તમારા માટે, તમારી સાથે, સતત…

રમ્ય મારી કુટિર નીરખું શાંત સરિતાને તીરે…

કેટલાક લોકો 'આખરી' સત્યને પકડવાના ધમપછાડા કરે છે

0 181

હૃદયકુંજ – દિલીપ ભટ્ટ

જિંદગી બહુ ભારે વિચારોને ધારણ કરતી નથી
કારણ કે એને સતત વહેતા રહેવું છે…

સિદ્ધાંત બહુ સારી વાત છે, તપસ્વીઓનો પ્રિય શબ્દ છે. જિંદગીની મૂળભૂત જરૃરિયાતો સિદ્ધાંતોને વળગેલી નથી. વિદ્વાનોએ ધરાર જિંદગીના પૂરપાટ વહેતાં પ્રાકૃતિક પ્રવાહને સિદ્ધાંતોમાં જકડવાની મથામણ કરી છે. સહુ સહુનું પોતાનું સત્ય જો વીણીને ક્યાંક ઢગલો કરીએ તો એ અખિલ મનુષ્યત્વનું સત્ય થાય. એકનું સત્ય બીજાને ન પરવડે એનું નામ જ મનુષ્યનું સત્ય છે. સદીઓની કેટલાક લોકો ‘આખરી’ સત્યને પકડવાના ધમપછાડા કરે છે અને છતાં એમના મસ્તક પર ગુલાબજળના એક છાંટાનો પણ અભિષેક નહીં થયો હોય, કારણ કે સાણસો હાથમાં લઈને સાપ પકડવા જવાય, સત્ય પકડવા નહીં. કેટલાક લોકો પકડી લાવે છે સાપ અને કહે છે સત્ય. આમ તો આ એક સત્યના વિવિધ ડાયમેન્શન અને અંતિમ સત્યની મીમાંસા છે જેમાં બહુ જાણકાર લોકોએ ગોથા ખાધા છે ને આપણે તો એના કાંઠે-કાંઠે છબછબિયાં કરવા નીકળેલા નગરવાસી માનુષ છીએ.

Related Posts
1 of 57

ફ્રાન્સના તત્ત્વજ્ઞાની બર્ગસાઁ એટલે જ કદાચ ખંડસત્યની થિયરી લઈ આવ્યા. તેઓ કહે છે કે એક સત્યની હજારો બાજુઓ હોય છે. માની લો કે એક માચીસ છે તો એની છ બાજુ એટલે કે છ પાસાં છે. તમારી આંખે તમે જુઓ અને હાથમાં આમ તેમ ફેરવો તો પણ બધી બાજુઓ એકસાથે નહીં જોઈ શકો. કેટલાંક પાસાં એકસાથે નહીં દેખાય, બાકી રહી જશે. ફરી માચીસ ફેરવશો ત્યારે અગાઉ દેખાતાં હતાં એ અદ્રશ્ય થઈ જશે ને નવા દેખાશે. એટલે કે સત્ય આખેઆખું કદાચ અનુભવે આત્મસાત્ થાય તો ભલે, પણ નરી આંખે – નર્યા કાને કે નરી જિહ્વાએ આત્મસાત્ નહીં થાય. બર્ગસાઁની આ થિયરી જોકે સર્વસ્વીકૃતિએ પહોંચી શકી નથી.

જિંદગી આપણે જોઈ લીધેલી કે કલ્પના કરેલી સર્વ નદીઓના જળથી અધિક પૂરપાટ વહેતી ધારા છે. અહીં જીવન શિક્ષણ એટલે ઝરણાને નૃત્ય શીખવવાનો પ્રયત્ન, પણ જેમ ઝરણામાં અને સિંચાઈની કેનાલમાં તફાવત છે એવો તફાવત પ્રાચીન સમાજશાસ્ત્રીઓએ ઊભો કર્યો. એટલે ત્યાંથી મનુષ્યની જિંદગીમાં સામાજિક વિભાવનાનો પ્રવેશ થયો. સામાજિક સભાનતાની ઘનતા એટલી વધી ગઈ છે કે હવે પ્રજા વરસતા વરસાદમાં ન્હાવાનું વીસરી ગઈ છે.

જિંદગી કોઈ ફ્રેમમાં બાંધી શકાઈ નથી. જેને આપણે યુનિફોર્મ કહીએ એ પરિધાનમાં બધા જ એકસરખા લાગે છે, પણ એકસરખા હોતા નથી. સમાજમાં સહુને એકસરખા બનાવવાની પ્રવૃત્તિઓ ચાલ્યા જ કરે છે. રાજકારણ અને ધર્મકારણ તો એમાં જ ધમધમે છે, પણ એમાંથીય છટકીને જે નિજાનંદને પામતા રહે છે તે સ્વતઃસિદ્ધ મનુષ્ય છે.

————-     વધુ વાંચન માટે અભિયાન સબસ્ક્રાઇબ કરો.     ————-

Leave A Reply

Your email address will not be published.

Translate »