તમારા માટે, તમારી સાથે, સતત…

અમેરિકાની મનમાની સામે ભારતનો ‘રૂક-જાવ’નો સંદેશ

ભારતને આડકતરી રીતે અસર થાય તેવા પણ ઘણા પગલાંઓ ટ્રમ્પ પ્રશાસને લીધા છે.

0 156
  • ઍનાલિસિસ – સુધીર એસ. રાવલ

અમેરિકા આમ પણ જગતકાજી બની રહેવાનો સ્વભાવ ધરાવે છે અને પ્રમુખપદની છેલ્લી ચૂંટણી પછીનું ત્યાંનું ચિત્ર જોઈએ તો વ્યાપાર ક્ષેત્રમાં વર્ષો સુધી સ્વ-હિતનું જ વિચારવા અને કરવા ટેવાયેલા માલેતુજાર ઉદ્યોગપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અચાનક સેવા ક્ષેત્રમાં ટોચના સ્થાને હવે બિરાજ્યા છે, ત્યારે જગતભરના દેશો સાથેના તેના વેપાર-વ્યવહાર અને નીતિ-રીતિમાં પણ તે સ્વભાવની છાંટ જોવા મળે છે. ટ્રમ્પના સ્વકેન્દ્રી નિર્ણયોએ ચીન સહિત ઘણા દેશો સાથે સંબંધો બગાડ્યા છે અને ભારતની વાત કરીએ તો જ્યારે તક મળે ત્યારે તેણે ભારતનું નાક દબાવવાની તક છોડી નથી.

તાજેતરમાં રશિયા પાસેથી શસ્ત્રો ન ખરીદવા બાબતે અમેરિકા ભારત પર દબાણ કરી રહ્યું હોવાના અહેવાલો પ્રકાશિત થયા છે. પેન્ટાગોને ચેતવણી આપી છે કે જો ભારત રશિયા પાસેથી શસ્ત્રો ખરીદશે તો તેને અમેરિકા પાસેથી મળતી વિશેષ રાહત બંધ કરી દેવામાં આવશે. આનો સીધો પ્રભાવ અમેરિકા અને ભારત વચ્ચે હમણાં જ યોજાનારી પ્રથમ ‘૨+૨’ની મંત્રણા પર પડે તે સ્વાભાવિક છે. ભારત પાંચ અબજ ડૉલરના ખર્ચે રશિયા પાસેથી જમીનથી હવામાં ત્રાટકવાની ક્ષમતા ધરાવતી મિસાઇલ વિરોધી સિસ્ટમ એસ-૪૦૦ સહિત અન્ય શસ્ત્રોની ખરીદી કરી રહ્યું હોવાથી પેન્ટાગોનના પેટમાં તેલ રેડાયું છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારત અને અમેરિકાના સંબંધોમાં સુધારો થયો છે, પરંતુ રશિયા એ ભારતનો સૌથી જૂનો સહયોગી અને વિશ્વાસુ મિત્ર હોવાથી ભારતને રશિયા સાથેની મિત્રતા ગુમાવવી પોસાય તેમ નથી. અમેરિકાની વર્તમાન નીતિ એવી છે કે જો કોઈ દેશ રશિયા પાસેથી સંરક્ષણ કે ગુપ્તચર વિભાગના ક્ષેત્રમાં ખરીદી કરે છે તો તેને અમેરિકાના પ્રતિબંધોનો સામનો કરવો પડી શકે છે.

ભારતના કિસ્સામાં અમેરિકાના સંરક્ષણ વિભાગ અને પેન્ટાગોનમાં કાર્યરત અધિકારીઓએ વ્હાઈટ હાઉસ અને કોંગ્રેસને ભારત પ્રતિ બિનજરૃરી આક્રમકતાપૂર્વક પ્રતિબંધ લાદતા પહેલાં વધુ બે વાર વિચાર કરવા જણાવ્યું છે. અમેરિકન સંરક્ષણ સચિવે તો ત્યાં સુધી કહી દીધું છે કે એશિયા પેસિફિક વિસ્તારના ભારત, ઇન્ડોનેશિયા અને વિયેતનામ જેવા રાષ્ટ્રો રશિયા પાસેથી સંરક્ષણ માટેનાં શસ્ત્રો કે સાધનો ખરીદે તો અમેરિકાએ તેમાં દખલગીરી કરવી જોઈએ નહીં. ભૌગોલિક દ્રષ્ટિએ આ ત્રણેય રાષ્ટ્રો સાથે દ્વિપક્ષીય અને લશ્કરી સંબંધો મજબૂત રહે તે અમેરિકાના હિતમાં છે. અમેરિકાનો એક કાયદો છે જેને ‘Countering America’s Adversaries Through Sanction Act’  આ કાયદાનો ઉપયોગ જો ભારત સામે કરવામાં આવે તો ત્યાંના તજજ્ઞોએ વ્હાઈટ હાઉસને ગણતરી કરી સાબિત કરી બતાવ્યું છે કે સરવાળે એમાં અમેરિકાનું નુકસાન વધુ છે. આમ પણ અમેરિકા સદાય ઇચ્છે છે કે ભારત રશિયા કરતાં અમેરિકાની વધુ નજીક રહે.

આ પરિસ્થિતિને બરાબર સમજીને ભારત સરકારે પણ અમેરિકાની દાદાગીરી સામે નહીં ઝૂકવાનો નિર્ણય લઈ જ લીધેલો છે. વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ અને સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણ આ બાબતે અમેરિકાના તેમના કાઉન્ટર પાર્ટ સાથે મંત્રણા પણ કરી ચૂક્યા છે અને ભારતના વલણની સ્પષ્ટતા કરી દીધી છે કે રશિયા સાથે ભારતના થયેલા સોદામાંથી ભારત પીછે હઠ કરશે નહીં અને તેને અમેરિકા કે કોઈ રોકી શકશે નહીં.

સંરક્ષણ શસ્ત્રોની બાબતમાં ભારતના કુલ સંરક્ષણ શસ્ત્રોમાં ૭૦% રશિયન બનાવટના અને રશિયાની ડિફેન્સ ટૅક્નોલોજી આધારિત છે. એસ-૪૦૦ ટ્રુઈમ્પ્ફ ઍર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ કે જે ભારત મેળવી રહ્યું છે, તેમાં મલ્ટિ ફંક્શનલ રડાર છે અને તેની લક્ષ્ય વેધ ક્ષમતા ૩૦ કિલોમીટરથી લઈને ૪૦૦ કિલોમીટર સુધીની છે. ભારતની સરહદે જે ચિંતાજનક સ્થિતિ પ્રવર્તે છે તે બાબતને ભારત હળવાશથી લઈ શકે નહીં. ચીન અને પાકિસ્તાનની અવળચંડાઈ દરમિયાન કોઈ પણ પ્રકારનો હુમલો થાય તો તેની સામે ભારત પાસે સક્ષમ ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ હોવી જરૃરી છે.

Related Posts
1 of 37

અગાઉ અમેરિકાએ ભારતને ઈરાનમાંથી ક્રૂડની આયાત બંધ કરી દેવાની ચીમકી આપેલી ત્યારે આપણી સરકારે તેના આધારે ઓઇલ કંપનીઓને ઈરાન સિવાય બીજે ક્યાંથી ઓઈલ લઈ શકાય તે અંગે વિચારવાનું કહેલંુ. ભારત સૌથી વધુ ક્રૂડ આયાત ઈરાક અને સાઉદી અરબમાંથી કરે છે અને ઈરાન ભારતનો ત્રીજો સૌથી મોટો ઓઈલ સપ્લાયર દેશ છે. અમેરિકાની દાદાગીરીભરી નીતિના કારણે ભારતે પોતાની પસંદગી ન હોય છતાં અન્ય અખાતી દેશો અને અમેરિકા પર ક્રૂડ માટે નિર્ભર રહેવું પડે તેવી નીતિ  ટ્રમ્પ પ્રશાસને જરા પણ શરમ રાખ્યા વગર અમલમાં મૂકી દીધી છે.

અમેરિકાની દાદાગીરી તેના મહત્ત્વના કારણે છે વિશ્વ વ્યાપારમાં અમેરિકાના મહત્ત્વને કોઈ દેશ નજરઅંદાજ કરી શકે તેવી સ્થિતિમાં નથી, તે હકીકત છે. વિશ્વની આયાતમાં તેનો એકલાનો ફાળો ૯.૧૨ ટકા અને નિકાસમાં ૧૬.૮૮ ટકા છે. એ જ રીતે વાણિજ્ય ક્ષેત્રે ૧૫.૨૪ ટકા અને સેવા ક્ષેત્રે તેનો ફાળો ૧૦.૨૭ ટકા છે. એક અંદાજ પ્રમાણે વિશ્વના વેપારના ૨૫ ટકા જેટલો માતબર હિસ્સો માત્ર એક દેશ એટલે કે અમેરિકા ધરાવે છે. આ પરિસ્થિતિને બરાબર ધ્યાનમાં રાખીને ટ્રમ્પ પ્રશાસન પોતાના સિવાય અન્ય કોઈ પણ દેશના હિતોની પરવા કરતું નથી. ટ્રમ્પના આ પ્રકારના વલણના કારણે વૈશ્વિકસ્તરે આર્થિક ઉદારીકરણના જે સિદ્ધાંતો જળવાવા જોઈએ તે જળવાઈ રહ્યા નથી. એટલું જ નહીં, સામાન્ય રીતે પરસ્પર દેશોના હિતોની ચિંતા અને અરસ-પરસના લાભની નીતિઓ વેરણ-છેરણ થવા લાગી છે. અમેરિકાએ ભૂતકાળમાં પોતે કરેલી સમજૂતીઓ પણ તોડવા માંડી છે ત્યારે વિશ્વ આખામાં અમેરિકાની વિશ્વસનીયતા પર પણ સવાલો પેદા થવા લાગ્યા છે. પોતાના ટૂંકાગાળાના લાભો માટે ટ્રમ્પ પ્રશાસન જે રીતે નીતિ નિયમોના ધજાગરા ઉડાવે છે તે લાંબાગાળે તેના પોતાના માટે નુકસાનકારક સાબિત થવાના છે તેવી ચેતવણીનો સૂર અમેરિકાના પોતાના તજજ્ઞોએ પણ વ્યક્ત કર્યો છે.

નવી દિલ્હીમાં શરૃ થનારી ‘૨+૨’ બેઠક પહેલાં હવે અમેરિકાના સંરક્ષણ પ્રધાન જીન મેટીસના પ્રયાસોના પગલે અમેરિકન સંસદે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વિદેશ પ્રધાનને રશિયાની સાથે સોદા કરનારા સહયોગી દેશોને પ્રતિબંધમાંથી બાકાત રાખવાની સત્તા આપી છે. આનો અર્થ એ કે અમેરિકા પોતાના ‘Countering America’s Adversaries Through Sanction Act’નો ઉપયોગ ભારત સામે કરી શકે તેમ ન હોવાથી નીચા જોણું પણ ન થાય અને ભારત પર છેવટ સુધી દબાણ પણ રહે તેવી આ વ્યૂહરચના છે. બીજી રીતે કહીએ તો ‘ખેંચ-પકડ મુઝે જોર આતા હૈ’ વાળી પરિસ્થિતિમાં અમેરિકાને જોઈ શકાય છે.

ભારતને આડકતરી રીતે અસર થાય તેવા પણ ઘણા પગલાંઓ ટ્રમ્પ પ્રશાસને લીધા છે. ચીન સાથેનું તેનું ટ્રેડવૉર એવી ખતરનાક સ્થિતિએ પહોંચી ચૂક્યું છે કે ચીન સાથે વેપાર કરતા તમામ દેશોને તેની સીધી વિપરીત અસર થઈ રહી છે. ચીને છેલ્લાં પાંચ વર્ષેમાં એશિયા, પૂર્વ યુરોપ અને આફ્રિકામાં અનેક મોટા પ્રોજેક્ટમાં કરોડો રૃપિયાનો ખર્ચ કરી નાખ્યો છે. વિશ્વસ્તરે પ્રભાવી બનવા ચીનના અનેક મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં ચીનની વૈશ્વિક યોજના ‘વન બેલ્ટ વન રોડ’નો પણ સમાવેશ થાય છે. ટ્રમ્પ પ્રશાસનની આર્થિક નીતિઓના કારણે આંતરરાષ્ટ્રીય સ્થિતિમાં અનિશ્ચિતતાઓ વધી રહી છે અને ભારત પણ વિશ્વવ્યાપી બની રહેલી અસરોમાંથી મુક્ત રહી શકે તેમ નથી.

ભારતના એક મહત્ત્વના પાડોશી દેશ પાકિસ્તાનમાં નવી સરકાર આવી છે. નવા વડાપ્રધાન તરીકે ભૂતકાળમાં લોકપ્રિય ક્રિકેટર રહેલા એવા ઈમરાન ખાન પર પાકિસ્તાનની પ્રજાએ પસંદગીનો કળશ ઢોળ્યો છે. અમેરિકાના પાકિસ્તાન પ્રત્યેના વલણમાં શું ફેરફાર આવી શકે છે તેનો કેટલોક આધાર પાકિસ્તાનની નવી સરકાર પર પણ હોવાથી ભારત સાથેના અમેરિકાનાં સમીકરણો વત્તે-ઓછે અંશે બદલાવાની સંભાવનાઓને નકારી શકાય નહીં. ભારત જો અમેરિકાની ઇચ્છા વિરુદ્ધ રશિયા સાથે સંબંધો ઘટાડવાનું ન હોય તો તેવા સંજોગોમાં અમેરિકા પાકિસ્તાનને કોઈને કોઈ નવા બહાના શોધી કાઢીને વધુ મહત્ત્વ આપે, તેવું બની પણ શકે. જેમ ભારત માટે અમેરિકા અને રશિયા બંને મહત્ત્વના દેશો છે, તે જ રીતે ચીન સાથેની સ્પર્ધામાં વ્યૂહાત્મક દ્રષ્ટિએ અમેરિકા પણ ભારત અને પાકિસ્તાન બંનેને મહત્ત્વ આપવાની રણનીતિ અખત્યાર કરે તે સમજી શકાય તેવી બાબત છે. આનો સીધો અર્થ એ પણ છે કે બદલાતાં સમીકરણોમાં ભારતના હિતો જાળવવામાં ક્યાંક ને ક્યાંક કશુંક ગુમાવવાનું તો દરેક દેશને ફાળે આવશે જ.

ભારત સરકારની કસોટી અમેરિકા અને રશિયા જેવી બંને મહાસત્તાઓ સાથેના સુમેળભર્યા સંબંધોમાં સંતુલન જાળવી રાખીને વિશ્વ વ્યાપાર ક્ષેત્રમાં પ્રગતિનું સાતત્ય જાળવવું અને સંરક્ષણની બાબતમાં સક્ષમતા સિદ્ધ કરવી, તેમાં થવાની છે. ભારત માટે કાશ્મીરની સમસ્યા એવી છે કે જેનો ઉકેલ લાવવામાં શાંતિ મંત્રણાઓ સતત નિષ્ફળ રહી છે, ત્યારે સશસ્ત્ર સંગ્રામની શક્યતાઓ સાવ નિર્મૂળ થવાની નથી. વર્તમાન સમયમાં યુદ્ધ ભલે સરળ ઉકેલ નથી, તેમ છતાં સીમાડાઓની સુરક્ષા સામે કોઈ જ સમાધાન ન કરવાનું હોય ત્યારે ભારત સરકારે રશિયા સાથે થયેલા મિસાઇલ સોદામાં પીછેહઠ ન કરવાનો નિર્ણય કરીને અમેરિકા જેવા દેશને જે રીતે મક્કમ સંદેશ પાઠવ્યો છે, તે અત્યંત જરૃરી, યોગ્ય અને સમયસરનો જણાય છે.
——————-

Leave A Reply

Your email address will not be published.

Translate »