બપોરના દોઢ વાગ્યે ડોરબેલ વાગી. મેં દરવાજો ખોલ્યો તો સામે ચાલીસેક વર્ષના સાહિત્યિક સજ્જન મંદ-મંદ મુસ્કુરાતા ઊભા હતા. મેં એમને આવકાર્યા. તેમણે તીર જેવા સવાલો કર્યા! ‘તમારા દાદા એટલે કે પ્રાણજીવન દાદા બીમાર છે ને?!’
મેં કહ્યું, ‘હાં, બીમાર છે અને સિરિયસ છે, પણ તમે કોણ?’
હું ‘જીવન ઝરમરવાળો’!’
મેં કહ્યું, ‘દાદાને અત્યારે ડૉ. રામબાણની દવા ચાલે છે. એટલે અત્યારે એમના પર બીજી કોઈ ઔષધિનો અખતરો થઈ શકે તેમ નથી.’
સજ્જને કહ્યું, ‘હું ઔષધવાળો નહીં, પણ છાપાની ‘જીવન ઝરમરવાળો’ અમરકાંત. કોઈ પણ વ્યક્તિને મૃત્યુ પછી પણ અમર બનાવવો એ અમારું કામ. અમે સ્વર્ગસ્થની જીવન ઝરમરને એવી આકર્ષક અને રસપ્રદ રીતે તૈયાર કરીને છાપામાં છપાવી આપીએ છીએ કે વાંચનારને ય બે ઘડી મરવાનું મન થઈ આવે.’
મેં કહ્યું, ‘તો પછી દાદા દેવ થઈ જાય પછી જ આવજો.’
‘દેવ તો વહેલા મોડા થવાના જ છે! આવ્યા એ તો જવાના જ છે, પણ આપણે અત્યારથી જ જીવન-ઝરમર તૈયાર કરી નાખીએ તો?!’
મેં કહ્યું, ‘……પણ આપણે જીવન-ઝરમર તૈયાર કરી નાખીએ ને દાદા ‘તૈયાર’ ન થાય તો?!’
‘તો પણ નો પ્રોબ્લેમ! અમે એવી જીવન -ઝરમર કરીએ છીએ કે ગમે ત્યારે કામ લાગે. એને સમયના બંધન નથી નડતા. અમે સર્વગ્રાહી જીવન ઝરમર તૈયાર કરીએ છીએ. તેમાં નામ, ઉંમર, સ્વર્ગવાસની તારીખ, સ્થળ જેવી જગ્યાઓ ખાલી રાખીએ છીએ. તેથી તમારા ઘરમાંથી જેવા પ્રાણજીવનદાદા જગ્યા ખાલી કરે કે તરત જ તમારે જીવન ઝરમરમાંની ખાલી જગ્યાઓ પૂરી દેવાની અને અમને આપી દેવાની. અમે તરત જ તે છાપામાં પ્રગટ કરીશું. વળી, અત્યારથી જ જીવન-ઝરમર તૈયાર કરી નાંખી હોય તો તમે દાદાને વંચાવી પણ શકો અને દાદાને આડકતરો સંકેત આપી શકો કે પૂજ્ય દાદા, આપની જીવન-ઝરમર તૈયાર થઈ ગઈ છે. તો તે વહેલી તકે છાપામાં છપાય એવું કંઈક કરો. અમારી જીવન-ઝરમર વાંચીને દાદા ખુશ થઈ જશે. વળી, અમારી જીવન -ઝરમરની વિશેષતા એ છે કે, દાદાના ગયા પછી દાદીમાં માટેય કામ લાગે અને ત્યાર બાદ તમારા માટે ય……!’
‘હેં…એ…હેં….એ…શું….શું….શું….ઉ?!’ હું ગભરાયો.
‘એટલે…એ…એ… કે બધાને કામ લાગે એવી પરફેક્ટ! મતલબ કે તમારા પૈસા વસૂલ! તમારા રોકાણનું અનેક ગણું વળતર.’ આમ કહી તેણે લગ્નના આલ્બમ જેવી આકર્ષક ફાઈલ ખોલી તેમાંથી જીવન ઝરમરના આકર્ષક નમૂનાઓ અને ફરમાઓ બતાવ્યા અને કહ્યું, ‘જુઓ આ બે હજારવાળી જીવન-ઝરમર! આ પાંચ હજારવાળી! આ ત્રીસ હજારવાળી અને આ સૌથી બેસ્ટ પિસ્તાળીસ હજારવાળી!’
મેં ખચકાટ સાથે કહ્યું, ‘જીવન-ઝરમરમાં ય જુદા-જુદા ભાવ!’
‘હોય જ ને સાહેબ! એક વાર વસ્તુ જુઓ, ક્વૉલિટી જુઓ, વાંચો નિરાંતે! જુઓ એમાં એવું છે કે આ બે હજારવાળી જીવન- ઝરમરથી લોકોને લાગે કે સામાન્ય માણસ સ્વર્ગસ્થ થયો છે, પણ પિસ્તાળીસ હજારવાળી પસંદ કરો અને છપાવો તો તે વાંચીને તમે કલ્પના પણ ના કરી હોય એવા મોટા-મોટા માણસો, કરોડપતિઓ, પ્રાણજીવનદાદાના ખરખરે આવે! બેસણામાં આવે. એમાંથી બે પાંચ સાથે તમારે સારો કોન્ટેક્ટ થઈ જાય તો તમારો હાર્ડવેરનો ધંધોય જામી જાયને! આમાં તો એક પંથ દો કાજ છે. દાદાનો આત્મા ય ખુશ થાય અને આપણે ય ખુશ! આ પિસ્તાળીસ હજારવાળી જીવન-ઝરમર વાંચ્યા પછી વાંચનારને ખરેખર એમ થાય કે ‘એમના જવાથી ખરેખર કદી ન પૂરી શકાય એવી ખોટ પડી છે.’ જોકે કદી ન પૂરી શકાય એવી ખોટ તો જેમના લેણાં બાકી રહી ગયા હોય તેને પડી હોય છે આવું હું મનોમન બોલી ગયો. મેં કહ્યું, ‘પણ દાદાના જીવનમાં એવું કઈ ઉલ્લેખનીય ન હોય તો જીવન-ઝરમર ક્યાંથી જામે!?’
જીવન ઝરમરવાળા સજ્જને કહ્યું, ‘એ અમારા પર છોડી દો. અહીં તો જાતક પાસે ‘જીવન’ છે તો અમારી પાસે ‘ઝરમર’ છે. બંનેનું કુશળતાપૂર્વક કોમ્બિનેશન કરીએ એટલે પછી એવી ફર્સ્ટક્લાસ જીવન-ઝરમર બને કે લોકો વાંચતા ન ધરાય. અમે એવી અફલાતૂન અને તર્કબદ્ધ જીવન-ઝરમર કરીએ કે જમાવટ થઈ જાય. જમાનો જમાવટ કરવાનો છે. કોઈ પણ રીતે જમાવટ કરતા આવડે તે જામી જાય. હવે તો જેવાતેવાની જીવન-ઝરમર છપાય છે તો આપણા પ્રાણજીવનદાદા કંઈ જેવાતેવા છે!? જુઓ ને, પાંચ-પાંચ વર્ષથી યમરાજા સાથે પકડદાવ રમે છે. યમરાજાએ અનેક અખતરા કર્યા તોય એની કારી ન ફાવી તો પછી આવા વિરાટ સ્વરૃપની જીવન-ઝરમર છાપામાં છપાવી જ જોઈએ ને. વળી, આખી જીવન-ઝરમર લખીએ તો તેમાં ધંધા બિઝનેસનો કુશળતાપૂર્વક ઉલ્લેખ કરી દઈએ. આવી સરસ જીવન-ઝરમર વાંચીને ઓછામાં ઓછા પચ્ચીસ પચાસ જણ તો તમને પૂછવા આવશે જ કે, ‘આ જીવન ઝરમર તમે કોની પાસે તૈયાર કરાવી.’ પછી તમારા રેફરન્સથી જેટલા અમારી પાસે જીવન-ઝરમર લખાવશે તેમાં વગર કહ્યે તમારા વીસ ટકા લાગી જશે. આમ જીવન-ઝરમરને કારણે દાદા જીવતા લાખના ને મર્યા પછી સવા લાખના! બોલો કરવી છેને?!
હું પિસ્તાળીસ હજારવાળી જીવન-ઝરમર માટે હા કહેવાનો હતો ત્યાં સમાચાર આવ્યા કે દાદાની તબિયત તો ધાર્યા બહાર સુધરી ગઈ છે અને હૉસ્પિટલમાંથી રજા આપી દીધી છે અને તેઓ લાકડીના ટેકા વગર સ્વબળે ચાલીને ઘેર આવવા રવાના થઈ ગયા છે! સમાચાર સાંભળીને જીવન ઝરમરવાળો રવાના થઈ ગયો.
——————————–.