તમારા માટે, તમારી સાથે, સતત…

શિયાળામાં પૂર્ણિમાની મધ્યરાત્રિએ ચન્દ્ર અગાસીમાં ઢોળાયેલો પડ્યો છે…

ચન્દ્ર સાથે જેને સંબંધ નથી એ સૌન્દર્યના અનુપાનમાં સહુથી દરિદ્ર છે.

0 179
  • હૃદયકુંજ – દિલીપ ભટ્ટ

પૂનમની રાતે બિલાડી, ખાલી વાટકામાં દૂધ હોવાનો
ભ્રમ થતાં એને વારંવાર વ્યર્થ ચાટી રહી છે !

શિયાળામાં પૂર્ણિમાની મધ્યરાત્રિએ ચન્દ્ર અગાસીમાં ઢોળાયેલો પડ્યો છે. એના પરમ શીતળ અભિષેકને ઝીલનારું કોઈ નથી. એક તો ચન્દ્ર સ્વયં શીતળ છે. એનાં દર્શન કરતા શિશુને એ બરફનો નિઃરંગી ગોળો લાગે. વળી રાત્રિઓ પણ બરફીલી હવાઓમાં જલપરીની જેમ તરી રહી છે. કોઈના ઘરની છતમાંથી ચાંદરડું થઈને ભીતર જંપી ગયેલી વયઃસંધિતાના ગાલ પર ઝબક અવતરવું એ ચન્દ્રનો એક અલગ અવતાર છે. ગામકાંઠાના તળાવના થીજી જવા આવેલા જળ પર રાતભર ચન્દ્ર વિહાર કરે છે. ચન્દ્રબિંબના તિલકથી સરોવરો જાણે કે રાજ્યાભિષેક પામ્યા હોય એવા યૌવનસભર દેખાય છે. પૂનમની રાતનો આનંદ માણનારો એક અલગ ચાહક વર્ગ છે, પરંતુ શીતકાળની પૂર્ણિમાના સૌન્દર્યનો આસ્વાદક તો લાખોમાં કોઈ એક હોય છે.

કોણ હોય છે એ? જેનો પતિ પરદેશ ગયો છે એવી કોઈ વિરહિણી પ્રોષિત ભર્તૃકા હોય… દેશાવર ગયેલો દીકરો આજે આવવાનો હોય એવી માતા હોય… સાસરિયે ગયેલી દીકરી દુઃખી હોય એવો કોઈ મૂંઝવણથી ઘેરાયેલો પિતા હોય… જે હજુ પોતાને જ સમજી ન શકતી હોય એવી કોઈ બારી પાસે ઊભા રહી ક્ષિતિજને તાકતી નવયૌવના હોય…! ચન્દ્ર એકલયાત્રિક છે. અસંગનો રંગ સદાય શ્વેત અને શાન્ત હોય છે એની નભજાહેર પ્રતીતિ છે આ ચન્દ્ર. પ્રાકૃત કવિએ લખ્યું કે પૂર્ણિમાની રાતે બિલાડી, ખાલી વાટકામાં દૂધ હોવાનો ભ્રમ થતાં એને વારંવાર વ્યર્થ ચાટી રહી છે!

Related Posts
1 of 57

એક તો શીતકાળ અને એની પણ રાત્રિ ને એના પર ચાંદનીનો ચંદન શો શીતળ લેપ…! દિશાઓમાં શૂન્યતાનો ઉજાસ પથરાયો છે. પંખીઓનાં બચ્ચાં માળાની બહાર ડોકિયું કરીને વહેલી સવારના અણસારે ક્યારેક કલબલ કરે છે ને એની માતા એને પોતાની પાંખોના ઘેરાવામાં ઢબૂરી દે છે. વહેતી નદીઓના ઘૂનાઓની સપાટી પરના તરંગોમાં આકાશ ઝલમલ થતું ને ચન્દ્રિકા પોતાનો આકાર ઘડવાની મથામણમાં ઊંચક-નીચક થતી દેખાય છે, જાણે કે પોતાના ઉચ્છવાસને સાંભળતી કોઈ વનલતા ન હોય!

શેરીઓમાં ભલે નિરખનારું કોઈ ન હોય, પણ ધૂળની રૃપેરી ચાદરમાં રસ્તાઓ છુપાઈ ગયા છે. લીંપણ કરેલા ઘરના ચોખ્ખા આંગણામાં બાળક મેલાઘેલાં પગલાં પાડે એમ શેરીના શ્વાન રજતપટ સરીખા પંથે ધન્યતાની, લટાર લગાવી રહ્યા છે. ગામ આખું જેમાં સંતાયું છે એ રજાઈનો ટુકડો પણ એના ભાગે આવે એમ નથી. રાતે શ્વાનની આંખો તો કહેવા ખાતરની જ હોય, એ તો કાન પર જ રાત જીવે છે. એની આંખને ચાંદનીના આ આસવની શી તમા? સહુ સમાન રીતે જ અભાન છે ને એકલી ગામ વચ્ચેથી વહી જાય છે એક રૃપેરી નદી! જે સવાર થતાં સુધીમાં સમુદ્રને નહીં, આભને ઓળંગીને ચન્દ્રમાં ફરી પાછી વિલીન થઈ જાય છે.

ચન્દ્ર સાથે જેને સંબંધ નથી એ સૌન્દર્યના અનુપાનમાં સહુથી દરિદ્ર છે. જેના ચિદાકાશમાં સદાય ચન્દ્રતેજ મુખરિત હો એના સંગાથની વેળા સદાય નિરાંતનો અનુભવ આપે છે. માતાના ખોળેથી ઊતરી પિતાની આંગળીએ જગતના ચોકમાં પગ મૂક્યા પછી એ ચન્દ્રકિરણ શી નિરાંત પ્રિયજનના નેત્રપલ્લવમાં મળે, સાધુની વાણીમાં મળે કે દૂરથી સંભળાતા એકતારામાં મળે. એય મળે તો મળે. યુવાની પસાર કરી ચૂકેલી પત્નીને ચાહવામાંથી મળે કે વીસરાયેલું કોઈ ગીત ફરી હૃદય ગુંજી ઊઠે તો એમાં પણ મળે. ચન્દ્ર આપણી રાત્રિઓની એક નિરાંતવી શોભા છે. આ શીતકાળમાં એ દ્વિગુણિત થઈ મનને આહ્લાદક અનુભવ આપે છે.

રિમાર્ક –  I said it to the moon and you listen it. Moon said to me so I am with you. – Geroge Wells

———————-

Leave A Reply

Your email address will not be published.

Translate »