તમારા માટે, તમારી સાથે, સતત…

નો કાર્ડ, નો કંકોતરી  ઇન્વિટેશન ફોર ઓનલાઇન

આમંત્રણકાર્ડ મોકલવાની ચિંતા માંથી મુક્તિ

0 1,005
  • હેતલ રાવ

કોઈના ઘરે નાનકડો પણ પ્રસંગ હોય એટલે સૌથી પહેલાં ચિંતા આમંત્રણની હોય છે. ઘરના લોકો સાથે મળીને લિસ્ટ બનાવે અને કોણ કોના ઘરે ઇન્વિટેશન આપવા જશે તે નક્કી કરે, પણ હવે તે વાત જૂની થઈ કારણ કે આજના યુવાનોએ હવે આમંત્રણ આપવાનો નવો જ ટ્રેન્ડ અપનાવ્યો છે અને તે છે ઓનલાઇન ઇન્વિટેશન.

મીનાબહેનના ઘરે પ્રસંગ હતો. ઘરનાં સંતાનો પોતાનાં માતા-પિતાની ૨૫મી એનિવર્સરી ધામધૂમથી ઊજવવા માંગતા હતાં. મીનાબહેન અને અશોકભાઈ બંને ખૂબ ખુશ હતાં, પણ ઓછા સમયમાં બધાને નિમંત્રણ કેવી રીતે પહોંચાડીશું તે વિચારે મીનાબહેને ઘર માથે લીધું, ત્યારે તેમની પુત્રવધૂએ કહ્યું કે, મોમ હવે તો ઇન્વિટેશન પણ ઓનલાઇન આપી દેવાય છે. ચિંતા ન કરો. દિવસોના કામ મિનિટોમાં થઈ જશે. ત્યારે મીનાબહેનને નવાઈ લાગી કે આ શું.. આપણા સમયમાં તો જ્યાં સુધી દરવાજે જઈએ નહીં કે હાથોહાથ કાર્ડ આપીએ નહીં ત્યાં સુધી ચાલે જ નહીં. હવે આ તો એક અલગ જ પ્રથા શરૃ થઈ, પણ સારી પણ છે, સમય તો બચશે.

Related Posts
1 of 55

જી હા, આજે આ એક નવો જ ટ્રેન્ડ શરૃ થયો છે. રિલેટિવ, અંગત મિત્રો, દૂરના સગા દરેકના ગ્રુપ બનાવીને વોટ્સઍપ દ્વારા જ સારા પ્રસંગનું આમંત્રણ આપવામાં આવે છે. એટલું જ નહીં, કોઈનું મૃત્યુ થયું હોય અને તેનું બેસણું રાખવામાં આવે તો તેની માહિતી પહેલાં પેપર કે કંકોતરી દ્વારા આપવામાં આવતી, પણ હવે તે સમાચાર પણ ઓનલાઇન ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે પછી વોટ્સઍપ દ્વારા આપવામાં આવે છે. યુવાનોનો આ અલગ લાગતો ટ્રેન્ડ વડીલો પણ અપનાવી રહ્યા છે.

આ વિશે વાત કરતાં પ્રતીક પટેલ કહે છે, ‘તાજેતરમાં જ મારી સગાઈ થઈ છે. ઘણા ઓછા સમયમાં બધું નક્કી થઈ ગયું માટે તૈયારી કરવાનો ઝાઝો સમય ન મળ્યો ત્યારે મેં પરિવારને સૂચવ્યું કે આપણે વૉટ્સઍપ ગ્રૂપ બનાવીને બધાને આમંત્રણ આપી દઈએ. ફોન કરવા જેવા લાગે તો તે પણ કરી શકીએ છીએ. પપ્પા થોડા જૂના વિચારોના, એટલે પ્રથમ પ્રસંગ અને કાર્ડ ન છપાવીએ તો કેવું લાગે..! પણ પછી મારા સમજાવ્યા પછી માની ગયા. સગાઈમાં બધાં આવ્યાં, પણ ખરાં અને લોકોને આ રીત ગમી પણ ખરા. આ રીતે સમય તો બચે જ છે સાથે જ કાર્ડનો છપાવવાનો ખર્ચ તેને પોસ્ટ કરવાની ઝંઝટ ઘણા બધામાંથી મુક્તિ મળે છે.’

આ ટ્રેન્ડ નવો છે માટે જૂની પેઢીને અપનાવતા થોડી વાર જરૃર લાગશે, પરંતુ જ્યાં આટલા બધા બદલાવ આવ્યા છે ત્યાં ક્યાંક ને ક્યાંક આ બદલાવ પણ આવકારદાયક બની રહેશે. પહેલાંના સમયમાં મોબાઇલ નહોતા કે સોશિયલ સાઇટ પણ નહોતી માટે દરેક કામ જાતે જ કરવું પડતું, પણ હવે મોબાઇલમાં ક્રાંતિ આવી છે ત્યારે આ ટ્રેન્ડ માત્ર યુવાનો માટે જ નહીં, પણ દરેકને હેલ્પફુલ બને તેવો છે. લોકો પણ સમજતા થયા છે. મેસેજને રૃબરૃ આવ્યા સમજીને સામાજિક પ્રસંગમાં ઉપસ્થિત થાય છે. જોકે આ ટ્રેન્ડને હજુ દરેક જગ્યાએ અપનાવતા વાર લાગશે, પણ યુવાનો પોતાના પ્રસંગ માટેની તૈયારી આ જ રીતે કરી રહ્યા છે.
————————

Leave A Reply

Your email address will not be published.

Translate »