તમારા માટે, તમારી સાથે, સતત…

અંગત તબીબ

સર્જનો ખરેખર ધન માટેની ધૂનમાં કેટલીક વાર તૂત ચલાવે છે

0 195
  • પંચામૃત – ભૂપત વડોદરિયા

ઇંગ્લેન્ડના કવિ જ્હોન મિલ્ટને કહ્યું છે ઃ ‘માણસનું મન સ્વર્ગને નરકમાં ફેરવી શકે છે અને નરકને સ્વર્ગમાં ફેરવી શકે છે.’ મિલ્ટનનાં આખરી વર્ષોમાં અંધાપાએ તેમને ઘેરી લીધા હતા, પણ તેમણે આ અંધકારને તાબે થવાનું સ્વીકાર્યું નહીં. તેમને ખબર પડી કે માણસની સ્થૂળ આંખોમાં દુનિયા પર આખરી પડદો પાડવાની કોઈ શક્તિ નથી.

Related Posts
1 of 57

ઇટાલીમાં ઈ.સ. ૧૫૬૪માં ગેલીલિયો ગેલીલીનો જન્મ થયો. ચંદ્રના પ્રથમ નકશા ગેલીલિયોએ બનાવ્યા હતા. એ જમાનામાં ધર્મગુરુઓની વડીલશાહી ચાલતી હતી અને વિજ્ઞાન હજુ સગીર બાળક હતું. ગેલીલિયોએ દૂરબીન બનાવ્યું અને આકાશમાં ખોવાઈ ગયો. પૃથ્વી બ્રહ્માંડમાં કેન્દ્રસ્થાને અને સ્થિર નથી, પણ પૃથ્વી સૂર્યની પ્રદક્ષિણા કરે છે અને પોતાની ધરી પર પણ ફરે છે, તે સત્ય તેણે ભારપૂર્વક આગળ કર્યું. સિત્તેર વર્ષના ગેલીલિયોેને નજરકેદ રાખવામાં આવ્યો હતો. આંખે દેખાતું નહોતું, પણ તેણે મનની આંખો બંધ કરવાની ના પાડી. જીવવાનું મુશ્કેલ બની ગયું હતું, પણ આકાશના તારાઓની સોબત તેને ગમતી હતી. બંદીવાનની સ્થિતિમાં તેણે પોતાના ગ્રંથને આગળ ધપાવવાનું કામ ચાલુ રાખ્યું. ગેલીલિયો ભાંગેલો તૂટેલો મૃત્યુ પામ્યો ત્યારે ધર્મગુરુઓએ રાહતનો દમ ખેંચ્યો. પૃથ્વી પરથી મોટું પાપ જાણે કે મરી ગયું! ગેલીલિયો જિંદગીના અંતકાળે જોઈ શક્યો હતો કે ધર્મગુરુઓની સત્તા અને કાવતરા સામે પોતે સત્યને ખાતર ટકી શક્યો તેનું કારણ તેનું મજબૂત મન હતું.

આફ્રિકાનાં જંગલોમાં રોગપીડિતોની સેવાનો યજ્ઞ કરનાર ડૉ. આલ્બર્ટ સ્વાઇત્ઝરે એક વાર કહ્યું હતું ઃ ‘દરેક રોગીનો દાક્તર તેના મનમાં પડેલો છે, દરેક માણસના મનમાં તેનો પોતાનો અંગત તબીબ છે.’ ‘સેટરડે રીવ્યુ’ના સંપાદક નોર્મન કઝીન્સનાં અંગો થીજી ગયાં ત્યારે તેમને પણ આ જ સત્યનો સાક્ષાત્કાર થયો. દાક્તરે કહ્યું કે, આ ભયંકર પ્રકારનો સંધિવા છે અને આવા પાંચસો કેસમાં એક કેસ સાજો થવાની શક્યતા અમે માનીએ છીએ, પણ મેં તો પાંચસોમાંથી આવો એક પણ કેસ સાજો થયેલો જોયો નથી. નોર્મન કઝીન્સ કહે છે કે, મારી ડોક સહેજ પણ ફરતી નહોતી, એક વાર તો જડબાને પણ તાળું લાગી ગયું હતું. હાથપગ બધું જ સજ્જડબમ! જાણે મારું શરીર જ જેલની કોટડી બની ગયું અને અંદર ‘હું’ બરાબર બાંધેલો કેદી! આ અસાધ્ય ગણાતા રોગમાંથી આત્મબળથી બહાર આવેલા આ માણસે લખ્યું છે કે આપણુ શરીર રસાયણોેનું મોટું કારખાનું છે – રસાયણોની ખામી, માત્રાફેર, વિષમતા વગેરેને લીધે તો વ્યાધિઓ જન્મે છે, પણ મેં જાણ્યું – અનુભવ્યું કે માણસનું શરીર જો રસાયણોની ફેક્ટરી છે તો માણસનું મન તેનો રસાયણશાસ્ત્રી અને સંચાલક છે. મનના હુકમો છૂટે છે અને શરીરમાં ધૂળ જેવી દવાને સહારે ચમત્કારિક પરિવર્તનો જન્મે છે. ગમે તેવી બળવાન દવા મન નિર્બળ હોય તો નકામી પુરવાર થાય છે.

અમેરિકાના એક સર્જન ડૉક્ટર વિલિયમ એ નોલેને (એમ.ડી.) ફિલિપાઇન્સ જઈને જાતે કેટલાક હકીમોની તપાસ કરી છે. આ લોકો ઈશ્વરના નામે ડૉક્ટરી અને સર્જરી કરે છે. ડૉ. નોલેન કહે છે કે મારા જેવો ‘ડૉક્ટર ઓફ મેડિસિન’ આવા કોઈ ચમત્કારોમાં માની જ ના શકે તે દેખીતું છે અને હું જ્યારે આ બધું જાતે જોવા ગયો ત્યારે એવી માન્યતા સાથે ગયેલો કે બધું તૂત જ હશે! ડૉ. વિલિયમ એ નોલેને કહ્યું છે કે, કેટલાક શ્રદ્ધા-ચિકિત્સકો રીતસર વાઢકાપનાં સાધનો વિના અને ખરેખર લોહીનું ટીપું પાડ્યા વિના અને ચામડી ચીર્યા વગર ‘અહિંસક સર્જરી’ કરે છે. સર્જનો ખરેખર ધન માટેની ધૂનમાં કેટલીક વાર તૂત ચલાવે છે તેમ આ શ્રદ્ધા-ચિકિત્સકોમાં પણ ઘણા આવા ‘લેભાગુઓ’ ચોક્કસ હોય છે, પણ આવી શ્રદ્ધા-સારવાર પદ્ધતિમાં અને આવી માનસિક શસ્ત્રક્રિયામાં કંઈક તથ્ય છે. આમાં કુદરતના કોઈ નિયમોનું ઉલ્લંઘન નથી – તે કોઈ જાદુ કે ચમત્કાર નથી, પણ માણસના મનની સંદેશો આપવાની, હુકમ કરવાની શક્તિનો અને એવી જ રીતે બીજા માણસના મનની સંદેશો ઝીલવાની શક્તિનો તેનાથી આપણને ખ્યાલ આવે છે. માણસના મનમાં આવી શક્તિ છે.  તેણે શક્તિઓને ઉપયોગમાં લીધી નથી. આપણને હજુ તેની આ શક્તિઓની પૂરી ભાળ પણ મળી નથી. ડૉ. વિલિયમ એ નોલેન કહે છે કે, મનીલામાં એક શ્રદ્ધા-ચિકિત્સકે એક દર્દીના પેટનાં ચાંદાં મટાડી આપ્યાં. તેણે રીતસર દર્દીને ‘પ્રતીતિ’ કરાવી આપી કે મેં ચાંદાંને સખત ઠપકો આપ્યો છે અને ચાંદાં નાસી ગયાં છે. ખરેખર દર્દીના ઉદરનાં ચાંદાં નાસી ગયાં હતાં. આને હું ચમત્કાર કે છૂમંતર નહીં કહું, પણ માણસના શરીર અને મનની ‘જીવંતતા અને દૈવત’ તરીકે ઓળખાવીશ. વાત વિચાર કરવા જેવી છે. અંધશ્રદ્ધામાં જવાની વાત નથી. માણસના તનમનની ગૂઢ શક્તિઓ ઓળખવાની અને સમજવાની આ વાત છે.
——————

Leave A Reply

Your email address will not be published.

Translate »