તમારા માટે, તમારી સાથે, સતત…

ચહેરાના વણજોઈતા વાળ દૂર કરવાના ઉપાય

પપૈયા-હળદર મિશ્રણને ચહેરા પર લગાવી દો

0 474

બ્યુટી – હેતલ ભટ્ટ

મોટાભાગની વ્યક્તિઓ ચહેરાના વાળ છુપાવવા માટે બ્લિચિંગનો સહારો લે છે. બ્લિચિંગના કારણે વાળનો રંગ આછો થઈ જાય છે અને તે ઝડપથી નજરે નથી પડતા. જોકે, ઘરગથ્થુ વસ્તુઓનો ઉપયોગ કરીને પણ ચહેરાના વણજોઈતા વાળ દૂર કરી શકાય છે.

શરીર પરના વણજોઈતા વાળ દૂર કરવા માટે આપણે વેક્સિંગ, હેર રિમૂવર ક્રીમ, શેવિંગ, ક્યારેક થ્રેડિંગ અને ક્યારેક ટ્રિમરનો ઉપયોગ કરીએ છીએ. મોટા ભાગના લોકો વેક્સિંગ કરવાનું પસંદ કરે છે, પરંતુ તેમાં ત્વચા ખેંચાતી હોય છે અને દર્દ થતું હોય છે. કેટલીકવાર સાઇડ ઇફેક્ટ પણ જોવા મળતી હોય છે જ્યારે શેવિંગ, હેર રિમૂવર ક્રીમ, થ્રેડિંગ અને ટ્રિમિંગમાં ત્વચા કાળી અને બરછટ થતી જોવા મળે છે. આ જ વસ્તુઓનો ઉપયોગ આપણે ચહેરા પરના વણજોઈતા વાળ દૂર કરવા માટે કરીએ છીએ. જોકે, શરીરના અન્ય અંગોની ત્વચાની સરખામણીમાં ચહેરાની ત્વચા વધુ નાજુક અને સંવેદનશીલ હોય છે. તેથી ઘરગથ્થુ વસ્તુઓના ઉપયોગ દ્વારા પણ ચહેરા પરના વણજોઈતા વાળ દૂર કરી શકાય છે.

Related Posts
1 of 55

તમે વાળ દૂર કરવા માટે બજારમાંથી વેક્સ લાવવાના બદલે ઘરે જ વેક્સિંગ ક્રીમ તૈયાર કરી તેનો ઉપયોગ કરી શકો છો. ઘરગથ્થુ વસ્તુઓ હોવાને કારણે તેની સાઇડ ઇફેક્ટ થવાની શક્યતા ખૂબ ઓછી થઈ જતી હોય છે. ખાંડને ગરમ કરી તેમાં લીંબુ અને મધ ઉમેરી વેક્સ ક્રીમ બનાવી શકાય છે. જો ત્વચા સંવેદનશીલ હશે તો ગરમ-ગરમ ક્રીમ લગાવવાને કારણે કેટલીકવાર લાલ થવાની કે દાણા ઉપસી આવવાની શક્યતા રહેશે, પણ ઘરે બનાવેલી ક્રીમ હોવાને કારણે અન્ય કોઈ આડઅસર જોવા નહીં મળે.

ચહેરા પરના વાળ દૂર કરવા માટે ઈંડાંની જરદીમાં ખાંડ અને મકાઈનો લોટ ઉમેરી મિશ્રણ તૈયાર કરો. આ મિશ્રણને ચહેરા પર લગાવી દસ મિનિટ સુધી મસાજ કરો. મસાજ કર્યા પછી થોડીવાર સૂકાવા દો અને ત્યાર બાદ હૂંફાળા પાણીથી ચહેરો સાફ કરી લો. અઠવાડિયામાં બેથી ત્રણવાર નિયમિત રીતે આ પ્રયોગ કરવાથી ચહેરા પરના વણજોઈતા વાળ દૂર થવા લાગશે.

આ ઉપરાંત પપૈયા અને હળદરનો ઉપયોગ કરીને પણ ચહેરા પરના વાળ દૂર કરી શકાય છે. પપૈયાની પેસ્ટમાં હળદર ઉમેરી મિશ્રણને ચહેરા પર લગાવી દો. દસ-પંદર મિનિટ સુધી રાખ્યા બાદ ચહેરો હૂંફાળા પાણીથી ધોઈ નાંખો. જો નિયમિત રીતે આ પેસ્ટ લગાવવામાં આવે તો ચહેરા પરના વાળ તો દૂર થાય જ છે, સાથે સાથે ચહેરાનો રંગ પણ નિખરે છે.

———————–.

Leave A Reply

Your email address will not be published.

Translate »