વ્યંગરંગ – કલ્પના દેસાઈ
‘આ ધરતી પર આવ્યાં છીએ ‘ને માણસનો અવતાર મળ્યો છે તો બે સારા કામ કરતાં જઈએ.’
‘એટલે? અચાનક જ આજે આ ભ્રમજ્ઞાન ક્યાંથી મગજમાં ભરાયું? તેમાંય એને મારી સામે કહેવાનો શો અર્થ? મને તો બધું ખબર જ છે.’
‘હા ભાઈ, તમે તો તમારો અવતાર સફળ કર્યો, પણ મારે આ વાત ગોખીને યાદ રાખવાની છે ને, કંઈ નહીં તો બે સારા કામ તો કરવા જ છે, જેથી લોકો આપણને યાદ કરે.’
‘ઓહો! એટલે લોકો આપણને યાદ કરે એ કારણે તમારે બે સારા કામ કરવા છે?’
‘હાસ્તો, પણ મને સમજ નથી પડતી કે કયા બે કામ કરું?’
‘જુઓ, પહેલું કામ તો તમે તમારા થોડા ફોટા પડાવી લો.’
‘હેં? એનાથી શું થશે?’
‘ફોટા જોઈને લોકો તમને યાદ કરશે.’
‘હા, એ બરાબર ‘ને બીજું કામ?’
‘ફોટા પડાવો ત્યારે બૅકગ્રાઉન્ડ સારું રાખજો.’
‘બૅકગ્રાઉન્ડ સારું એટલે કેવું?’
‘ધારો કે તમે ફોટો પડાવો ત્યારે તમારી પાછળ ભીંતના પોપડા ઉખડેલા દેખાય, દોરી પર કધોણાં કપડાં લટકતાં દેખાય, તમારો બાબલો મોંમાં અંગૂઠો નાંખીને રડતો દેખાય કે તમારી પત્ની ફોટામાં આવવા માટે પાછળથી ડોકિયાં કરતી દેખાય તે તમારા માટે સારું કહેવાય? જો તમારી પાછળ ગટર દેખાતી હોય કે કચરાનો ઢગલો દેખાતો હોય ને, તો તમારો રાજકુમાર જેવો દેખાતો ફોટોય કચરા જેવો જ ગણાશે. યાદ રાખો, લોકો ફોટામાં તમને નહીં, પણ તમારી પાછળના બૅકગ્રાઉન્ડને ધ્યાનથી જોતાં હોય છે.’
‘અરેરે! લોકો ફોટામાં આવું બધું જુએ છે?’
‘હા તો ફોટા કોને કહેવાય? આજકાલ તો લોકો જાતે જ પોતાના ફોટા લેતા થઈ ગયા તે જોયું છે કે નહીં? એ લોકોય ફોટો પાડતા પહેલાં જગ્યા પસંદ કરે છે. કોઈ ઉકરડાની સામે કે ગાય-ભેંસ-ગધેડાની આગળ ઊભા રહીને ફોટો નથી પડાવતું, સિવાય કે એમના માલિક.’
‘લો, તો હવે તમે જ મને શીખવાડી દો કે ફોટો પડાવું ત્યારે મારે કેવી જગ્યાએ ઊભા રે’વાનું?’
‘અસલ તો લોકો ફોટો પડાવવા ફોટો સ્ટુડિયોમાં જતાં. ત્યારે તો સ્ટુડિયોમાં જ સાઇકલ, મોટરસાઇકલ ‘ને મોટરના મોટા રંગીન પૂંઠાં રહેતાં. એની પાછળ જઈને ટેબલ ઉપર બેસી જવાનું એટલે આપણે જ આપણી ગાડી ચલાવતાં હોઈએ એવો આપણો ફોટો પડી જતો. કાશ્મીરના રંગીન પૂંઠામાં કાશ્મીરી કન્યા ફૂલોની મોટી બાસ્કેટ લઈને ઊભી હોય ‘ને તમે એને જોતાં હો એવો ફોટો પાડવા તમને ગરમ ટોપો પહેરાવી દે ‘ને એકાદ ગંધાતો ગરમ કોટ પહેરાવી દે કે તમે કાશ્મીર પહોંચી ગયા હો એવું જ લાગે. એવા જ ઊંટ ‘ને ઘોડા પર બેઠેલા ‘ને નદીમાં હોડીમાં સહેલ કરતા ફોટાય પડી જતા. આવું બધું સરસ વાતાવરણ ઊભું કરે પછી તમે ગમે તેવા દેખાતા હો તેનો કોઈ વાંધો નહીં. જોવાવાળા તો એટલું જ પૂછશે, ‘હેં, તમે કાશ્મીર ફરી આવ્યા ‘ને અમને જણાવ્યું પણ નહીં?’ ત્યારે તમને તમારા પેલા સારા કામ કર્યાનો સંતોષ થશે.’
‘હવે એવો સ્ટુડિયો ક્યાં મળશે?’
‘હવે ક્યાં એની કોઈ જરૃર જ છે? કોઈની ચકાચક ગાડીને ટેકીને ઊભા રહી જાઓ કે કોઈની બાઈક પર બે ઘડી બેસીને ગૉગલ્સ ચડાવીને વટ મારતો ફોટો પડાવી લો. અરે! જાતે જ પોતાનો ફોટો પાડતા શીખી લો ને. એને સેલ્ફી કહેવાય તે યાદ રાખજો. તમારા માટે તો જાતે ફોટો પાડેલોય સારા કામમાં જ ગણાશે કે કોઈનેય ત્રાસ આપ્યા વગર એમણે પોતાના ફોટા જાતે જ પાડેલા. એકાદ ઝાડ શોધી લો ‘ને એકાદ ડાળ પર ગોઠવાઈને ફોટો ખેંચી લો, તમને કોઈ નીચે ખેંચી લે તે પહેલાં. એકાદ રંગીન બાંકડા પર લાંબા થઈ જાઓ ‘ને તમને કોઈ ઉઠાડી મૂકે તે પહેલાં તમારો હીરો જેવો ફોટો પાડી લો. જાતજાતનાં મોં બનાવીને પણ થોડા ફોટા પાડજો એટલે શું કે પસંદગીને અવકાશ રહે. સેલ્ફીમાં તો શું છે કે તમને અધધ વેરાયટી મળશે ‘ને એ બધા ફોટા જોવા ક્યારેય કોઈ નવરુંય નહીંં પડે. ફક્ત તમારા ફોટા માટે જ તમને યાદ રાખશે કે, ‘કામધંધા વગરનો સાવ નવરો હતો. આખો દિવસ કાર્ટૂન જેવી સેલ્ફી જ લીધે રાખતો. સેલ્ફી તો લેતો પણ પાછો આપણે માથેય મારતો.’
‘હેં? એવી રીતે લોકો યાદ રાખશે? તો પછી માંડી વાળું ફોટા પાડવાનું.’
‘પછી તમારા પેલા બે સારા કામનું શું?’
‘જોઈશું પછી કંઈક શોધી કાઢશું.’
————————-.