તમારા માટે, તમારી સાથે, સતત…

બાપ નો રીયા…રે.. બાપા..નો… રીયા

લોકો મહાદેવને પડતાં મુકીને તેમના દીકરાને પકડશે

0 524
  • હસતાં રહેજો રાજ – જગદીશ ત્રિવેદી

હિન્દુ ધર્મનાં શાસ્ત્રોમાં તેત્રીસ કોટી દેવતાઓ હોવાનો ઉલ્લેખ છે. ‘કોટી’નો એક અર્થ કરોડ થતો હોવાથી ઘણા લોકો એવું માને છે કે કુલ તેત્રીસ કરોડ દેવતાઓ છે. આપણા દેશની કુલ વસતિ આશરે ૧૩૦ કરોડ હશે. તેમાં ચાલીસ લાખ લોકો એવા છે જે ભારતના નાગરિક જ નથી. પોતાના દેશમાં ભૂખે મરવું એના કરતાં પાડોશી દેશમાં સુખે મરવું સારું એવી ભાવનાથી આવી પડ્યા છે. આપણા અમુક નેતાઓ આ પ્રકારના નિરાશ્રિતો ઉપર ‘મમતા’ રાખે છે તેથી તેઓને લીલાલહેર છે. આ ચાલીસ લાખ અને બીજા હિન્દુ ધર્મ સિવાયના લોકો જેવા કે શીખ, મુસ્લિમ, જૈન, ઈસાઈ, પારસી વગેરેને બાદ કરો તો હિન્દુ દેવતાઓ ઉપર શ્રદ્ધા ધરાવનાર વધુમાં વધુ ૬૬ કરોડ લોકો વધે. જો તેત્રીસ કરોડ દેવતા હોય અને છાસઠ કરોડ ભક્તો હોય તો સંપીને ભાગ પાડો તો બે ભક્તો વચ્ચે સેપરેટ ભગવાન ફાળવી શકાય, પરંતુ એવું નથી. ‘કોટી’ શબ્દનો એક અર્થ પ્રકાર પણ થાય છે તેથી કુલ તેત્રીસ પ્રકારના દેવતાઓ હશે એ વાત વધુ તાર્કિક લાગે છે.

‘સવારના પહોરમાં શું વિચારે છે?’ અંબાલાલે પ્રશ્ન સાથે પ્રવેશ કર્યો. ‘હું વિચારતો હતો કે તેત્રીસ કરોડ ભગવાન નહીં હોય, પણ તેત્રીસ પ્રકારના ભગવાન હશે’ મેં ખુલાસો કર્યો.

‘ભગવાન કેટલા હશે એ તો ભગવાન જાણે, પરંતુ મને એ બધામાં ગણપતિ સૌથી વધુ ગમે છે.’ અંબાલાલે રહસ્ય ખુલ્લું કર્યું.

‘મને ખબર છે કે તારી ભક્તિ સિઝનેબલ છે.’ મેં કહ્યું.

‘કેમ સિઝનેબલ..?’

‘તું શ્રાવણ મહિનામાં મહાદેવજીની પાછળ આદુ ખાઈને પડી ગયો હતો.’

‘એક મહિનો લોટો ચડાવવા ગયો એટલે પાછળ પડી ગયો ન કહેવાય.’

‘તારા એકની વાત નથી. આખી દુનિયામાં આમ જ ચાલે છે. જૈનોને પર્યુષણમાં ભક્તિના ઊભરા આવે એવા પછી ન આવે. હજયાત્રાના દિવસો વખતે જ મક્કા-મદીનામાં અલ્લાહ હોય અને પછી અલ્લાહ આઉટ ઓફ સ્ટેશન થઈ જાય એવું નથી છતાં હજ જેવો ઉત્સાહ ઉમરાહમાં જોવા મળતો નથી.’ મેં કહ્યું.

‘તારી વાત વિચારવા જેવી તો ખરી.’

‘શ્રાવણ મહિનામાં લોકો શિવલિંગ ઉપર એટલું બધું જળ ચડાવે છે કે એટલું જળ બાકીના અગિયાર મહિનામાં પણ ચડતું નથી.’

‘તું જળની ક્યાં વાત કરે છે. આ વર્ષે શ્રાવણ મહિનામાં એક જબરી ઘટના બની ગઈ.’ અંબાલાલે વાત માંડી.

‘શું થયું હતું?’ મેં ઇન્ટરેસ્ટ લીધો.

‘એક બહેન શિવાલયમાં બે થેલા લઈને આવ્યાં. એક થેલામાંથી જીવતી બિલાડી કાઢીને શિવલિંગ ઉપર ચડાવી.’

‘બિલાડી??’

‘હા… બિલાડી.. ત્યાર બાદ બીજા થેલામાંથી થોડા આંતરદેશીય લેટર્સ અને પોસ્ટકાર્ડ્ઝ કાઢ્યા અને એ પણ શિવલિંગ ઉપર ચડાવ્યા.’

‘લેટર્સ અને કાર્ડઝ????’ મારું અચરજ વધ્યું.

‘હા.. પૂજારીએ પૂછ્યંુ કે બહેનજી, તમે આ શું કરો છો? તો બહેનજી બોલ્યાં કે બીલીપત્ર ન મળ્યા એટલે ‘બિલ્લી’ અને ‘પત્ર’ લાવી છું.’

‘વાહ… ભાઈ.. વાહ… માણસ ઈશ્વરને પણ ઉલ્લુ બનાવતો થઈ ગયો.’

‘ઈશ્વર ઉલ્લુ બને એવું લાગે છે?’

‘અસંભવ.. ન ભૂતો ન ભવિષ્યતિ’ મેં કહ્યું.

‘ચાલાકી કરીને માણસ પોતાની જાત દેખાડે છે, બાકી ઈશ્વર સબ કુછ સમજતા હૈ કી કૌન કીતને પાનીમંે હૈ…’ અંબાલાલે હિન્દીમાં કહ્યું.

‘અત્યારે ભાદરવો આવ્યો એટલે લોકો મહાદેવને પડતાં મુકીને તેમના દીકરાને પકડશે’ મેં કહ્યું.

‘યસ.. લૉર્ડ ગણેશા ઈઝ માય ફેવરિટ ગોડ’ અંબાલાલ હિન્દીમાંથી સીધો અંગ્રેજી ઉપર ચડી ગયો.

‘તને ઇંગ્લિશ ફાવે છે?’ મેં પૂછ્યું.

‘સારો હોય તો દેશી પણ ફાવે.’ અંબાલાલે સમજણફેર કર્યો.

‘હું દારૃની વાત કરતો નથી, ભાષાની વાત કરું છું.’

‘તો ઠીક.. મેં એક દિવસ પથુભાને પૂછ્યંુ

કે તમને કઈ ભાષા ગમે? તો પથુભા કહે હું ચાર ભાષાને ચાહું છું.’

‘એ કેવી રીતે?’

Related Posts
1 of 29

‘એમણે કહ્યું કે હું ગુજરાતી બોલું છું, ફિલ્મો હિન્દી જોઉં છું. શાક પંજાબી ખાઉં છું અને ક્યારેક પીવાની વાત આવે તો ઇંગ્લિશ પીઉં છું.’

‘વાહ… પથુભા.. વાહ… સિક્સર મારી કહેવાય.’ મેં રાજીપો વ્યક્ત કર્યો.

‘આપણે ગણપતિની વાત કરતા હતા અને પથુભા પાસે પહોંચી ગયા.’

‘ગણપતિ તને સૌથી વધુ ગમે છે એનું શું કારણ છે?’ મેં પૂછ્યું.

‘હિન્દુ દેવતાઓમાં બે દેવ એવા છે જેમની પાસે દુઃખ દૂર કરવાની અકસીર દવા છે. બીજા દેવ દુઃખ દૂર ન કરે એવું નથી, પરંતુ ગણપતિ અને હનુમાનજી તો ‘સંકટમોચન’ કહેવાય છે એટલે આ બંને પાસે રામબાણ ઇલાજ છે.’ અંબાલાલે વિચારવા લાયક વાત મુકી.

‘તારી વાત સાચી છે, પરંતુ જે ભગવાનને રંગેચંગે ઘેર લાવીને શ્રદ્ધા અને ભક્તિથી પધરામણી કરી હોય એમને ગણેશોત્સવ પુરો થાય એટલે પાણીમાં ડુબાડી દેવા એ મને સમજાતું નથી.’

‘યહ બાત કુછ હજમ નહીં હોતી…’ અંબાલાલે ફરી હિન્દી ફાડ્યું.

‘ખરેખર…’

‘અરે એ ધાર્મિક વિધિ છે. કોઈ પણ ધર્મની ધાર્મિક વિધિને આદર આપવો એનું નામ જ ધર્મ. જૈન ધર્મના મહારાજ સાહેબો અને મહાસતીજીઓને લાઈટ, પંખા, માઈકના ઉપયોગની મનાઈ છે છતાં કોઈ ઉપયોગ કરે તો વિરોધ ન કરી શકાય. ઇસ્લામના બંદા માંસાહાર કરે તો વિરોધ ન કરી શકાય, કારણ એમના ધર્મમાં છૂટ છે.’ આજે અંબાલાલ તાર્કિક વાતો કરતો હતો.

‘તારી વાત સાવ સાચી છે. મને કોઈ ધર્મની વ્યાખ્યા પૂછે તો એટલું જ કહું કે બીજા કોઈ જીવને ખલેલ ન પહોંચે એ રીતે જીવવું એનું નામ ધર્મ.’

‘ગયા વરસે એક ભાઈ ગણેશ વિસર્જન વખતે એકસાથે પચાસેક મૂર્તિઓ લઈને નદી કિનારે આવ્યો હતો. એ રડતો જાય અને એક એક મૂર્તિને જળમાં પધરાવતો જતો હતો.’

‘તો…તો… ગણપતિનો પરમ ભક્ત હશે’ મેં પૂછ્યું.

‘ના… એવું નહોતું. મેં નજીક જઈને જાણ્યું ત્યારે ખબર પડી કે એ તો ગણેશોત્સવ ઉપર ગણપતિની મૂર્તિઓ વેચવા લાવ્યો હતો. એના નસીબ નબળા કે વેપાર થયો નહીં. આવતા વરસે આ ધંધો ફરી કરવો નહોતો એટલે બાકી વધેલી મૂર્તિઓને રડતાં રડતાં જળસમાધિ આપતો હતો.’

‘આ તો સાવ જુદું જ કારણ નીકળ્યું.’

‘દરેક વખતે આપણે માનીએ એવું હોતું નથી. બે વરસ પહેલાં હું અને ભોગીલાલ ગણેશોત્સવ દરમ્યાન દર્શન કરવા જતા હતા અને એક મકાનમાંથી મોટે મોટેથી ‘બાપા મોરિયા, બાપા મોરિયા…’ના અવાજો આવતા સાંભળ્યા.

‘પછી?’

‘અમે ઊભા રહી ગયા. મકાનનું નામ વાંચ્યું તો અમને સુખદ આશ્ચર્ય થયું.’

‘શું નામ હતું?’

‘મરીયમ-મંઝીલ’ અંબાલાલ ઉવાચ.

‘શું વાત કરે છે?’ મને પણ આશ્ચર્ય થયું.

‘અમને થયું કે હવે આપણા દેશમાં સહિષ્ણુતાની સાચી અસર થઈ લાગે છે. આપણે તો ઉર્ષમાં જઈએ છીએ, પરંતુ હવે એ લોકો પણ આપણા ધર્મમાં શ્રદ્ધા ધરાવતા થયા લાગે છે.લ્લ

‘વાહ… ખૂબ સાચી અને ખૂબ સારી વાત છે.લ્લ હું રાજી થયો.

‘હું અને ભોગીલાલ મંદિર તરફ જવાને બદલે ‘મરીયમ-મંઝિલ’માં દાખલ થયા. ત્યાં જઈને જોયું તો સાત મુસ્લિમ ભાઈઓ માથે ઇસ્લામી ટોપી, લાંબી દાઢી અને નાચતા-નાચતા મોટેથી ‘બાપા મોરિયા… બાપા મોરિયા…’ બોલતા હતા.

‘અરે વાહ… ખૂબ સરસ…’

‘અમને આ જોઈને એટલી બધી ખુશી થઈ કે એમની સાથે હું અને ભોગીલાલ પણ નાચવા લાગ્યા અને મોટે મોટેથી ‘બાપા મોરિયા… બાપા મોરિયા…’ બોલવા લાગ્યા.

‘બરાબર છે…એ બોલતા હોય તો આપણે તો બોલવું જ જોઈએ.’

‘અમને નાચતા જોઈને એ સાતેસાત ભાઈઓ ઊભા રહી ગયા. અમને કહ્યું કે તમને થોડો સમજણફેર થયો છે, અમે ‘બાપા મોરિયા…’ બોલતા નથી.’

‘તો…?’

‘અમારા બાપના અમે સાત દીકરા છીએ. સાતે સાત યુવાન છીએ છતાં અમારા અબ્બાએ બીજું લગ્ન કરવાની ઇચ્છા પ્રગટ કરી. અબ્બા જો નવી અમ્મા લાવે અને બીજી શાદી બાદ પહેલી શાદી જેવું જ ઉત્પાદન મેળવે તો અબ્બાની પ્રોપર્ટીનો ભાગ પાડીએ તો કશું હાથમાં ન આવે. અમે સાતે ભાઈઓ અને અમારા અમ્મીજાને અલ્લાહને ઇબાદત કરી કે અબ્બા બીજી શાદી ન કરે એવું કરજો. અગર સચ્ચે દિલ સે ઇબાદત કરો તો અલ્લાહ સૂનતા હૈ. થોડી વાર પહેલાં જ અબ્બાજાનને એટેક આવ્યો. અબ્બા રહ્યા અને જાન ચલી ગઈ, એટલે અમે બોલતા હતા ઃ બાપા નો રીયા (રહ્યા…) બાપા નો રીયા….’

અમે બંને ખડખડાટ હસી પડ્યા.
———————

Leave A Reply

Your email address will not be published.

Translate »