તમારા માટે, તમારી સાથે, સતત…

તું મને તારા પ્રેમી તરીકે ન જો, તું એક હોશિયાર રિપોર્ટર છે

'કેટલા નસીબદાર છે આ લોકો! એમને અહીં આવવાનો તેમ જ સૂર્યાસ્ત જોવાનો સમય મળે છે.'

0 402

નવલકથા – સત્ અસત્ – પ્રકરણઃ ૩૩

 – સંગીતા-સુધીર

વહી ગયેલી વાર્તા
સત્યેને આરજેને સકંજામાં લેવા જે પ્લાન ઘડ્યો હતો તેમાં આરજે અને તેનો પરિવાર બરાબરના ફસાયા હતા. પોલીસે આરજે, રોમેલ અને રોહિણીની ધરપકડ કરી હતી, તેથી આરજેને ગભરાટનો પાર નહોતો. આરજેને જે સ્ત્રીઓ અને બાળકો દેખાડવામાં આવ્યાં હતાં એ બધાંની થોડા દિવસ પહેલાં જ ધરપકડ કરવામાં આવી હતી. તેનો લાભ લઈને સત્યેને આખી ગોઠવણ કરી હતી. જેલમાં આરજેને પોતાનાં કુકર્મો પર પસ્તાવો થવા લાગે છે. તે મનોમન પોતાની જાતને કોસવા લાગે છે. સારી ધમધોકાર પ્રેક્ટિસ ચાલતી હોવા છતાં તૈમૂરે આપેલી લાલચને કારણે પોતે પાર્ટીમાં કૌભાંડો આચર્યા. રીઢા ગુનેગારોની વચ્ચે રહીને રોહિણી અને રોમેલ ડરી ગયાં હતાં. પરિણામે આરજેએ સત્યેન શાહને મળવાનું નક્કી કર્યું. જ્યારે સત્યેન પોલીસ સ્ટેશનમાં આરજેને મળવા આવ્યો ત્યારે આરજેએ સત્યેનની માફી માગી અને તેની સામે થયેલા આક્ષેપો પરત ખેંચાવી લેવાની વાત કહી. સત્યેને આરજેને પાર્ટીના ગોલમાલ કરેલા નાણા અને તૈમૂર વિશે પૂછ્યું, જેમાં આરજેએ જણાવ્યું કે ઇસ્લામધર્મી દેશો નહોતા ઇચ્છતા કે આગામી ચૂંટણીમાં આપણા દેશમાં જય જનતા પાર્ટી ચૂંટાઈને આવે. તેથી તૈમૂરે પાર્ટીના કાર્યકરોને ફોડ્યા હતા. તેના કહેવાથી જ આરજેએ પાર્ટીના નાણાની ઉચાપત કરી હતી. સત્યેને જ્યારે પાર્ટીના એકાઉન્ટનું ઓડિટ કરાવવાનું સૂચન કર્યું ત્યારે આરજે ડરી ગયો અને તેણે સત્યેન શાહ સામે જાતીય સતામણીના આક્ષેપો કરાવ્યા. બીજી બાજુ આરજે, મહમ્મદ યુસુફની ધરપકડની વાત સાંભળીને તૈમૂર લંડન જવા રવાના થયો. તેણે લંડનના જાણીતા બેરિસ્ટર ગ્રેહામ કર્કને એડવાન્સ ફી ચૂકવી આરજે અને તેના પરિવારને જામીન પર છોડાવવા માટે રોકી લીધા. બેરિસ્ટર ક્લર્કની જોરદાર દલીલોને કારણે આરજે એન્ડ કંપનીને જામીન પર છોડવામાં આવે છે. તૈમૂર આરજે અને તેના પરિવારને પેરિસ મોકલવાની ગોઠવણ કરે છે અને મહમ્મદ યુસુફને અંડરગ્રાઉન્ડ કરવાની તૈયારી કરે છે. આરજે અને તેનો પરિવાર જેવા તૈમૂરની કારમાં બેસવાની તૈયારી કરે છે, એ જ સમયે પોલીસ જય જનતા પાર્ટીમાં કૌભાંડ આચરવાના ગુના હેઠળ આરજે અને તેના પરિવારની ધરપકડ કરે છે. પોલીસ ત્રણેયને પોલીસ સ્ટેશનમાં લઈને જાય છે, એ જ સમયે સત્યેન શાહ પોલીસ સ્ટેશનમાંથી બહાર આવે છે. સત્યેનની આ ચાલ જોઈને તૈમૂર ગુસ્સે થઈ જાય છે. બીજી બાજુ મુંબઈમાં ઍડ્વોકેટ બિપિન જાની સત્યેનના મોકલેલા માણસને મળવા માટે મરીન ડ્રાઇવ પહોંચે છે. એ જ સમયે અટલ અને જાગૃતિ પણ ત્યાં પહોંચી જાય છે. આ જોઈને વળી પાછો બિપિન જાનીને ગુસ્સો આવે છે. સાથે જ ગભરામણ પણ થવા લાગે છે.

હવે આગળ વાંચો…

‘અને સર, તમે આ સામે આવેલા કપૂર મહલને એકદમ એકાગ્રતાથી કેમ જોઈ રહ્યા હતા? ત્યાંથી કોઈ ક્લાયન્ટ મળવા આવવાનો છે? કોઈની વાટ જોઈ રહ્યા હતા?’ દરિયા પરથી ઠંડો પવન આવતો હતો. તેમ છતાં એ ઍડ્વોકેટને આ પ્રશ્ન સાંભળતા પસીનો છૂટી ગયો. આંખે અંધારાં આવી ગયાં. મરીન ડ્રાઇવની ફૂટપાથ ઉપર લટાર મારતા લોકો એમને ઝાંખા દેખાવા લાગ્યા.

‘નો… નો. હું કોઈની વાટ નહોતો જોતો. મારે શું કામ કોઈની વાટ જોવી પડે. હું તો ડૉક્ટરના કહેવાથી જ અહીં ફરવા આવ્યો છું. ચાલો, ઘણુ બેઠો. હવે મારે ઊઠવું જોઈએ. ઑફિસમાં ક્લાયન્ટો વાટ જોતા હશે.’

બિપિન જાનીને ખાતરી થઈ ગઈ કે આ બંને જણ એની આજુબાજુ હશે તો સત્યેનનો માણસ એનો સંપર્ક નહીં સાધે.

‘સર, તમે ઑફિસે જતા હો તો હું પેલી સ્ત્રીઓને એ જણાવું? એ બધીને તમને અર્જન્ટલી મળવું છે. તમારી ઑપરેટર એમને મુલાકાતનો સમય જ નથી આપતી.’

‘કઈ સ્ત્રીઓ?’

‘કેમ સર, ભૂલી ગયા? અટલસરે અને સત્યેન શાહ વતીથી એની વાઈફ અને એની કંપનીએ પેલી ચાર સ્ત્રીઓ, મયૂરી મહેતા, સુઝેન સેલ્વમ, મહેક મોમિન અને રમણી અદનાની ઉપર બદનક્ષીના દાવાઓ કર્યા છે એ તમારી ચારેય ક્લાયન્ટો, જેમને હું લઈ આવી હતી તેઓ ક્યારના તમને મળવા માટે પ્રયત્નો કરી રહ્યાં છે.’

‘ના… ના. એમના કેસને તો હજી વાર છે. હમણા મારી પાસે સમય નથી.’

‘સર, હવા ખાવાનો સમય છે અને ક્લાયન્ટોને મળવાનો સમય નથી? મળી લોને? એ ચારેય સ્ત્રીઓ ખૂબ જ ચિંતામાં છે.’ જાગૃતિએ આજીજી કરતાં કહ્યું.

‘મિસ્ટર બિપિન જાની, શું તમને એમ લાગે છે કે તમે એ ચારેય સ્ત્રીઓનો બચાવ કરી શકશો?’ અટલના સવાલે બિપિન જાનીને ઝટકો આપ્યો.

‘એટલે?’

‘એટલે એમ કે તમને બરાબર ખબર છે કે એ ચારેય સ્ત્રીઓએ સત્યેન શાહ ઉપર કરેલ આક્ષેપો સદંતર ખોટા છે? તમને એ વાતની પણ જાણ છે કે એ આક્ષેપો કોણે કરાવ્યા છે અને શા માટે કરાવ્યા છે? તમારો પણ એ આક્ષેપો કરાવવા પાછળ આડકતરો હાથ છે. આમ છતાં મિસ્ટર બિપિન જાની, તમે એ સ્ત્રીઓનો બચાવ કરવાના છો? ઈઝ ધિસ નૉટ પ્રોફેશનલ મિસ્કધડક્ટ?’

‘મિસ્ટર અટલ, આવું તમને કોણે કહ્યું? અને હું મારા ક્લાયન્ટોના પ્રતિસ્પર્ધી જોડે કેસની ચર્ચા નથી કરતો.’

‘રહેવા દો, રહેવા દો. તમે શું કરો છો અને શું નહીં એની બધી જાણ મને છે.’

‘એટલે? તમે કહેવા શું માગો છો?’

‘જાણવું છે? આરજેએ લંડનની પોલીસ કસ્ટડીમાં બધી કબૂલાત કરી છે.’

‘વ્હૉટ?’

‘મિસ્ટર બિપિન જાની, છેલ્લા ચાર દિવસથી તમે જે અહીંતહીં ફાંફાં મારીને દોડાદોડી કરો છો, તમારી સામે જે

ઇન્કમટેક્સની નોટિસો આવી છે એ, લેટ મી ટેલ યુ… સત્યેન શાહના કહેવાથી જ ઈશ્યુ થઈ છે. હજુ તો આ શરૃઆત છે. તમે જો અસત્યનો છેડો પકડી રાખશો, એ ચારેય સ્ત્રીઓને બચાવવાનો પ્રયત્ન કરશો, તમારી જે મૅજિસ્ટ્રેટોને ફોડવાની શાખ છે એ રીતે વર્તશો તો આ વખતે પરિણામ ખૂબ ભયંકર આવશે.’

ઑફિસે જવા ઊભો થયેલ બિપિન જાની અટલનું કહેવું સાંભળી પાછો મરીન ડ્રાઇવની પાળ ઉપર બેસી ગયો. એની છાતી જોરજોરથી ધબકવા લાગી. બિપિન જાનીને લાગ્યું કે ફરી પાછો એના ઉપર હૃદયરોગનો હુમલો થશે.

પરિસ્થિતિ કળી જતાં અટલે તુરંત જ બિપિન જાનીનો હાથ પકડ્યો અને અત્યંત નરમાશથી કહ્યું ઃ

‘તમારી તબિયત સારી નથી. જો બીજી વાર એટેક આવશે તો પરિણામ કંઈ પણ આવી શકે. નાહકના શા માટે હેરાન થાવ છો? આરજેએ બધું જ કબૂલી લીધું છે. આ જુઓ, એના હાથે લખેલું કબૂલાતનામું. સત્યેન શાહે લંડનથી વૉટ્સઍપ ઉપર મોકલાવ્યું છે. એ વાંચો. જૂઠાણા ક્યાં સુધી ચલાવે રાખશો? હવે પણ સમજી નહીં જાવ તો પરિણામ બહુ ખતરનાક નીવડશે.’ આરજેના જાતે લખેલ કબૂલાતનામાની વૉટ્સઍપ ઉપર મળેલ પ્રિન્ટ લઈને આવેલા અટલે એ બિપિન જાનીને આપી અને એની તરફ દૃષ્ટિ કર્યા સિવાય ત્યાંથી ચાલતી પકડી. જાગૃતિ પણ અટલની પાછળ ચાલવા લાગી.

* * *

‘અટલ સર, તમે કોઈ દિવસ મરીન ડ્રાઇવની પાળ ઉપર બેસી ડૂબતા સૂરજને જોયો છે?’

જાગૃતિનું કહેવું સાંભળી અટલ ચાલતાં ચાલતાં અટકી ગયો. એક સ્મિત જાગૃતિ તરફ ફેંકીને એ બોલ્યો,

‘પત્રકારોના જીવનમાં એવી નિરાંત તેં કોઈ દિવસ જોઈ છે? જેથી તેઓ સૂર્યાસ્તને નિહાળી શકે.’

‘સર, તમારી વાત સાચી છે, પણ આજે જોગાનુજોગ આપણે મરીન ડ્રાઇવ ઉપર છીએ. ચાલોને, નરીમાન પૉઇન્ટ સુધી ચાલીએ અને ત્યાંથી સૂર્યાસ્તને જોઈએ. મેં સાંભળ્યું છે કે નરીમાન પૉઇન્ટ ઉપરથી અરબી સમુદ્રમાં ડૂબતો સૂર્ય સુંદર દેખાય છે.’

‘ચાલ, તું કહે છે તો આપણે નરીમાન પૉઇન્ટ સુધી ચાલી નાખીએ. આજે સૂર્યાસ્ત જોવાનો લ્હાવો લઈ જ લઈએ.’

બંને નરીમાન પૉઇન્ટના છેવાડે પહોંચ્યાં અને એનસીપીએની સામેની પાળી ઉપર બેઠાં. ત્યાં બેઠેલા અને આજુબાજુ વૉક લેતા લોકોને જોઈને અટલને ઈર્ષ્યા થઈ.

‘કેટલા નસીબદાર છે આ લોકો! એમને અહીં આવવાનો તેમ જ સૂર્યાસ્ત જોવાનો સમય મળે છે.’

મુંબઈમાં કુદરત સૌંદર્ય છૂટા હાથે વેરે છે, પણ મોટા ભાગના મુંબઈગરાઓને એ માણવાની કાં તો ઇચ્છા નથી હોતી યા એમના વ્યસ્ત જીવનમાં એટલી ફુરસદ નથી હોતી. સૂર્યાસ્તનું દૃશ્ય ખરેખર સુંદર હતું. પહેલાં સૂર્ય પીળાશ પડતો અત્યંત ઉજાસ આપતો અને તાપ પમાડતો લાગતો હતો. ધીરે ધીરે એનો રંગ ભગવો અને પછી લાલઘૂમ થઈ ગયો. જાગૃતિ અને અટલ સૂર્યના એ બદલાતા રંગોને જુએ, એને વખાણે એ પહેલાં તો સાત ઘોડાના રથ ઉપર સવાર થયેલા સૂર્યદેવે ક્ષિતિજ પાસે દરિયાની અંદર ડૂબકી લગાવી દીધી. જાગૃતિનું મુખ આ દૃશ્ય જોઈને આનંદિત થઈ ગયું. હર્ષથી પુલકિત થયેલું વદન એણે અટલના મુખ તરફ ફેરવ્યું અને અચાનક અણધાર્યો સવાલ કર્યો ઃ

‘સર, તમે જ્યોતિષમાં માનો છો?’

‘આ તું મને સર સર કહ્યા ન કર.’

‘તો શું કહું? તમે મારા સર છો જ.’

‘ના, તું મને અટલ કહી શકે છે.’

‘એ તો બહુ તોછડું લાગે.’

‘તો અટલજી કહે, પણ આમ અચાનક હું જ્યોતિષમાં માનું છું એવું શા માટે પૂછ્યું?’

જાગૃતિ થોડીક પળો શાંત રહી. શું કહેવું, શું ન કહેવું એવી ગડમથલ એના મનમાં ચાલી રહી હતી. અટલે એ એના મુખ ઉપર જોઈ.

‘શું વાત છે, જાગૃતિ?’

‘કંઈ નહીં.’

‘ના, જરૃર એવી કોઈ વાત છે, જે કહેતાં તું અચકાય છે.’

‘અટલજી, થોડા દિવસ પહેલાં કાશીના એક જ્યોતિષી મુંબઈ આવ્યા હતા.’

‘હા, હા. મારે એમના સમારંભમાં જવાનું હતું.’

‘પણ તમે જઈ નહોતા શક્યા.’

‘હા.’

‘અને હું ગઈ હતી.’

‘અચ્છા!’

‘હા. સમારંભ પછી હું એમને મળી હતી. એમને મેં મારો હાથ દેખાડ્યો અને જન્માક્ષર પણ.’

‘વાહ! પછી એ પ્રખર જ્યોતિષીએ તારું શું ભવિષ્ય ભાખ્યું? બેસ્ટ જર્નાલિસ્ટનો ઍવૉર્ડ મળશે એવું એમણે જરૃરથી કહ્યું હશે.’

‘ના, અટલજી.’ જાગૃતિએ થોડુંક શરમાતા જવાબ આપ્યો અને પછી ઉમેર્યું ઃ ‘મેં એમને તમારા જન્માક્ષર પણ દેખાડ્યા.’

‘વ્હૉટ?! મારા જન્માક્ષર તારી પાસે ક્યાંથી આવ્યા?’

‘અટલજી, એક વાર તમે વાતમાં ને વાતમાં તમારા જન્મનો સમય, તિથિ તેમ જ વાર કોઈને જણાવ્યાં હતાં. હું ત્યાં હાજર હતી. એ ઉપરથી મેં તમારા જન્માક્ષર બનાવડાવ્યા અને તે મેં એ પંડિતજીને દેખાડ્યા.’

‘પણ શું કામ? પહેલાં તો મને એ કહે કે મારા જન્માક્ષર તેં શું કામ બનાવડાવ્યા? અને પંડિતજીને શું કામ દેખાડ્યા? મારા ભવિષ્યમાં શું છે એ જાણવાની તને ખૂબ જ ઇંતેજારી હોય તો સાંભળી લે, હું લખપતિ કે કરોડપતિ નથી થવાનો.’

‘અટલજી, મેં એ જાણવા માટે તમારા જન્માક્ષર નહોતા બનાવડાવ્યા કે દેખાડ્યા.’

‘તોે પછી?’

જવાબ આપવાને બદલે જાગૃતિ નીચું જોઈ થોડીક વાર ચૂપ રહી. પછી મોઢું નીચું રાખીને જ અટલની સામે જોયા વગર બોલી ઃ

‘મેં આપણા બંનેના જન્માક્ષર એ પંડિતજી આગળ સરખાવ્યા.’

‘વ્હૉટ?’ અટલની અજાયબી વધી ગઈ.

‘હા, અને પંડિતજીએ કહ્યું કે આપણા બંનેના જન્માક્ષર મળે છે.’

હવે અટલને આખી વાત સમજાઈ. એને ગુસ્સો આવ્યો. પછી દયા આવી. એક કુશળ રિપોર્ટર હોવાને કારણે જાગૃતિને એના પ્રત્યે અહોભાવ જાગે એ શક્ય હતું. જેમ એક વિદ્યાર્થીની એના ટીચરના પ્રેમમાં પડી જાય એમ જાગૃતિ પણ એના પ્રેમમાં પડી ગઈ હશે.

‘જો જાગૃતિ, આવા વિચારો મનમાંથી કાઢી નાખ. આપણો સંબંધ ગુરુ-શિષ્યા જેવો છે. તું મને તારા પ્રેમી તરીકે ન જો. તું એક હોશિયાર રિપોર્ટર છે. આ ફીલ્ડમાં આગળ આવવાના તને બહુ જ સારા ચાન્સ છે.’

અટલે આટલું કહ્યું અને જાગૃતિ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. અટલે પ્રેમથી એની પીઠ ઉપર હાથ ફેરવ્યો. ખિસ્સામાંથી રૃમાલ કાઢીને એનાં આંસુ લૂછ્યાં. એને સાંત્વન આપતાં કહ્યું ઃ

‘જો બહેન, તને કદાચ મારા માટે પ્રેમની લાગણી ઉત્પન્ન થઈ હશે. હું એમાં તારો વાંક નથી જોતો. તારી ઉંમરમાં બધાને જ આવું થતું હોય છે, પણ આપણા બે વચ્ચે એ શક્ય નથી. તું મારી શિષ્યા છે અને એ જ સ્થાન તારા માટે ઉત્તમ છે. ચાલ, આજે તારો આ ગુરુ તને ડિનર ઉપર લઈ જશે. ચીયર અપ. કહે તારે ક્યાં ડિનર લેવું છે?’

‘કશે નહીં.’

‘જો આમ નિરાશ ન થા. અત્યાર સુધી તારા મનમાં મારા માટે જે વિચાર હતા એ કાઢી નાખ. આપણે બંનેએ હજુ સાથે મળીને આ સત્યેન શાહનો કેસ સૂલઝાવવાનો છે. બીજા અનેક કેસ સાથે મળીને રિપોર્ટ કરવાના છે. તું મારી શિષ્યા બનીને આવી હતી. એ જ બનીને રહે. આઈ ગૅરન્ટી યુ કે થોડા સમયમાં જ તને કોઈ પ્રિન્સ ચાર્મિંગ મળી જશે. ચાલ, હવે કહે ડિનર ક્યાં લઈશું?’

‘ગેલોર્ડમાં.’ જાગૃતિથી આપોઆપ એ રેસ્ટોરાંનું નામ લેવાઈ ગયું.

‘અને જો ઍડ્વોકેટ બિપિન જાની ત્યાં હશે તો?’ હસતાં હસતાં અટલે પૂછ્યું.

‘તો નક્કી એમને ફરી પાછો એટેક આવશે.’

ગેલોર્ડમાં ઍડ્વોકેટ બિપિન જાની તો નહીં, પણ સાવિત્રી અને મંથન એમને મળ્યાં. મા-દીકરા બંનેએ એ બંનેને આવકાર્યાં. અટલ જાગૃતિની સાવિત્રી અને મંથન જોડે ઓળખાણ કરાવે એ પહેલાં જ મંથને

જાગૃતિને કહ્યું ઃ

‘હલ્લો જાગૃતિ, કેમ છે? કેટલાં વર્ષ પછી મળી? શું કરે છે?’

Related Posts
1 of 34

‘ઓહ! તમે એકબીજાને ઓળખો છો?’ થોડાક છોભીલા પડતાં અટલે કહ્યું.

‘યસ મિસ્ટર અટલ, જાગૃતિ મારી કૉલેજમાં હતી. ટેનિસમાં એ મારી પાર્ટનર હતી. જાગૃતિ ટેનિસ બહુ સારું રમે છે.’

‘ઓહ!’ અટલે આશ્ચર્ય વ્યક્ત કર્યું ઃ ‘એટલે તું માર્ટિના નવરાતિલોવા અને સેરેના વિલિયમ્સ જેવી છે.’

‘મંથન, તેં મને આ વાત તો કરી જ નહોતી.’

‘કઈ વાત, મમ્મી?’

‘કે ટેનિસમાં આવી સુંદર યુવતી તારી પાર્ટનર હતી.’

‘મમ્મી, એમાં શું કહેવાનું.’

‘વાહ! કહેવાનું કેમ નહીં? અને તેં તારી આ ટેનિસ પાર્ટનરને આપણા ઘરે પણ ક્યારેય બોલાવી નથી.’

‘મમ્મી, કૉલેજમાં ટેનિસ સાથે રમતાં હતાં. મારું એ છેલ્લું વરસ અને જાગૃતિનું પહેલું વરસ હતું. પછી જાગૃતિ ક્યાં અલોપ થઈ ગઈ એની મને જાણ જ નહોતી.’

‘અને તું પણ ક્યાં ખોવાઈ ગયો એની મને પણ ખબર નહોતી. હા, તારી વાઇફના એક્સિડન્ટના ન્યૂઝ વાંચ્યા હતા. આઈ એમ સૉરી મંથન, એક્સેપ્ટ માય કૉન્ડોલન્સિસ.’

સાવિત્રીના આગ્રહથી અટલ અને

જાગૃતિ એમની સાથે ડિનરમાં જોડાઈ ગયાં. મંથન અને જાગૃતિ એમના કૉલેજના દિવસોની વાતોમાં ખોવાઈ ગયાં. સાવિત્રીને અટલે જ્યારે આરજેની કબૂલાત અને લંડનમાં શું બન્યું હતું એની જાણ કરી ત્યારે એ આનંદમાં આવી ગઈ. એને એના પતિની સફળતા ઉપર ગર્વ થયો.

* * *

અટલ અને જાગૃતિના ગયા બાદ કપૂર મહલની સામેની મરીન ડ્રાઇવની પાળી પર એકલા બેઠેલા ઍડ્વોકેટ બિપિન જાનીએ આરજેએ એના પોતાના હાથે જે લેખિત કબૂલાત કરી હતી એ કાગળો એક નહીં, બે નહીં, પાંચ-પાંચ વાર વાંચ્યા.

‘આ મૂર્ખાએ આવી કબૂલાત કરી જ કેમ? પોતાના હાથે, પોતાના અક્ષરમાં જ એણે બધું ઓકી નાખ્યું. રજેરજની માહિતી જણાવી દીધી! કૌભાંડમાં જે-જે લોકો સામેલ હતા એ બધાનાં નામો સુદ્ધાં આપી દીધાં! કેટલા કરોડોની ગોલમાલ કરી હતી એ આંકડાઓ સહિત કબૂલી લીધું! સત્યેન શાહ સામે જાતીય શોષણના જે આક્ષેપો કરાવવામાં આવ્યા હતા એ ખોટા હતા, તૈમૂરના કહેવાથી એના માણસોએ એ કરાવ્યા હતા, એનાં શું પરિણામો આવશે એને લગતી કાયદાકીય જાણકારી પણ મારી આગળથી મેળવી હતી, આવું લખી આપીને આરજેએ બધાને જ મુશ્કેલીમાં મૂકી દીધા છે. આરજેનું તો હવે જે થવાનું હોય તે થાય, પણ મારી આબરૃ ધૂળધાણી થઈ જશે. હું ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ જઈશ. ઍડ્વોકેટ બિપિન જાની ભયથી થરથરવા લાગ્યો.

‘એક્સક્યુઝ મી.’

‘યસ?’

‘તમે જ ઍડ્વોકેટ મિસ્ટર બિપિન જાની છો?’

‘હા, કેમ?’

‘સત્યેન શાહે જે ચાર સ્ત્રીઓ ઉપર બદનક્ષીના દાવાઓ કર્યા છે એમને તમે જ ડિફેન્ડ કરો છો ને?’

‘હા, હા, પણ તમે કોણ છો?’

‘સર, મારી સામે પણ બદનક્ષીનો કેસ કરવામાં આવ્યો છે. પેલી બીજી સ્ત્રીઓની જેમ મેં પણ સત્યેન શાહે મારું જાતીય શોષણ કર્યું હતું એવા આક્ષેપો કર્યા છે.’

‘શું? તમે કરેલા આક્ષેપો સાચા છે? સત્યેન શાહે ખરેખર તમારું જાતીય શોષણ કર્યું હતું?’

પેલી ચાર સ્ત્રીઓ તો જુઠ્ઠું બોલી હતી. એમને એમ કરવાની ફરજ પાડવામાં આવી હતી, પણ આ પાંચમી સ્ત્રી? આ સ્ત્રી નક્કી સાચું બોલી હશે. જો એમ હોય તો હું સત્યેન શાહને ખરેખર ફસાવી શકીશ. ઍડ્વોકેટ બિપિન જાનીને એક આશાનું કિરણ દેખાયું.

‘નો સર, અન્ય સ્ત્રીઓએ સત્યેન શાહને બદનામ કર્યા હતા એટલે મેં પણ પ્રસિદ્ધિની લાલચે એમને બદનામ કર્યાં. સત્યેન શાહે મારું જાતીય શોષણ નથી કર્યું. મારે આવી કબૂલાત કરવી છે. મારી ભૂલ માફ કરાવવી છે. તમારા જેવા બાહોશ ઍડ્વોકેટ જ મને સજામાંથી મુક્તિ અપાવી શકશે.’ રંજના સેન એનું બોલવાનું પૂરું કરે એ પહેલાં જ સામે કપૂર મહલમાંથી ચાર સ્ત્રીઓને પોતાની તરફ આવતી જોઈ અને બિપિન જાનીની છાતી જોર જોરથી ધબકવા લાગી.

જાગૃતિએ ઍડ્વોકેટ પાસે જવા માટેનો એ પાંચેય સ્ત્રીઓનો ટાઇમિંગ બરાબર ગોઠવ્યો હતો.

* * *

મંથન અને જાગૃતિ બંનેને એકમેક સાથે એકાગ્રતાથી વાતો કરતાં અને આનંદિત જોતાં સાવિત્રીને પતિની સફળતા જાણીને જેટલો આનંદ થયો હતો એટલો જ આનંદ થયો.

સાવિત્રી અને એ પોતે બાજુમાં જ બેઠાં હતાં એમને ભૂલીને જે રસપૂર્વક જાગૃતિ મંથન જોડે એમના કૉલેજના દિવસોની અને ટેનિસની રમતોની વાતો કરતી હતી એ જોઈને અટલને પણ સુખદ આશ્ચર્ય થયું. હજુ થોડા સમય પહેલાં જ જાગૃતિ એના પ્રેમમાં હતી. એના અને અટલના જન્માક્ષર મળતા હતા એવું એણે અટલને જણાવ્યું હતું. અટલે જ્યારે એને જણાવ્યું કે એ તો એની શિષ્યા છે અને મનમાં કોઈ બીજા વિચારો હોય તો જાગૃતિએ એને કાઢી નાખવા જોઈએ ત્યારે એ ધ્રુસકે ધ્રુસકે રડવા પણ લાગી હતી અને થોડી જ વારમાં મંથન જોડે વાતોમાં ગૂંથાઈ ગઈ! એ બંનેની આંખોમાં અટલે એકબીજા પ્રત્યેનો સ્નેહ જોયો. અટલને ખાતરી થઈ કે જાગૃતિનો એના માટે જાગેલો પ્રેમ ક્ષણિક અહોભાવનો ઊભરો હતો.

* * *

‘દીકરા, આ જાગૃતિને તું આટલી નજીકથી કેવી રીતે ઓળખે છે?’ ઘરે આવતાં મંથન એના બેડરૃમમાં જાય એ પહેલાં સાવિત્રીએ દીકરાને પ્રશ્ન કર્યો.

‘મમ્મી, એ મારી ટેનિસની પાર્ટનર હતી.’

‘એમ…? તમારી ટેનિસની રમતમાં કોણ કોને લવ આપતું હતું?’ દીકરાની મશ્કરી કરતાં સાવિત્રીએ કહ્યું.

‘તું પણ શું, મમ્મી…’ થોડુંક શરમાતાં મંથને એની મમ્મીની નજર ચુકાવીને કહ્યું.

‘દીકરા, દેખાવમાં જાગૃતિ સુંદર છે. ટેનિસ સારું રમતી જ હશે, નહીં તો તારી સામે એ રમી જ ન શકે. અટલ જે રીતે વાત કરતો હતો એ મુજબ એ એક હોનહાર રિપોર્ટર છે અને…’

‘હા… હા, મમ્મી, પણ એનું શું છે?’ સાવિત્રીને વચ્ચેથી જ બોલતી અટકાવીને મંથને કહ્યું.

‘કંઈ નહીં, બેટા. આ તો મને તારી મૈત્રિણી સારી લાગી એટલે મેં જરા એનાં વખાણ કર્યાં.’

‘મમ્મી, તું ધારે છે એવું કંઈ નથી. શી વૉઝ જસ્ટ માય ગેમ પાર્ટનર.’

‘તેં મેં ક્યાં લાઈફ પાર્ટનર કહ્યું.’ સાવિત્રીએ ફરીથી દીકરાની છેડતી કરી.

‘ગુડ નાઈટ, મમ્મી.’ મમ્મીની મસ્તી ભરી નજર મંથન જીરવી ન શક્યો. સાવિત્રી જાગૃતિ વિશે વધુ કંઈ બોલે એ પહેલાં એ એના બેડરૃમમાં ઘૂસી ગયો.

* * *

‘ખૂબ હૅન્ડસમ છે નહીં?’ પાછળ બેઠેલી જાગૃતિને બાઈક ચલાવતાં ચલાવતાં અટલે અચાનક પ્રશ્ન કર્યો.

ગેલોર્ડમાંથી નીકળીને તેઓ ચોપાટી તરફ જઈ રહ્યાં હતાં. ઘરે જવાની ખાસ ઉતાવળ નહોતી એટલે અટલ બાઈક ધીરે ચલાવી રહ્યો હતો. રાત્રિના સમયે સામેથી અથડાતો પવન ઠંડો હતો. જાગૃતિનું ધ્યાન મરીન ડ્રાઇવની ફૂટપાથ ઉપર રાત્રિના ભોજન લીધા બાદ ખાધેલું પચાવવા નીકળેલા સામેના બિલ્ડિંગના રહેવાસીઓ ઉપર હતું. દરિયા તરફ મુખ રાખીને થોડાક પ્રેમીપંખીડાઓ બેઠા હતા. બુરખાધારી મુસ્લિમ યુવતીઓ પણ ત્યાં ઘણી હતી. એમને જોતાં

જાગૃતિ મનમાં ને મનમાં વિચારતી હતી કે આ બધી સ્ત્રીઓ બધો જ સમય બુરખો પહેરીને કેવી રીતે રહી શકતી હશે.

મારે જો આખો દિવસ બુરખો પહેરીને ફરવાનું હોય તો તો હું ગૂંગળાઈ જ મરું. દિવસ દરમિયાન મુંબઈમાં કેટલો તાપ પડે છે. એમાં કાળા રંગનો બુરખો પહેરવાનો હોય તો તો બાપ રે બાપ, તોબા તોબા, ગરમીમાં અકળાઈ જ જવાય. આવા આવા વિચારો કરતી

જાગૃતિ અટલના ‘ખૂબ હૅન્ડસમ છે નહીં?’ એવા અચાનક કરેલા પ્રશ્નથી ચોંકી ગઈ. અટલને ખભે મૂકેલ એનો હાથ આપોઆપ સરકી ગયો. પડી ન જવાય એ બીકે એણે હાથ વડે અટલની કમર પકડી લીધી. પોતે પૂછેલા પ્રશ્નનો લાંબા સમય સુધી જાગૃતિએ ઉત્તર ન આપ્યો એટલે અટલે એનો એ જ પ્રશ્ન પાછો પૂછ્યો.

‘તમે કોની વાત કરો છો?’

‘બીજા કોની? મંથનની.’

‘હા… હા, મંથન દેખાવડો છે.’

જાગૃતિએ કબૂલાત કરી.

‘અને મળતાવડો પણ છે. નહીં?’ પ્રશ્નનો ઉત્તર મળતાં અટલે બીજો પ્રશ્ન કર્યો.

‘હા. કૉલેજના પ્રથમ દિવસે હું જ્યારે કૉલેજના બિલ્ડિંગમાં દાખલ થઈ ત્યારે હાથમાં ટેનિસનું રેકેટ લઈને મંથન સામે જ ઊભો હતો. કોઈની વાટ જોતો હતો. મને જોઈને એણે એક સ્મિત આપ્યું. મારાથી આપોઆપ પુછાઈ ગયું કે ‘ફર્સ્ટ યર આટ્ર્સના બી ડિવિઝનનો ક્લાસ ક્યાં આવ્યો એ આપને ખબર છે?’ અને મંથને ‘યસ, યસ, ચાલો, તમને દેખાડું.’ એમ કહીને એ મને છેક મારા ક્લાસરૃમ સુધી મૂકી ગયો. ત્યાં સુધીમાં વાતો વાતોમાં એણે મને એની ફ્રેન્ડ બનાવી દીધી. મંથન છે જ એવો વાતોડિયો અને મળતાવડો.’

અટલને જાગૃતિના શબ્દોમાં મંથન વિશે ભારોભાર વખાણ જણાયાં. એણે પૂછપરછ ચાલુ રાખી.

‘પછી તમે ટેનિસનાં પાર્ટનર કેવી રીતે બન્યાં?’

‘મંથનના હાથમાં એ સમયે ટેનિસનું રેકેટ હતું એટલે હું સમજી ગઈ કે એ ટેનિસ રમે છે. મને પણ ટેનિસ રમવાનો શોખ છે એટલે મેં સહજ ભાવે એમને પૂછ્યું ઃ ‘તમે ટેનિસ રમો છો?’

‘પછી? પછી મંથને શું જવાબ આપ્યો?’ અટલે જાગૃતિને મંથન વિશે પ્રશ્નો કરીને વધુ બોલવાનો મોકો આપ્યો.

‘મંથને કહ્યું, યસ અફકોર્સ. આ હાથમાં રેકેટ કંઈ લાકડીની જેમ ટેકા માટે નથી રાખ્યું.’

‘પછી?’ વાતનો દોર ચાલુ રહે એ માટે અટલે પાછો સવાલ કર્યો.

‘પછી મેં પણ મંથનને કહ્યું કે હું પણ ટેનિસ રમું છું.’

‘વાહ! પછી શું થયું?’

‘ક્લાસ પૂરો થાય પછી કૉલેજના ટેનિસ કોર્ટ ઉપર આવવાનું મંથને મને કહ્યું. એણે મને ચૅલેન્જ આપી કે ખરેખર મને ટેનિસ રમતાં આવડતું હોય તો મારે એની જોડે એક ગેમ રમવી જોઈએ. આથી હું ઉશ્કેરાઈ ગઈ. પુરવાર કરવા કે મને ટેનિસ રમતાં આવડે છે એટલું જ નહીં, પણ હું ખૂબ સારું ટેનિસ રમું છું એવું દેખાડવા હું જેવો ક્લાસ પૂરો થયો કે તરત જ કૉલેજના ટેનિસ કોર્ટ ઉપર પહોંચી ગઈ.’

‘પછી?’

‘મંથન ટેનિસ બહુ જ સારું રમે છે. પહેલાં તો હું એની સર્વિસ રિસીવ કરવામાં નિષ્ફળ ગઈ. મારી ઠેકડી ઉડાડતાં એ ખૂબ જ હસ્યો. મેં એની સર્વિસ કરવાની રીત અને રમવાની સ્ટાઇલ સમજી લીધી. અમારી પહેલી રમત લવ ઑલમાં પૂર્ણ થઈ.’

‘પછી? પછી લવ ઑલ એટલે કે બંનેને લવ થયો કે નહીં?’ એ જે જાણવા ચાહતો હતો એ વાત અટલે છેવટે પૂછી જ નાખી.

મંથનની વાત કરતાં કરતાં જાગૃતિ ખૂબ જ ઉત્સાહમાં આવી ગઈ હતી. વર્ષો પછી એને એનો પહેલો પ્રેમી મળ્યો હતો. પ્રથમ મિલનથી જ જાગૃતિ મંથનને ચાહવા લાગી હતી. પોતાનો પ્રેમ એ જાહેર કરે એ પહેલાં તો વર્ષ પૂરું થઈ ગયું.

મંથન કૉલેજના આખરી વર્ષમાં હતો એટલે એ કૉલેજ છોડીને ચાલી ગયો. જાગૃતિને એ ક્યાં રહે છે એની જાણ નહોતી. ફોન નંબર પણ એણે આખા વર્ષ દરમિયાન માગ્યો નહોતો. એ મંથનને મનોમન જ ચાહતી હતી. પ્રેમનો એકરાર કરવાની એની હિંમત જ ચાલી નહોતી.  વિરહમાં વૅકેશન ગાળ્યા બાદ જાગૃતિ જ્યારે કૉલેજમાં આવી ત્યારે એને જાણ થઈ કે મંથન વૅકેશન દરમિયાન જ લગ્નગ્રંથિથી જોડાઈ ગયો હતો. ભગ્નહૃદયી જાગૃતિએ ત્યાર બાદ એનું સમગ્ર ધ્યાન ભણવામાં અને રિપોર્ટર તરીકેની કામગીરી બજાવવામાં કેન્દ્રિત કર્યું. વર્ષો પછી અટલને મળી. એનાથી પ્રભાવિત થઈ અને એને ચાહવા લાગી. આ વખતે મનની મનમાં ન રહી જાય એટલે આજે એણે એના પ્રેમની જાહેરાત કરી. જોગાનુજોગ ત્યાર બાદ થોડા જ કલાકોમાં એ જેના પ્રેમમાં પ્રથમ પડી હતી એ મંથન મળી ગયો. મંથન હવે એક વિધુર હતો. જો એના દિલમાં વર્ષો પહેલાં જાગૃતિને એના માટે જેમ પ્રેમ જાગ્યો હતો એવો જ પ્રેમ એ સમયે જાગ્યો હોય તો કદાચ એ ફરી પાછો જગાડી શકાય. જાગૃતિ આ વિચારે ખુશ હતી.

‘કેમ મારા સવાલનો જવાબ આપ્યો નહીં?’ વિચારોમાં ખોવાઈ ગયેલી જાગૃતિને અટલે સવાલ પૂછીને ઢંઢોળી.

‘અટલજી, સાચું કહું? કૉલેજના પ્રથમ વર્ષમાં પ્રથમ દૃષ્ટિએ હું મંથનના પ્રેમમાં પડી હતી. મેં મંથન પાસે એની કબૂલાત નહોતી કરી. મારો પ્રેમ જાહેર કરું એટલામાં મંથનનાં લગ્ન થઈ ગયાં.’

‘હા, પણ જાગૃતિ, નસીબની બલિહારી જો. મંથનની પત્ની અકસ્માતમાં અકાળે મૃત્યુ પામી. ત્યાર બાદ યુવાન હોવા છતાં મંથને હજુ સુધી લગ્ન નથી કર્યાં. તું પણ કુંવારી છે. આજે તમને બંનેને વાતો કરતાં જોઈને મને લાગ્યું કે મંથનને તારામાં રસ છે.’

‘ખરેખર? અટલજી, તમને ખરેખર એવું લાગ્યું?’

‘હા, જાગૃતિ, મને ખાતરી છે કે મંથનને તું ગમે છે. જો હવે પાછી મનની મનમાં નહીં રાખી મૂકતી. બનતી ત્વરાએ મંથનને મળ અને તારા પ્રેમની જાહેરાત કર.’

હાર્લી ડેવિડસન ચલાવતા અટલના આ શબ્દો સાંભળતાં જાગૃતિની આંખમાં હર્ષનાં અશ્રુ ઊભરાઈ આવ્યાં એ અટલને જોવા ન મળ્યાં.

(ક્રમશઃ)

—————-

Leave A Reply

Your email address will not be published.

Translate »