તમારા માટે, તમારી સાથે, સતત…

શિકાગોમાં સ્વામી વિવેકાનંદને પરેશાન કરનારા કોણ હતા?

'આ મજુમદારે ધર્મસંસદના પાદરી સમક્ષ મારી ઘણી નિંદા કરી’

0 734
  • કવર સ્ટોરી – તરુણ દત્તાણી

દિગ્વિજયી પ્રવચનનાં ૧૨૫ વર્ષ
વિશ્વ ધર્મ પરિષદના આયોજક રેવ. જૉન હૅરી બેરૉઝ અને એની બિસન્ટે સ્વીકાર્યું કે સમગ્ર વિશ્વ ધર્મ પરિષદના ધ્રુવતારક સ્વામી વિવેકાનંદ હતા. સ્વામીજીની લોકપ્રિયતાને જોઈને પ્રથમ દિવસ પછીના તમામ દિવસોમાં પરિષદમાં શ્રોતાઓ છેક સુધી બેસી રહે એ માટે વિવેકાનંદનું પ્રવચન છેલ્લે રાખવામાં આવતું. સ્વામી વિવેકાનંદની ખ્યાતિ એટલી થઈ કે ધર્મસંસદના સમાપન પછી સ્વામીજીને ઠેર ઠેરથી પ્રવચન માટે આમંત્રણો અને આગ્રહ થવા લાગ્યા હતા. વિવેકાનંદની આ લોકપ્રિયતા સહન નહીં કરી શકનારા લોકોએ સ્વામી વિવેકાનંદ વિશે અપપ્રચાર અને ચરિત્ર્યહનન કરવા સુધીના માર્ગો અપનાવ્યા હતા. સ્વામીજી તેનાથી ભારે વ્યથિત રહેતા, પરંતુ કડવો ઘૂંટડો ગળી જતા હતા. આમ છતાં થોડા સમય પછી તેમણે ભારતમાંના પોતાના ગુરુભાઈઓ સાથેના પત્રવ્યવહારમાં તેનો ઉલ્લેખ કરવા માંડ્યો હતો. આવી કેટલીક વાતો સ્વામીજીના શબ્દોમાં…

૧૮૯૩ની ૧૧મી સપ્ટેમ્બર. અમેરિકાના શિકાગો શહેરમાં વિશ્વ ધર્મ પરિષદનો આરંભ થયો હતો. હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કરનાર ભગવા વસ્ત્રધારી સ્વામી વિવેકાનંદે સવારના સત્રમાં પ્રવચન આપવાનો ઇનકાર કર્યો હતો. બપોર પછીના સત્રમાં તેમનું સંબોધન થયું અને એ એક જ સંક્ષિપ્ત પ્રવચને ભારતના આ સંન્યાસીએ દિગ્વિજય પ્રાપ્ત કર્યો. વિશ્વ ધર્મ પરિષદના આયોજકો સહિત સમગ્ર અમેરિકા સ્વામી વિવેકાનંદ સમક્ષ નત મસ્તક થયું. અમેરિકાનાં તમામ અખબારોએ વિવેકાનંદના પ્રવચનને સર્વશ્રેષ્ઠ ગણાવ્યું. વિશ્વ ધર્મ પરિષદ શરૃ થવાના થોડા દિવસ પહેલાં સુધી તો આ પરિષદમાં તેમના પ્રવેશ અને ઉપસ્થિતિ વિશે અનિશ્ચિતતા પ્રવર્તતી હતી. પરિચય-પત્ર વગેરે કશું જ નહીં, પરંતુ ઈશ્વરીય કાર્ય માટે નીકળેલા સ્વામીજી પર ગુરુદેવ શ્રી રામકૃષ્ણ પરમહંસ અને આરાધ્ય દેવી મહાકાલીની અસીમ કૃપા હતી. શિકાગોમાં તેમના સંપર્કમાં આવેલ મિસિસ જ્યોર્જ ડબ્લ્યુ. હેલ. માત્ર એક દિવસ પૂર્વે આ સંપર્ક થયો અને મિસિસ હેલની મદદથી તેમને પરિષદમાં પ્રતિનિધિત્વ મળી ગયું. સ્વામીજી પાસે કોઈ પરિચય પત્ર ન હતો, પરંતુ વિવેકાનંદજીની વિદ્વતા જોઈને મિસિસ હેલ બોલી ઊઠ્યા હતાં – સ્વામીજી, આપ જેવા સૂર્ય સમાન તેજસ્વી વ્યક્તિને પરિચય પત્રની આવશ્યક્તા ન હોય!

વાત તો સાચી હતી. સ્વામી વિવેકાનંદ જ્યાં જતા ત્યાં તેમના જ્ઞાન અને વિદ્વતાનું તેજ પ્રગટ થયા વિના રહેતું નહીં, પરંતુ આ તેજ અનેક લોકો માટે તેમની ઈર્ષ્યાનું કારણ પણ બન્યું હતું. સ્વામી વિવિકાનંદનો શિકાગોમાં ધર્મ પરિષદના મંચ સુધી પહોંચવાનો માર્ગ આસાન ન હતો તેમ તેમના દિગ્વિજયી પ્રથમ પ્રવચન પછી સમગ્ર અમેરિકા અને યુરોપમાં  અપાર ખ્યાતિ તેમને અનેક વખત તેજોદ્વેષી લોકોના વિરોધ અને અપમાન પણ સહન કરવા પડ્યા હતા. એ મુખ્યત્વે ત્રણ પરિબળો તરફથી હતો, એક બ્રહ્મ સમાજ, બે- થિયોસોફિકલ સોસાયટી અને ત્રીજી ઈસાઈ મિશનરીઓ. બ્રહ્મ સમાજના તો સ્વામી વિવેકાનંદ યુવા વયે સભ્ય હતા, પરંતુ તેઓ મૂર્તિપૂજક રામકૃષ્ણ પરમહંસના શિષ્ય બન્યા ત્યારથી અદ્વૈતવાદમાં માનતા બ્રહ્મસમાજીઓ તેમના પ્રત્યે નારાજ રહેતા.

એ જ રીતે થિયોસોફિકલ સોસાયટીએ તેમને અમેરિકા જવા માટે પરિચય પત્ર લખી આપવા માટે સોસાયટીના સભ્ય બનવાની શરત મૂકી હતી. સ્વામીજીએ તેનો ઇનકાર કર્યો અને સોસાયટીના અસહકાર છતાં સ્વામીજી શિકાગો પહોંચ્યા અને જ્વલંત સફળતા મેળવી એ તેઓને ખૂંચ્યું હતું. જોકે વિશ્વ ધર્મ પરિષદમાં હાજર રહેલા સોસાયટીના સ્થાપક એવા એની બિસન્ટે સ્વામીજીની વિદ્વતા અને વાક્છટાની પ્રશંસા કરી છે. વિશ્વ ધર્મ પરિષદના આયોજક રેવ. જૉન હૅરી બેરૉઝ અને એની બિસન્ટે સ્વીકાર્યું કે સમગ્ર વિશ્વ ધર્મ પરિષદના ધ્રુવતારક સ્વામી વિવેકાનંદ હતા. સ્વામીજીની લોકપ્રિયતાને જોઈને પ્રથમ દિવસ પછીના તમામ દિવસોમાં પરિષદમાં શ્રોતાઓ છેક સુધી બેસી રહે એ માટે વિવેકાનંદનું પ્રવચન છેલ્લે રાખવામાં આવતું. સ્વામી વિવેકાનંદની ખ્યાતિ એટલી થઈ કે ધર્મસંસદના સમાપન પછી સ્વામીજીને ઠેર ઠેરથી પ્રવચન માટે આમંત્રણો અને આગ્રહ થવા લાગ્યા હતા. વિવેકાનંદની આ લોકપ્રિયતા સહન નહીં કરી શકનારા લોકોએ સ્વામી વિવેકાનંદ વિશે અપપ્રચાર અને ચરિત્ર્યહનન કરવા સુધીના માર્ગો અપનાવ્યા હતા. સ્વામીજી તેમાથી  ભારે વ્યથિત રહેતા, પરંતુ કડવો ઘૂંટડો ગળી જતા હતા. આમ છતાં થોડા સમય પછી તેમણે ભારતમાંના પોતાના ગુરુભાઈઓ સાથેના પત્રવ્યવહારમાં તેનો ઉલ્લેખ કરવા માંડ્યો હતો. આવી કેટલીક વાતો સ્વામીજીના શબ્દોમાં –

‘હું એક એવા ધર્મનો પ્રચાર કરવા જઈ રહ્યો છું, બૌદ્ધ ધર્મ જેનું વિદ્રોહી સંતાન છે અને ઈસાઈ ધર્મ તેના તમામ દાવાઓ છતાં તેની બહુ દૂરની પ્રતિધ્વનિ માત્ર છે…’

‘મારું અમેરિકા જવું એ મારી ઇચ્છા કે તમારી ઇચ્છાથી જ શક્ય બન્યું નથી, પરંતુ ભારતના ઈશ્વર, જે કોઈ અદૃષ્ટના નિયંતા છે તેણે જ મને અહીં મોકલ્યો હતો. આ જ પ્રકારે સેંકડો મનુષ્યોને વિશ્વની તમામ જાતિઓ પાસે મોકલ્યા છે, મોકલતા રહેશે. કોઈ પાર્થિવ શક્તિ તેના પ્રતિરોધમાં સમર્થ નથી.’

‘જ્યારે હું માત્ર એક દરિદ્ર, અપરિચિત સંન્યાસી માત્ર હતો, જ્યારે કોઈ બંધુ-બાંધવ ન હતો, સાત સમુદ્ર તેર નદી પાર કરીને મારે અમેરિકા આવવાનું હતું, પરંતુ કોઈના નામે લખેલો કોઈ પરિચય પત્ર મારી પાસે ન હતો. મેં સ્વાભાવિક રીતે વિચાર્યું હતું કે આ નેતા (થિયોસોફિકલ સોસાયટીના) અમેરિકન છે અને ભારતપ્રેમી છે તો કદાચ તેઓ મારે માટે અમેરિકામાં કોઈના નામે પરિચય-પત્ર આપી દેશે, પરંતુ હું જ્યારે તેમની પાસે ગયો અને મેં તેમને આવા કોઈ પરિચય-પત્ર માટે અનુરોધ કર્યો તો તેમણે પૂછ્યું – ‘શું તમે અમારી સોસાયટીમાં સામેલ થઈ જશો? મેં જવાબ આપ્યો – ‘નહીં, હું તમારી સોસાયટીમાં કેવી રીતે સામેલ’ થઈ શકું?’ – ‘હું તમારા મોટા ભાગના સિદ્ધાંતોમાં વિશ્વાસ ધરાવતો નથી’  તેમણે કહ્યું – ‘તો તમે જાવ.’ – ‘હું તમારા માટે કાંઈ કરી શકું તેમ નથી.’ શું આ રીતે મારો માર્ગ આસાન કરવાનો હતો? જો અહીં મારો કોઈ થિયોસોફિસ્ટ મિત્ર હોત તો હું તેને પૂછત – ‘શું આને મારે માટે માર્ગ સરળ બનાવવાનું કહે છે?’

ધર્મ સંસદ શરૃ થવાને થોડા મહિનાની વાર હતી. સ્વામીજી વહેલા પહોંચી ગયા હતા. તેમની પાસે બહુ પૈસા ન હતા. જે હતા તે ખર્ચાઈ ગયા હતા. ભારે ઠંડી અને સ્વામીજી પાસે પૂરતાં ગરમ વસ્ત્રો ન હતાં. એ સ્થિતિમાં તેમણે મદ્રાસના તેમના મિત્રોને પૈસા મોકલવા તાર કર્યો. થિયોસોફિસ્ટ લોકોને આ વાતની ખબર પડી તો તેમનામાંના કોઈ એકે લખ્યું – ‘આ શેતાન જલ્દી મરશે, ઈશ્વરની મરજીથી આપણી જાન બચી.’ વાહ! શું મારા માટે આ જ રસ્તો બનાવવાનો હતો?

આ વાત કહેવાઈ ગયા પછી સ્વામીજી સ્વયં કહે છે કે આ સમયે મારે આ વાત કહેવી ન હતી, પરંતુ હે મારા દેશવાસીઓ, તમે લોકોએ મારા દિલમાંથી આ વાત કઢાવી લીધી. ત્રણ વર્ષ સુધી હું મૌન રહ્યો, પરંતુ આજે સ્વયં ઉજાગર થઈ ગયું. મેં ધર્મ સભામાં અનેક થિયોસોફિસ્ટોને જોયા. મેં તેમની સાથે વાત કરવાની, હળવા-મળવાની કોશિશ કરી, તેમનામાંના દરેકે મારા પ્રત્યે એવી ઉપેક્ષાની નજરે જોયું, તે મને આજે પણ યાદ છે. તેમની એ ઉપેક્ષાપૂર્ણ નજર જાણે કહી રહી હતી – ‘આ એક ક્ષુદ્ર કીડો!’ આ કમબખ્ત, દેવતાઓ વચ્ચે કેવી રીતે ઘૂસી આવ્યો?’

ભારતમાંના તેમના સાથીઓને આ વાત લખતાં વિવેકાનંદજીએ પારાવાર વેદના અનુભવી, પરંતુ સત્ય પ્રગટ કર્યા વિના કોઈ આરો ન હતો.

Related Posts
1 of 262

સ્વામીજીની વિદ્વતાને ઓળખનારા લોકો તરફથી તેમને ખૂબ આદર મળતો હતો. આમ છતાં અપમાનિત થવાના તેમના અનુભવો પણ ઓછા ન હતા. એક જગ્યાએ તેમણે નોંધ્યું છે – ‘વિચારી જુઓ, તમારા લોકોમાં સભ્યતાના આટલા ગર્વ છતાં હું નિતાંત હિન્દુ છું એથી કોઈ પણ કાર્યક્રમમાં મને બેસવા માટે આસન અપાયું ન હતું.’

‘બીજા ધર્મો પ્રત્યેનો વિદ્વેષ ક્યાંક એટલો પ્રબળ હોય છે કે ઘણી વખત મને લાગે છે કે વિદેશમાં મારે મારા હાડ-ચામ છોડી જવા પડશે.’

પોતાના અમેરિકન શિષ્યા મૅરી હૅલ પરના પત્રમાં વિવેકાનંદજી લખે છે કે – ‘મજુમદાર કલકત્તા પાછા ગયા છે અને ત્યાં એવું કહેતા ફરે છે કે વિવેકાનંદ એ દેશમાં બધા પ્રકારના પાપ કર્મમાં લિપ્ત છે, ખાસ કરીને સર્વ નિમ્ન સ્તરની ચરિત્ર હીનતામાં!!!’ ઈશ્વર તેમના આત્મા પર કૃપા કરે. તમે દુઃખી ન થતા. મારા દેશમાં બધા લોકો મારું ચારિત્ર્ય સારી રીતે જાણે છે. ખાસ કરીને મારા આજીવન સાથી, ભ્રતૃવૃંદ મને એટલી સારી રીતે ઓળખે છે. આવી જઘન્ય, નકામી વાતો પર તેઓ ક્યારેય વિશ્વાસ નહીં કરે. મજુમદારની આ ચેષ્ટાને તેઓ અત્યંત ફુવડ સમજીને તેને હસી કાઢશે.’

અન્ય એક જગ્યાએ સ્વામીજીએ લખ્યું છે કે – ‘આ મજુમદારે ધર્મસંસદના પાદરી સમક્ષ મારી ઘણી નિંદા કરી. તેમણે કહ્યું – ‘અરે. એ તો ફાલતુ છે, ઠગ અને જુગારી છે. તમારા દેશમાં આવીને કહે છે કે હું સાધુ છું’ આવું કહીને તેમણે મારા પ્રત્યે એ લોકોના મનમાં કડવાશ ઉત્પન્ન કરી છે. તેમણે પ્રમુખ બેરૉજનું દિમાગ તો એટલું ખરાબ કરી નાખ્યું કે તેઓ મારી સાથે સરખી રીતે વાત પણ નથી કરતા. એ લોકોના પેમ્ફ્લેટમાં મને શક્ય તેટલા દબાવવાની કોશિશ રહે છે. મારા ગુરુ મારા સહાયક છે, ભાઈ, મજુમદારના કહેવાથી શું વળવાનું. સમગ્ર અમેરિકા મને પ્રેમ કરે છે.’

વળી એક જગ્યાએ વ્યથા ઠાલવતાં તેમણે લખ્યું કે – ‘બધું ચાલી જાય છે, બસ, કરમજલી હિંસા નથી જતી. આપણી જાતિમાં આ જ દોષ છે. માત્ર બીજાની નિંદા અને બીજાની પ્રગતિ પ્રત્યે ઈર્ષ્યા માત્ર હું જ મોટો છું, બીજો કોઈ મોટો નહીં થાય.’

અન્ય એક પત્રમાં તેમણે ગુરુભાઈઓને લખ્યું છે – ‘સાંભળો, મિશનરીના લોકો સાથે માથાકૂટ ન કરશો. તેઓ બૂમબરાડા પાડશે, એ સ્વાભાવિક છે. પોતાના હાથનો ટુકડો છીનવાઈ જાય તો કોણ ચૂપ રહે?’ છેલ્લાં બે વર્ષમાં મિશનરીના ભંડોળમાં બહુ મોટો ખાડો પડ્યો છે. એ ખાડો વધતો જાય છે.

જોકે હું મિશનરીના લોકોની સંપૂર્ણ સફળતાની કામના કરું છું’

ભારતમાં પણ ઈસાઈ મિશનરીઓ વિવેકાનંદને બદનામ કરવામાં વ્યસ્ત હતી. કમનસીબી એવી કે તેના પ્રત્યુત્તર કે પ્રતિરોધ માટે કોઈ આગળ આવતું ન હતું. પરિણામે ભારતમાં સ્વામી વિવેકાનંદ વિરુદ્ધ જે કાંઈ પ્રસિદ્ધ થતું તેના કટિંગ અમેરિકા જતા હતા અને અમેરિકામાં તેને વ્યાપક પ્રસિદ્ધિ અપાતી હતી. મિશનરીઓના આવા કૃત્યથી સ્વામીજી નારાજ થતા છતાં તેમના મનમાં કોઈ પ્રત્યે દુર્ભાવના ન હતી એ સમજી શકાય છે. તમામ પ્રકારની સફળતા અને સિદ્ધિ છતાં દિવ્ય મહાપુરુષોને પણ તેમનાં કાર્યમાં અવરોધ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એ હકીકત સમજવી રહી.

અને આખરે વિશ્વ ધર્મ સંસદના ઉદ્દેશની વાત. પ્રથમ દૃષ્ટિએ માનવામાં આવે છે એવો કોઈ ઉદાત્ત દૃષ્ટિકોણ આ ધર્મસંસદનો ન હતો. સ્વામીજીએ જ કહ્યું છે કે અહીંની ધર્મ સંસદનો ઉદ્દેશ હતો – બધા ધર્મો વચ્ચે ખ્રિસ્તી ધર્મની શ્રેષ્ઠતા પુરવાર કરવાનો, પરંતુ તેમ છતાં દાર્શનિક હિન્દુ ધર્મ પોતાની મર્યાદાનું રક્ષણ કરવામાં સમર્થ બન્યો.

આ વાતને વધુ સ્પષ્ટ કરતાં વિવેકાનંદજીએ લખ્યું છે કે – ‘મારી ધારણા છે કે શિકાગો ધર્મ સંસદનો ઉદ્દેશ હતો જગત સમક્ષ બિન ઈસાઈ ધર્મોને ઊતરતા પુરવાર કરવા, પરંતુ બિન-ઈસાઈ ધર્મ જ પ્રમુખ પ્રમાણિત થયો. અસ્તુ, ખ્રિસ્તીઓની દૃષ્ટિએ આ મહાસભાનો ઉદ્દેશ સિદ્ધ નથી થયો. હવે પેરિસમાં એક વધુ મહાસત્તા યોજવાની ચર્ચા છે, પરંતુ રોમન કૅથોલિક – જે શિકાગો મહાસભાના આયોજક હતા, એ લોકો જ હવે પેરિસની ધર્મસભા ન યોજાય તે માટે ખાસ પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ શિકાગો સભાના માધ્યમથી ભારતીય ચિંતનને વિશેષ રૃપે વિસ્તારની સુવિધા ઉપલબ્ધ થઈ.

‘હવે સમગ્ર જગત વેદાંતના ઘોડાપૂરમાં વહી રહ્યું છે. હા, અમેરિકાના લોકો શિકાગો સભાના પરિણામોથી ખુશ છે. માત્ર અબુધ, ગંવાર પાદરી અને ચર્ચની યુવતીઓને બાદ કરતાં.’

સ્વામી વિવેકાનંદના શિકાગો પ્રવચનની ૧૨૫મી જ્યંતીએ લોકો સમક્ષ કેટલીક સત્ય હકીકતો સામાન્ય લોકો જાણે-સમજે એ જરૃરી છે. આ સંદર્ભમાં વિવેકાનંદનાં સાહિત્યનો વધુ અભ્યાસ પણ કરવો જોઈએ.
——————

Leave A Reply

Your email address will not be published.

Translate »