તમારા માટે, તમારી સાથે, સતત…

મરે નહીં, પણ માંદો થાય…

કાકાએ શરબત સ્વરૂપા ચા પીતા પીતા આજ્ઞા કરી.

0 321

હસતાં રહેજો રાજ – જગદીશ ત્રિવેદી

પત્ની રસોડામાં ખાંડ લેવા ગઈ છે ત્યારે આપને ખાનગીમાં ખાંડ સંબંધી વાત કરી દઉં. આમ તો પત્નીએ મને આ વાત જાહેર કરવાની ના પાડી છે. એટલે માત્ર ‘અભિયાન’ના વાચકોને ખાનગીમાં કહું છું. જો જો વાત બહાર જાય નહીં.

એકવાર તેઓશ્રી બહાર હતાં અને મહેમાન આવ્યા. તેઓશ્રીની ગેરહાજરીમાં મેં રસોડાનો કબજો લીધો અને ચા બનાવી. મારી આવડતના અભાવે ચા ખારો થઈ ગયો. ચા સાથે મહેમાન પણ ખારો થયો અને થૂં થૂં કરીને ભાગી ગયો. મહેમાન મારું ઘર છોડીને ભાગી ગયો પછી મેં રસોડામાં જઈને ઝીણી નજરથી ઇન્વેસ્ટિગેશન શરૃ કર્યું. હું કારણ સુધી પહોંચવામાં સફળ થયો. પત્નીએ જે બરણીમાં મીઠું ભર્યું હતું તેના ઉપર ‘ખાંડ’ લખ્યું હતું અને જે બરણીમાં ખાંડ ભરી હતી તેના ઉપર ‘મીઠું’ ભર્યું હતું. આ કારણે મારાથી આમ મીઠું નંખાઈ ગયું હતું. પત્ની બહારથી સ્વગૃહે પધાર્યાં એટલે મેં આમ કરવાનું કારણ પૂછ્યું તો ભાગ્યવાન બોલી કે ખાંડમાં કીડી ન પડે એ માટે મેં કીડીઓને છેતરવા માટે ‘મીઠું’ લખેલી બરણીમાં ખાંડ ભરી છે.

આપ કોઈને કહેશો નહીં એવી આશાથી પત્નીની બુદ્ધિપ્રતિભાની ખાનગી વાત કહી છે. આમ પણ મને ઘરની વાત જાહેર કરવામાં ખાસ રસ નહીં.

હું અને મફાકાકા મોળી ચા હાથમાં પકડી સાવ મોળા પડી ગયા. થોડીવારમાં પત્ની ‘મીઠું’ લખેલી બરણી સાથે એ રીતે પ્રગટ થઈ જે રીતે સમુદ્રમંથન બાદ અમૃતનો કુંભ લઈને મોહિની રૃપે ઈશ્વર પ્રગટ્યા હતા. અમે ઠરી ગયેલી ચામાં ખાંડ નાખી અને ચમચીથી હલાવીને સાવ ઠારી નાખી. આમ પણ શરબત અને સૌરાષ્ટ્રની ચા વચ્ચે માત્ર ઉષ્ણતામાનનો જ તફાવત હોય છે. હવે અમારી ચા શરબતનું રૃપ ધારણ કરી ચૂકી હતી.

‘તો પછી મનસુખને લઈને તું ભોગીલાલ અને બેરો ત્રણે જામનગર જઈ આવો.’ કાકાએ શરબત સ્વરૃપા ચા પીતા પીતા આજ્ઞા કરી.

‘ભલે કાકા, ભોગીલાલ સાથે વાત કરી આપને જણાવું છું. મેં હા પાડી અને કાકા અમારા ઘેરથી સ્થળાંતર કરી ગયા.

* * *

અમાસના દિવસે અશુભ ચોઘડિયામાં અમારી યાત્રા શરૃ થઈ. મહેસાણા-જામનગર એસ.ટી. બસમાં અમે સુરેન્દ્રનગરથી સવાર થયા. ત્રણ પેસેન્જરની સીટમાં બારી પાસે બેરો, વચ્ચે મનસુખ અને છેવાડાના માણસ જેવો હું છેવાડે બેઠો હતો. ભોગીલાલ ખાખી વર્દીમાં હતો છતાં ઓફ ડ્યુટી હતો અને ઓન ડ્યુટી કંડક્ટર રંગીન કપડામાં હોવાથી બધા પેસેન્જર ભોગીલાલને કંડક્ટર માની બેઠા હતા. ભોગીલાલ ઊભો-ઊભો ઓન ડ્યુટી કંડક્ટર સાથે એસ.ટી. નિગમની નિંદામાં વ્યસ્ત હતો.

મફાકાકાનો મનસુખ દેખાવે રૃપાળો છે. આજે સારા કપડાં પહેરીને તૈયાર થયો હોવાથી રાજાના કુંવર જેવો લાગતો હતો. અમુક માણસો કુદરતી રીતે એટલા રૃપાળા હોય કે નાહ્યા વગર બેઠા હોય તો પણ સ્નાન કરીને બેઠા હોય એવા લાગે અને અમુક લોકો મારા જેવા હોય જે નાહ્યા હોવા છતાં નાહ્યા હોય એવા લાગે જ નહીં.

હું એકવાર ચુનીલાલના ઘેર રાત રોકાયો હતો. હું સવારે જાગી સ્નાન કરીને બેઠો હતો અને ચુનીયો બોલ્યો કે, ‘તું નાહી લે એટલે આપણે નાસ્તો કરવા બેસીએ.’ હું શરમનો માર્યો બીજીવાર નહાવા જતો રહ્યો. ત્યાર બાદ મેં ચુનીલાલ સાથે નાસ્તો કર્યો. ત્યાર બાદ ચુનીલાલ ઉપરના રૃમમાં કપડાં બદલવા ગયો. હું એકલો બેઠો-બેઠો ટીવી જોતો હતો. ત્યાં ચુનીલાલના પિતાજી મંદિરથી આવ્યા. મને જોઈને બોલ્યા  ઃ ‘તું હજુ સુધી નાહ્યો નથી?’

Related Posts
1 of 29

હું એક પણ અક્ષર બોલ્યા વિના ત્રીજીવાર નહાવા જતો રહ્યો હતો. આ વાત ઉપરથી હું કેટલો રૃપાળો છું તેનો અંદાજ આવી શકે તેમ છે. મનસુખનું મારા કરતાં સાવ જુદું છે. એ ખૂબ જ રૃપાળો છે. અમે બસમાં બેસી જામનગર જતા હતા તો અજાણ્યા મુસાફરને તો એમ જ લાગે કે મનસુખ મને દાખલ કરવા લઈ જાય છે.

રસ્તામાં રાજકોટ એસ.ટી. ડેપો આવ્યો. બેરાકાકા બાથરૃમ જવા માટે નીચે ઊતર્યા. ટ્રેનમાં જાજરૃ-બાથરૃમની સુવિધા છે, પરંતુ બસમાં નથી એ સારું છે, કારણ ટ્રેન મોટા ભાગે વગડામાંથી પસાર થાય છે અને બસ મોટા ભાગે વસતીમાંથી પસાર થાય છે. હું અને ભોગીલાલ થોડો પગ મોકળો કરવા નીચે ઊતર્યા હતા. ત્રણ પેસેન્જરની સીટ પર મનસુખ એકલો બિરાજમાન હતો. ત્યાં શેરડીનો રસ વેચનાર એક ફેરિયો શીકામાં રસના પ્યાલા લઈને મનસુખ પાસે જઈ ચડ્યો. મેં કહ્યું, એમ મનસુખ દેખાવે સુંદર હોવાથી ફેરિયાને પણ બોણીની આશા બંધાય તે તદ્દન વાજબી છે. ફેરિયાએ શીકામાંથી એક ગ્લાસ હાથમાં લઈને મનસુખની ઇચ્છા જગાડવા માટે છેક મનસુખના મુખ પાસે લઈ જઈને કહ્યું ઃ લ્યો, શેરડીનો રસ પીશો? આ સાંભળી મનસુખ તરત બોલ્યો ઃ મોટો થઈશ, ગિલોલ બનાવીશ, ચકલા મારીશ. આ સાંભળી મનસુખની પાછળની સીટ પર બેેઠેલા માજીએ મનસુખને કહ્યું કે એ તમને રસ પીવાનું કહે છે. મનસુખ પોતાના હાથમાં ગ્લાસ લઈને પાડો તેલ પીવે એ રીતે એક જ શ્વાસે પી ગયો.

ફેરિયાએ ગ્લાસ પરત લીધો. એણે બોણી થયાનો આનંદ થયો, પરંતુ આનંદ અલ્પજીવી નીકળ્યો. ફેરિયાએ મનસુખને કહ્યું, ‘વીસ રૃપિયા આપો.’ આ સાંભળી મનસુખ બોલ્યો ઃ ‘મોટો થઈશ, ગિલોલ બનાવીશ, ચકલા મારીશ.’ હવે માજી અને ફેરિયો બંને જાણી ગયા કે ભાઈના આંટા ઓછા છે. મામલો વધુ બગડે તે પહેલાં હું અને ભોગીલાલ જઈ ચડ્યા. ભોગીલાલે વર્દી પહેરી હોવાથી ફેરિયાને દસ રૃપિયા આપી રવાના કરી દીધો. આ પ્રકારનાં નાનાં-મોટાં વિઘ્નોમાંથી પસાર થતાં અમે ચારે જામનગર પહોંચ્યા. રિક્ષાવાળા સાથે ભાડા સંબંધી રકઝકનો વિધિ સંપન્ન કરી હૉસ્પિટલ પહોંચ્યા. ત્યાં કોઈ મોટા સાહેબે અમને અંદર બોલાવ્યા. ગાંધીજીના વાંદરા ત્રણ બદલે ચાર હોય એમ અમે લાઇનસર બેઠા.

પેલા સાહેબે રજિસ્ટર ખોલ્યું અને હાથમાં પેન લઈને કહ્યુંઃ ‘દર્દીનું નામ લખાવો.’

કાયમ એક જ વાક્ય બોલતો મનસુખ સાવ બદલાઈ ગયો. આ ભૂમિનો પ્રભાવ પડ્યો કે શું થયું તે ભગવાન જાણે. અમારા ત્રણમાંથી કોઈ મનસુખનું નામ બોલે તે પહેલાં મનસુખ બોલ્યો ઃ ‘લખો, જગદીશ ત્રિવેદી…’

મનસુખ બોલ્યો એ જ ક્ષણે પેલા સાહેબે રજિસ્ટરમાં મારું નામ લખી નાખ્યંુ. પાગલોની યાદીમાં મારું નામ લખાઈ જવાથી મને અત્યંત ગુસ્સો ચડ્યો. મેં ઊભા થઈને મનસુખનો કોલર પકડી લીધો. મારા આ પ્રકારના વર્તનથી પેલા સાહેબને થયું કે આ દર્દી હોવાની પૂરેપૂરી શક્યતા છે. તેમણે સમયસર સમય સૂચકતા વાપરી અને ટેબલ ઉપર રહેલી બેલ દબાવી. બહાર બેલનો અવાજ પહોંચ્યો કે તરત જ બે બાઉન્સર આવ્યા. એક બાઉન્સરે મારો જમણો હાથ પકડી લીધો અને બીજા બાઉન્સરે મારો ડાબો હાથ પકડી લીધો. આ શું થઈ રહ્યંુ છે તે અમારા ચારમાંથી કોઈને સમજાતું નહોતંુ, પરંતુ જે થઈ રહ્યું હતું તે અપેક્ષા બહારનું થઈ રહ્યું હતું એટલું સમજાતું હતું.

અમારા ચારમાં નટુકાકા સૌથી વધુ વડીલ લાગ્યા એટલે પેલા અધિકારીએ નટુકાકા સામે જોઈને પ્રશ્ન કર્યોઃ ‘આવું કેટલા સમયથી છે?’ અધિકારીને ખબર નહોતી કે નટુ બહેરાના કાન માત્ર ચશ્માની દાંડલી મૂકવા સિવાય કશા ખપના નથી. નટુકાકા તો મૂંગી ફિલ્મ જોતા હોય એ રીતે અનિમેશ નયને સાહેબ સામે તાકી રહ્યા.

પેલા અધિકારીએ થોડા મોટા અવાજે નટુકાકાને ફરી પૂછ્યુંઃ ‘આ પ્રકારની તકલીફ કેટલાં વરસથી છે?’ અમારા નસીબ એવા નબળા, કારણ અમે અશુભ ચોઘડિયામાં યાત્રાનો આરંભ કર્યો હતો. નટુકાકા એમ સમજ્યા કે, ‘આ ભાઈ કલાકાર કેટલાં વરસથી છે?’ આ પ્રકારની ગેરસમજણ બાદ નટુ બહેરાએ વિગતવાર જવાબ આપ્યોઃ ‘સાહેબ, એની અંદર નાનપણથી જ લક્ષણ તો હતાં. પુત્રનાં લક્ષણ પારણામાં. ધીમે-ધીમે અસર વધતી ગઈ અને છેલ્લાં આઠ-દસ વરસથી તો આપણે સ્વીકારવું જ પડે.’

સાહેબના મનમાં વધુ દૃઢ થયું. હું સાજો છંુ અને મનસુખ ગાંડો છે એવું સાબિત કરતા મને અડધો કલાક લાગ્યો. અંતે હું પણ ભવિષ્યમાં દાખલ થઈશ એવું આશ્વાસન આપ્યું ત્યારે મને મુક્ત કર્યો અને મનસુખને દાખલ કર્યો. મને ડાહ્યો સાબિત કરવા માટે ભોગીલાલે પણ મધ્યસ્થી કરવી પડી. ભોગીલાલે પ્રથમ તો નટુકાકાનું બાવડું પકડીને કાકાની બોલતી બંધ કરી. આ કાકા-ભત્રીજાએ અમારા ઉપર દુઃખના ડુંગર ખડકી દીધા હતા, પણ હેરાન થયા વગર છૂટકો નહોતો. ‘લાંબા પાછળ ટંૂકો જાય તો મરે નહીં પણ માંદો થાય’ એ ઉક્તિ પ્રમાણે આ કાકા-ભત્રીજાનો સંગ કર્યો એનું ફળ ભોગવ્યા વગર છૂટકો નહોતો.

મનસુખને દાખલ કરી અમે ત્રણ જણા લાખોટા તળાવની પાળે આવેલા બાલા હનુમાનજી મંદિર આવ્યા. જ્યાં ૧૯પ૬થી એકધારી રામધૂન ચાલે છે. જ્યાં ૬ર વરસથી રાતદિવસ રામનામ લેવાતું હોય એ જગ્યાની પવિત્રતા કેટલી ગણવી? હું અને ભોગીલાલ અભિભૂત થયા. નટુકાકાને તો ધૂન સાંભળવાનો પ્રશ્ન જ નહોતો. લાખોટાના કાંઠે પાંઉભાજી ખાધી અને એસ.ટી. બસમાં મફત મુસાફરી કરી અમે ઘેર પહોંચ્યા.

——————–.

જગદીશ ત્રિવેદી લિખિત ‘હસતાં રહેજો રાજ’ના વધુ હાસ્ય લેખો વાંચવા ‘અભિયાન’ સબસ્ક્રાઇબ કરો

Leave A Reply

Your email address will not be published.

Translate »