તમારા માટે, તમારી સાથે, સતત…

હસતાં રહેજો રાજ – પાંચ પ્રકારની રાખડી

'કેદીઓને રાખડી બાંધવા માટે. અમે સખી મંડળનાં બહેનોએ નક્કી કર્યું છે

0 419
  • જગદીશ ત્રિવેદી

રાખડી શબ્દ રક્ષા ઉપરથી આવ્યો. રક્ષા કાંડા ઉપર બાંધવી એટલે સુરક્ષા માટે શુભકામના આપવી. આપણે ત્યાં બળેવના દિવસે એટલે શ્રાવણ સુદ પૂર્ણિમાના દિવસે બહેન પોતાના ભાઈને રાખડી બાંધે એવો રિવાજ છે. મહાભારતકાળમાં દાદી કુંતાએ પૌત્ર અભિમન્યુને રાખડી બાંધી હતી અને એ કાચા સૂતરનો તાંતણો અભિમન્યુના કાંડા ઉપર હતો ત્યાં સુધી કાળ પણ એનો વાળ વાંકો કરી શક્યો નહોતો. આમ રક્ષા માત્ર બહેન જ બાંધી શકે એવું નથી. અમે બાળપણમાં એક વિનોદી શાયરી બોલતા હતા.

‘વો છમછમ કરતી આઈ ઔર છમછમ કરતી ચલી ગઈ,

મૈં સિંદૂર લેકર ખડા થા, વો રાખી બાંધકર ચલી ગઈ’

અત્યારે સમજાય છે કે પત્ની કે પ્રેમિકા પણ રાખડી બાંધીને રક્ષણ માટે પ્રાર્થના કરી શકે. હું બળેવના દિવસે સવારે હીંચકા ઉપર બેઠો-બેઠો આ પ્રમાણે વિચારતો હતો ત્યાં શ્રીમતીજીએ મને વિચારભંગ કરતા કહ્યું કે ‘તમારે જેલમાં જવું છે?’

બળેવ જેવા તહેવારના દિવસે સવારના પહોરમાં આવા કઠોર સવાલથી મારા હીંચકાનો લય તૂટ્યો. મેં વડચકું ભરતા કહ્યું કે હું શા માટે જેલમાં જઉં? તમારે જવું હોય તો જાવ.’

‘હું તો જવાની જ છું.’ પત્ની બોલી.

‘કાલે જતાં હોય તો આજે જાવ. કલ કરે સો આજ કર, ઔર આજ કરે સો અબ’ મેં કહ્યું.

‘આપની આજ્ઞા છે તો અત્યારે જ જઉં છું.’ શ્રીમતીજી બોલ્યાં.

‘ક્યાં?’

‘જેલમાં.’

‘કેમ?’

‘કેદીઓને રાખડી બાંધવા માટે. અમે સખી મંડળનાં બહેનોએ નક્કી કર્યું છે કે આજે જેલમાં જઈને કેદીઓને રાખડી બાંધીને તેનો ફોટો પડાવીશું અને તમામ છાપાંમાં મોકલીશું.’ પત્નીએ જેલગમનનું કારણ પ્રગટ કરી દીધું.

‘એક સવાલ પૂછું?’ મેં રજા માંગી.

‘હા.’

‘તમે કેદીઓ પ્રત્યેની સદ્દભાવનાથી જાવ છો કે છાપામાં ફોટા છપાય એવી લાલચથી જાવ છો?’

‘……..’ પત્ની નિરુત્તર.

‘મને તો સાચું કહો.’

‘તમે જે બીજું કહ્યું તે.’ શ્રીમતીજી દબાયેલા અવાજે બોલ્યાં.

‘તમારા મંડળમાં મંજુલાબહેન સભ્ય છે?’

‘હા.. ઉપપ્રમુખ છે.’

‘એ જેલમાં આવવાના છે?

‘હા.. એ તો સૌથી આગળ હશે.’

‘એ મંજુલાબહેનનો સગો ભાઈ ગિરીશ જેલચોકમાં બટાકા તથા ભૂંગળાની લારી લઈને ઊભો રહે છે. ગિરીશની દીકરીને ડૉક્ટર થવું છે, પરંતુ મેડિકલની ફી નથી. મંજુલાબહેન સુખી છે, શહેરની બે-ત્રણ સંસ્થાઓમાં હોદ્દા ધરાવે છે. એ ગિરીશને રાખડી બાંધવાને બદલે જેલમાં જઈને ગુનેગાર ગનીને રાખડી બાંધે એ વાજબી લાગે છે?’ મેં નામ સાથે વિગતો રજૂ કરી.

‘મારો સવાલ સાંભળી પત્ની તો વિચારમાં પડી ગયાં, પરંતુ સાથે હું પણ ચકરાવે ચડ્યો. મને થયું કે રાખડીના પણ ઘણા પ્રકાર હોય છે.’

‘શું વિચારે છે?’ ભોગીલાલ ટપકી પડ્યો.

‘રાખડીના પ્રકાર કેટલા હશે?’ મેં કહ્યું

‘કાપડની, મોતીની, દોરાની…’

‘એમ નહીં.’

Related Posts
1 of 29

‘તો?’

‘પાંચ પ્રકારની રાખડી હોય છે. વેપાર રાખડી, સદાચારી રાખડી, દુરાચારી રાખડી, લાલચી રાખડી અને સુરક્ષાા રાખડી’ મેં તાજા ચિંતન બાદ નિચોડ રજૂ કર્યો.

‘હવે તું જ સમજાવ કારણ, તારા મગજના ગોદામમાં તૈયાર થયેલા આ મૌલિક પ્રકાર છે એટલે અમે સીધી રીતે સમજી શકીશું નહીં.’

‘તને તો યાદ છે કે આપણે નાના હતા ત્યારે ગામડામાં રહેતા ત્યારે અમે બ્રાહ્મણો બળેવના દિવસે તળાવની પાળ ઉપર જનોઈ બદલાવતા હતા. નવી જનોઈ પહેરી બપોરે લાડુનું ભોજન આરોગતા. બપોર પછી અમે ભૂદેવના છોકરાઓ દુકાને-દુકાને રાખડી બાંધવા નીકળતા.’ મેં ફ્લેશબૅક રજૂ કર્યો.

‘હા… યાદ છે.’ ભોગીલાલની બુદ્ધિ સતેજ છે.

‘મને બરાબર યાદ છે. ૧૯૭રની સાલમાં અમે એક પૈસાની એક રાખડી ખરીદતા અને એ બાંધવાથી અમને પાંચ પૈસા મળતા. કોઈ ઉદાર વેપારી તો દસ પૈસા પણ આપતા હતા.

‘એલ્યુમિનિયમનું ચોરસ પાંચિયંુ અને ગોળ કરકરિયાવાળું દસિયંુ મને યાદ છે.’ ભોગી બોલ્યો.

‘આ રક્ષાબંધનને વેપારી રાખડી કહેવાય. જેમાં આવક કેન્દ્ર સ્થાને છે. બીજી સદાચારી રાખડી. જે બહેન કોઈ પણ જાતના સ્વાર્થ વગર પોતાના ભાઈનું ભલું થાય એવી સદ્દભાવનાથી બાંધે છે.’ મેં કહ્યું.

‘દુરાચારી રાખડી એટલે શું?’

‘જે પુરુષો કામી હોય અને ગળામાં એક અદૃશ્ય બોર્ડ લટકાવીને ફરતાં હોય કે ઃ બહારના ઓર્ડર ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવશે. એવા પુરુષો પોતાની પત્નીની આંખમાં ધૂળ નાખવા માટે તથા આ પ્રકારના પુરુષો સાથે હળીમળી ગયેલી સ્ત્રીઓ પોતાના પતિની આંખમાં ધૂળ નાખવા માટે ધર્મના માનેલાં ભાઈ-બહેન હોવાનું નાટક કરીને પછી રાખડી બાંધે તે દુરાચારી રાખડી ગણાય.’

‘સાવ સાચી વાત કરી.’ ભોગીલાલે ટેકો આપ્યો.

‘ધર્મનાં માનેલાં તમામ ભાઈ-બહેન આવાં હોતાં નથી. નવઘણ અને જાહલ જેવા ધર્મનાં માનેલાં ભાઈ-બહેનનાં ઉત્કૃષ્ટ ઉદાહરણો છે. આ તો જે સંયમચ્યુત થયા છે તેને જ લાગુ પડે છે.’ મેં ચોખવટ કરી. અત્યારના સંવેદનશીલયુગમાં ખુલાસો સારો.

‘લાલચી રાખડી કઈ?’

‘હમણાં તારી ભાભી થોડાં બહેનો સાથે જેલમાં જવાની છે.’

‘જેલમાં જવાની છે?’ ભોગી ભડક્યો.

‘કેદીઓને રાખડી બાંધવા.’

‘તો ઠીક..’

‘એમાં એમને લાલચ છે કે અમારો ફોટો છાપામાં આવે..’

‘સમજાઈ ગયું..’

‘ઘણાં બહેનો કોઈ પક્ષમાં હોદ્દા માટે પક્ષના આગેવાનને રાખડી બાંધે તો એ લાલચી રાખડી ગણાય.’

‘રાખડીનો છેલ્લો પ્રકાર સમજાતો નથી.’

‘એ સુરક્ષા રાખડી છે. અમારી કામવાળી શાન્તા સુમનભાઈને ત્યાં પણ કામ કરે છે. શાન્તાને લાગ્યું કે સુમનભાઈની નજર બરાબર નથી એટલે દર બળેવે પહેલા સુમનભાઈને રાખડી બાંધી આવે છે. આને કહેવાય સુરક્ષા રાખડી’ મેં ફોડ પાડ્યો.

‘હં.. હવે મને સમજાયું કે અંબાલાલની ચાર-પાંચ પડોશણ અંબાલાલને શા માટે રાખડી બાંધે છે.’

‘એ રાખડીનો પાંચમો પ્રકાર જ છે એવું માની લેવું નહીં.’

‘તો?’

‘એ પાંચમાંથી કોઈ પણ પ્રકારની રાખડી હોઈ શકે છે. કોઈ સ્ત્રી અંબાલાલ પાસે રૃપિયા માટે રાખડી બાંધતી હોય તો એ વેપારી રાખડી છે. કોઈ નિસ્વાર્થ ભાવે બાંધતી હોય તો સદાચારી રાખડી છે. કોઈ પદ કે પ્રસિદ્ધિની લાલચે બાંધતી હોય તો લાલચી રાખડી છે. આમ પાંચમાંથી કોઈ પણ પ્રકાર હોઈ શકે છે.’

‘એક ખાનગી વાત કહંુ?’ ભોગી ધીમા અવાજે બોલ્યો.

‘તારે પૂછવાનું ન હોય.’

‘તારી ભાભી સાથે સગપણ થયા પછી બગીચામાં જઈને બેઠા હતા. મેં કહ્યું કે ગીત ગા. એણે ભોળા ભાવે સ્કૂલના એન્યુઅલ ડે ઉપર ગાયું હતું એ ગીત જ ગાયું ઃ ભૈયા મેરી રાખી કે બંધન કો નિભાના.’

અમે ખડખડાટ હસી પડ્યા અને શ્રીમતીજી જેલમાં જવા રવાના થયાં.
——————-

Leave A Reply

Your email address will not be published.

Translate »