તમારા માટે, તમારી સાથે, સતત…

કુલદીપ નાયર કો પ્રણવદા પર ગુસ્સા ક્યું આતા હૈ?

પત્રકાર કુલદીપ નાયરે પ્રણવદા પર પુણ્યપ્રકોપ ઠાલવ્યો

0 175
  • સંદર્ભ

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તૃતીય વર્ષના પ્રશિક્ષણ શિબિરના સમારોહમાં અતિથિ વિશેષ તરીકે હાજરી આપી એ માત્ર કોંગ્રેસના લોકોને જ નહીં તો અન્ય અસંખ્ય લોકોને પણ ગમ્યું નહીં. એમાંના ઘણા લોકોએ પોતપોતાની રીતે જોવાનો દૃષ્ટિકોણ વ્યક્ત કર્યા છે. આ ઘટનાને સૌએ પોતપોતાની રીતે જોવાનો પ્રયત્ન કર્યો છે. પ્રણવ મુખરજીનું પ્રવચન પહેલાંનો કોંગ્રેસી મહાનુભાવોનો રોષ પ્રણવ મુખરજીનું પ્રવચન સાંભળ્યા પછી તદ્દન શાંત થઈ ગયો. આમ છતાં અનેક લોકો પ્રણવદાનાં આ પગલાંને હજુ સ્વીકારી શકતા નથી. આપણા વરિષ્ઠ પત્રકાર કુલદીપ નાયરે પણ આ મુદ્દે પ્રણવ મુખરજી પર પોતાનો પુણ્યપ્રકોપ ઠાલવ્યો છે અને એ કોંગ્રેસી અગ્રણીઓ કરતાં પણ વધુ ઉગ્ર પ્રકારનો છે. પ્રણવ મુખરજીએ સંઘના સમારોહમાં જવાનું કેમ સ્વીકાર્યું એ પ્રશ્નનો સંતોષકારક જવાબ હજુ ઘણા કોંગ્રેસીઓને મળતો નથી. આવા લોકોને કુલદીપ નાયરે પ્રણવ મુખરજીની રાજકીય કારકિર્દીના ભૂતકાળનાં પાનાંઓ ખોલીને એવું સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે તેઓ તો સદા અવિશ્વસનીય રહ્યા છે.

એક વિનમ્ર અને સરળ રાજકારણીમાંથી આગળ વધીને બદલાતા રહેલા અને બદલાયેલા પ્રણવ મુખરજીની તસવીર પ્રસ્તુત કરી છે. કુલદીપ નાયર લખે છે કે, ‘લોકો તેમને સરળ આદતવાળા વ્યક્તિ તરીકે ઓળખતા હતા, પરંતુ વર્ષો પસાર થવાથી બધું બદલાઈ ગયું. તેઓ શક્તિસંપન્ન રાજકારણી તરીકે સ્થાપિત થઈ ગયા. કટોકટી દરમિયાન હું તેમના ઘરે જતો હતો… તેઓ એ  વખતે ઇન્દિરા ગાંધીના પ્રધાનમંડળમાં વાણિજ્ય પ્રધાન હતા અને સંજય ગાંધીના અત્યંત નિકટ હતા. સંજય બંધારણ બાહ્ય સત્તાના કેન્દ્ર હતા અને વ્યવહારમાં સત્તાની લગામ તેમના હાથમાં હતી. સ્પષ્ટ કહેવું હોય તો પ્રણવ મુખરજી તેમના વિશ્વાસપાત્ર હતા અને સંજય ગાંધી તરફથી મળેલા આદેશોનું પાલન કરતા હતા… સંજય ગાંધીના કહેવાથી તેઓ લાઇસન્સ આપતા અથવા રદ કરતા હતા.’

Related Posts
1 of 37

એ પછી તેઓ પ્રણવદાના નજીકના ભૂતકાળ વિશે ટિપ્પણી કરતાં લખે છે – ‘રાષ્ટ્રપતિ તરીકે તેઓ એક ખોટી પસંદગીની વ્યક્તિ હતા અને પ્રથમ દૃષ્ટિએ તેમણે ખુરશીને આટલો ઊંડો પ્રેમ કરવો જોઈતો ન હતો. સોનિયાએ જ્યારે તેમને આ પદ પર પ્રમોશન આપ્યું તો તેમની ટીકા થઈ, પરંતુ એ એક વફાદાર વ્યક્તિને અપાયેલ સોગાદ હતી જેમણે એવું પણ કહ્યું કે જો સોનિયા કહે કે સૂરજ પશ્ચિમમાં ઊગે તો એ પશ્ચિમમાં ઊગે છે. તેઓ બીજા જ્ઞાની ઝૈલસિંહ છે. પ્રણવ મુખરજીનું શાસન જ લોકતંત્રનું અપમાન હતું. એ પદ પર તેમનું બેસવું એ બંધારણનું ઉલ્લંઘન હતું. …જો તેઓ સંવેદનશીલ હોત તો કટોકટીના ૧૭ મહિનાઓમાં કરાયેલી ભૂલો અનુભવી હોત. બીજું કાંઈ નહીં તો કટોકટી લાદવા અંગે ખેદ વ્યક્ત કર્યો હોત. એ સમયે એક લાખથી વધુ લોકોને કોઈ સુનાવણી વિના અટકાયતમાં રખાયા અને પ્રેસને ‘અનુશાસિત’ કરી દેવાયું. સરકાર અમલદારોએ સાચા-ખોટા અને નૈતિક-અનૈતિક વચ્ચેનો ભેદ સમજવાનું છોડી દીધું હતું… હું સૌથી ઉચ્ચ હોદ્દા પર તેમની નિયુક્તિને રાષ્ટ્રના મુખ પર તમાચા તરીકે નિહાળું છું.’

કુલદીપ નાયર એ લખવાનું પણ ભૂલ્યા નથી કે જો લોકપાલ જેવી વ્યવસ્થા હોત તો એ દર્શાવત કે પૂર્વ રાષ્ટ્રપતિ ક્યાં નિષ્ફળ ગયા. અફસોસ કે રાષ્ટ્રપતિના શાસન કાળની સમીક્ષા માટે આવી કોઈ સંસ્થા નથી. તેમણે પ્રણવ મુખરજીની એ મુદ્દે પણ ટીકા કરી છે કે રાષ્ટ્રપતિપદ પર રહીને પોતાનાં સંસ્મરણો પ્રસિદ્ધ કરવા એ રાષ્ટ્રપતિને શોભે નહીં. પ્રણવ મુખરજીએ જાણી જોઈને સાંપ્રદાયિક તત્ત્વો સામેની લડાઈનો ઇનકાર કર્યો છે. આરએસએસ અથવા કહો કે ભાજપ દેશને કહી શકે છે કે નાગપુર સાંપ્રદાયિક તત્ત્વોનું પ્રતિનિધિત્વ નથી કરતું કેમ કે મુખરજીએ આરએસએસ કેડરને સંબોધન કરવાનું પસંદ કર્યું. આખરે કુલદીપ નાયરે એવી ટિપ્પણી કરી છે કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ આ પગલાં માટે મુખરજીની ટીકા કરવી જોઈતી હતી. જો તેઓએ એવું કર્યું હોત તો રાષ્ટ્ર ફરી એ પક્ષ પ્રત્યે ધ્યાન આપવા મજબૂર થયું હોત જે પક્ષ સતત અપ્રાસંગિક બનતો જાય છે.

—————–

Leave A Reply

Your email address will not be published.

Translate »