તમારા માટે, તમારી સાથે, સતત…

આયનાએ પોતાના હાથ છોડાવવાનો નાટકીય પ્રયાસ કર્યો…

'આપણે આપણા પ્લાન મુજબ જ ચાલવું પડશે.

0 332

નીલમ દોશી   હરીશ થાનકી

‘એક અધૂરી વાર્તા ’નવલકથા – પ્રકરણ-૨૮

વહી ગયેલી વાર્તા

કુલદીપ દેશના જાણીતા વિજ્ઞાની છે. તેમની સેક્રેટરી આયના કુલદીપને ચાહે છે પણ પોતાનો પ્રેમ વ્યક્ત નથી કરી શકતી. આયનાને ડો. કુલદીપના માધ્યમથી દેશમાં થનારા આતંકવાદી હુમલાની માહિતી મળે છે. તે કોઇપણ ભોગે આ હુમલો અટકાવવાનું નક્કી કરે છે. આ માટે તે તેના કોલેજકાળના મિત્ર રણવીરની મદદ લે છે. ઝાયેદ નામનો શખ્સ મુંબઈ પહોંચે છે. ઝાયેદ મોના નામની યુવતીને મળે છે. મોના રાજેન વકીલ નામની વ્યક્તિને પ્રેમ કરે છે. રાજેન ગુપ્ત રીતે આતંકવાદીઓની માહિતી એકઠી કરી સરકારને આપવાનું કામ કરતો હોય છે. મોના રાજેનને તેના આ કામમાં સાથ આપે છે. ઝાયેદ બોમ્બ વિસ્ફોટ માટે મોનાનો ઉપયોગ કરવાનું નક્કી કરે છે. આ તરફ કુલદીપ તેની સેક્રેટરી  આયનાને ઇવાના સર્જન અને વિસર્જનની વાત કરે છે. આ વાતની જાણ થતાં આયના કુલદીપને આતંકવાદીઓના ષડયંત્રને રોકવા માટે પ્રયત્ન કરવાનું કહે છે અને મોનાની મદદ લે છે. મોના કુલદીપ અને આયનાની ઓળખાણ રાજેન સાથે કરાવે છે. રાજેન જે ગ્રૂપ સાથે સંકળાયેલો હોય છે તેના વડા કામ્બલી રાજેનને અમદાવાદમાં આતંકવાદીઓ બોમ્બ વિસ્ફોટ કરવાનું કાવતરું ઘડી રહ્યા હોવાની વાત કરે છે. ઝાયેદ મોનાને અમદાવાદના જુદા જુદા ઠેકાણા બતાવે છે. જોકે, તે મોનાને તેનો પ્લાન નથી જણાવતો. મોના આ બધી વાત રાજેનને કરે છે. રાજેનને મોનાની ચિંતા સતાવવા લાગે છે. રાજેન મોનાની સુરક્ષા માટે વિક્રમસિંહ નામના વ્યક્તિને નિયુક્ત કરે છે. બીજી તરફ આયનાને ખ્યાલ આવે છે કે ડો. કુલદીપને આતંકવાદી હુમલા કે અન્ય કોઇ ઘટનાઓમાં રસ નથી તેથી તે તેના મિત્ર રણવીરસિંહની મદદ લેવાનું નક્કી કરે છે. રણવીર અને આયના કોલેજમાં સાથે હોય છે. રણવીર આયનાને પ્રેમ કરતો હોય છે પણ આયના સમક્ષ તેનો એકરાર નથી કરી શકતો. મોના રાજન સાથે વાત કરવા અડધી રાત્રે હોટેલના કાઉન્ટર પરથી ફોન કરે છે. ઝાયેદ મોનાની જાસૂસી કરવા તેની પાછળ જાય છે પણ મોનાને એ વાતની ખબર પડી જતાંં તે સતર્ક થઇ જાય છે. રાજેન અને મેજર કામ્બલી અમદાવાદ આવવા નીકળે છે. ઝાયેદે બોમ્બ બ્લાસ્ટ કરવાના ષડયંત્ર માટે જુદાં જુદાં પ્લાન ઘડી રાખ્યા છે અને જો તેમાં ચૂક થાય તો મોનાને મોતને ઘાટ ઉતારવાની પણ તૈયારી કરે છે. બીજી બાજુ રણવીર અને આયના પણ અમદાવાદ પહોંચે છે. રરાજેન અને મેજર કામ્બલી આતંકવાદીઓના હુમલાને નિષ્ફળ બનાવવા અને તેમને રંગેહાથ પકડવા અમદાવાદ પહોંચે છે. રાજેનને મોનાની ચિંતા થઇ આવે છે. બીજી બાજુ આયના અને રણવીર પણ અમદાવાદ પહોંચે છે અને આતંકવાદીઓના ષડયંત્રને નિષ્ફળ કરવાના કામમાં લાગે છે. રણવીર, આયના, મેજર કામ્બલી અને રાજેન હોટેલના રુમમાં એકબીજાને મળે છે. રાજેન અને રણવીર વચ્ચે મોનાની સુરક્ષાને લઇને વાત થાય છે. રણવીર રાજેનને ખાતરી આપે છે કે સરકાર અને સમગ્ર ઓપરેશન સાથે જોડાયેલી દરેક વ્યક્તિ મોનાની સુરક્ષાને લઇને કટિબદ્ધ છે. રણવીરની વાત સાંભળીને રાજેનના જીવમાં જીવ આવે છે. ઝાયેદને અફઝલ ખાનનો ફોન આવે છે. જેમાં ષડયંત્રની જાણ સરકારને થઇ ગઇ હોવાની વાત તે ઝાયેદને કરે છે. પ્લાન લીક કરવા માટે મોના પર શંકા કરવામાં આવે છે. તેથી બોમ્બ બ્લાસ્ટ થતાંની સાથે જ મોનાને પણ ખતમ કરવાની સૂચન અફઝલ ખાન ઝાયેદને આપે છે. અફ્ઝલ ખાને મોનાને લઇને વ્યક્ત કરેલી શંકાની ખાતરી કરવા ઝાયેદ મોનાની પરીક્ષા લેવાનું નક્કી કરે છે. તે મોનાને પ્લાનમાં ફેરફાર થયો હોવાનું કહે છે. બીજા દિવસે પ્લાનને અમલમાં મૂકવાની વાત મોનાને કરે છે. મોના આ વાત રાજેન સુધી પહોંચાડે છે. રણવીર મોનાની જાન કેવી રીતે બચાવી અને ઝાયેદને કેવી રીતે હાથતાળી આપી તેની સમગ્ર વાત રાજેનને કરે છે. હોટેલમાં આગ લગાવવી અને એ સમય દરમિયાન મોના અને ઝાયેદ રુમમાંથી બહાર નીકળે એટલે સુટકેસ બદલી નાખવાનું કામ રણવીર કરે છે અને આ રીતે મોનાના જીવને જોખમ ન રહે તેની તકેદારી રાખીને સમગ્ર પ્લાનિંગ કરે છે. બીજી બાજુ ગોંડલમાં રઝાક નામનો ટ્રક ડ્રાઇવર બોમ્બ લઇને અમદાવાદ આવવા નીકળે છે. રઝાકે અમદાવાદના સરખેજ ખાતે સહીસલામત રીતે બોમ્બનો સામાન નિયત સ્થળે પહોંચાડી દીધો. ઝાયેદને તેનો ફોન પણ આવી ગયો. ઝાયેદ મોનાને બીજા દિવસે પ્લાનિંગના અમલની વાત કરી. મોના આ વાત રાજેનને કેવી રીતે પહોંચાડવી એ અવઢવમાં આખી રાત પડખા ફેરવતી રહી કારણકે તેનો ફોન ઝાયેદે લઇ લીધો હતો. માથુરને બોમ્બ બ્લાસ્ટની બાતમી મળી જાય છે. તે આ બ્લાસ્ટ નિષ્ફળ બનાવવા અને ઝાયેદને પુરાવા સાથે ઝડપવા આખી રાત વ્યૂહરચનામાં વિતાવે છે. બીજા દિવસે રણવીર અને આયના તેમને સોંપવામાં આવેલા કામ પર નીકળવાની તૈયારી કરે છે એ જ સમયે બે અજાણ્યા નકાબપોશ ઇસમો આયનાને બંધક બનાવી પોતાની સાથે લઇ જાય છે અને રણવીરને પોતાના રુમમાંથી બહાર ન નીકળવા કે અન્ય કોઇને કોઇ પણ પ્રકારની જાણ નહીં કરવાની ધમકી આપતા જાય છે.

હવે આગળ વાંચો…

બોલતા બોલતા એણે પોતાના સાથીને ઇશારો કર્યો એટલે તેણે પોતાની સાથે લાવેલ એક દોરડા વડે રણવીરના હાથ-પગ અને મોં બાંધી દીધા અને બીજી જ મિનિટે એ લોકો આયનાને લઈ રફુચક્કર થઈ ગયા, પણ….જતી વખતે એક મોટી ભૂલ પણ કરતા ગયા. રણવીરનો મોબાઇલ જે એમણે લઈ લીધેલો એ તેને બાંધતી વખતે ભૂલથી ખીસ્સામાં મૂકવાને બદલે ત્યાં ટેબલ પર મૂકી દીધો હતો જે જતી વખતે લેવાનું ભૂલી ગયા હતા અને એ ભૂલી જાય માટે આયનાએ પોતાના હાથ છોડાવવાનો નાટકીય પ્રયાસ કરીને એમનું ધ્યાન પોતાના તરફ દોરી રાખ્યું હતું. એમાં એને…

‘હજુ આનું જોર જતું નથી.’

કહેતા એમના હાથનો એક લાફો પણ ખાવો પડ્યો હતો અને ગુસ્સાના આવેશમાં જલ્દી જલદી આયનાને ખેંચીને ઊપડી ગયા હતા. રણવીર એ બધું ન સમજે એવો નાદાન ન હતો. એને આયનાની કુશળતા પર માન થયું. આખરે આયના એક વૈજ્ઞાનિક હતી. ડૉ.કુલદીપ જેવા મહાન વૈજ્ઞાનિક સાથે વરસોથી કામ કરતી હતી. ટેબલ પર પડેલો પોતાનો મોબાઇલ જોઈ રણવીરે થોડી રાહત અનુભવી.

સાલાએ દોરડું પણ મુશ્કેટાટ બાંધ્યું છે..બબડતાં બબડતાં તેણે પોતાના હાથ-પગ છોડાવવા મહેનત આદરી. આખરે તેના ફોલાદી બાવડાએ સાથ આપ્યો. અને લગભગ અડધો કલાક બાદ માંડ તેણે પોતાની જાતને છોડાવી. પહેલું કામ તેણે માથુરને ફોન કરવાનું કર્યું.

‘એનો અર્થ એ થયો કે એ લોકોને ખબર પડી ગઈ છે કે આપણે એમની પાછળ જ છીએ. હવે આપણે વધુ સજાગ બનવું પડશે રણવીર.’

‘ યેસ સર..રાઇટ.. હવે શું કરીશું..?’

‘આપણે આપણા પ્લાન મુજબ જ ચાલવું પડશે. આયનાને લઈને એ લોકો કઈ તરફ ગયા છે એ હું થોડીવારમાં જ જાણી લઈશ. ડોન્ટ વરી..’

‘ઓકે સર..’

રણવીરે ફોન કાપી હાથની મુઠ્ઠી ભીંસી દીધી. એ લોકો તેની નજર સામે જ આયનાને ઉપાડી ગયા અને પોતે કશું ન કરી શક્યો એ વાતની પીડા એને ખાઈ જઈ રહી હતી. પહેલે ગ્રાસે જ મક્ષિકા એવો ઘાટ આ પળે તો રચાયો હતો, પણ આવા કામમાં હિંમત હાર્યે ક્યાં ચાલવાનું હતું? વળી, હજુ આગળ ઉપર બીજા કેટકેટલાં વિઘ્નો આવશે એની પણ ક્યાં જાણ હતી? અત્યારે તો એક એક પળ કીમતી હતી અને હવે સંજોગો થોડા બદલાયા હતા. મોનાની સાથે સાથે હવે આયનાની સલામતીની જવાબદારી પણ ઉમેરાઈ હતી. બેમાંથી કોઈની સલામતી જોખમાય નહીં, એ રીતે કામ પાર પાડવાનું હતું. એ લોકોએ સવાર સુધીની મુદત આપી હતી અર્થાત કામ આજે રાત સુધીમાં પૂરું થઈ જવાનું હતું. એ મનમાં એક પછી એક અંકોડા મેળવતો રહ્યો. હવે આગળ શું કામ કરવાનું હતું, કેવી રીતે ક્યાં જવાનું હતું એની ખાસ્સી ચર્ચા માથુર, કામ્બલી સાથે થઈ હતી. એના ફાળે આવેલા કામની એને પૂરી જાણ હતી જ.

રણવીરે ઘડિયાળમાં જોયું. કદાચ થોડી વાર એ લોકોએ અહીં ધ્યાન રાખ્યું હોય કે પોતે બહાર તો નથી નીકળતો ને? એથી થોડી રાહ જોવી જરૃરી હતી. અને આ ડ્રેસમાં બહાર નીકળવું તો હવે શક્ય જ નહોતું. વેશપલટો કરવામાં એ માહેર હતો એથી એવી કોઈ ચિંતા નહોતી. આ પ્રકારનું કામ કંઈ એ પહેલી વાર થોડો કરવાનો હતો?

એણે પોતાની બેગ ખોલી અને થોડી વારમાં રણવીર એક સરદાર બનીને અરીસામાં પોતાનો નવો ચહેરો જોઈ રહ્યો. એ પોતે જ પોતાને ઓળખી શકાય એવો નહોતો રહ્યો. ચહેરા પર નકલી દાઢી, મૂંછ, પાઘડી અને મોટા ગોગલ્સ ચડાવી એ બહાર નીકળ્યો. હવે તેને કોઈ જોઈ જાય તો પણ ઓળખી શકે તેમ નહોતું. હોટેલમાંથી બહાર નીકળી જમણી તરફ મોના અને ઝાયેદ જે હોટેલમાં ઉતર્યા હતા તેની બરાબર સામે ઉભેલી કાર પાસે પહોંચ્યો. કારના કાચ અંદરથી બંધ હતા. તેણે કાચને બહારથી ચાર વખત નોક કર્યા. પાછળનો દરવાજો ખૂલ્યો. એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર એ તેમાં બેસી ગયો.

‘અમર..હજુ કોઈ બહાર તો નીકળ્યું નથીને?’ બાજુમાં બેઠેલ યુવાન સામે નજર કર્યા વગર તે બારીના બ્લેક પટ્ટી ચઢાવેલા કાચમાંથી હોટેલના દરવાજા પર નજર ખોડી રાખતા પૂછ્યું.

‘ના સર..અને હું તો તમને જોઈને ઓળખી જ ન શક્યો. સારું થયું તમે પહેલેથી ફોનમાં બધું કહી દીધું હતું. નહીંતર, આપણા સંકેત મુજબ ચાર વખત નોક કર્યા બાદ પણ હું ક્દાચ દરવાજો ખોલત નહીં.’

સ્મિત ફરકાવી રણવીર તેની બાજુની સીટમાં ગોઠવાઈ ગયો. કાર હોટેલથી થોડી દૂર ઊભી હતી, પણ હોટેલમાંથી બહાર નીકળતી દરેક વ્યક્તિને સ્પષ્ટ રીતે જોઈ શકાતી હતી.

થોડીવાર એણે મોના અને ઝાયેદને હોટેલના મેઇન ગેટમાંથી બહાર નીકળી નજીક ઊભેલી એક કાર તરફ જતાં જોયા. બંનેના હાથ અત્યારે ખાલી હતા. એનો અર્થ એ થયો કે બોમ્બ રાખેલ સૂટકેશ પહેલેથી જ ગાડીમાં હોવી જોઈએ. અથવા તો બીજી કોઇ ગોઠવણ કરેલી હોય. એની નજર કારની ડ્રાઈવિંગ સીટ પર બેઠેલી વ્યક્તિ પર પડી. એ નક્કી અફઝલ ખાન હોવો જોઈએ, પણ આયના..આયના કયાં?

‘ અફઝલ ખાન? બિઝનેસમેનના સ્વાંગમાં આતંકવાદી પ્રવૃત્તિને ટેકો આપતો એક ગદ્દાર..?

રણવીર એનું નામ મનમાં ઘૃણાથી બબડ્યો. હવે રણવીર અને અમર બંને સાવધ થઈ ગયા. નાની સરખી ભૂલ અને પરિણામ? રણવીર ધ્યાનથી કારની અંદર જોઈ રહ્યો. પાછળની સીટ પર કોઈ પહેલેથી બેઠું હતું. એ કોણ હતું તે સ્પષ્ટ દેખાતું નહોતું. એના મનમાં વીજળીનો ઝબકાર થયો. યેસ..એ નક્કી આયના જ હોવી જોઈએ.

Related Posts
1 of 34

મોના અને ઝાયેદ ગાડી પાસે આવ્યા. ઝાયેદે કારનો પાછળની સીટનો દરવાજો ખોલ્યો. એ સાથે સીટ પર બેઠેલી એક યુવતીને જોઈ મોના આશ્ચર્યમાં પડી ગઈ. એ આયના હતી. તેના મોઢા પર રૃમાલ બાંધેલો હતો જેથી એ બોલી કે ચીસ પાડી ના શકે. હાથ પણ દોરી વડે બાંધી રાખેલા હતા. તેની પાછળ તેના માથા પર બંદૂક રાખી એક યુવક બેઠો હતો. મોનાએ જાતને સંભાળી સાવ અજાણી બની ઝાયેદને પૂછ્યું..

‘આ છોકરી કોણ છે?’

‘એ આપણું ક્રેડિટ કાર્ડ છે. ડાર્લિંગ..જે ગમે ત્યારે કામ લાગી શકે એમ છે.’

કહેતા ઝાયેદ હસી પડ્યો. મોનાને પાછળ બેસાડી દરવાજો બંધ કર્યો. પછી એ અફઝલ ખાનની બાજુની સીટનો દરવાજો ખોલી બેસી ગયો.

‘પાર્સલ ચેક કરી લીધેલા છે ને?’ એણે અફઝલ ખાનને પૂછ્યું.

‘યસ, બધું જ બરાબર છે..’

અફઝલ ખાને ગાડી સ્ટાર્ટ કરી અને કાલુપુર રેલવે સ્ટેશન તરફ ભગાડી.

એ સાથે જ રણવીરે ડ્રાઇવિંગ સીટ પર બેઠેલા જયરાજને ઝડપથી ગાડી સ્ટાર્ટ કરવાની સૂચના આપી. એના આ બંને સાથીદારો.. જયરાજ અને અમર, બંને ઍન્ટિ ટેરેરિસ્ટ સ્ક્વૉડના ચુનંદા જવાનો હતા. જેણે સાથે મળીને આ અગાઉ જીવના જોખમે ઘણા જ મહત્ત્વનાં મિશનો પાર પાડ્યા હતા. માથુરે આ વખતે મહત્ત્વની કામગીરી માટે એ બેને જ પસંદ કર્યા હતા. માથુરને રણવીરનો કોઈ અનુભવ નહોતો. વળી, રણવીર પોતાની સાથે આયનાને લાવ્યો હતો એ પણ માથુરને બહુ ગમ્યું નહોતું. અલબત્ત, રણવીરને તો પ્લાનમાંથી બાકાત રાખવાનો કોઈ સવાલ જ નહોતો, પણ આયનાને પ્લાનમાં સામેલ કરવાની એની કોઈ તૈયારી નહોતી. એણે જ્યારે આયનાને આખા પ્લાનમાંથી બાકાત રાખવાની વાત કરી ત્યારે રણવીરે માથુરને સમજાવ્યું હતું કે આયના કોઈ સામાન્ય સ્ત્રી નથી. એ એક કુશળ વૈજ્ઞાનિક છે. ડૉ.કુલદીપ જેવા ટોચના વૈજ્ઞાનિકનો જમણો હાથ છે. એ અમુક પ્રકારની વિશિષ્ટ તાલીમ પામેલી સ્ત્રી છે. ઉપરાંત એ ખાસ પ્રકારના હથિયાર પણ ચલાવી શકે છે. બની શકે કોઈ પળે એ આપણને મદદરૃપ પણ થાય અને આફ્ટર-ઓલ જ્યારે ડૉ.કુલદીપે આમાંથી ખસી જવાની વાત કરી ત્યારે આયના જ એમાં સંમત નહોતી થઈ. અનેક દલીલોથી રણવીરે આખરે માથુરને કન્વિન્સ કરી લીધા હતા. ઝાયેદની કારનો પીછો થઈ રહ્યો છે એવો ખ્યાલ કોઈને ન આવવો જોઈએ એ ખૂબ જરૃરી હતું. જોકે અત્યારે રસ્તા પર ભરચક ટ્રાફિક હતો. એથી કોઈ પીછો કરે છે એવો ખ્યાલ કોઈને આવી શકે એમ નહોતો. કારના નંબર તો ત્રણેના મગજમાં ફીટ થઈ ચૂક્યા હતા અને જયદીપને કોઈ સૂચના આપવી પડે એમ નહોતી. બહુ ઓછા શબ્દોમાં એ લોકો ઘણી વાત કરી શકતા હતા. આ અગાઉ પણ એકવાર એ ત્રણે સાથે કામ કરી ચૂક્યા હતા.

જોકે અત્યારે ઝાયેદની કારનો પીછો કરી રહેલા રણવીરની કારને એક બીજી ગાડી પણ ફોલો કરી રહી હતી તેનો ખ્યાલ રણવીર કે એમાં બેઠેલા કોઈને નહોતો.

માથુરની આ ખાસિયત હતી. એ પોતાની આખી સ્ટ્રેટેજી કદી પણ બધા સાથીદારો કે તેના હાથ નીચે કામ કરતા બધા જ એજન્ટો સાથે કદી પણ ચર્ચતા નહીં. એ માનતા કે એજન્ટો પાસે જરૃરથી વધુ માહિતી ક્યારેક આખા પ્લાનને જોખમમાં મૂકી શકે છે. એટલે મોટા ભાગના સૂત્રો પોતાના દિમાગમાં જ રાખતા. અત્યારે પણ જેણે જે કામ કરવાનું હતું એટલી જાણ બધાને હતી અને કોઈ એને સોંપાયેલા કામ સિવાય બીજી કોઈ વાત અંગે પૂછપરછ કરી શકતું નહીં. સાવચેતી માટે આ જરૃરી હતું. એથી આખા પ્લાનની જાણ માત્ર માથુરને જ હોય એ સ્વાભાવિક હતું. આગળ શું કરવાનું છે એની સૂચના માથુર તરફથી સમય આવ્યે દરેકને મળતી રહેતી.

અમદાવાદના ભરચક રસ્તાઓ પર જાતજાતની અનેક ગાડીઓની વચ્ચે આ ત્રણે ગાડી પણ એક ચોક્કસ મકસદ સાથે દોડી રહી હતી. સાથે-સાથે કારની અંદર બેસેલી દરેક વ્યક્તિના દિમાગમાં પણ જાતજાતના વિચારો દોડી રહ્યા હતા.

ઝાયેદ અને તેના સાથીઓને પોતે તેનો પીછો કરી રહ્યા છે એનો ખ્યાલ ન આવે એની સાવધાની રાખવામાં રણવીર કે તેના સાથીઓને એ વાતનો ક્યાં અંદાજ હતો કે એમણે જે નંબરની કાર જોઈ હતી એ જ નંબર અને એ જ કલરની બે કાર અત્યારે રસ્તા પર દોડી રહી હતી. એથી થોડી જ વારમાં અફઝલ ખાનની કાર એમની પહોંચની બહાર નીકળી ગઈ હતી અને એ લોકો અફઝલ ખાનની ગાડી જેવી જ અને એ જ નંબરવાળી બીજી ગાડીનો પીછો કરી રહ્યા હતા. જેમાંથી સામાન્ય ગુનેગાર સિવાય બીજું કંઈ એમને મળી શકે એમ નહોતું. એ ગાડી બીજી બંને ગાડીને એમને એમની મંઝિલથી વધારે દૂર લઈ જવામાં સફળ થઈ હતી એનો ખ્યાલ એમને આવે ત્યારે બહુ મોડું થઈ જવાનું હતું. ફરી એકવાર અફઝલ ખાન એમના કરતાં વધારે કુશળ ખેલાડી સાબિત થયો હતો.

થોડી વાર પછી અફઝલ ખાનની અસલી કાર કાલુપુર સ્ટેશન પર પહોંંચી. ત્યારે એનો નંબર ફરીથી બદલાઈ ચૂક્યો હતો. અફઝલ ખાને કાર સ્ટેશનના પાર્કિંગમાં પાર્ક ન કરતા થોડે દૂર ઊભી રાખી.

મોના અને આયના બંનેના દિલની ધડકન વધી ગઈ હતી.

* * *

રણવીરની કાર કોઈ ભળતી જ કારનો પીછો કરી રહી હતી ત્યારે અફઝલ ખાનની કાર એમના લક્ષ્ય પાસે, કાલુપુર સ્ટેશન પર પહોંચી ચૂકી હતી. સમય અને સ્થળની જે માહિતી માથુર સાહેબને મળી હતી તે છેલ્લી મિનિટે બદલાઈ ગઈ હતી એની જાણ કોઈને થવા નહોતી પામી. છેલ્લે સુધી સાચા સ્થળ અને સમયની માહિતી ફક્ત અને ફક્ત અફઝલ ખાનને જ રહેતી. ઝાયેદને પણ લાસ્ટ મૂવમેન્ટ સુધી એ અંગે કોઈ માહિતી ન મળતી. અફઝલ ખાન હંમેશાં આ બાબતે સતર્ક રહેતો જેથી આખા પ્લાનમાં કોઈ ફૂટેલું હોય તો પણ સાવ સાચી અને પૂરી માહિતી તો ન જ મળી શકે અને બધાને ગેરમાર્ગે દોરી શકાય. આ વખતે પણ એ જ સ્ટ્રેટેજી તેણે અપનાવી હતી. બપોરના ત્રણ વાગ્યાને બદલે રાતના આઠ વાગ્યાનો સમય નક્કી કર્યો હતો અને રેલવે સ્ટેશન સિવાયના બાકીના સ્થળ પણ બદલાઈ ચૂક્યા હતા. એની જાણ ઝાયેદ સુધ્ધાંને નહોતી. હવે બીજા સ્થળો તરીકે ઍરપોર્ટ, ગીતામંદિર અને આલ્ફા મૉલ પસંદ કરાયા હતા. પોલીસને, સત્તાવાળાઓને, જાસૂસતંત્ર હવે અટવાયા કરવાના. એમની પાસે અગાઉ કોઈ માહિતી કદાચ પહોંચી હોય તો પણ હવે એનો કોઈ મતલબ નહીં રહે. એ બધા અવળે માર્ગે જ દોરાવાના. ભલે આખા અમદાવાદમાં ફર્યા કરે કે અટકળો કર્યા કરે. કોઈ ચોક્કસ અનુમાન પર એ લોકોને પહોંચતા વાર લાગવાની જ. એ પહેલાં તો બધો ખેલ ખતમ થઈ જવાનો. આવા કોઈ વિચારમાં મગ્ન અફઝલ ખાન મનમાં જ મલકાતો હતો.

ગાડીમાંથી મોના એક કાળા કલરની સૂટકેસ લઈને ઊતરી. તેની પાછળ એક અપ ટુ ડેઇટ દેખાતો યુવક પણ ઊતર્યો. મોનાએ આછા ગુલાબી રંગના મૉડર્ન દેખાતા સલવાર કમીઝ પહેર્યાં હતાં. હાથમાં એવી જ મેચિંગ બંગડી પહેરી હતી. મોના આગળ ચાલતી હતી. બરાબર એની પાછળ, થોડું અંતર રાખીને એ યુવક ચાલતો હતો. મોનાને પાછળ ફરીને જોવાની મનાઈ હતી. એને કહેવાઈ ચૂક્યું હતું કે એ યુવક તેની પાછળ તેની સલામતી માટે રહેશે. અલબત્ત, એનું સાચું કારણ ન સમજે એટલી નાદાન મોના નહોતી જ. એ માણસ એની સલામતી માટે નહીં, પણ એ કશું કરી ન શકે માટે એનું ધ્યાન રાખવા, એની ચોકી કરવા મૂકવામાં આવ્યો હતો. મોનાના ખભા પર મોટું પર્સ લટકતું હતું. જેમાં પાઉડર, લિપસ્ટિક સિવાય બીજું કશું જ નહોતું રખાયું.

મોના ધીમે પગલે સ્ટેશનમાં પ્રવેશી. તેના હાથમાં અલ્હાબાદ જવાની ટિકિટ પણ હતી.

એની નજર પ્લેટફોર્મ પર ફરી વળી. રાત દિવસ જાગતું, દોડતું રહેતું આ સ્ટેશન અત્યારે પણ એવું જ ધમધમતું હતું.

આગળના ભાગે સિવિલ વર્ક માટે સર્વેનું કામ ચાલી રહ્યું હતું. આમ પણ હમણા અહીં નવી આવેલી સરકારને આવા અનેક તુક્કાઓ સૂઝતા રહેતા. એની જાણ સૌને હતી જ. ચારે તરફ હમણા સ્વચ્છ ભારતની ઝુંબેશ ચાલતી હોવાથી અનેક જગ્યાએ સફાઈ કામદારોની સંખ્યા વધારવામાં આવી હતી અને રાત દિવસ કામ ચાલુ રહેતું.

પણ એની જાણ કોઈને નહોતી કે એ સફાઈ કામદારો હકીકતે કોણ હતા? અડધા સાચા કામદારો અને બાકીના ભારતીય ગુપ્તચર વિભાગના જાસૂસો હતા.

જેમના સાવરણા પર અત્યાધુનિક કેમેરા ફીટ કરાયેલા હતા. બધા કામદારો અલગ અલગ જગ્યાએ ગોઠવાયેલા હતા. સ્ટેશન વાળવાની સાથે એ સૌ પોતપોતાની ફરજ બજાવી રહ્યા હતા. ક્યાંય કોઈ કૃત્રિમતા ન લાગવી જોઈએ. ઝાયેદ અને બધાની એક એક નાની હિલચાલનું નિરીક્ષણ અને સાથે સાથે વીડિયો શૂટિંગ ચાલુ હતું. પીએમને   સચોટ પુરાવા આપવાના હતા. ગયા અઠવાડિયે આ સફાઈ કામદારોના સ્વાંગમાં આ જવાંમર્દોએ કોઈને શંકા ન આવે એ રીતે અહીં રીહર્સલ પણ કરી લીધું હતું. માથુર સાહેબે અગમચેતીનાં પગલાં રૃપે ફક્ત બપોરે જ નહીં, પણ આખી રાત વૉચ ગોઠવી હતી.

(ક્રમશઃ)
————–

Leave A Reply

Your email address will not be published.

Translate »