તમારા માટે, તમારી સાથે, સતત…

આપણે કંઈક તો કરવું જોઈએ

'આજકાલ મને એમ લાગવા માંડ્યું છે કે, આપણે કંઈક કરવું જોઈએ.'

0 540

વ્યંગરંગ – કલ્પના દેસાઈ

Related Posts
1 of 29

‘આજકાલ મને એમ લાગવા માંડ્યું છે કે, આપણે કંઈક કરવું જોઈએ.’
‘કઈ બાબતમાં?’
‘ઘણી બધી બાબતમાં.’
‘જેમ કે?’
‘જેમ કે આ કચરો જ લઈ લો.’
‘કચરો? મેં ક્યાં કચરો કર્યો? મારે નથી જોઈતો કોઈ કચરો. તમે તો કોઈ બીજી જ વાત માંડેલી.’
‘ભાઈ, તમે સમજ્યા નહીં. આ બધો જ્યાં ને ત્યાં કચરો જ કચરો દેખાય છે, તે બાબતે તમને નથી લાગતું કે આપણે કંઈ કરવું જોઈએ?’
‘કયો કચરો? આઈ મીન કઈ જાતના કચરાની તમે વાત કરો છો? આપણી આજુબાજુ તો જાતજાતના કચરા હોય, તેમાં તમે કોઈ ખાસ કચરાની વાત કરો છો? એ કામ તો જે-તે જવાબદાર વિભાગનું. આપણે તો એમાં પ્રજા તરીકે તાલ જોવા સિવાય બીજું શું કરી શકીએ?
‘તમારી વાત સાચી છે, તોય મને લાગે છે કે જવાબદાર નાગરિક તરીકે આપણે પણ કંઈક તો કરવું જ જોઈએ.’
‘તો તમે જ કહો, શું કરવું જોઈએ?’
‘તે જ હું સવારથી વિચારું છું કે આ જાતજાતના કચરા બાબતે આપણાથી શું થઈ શકે? અને આપણે શું કરી શકીએ? બહુ પ્લાન બનાવ્યા પણ કંઈ સમજ નથી પડતી.’
‘ભલે, તો તમે વિચારો, નવો પ્લાન બનાવો અને કંઈ નક્કી કરો તો મને જણાવજો. આવજો.’
‘મને લાગે છે કે શહેરની પાણીની સમસ્યા દૂર કરવા માટે આપણે કોઈક નક્કર પગલાં લેવાં જોઈએ.’
‘પાણીની સમસ્યા? એ તો દર વરસની જ છે. વરસાદ પડતાં દૂર થઈ જશે. તેમાં આપણે શું કરવાનું?’
‘તમે મારી વાત સમજ્યા નહીં. જ્યાં સુધી વરસાદ ન પડે ત્યાં સુધીમાં તો પાણીની બહુ મોટી સમસ્યા ઊભી થવાની છે. અત્યારથી ધ્યાન નહીં રાખીએ તો આગળ જતાં મુશ્કેલી જ છે.’
‘હા, તમારી વાત તો સાચી, પણ
આપણાથી આમાં શું થઈ શકે? અને
આપણે એકલા વળી શું કરી શકવાના એમાં? પાણી બચાવવાના અને સાચવીને વાપરવાના જાતજાતના મેસેજો આવ્યે રાખે છે તેને ફોરવર્ડ કર્યા સિવાય બીજું તો શું કરી શકું? જ્યાં સુધી આપણને પાણી મળે છે ત્યાં સુધી તો કંઈ ચિંતા નથી. ઓછું આપશે તો ભરીને રાખશું.
બીજું શું?
‘ધારો કે, એ ભરેલું પાણી ન વપરાયું તો શું કરો?’
‘અરે, બીજે દિવસે તો એ વાસી પાણી થોડું જ વપરાય? એ ઢોળીને તાજું પાણી ભરી લેવાનું.’
‘હા એ પણ ખરું. તોય કંઈક કરવું તો જોઈએ જ. એમ બેસી રહેવાથી થોડું ચાલશે? બધા જ એમ કહેશે કે આપણાથી આમાં શું થાય? તો પછી થઈ ગયો આપણા શહેરનો અને દેશનો ઉદ્ધાર!’
‘ભલે, તો તમે વિચારો એમાં અને કંઈક નક્કી કરો તો મને જણાવજો.’
‘મને લાગે છે કે, આપણે હવે ચૂપ રહીએ તે નહીં ચાલે.’
‘કઈ બાબતમાં? તમે કઈ બાબતમાં બોલવાનું કહો છો?’
‘આ ભાવવધારા બાબતમાં, આ ભ્રષ્ટાચાર બાબતમાં, આ રોજગારી ને શિક્ષણની સમસ્યામાં, સ્ત્રીઓની સમસ્યાઓમાં,
પુરુષોની સમસ્યાઓમાં આપણે કંઈક તો કરવું જ પડશે હવે. એમ ચૂપ બેસી રહીશું તે નહીં ચાલે, સમજ્યા ને?’
‘હા, વાત તો તમારી સાચી છે. આ બધી તો ખરી જ પણ એની સાથે બીજીય કેટલી બધી સમસ્યાઓ તો દિવસે ને દિવસે વધતી જ ચાલી. જરાય કાબૂમાં નથી રહેતી. એવું થોડું ચાલે?’
‘એ તો આપણે ચુપચાપ બધું સહન કરીએ છીએ ને એટલે, પણ હવે બહુ થયું. હવે આ બધું આપણે પ્રજા તરીકે ચલાવી નહીં લઈએ. આવી હાલતમાં જીવવું કેમ કરીને? આપણે કંઈક તો કરવું જ પડશે. એમ ખાલી અંદરઅંદર બોલીને કે જીવ બાળીને બેસી જઈશું તે નહીં ચાલે.’
‘હા, પણ કોની આગળ બોલશું? કોણ આપણું સાંભળશે?’
‘વાત તો તમારી લાખ રૃપિયાની, તોય ખબર નહીં કેમ, પણ મનમાં મને એમ થયા કરે છે કે આપણે કંઈક તો કરવું જ જોઈએ. એમ બેસી રહેવાથી નહીં ચાલે, સમજ્યા
ને?’
‘હા, જોકે મને પણ લાગે તો છે કે આપણે કંઈક તો કરવું જ જોઈએ. ચાલો ત્યારે, તમે કંઈ નક્કી કરો તો મને જણાવજો.’
પછી ક્યાંક, કશેક, કશુંક નક્કી થયું કે નહીં તેની આજ સુધી કોઈને જાણ નથી થઈ.
૦—————————.

Leave A Reply

Your email address will not be published.

Translate »