યુવા – હેતલ રાવ
hetalrao.abhiyaan
યુવાનોની પસંદગી સમયે-સમયે બદલાતી રહે છે. સાથે જ અલગ લૂક આપવાના હેતુસર નવા ટ્રેન્ડને અપનાવે છે, જ્યારે આજકાલ પોતાની માતૃભાષા પ્રત્યેના ક્રેઝને લઈને યુવાનોમાં ગુજરાતી શબ્દો લખેલી ટી-શર્ટ પહેરવાનો નવો જ ટ્રેન્ડ શરૃ થયો છે.
આઇ એમ વેરી હેપ્પી, ઓલ ઇઝ વેલ, ડોન્ટફોલો, આઇ એમ એગ્રી જેવા અંગ્રેજી લખાણવાળી અઢળક ટી-શર્ટ આજના યુવાનોને આપણે પહેરતાં જોઈએ છીએ. ઘણી વાર તો એવું અટપટંુ લખેલું હોય છે કે દેખનારને વંચાય પણ નહીં અને સમજણ પણ ના પડે. જોકે ટ્રેન્ડ એટલે ટ્રેન્ડ. યુવાનો પહેરે એટલે એક નવો જ ચીલો શરૃ થઈ જાય છે. હવે આથી વધારે યુવાનોમાં એવી ટી-શર્ટનો ટ્રેન્ડ જોવા મળે છે જેમાં રોજ બોલાતી ગુજરાતી ભાષાનું લખાણ હોય છે અથવા તો એવું પણ કહી શકાય કે એવું લખેલું હોય છે જે પરથી જોનારને ખ્યાલ આવી જ જાય કે આ ગુજરાતી વાનગીનું નામ છે અથવા ગુજરાતમાં બોલાતી બોલી છે. ટૂંકમાં ગુજરાતી ભાષાને સમર્પિત ટી-શર્ટનો ટ્રેન્ડ યુવાનોમાં જોવા મળે છે.
ખાસ કરીને આ ટી-શર્ટ ઓનલાઇન વધુ મળે છે, જેની ઉપર એવા શબ્દો લખેલા હોય છે, જે ગુજરાતી લોકો વાત-વાતમાં ઉપયોગ કરતા હોય છે અથવા તો તે ગુજરાતીની ઓળખ સમા હોય છે. જેમ કે બકા, જલસા, ભાઈ ભાઈ, કેમ છો મજામાં, ફાફડા, જલેબી, ઢોકળાં, બબૂચક, શું નવાજૂની, મજાની લાઇફ, છગન-મગન, બકુડી જેવા અનેક શબ્દોનો ભંડોળ એક ટી-શર્ટ પર જોવા મળે છે અને નીચે પ્રાઉડ ગુજરાતી પણ લખેલું હોય છે.
આ વિશે વાત કરતાં કૌશલ દીક્ષિત કહે છે, ‘મારે ઘણા સમયથી એવી ટી-શર્ટ લેવી હતી જેના પર આપણા ગુજરાતની છાપ હોય અને અંતે મને આવી ટી-શર્ટ રાજકોટથી મળી. જ્યારે મેં આ ટી-શર્ટ ખરીદી ત્યારે મને ખબર નહોતી કે લોકો આને આટલી બધી પસંદ કરશે. એફબી પર મારો ફોટો શેઅર કર્યો તો લાઇકનો વરસાદ થઈ ગયો. એટલું જ નહીં, પરંતુ ટી-શર્ટ ક્યાંથી લાવ્યો, કેટલામાં લાવ્યો, અમને એડ્રેસ આપ જેવા અનેક સવાલો પણ મિત્રો પૂછવા લાગ્યા. ગુજરાતી ભાષા સારી અને શબ્દભંડોળથી ભરેલી છે. જ્યાં જઈએ ત્યાં પોતાની અલગ છાપ છોડે છે. ગુજરાતીઓની જેમ જ તેની ભાષા પણ લોકોને એટલી બધી ગમે છે કે આ ટી-શર્ટ યુવાનોમાં ફેવરિટ બની ગઈ છે. અમારું આખું ગ્રુપ એકસાથે આવી ટી-શર્ટ ખરીદવાનું આયોજન કરી રહ્યું છે.’ જ્યારે ઉન્નતિ મહેતા કહે છે, ‘જ્યાં-જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત, તેવી જ રીતે હવે ટી-શર્ટ પહેરો તો ગુજરાતી શબ્દોવાળી જ. આવી ટી-શર્ટ માર્કેટમાં ઘણી ઓછી જોવા મળે છે, પરંતુ ઓનલાઇન સહેલાઈથી મળી જાય છે. લખેલી ટી-શર્ટ પહેરો તેના કરતાં ગુજરાતી શબ્દોવાળી ટી-શર્ટ પહેરવામાં મજાની સાથે ગર્વ પણ થાય છે.’
તમે પણ ગુજરાતી છો તો અપનાવો આ ટ્રેન્ડ ‘ને બની જાવો રફ એન્ડ ટફ.
————————–.