કૌશલે કોર્ટમાં પત્ર મોકલ્યો તે જાણી કશિશને તેના તરફ માન થયું
મારા રૂપના વખાણ થાય તે મને બહુ ગમતું નથી,
રાઇટ એન્ગલ – કામિની સંઘવી
નવલકથા – પ્રકરણ – ૨૧
કૉફી હાઉસમાં આખો દિવસ એક પણ ગ્રાહક ન આવતા કશિશની ચિંતાતુર નજર રોડ પર ફરી વળી. કૉલેજ સ્ટુડન્ટ દેખાતા હતા, પણ કોણ જાણે કેમ કોઈ કૉફી હાઉસમાં આવતું ન હતું. દરમિયાનમાં રાહુલે ફોન કરી તેને કોર્ટની તારીખની જાણ કરી. ધ્યેયના ઘેર પહોંચેલી કશિશને ધ્યેયે કૉફી હાઉસ કેવું ચાલે છે તેની પૃચ્છા કરતાં તેણે નિરાશા વ્યક્ત કરી. આથી ધ્યેયે તેને બિઝનેસમાં ધીરજ રાખવાની સલાહ આપી. ત્યાં પહોંચેલા રાહુલે કશિશને કોર્ટ પ્રોસેસની માહિતી સમજાવી. બીજા દિવસે કશિશ કોર્ટ પહોંચી. રાહુલે કોર્ટ સમક્ષ બધા પુરાવા રજૂ કર્યા. આરોપીના વકીલ નીતિન લાકડાવાલાએ કશિશની ઊલટતપાસ કરી. તેમણે કશિશને હાલ તે શા માટે પતિથી અલગ રહે છે તેવો સવાલ કર્યાે. પોતે ન્યાય મેળવવા અલગ રહેતી હોવાનો કશિશે સ્વસ્થતાથી જવાબ આપ્યો. આરોપી પક્ષની ઊલટતપાસમાં કશિશે જીવન નિર્વાહ ચલાવવા કૉફી હાઉસ શરૃ કર્યું હોવાનું જણાવ્યું. નીતિન લાકડાવાલાએ આક્ષેપ કર્યાે કે પૈતૃક સંપત્તિમાંથી વારસાઈનો હક્ક મેળવવા કશિશે આ કેસ કર્યાે છે. રાહુલે બચાવમાં જણાવ્યું કે કશિશે પહેરેલા કપડે ઘર છોડ્યું છે. તેને પૈસાની કોઈ લાલચ નથી. આના પુરાવારૃપે તેણે કૌશલ નાણાવટીનો લેખિત પત્ર રજૂ કર્યાે. કૌશલે આવો પત્ર આપ્યો તે જાણી કશિશને તેના પ્રત્યે માન થયું. રાહુલની દલીલોથી કોર્ટમાં કશિશ તરફી વાતાવરણ બન્યું. બચાવપક્ષને ખોટા આક્ષેપો કરવા બદલ ઠપકો આપી જજે ૨૪ ઑગસ્ટની તારીખ મુકરર કરી. આથી નીતિન લાકડાવાલાનું મોં પડી ગયું. કશિશે ખુશ થઈ રાહુલને બિરદાવ્યો. ત્યાંથી કૉફી હાઉસ પહોંચેલી કશિશને સ્ટુડન્ટ બેઠેલા જોઈ રાહત થઈ. રાતના આઠ સુધી કૉફી હાઉસ ધમધમતું રહ્યું. બીજા દિવસે સવારે અખબારમાં કશિશના કેસની હેડલાઇન હતી. જેમાં તેની બહાદુરી અને ખુદ્દારીની પ્રશંસા કરવામાં આવી હતી. આ સમાચાર વાંચી એક મૅગેઝિનમાંથી ઇન્ટરવ્યૂ આપવા કશિશ પર ફોન આવ્યો. આ પછી તો બીજા ફોનકૉલ્સ પણ શરૃ થયા. આવું કોણે કર્યું હશે તેવો કશિશને મનોમન સવાલ થયો.
હવે આગળ વાંચો…
‘જોેયું ને..તું કેવી છવાઈ ગઈ છે?’ કશિશ કૉફી હાઉસ પહોંચી ત્યાં ધ્યેયનો ફોન આવ્યો.
‘અચ્છા તો આ તારું પરાક્રમ છે…આઇ નો કે તું જ હશે..’ કશિશ સ્મિત કરતાં ફોન પર બોલી,
‘ના..જી…આ વખતે આ મારું પરાક્રમ નથી. ટુ બી ફ્રેન્ક, આ કામ પેલા એડિટરનું જ છે. એ દિવસે મેં એને કહ્યું હતું કે કશિશની પર્સનલ લાઇફને બાદ કરતાં કેસને લગતી વિગત છાપી શકે છે. કાલે કોર્ટમાં એમનો રિપોર્ટર હાજર હતો. કાલે તો રાહુલે જે બેટિંગ કરી છે બાયગોડ! અને તેં પણ જે રીતે ગભરાયા વિના જવાબ આપ્યા છે…આઇ એમ ઇમ્પ્રેસ્ડ!’
કશિશ નાનપણથી ભણવામાં હોશિયાર હતી. સ્કૂલના રિઝલ્ટના દિવસે હંમેશાં એણે ટીચર્સના મોઢે પોતાના વખાણ જ સાંભળ્યા હતા. ઉદય એવરેજ સ્ટુડન્ટ હતો એટલે એની તરફથી ઝાઝી અપેક્ષા મહેન્દ્રભાઈને રહેતી નહીં, પણ કશિશનું રિઝલ્ટ જાણવા માટે મહેન્દ્રભાઈ હંમેશાં ઉત્સુક રહેતા. મોટા ભાગે કશિશ એમને નિરાશ ન કરતી. હંમેશાં પહેલો-બીજો નંબર ક્લાસમાં લાવતી. એટલે ઘરમાં પણ એના વખાણ જ થતા હતા. લગ્ન પછી એના રૃપના, એના સ્વભાવના વખાણ એણે બહુ સાંભળ્યા છે, પણ આજે આટલાં વર્ષો પછી એની હિંમતના, એની સિદ્ધિના વખાણ થયા છે. તે વાત કશિશને બહુ ગમી.
‘થેન્ક્સ ધી…મારા રૂપના વખાણ થાય તે મને બહુ ગમતું નથી, કારણ કે હું માનું છું કે એમાં મારી કોઈ સિદ્ધિ નથી. રૃપ તો જિન્સ પર નિર્ભર કરે છે, પણ મારા કામના વખાણ થાય તે મને ગમે…એટલે જ એક લોકલ મૅગેઝિન કાલે ઇન્ટરવ્યૂ માટે આવે છે તો હા પાડી છે.’
‘ઓહ…ધેટ્સ ગ્રેટ..! કશિશ નાણાવટી તો હવે સેલિબ્રિટી બની ગયા છે ને! પણ એક વાતનું ધ્યાન રાખજે…ઇન્ટરવ્યૂમાં કેસ વિશે કશું ડિસ્કસ કરવું નહીં. માત્ર તેં શું કામ કેસ કર્યો છે તે જ વિગત આપવી, કારણ કે તું જે કહે તે વાતનું અર્થઘટન પત્રકાર જુદી રીતે પણ કરે અને કદાચ ગલત રીતે લખશે તો નુકસાન તારા કેસને થઈ શકે. એટલે બિનજરૃરી ટીકા ટિપણ્ણ ટાળવી.’ ધ્યેયએ એને પત્રકાર સાથે કેમ વાત કરવી તેનું ગાઇડન્સ આપતાં કહ્યું.
‘ઓ.કે..હું એ વાતનું ધ્યાન રાખીશ.’ કશિશ એનો પોઇન્ટ સમજી ગઈ.
‘ઓ.કે…સી યુ!’ ધ્યેયે ફોન કટ કર્યો.
તે દિવસે કશિશના કૉફી હાઉસ પર લોકોની અવર-જવર રહી. લોકલ પેપરમાં એના કેસ વિશે સારું એવું કવરેજ આવ્યંુ હોવાથી કોઈ જિજ્ઞાસાથી કશિશને જોવા-મળવા આવતા. તો કોઈ આટલા મોટા પરિવારની પુત્રવધૂ હોવા છતાં સાવ સામાન્ય કૉફી હાઉસ ચલાવે છે તે જોવા-જાણવા આવતા. કશિશે તે બધાં સાથે સહજતાથી વાતો કરી. કશિશનો સાદો-સીધો કોટન કુરતી અને જિન્સનો પહેરવેશ એને આમ આદમી તરીકે તો રિપ્રેઝન્ટ કરતાં તો હતાં, સાથે-સાથે એનો દરેકને ઉષ્માભર્યો આવકાર અને મનમોહક સ્મિત લોકોના દિલ જીતવા પૂરતા હતા. એક અઠવાડિયામાં તો કશિશ અને એનું કૉફી હાઉસ આ નાનકડા શહેરમાં ગુંજતું થઈ ગયું. લોકલ પેપર-મૅગેઝિનનાં પાનાં પર એના નિખાલસ ઇન્ટરવ્યૂએ લોકોમાં સહાનુભૂતિની લહેર પેદા કરી દીધી. કશિશને સૌથી મોટો ફાયદો થયો કે લોકોને એના કેસમાં રસ પડ્યો. બે-ચાર સ્ત્રીઓ માટેની સંસ્થા પણ એના સપોર્ટમાં મેદાનમાં આવી. સ્ત્રી સંસ્થાઓનો મુખ્ય મુદ્દો એ હતો કે અગર કોઈ છોકરી ચાહે તેવો અભ્યાસ માત્ર એ સ્ત્રી હોવાના કારણે અટકાવવામાં આવ્યો હોય તો એ જાતીય ભેદભાવ કહેવાય. આ મુદ્દા પર એમણે કશિશની તરફેણમાં સરઘસ કાઢ્યું. શહેરના લોકોનો જનમત કશિશની ફેવરમાં થવા લાગ્યો.
કશિશ મહિલા સંસ્થાઓની આ ઝુંબેશથી રાતોરાત પેઇજ થ્રી પરથી પેઇજ વન પર આવી ગઈ. શહેરમાંથી જ ઘણી બહેન-દીકરીઓની રાવ પોલીસ સ્ટેશન પર આવવા લાગી કે એમને છોકરી કે સ્ત્રી હોવાના કારણે મનગમતું શિક્ષણ મેળવવાના હક્કથી વંચિત રાખવામાં આવ્યા હતા. કશિશને આ બધું જાણીને આનંદ હતો કે જે મિશન એણે ચાલુ કર્યું હતું એણે લોકોમાં પૂરતી જાગૃતિ આણી છે.
ઉદય આ બધું વાંચી-જોઈને આઘાતથી સ્તબ્ધ થઈ ગયો હતો. એને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે એક સામાન્ય કેસ સમાજમાં એને વિલન બનાવી દેશે. સમાજમાં એની ભારે બદનામી થઈ. બીજી બાજુ મહેન્દ્રભાઈને પોતાની દીકરી પર ગર્વ થતો હતો. આ લોકજુવાળ જોઈને મહેન્દ્રભાઈ ખૂબ ખુશ થયા હતા. કશિશ ભલે ડૉક્ટર ન બની શકી, પણ કમ સે કમ લોકોમાં
જાગૃતિ આવે એવું કામ કરી શકી તે બહુ ગર્વની વાત છે. તો ત્રીજી બાજુ ઉદયના વકીલ કશિશના સેલિબ્રિટી સ્ટેટસથી માનસિક સ્ટ્રેસ અનુભવતા હતા. મીડિયામાં આ કેસની ચર્ચા કશિશની તરફેણમાં થાય તો એમનો કેસ નબળો પડવાની શક્યતા વધી જાય, કારણ કે માનો યા ન માનો મીડિયાનો થોડોઘણો પ્રભાવ તો જજમેન્ટ પર પડતો હોય છે. ભૂતકાળમાં ઘણા કેસમાં એવું બન્યું છે. કશુંક જલદ વિચારવું પડે તો જ હાથમાંથી સરી જતી બાજી જીતી શકાય. હજુ કોર્ટની તારીખને પંદર-વીસ દિવસની વાર હતી, પણ એ પહેલાં કેસ ઉદયની તરફેણમાં થઈ શકે તેવું કરવું ખૂબ જરૃરી હતું. નીતિનભાઈએ પોતાના વિશાળ ટેબલ પર પડેલા કાયદાનાં પુસ્તકો ઊથલાવવા માંડ્યા હતા.
* * *
‘આ જો…’ કૌશલ સવારે ડાઇનિંગ ટેબલ પર બ્રેક-ફાસ્ટ માટે બેઠો ત્યાં અતુલભાઈએ એના તરફ લોકલ ન્યૂઝ પેપર, મૅગેઝિન્સ સરકાવ્યાં. કૌશલે નજર ફેરવી તો કશિશના ઇન્ટરવ્યૂઝ અને એના વિશે આર્ટકિલ્સ છપાયા હતા. કૌશલે પેપર, મૅગેઝિન હાથમાં લઈને વાંચવાના બદલે બાજુ પર મૂકી દીધા. આ બધું એની જાણમાં હોઈ જે-તે અતુલભાઈ જાણતા હતા અને કૌશલ પણ જાણતો હતો. કૌશલે અનુમાન કરી લીધું હતું કે ડેડ કશું કહેવા ઇચ્છે છે એટલે એણે કશું બોલ્યા વિના અતુલભાઈ સામે જોયું એટલે એ બોલ્યા,
‘કશિશ સાથે કદાચ આપણે ન્યાય નથી કર્યો, જે થયું તે બહુ ખોટું થયું. હવે આપણે એને ઘરે પાછી લઈ આવવી જોઈએ.’ અતુલભાઈએ પાક્કા વેપારીની જેમ હવા જોઈને પોતાનું રૃખ બદલ્યું. કશિશે જે રીતે શહેરમાં નામના મેળવી તે જોઈને હવે અતુલભાઈ એ વાત ભૂલી જવા ઇચ્છતા હતા કે પોતે જ કશિશ કોર્ટે ચડી એનો સતત વિરોધ કર્યો હતો અને કૌશલને પણ તે માટે ઉશ્કેર્યો હતો. કૌશલ એમનું આ પાટલીબદલું વર્તન સમજી ગયો.
‘ડેડ, તમને શું લાગે છે, કશિશ તમારા હાથનું રમકડું છે કે તમે એને જેમ ચાહો તેમ રમાડી શકો?’ કૌશલે પોતાના હાથમાંનો ચાનો કપ ટેબલ પર મૂકી દીધો.
‘કૉફી હાઉસના લોન્ચ સમયે તમારે સમજદારી દાખવવાની હતી તે તમે કરી શક્યા નહીં. તમારા પ્રભાવમાં મેં પણ એની સાથે અણછાજતું વર્તન કર્યું. આટલા લોકો સામે એનું અપમાન થયું. તો ય કશિશે મને મનાવવાની કોશિશ કરી હતી, પણ મેં એને ઘર છોડવા મજબૂર કરી. હવે કયા મોઢે હું એની પાસે જાઉં? એને ય આત્મ સમ્માન હોય કે નહીં?’ અતુલભાઈ કશું કહે તે પહેલાં કૌશલ ઊભો થઈ અને ચાલવા લાગ્યો. ઘરના મેઇનડોર પર પહોંચીને ક્ષણ માટે અટક્યો,
‘આજથી હું મારા ઘરે રહીશ.’ અતુલભાઈ કશું બોલી શક્યા નહીં. આજે પહેલીવાર એમને અહેસાસ થયો કે ધંધામાં ગણતરી સાથેના સંબંધ રાખી શકાય, પણ કૌટંુબિક સંબંધોમાં ગણતરી કરવાથી સંબંધ સચવાતો નથી, પણ તૂટી જાય છે. એમને કૌશલને રોકવાનું મન થયું, પણ એમણે એ ભૂલ ન કરી. હવે જાય છે તો જવા દેવો. હવે કૌશલને કોઈ નિર્ણય કરવા માટે મજબૂર કરવા કરતાં એ જાતે પોતાનો નિર્ણય કરે તે જ યોગ્ય રહેશે. અતુલભાઈએ આજે વેપારીના બદલે પિતાને છાજે તેવો અભિગમ અપનાવ્યો.
* * *
અદાલતમાં આરંભાતી શૂન્યમાંથી શાશ્વત થવાની સફર! નિયમિત વાંચવા માટે અભિયાન સબસ્ક્રાઇબ કરો