તમારા માટે, તમારી સાથે, સતત…

હરિ હળવે હળવે હંકારે મારું ગાડું ભરેલ ભારે…

બુદ્ધિપ્રયોગ કરનારાઓનો જગતમાં તોટો નથી.

0 761
  • હૃદયકુંજ – દિલીપ ભટ્ટ

એક એક તણખલાની જેમ આ સંસારમાં જે જે પોતાનું માનતા જઈએ છીએ તે બધું જ
‘એડ ટુ માય કાર્ટ’ થતું રહે છે. નવાઈની વાત તો એ છે કે પોતાનું માની લીધેલું બધું પણ ગાડાનું વજન વધારે છે

જિંદગીમાં જે ઊંચાઈ સુધી કે જે દૂરના લક્ષ્ય સુધી આપણે પહોંચવાનું છે ત્યાં આપણે એકાએક કોઈ ચમત્કારથી તો પહોંચી જતા નથી. વળી એ ન પહોંચવાનું વિનમ્ર કારણ પણ આપણે જ હોઈએ છીએ, કારણ કે આપણું ગાડું તો ભઈ બહુ ભારે છે! જૂની ગુજરાતી ફિલ્મ લીલુડી ધરતીનું આવું એક ગીત અવિનાશ વ્યાસની કમાલ છે. એમનાં અનેક ગીતોની જેમ આ પણ એક સુગમ-સરળ રચના છે, પરંતુ એના નેપથ્યે જે બોધ છે તે દુર્ગમ પણ છે. જિંદગીમાં ક્રમિક વિકાસનો અહીં પુરસ્કાર છે. આલંબન ભલે હરિનું લીધું પણ જવાબદારી આપણા શિરે કવિએ મૂકી છે કે ગાડું તો આપણું છે ને ભારે છે. એમાં આપણા ભવનો ભાર ભરેલો છે. એ ભાર જો આપણે હળવો કરી આપીએ તો જે ગાડું ‘હાંકનાર’ સારથિ હરિ છે, એમને એમની કુશળતા આપણી ઝડપ માટે કંઈક પ્રયોજવાની તક મળી શકે છે. બીજી વાત એ પણ છે કે હરિ સ્વયં એક અદ્ભુત હળવાશ છે. નરસિંહ મહેતા કહે છે કે, હળવે હળવે હળવે હરજી મારે મંદિર આવ્યા રે…! આ નરસૈંયાનો હરિ પણ એકાએક નથી આવ્યો. ક્રમશઃ એટલે કે હળવે હળવે આવ્યો છે. ભાગવતમાં ગજેન્દ્ર મોક્ષના પ્રસંગમાં હાથીઓનો રાજા અંતઘડી જેવા વિકટકાળે માત્ર એક કમળપુષ્પ સરોવરમાંથી વિષ્ણુસ્મરણ કરી આકાશમાં ફંગોળે છે ત્યાં તો તત્ક્ષણ ગરૃડ પર સવાર થઈને ભગવાન વિષ્ણુ ગજગ્રાહમાંથી ગજને ઉગારવા ને જીતાડવા આવી પહોંચે છે, એવી કથા છે, પરંતુ લોકાનુભવ તો હળવાશનો છે. તત્ક્ષણતાનો નથી. હરિની હળવી ગતિને કારણે જ મનુષ્યની જિંદગીમાં સ્વકર્મ અને હરિકૃપાની ભેદરેખા ભૂંસાઈ જાય છે. જેમના પર હરિનો જરાકેય રંગ લાગ્યો છે તેઓ ઓળખી જાય છે કે હરિનો હાથ ક્યાં છે, પણ એ રંગ ન હોય તો અભિમાનનો ઘોંઘાટ શકટ-શ્વાન ન્યાયે સંભળાતો રહે છે.

હળવાશ હોય તો જિંદગી સરળ લાગે છે. આ હળવાશ અપેક્ષાઓ ઘટાડવાથી આવે, પોતાની બીજાઓ પરત્વેની ફરજો અદા કરવાથી આવે, ઉદાર હૈયે ક્ષમા આપવાથી ને સવિવેક ક્ષમા ચાહવાથી આવે. હળવાશ પણ એકડાની જેમ ઘૂંટવી પડે નહિતર આ સંસાર આપણને એ ભૂલવાડી દે. મહાપુરુષોને ક્વચિત મળવાનું થાય તો જોજો કે એમનામાં કેવી હળવાશ હોય છે. કોઈનામાં હળવાશ ન હોય છતાં મહાન હોય તો ભલે હોય, એ મહાનતાની એક અલગ કેટેગરી છે. જનજીવન માટે સહજસાધ્ય અને પરસ્પરોપયોગી જીવનક્રમ તો હળવાશ જ છે. આમ પણ સાંજ પડે ગૃહસ્થ ઘરે આવે ત્યારે એની ઝંખના હળવાશની હોય છે. સૂર્ય પણ કદાચ પશ્ચિમના ઢાળે ઢળતી વેળાએ હળવો થતો હશે. એટલે જ જતાં જતાં નિત્ય સંધ્યાએ એ છુટ્ટે હાથે સહુને હળવાશની લ્હાણી કરતો જાય છે. ધ્યાન કે યોગ આમ તો હળવાશ મેળવવાની જ માનવજાતની શોધ છે. જેઓ જિંદગીમાં પ્રતિક્ષણ હળવાશ અનુભવતા હોય એમને ધ્યાનની શી તમા? ગાડામાં આપણે કંઈ એકસાથે ટનબંધ ભાર ભરતા નથી. એક એક તણખલાની જેમ આ સંસારમાં જે જે પોતાનું માનતા જઈએ છીએ તે બધું જ ‘એડ ટુ માય કાર્ટ’ થતું રહે છે. નવાઈની વાત તો એ છે કે પોતાનું માની લીધેલું બધું પણ ગાડાનું વજન વધારે છે. છતાં સારું એ છે કે આ ગાડું આપણું હોવા છતાં આપણને દેખાતું નથી ને એવો કોઈ ખાસ ભાર આપણને લાગતો નથી, કારણ કે એનો સારથિ હરિ છે. આખા સંસારના સર્વજનની જિંદગીની દડમજલમાં હરિઘડિત જે હળવાશ છે તે યોગ્ય જ છે. ભાર ભરેલા ગાડાં જો ઉતાવળે દોડે તો દુર્ઘટના સર્જાય છે.

Related Posts
1 of 57

જે પોતે તો નક્કી કરવાનું જ નથી તે અંગે વ્યર્થ બુદ્ધિપ્રયોગ કરનારાઓનો જગતમાં તોટો નથી. કેટલાક લોકો ઓછા સમયમાં એવી પ્રગતિ કરે છે કે તેમના જાણીતા લોકોમાં એ પ્રગતિનું ગણિત બેસતું જ નથી. આવી પ્રગતિનું કારણ સાવ સીધું-સાદું હોય છે; તેમણે પોતાના કામકાજ જ ગાડામાં ભર્યા હોય છે અને એ પણ નીતિપૂર્વકના. ગાડામાં અનૈતિક એક દાણો પણ આવી જાય તો પૈડાં જ જમીનમાં ઊંડે ઊતરી જાય. લોકો કહે છે કે એવું તો જોવામાં આવતું નથી, ઊલટાનું અનીતિ જ સુખ આપતી હોય એવું દેખાય છે. એ દેખાય છે એટલું જ, એ ખરેખર સુખ હોતું નથી.

ફિરજોફ કેપ્રા કહે છે કે, સજ્જનતાના પંથે સહુ સાથે હોય છે અને પ્રારંભે મીઠી લાગતી દુર્જનતા એકલવાયી અને આત્યંતિક યાતનામય છે. કેટલીક ભૂલો જે મનુષ્ય વારંવાર કરે તેનું જ્યારે ફળ મળવાની શરૃઆત થાય ત્યારે ભૂલસુધારણાનો સમય હોતો નથી. હળવે હળવે ત્યાં સુધી જ હરિ ગાડું હાંકે છે જ્યાં સુધી સત્-જનનું ગાડું છે, એ સિવાય તો આપણે ન કરે નારાયણ ને કોઈ મલિન સંકલ્પ થાય કે દુષ્ટાચરણ થાય એટલે સારથિ હરિ કૂદકો મારીને ઊતરી જાય. સારથિ વિનાનો રથ કુરુક્ષેત્રમાં ક્યાં જાય ને એનું શું થાય?

ડૉક્ટરોની જેમ ધર્મક્ષેત્રમાં ક્યારેક ભય બતાવવામાં આવે છે એ થિયરી માણસજાતને હવે કંઈ કામની નથી, પરંતુ કર્મ અને એનાં ફળની થિયરી લાખો દ્રષ્ટાંતોમાં સાચી પડતી દેખાય છે. ક્યારેક આપણા સદ્ભાગ્યે આપણને કોઈ ટકોર કરે ને વળી આપણે સુધારણા કરીએ તો ઠીક છે બાકી કોઈને શા માટે રસ પડવો જોઈએ કે આપણું કલ્યાણ કરે? કાદવ સાફ કરવા જતા હાથ કાદવવાળા થાય તો ભલે એકાદવાર ઠીક છે, પણ વારંવાર તો એ ધંધો કોણ કરે? આપણી સરકારી ને ખાનગી ઑફિસોમાં કામચોર કર્મચારીઓ હોય છે અને નફ્ફટ રીતે તેઓ વેઠ ઉતારે છે, પરંતુ જ્યારે ‘જવા’ની નોબત આવે છે ત્યારે સહુથી પહેલાં તેમની વિદાય થઈ જાય છે. એ જ રીતે આ દુનિયામાંથી પણ ગાડામાં ગરબડ રાખનારે વહેલા વિદાયની તૈયારી રાખવી પડે. હમણાં જેઓ દિવંગત થયા એ કડવા પ્રવચનોના ઉદ્ગાતા તરુણસાગર મહારાજ સાહેબ તો એમ કહેતા કે હે મનુષ્ય, તારે જવાનો સમય આવશે ત્યારે તું જેટલો ભૂંડો હઈશ એટલો સહુને દેખાઈશ ને જેટલો સારો હોઈશ એટલો તો અત્યારે જ દેખાય છે. જે જોવાનું બાકી છે જેને તું એમ માને છે કે કોઈ ન જાણે એ જ દેખાશે. એમની કડવી વાણીનું જેને પણ આત્મસાત થાય એમની જિંદગીને પરમ માધુર્યનો કાયમી સંગાથ સાંપડે છે.સંતોએ ઉચ્ચારેલી કેટલીક કડવાશ પણ જો અમલમાં મૂકીએ તો ચોતરફ મીઠાશ જ અનુભવાય અને એવી એ મીઠાશ પણ સદાયની હળવાશ જ આપે.

રિમાર્ક –
કોયલ, કાગ કે મોરલો, કહ્યું કરે નંઈ કોય;
કરમકથા જેડી ભઈ એડા લખ્ખણ હોય.
————————.

Leave A Reply

Your email address will not be published.

Translate »