તમારા માટે, તમારી સાથે, સતત…

ઉધારના જોક્સોની હોળીઃ જોક્સાયરો

દરેક ઘરમાં તો પાછા મહાભારતના સંવાદો ભજવાયા!

0 506

સોસાયટીની લિફ્ટમાં નોટિસ લાગી ગઈ, ‘હોળી નિમિત્તે એક ‘જોક્સાયરા’નું આયોજન કરવામાં આવ્યું છે. જેને ભાગ લેવો હોય તે સાંજ સુધીમાં પોતાનું નામ સેક્રેટરી પાસે નોંધાવી દે. કાર્યક્રમમાં વધારે લોકો ભાગ લઈ શકે એટલે દરેકે એક જ જોક્સ કહેવો.’

સાંજ પહેલાં તો સેક્રેટરીની ઑફિસના ચોપડામાં, બાળકોને અને અમુક દાદીઓને છોડીને દરેક મેમ્બરનાં નામ નોંધાઈ ગયાં! સ્ટેજ પર માઇકમાં જોક્સ બોલવા મળવાના વિચારે જ બધા રંગમાં આવી ગયેલા. વૉટ્સએપની મહેરબાનીથી કોઈ પાસે જોક્સોની ખોટ નહોતી. લોકો તો ધંધે લાગી ગયા. દરેકની એકસરખી તકલીફ એ હતી, કે કયો જોક્સ કહેવો? ‘માર્કેટમેં એકદમ નયા હૈ’વાળો? ‘સરદારજીવાળો? પતિ-પત્નીવાળો? ઝવેરી કે બિલ્ડર કે પછી સરકાર ને વિપક્ષના નામે ફરતા ઢગલાબંધ જોક્સોમાંથી કયો પસંદ કરવો? બેંકનો કે સ્કૂલનો ચાલે? પેલી આંખ મારતી છોકરીવાળા જોક્સો પણ કેટલા બધા સેવ કર્યા છે! સવાલ એ છે કે એમાંથી કયો લઉં? તકલીફ પાછી એ પણ છે કે આ બધા જ જોક્સો મેં કેટલાં બધાં ગ્રૂપમાં તો ફોરવર્ડ્યા છે. હું જે કહેવા ઊઠું તે જ જોક્સ બીજા કોઈ ભાઈ કહી દે તો? તે ટાઇમે ક્યાં મોબાઇલમાં બધું શોધવા બેસું?’

દરેક ઘરમાં તો પાછા મહાભારતના સંવાદો ભજવાયા!

‘તું પણ જોક્સ કહેવાની?’ પતિના મનમાં ચચરાટી ચાલુ થઈ.

‘હાસ્તો વળી. કેમ? મારાથી ના કહેવાય? મને વળી ક્યારે આપણી સોસાયટીના સ્ટેજ પર માઇકમાં બોલવા મળવાનું? દર વખતે પેલી ચિબાવલી રાધા જ માઇક લઈને બધે દોડી જાય તે અમારો તો કોઈ દિવસ વારો જ ના આવે. આ વખતે તો આ પોગરામ ગોઠવનારનું ભલું થજો તે અમને બૈરાંઓને હૌ ચાન્સ આપ્યો.’

‘હા હા, ભલે ભલે. એમ બહુ ફૂદક-ફૂદક નહીં થા. માઇક પકડ્યું છે કોઈ દિવસ બાપ જનમમાં? સ્ટેજ પરથી બોલવામાં ભલભલાના હાંજા ગગડે, ત્યાં તું જોક્સ કહેવાની હિંમત કરે છે? ઠીક છે, બોલજે. મારે શું? પણ બૌ લાંબી વાત નહીં માંડતી દર વખતની જેમ. જોક્સ તો એક મિનિટમાં પતી જવો જોઈએ ‘ને ખાસ વાત, તેં કયો જોક્સ પસંદ કર્યો છે તે મને કહી દેજે, એટલે આપણાં બંનેનો સરખો જ ના થાય.’

‘ક્યાંથી સરખો થવાનો? વાત કરે છે તે. હું તો પતિ કે સાસુ પરનો જોક્સ જ પસંદ કરવાની ને? ને તમે પત્ની પરનો પસંદ કરશો મને ખબર છે. તમે તો જાહેરમાંય મને નીચંુ બતાવવાનું નહીં છોડો. પછી મારો મોકો હું છોડું? તમતમારે જે પસંદ કરવો હોય તે કરી લો મારી ફિકર કર્યા વગર.’

એક સાસુ એની ચોથા માળવાળી

પાડોશણ સાથે પરસ્પરની વહુઓની ઇન્ક્વાયરી કરતી હતી.

‘કંઈ ખબર પડી કે તમારી વહુ કયો જોેક કહેવાની?’

‘મને તો કેમ ખબર પડે? હવે તો બધી વાતો મેસેજમાં જ થાય એટલે પહેલાં ગુસપુસ સંભળાતી તે પણ બંધ થઈ ગઈ. કોને ખબર પણ મને તો લાગે છે કે એના હાથમાં આવેલો ચાન્સ એ છોડવાની નથી. સાસુનો જોક કહેવાને બહાને મને કંઈક તો ચોપડાવી જ દેશે. તે ટાઇમે તો હું ચૂપ રહીશ, પણ જો એ ગમે તેવું બોલશે ને તો હું એને સીધી કર્યા વગર નહીં રહું.’

‘મેં પણ વાતવાતમાં મારી વહુને પૂછ્યું, પણ હરામ બરાબર જો એ મગનું નામ મરી પાડે તો. મને ઊલટાની કહેવા માંડી, ‘મમ્મી, ચાન્સ મળ્યો છે તો પપ્પા પર એકાદ જોક ઠોકી જ દેજો. તમને મારો ફૂલ સપોર્ટ છે.’ જોઈ આજકાલની છોકરી? સસરાની મશ્કરી કરાવવામાં મારો સાથ આપવાની વાત કરે છે!’

દાદા પાસે તો જાતજાતના જોક્સોનો ઢગલો હતો, કારણ કે નવરા દાદાના તો ઢગલોબંધ ગ્રૂપ્સ. તેમાં પાછા ઘરના દરેક મેમ્બરને એમ કે દાદાને આ જોક બહુ ગમશે, એટલે સવારથી રાત સુધીમાં આવેલા બધા જોક્સો ફોર્વર્ડ થયે રાખે. હવે દાદાને કયો જોક પસંદ કરવો તેની મોટી મુસીબત. આ ઉંમરે પત્ની હોય કે દીકરો હોય, વહુ હોય કે દીકરી જમાઈ હોય, કોઈ સાથે બગાડવાનું પાલવે નહીં. દાદાએ તો બેંકના જોક્સમાંથી એક પસંદ કર્યો. એ બહાને જે દાઝ ઊતરી તે. થોડો સંતોષ, બીજું તો શું?

સારી એવી ગોખણપટ્ટી કર્યા

પછી જોક તો જાણે કે જેમ-તેમ ગોખાઈ ગ્યો, તંય્યે દાદાને થ્યું કે, આ જ જોક બીજે માળવાળા વજેસંગબાપુય જો સ્ટેજ પર ચડીને ગાંગરશે તો મારા જોકની હંધીય મજા મારી જાહે. અવે કરવું હું? દાદાએ તો ઝટ વજેસંગબાપુને મોબાઇલ ઠોકી દીધો. વજેસંગબાપુય તે દાદાની રાહ જોઈને જ બેઠા’તા.

‘બોલો દાદા, આજ કેમ અટાણે મને યાદ કઈરો? કાંઈ ખાસ કામ પઈડુ મારું?’

‘અરે બાપુ, કામ તો એવું છે કે, આ હોળી પર હંધાય જોક્સું કે’વા મંડી પડહે તે મને થ્યું કે, એમાં હું ક્યાં ઘરડું માણહ સ્ટેજ પર જાવાનો? હું તો બેઠો-બેઠો જોક્સુંની મજા લઈશ. તમતમાર બધાં મહેફિલ જમાવજો.

પછી તમે કાંઈ જોક-બોક નક્કી કઈરો કે નંઈ?’

વજેસંગબાપુ આટલાં વરહોથી દાદાને નો ઓળખે? હમજી ગ્યા કે દાદા પેટમાં ગરીને જોક કઢાવવા માંગે છે. ‘દાદા, આપણે હૌ તમારા જેવું જ નક્કી રાખીને બેહી ગ્યા છે. જોક ક્યે તો પંચાત ને? આપણે જોડાજોડ બેહીને મજા લેહું. હાલો ત્યારે ફોન હેઠો મૂકું, મારે બીજો ફોન આવે છે.’

‘માળો હાળો બદમાશ જ ર્યો વજિયો. ઠીક છે, હું તો મારા જોકના ભરોસે જ રહું. ગમ્મત તો હો ટકા પડવાની જ છે ને?’

કાર્યક્રમને દિવસે તો બધાંય હૉલમાં સજીધજીને ગોઠવાઈ ગયેલાં. સેક્રેટરીએ કાર્યક્રમની શરૃઆત કરી, ‘આજના પ્રમુખસ્થાને વજેસંગબાપુને આવકારતાં આનંદ થાય છે. આવો બાપુ.’

વજેસંગબાપુએ દાદા સામે ડોળા કાઢતાં પોતાની બેઠક લીધી. મનમાં એ સમજી ગ્યા કે દાદાએ પોતાના કરતાં વધારે પૈસા આપીને આ કારસો રચ્યો છે. પ્રમુખનું ભાષણ છેલ્લે થાય એ હિસાબે દાદાનો જોક તાળી લઈ જાય ને પોતે ચાટ પડી જાય. એ સમસમીને દાદા સામે જોતા રહ્યા, પણ દાદા તો પોતાની જગ્યાએ મલકાતા બેસી રહેલા. વડીલને નાતે દાદાનું નામ પહેલાં બોલાયું અને દાદાએ તો શરૃ કરી દીધું.

‘સ્ટેજ પર બેઠેલા અને સામે હાજર સૌ મિત્રોને રામ રામ.’

(ભીખુદાન ગઢવીસાહેબની વાતો દાદાએ એક જ વાર સાંભળેલી, પણ આજે વજેસંગને સ્ટેજ પર બેઠેલો જોઈને દાદાએ પોતાની વાત ફેરવી કાઢી.)

Related Posts
1 of 29

‘એક વાર ભીખુદાન ગઢવી સાહેબના પ્રોગ્રામમાં હું ગયેલો ત્યાં સાહેબે આ વાત કરેલી, ‘એક વાર સ્ટેજ પર આમ જ

પંદર વીહ જણા બેઠેલા. મેં કહ્યું કે, ‘હું જો  અત્યારે બધાંયનાં નામ સ્ટેજ પરથી લેવા જાઉં તો એવું થાહે કે, અમારા સૌરાષ્ટ્રમાં એવું કહેવાય કે, જો પથારી કરતાં જ હવાર પડી જાહે તો હુવું કંઈયે?’

એટલે ગઢવીસાહેબની જેમ હુંય જો  અત્યારે બધાંયનાં નામ બોલવા રહીશ તો હું બોલીશ ક્યારે? એટલે કોઈનુંય નામ લીધા વગર મારી વાત શરૃય કરું ને ઝટ પૂરીય કરું. લ્યો હાલો ત્યારે.’

દાદાએ શરૃ કરેલી મહેફિલ જોક્સાયરામાં ફેરવાઈ ગઈ ને હોળીની ઉજવણી ચાલુ થઈ ગઈ.

——-.

તુમ અપને રંગ મેં રંગ લો

તુમ અપને રંગ મેં રંગ લો તો હોલી હૈ!

દેખી મૈને બહુત દિનો તક

દુનિયા કી રંગીની,

કિંતુ રહી કોરી હી કોરી

મેરી ચાદર ઝીની,

તન કે તાર છુએ બહુતોંને

મન કા તાર ન ભીગા,

તુમ અપને રંગ મેં રંગ લો તો હોલી હૈ!

અંબરને ઓઢી હૈ તન પર

ચાદર નીલી-નીલી,

હરિત ધરિત્રી કે આંગન મેં

સરસોં પીલી-પીલી,

સિંદૂરી મંજરિયોં સે હૈ

અંબા શીશ સજાએ,

હોલીમય સંધ્યા ઉષા કી ચોલી હૈ!

તુમ અપને રંગમેં રંગ લો તો હોલી હૈ!

-હરિવંશરાય બચ્ચન

——————————–.

Leave A Reply

Your email address will not be published.

Translate »