તમારા માટે, તમારી સાથે, સતત…

સુખને એક કોળિયામાં ખાઈ શકાતું નથી

જવાબદારીઓ તો માણસના લમણે લખાયેલાં જ છે

0 340
  • પંચામૃત –  ભૂપત વડોદરિયા

એક માણસના શિરે જાતજાતની ઉપાધિ આવી પડે છે. બીજા એક માણસને જાતજાતની ચિંતાઓનો સામનો કરવાનો આવે છે. કેટલાક માણસો પર કામનો બોજો ખડકાયો હોય છે. કોઈક માણસને એમ લાગે છે કે તેની ઉપર દુઃખનો ડુંગર આવી પડ્યો છે. દરેક માણસને કોઈને કોઈવાર એવું લાગે છે કે અમુક ચોક્કસ મુશ્કેલ પરિસ્થિતિની ભીંસમાં આવી પડ્યો છે. આવા દરેક પીડાગ્રસ્ત માણસને કોઈની સલાહ લેવાનું મન થાય છે. એક અર્થમાં આવો માણસ એક અકળ વ્યાધિના દર્દી જેવો હોય છે અને આવો દર્દી, કોઈક હકીમને શોધી રહ્યો હોય છે. હકીમ બનવા તત્પર માણસો ઘણા મળી આવે છે, પણ તેઓ જે ઇલાજ બતાવે છે તે કેટલીક વાર સહેલો હોતો નથી અને ઘણીવાર તો બહુ લાંબો કે ‘ખર્ચાળ’ હોય છે.

ઉપાધિઓ, ચિંતાઓ, જવાબદારીઓ, બીમારીઓ અને એવાં કોઈ પણ પીડાકારક સ્થિતિ-સંજોગોનો ખરેખરો ઇલાજ એટલો સહેલો કે સીધોસાદો હોતો નથી. આપણે અનુભવે જાણીએ છીએ કે મહાત્મા ટૉલ્સ્ટૉયની એક વાત સાચી છે. સુખની દરેક કથા સામાન્ય અને એકસમાન હોય છે, પણ દુઃખની દરેક કથા જુદી-જુદી હોય છે! એટલે કોઈ પણ પીડાનો સર્વસામાન્ય ઉકેલ સૂચવી શકાતો નથી અને આવો કંઈ ઉકેલ આપણને મળે તો પણ તે એકસરખી રીતે ઝાઝા માણસોને લાગુ પડતો નથી.

જો કોઈ તરીકો ખરેખર લાગુ પડી શકે તેમ હોય તો એ તરીકો આપણા અભિગમનો છે. કોઈ પણ વ્યાધિને, કોઈ ચિંતાને, કોઈ પણ બોજાને, કોઈ પણ જવાબદારીને તમે કઈ રીતે હૈયે ધરો છો, કઈ રીતે હાથ ધરો છો, તેની ઉપર તમારી સ્વસ્થતાનો મદાર રહે છે. અસ્તિત્વવાદી તત્ત્વચિંતક સોરેન કીર્કગાર્ડે પોતાની એક ભત્રીજીને કંઈક એવી સલાહ આપી હતી કે ચાલવાનું છોડીશ નહીં! હું માંદગીથી દૂર ચાલ્યો જાઉં છું! હું મારી તંદુરસ્તી તરફ ચાલીને પહોંચી ગયો છું. હું મારી શંકાઓથી દૂર ચાલ્યો જાઉં છું અને હું સારા વિચારોની મંઝિલે ચાલીને પહોંચી જાઉં છું! હું એવા એક પણ કષ્ટદાયક વિચારને ઓળખતો નથી કે જેનાથી દૂર ચાલ્યા જવાનું શક્ય ન બને!

Related Posts
1 of 57

એટલે ફિલસૂફ કીર્કગાર્ડ જે કહેવા માગે છે તે એ છે કે ઉપાધિથી જરા આઘા રહો! ઉપાધિઓ, ચિંતાઓ, દુઃખો, બોજાઓ, જવાબદારીઓ તો માણસના લમણે લખાયેલાં જ છે, પણ આ બધાંનો મુકાબલો કરવાની તમારી રીત ઉપર તમારા મનની એકંદર સ્વસ્થતા અને સુખશાંતિનો આધાર છે! કોઈ પણ ચિંતાને, કોઈ પણ દુઃખને, કામના કોઈ પણ મોટા પોટલાને તમે છાતી સાથે ચાંપો છો ત્યારે તેનું પૂરેપૂરું વજન અને કેટલીક વાર તો તેનું ખરેખરું જે વજન હોય તે કરતાં પણ વધુ વજન તમારી છાતીને દબાવે છે અને તમને ગૂંગળામણ થાય છે! તમારા ભાણામાં દસ રોટલી પડી હોય ત્યારે તમે દશેય રોટલીનો વિચાર એકીસાથે કરશો તો તમને ગળામાં જ કાંઈક ભરાઈ ગયા જેવું લાગશે! દશે દશ રોટલીની ભૂખ તમને હોય તો પણ તમારે એક એક રોટલી જ ખાવાની છે અને એક રોટલી પણ આખી એક જ કોળિયામાં ખાવાની નથી. તેના ટુકડા કરવા પડશે! સારું કે ખરાબ જે ખાવાનું છે, જે ભોગવવાનું છે, તેને અમુક અમુક માત્રામાં ગ્રહણ કરતાં શીખવું પડશે! સુખને પણ એક જ મોટા કોળિયામાં ખાઈ શકાતું નથી અને દુઃખનો પણ એક જ મોટો ફાકડો ભરી શકાતો નથી!

તમારે ઘણુબધું કામ કરવાનું છે, તમારા હાથ ઉપર ઘણુબધું કામ છે અને તમારી નોકરીની રૃએ તમારી જવાબદારીના કારણે આ બધાં કામનો નિકાલ મુકરર સમયમર્યાદામાં કરવાનો છે એટલે તમારી એક આંખ કામ ઉપર અને બીજી આંખ ઘડિયાળના કાંટા ઉપર છે! કામનો મોટો ઢગલો છે! ઘડીકમાં તમે એક કામ હાથમાં લો છો અને ઘડીકમાં તમે બીજું કામ હાથમાં લેવા તૈયાર થઈ જાઓ છો! ‘કામ છે, કામ છે’ની ચિંતામાં કોઈ કામ થતું નથી. ઉતાવળ તમે કામ કરવા માટે કરો છો અને ઉતાવળમાંને ઉતાવળમાં કંઈ જ કામ થઈ શકતું નથી! કેટલાક માણસ પોતે ખૂબ કામમાં હોવાનો દેખાવ કર્યા વગર વ્યવસ્થિત રીતે પોતાના કામનો નિકાલ કરી નાખવાની આવડત મેળવી લેતા હોય છે! એ કામ કર્યા જ કરે છે, પણ કોઈને ખબર પણ ના પડે અગર કોઈનું ખાસ ધ્યાન ના ખેંચાય એ રીતે કામને ઉકેલવાની એક ફાવટ બતાવે છે! એવી જ રીતે કેટલાક માણસો પોતાની ઉપર આવી પડેલા દુઃખના ખડકલાનો પણ નિકાલ કરી નાખે છે! એ દુઃખના ડુંગર ઉપર તેની નીચે દબાઈને આંસુ સારવા બેસતા નથી, પણ એક એક કોળિયો કરીને દુઃખને હજમ કરી નાંખે છે! આવી જ રીતે કેટલાક માણસો પોતાની કે પોતાના કુટુંબીજનોની માંદગીની સમસ્યાને પણ સાંગોપાંગ ઉકેલી નાખે છે.

ચિંતા હોય, રોગ હોય, કામ હોય કે જવાબદારી આવી પડી હોય, તમારે તેને બહુ છાતી ઉપર લીધા વિના, તેનાથી સહેજ અળગા રહીને, તેનાથી સહેજ દૂર ચાલ્યા જઈને, તેને નાના-નાના ટુકડામાં વહેંચીને ખતમ કરવા જ પડે છે! આમાંની કોઈ પણ વસ્તુ તમે આખી ને આખી છાતી ઉપર ચાંપો કે તેને આખી ને આખી ગળી જવા મથો તો તમે તેને પતાવી શકતા નથી! આવી રીતે આખી ને આખી ગળી જવાની તમારી કોશિશમાં તમે કેટલીક વાર તેને જિંદગીના ગળામાં ભરાવી બેસો એવું બને છે અને આવું બને ત્યારે તમારી ગૂંગળામણનો, તમારી રૃંધામણનો પાર રહેતો નથી!

રસ્તો કટકે કટકે કપાય છે, રોટલો પણ ટુકડે ટુકડે જ ખાઈ શકાય છે અને વ્યાધિ પણ વેરી વેરીને તોડી શકાય છે, પતાવી શકાય છે, પચાવી શકાય છે! મોટા ભાગે માણસ સામે આવેલી પીડાને તે એક જ છલાંગમાં પોતાની ઉપર તૂટી પડનારા વાઘના રૃપમાં નિહાળે છે એ ખોટું છે.
——————–

Leave A Reply

Your email address will not be published.

Translate »