મોના પૈસા કે પ્રસિદ્ધિ માટે શરીરનો ઉપયોગ કરતી…
રાજેન સાથેની પહેલી મુલાકાતમાં જ તે તેના પ્રેમમાં પડી ગઈ હતી.
નીલમ દોશી હરીશ થાનકી
‘એક અધૂરી વાર્તા’ – નવલકથા – પ્રકરણ-૧૫
વહી ગયેલી વાર્તા
ડૉ. કુલદીપ દેશના અગ્રગણ્ય વિજ્ઞાની. તેઓ લેબોરેટરીમાં આબેહૂબ માનવ જેવી ઇવા રૉબોટનું સર્જન કરે છે. એક દિવસ કુલદીપ અને ઇવા વચ્ચે જોબ કરવાના મુદ્દે રકઝક થાય છે અને કુલદીપ અધિકાર ભાવથી ઇવાને જોબ કરવાની ના પાડે છે. ઇવાને લાગે છે કે કુલદીપ તેના પ્રેમમાં છે. ઇવાના મનમાં પણ કુલદીપ માટે પ્રેમના અંકુર ફૂટે છે. કુલદીપને આ વાતની જાણ થતાં તે ઇવાનો પ્રેમ નકારી દે છે. ઇવાને આ વાતનો ગુસ્સો ચઢે છે અને તે અન્ય જગ્યાએ એસ્કોર્ટ ગર્લ તરીકે નોકરી કરવા લાગે છે. ઇવા ડૉ. કુલદીપને કશું કહ્યા વિના જતી રહે છે. ઇવાને શોધવા કુલદીપ કામે લાગે છે. તે જૂની મેમરી ડિલીટ કરી નવી મેમરી ઉમેરવાનો વિચાર કરે છે. સોફ્ટવેરમાં ફેરફાર કરવા મહેનત કરે છે, પણ પ્રયાસ નિષ્ફળ જાય છે. ઇવા ઉશ્કેરાઈને ગેરકાનૂની કામ કરતા આરીફ નામના માણસના સંપર્કમાં આવે છે. આરીફ ઇવાના નામે નકલી દવાનો બિઝનેસ શરૃ કરે છે. એક દિવસ આ નકલી દવાના વ્યાપારનો ભાંડો ફૂટે છે. આરીફ અને ઇવા અમદાવાદ ભેગાં થઈ જાય છે. જોકે, આરીફ અને તેના સાગરીતો ઇવાનું અપહરણ કરી તેની પાસે બોમ્બ વિસ્ફોટ કરાવવાનું કાવતરું ઘડે છે. ડૉ. કુલદીપ ઇવાને શોધવા ડૉ. રંગનાશનની મદદ લે છે. રંગનાથનની મદદથી ઇવાના સોફ્ટવેર દ્વારા તે ઇવાના મનના વિચારો જાણે છે. કુલદીપ મોટી દુર્ઘટના થતી અટકાવવા ઇવાના સિસ્ટમને ડિફ્યુઝ કરી દે છે. ડૉ. કુલદીપ ઘણા દિવસો બાદ ઑફિસ જાય છે. તેની સેક્રેટરી આયના તેને આવકારે છે. મન હળવું કરવા કુલદીપ આયના સાથે ડિનર પર જાય છે. બીજી બાજુ ઝાયેદ નામનો શખ્સ મુંબઈ પહોંચે છે. ઝાયેદ મોના નામની યુવતીને મળે છે. બંને હોટેલ પર જાય છે. ઝાયેદ ફ્રેશ થવા જાય છે. એટલી વારમાં મોના આકાશ મલ્હોત્રા અને રાજન વકીલ નામની વ્યક્તિઓના વિચારોમાં ખોવાઈ જાય છે અને ભૂતકાળને વાગોળવા લાગે છે. અચાનક ઝાયેદને ફોન આવે છે કે તેના અબ્બા જન્નતનશીન થયા છે તેથી ઝાયેદ મોનાને હોટેલ પર છોડી ઘરે જવા નીકળે છે. મોના રાજનને ફોન કરી ઝાયેદ ઘરે જવા નીકળ્યો છે તેવી માહિતી આપે છે. બીજી તરફ કુલદીપ અને આયના ડિનર પર જાય છે જ્યાં આયના કુલદીપનું દિલ જીતવા કાલ્પનિક સ્ટોરી ઊભી કરે છે અને કુલદીપની સહાનુભૂતિ મેળવે છે. કુલદીપ પણ આયના આગળ જાનકીના પ્રેમની વાત રજૂ કરે છે. રાજન અને મોના વચ્ચે ઝાયેદને લઈને વાત થાય છે. – હવે આગળ વાંચો…
‘ઓકે મોના, પણ આ વખતે તેના મુંબઈ રોકાણ વખતે તું બને તેટલી તેની સાથે રહેજે અને જાણવા પ્રયત્ન કરજે કે એ લોકો શું પ્લાન કરી રહ્યા છે. મારી પાસે પાકી માહિતી છે કે તે આ વખતે કોઈ મોટા કામ માટે ઇન્ડિયા આવ્યો છે.’
સૂચના આપતાં આપતાં પોતાના અવાજમાં કઠોરતા, એક રૃક્ષતા ભળી ગઈ છે એવું લાગવાથી રાજેને હવે અવાજનો ટૉન બદલ્યો.
‘અને મોના, પ્લીઝ યુ બી કૅરફુલ. તું તારી જાતને સાચવજે મોના, આ લોકો કેટલા ખતરનાક છે તે વિષે મારે તને કહેવાની જરૃર નથી.’
રાજેનના અવાજમાં પોતાના પ્રત્યેનો સ્નેહ છલકતો અનુભવી મોનાના ચહેરા પર ખુશી છલકી રહી. આખરે તો તે આ બધું રાજેન માટે જ કરતી હતી ને..? રાજેન પ્રત્યેના પ્રેમને કારણે જ પોતે આટલા ખતરનાક કામમાં જોડાઈ હતી. અરે, પોતાની જાત સુદ્ધાં ઝાયેદ જેવા એક આતંકવાદીને ધરી દીધી હતી. રાજેન માટે તે કંઈ પણ કરી શકે એમ હતી અને આમાં તો દેશ માટે પણ કશું કરી શક્યાનો સંતોષ મળવાનો હતો.
રાજેન સાથેની પહેલી મુલાકાતમાં જ તે તેના પ્રેમમાં પડી ગઈ હતી. રાજેન પણ મોનાને ચાહતો હતો, પરંતુ તેના જીવનનું ધ્યેય કંઈક અલગ જ હતું. દેશદાઝથી છલકતા તેના પિતા એક સ્વાતંત્ર્ય સેનાની રહી ચૂક્યા હતા. તેમનો એકનો એક દીકરો રાજેન પણ પિતાની જેમ જ દિલમાં ભારોભાર દેશપ્રેમ, દેશદાઝ ભરીને બેઠો હતો. તેની ઇચ્છા તો આર્મી જોઇન કરવાની હતી, પરંતુ માતાના આગ્રહ અને એના આંસુને કારણે આઇ.ટી. એન્જિનિયરિંગના અભ્યાસ બાદ તે એમ.ડી.આર. કૉલેજ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ ટૅક્નોલોજીમાં પોતે પ્રોફેસર તરીકે જોડાયો હતો.
‘રાજેન, આખરે તને પ્રોબ્લેમ શું છે..આપણે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ તો પછી લગ્ન કરવા માટે ના કહેવા પાછળ તારો હેતુ શો છે તે તું મને સમજાવીશ? રાજેન, તું જાણે છે કે અનાથાશ્રમમાં ઉછરેલી હું આશ્રમમાંથી બહાર આવતાં ધનવાન થવા હું ઝનૂની બની ચૂકી હતી. એ માટે મારા રૃપને હથિયાર બનાવી મૉડેલિંગની કરિયર માટે આકાશ મલ્હોત્રા જેવા માણસનો ટેકો લેતાં પણ નહોતી અચકાઈ.
‘બરાબર એવે સમયે મારા જીવનમાં તારો પ્રવેશ થયો, તારો સાચો સ્નેહ મળ્યો અને જીવનની સાચી સમજણ મળી…પૈસા પાછળની આંધળી દોટ તેં અટકાવી.’
મોનાએ કશું જ છૂપાવ્યા સિવાય પોતાની બધી હકીકત કહી હતી. એ પછી પહેલી વખત રાજેને મોનાને પોતાનો સાચો પરિચય અને પોતાનું ધ્યેય શું હતું એ બધી વાત કરી હતી.
‘તને ખ્યાલ નથી મોના કે હું માત્ર એક પ્રોફેસર નથી, હું આપણા દેશનો એક સિપાહી પણ છું..’
‘વોટ? તું અને દેશનો સિપાહી? મને સમજાયું નહીં.’
‘હવે હું તને જે કહું તે તારે ખાનગી રાખવાનું છે સમજી? સાંભળ, અત્યારે દેશ અને દુનિયામાં સર્વત્ર આતંકવાદ જે રીતે વકરી રહ્યો છે એનાથી આપણે કોઈ અજાણ નથી જ. ગમે ત્યાં બોમ્બ ધડાકા કરી, ધર્મને નામે ખૂનની હોળી ખેલીને જન માનસમાં ભય અને દહેશત ફેલાવી દેવાના તેમના નાપાક ઇરાદાને નિષ્ફળ બનાવવા અનેક પગલાં સરકાર પોતાની રીતે લઈ જ રહી છે છતાં મુંબઈમાં તાજ જેવી હોટેલમાં પહોંચવામાં પણ એ લોકો સફળ થયા જ હતા ને?
‘આતંકવાદી પ્રવૃત્તિને રોકવા માટે દેશમાં અનેક સરકારી સંસ્થાઓ કાર્યરત છે જ, પણ હમણા એક એવા સંગઠનની રચના કરવામાં આવી છે કે જે સીધી રીતે સરકારી ન હોય જેની પર સીધો સરકારી કંટ્રોલ ન હોય, એમાં ફક્ત અને ફક્ત દેશદાઝ ધરાવતા એવા જ લોકોને સામેલ કરવામાં આવે જેઓ પોતાના અર્થોપાર્જન માટે પોતાનો કોઈ વ્યવસાય કે નોકરી કરતા હોય, પરંતુ તેની સાથે-સાથે દેશ માટે કશુંક કરવાની તમન્ના ધરાવતા હોય. આ માટે થોડા વખત પહેલાં સરકારે કેટલાક ચુનંદા લોકોને આ કામ માટે સિલેક્ટ કર્યા છે. આ લોકોનું કામ ફક્ત એટલું જ કે એમણે કોઈ પણ આતંકવાદી પ્રવૃત્તિ કરતી વ્યક્તિ અંગેની માહિતી મેળવીને તે સીધી જ મુખ્ય જવાબદાર અધિકારીને પહોંચાડવી. આ સંગઠનનું નામ છે ‘કૅર ફોર ઇન્ડિયા
ગ્રૂપ’ (CFIG). સદ્ભાગ્યે આ કામ માટે ગુજરાતમાંથી મારી પસંદગી થઈ છે.’
‘વેલ, અદ્ભુત..પણ આમાં તમને શું મળે?’
‘સંતોષ, આમાં દરેક વ્યક્તિ કોઈ પણ જાતના આર્થિક લાભની અપેક્ષા વગર માત્ર દેશ માટે કશુંક કરી છૂટવાની ભાવના સાથે જ જોડાય છે.’
‘પણ આ તો જોખમી કામ છે. આ કામ માટે તો કોઈ ટ્રેઇન્ડ વ્યક્તિ જોઈએ. તે વ્યક્તિને હથિયાર ચલાવવાની મંજૂરી પણ જોઈએ..સોરી પણ આ બધું મને સમજાતું નથી. આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ધીસ કોન્સેપ્ટ..’
‘નહિ મોના, અમારે આમાં કોઈ જોખમી કામગીરી કરવાની નથી કે નથી તો એમની સાથે કોઈ સીધા સંઘર્ષમાં આવવાનું. પોલીસ વિભાગમાં જેમ ખબરી લોકો હોય છે તેવું જ આ કામ છે. હવે આમાં તારા જેવી યુવતી જો મદદ કરે તો ઘણુ થઈ શકે. જોકે કામ જોખમી છે. રસ્તો પણ આસાન નથી. તારા જેવી સુંદર યુવતી માટે તો કદાચ વધારે જોખમી છે. એટલે તને ના પાડવાની પૂરી સ્વતંત્રતા છે.’
રાજેન હવે મોનાથી કશું છૂપાવવા નહોતો માગતો.
મોના રાજેનને સાચા દિલથી પ્રેમ કરતી હતી. આમ પણ આજ સુધી તે પૈસા કે પ્રસિદ્ધિ માટે શરીરનો ઉપયોગ કરતી હતી. હવે કદાચ એક ઉમદા કામ માટે, દેશ માટે એ શરીર કામ આવે તો એમાં કોઈ વાંધો કેમ ઉઠાવાય?
જિંદગીમાં પહેલી વાર કોઈનો સાચો પ્રેમ મળ્યો હતો. એ પ્રેમ માટે અને દેશ માટે કશુંક કરવાનો મોકો મળ્યો હતો ત્યારે પોતે પીછેહઠ નહીં જ કરે. આવા કોઈ વિચારોને લીધે અને રાજન પ્રત્યેના પ્રેમને કારણે તે આ ગ્રૂપમાં જોડાઈ હતી.
આ એ વખતનો સમય હતો જ્યારે મોના ધનવાન બનવાના ધખારા સાથે આકાશની કંપની સાથે મૉડેલિંગ કામમાં જોડાઈ હતી.
આગળ શું થવાનું હતું તે ન તો મોનાને ખબર હતી, ન રાજેનને, ન આકાશ મલ્હોત્રાને…સમયની બંધ મુઠ્ઠીમાં છૂપાયેલી ક્ષણોની જાણ કોઈને ક્યાં થતી હોય છે..?
આયના અને કુલદીપ ખાસ્સીવાર મૌન બેસી રહ્યા હતા. શબ્દો જાણે ક્યાંક ખોવાઈ ગયા હતા. બંને વચ્ચે એક આત્મીયતા જન્મી ચૂકી હતી. જમ્યા પછી પાછા વળતી વખતે આખે રસ્તે કુલદીપ કે આયના વચ્ચે બે પાંચ શબ્દોની આપ લે સિવાય ખાસ કોઈ વાત નહોતી થવા પામી. બંને પોતપોતાના કે પછી એકબીજાના વિચારોમાં ખોવાયેલા હતા. કુલદીપના નકાર પાછળનું સાચું કારણ જાણતા આયના સ્તબ્ધ બની ગઈ હતી. આવી તો કદી કલ્પના સુદ્ધાં નહોતી આવી. કુલદીપની ભીતરમાં પોતાના આ સાથી માટે કદાચ આજે સ્નેહની લાગણી જન્મી ચૂકી હતી. એક ચિનગારી જરૃર પ્રગટી હતી.
‘આયના, આજની સાંજ મને હંમેશાં યાદ રહેશે.’
આયનાને ઘેર ઉતારતી વખતે કુલદીપ બોલ્યા સિવાય ન રહી શક્યો. આજે કદાચ પહેલી વાર તે કોઈ પાસે ઠલવાઈને એક હળવાશ અનુભવી રહ્યો હતો.
‘કુલદીપ, મને પણ આ સાંજ યાદ રહેશે. થેન્ક્સ ફોર સચ અ નાઇસ ઇવનિંગ. આ સાંજે મને તારા જેવો એક દોસ્ત મળ્યો છે એ મારી ખુશનસીબી છે.’
બાય કહેતા કુલદીપે આયનાનો હાથ પકડ્યો ત્યારે એ હાથની ઉષ્માએ આયનાના અંતરને આનંદથી ભરી દીધું.
કુલદીપની કાર નજરથી અદ્રશ્ય થઈ ત્યાં સુધી આયના તેને નીરખી રહી. મન મોર બનીને થનગનવા લાગ્યું હતું. આજે કુલદીપે પોતાના મનની વ્યથા તેની પાસે ઠાલવી હતી. આજે કુલદીપ તેનો અંતરંગ મિત્ર બન્યો હતો. એક દિવસ એ મૈત્રી જ એને એની મંઝિલે લઈ જશે.
આયનાના દિલમાં એક રોમાંચ, એક કેફ છવાયો હતો. વગર નશાએ તે જાણે ડોલતી હતી. કે પછી તેને કુલદીપના સ્પર્શનો નશો ચડ્યો હતો.
પોતાની પાસે રહેલી ચાવી વડે ઘર ખોલ્યું ત્યારે તેના આશ્ચર્ય વચ્ચે મધ્યમા હજુ જાગતી હતી. સામાન્ય રીતે મધ્યમા વહેલી સૂવાવાળી હતી અને અત્યારે રાતના અગિયાર વાગી ચૂક્યા હતા.
‘સોરી, મધુ, મારે ધાર્યા કરતાં ઘણુ લેઇટ થઈ ગયું, પણ તું કેમ હજુ સૂતી નથી?’
‘તારા વિરહમાં..તારી પ્રતીક્ષામાં. ડાર્લિંગ.’
કહી મધ્યમા ખડખડાટ હસી પડી અને પછી બોલી,
‘બાય ધ વે..હવે તમારી પ્રેમકહાની આગળ વધી કે કેમ? એ બધું ફટાફટ બોલવા માંડો.. એટલે મારી પ્રતીક્ષા પૂરી થાય. આમ તો તારો ચહેરો તારી ખુશીની, તારા આનંદની ચાડી ખાઈ જ રહ્યો છે.’
આયના પણ પોતાની પ્રસન્નતા શેર કરવા આતુર હતી. એણે જાણે વાર્તા માંડી હોય એમ શરૃઆત કરી. ‘એક હતો..કુલદીપ અને એક હતી આયના’ અને પછી પોતે કેવી રીતે વાર્તા કરી કુલદીપને લાગણીના પ્રવાહમાં ખેંચ્યો અને કેવી રીતે કુલદીપે પોતાની વાત કરી વગેરે વાત રસપૂર્વક વર્ણવી ત્યારે મધ્યમા તાળી પાડી રહી.
‘વાહ..અનુ, તને તો બેસ્ટ એક્ટ્રેસનો ઍવૉર્ડ મળવો જોઈએ, પણ અનુ, મને બે વાત ન સમજાઈ.’
‘કઈ બે વાત?’
‘નંબર એક…’
‘રણવીરને તું ભલે એ રીતે પ્રેમ નહોતી કરતી, પણ એને તારે માટે કેટલો પ્રેમ હતો એની વાત તું મને અનેક વાર કરી ચૂકી છો. એ તારો પ્રેમી ભલે ન હોય, પણ તારો બેસ્ટ મિત્ર તો હતો જ. એના મૃત્યુની વાત તારા જેવી સંવેદનશીલ વ્યક્તિ કેવી રીતે કરી શકી?’
તારો પ્રશ્ન સાચો છે, પણ એ સિવાય બીજો કોઈ ઉપાય મને યોગ્ય નહોતો લાગ્યો. કુલદીપના દિલને ઢંઢોળવા માટે મારે એ કરવું પડ્યું અને સાવ સાચું કહું તો મારે રણવીરને બદલે બીજું કોઈ કલ્પિત નામ જ લેવું હતું, પણ ન જાણે કેમ રણવીર નામ અજાણતા જ ઉચ્ચારાઈ ગયું. મેં તો સારંગ કે એવું કોઈ નામ વિચારી પણ રાખ્યું હતું અને છતાં…
એનો અર્થ એ જ કે આજ સુધી તું રણવીરને ભૂલી નથી જ.’
‘ યુ આર રાઇટ મધુ, રણવીરના પ્રેમનો ભલે હું સ્વીકાર નહોતી કરી શકી, પણ એને માટે એક સાચા દોસ્તની લાગણી તો કદાચ આજે ય ભીતરમાં હશે જ..તો જ આટલા વરસે એ નામ સાવ અણધાર્યું મારી અંદરથી ટપકી પડ્યું ને?
આ તારા પહેલા સવાલનો જવાબ..હવે તારો બીજો સવાલ પણ બોલી જ નાખ.’
‘અનુ, તું કહેતી હતી કે કુલદીપ જ્યારથી રજા પરથી પાછો ફર્યો ત્યારથી તેનું વર્તન કંઈક બદલાયેલું લાગે છે. કુલદીપના જીવનમાંથી જાનકીએ વિદાય લીધી તે વાતને તો ઘણો વખત થઈ ગયો, તો પછી તે વાતને અને તેના છેલ્લા ત્રણેક દિવસથી બદલાયેલા વર્તનને શો સંબંધ? એ મને સમજાતું નથી.’
‘યેસ..મધુ યુ આર એબ્સોલ્યુટલી રાઇટ. મને આવો કોઈ વિચાર તો આવ્યો જ નહીં.’
આયના થોડી ગંભીર બની ગઈ.
‘એમાં આમ ગંભીરસિંહ બની જવાની જરૃર નથી. આજે આટલું જાણી લાવી છે તો બીજા બે ચાર દિવસમાં આ રહસ્ય પરથી પણ પરદો હટી જશે. ડોન્ટ વરી માય ડીયર. ચાલો અત્યારે હવે ગુડ નાઇટ કરીશું? કાલે પાછું વહેલું ઊઠવાનું છે.’
‘કેમ વહેલું?’
‘અરે ભાઈ, બોસનો ઓર્ડર તો ફોલો કરવો જ પડે ને? અને મારો બોસ કંઈ તારા કુલદીપની જેમ મારો મિત્ર નથી. સમજી? એ તો વાઘ છે વાઘ. ચાલ, ગુડ નાઇટ.’
બગાસા ખાતા મધ્યમાએ ઉમેર્યું.
‘અને હા, આપશ્રીએ પણ હવે વધારે વિચાર કે ચિંતા કરવાની જરૃર નથી. આજે નહીં તો કાલે, એ રહસ્યની જાણ પણ થવાની જ છે. સિંહ એક વાર ડબ્બે પૂરાયો પછી ચિંતા નથી.’
હસતી મધ્યમાએ લાઇટ ઓફ કરી. ઓરડામાં અંધકાર છવાયો.
આયનાએ પણ રજાઈ ખેંચીને લંબાવ્યું. અલબત્ત, અવળચંડુ મન તો કુલદીપના વર્તન અંગેની કલ્પનામાં જ ખોવાઈ રહ્યું. રાત ખરતી રહી. છેક વહેલી સવારે આયનાની આંખ મીંચાઈ ત્યારે એણે નક્કી કરી લીધું હતું કે પોતે કુલદીપને સ્પષ્ટ શબ્દોમાં જ એના બદલાયેલા વર્તનનું કારણ પૂછી લેશે અને એ પણ વધારે લેઇટ કર્યા સિવાય જ. લોઢું હજુ ગરમ હતું ત્યારે જ…
મનોમન નક્કી કર્યા બાદ હળવાશ અનુભવતી આયના આખરે થોડી વારે શાંતિથી નિદ્રામાં સરી રહી.
* * *
બે દિવસથી ઝાયેદના ફોનની રાહ જોઈ રહેલી મોના હવે થાકી હતી. જોકે પરિસ્થિતિએ જે વળાંક લીધો હતો તેને કારણે રાહ જોવા સિવાય કોઈ ઉપાય પણ નહોતો. એને થયું કે જો એ રાત્રે ઝાયેદને તેના અબ્બાના મોતને કારણે પોતાને ઘેર જવાનું થયું ન હોત તો તેની પાસે આજે રાજેનને કહેવા જેવું ઘણુ હોત.
પણ મોનાને ખબર નહોતી કે તે જ્યારે ઝાયેદના ફોનની રાહ જોઈ રહી હતી ત્યારે ઝાયેદ અમદાવાદ પહોંચી ગયો હતો અને અત્યારે શહેરની બહાર આવેલા એક વિશાળ બંગલાના ભોયરામાં તાકીદે ગોઠવાયેલી મિટિંંગમાં ભાગ લઈ રહ્યો હતો. એ મિટિંગમાં ત્રણ લોકો હતા. એક હતો ઇનાયત, બીજો સલીમ ખાન અને ત્રીજો ઝાયેદ પોતે.
‘હવે શું કરવાનું છે તે બોલો..’ ખુરશી પર બેઠા બેઠા પગ લંબાવી સિગારેટ સળગાવતા ઝાયેદ બોલ્યો અને પછી બંને સામે વારાફરતી જોયું.
‘કરના ક્યા હૈ, વહી તો કરના હૈ જો કરના થા…વો કમબખ્ત લડકી ઇવા એકાએક ઉસ દિન મરી ન હોતી તો હમારા કામ કબકા ખતમ હો ગયા હોતા..’ ઇનાયત હજુ ઇવાના અચાનક મૃત્યુને(?) કારણે પોતાના ચોપટ થયેલા પ્લાનના આઘાતમાંથી બહાર નહોતો આવ્યો.
સલીમ ખાન થોડો સ્વસ્થ દેખાતો હતો.
‘જે થઈ ગયું તે થઈ ગયું ઇનાયત, ઢોળાયેલા દૂધ પર અફસોસ કરવાનો કોઈ અર્થ નથી. આપણે હવે ફરીથી કોઈ નવી છોકરી શોધવી પડશે..જે આપણા આ કામ માટે તૈયાર થાય.’ સલીમ ખાન બોલ્યો.
‘અરે લડકી શોધવાની જરૃર જ શી છે? આપણી પાસે જેહાદી લડકાઓની ક્યાં કોઈ કમી છે? વરસોથી આપણે એવા છોકરાઓને તૈયાર કર્યા જ છે ને? આમ પણ હું તો પહેલેથી જ તમારા આ પ્લાનની વિરુદ્ધમાં છું. એક તો કોઈ હિંદુ લડકી ગોતવી. તેને પૈસાની ને જાતજાતની લાલચ આપીને, ફોસલાવીને કે પછી બ્લેક મેઇલિંગ કરીને, તૈયાર કરવી અને છેવટ સુધી એ સાલી કામ સારી રીતે કરશે કે નહીં તેનું ટેન્શન રાખવું..એના કરતાં આપણા જ કોઈ લડકાને કામ સોંપી દો..ફિર કોઈ ઝંઝટ હી જ નઈ..’
‘નહિ, ઉપરથી સ્પષ્ટ ઓર્ડર છે કે આ આખા પ્લાનમાં આપણો એક પણ છોકરો કે છોકરી નથી રાખવાના…કેમ કે જેવા બ્લાસ્ટ થશે એટલે પોલીસ સૌથી પહેલાં હરકતમાં આવશે. સ્વાભાવિક રીતે જ સીસીટીવી કેમેરાની મદદથી બ્લાસ્ટ થયેલા તમામ સ્થળે જે કોઈ વ્યક્તિ હાજર હોય તેની માહિતી મેળવવામાં આવશે. આ તમામ સ્થળે એક ચહેરો એવો હશે જે દરેક સ્થળના સીસીટીવી કેમેરામાં જોવા મળશે. એ વ્યક્તિ કોણ છે તેની તપાસ શરૃ થશે. એ ચહેરો જો કોઈ હિંદુ છોકરીનો હોય તો પોલીસને તેના પર જલદી શંકા નહિ આવે. વળી, બ્લાસ્ટ થયાના થોડા જ વખતમાં આપણુ જેહાદી સંગઠન આ બનાવની જવાબદારી પોતાના માથે લઈ લેશે. નેચરલી, પોલીસ એમ વિચારશે કે જેહાદી સંગઠનનું આ કામ કોઈ બીજી જ વ્યક્તિ દ્વારા થયું હોવું જોઈએ એટલે તેઓ આ છોકરીના ચહેરાને શકના દાયરામાંથી બહાર રાખશે. માની લઈએ કે પોલીસ તે છોકરી અંગે તપાસ કરે તો પણ તેનું કોઈ જ કનેક્શન આપણા ગ્રૂપ સાથે મળે નહીં. આમ હવે જો બ્લાસ્ટ માટે બોમ્બ મૂકનાર વ્યક્તિ જ ન પકડાય તો પછી આ કામમાં જોડાયેલા આપણા બધાની સલામતી આપોઆપ વધી જાય. કદાચ પકડાય તો પણ તે છોકરી પાસે એવી કોઈ માહિતી જ નહીં હોય કે પોલીસ તેની પાસેથી એ કઢાવીને આપણા સુધી પહોંચી શકે.
‘પણ એના કરતાં આપણુ કામ પતી ગયા પછી એ છોકરીને દુનિયામાંથી અલવિદા કરાવી દઈએ તો? મોટે ભાગે આપણે દરેક વખતે એમ જ કરીએ છીએ ને? ઇનાયત બોલ્યો. ‘આપણે તો ઉપરથી જે સૂચના આવે એ મુજબ જ કરવાનું રહે છે ને? અને હજુ સુધી એવી કોઈ સૂચના નથી આવી. એટલે હવે આ ચર્ચા હાલ પૂરતી પૂરી.’
સલીમ ખાને કરડી નજરે ઇનાયત સામે જોતા કહ્યું.
‘તો પછી ગઈ વખતે આપણને જેણે છોકરી શોધી આપી હતી તેને જ બીજી છોકરી શોધી આપવાનું કહો ને. કોણ હતો એ..?’
‘એ આરીફ હતો, પણ તેની પાસે હાલમાં એવી કોઈ છોકરી તૈયાર નથી. નવી શોધવામાં વાર લાગે અને આપણી પાસે બહુ સમય પણ નથી. ઉપરથી બહુ પ્રેસર છે. એ લોકો કહે છે કે પંદર દિવસમાં કામ થઈ જવું જોઈએ. ઇન્ડિયન ગુપ્તચર ખાતું હમણાથી બહુ સજાગ બની ગયું છે.’
‘નો પ્રોબ્લેમ સલીમ ખાન, હવે તમે એ ચિંતા છોડી દો. ઇન્શાઅલ્લાહ, હું જ છોકરી શોધી કાઢીશ. ઓકે..?’
એ સાંભળતા જાણે કે માથેથી એક મણનો બોજ ઊતરી ગયો હોય તેમ સલીમ ખાન ખુશ થઈ ગયો.
‘પણ કામ જરા જલ્દી પતાવજો.’
‘ખાન સાહેબ, કામ થઈ ગયું જ સમજો’ એમ બોલતી વખતે ઝાયેદના મનમાં એક ચહેરો ચમકી રહ્યો હતો.
એ ચહેરો મોનાનો હતો.
* * *
સવારે આયના ઊઠી ત્યારે તે ફ્રેશ હતી. મન શાંત બન્યું હતું. એ ખાસ્સી લેઇટ ઊઠી હતી. મધ્યમા ઑફિસે જઈ ચૂકી હતી.
આયના પ્રસન્નચિત્તે એક ગીત ગણગણતી તૈયાર થવા લાગી.
‘આજ સે પહલે..આજ સે જ્યાદા…ખુશી આજ તક નહીં મિલી..ઇતની સુહાની..’
આજે ફરી એકવાર તૈયાર થવામાં, ડ્રેસની પસંદગી કરવામાં આયનાને ખાસ્સી વાર લાગી રહી હતી.
તે ઑફિસે પહોંચી ત્યારે કુલદીપ આવી ગયો હતો. મનોમન કંઈક નક્કી કરી તે કુલદીપ પાસે તેની ચેમ્બરમાં પહોંચી.
‘કુલદીપ, આજે સાંજે આપણે બહાર જઈએ છીએ.’
‘ફરીથી આજે સાંજે? એની સ્પેશિયલ રીઝન?’
‘મિત્ર સાથે બહાર જવા માટે કોઈ સ્પેશિયલ રીઝન હોવું જરૃરી છે?’
આયનાના અવાજમાં આત્મીયતાના અધિકારનો રણકો કદાચ તેની પણ જાણ બહાર ઉમેરાઈ ગયો હતો.
‘ના, એવું જરૃરી તો નથી.’
‘બસ..તો એ ફાઇનલ..અને હા, આજે મારી પસંદની જગ્યા હશે. ઓકે?’
‘ઓકે..બાબા ઓકે..મિત્ર બનાવી છે તો હવે મિત્રની દાદાગીરી પણ સહન કરવી રહી ને?’
‘આ દાદાગીરી છે સ્નેહની દાદાગીરી, મિત્રતામાં આપોઆપ મળતી આત્મીયતાની દાદાગીરી..સમજ્યા મિ. કુલદીપ..?’
‘ઓકે.મેડમ..એઝ યુ વિશ. બોલો ક્યારે અને ક્યાં જવાનું છે?’
‘ક્યારે મીન્સ વોટ? ઓફકોર્સ..સાંજે કામ પૂરું થયા બાદ જ. ડ્યુટી ફર્સ્ટ..’ કુલદીપની કામ માટેની ચોકસાઈ જાણતી આયનાએ કહ્યું.
‘ઓકે. ડન.’
થેન્ક્સ કહેતી આયના પાછી ફરી પોતાના કામે વળગી.
એ સાંજે ઑફિસેથી છૂટી બંને કુલદીપની ગાડીમાં શહેરથી થોડે દૂર આવેલ એક ગાર્ડન-કાફેમાં પહોંચ્યા. આ જગ્યા આયનાએ પસંદ કરી હતી. જોકે આમ પણ ઑફિસમાં મોડે સુધી કામ કરી સીધા ઘેર જવા ટેવાયેલ કુલદીપને આવા સ્થળોની જાણકારી ઓછી હતી.
વેઇટરને ઓર્ડર આપી દીધા બાદ આયના સીધી જ મુખ્ય વાત પર આવી ગઈ.
‘કુલદીપ, એક પ્રશ્ન પૂછું..?’
(ક્રમશઃ)
————-