તમારા માટે, તમારી સાથે, સતત…

મેન્ગોફોબિઆ

'ઓહો! કેરી ખાવામાં વળી શાની બીક?

0 169

વ્યંગરંગ – કલ્પના દેસાઈ

‘ડૉક્ટરસાહેબ, તમારી સલાહ જોઈએ છે.’

‘સોરી, અહીં દવા મળે છે. સલાહ માટે કોઈ વકીલને ત્યાં જાઓ.’

‘ના સાહેબ, આ સલાહ તો તમારી પાસેથી જ લેવી પડે એવી છે.’

‘તો પછી એકલી સલાહથી કંઈ તમને સારું નહીં થાય. સલાહની સાથે તમારે મારી દવા તો લેવી જ પડશે.’

‘અરે સાહેબ! હું તમને સલાહના પૈસા આપી દઈશ, પણ મને જબરદસ્તી દવાનો આગ્રહ ન કરો.’

‘અચ્છા બોલો, શું થાય છે?’

‘આમ તો મને નખમાંય રોગ નથી ‘ને તેમ તો મને ક્યારેય કંઈ થતું જ નથી.’

‘તો પછી લહેર કરો ને. આમ ખાઈ પીને જલસા કરો જાઓ.’

‘અરે સાહેબ, આ જલસાના નામ પર જ તમને મળવા આવ્યો છું. આજકાલ દુનિયા આખી જ્યારે કેરી ખાવા પર મંડી છે ને જલસા કરે છે ત્યારે મને કેરી ખાવાની બીક લાગે છે.’

‘ઓહો! કેરી ખાવામાં વળી શાની બીક? એનાથી ક્યાં નુકસાન થાય છે? ઉલટાનું આખા વરસના વિટામિન્સ–પ્રોટીન્સ મળી જાય, શરીરની શુદ્ધિ થઈ જાય, ગાલ પર લાલી આવી જાય ‘ને તમે થોડા વધારે તંદુરસ્ત બની જાઓ. ખાઓ તમતમારે પેટ ભરીને. ‘આમ’ તો નો પ્રોબ્લેમ એટ ઓલ.’

‘વધારે કેરી ખાવાથી મને ડાયાબિટીસ તો નહીં થાય ને?’

‘અરે ના ના. એવું કોણે કહ્યું? તમે એક કેરી ખાઈને એક કિલોમીટર ચાલી નાંખજો એટલે ડાયાબિટીસ તો શું, ડાયાબિટીસનો બાપ પણ નહીં થાય.’

‘ડાયાબિટીસનો બાપ પણ હોય?’ (ભાઈ, એક સલાહમાં તમે મારો જીવ લઈ લેશો?)

Related Posts
1 of 29

‘ધારો કે વધારે કેરી ખાઉં તો મારું વજન તો નહીં વધી જાય ને? પછી વજન વધી જશે તો બી.પી. ‘ને હાર્ટનો પ્રોબ્લેમ થઈ જશે ને?’ (તો હું શેના માટે અહીં બેઠો છું?)

‘ઓહોહો! મને લાગે છે કે તમને મેન્ગોફોબિઆ થઈ ગયો છે.’

‘હેં? એટલે? એનાથી શું થાય? એના કયા કયા લક્ષણો છે? ને એનો કોઈ ઉપાય?’

‘મેન્ગોફોબિઆ એટલે આ સિઝનમાં જ્યાં ને ત્યાં દર્દીને કેરી જ દેખાય. એને સતત એવી બીક લાગે કે કશેકથી તો કેરીની સુગંધ આવે જ છે. ટીવીમાં પણ કેરી જ બીવડાવે ને સમાચારપત્રો કે સામયિકોમાં પણ કેરી સિવાય વાત નહીં. ઘરમાં કે ઘરની બહાર લોકો કેરી લેતાં, કેરી ખાતાં ‘ને છાલગોટલા નાંખતાં દેખાય. અરે, જ્યારે ગાયોને પણ તમે એ છાલગોટલામાં માથું નાંખેલી જોઈને ગભરાઈ જશો ત્યારે સમજી લેવું કે તમને મેન્ગોફોબિઆ થયો છે.’

‘સારું થયું કે હું તમારી પાસે જ સલાહ લેવા આવ્યો તો આ નવા રોગની ખબર પડી. પ્લીઝ, મને જલદી સારું થાય એવી દવા આપજો. જોઈએ તો એક્સ-રૅ પડાવી લઈશ ‘ને દવા-ઇન્જેક્શનનો કોર્સ પણ કરાવી લઈશ તમારી પાસે.’

‘અરે અરે! જરા શ્વાસ લો ‘ને મને પણ લેવા દો. કેરી વસ્તુ જ એવી છે કે કોઈથી ખાધા વગર રહેવાય જ નહીં.

‘તમારાથી પણ ના રહેવાય?’

‘અરે! શું વાત કરું તમને? કોઈને કહેતા નહીં, પણ મનેય તમારા જેવી જ કેરીની બીક લાગે છે. એમ તો મને કેરી બહુ ભાવે એટલે જો એક જ વાર કેરી ખાવા માંડું ને તો પછી કોઈ લિમિટ જ ના રહે. આ તો શું છે કે રોજ ચાર વાગ્યે દવાખાનું ખોલવું જ પડે બાકી આ સિઝનમાં તો રસ ‘ને રોટલી ખાઈને ઘોરવાની જે મજા આવે. આહાહા!’

‘બસ ડૉક્ટર સાહેબ, આ જ મારે કહેવું હતું કે કેરી ખાઈને બપોરે સૂઈ જઈએ તો વજન વધી જાય?’

‘અરે ભાઈ! એક વાર કેરી ખાધા પછી તમે તમારા વજનની ચિંતા માંડી જ વાળજો. વજનનું તો શું છે? આજે ન વધે એટલું કાલે ને કાલે ન વધે એટલું રોજ વધતું જ રહે. મૂળ વાત છે કેરી ખાવાની. તો જરાય ગભરાયા વગર ખાઈ જ લેવાની. મેં તમને પહેલાં પણ કહ્યું ને કે જેટલી કેરી ખાઓ એટલા કિલોમીટર ચાલી કાઢજો એટલે કોઈ રોગ તમારી ખબર પૂછવા નહીં આવે.’

‘સાહેબ, આ ચાલવાવાળી વાત થોડી અઘરી નથી? કંઈ ઓછું ન થઈ શકે?’

‘ઓછામાં તો પછી એક સમયે એક જ ચીરી ખાજો ‘ને રસ ખાવો કે પીવો હોય ત્યારે એક ચમચી રસ ચાખી લેજો. આખા દિવસમાં આમ એક જ વાટકી રસ થશે ને તમારો કેરીમાં ‘ને કેરીમાં જીવ રહેવાથી વજન પણ તમને માફ કરી દેશે.’

‘તો પછી હવે મારાથી ધરાઈને કેરી ખવાય ને?’

‘હેં?’

——————————.

Leave A Reply

Your email address will not be published.

Translate »