તમારા માટે, તમારી સાથે, સતત…

બે ઘડી નવરાશની વેળા…

પોતાની પ્રિય પ્રવૃત્તિની સંગત અને એમાંથી નીપજતી રંગત.

0 72

હૃદયકુંજ –  દિલીપ ભટ્ટ

ધર્મવેત્તાઓ કહે છે તે તો તેમના અર્થમાં પરંતુ સામાન્યજન પાસે પોતાને મળવાનો સમય એટલે પોતાની પ્રિય પ્રવૃત્તિની સંગત અને એમાંથી નીપજતી રંગત. ગઈ સદીમાં ધર્મગુરુઓની સ્પર્ધામાં મોટિવેશનલ ગુરુજનો પણ ઊતરી આવ્યા, પણ આર્થિક સપાટાઓમાં અને સંસારના ચાર છેડા એકત્રિત કરવામાં બહુ લોકો નવા નવા રઝળપાટે ચડી ગયા. વચ્ચે નવી ટૅક્નોલોજીના એક પછી એક એવા ઊભરા આવ્યા કે લોકો એને વળગી પડ્યા. હવે ફરી કંઈક ઠરીઠામ થયા હોય એવું દેખાય છે. એલવિન ટોફલરની આગાહી પ્રમાણે ગઈ સદીના અંત સુધીમાં મનુષ્ય પોતાને ઘેર પાછો ફરી જવો જોઈતો હતો, પણ એમ થયું નથી. હવે તો મનુષ્ય ઘરે સાંજે આવે છે ત્યારે ઑફિસ પણ જુદા-જુદા રૃપમાં સાથે લેતો આવે છે. ઘરમાં જે થોડોક તે હતો તેમાં પણ ઘટાડો થયો છે. ક્યારેક તો ઘરે હોવા છતાં લોકો બાહિરે જ હોય છે.

નવરાશની વેળા આપણી અલગ પ્રકારની ઓળખ છે જેને જગત જાણતું નથી. જેમ કે વિખ્યાત તબલાવાદક ઝાકિરહુસેન એના પરફોર્મન્સ કે રિયાઝ સિવાયના સમયમાં શાસ્ત્રીય કંઠ્ય સંગીત લલકારે છે. એને એની કીર્તિ – કામના કે કાંચન સાથે કોઈ સંબંધ નથી. દુનિયામાં નિજાનંદ નામની પણ કોઈ પ્રવૃત્તિ જ હોય છે તે હજુ એ લોકો તો ભૂલ્યા જ નથી. જેઓ જિંદગીના કેન્દ્રમાં છે. કબૂતરને ચણ નાંખવી એ કોઈ માટે પુણ્ય કાર્ય હોય અને લોકો ઘણા કબૂતર તરફ ઘા કરતા હોય એમ ફેંકતા હોય છે. તેઓને તેમના ઘરમાં એવા જ કોઈ દાણામાંથી બનેલી રોટી ઘા કરીને ફેંકીને આપવામાં આવે તો? શું એક ગૃહિણી તેના ગૃહસ્થને પોતાના પુણ્યકાર્ય માટે રોટી આપે છે? અથવા તો પૃથ્વી પર દાણા નથી ને કબૂતરને પાંખો નથી તે એ ભૂખ્યા ભિક્ષુકો છે તે આપ દાન કરીને પુણ્ય કમાઓ છો? આપણે એક સૂકા ઠૂંઠા જેવા ધર્મને પકડવા જતા ક્યારેક તમામ સ્વધર્મ ચૂકી જઈએ છીએ, કારણ કે તેમ કરતી વેળાએ આપણે પૂરા બેહોશ હોઈએ છીએ, પરંતુ જે વ્યક્તિ નવરાશમાં કબૂતરને માત્ર પોતાના નિજાનંદે જમાડે છે તે એને બહુ વિનંતી અને લાગણીથી દાણા પીરસે છે. કબૂતર એક-એક દાણો આરોગીને આપણને રોમાંચ, ધન્યતા અને આનંદનો અનુભવ આપીને એક એવો ઉપકાર કરે છે જેનું ઋણ આપણે ક્યારેય અદા કરી શકીએ નહીં. તમને તમારા પોતાના પ્રત્યે કેટલું સન્માન છે એનો પરિચય તમારી નવરાશની પ્રવૃત્તિ આપે છે. આજકાલ લોકો જરાક નવરાશ મળે કે હાથમાં ફોન લઈને સોફામાં કૂદકો મારી લાંબા પગે કોઈની સાથે જે તડાકા મારે છે તે કોઈ પણ પ્રશાંત અને ધૈર્યવાન વ્યક્તિ માટે અસહ્ય થઈ પડે છે. નવરાશ કાંઈ નવા ઉત્પાત મચાવવા માટે નથી.

નવરાશનો અર્થ છે કે તમે જેમાં અત્યંત આનંદ પામો છો એવી પ્રવૃત્તિ. એવી એ નવરાશ પ્રવૃત્તિ-શૂન્ય પણ હોઈ શકે છે. આપણને એવા પણ અનેક લોકો જોવા મળે છે કે જેઓ વાતવાતમાં પોતાને અલિપ્ત કરી દે છે. ઉપસ્થિત હોવા છતાં વાત અને વાતાવરણમાંથી સરકી જાય છે. તેઓ અન્ય મનસ્ક થઈ જતા નથી, પરંતુ તેમની એકાંતપ્રિયતા તેમને વારંવાર સહુથી અલગ કરે છે. એવા લોકોને જ્યારે નવરાશ મળે છે ત્યારે તેઓ કંઈ જ કર્યા વગર પરમ એકાંતને માણે છે. એવા એ એકાંતથી તેઓ ભીતરથી સમૃદ્ધ બને છે.

Related Posts
1 of 30

રોજની ચપટીક નવરાશ, જિંદગીનું એક ભાથું છે. એને અંતરિયાળનું ભાથું કહેવાય. ચાલતા-ચાલતા માર્ગમાં રસ્તામાં મળતો એક આસ્વાદક વિસામો. આજકાલ તો આપણામાં એવા કેટલા બધા લોકો છે કે જેમની પાસે બધું જ છે, પણ પોતાને માટેની નવરાશ નથી, કારણ કે એકેએક નવરાશને તેમણે પોતાની કામનાઓની પરિપૂર્તિ કરવામાં જોતરી લીધી છે. કામનાઓ કદી પૂરી થવાની નથી ‘ને તેઓને નવરાશ કદી મળવાની નથી. એવા લોકોને પછી ડૉક્ટરોની સૂચના પ્રમાણે લાંબા પગે છત સામે જોઈને સ્તબ્ધ નવરાશ પામવાની આવે છે. કોઈક જ હોય કે જે સળંગ છ-આઠ મહિનાની તબીબી પ્રક્રિયામાંથી પસાર પણ થાય અને એ દરમિયાનના બૃહદ પટના સમયાવકાશને પણ જાણે અને માણે.

મહારાજ પરીક્ષિતને ત્યાં સુધી નવરાશ ન મળી, જ્યાં સુધી મૃત્યુ એક અભિશાપના શિલાલેખ સરીખા ઉચ્ચારો બનીને તેમની સન્મુખ ન આવ્યું. તેમ છતાં જે ક્ષણે એમને ખ્યાલ આવ્યો કે હવે નવરાશ મેળવી લેવી પડશે ત્યારે તેઓ આસન સિદ્ધ કરીને શુકદેવજી સામે બેસી ગયા. સળંગ સાત દિવસની નવરાશ! તો પણ એ જ નવરાશે એમને મોક્ષ તો અપાવ્યો જ, પરંતુ એ મોક્ષ શા કામનો? કારણ કે આખી જિંદગી તો રાજકાજમાં અને મૃગયા ખેલવામાં જ ગઈ. તેમણે માની લીધું કે શિકાર એ નવરાશનો આનંદ છે જ્યારે કે રાજા માટે શિકાર એ ફરજિયાત રાજધર્મ છે જે એનામાં વીરતાને સ્થિર રાખે છે. શિકાર ન કરનારો રાજા પછીના યુદ્ધ હારી જતો હોય છે. એટલે કે આપણે જો નવરાશમાં પણ એ જ પ્રવૃત્તિ કરીએ જે આપણો જવાબદારી પ્રમાણેનો કોઈ ધર્મ છે તો એ નવરાશ નથી.

નવરાશ એ કોઈ ખાલી જગ્યા નથી અને માટે એ ખાલી જગ્યા પૂરવાની નથી. નવરાશ એ આપણી કમાણી છે. કમાણી બહુ ઓછા લોકો કરી શકે છે એવું નથી. આપણા ધ્યાનમાં નથી. દુનિયામાં મોટા ભાગના લોકો પોતાને માટેની નવરાશ ગમે તેમ કરીને કમાઈ જ લે છે. પૂરપાટ વહેતા સમયધનમાંથી એ થોડી ‘રકમ’ તારવી લે  છે. આવી આ મહામૂલી રકમ જેની પાસે ન હોય તે આત્મદોષિત અને નિર્ધન છે. નવરાશમાં કોઈ મહાન ઉપક્રમો આદરવાના નથી. બસ, માત્ર નવરાશ જ લેવાની છે. જો એ નિત્ય મેળવી શકાય તો જ એની મઝા છે. સપ્તાહમાં એક રજા જે આપવામાં આવી છે તે કેલેન્ડર કૃપા તો એમને માટે છે જેમને દરરોજ થોડી-થોડી નવરાશ રળતાં આવડતું નથી. એવા કામદારો પણ છે જેમને અલગથી એક આખો દિવસ આપવામાં આવ્યો છે. એ રહસ્ય તો તેઓ જ જાણે છે કે એવી એ રજાના દિવસે પણ તેઓને આપણે કહીએ છીએ તેવી નવરાશ મળે છે કે નહીં?!

દિલીપ ભટ્ટ લિખિત ‘હૃદયકુંજ’ની વધુ ચિંતનિકા વાંચવા ‘અભિયાન’ સબસ્ક્રાઇબ કરો.

Leave A Reply

Your email address will not be published.

Translate »