તમારા માટે, તમારી સાથે, સતત…

માણસનું તાળું પ્રેમની ચાવીથી ખૂલી શકે

દરેક માણસને લાગે છે કે મને કોઈ સમજતું નથી

0 205

પંચામૃત – ભૂપત વડોદરિયા

દરેક માણસને લાગે છે કે મને કોઈ સમજતું નથી અને મને કોઈ સમજવાની કોશિશ પણ નથી કરતું! લગભગ દરેક વ્યક્તિની આવી ‘પ્રામાણિક’ માન્યતા હોય છે. પોતાને કોઈ બરાબર સમજતું નથી એવા ખ્યાલને લીધે તેને ઓછું પણ આવી જાય છે. એક માણસ રીતસર ચિત્કાર કરીને કહે છે કે મારે બીજું કાંઈ નથી જોઈતું – બસ, મારી એક જ લાગણી કે માગણી છે! કોઈક મને સમજે.

પછી આવી વ્યક્તિ પોતાની જાત વિશે જાતજાતના ખુલાસા કરે છે – જાતજાતની નાની-મોટી સ્પષ્ટતાઓ કરે છે. તે એમ માને છે કે હું આ રીતે મારી લાગણી, મારો હેતુ, મારો આશય વગેરે વિશે જાતકબૂલાતનાં બયાનો રજૂ કરીશ એટલે જે કોઈ વ્યક્તિ મને સમજવા માગતી હશે તેને મને સમજવામાં ઓછી તકલીફ પડશે. હું મારું પોતાનું જ એક પાઠ્યપુસ્તક અને તેની સાથે માર્ગદર્શિકા જોડી આપું છું. મિત્રો, હવે તો મારા વ્યક્તિત્વ-વિશેષનું પાઠ્યપુસ્તક વાંચો, સાથેસાથે મેં પૂરી પાડેલી માર્ગદર્શિકા પણ જુઓ અને મને સમજો.

દરેક વ્યક્તિને આવું લાગે છે, પણ બહુ ઓછી વ્યક્તિઓ ખરેખર એવો પ્રશ્ન પોતાની જાતને કરે છે કે હું ‘મને કોઈક સમજો’નું જાહેરનામું બહાર પાડું છું, પણ હું ખુદ મને પોતાને સમજું છું? બીજો માણસ તેને આવો પ્રશ્ન કરે તો આવા પ્રશ્નનો મુકાબલો કરવા કોઈ તૈયાર થતું નથી અને થાય છે તો એ પ્રશ્નને ચપટીમાં ઉકેલી નાખે છે – ભલા માણસ, આ તે કેવો સવાલ! મને તો હસવું આવે છે! તમે પૂછો છો કે હું મને પોતાને સમજું છું? હું મને પોતાને સમજતો ન હોઉં એવું કઈ રીતે બને? હું અને મને પોતાને?

Related Posts
1 of 57

કોઈ માણસને આપણે પ્રશ્ન કરીએ કે તમે તમારી પત્નીને બરાબર સમજો છો? તેમને તરત જ ખરાબ લાગશે? યાર, કેવી વાત કરો છો! હું મારી પત્નીને સમજતો ન હોઉં તો તેને બીજું કોણ સમજતું હોય? આવો જ પ્રશ્ન તમે તેમને તેમના પુત્ર કે પુત્રી સંબંધે કરો તો પણ તેમનો જવાબ આવો જ હશે. વાત પિતાની હોય, માતાની હોય, બહેનની હોય કે મિત્રની હોય – બીજાને સમજવાની વાત આવે ત્યાં માણસ તરત જ કહેશે કે હું એને ન સમજું તો બીજું કોણ સમજે! કોઈ કોઈ વાર તો માણસ આવા પ્રશ્નના જવાબમાં છંછેડાઈને કહે છે કે આ તમે કેવો પ્રશ્ન કરો છોે? મારી પત્નીમાં સમજવા જેવું શું છે? મારા પુત્રમાં વળી સમજવા જેવું શું છે? એવું તો એનામાં કંઈ નથી કે મને ન સમજાય! આ એક અજબ વાત છે કે દરેક માણસને પોતાની જાત રામાયણ કે મહાભારત જેવો ગ્રંથ લાગે છે ને બીજી વ્યક્તિની વાત આવે એટલે તેને બાળપોથી કરતાં વધુ ઊંચો દરજ્જો આપવામાં આવતો નથી.

એમાં સમજવા જેવું વળી શું છે? એવો પ્રશ્ન કરનાર માણસ એમ માને છે કે બીજા કોઈ પણ માણસને સમજવાનો અર્થ તેને ઉકેલવો – ઓળખવો એટલો જ થાય છે અને કોઈ માણસ એવો ભેદી કોયડો તો છે જ નહીં કે પોતાની બુદ્ધિથી તેને પહોંચી વળી ન શકે, પણ આ તર્ક જ ખોટો છે. કેમ કે કોઈ પણ માણસ બુદ્ધિનો કોયડો છે જ નહીં એટલે કોઈ પણ માણસને બુદ્ધિના દાવપેચથી સમજવાનું કે પહોંચી વળવાનું શક્ય જ નથી હોતું. વળી કોઈ પણ માણસ ધારવામાં આવે છે તેવો સીધોસાદો – બારીમાંથી કૂદીને અંદર જઈ શકાય તેવો કે બહાર જ રહીને એક નજર અંદર કરતાં જ તેને પામી જઈ શકાય તેવો ખંડ હોતો જ નથી.

કેટલા બધા લોકો સૈકાઓથી ઈશ્વરને ઓળખવાની – સમજવાની – પામવાની ઝંખના વ્યક્ત કરતા જ રહ્યા છે. આમાંથી જે કોઈ ઈશ્વરને કે આ બ્રહ્માંડને બુદ્ધિનો કોયડો સમજીને ઓળખવા ગયા ત્યાં તે નિષ્ફળ જ ગયા છે અને ખોટાં જ તારણો કાઢી બેઠા છે. એટલે ઋષિઓ-મહાત્માઓ-અવતારી પુરુષોએ એવું જ કહ્યું કે તમે પહેલાં તમારી જાતને તો ઓળખો. તમે ‘હું’ કરીને વાત કરો છો તો તમારો આ ‘હું’ કોણ છે? હવે આ કોઈ બુદ્ધિગમ્ય કોયડો ઉકેલવા જેવી વાત જ નથી.

દરેક માણસ બીજા માણસને કે ઈશ્વરને ઓળખવા-સમજવાની વાત કરે છે ત્યારે તે એમ માનતો હોય છે કે આ પ્રશ્નના હાર્દ પર બુદ્ધિને રસ્તે પહોંચી શકાય છે, પણ હકીકતમાં બુદ્ધિ તો મદદરૃપ થવાને બદલે અંતરાયરૃપ બની જતી હોય છે.

આપણે આપણી બુદ્ધિના અને આપણા જ્ઞાનના અહંકારને જરાક અળગો કરીએ તો આપણે કબૂલ કરવું પડે કે માણસને સમજવાનો રસ્તો તેની જિંદગીની સ્થૂળ ઘટનાઓ, તેણે પ્રગટ કરેલા કે અપ્રગટ રાખેલા સ્વાર્થો, તેના પોતાના કબૂલાતનામા વગેરેનો અભ્યાસ કરવામાં રહેલો નથી. માણસને સમજવાનો માર્ગ તો એક જ છે – તેના હૃદયની નજીક જવાની કોશિશ કરવાનો અને તેથી પણ વધુ અગત્યનું તો તેને તમારા પોતાના હૃદયની નજીક લાવવાનો છે. બુદ્ધિથી માણસને સમજી શકાતો નથી. માણસનું તાળું પ્રેમની ચાવીથી ખૂલી શકે. જે સાચોસાચ ચાહવાની કોશિશ કરે છે તે બીજી વ્યક્તિને ઠીક અંશે સમજી શકે છે. તેને સંપૂર્ણપણે સમજવાનો દાવો કરવો એ તો મિથ્યાભિમાન કે ભ્રમ જ છે.
———————

Leave A Reply

Your email address will not be published.

Translate »