તમારા માટે, તમારી સાથે, સતત…

જોતાં રે જોતાં રે અમને જડિયા રે…સાચા સાગરનાં મોતી

સર્વત્રતાનો અભાવ એ જેમ મોતીનો ગુણ છે તેવો જ સજ્જનનો પણ ગુણ છે.

0 402

હૃદયકુંજ – દિલીપ ભટ્ટ

જોતાં રે જોતાં રે અમને જડિયા રે…સાચા સાગરનાં મોતી

સજ્જન શબ્દ આચારની પરિભાષા છે, વિચારની નહીં.
વૈચારિક સજ્જનોના તો આપણા દેશમાં ટોળેટોળા છલકાય છે. એનો આ દુનિયાને ખપ નથી…

શીર્ષક પંક્તિ હેમુ ગઢવીએ ગાયેલા એક લોકઢાળના ભજનની ધ્રુવરેખા છે. એમાં આરંભનોય આરંભ બહુ સરસ છે. જોતાં રે જોતાં રે… આ ટૂંકાક્ષરીમાં સતત જોતાં રહેવાની વાત છે. એમ તો તમે જુઓ, ને સાગર મોતી આપી દે એવું તો બનતું નથી. હા, મોતી મળશે, પણ તમારે જોતાં રહેવું પડશે. કેટલાક લોકો જરાક જુએ છે ને થાકી જાય છે. થાક એ આવનારી હારનો સંકેત કરે છે. જેમણે જીતવું જ છે એમને થાકવાનો કોઈ અધિકાર નથી. થાક લાગે ત્યારથી ચેતી જવા જેવું છે કે આમ તો મોતી નહીં મળે. આપણે ત્યાં બીજી પણ પ્રચલિત પંક્તિ છે – હંસલા હાલોને હવે, મોતીડા નહીં રે મળે. એની સામેનું આ ભજન હેમુ ગઢવીએ ગાયું છે. સફર જિંદગીની લાંબી છે. જોતાં રહેવું પડે. મોતી મળેય ને નયે મળે.

આંખ મીંચો ને ખોલો ત્યાં આરસના મહેલ એવું તો વાર્તામાં હોય, જીવાતી જિંદગીમાં નહીં. શબરી આયુષ્યભર સામેના માર્ગ પર જોયા કરે છે, આજે નહીં તો કાલે રામ આવશે. રામા… રામા… કરતે કરતે બીતી રે ઉમરિયા…શબરી પોતાની કુટિર તરફ આવતાં રસ્તે જોયા જ કરે છે. કોને ક્યારે અને ક્યાં મોતી મળે એ આ સાગરના ઊછળતાં મોજાંઓમાં અને એની ભરતી-ઓટમાં નક્કી તો નથી, પણ જેમને મોતીની જ તાલાવેલી છે એમને મળે છે. એ મળતરનો હિસાબ જેમ શાસ્ત્રોએ વિસ્તારથી આલેખ્યો છે એમ ભજનિકોએય લાઘવથી ઠેર-ઠેર સંકેત કરેલા છે.

સાગર છે અને આપણે જોયા કરીએ એ એક જ સંયોગે મોતી મળવાની સંભાવના છે. સાગરનો અર્થ અહીં સંસાર સાગર છે. કેટલા બધા દરિયાની લહેર પછી લહેર જેવા માનવ-મહેરામણ ઊભરાય છે. ક્યારેક તો એમ થાય કે આ સાગરના પાતાળે મોતી હશે કે માત્ર દંતકથા? પણ શબરીને આયુષ્ય પૂરું થવા આવ્યું ત્યાં સુધી એવો વિચાર સુદ્ધાં નથી આવ્યો કે રામ આવશે કે વ્યર્થ આશા? મોતી મળશે એની તો આ ભજન એક નાનકડી શરત મૂકીને ખાતરી આપે છે ને શરત એ જ છે કે જોતાં રહેવું પડશે. મોતી એટલે આપણા સમકાલીન સત્પુરુષો. સજ્જનો નહીં સર્વત્ર, ચંદન હોય નહીં વને વને. હોય છે ખરા, પણ સર્વત્ર નથી હોતાં.

Related Posts
1 of 57

સર્વત્રતાનો અભાવ એ જેમ મોતીનો ગુણ છે તેવો જ સજ્જનનો પણ ગુણ છે. મોતીનો મોહ અને મોતીની તરસ મનુષ્યનો સ્વભાવ છે. કંઈક સર્વોત્તમ એ ચાહે છે અને શોધે છે. લાખો લોકો પરકમ્માના દિવસોમાં ગિરનારની પ્રદક્ષિણા કરે છે. કદાચ તેઓ સભાન ન પણ હોય કે એ શોધયાત્રા ભીતરની રહસ્યમય તરસ છીપાવવા માટેની છે. મનુષ્ય ક્યારેક કલાની તરસ, કરતબથી છીપાવવા મથે છે અને આત્માની તરસ એ શરીરથી છીપાવવા મથે છે, કારણ કે એ તરસ અને તૃપ્તિના ગણિતમાં ઊંડો ઊતર્યો નથી. એ જેને સમજાયું હોય એવા સાધકોએ લખેલી આ રચના છે. એ કૃતિ ગણાય છે તો કબીરના નામે પણ એ લોકઢાળની રચના કોઈ પુરાતન ગુજરાતી ઉપાસકની જ લાગે છે. આવા વેણ તો એના જ વાક્ ઝરણે અવતરે જેને હૈયે વસવાની સ્વયં અલખને ઉતાવળ હોય.

જે રીતે કોઈ હીરો કે કોઈ મોતી પોતાનું મૂલ્ય પોતે જ ઉદ્ઘોષિત કરતા નથી તે જ રીતે સત્પુરુષો પણ એમની સજ્જ્નતાનો મોરમુકુટ માથે લઈને ફરતા નથી. વળી, સજ્જન શબ્દ આચારની પરિભાષા છે, વિચારની નહીં. વૈચારિક સજ્જનોના તો આપણા દેશમાં ટોળેટોળા છલકાય છે. એનો આ દુનિયાને ખપ નથી, કારણ કે આ વૈચારિક સજ્જનો પોતે જેનું પાલન કરતા જ નથી એ સિદ્ધાંતોના પ્રચારમાં પોતાનું દંભી અને નિષ્પ્રભાવી જીવન વેડફી દેતા હોય છે. વિચાર મુખ્યત્વે તો આચારનો પડછાયો છે. જે છે તે તો આચાર જ છે. પ્રીત પડછાયાની લાગે ને તમે એને અનુસરો પણ મૂળ આકાર જ ન મળે તો એ ભૂત જ કહેવાય ને! વિચારોની એવી ભૂતાવળ આ જગતમાં સર્વત્ર વ્યાપ્ત છે ને સરેરાશ સારા માણસે એનાથી પોતાની જાતને ઉગારી લેવાની છે અને એમ કરીનેય ગોતવાના છે, સાગરનાં સાચા મોતી. જેને એવા મોતી મળી જાય એનો તો આ જ ભવમાં આખો અવતાર જ બદલાઈ જાય. જો જોતાં ન રહીએ તો શંખ, છીપલાં, રેતી તો હાથમાં આવવાના જ છે, કારણ કે સંસાર સાગરની વચ્ચે તમે છો. એ છીપલાં નિરર્થક છે જો એમાં મોતી ન હોય. જેમની જોતાં રહેવાની તૈયારી અને સાચાં મોતીની ઝંખના ન હોય એમણે આખી જિંદગી છીપલાંઓથી ચલાવી લેવું પડે છે. પછીથી છીપલાંને જ મોતી માનીને જીવવાની એક ટેવ પડી જાય છે જે ટેવ તો એમને કદી સાચા મોતી સુધી પહોંચવા જ દેતી નથી. આપણા સ્નેહસંબંધીઓમાં પણ કેટલાંક મોતી હોય તો કેટલાંક છીપલાં.

એક અમૂલ્ય અને એક મૂલ્યહીન. મૂલ્યહીનતાઓનો ભાર સાથે રાખીને અમૂલ્ય જિંદગીને ઠેબે ચડાવતા લોકો કંઈ એમના સ્વનિર્ણયથી આડે પાટે ચડ્યા હોતા નથી, પરંતુ જ્યાં તેમની બુદ્ધિ અટકી જાય તેવી પોતાની જ દુર્વૃત્તિઓનો તેઓ શિકાર બન્યા હોય છે અને અકસ્માતે એમને પણ જો મોતી મળી જાય તો તેઓ વૈરાગીઓનેય વટી જાય એવા આરોહણ કરતા થાય છે. સંયોગો જ્યાં લઈ જાય ત્યાં જવાને બદલે જ્યાં જવા જેવું છે એ જ માર્ગે જવાની જિદ સજ્જનતાની પ્રાથમિક ઓળખ છે.

જેઓ સજ્જન છે તેઓ કંઈ આ જગતની તેમના પરત્વેની પ્રત્યાઘાતી વર્તણૂકને આધારે નિર્ણય લેતા નથી. સજ્જનતા તેમનો સ્વભાવ જ હોય છે. બીજાઓ કેવા છે એ તેઓ કદી ગણકારતા જ નથી. એટલે કે ન તો તેઓ ટીકાથી ઉશ્કેરાય કે ન તો પ્રશંસાથી પરિપુષ્ટ થાય, કારણ કે એ તેમનો ખોરાક નથી. સત્કર્મ અને તે પણ નિયત અગ્રતાક્રમે તેઓ કરે છે. આવા લોકો જ સંસાર સાગરનાં મોતી છે. એક જમાનામાં એટલે કે આજથી પચાસેક વરસ પહેલાં નવસારીમાં એક મોટી ઉંમરના વહોરાજી હતા. તેઓ ગામમાં નજર રાખે કે કોને કોને ઘરે નવજાત અને નાનાં શિશુઓ છે.

ઉનાળો જ્યારે ધોમ ધખાવે ત્યારે રાતના તેઓ બાળક ધરાવતી માતાને ઊંઘમાંથી જગાડવા ડેલીએ ડેલીએ સાદ કરે. ટો…. જો….. ટો…. જો…. એમ મોટેથી અવાજ કરે. ટો જો એટલે બાળકના ગળામાં ઘૂંટડો પાણી પીવરાવજો અથવા ઘડીક ધવરાવજો. મધરાતે ગળું સૂકાઈ જવાથી બાળકનો શ્વાસ પણ રૃંધાઈ શકે છે. આવી સેવા તો કોણ કરે? નવસારીની માતાઓ એ જમાનામાં એમને સગા બાપનો આદર આપતી. આ તો એક વાત છે, પણ સંસારનાં દરેક ક્ષેત્રમાં મોતી છુપાયેલાં છે, એને જોવાની નજર જોઈએ. જોતાં રહેવું પડે. એક ગુણ આત્મસાત કરો તો ચરિત્ર એક પગથિયું ઊંચે ચડે. એમ મોતી વીણતાં વીણતાં સ્વયં મોતી થવાની આ વાત છે.

ભજનમાં એક ગુપ્ત ફરિયાદ છે કે આપણે મોતી નહીં મળ્યાનો અફસોસ રજૂ કરનારા છીએ, પણ જોતાં જોતાં જિંદગી જીવનારા નથી. જોવું જ નથી તો મોતી સાવ અડોઅડ હશે તોય મીંચાયેલી આંખને એ નહીં મળે અને જોતાં રહીશું તો સાચાં મોતી અને કાચનાં ખોટાં મોતી વચ્ચેનો ભેદ પણ પારખતા આવડશે. ક્યારેક તો ખોટાં મોતી આપણા હૈયે જડાઈ ગયાં હોય છે અને ખબર પડે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે, કારણ કે ખોટાએ જ સાચા હૈયાને કોરી ખાધું હોય છે. ભજનનો ઉપાડ તો એવી મધુર લયકારીથી થાય છે કે આપણે સાંભળતા જ રહી જઈએ, પણ આવાં ભજનો કંઈ સુખદાયી મનરંજન નથી, એ તો આપણી જિંદગીના અત્યન્ત ગંભીર અધ્યાયો તરફ આપણું ધ્યાન દોરીને આપણને ગાઢ ઉપેક્ષાઓમાંથી જગાડે છે.

રિમાર્ક: જેને તમે સાથે રાખી શકવાના હો એને જ ચાહો તો તમારા હૃદયના ટુકડાઓ નહીં થાય. – કાતુલ્લુસ (તુર્કી)
————–

Leave A Reply

Your email address will not be published.

Translate »