તમારા માટે, તમારી સાથે, સતત…

કોરોના સાથે જીવવાની કળા શીખવામાં જ બુદ્ધિમાની છે

નેપાળ ખાલી કહેવા પૂરતંુ હિન્દુ રાષ્ટ્ર રહ્યું છે

0 285
  • રાજકાજ – ચાણક્ય

લૉકડાઉનનાં નિયંત્રણોને હળવા કરવામાં આવ્યાં એ સાથે એક મહત્ત્વની વાત એ પણ કરવામાં આવી હતી કે કોરોના વાઇરસના સંક્રમણ સામેનો આ જંગ લાંબો ચાલવાનો છે અને એટલે કોરોના સાથે જીવતાં શીખવું પડશે. કોરોના સંક્રમણથી બચવાના ઉપાયો કરતા રહીને જીવનને પ્રવૃત્તિમય, ગતિશીલ બનાવવું પડશે. કોરોનાના ભયથી લાંબો સમય ઘરમાં પુરાઈને રહી શકાય નહીં. કોવિડ-૧૯ની રસીને શોધવામાં અને તેના વ્યાવસાયિક ઉત્પાદનમાં સમય લાગે તેમ છે. એ સ્થિતિમાં તેની રાહ જોઈને તમામ આર્થિક પ્રવૃત્તિઓ સ્થગિત રાખી શકાય નહીં. લૉકડાઉનનો સમયગાળો એક પ્રકારે કોરોના વાઇરસના સામુદાયિક સંક્રમણને અટકાવવાની સાથોસાથ કોવિડ-૧૯ની અસરકારક દવાના અભાવે તેનાથી બચવાના ઉપાયો શીખવા અને અપનાવવાની તાલીમ અને સમજનો પણ સમય હતો. આજે હવે સમાજના તમામ વર્ગોમાં કોરોના વાઇરસના સંક્રમણ અને તેનાથી બચવા માટેની ઘણી સમજ આવી ગઈ છે. લૉકડાઉન હળવું થયા પછી જનજીવન સામાન્ય બનવા લાગ્યું છે ત્યારે મહદ્અંશે લોકો માસ્ક પહેરવાની અને સેનિટાઇઝ થવાની, હાથ ધોવાની કાળજી રાખતાં થયા છે. ફિઝિકલ ડિસ્ટન્સ જાળવવાની બાબતમાં થોડી બેદરકારી જોવા મળે છે તો બીજી બાજુ ઑફિસ અને વ્યવસાયનાં કામકાજ નિપટાવવામાં બહુ અંતર ન જળવાય તો કોરોનાના ભયથી છળી મરવાની જરૃર નથી – એવો ભાવ પણ છે. કોરોનાથી બચવાની સાથોસાથ આર્થિક-વ્યાવસાયિક

પ્રવૃત્તિની મહત્તા પણ સમજાઈ છે. લૉકડાઉનના સમયગાળામાં આર્થિક પ્રવૃત્તિ વિના પણ જીવનનિર્વાહ ચલાવવાની મર્યાદા અને લોકોની સહનશીલતાની પરાકાષ્ટા આવી ગઈ હતી. એટલે જનજીવનને ગતિશીલ બનાવવાની અનિવાર્યતા સાથે સરકારે આયોજનપૂર્વક અનલૉક-૧ના નામ સાથે આઠ જૂનથી નિયંત્રણો હળવા કર્યાં તેને એક સપ્તાહથી વધુ દિવસો થયા છે, ત્યારે કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો થઈ રહ્યો હોવાના મુદ્દે ઊહાપોહની સ્થિતિ સર્જવામાં આવી રહી છે, એ યોગ્ય નથી. ઘણે બધે અંશે એ અપેક્ષિત હતું જ. એમ તો લૉકડાઉન દરમિયાન પણ સંક્રમણના કેસોમાં વધારો થતો જ હતો. મહત્ત્વની વાત એ છે કે લોકો જાતે જ ઘણા બધા ઉપાયો કરતા થયા છે અને કોરોના સંક્રમણના પોઝિટિવ રિપોર્ટ આવ્યા પછી ડૉક્ટરી સલાહને અનુસરવાની સમજ પણ વિકસી છે. જાતે ઘરમાં ક્વોરન્ટાઇન થઈને સંક્રમણને દૂર કરવાના ઉપાયો પ્રયોજી રહ્યા છે, તેને કારણે સંક્રમણના કેસો વધવાની સાથે તેમાંથી સાજા થનારા લોકોનું પ્રમાણ પણ વધવા લાગ્યું છે. એ ઘટના કોરોના સામેના જંગની સફળતાની દિશા દર્શાવે છે. નોકરી અને વ્યવસાયની પ્રવૃત્તિ દરમિયાન અસંખ્ય લોકોના અને ચીજવસ્તુઓના સંપર્કમાં આવવાનું બનતું જ રહેવાનું છે. એ સ્થિતિમાં માસ્ક અને સેનેટાઇઝરના ઉપયોગ ઉપરાંત ઇમ્યુનિટી વધારવાના ઉપાયો તેમ જ ગરમ પાણી પીવું, મીઠાના પાણીના કોગળા, હળદરવાળું ગરમ દૂધ પીવું, ઉકાળો પીવો, નાસ લેવો વગેરે પ્રકારના ઘરગથ્થુ ઉપાયોથી સંક્રમણના લક્ષણ વિના પણ સંક્રમિત થયા હોવાની સ્થિતિમાં પણ તેમાંથી સાજા થઈ જવાય છે અને સંક્રમણને બિનઅસરકારક બનાવી શકાય છે. આ બધાની સાથે થોડો વ્યાયામ, યોગ કે પ્રાણાયામ પણ ઉપયોગી છે.

લોકો આમાંનું ઘણુ બધું અનુકૂળતા મુજબ કરતા થયા છે. પરિવારના લોકો તેને માટે આગ્રહ રાખતા થયા છે. સમાજમાં વ્યાપક રીતે વિકસી રહેલી આ પોઝિટિવિટી, આ વિધેયાત્મકતા, આ સમજ આવકાર્ય છે અને તેનાથી અલિપ્ત લોકો પણ તેને અપનાવતા થાય એ જરૃરી છે. કોવિડ-૧૯ માટેની દવાના અભાવે આવા ઉપાયોથી જ બચવાનું હોય તો આ બધાને જીવનશૈલીનું અનિવાર્ય અંગ બનાવીને ચાલવું પડશે. તબીબી આલમ કહે છે કે દવા શોધાય તે પછી તેને બજારમાં આવતા છ-આઠ માસનો સમય લાગી શકે છે. આટલા લાંબા સમય દરમિયાન તો વ્યાવસાયિક પ્રવૃત્તિ કરનારા લોકોમાંના મોટા ભાગના ક્યારેક કોઈક તબક્કે પ્રચ્છન્ન રીતે પણ કોરોના સંક્રમિત બનવાના જ છે. રિપોર્ટ દ્વારા તેનું સત્યાપન થાય કે ના થાય, પરંતુ ઘરમાં સતત રોજિંદી સાવચેતીની આદત પાડી હશે તો સંક્રમણ આવીને જતું પણ રહેશે.

Related Posts
1 of 37

કોરોના સંક્રમણના કેસો વધી રહ્યા છે એવો ઊહાપોહ કરીને લોકોને વધુ પડતા ભયભીત કરવાથી દૂર રહેવા જેવું છે. લોકો પણ આવા ઊહાપોહથી ત્રસ્ત છે. કેટલાક લોકો ટીવીની સમાચાર ચેનલો પર ફોન કરીને રોષ ઠાલવે છે કે આખો દિવસ કોરોનાના સમાચારો શા માટે આપો છો? સંક્રમિતોની સંખ્યા વધે એમાં હવે સનસનાટીનું તત્ત્વ રહ્યું નથી. આ વાત લોકો સમજે છે, પણ મીડિયા ધરાર સમજવા ઇચ્છતું નથી. એટલે તેનો કોઈ ઉપાય પણ નથી. કોરોના સંક્રમણની સંભાવના સાથે જીવવાની કળા શીખવાની-શીખવવાની દિશામાં આગળ વધવું એમાં જ બુદ્ધિમત્તા છે.
————————.

નેપાળ સાથેના વિવાદને હળવાશથી લેવા જેવો નથી
ભારત અને નેપાળ વચ્ચેનો સરહદી વિવાદ ગંભીર રૃપ ધારણ કરી રહ્યો છે. ભારત સરકારને હજુ એવું લાગે છે કે બંને દેશોના સદીઓ જૂના પરંપરાગત સંબંધોને જોતાં વાતચીત દ્વારા સમસ્યાનું સમાધાન થઈ જશે. વાસ્તવમાં આવા સમાધાનની શક્યતા ઓસરતી જાય છે. નેપાળ સરકાર સરહદી વિવાદમાં જે માર્ગે આગળ વધી રહી છે એ ભારત સાથે સંઘર્ષનો માર્ગ છે, મંત્રણા દ્વારા ઉકેલના વિકલ્પને ખતમ કરવાના રસ્તે નેપાળ ચાલી રહ્યું છે. જે વિસ્તારોને ભારત પોતાના ગણાવે છે એ વિસ્તારોને પોતાના નકશામાં સમાવિષ્ટ કરીને નેપાળ એ નકશાને તેની સંસદમાં સ્વીકૃત કરાવી રહી છે. સંસદના એક ગૃહમાં આ નવો નકશો સ્વીકૃત થઈ ચૂક્યો છે અને નેપાળ સંસદના ઉપલા ગૃહમાં પણ તેને સ્વીકૃતિ મળી જવાની છે કેમ કે આ બાબતમાં નેપાળમાં રાજકીય સર્વસંમતિ પ્રવર્તતી હોય તેમ લાગે છે. ભારત પાસે પોતાના દાવાના સમર્થનમાં જૂના દસ્તાવેજી નકશા હોય તો પણ નેપાળની સંસદ નવા નકશા સાથે એ વિસ્તારો પર દાવો કરે ત્યારે નેપાળી સંસદને અવગણવાનું સાહસ ભવિષ્યમાં પણ ત્યાંની કોઈ સરકાર કરી શકશે કે કેમ એ સવાલ છે. નેપાળ ચીનના ઇશારે ભારત સાથે વિવાદમાં ઊતરી રહ્યું છે એવું કહેવામાં આવે છે અને એ સત્ય પણ છે. તો સાથોસાથ એ પણ સ્વીકારવું પડશે કે નેપાળ આજે એટલી હદે ચીનના પ્રભાવ અને પ્રભુત્વ હેઠળ છે કે તે ચીનના દબાણને અવગણી શકશે નહીં.

નેપાળ સાથેના સાંસ્કૃતિક અને સામાજિક સંબંધોના ઇમોશનલ દાવાઓ અને વાતોનું મુત્સદ્દીગીરીમાં કોઈ મહત્ત્વ નથી. નેપાળ સાથે ભારત અગાઉ આવી દલીલો અને દાવા કરતું એ સમય અલગ હતો. નેપાળમાં સામ્યવાદી વર્ચસ્વ ધરાવતી સરકારના શાસન પછી નેપાળ ખાલી કહેવા પૂરતંુ હિન્દુ રાષ્ટ્ર રહ્યું છે. નેપાળની પ્રજા સાથે ભારતીય સમાજને રોટી-બેટીના વ્યવહાર હોય તો પણ સરકારી સ્તરે તેનું મૂલ્ય રહેતું નથી. નેપાળની વર્તમાન સરકારનાં વલણ અને વ્યવહારના સંદર્ભમાં તાજેતરમાં જેએનયુના એક પ્રોફેસર એસ.ડી. મુનિએ કહેલી વાત વધુ યથાર્થ લાગે છે. તેમણે કહ્યું છે કે ‘આ વડાપ્રધાન ઓલીનું નવું નેપાળ છે. ૬૫ ટકા વસતી યુવા છે. તેને જૂના સંબંધોની પરવા નથી. આપણે સમજદારી દર્શાવવી પડશે.’ ભારત-નેપાળના સંબંધો અંગે અન્ય નિષ્ણાતો પણ એવું માને છે કે નેપાળના આંતરિક રાજકારણમાં ઊથલપાથલ, ચીનની મદદ અને ભારત સાથે અટવાયેલી આકાંક્ષાઓએ બંને દેશો વચ્ચે નવા વિવાદને જન્મ આપ્યો છે. આ વિવાદને સહેલાઈથી નિવારી શકાશે નહીં. ભારત પોતાની પાસેના જૂના દસ્તાવેજી નકશાઓના આધારે દાવો કરતું રહેશે જ્યારે નેપાળે અત્યાર સુધી ક્યારેય નહોતું કર્યું એવું વર્તન હવે એ ભારત સાથેની ખુલ્લી સરહદ પર કરવા લાગ્યું છે. નેપાળના સૈનિકોએ ભારતીય નાગરિકો પર ગોળીબાર કર્યાની ઘટના ચોંકાવનારી છે. ભારતે તેને હળવાશથી લીધી છે. આવું વલણ ભારતને ભારે પડી શકે છે. એક અહેવાલ એવા છે કે લખીમપુર ખીરી સરહદ પરના પાંચ સ્તંભો ગાયબ થઈ ગયા છે. એસ.એસ.બી.એ તેની સામે વિરોધ નોંધાવીને આ ઘટનાક્રમની માહિતી લખીમપુર ખીરીના ડીએમ અને ગૃહમંત્રાલયને આપી દીધી છે.

આ બધી હિલચાલ સાંકેતિક છે અને ભારત તેની કેવી પ્રતિક્રિયા આપે છે તેનો કદાચ નેપાળને ઇંતેજાર હશે. ભારત હજુ નેપાળ પ્રત્યે નરમ છે. નેપાળ સાથેના ભારતના સંબંધો અન્ય દેશ સાથે હોય એવા નથી. તેનાથી કંઈક વિશેષ પ્રકારના છે, અસાધારણ છે. એટલે જ આપણે નેપાળ સરહદને ખુલ્લી રાખી છે, પરંતુ બદલાયેલા સંજોગો અને સમયના તકાજાને ભારતે સમજવો પડશે. નેપાળમાં સામ્યવાદીઓ સત્તા પર આવ્યા પછી જે પરિવર્તનની પ્રક્રિયા શરૃ થઈ તેનો અંજામ એ આવ્યો કે આજે નેપાળ ચીનના ખોળે જઈ બેઠું છે. નેપાળની આંતરિક બાબતોમાં દખલ નહીં કરવાની નીતિને ખોટી રીતે વળગી રહીને ભારતે ધરાર નેપાળને ચીન તરફ ધકેલી દીધું એ ભૂલ ભારતની છે. નેપાળની આજની સ્થિતિ રાતોરાત સર્જાઈ નથી. નેપાળની આંતરિક બાબતમાં ભારત કાયદેસર મદદ કરી શકે એવી સ્થિતિમાં હતું, પરંતુ ભારત મૂકપ્રેક્ષક બની રહ્યું છે. અન્યથા સ્વયં નેપાળના શાસકો એક તબક્કે ભારતની મદદની અપેક્ષા રાખતા હતા. આજે નેપાળની સંસદમાં ભારત સામે બેફામ આક્ષેપબાજી થાય છે. ભારતની સરહદે સૈન્ય ગોઠવવાની ચીમકી ઉચ્ચારવા સુધી નેપાળ હિંમત કરે છે ત્યારે સાંસ્કૃતિક સંબંધોની દુહાઈ દેવાથી ચાલવાનું નથી. નેપાળ પ્રત્યે ભારતે મુત્સદ્દીગીરીની રીતે વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૃર છે. ભારત માટે નેપાળ અતિ મહત્ત્વનું પાડોશી રાષ્ટ્ર છે. નેપાળમાં સરકારી સ્તરે ભારત પ્રત્યે ઉછરી રહેલી નફરતનો ઉપાય શોધવો જ રહ્યો.
————————-

Leave A Reply

Your email address will not be published.

Translate »