડ આપી મતદાર યાદીઓમાં તેમનાં નામ સમાવિષ્ટ કરી દીધા હતા. આવા ઘૂસણખોરોના મતથી ચૂંટાયેલા રાજકીય અગ્રણીઓ વિવાદના સમયે તેમનો બચાવ કરતા રહ્યા હતા. પરિણામે એક સમય એવો આવ્યો કે આસામમાં ઘૂસણખોરોના મુદ્દે તંગદિલી સર્જાઈ. અસમ ગણ પરિષદ જેવાં સંગઠનોએ આંદોલન શરૃ કર્યાં હતાં. આંદોલન હિંસક બન્યાં અને કત્લેઆમ ચાલી હતી. એ પછી ઘૂસણખોરોની સમસ્યાના મુદ્દે સમાધાન શોધવાના પ્રયાસ થયા અને દિવંગત વડાપ્રધાન રાજીવ ગાંધીના સમયમાં કેન્દ્ર – રાજ્ય વચ્ચે કરાર થયા મુજબ નાગરિક રજિસ્ટર તૈયાર કરવાનું નક્કી થયું, પરંતુ આસામમાં સત્તા પર આવેલી રાજ્ય સરકારો તેના અમલમાં વિલંબ કરતી રહી એટલે મામલો સર્વોચ્ચ અદાલતમાં ગયો હતો.

અદાલતે રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર તૈયાર કરવા માટે ગાઈડલાઈન્સ આપી હતી. એ રીતે ઘૂસણખોરોને ઓળખી અલગ પાડવાના હતા. ભારતીય નાગરિકતા માટે ૧૯૭૧ સુધીની સમય મર્યાદા નક્કી કરાઈ હતી. ૧૯૭૧ સુધીમાં આવેલાઓને ભારતના નાગરિક ગણવા. ત્યાર પછી ગેરકાયદે ઘૂસી આવેલા લોકો ભારતીય નાગરિક નહીં ગણાય. આપણી કરુણતા એ છે કે આસામની કોઈ રાજ્ય સરકારોએ આ વાતને ગંભીરતાથી લીધી નહીં. બાંગલાદેશી ઘૂસણખોરો માત્ર આસામમાં જ નહીં તો પશ્ચિમ બંગાળ અને દેશનાં અન્ય રાજ્યોમાં પણ ફેલાયા. આ ગેરકાયદે ઘૂસણખોરોને કારણે દિલ્હી સહિતનાં શહેરોમાં કાયદો-વ્યવસ્થાના પ્રશ્નો પણ સર્જાયા છે. અમદાવાદ પણ તેમાંથી બાકાત નથી. આસામમાં જે ઘૂસણખોરોને ઓળખી અલગ તારવવા કવાયત હાથ ધરાઈ એ પ્રકારે અન્ય રાજ્યો-શહેરોમાં પણ લોકો માગણી કરે એવી સ્થિતિ છે.

ગેરકાયદે ઘૂસણખોરોની તરફેણ મતના લાલચુ રાજકારણીઓ હજુ કરી રહ્યા છે એ આપણા દેશની કરુણતા છે. આસામ અને અન્ય સ્થળોએ દેશના નાગરિકોને બદલે સરકારી યોજનાઓના લાભ આ ગેરકાયદે ઘૂસણખોરો મેળવી જાય છે. એ દેશના નાગરિકોના હક્ક પરની તરાપ છે, એ વાત સમજવી જોઈએ. આસામમાં જાહેર થયેલા આખરી મુસદ્દામાં રાજ્યના કેટલાક ધારાસભ્યો સહિતના લોકોનાં નામો નથી. આ યાદીના સુધારાને અવકાશ છે, પરંતુ બાકી રહી ગયેલા ચાલીસ લાખને સ્વીકારી લેવાનું શક્ય બનવાનું નથી. તેમને ભારતમાંથી તાત્કાલિક બાંગલાદેશ પાછા મોકલવાનું શક્ય ન બને તો પણ આ ઘૂસણખોરોના રાશનકાર્ડ રદ કરવામાં આવે અને તેમના મતાધિકાર સહિતના અધિકાર પણ રદબાતલ કરવા જોઈએ. એમ થશે ત્યારે જ મતની લાલસામાં ઘૂસણખોરોની તરફેણ કરવાનું રાજકારણીઓ બંધ કરશે. દેશની નાગરિકતાનું અવમૂલ્ય થતંુ અટકાવીને દેશને ધર્મશાળામાં તબદિલ થતો અટકાવવો જ રહ્યો.
——————————.

પ્રિયંકા ગાંધી ક્યાંથી ચૂંટણી લડશે ?
આગામી લોકસભાની ચૂંટણીમાં રાયબરેલીની બેઠક પરથી સોનિયા ગાંધી ચૂંટણી લડવાના નથી. તેમની બેઠક પર પ્રિયંકા ગાંધીને ઉમેદવાર બનાવવામાં આવે એવી શક્યતા છે. પરંપરાગત રીતે ગાંધી પરિવારની આ બેઠક જળવાય રહે એ જરૃરી માનવામાં આવે છે, પરંતુ કોંગ્રેસમાં કેટલાકે એવો વિચાર વહેતો મુક્યો છે કે રાહુલ ગાંધીને તેમની માતાની બેઠક પરથી ઉમેદવાર બનાવવા જોઈએ. અમેઠી આ વખતે રાહુલ માટે જોખમી બની ગઈ છે અને રાહુલનો ત્યાંથી વિજય નિશ્ચિત ગણાતો નથી. કારણ એવું જાહેર કરી શકાય કે રાયબરેલી કોંગ્રેસ પ્રમુખની બેઠક છે.

દરમિયાન બીજી એક વિચારણા એવી ચાલી રહી છે કે પ્રિયંકા ગાંધીને વારાણસીની બેઠક પરથી નરેન્દ્ર મોદીની સામે ઉમેદવાર બનાવવામાં આવે. ગઈ ચૂંટણીમાં મોદી સામે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ ચૂંટણી લડ્યા હતા અને બહુ ખરાબ રીતે હાર્યા હતા. આગામી ચૂંટણીમાં કોંગ્રેસ, સમાજવાદી કે બહુજન સમાજ પાર્ટીના કોઈ મોટા નેતા મોદી સામે ઊભા રહેવા તૈયાર નથી. એ સ્થિતિમાં પ્રિયંકાને વિપક્ષના સર્વસંમત ઉમેદવાર તરીકે વારાણસીમાં ઊભા રાખવા જોઈએ એવો એક અભિપ્રાય છે. પ્રિયંકાને વારાણસીમાંથી ઉમેદવાર બનાવાય તો એ ચૂંટણી રસપ્રદ બને એ નિશ્ચિત છે, પરંતુ પછી આ ચૂંટણી એટલી હાઈ-પ્રોફાઈલ બની જાય કે રાહુલ ગાંધીની રાજકીય કારકિર્દીને માટે વિપરીત અસરકર્તા બનવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. બીજી બાજુ આ બેઠક પર મોદી સામે પ્રિયંકા પરાજિત થાય તો પ્રિયંકાની રાજકીય કારકિર્દી શરૃ થતાં પહેલાં જ પુરી થઈ જાય. અમેઠી-રાયબરેલી મત વિસ્તારોના જીવંત સંપર્કમાં પ્રિયંકા રહે છે એથી તેમને માટે વિજય આસાન બને.
——————————.

ત્રણ રાજ્યોમાં કોંગ્રેસના ચૂંટણી જોડાણના પ્રયાસ
ચાલુ વર્ષે ૨૦૧૮ના અંતમાં ત્રણ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને આ રાજ્યોમાં અન્ય પક્ષો સાથે ચૂંટણી સમજૂતી કરવા માટેના પ્રયાસ શરૃ કર્યા છે. આ રાજ્યોમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢનો સમાવેશ થાય છે. આ ત્રણ રાજ્યોના કોંગ્રેસના અગ્રણીઓ ગત દિવસોમાં રાહુલ ગાંધીને મળ્યા હતા ત્યારે વિવિધ મુદ્દાઓની ચર્ચા થઈ હતી અને અન્ય પક્ષો સાથે જોડાણ અંગેની નીતિ બાબતે સર્વસંમતિ સધાઈ હતી. જોકે રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ રાજ્યમાં કોઈ પક્ષ સાથે ચૂંટણી જોડાણ કરવા ઇચ્છતા નથી. તેમનો દાવો એવો છે કે તેઓ એકલા હાથે ચૂંટણી જીતી શકે તેમ છે. બીજી બાજુ મધ્યપ્રદેશમાં કોંગ્રેસ પ્રમુખ કમલનાથે બહુજન સમાજ પાર્ટી સાથે જોડાણ કરવાની ઇચ્છા જાહેર કરી છે. જોકે માયાવતી એવું ઇચ્છે છે કે કોંગ્રેસે કોઈ એકાદ રાજ્યમાં નહીં, બલ્કે બધાં રાજ્યોમાં તેમની સાથે જોડાણ કરવું જોઈએ. માયાવતીની આ શરતને કારણે રાજસ્થાનમાં માયાવતીના પક્ષને માટે કોંગ્રેસે થોડી બેઠકો ફાળવવી પડશે. એ જ રીતે છત્તીસગઢમાં કોંગ્રેસ માયાવતીના બહુજન સમાજ ઉપરાંત અજીત જોગીએ કોંગ્રેસથી અલગ થઈને સ્થાપેલા પ્રાદેશિક પક્ષ સાથે ગઠબંધન કરવાનું નક્કી કર્યું છે.
——————————.

 

Leave A Reply

Your email address will not be published.

Translate »