તમારા માટે, તમારી સાથે, સતત…

બરફની અનાવૃષ્ટિ!

હિમાળો ગળવો એટલે હિમાલયમાં જઈ બરફમાં દેહત્યાગ કરવો

0 366
  • ચર્નિંગ ઘાટ – ગૌરાંગ અમીન

કાળા અક્ષરની ભેંસ સફેદ અર્થનો સ્નો શું ચરે
ઘેટાં આઇસ વાગોળ્યાં કરે
ને ઊંધું ઘાલી ફરે

મિહિકા ટાઇપ કરી સર્ચ એન્જિનમાં નાખી ઇન્ટરનેટ પર શોધ ચલાવી તો ૨૯૭ પરિણામ મળ્યાં. સામાન્ય રીતે ભણેલા તથા શહેરી જીવન જીવતાં ગુજરાતીઓને પોતાના નવજાત શિશુ માટે નવું નકોર નામ જોઈતું હોય છે. છતાં સાહિત્ય સિવાય મિહિકા નામ ગુજરાતી નારીનું હોય એવું ઇન્ટરનેટ પર અપવાદ રૃપે જોવા મળ્યું. મિહિકા એટલે સ્નો. સ્નો એટલે અવશ્યાય, તુહિન, હિમ, તુષાર. સ્નો એટલે સંસ્કૃતમાં ઇન્દ્રાગ્નિધૂમ, ભસ્મતૂલ ‘ને પ્રાલેય, કાલક. સ્નો આપણા વડવાઓની દ્રષ્ટિએ એક કે બીજી સમસ્યાનું કારણ રહ્યો. આપણે આપણી સંસ્કૃતિ હિમાલયમાં પાંગરેલી ગણીએ છીએ, પણ વાસ્તવમાં આપણે નદી ‘ને અગ્નિ સાથે જોડાયેલા રહ્યા છીએ. ભૌતિક જીવનમાં આપણે નદી ‘ને આધ્યાત્મિક જીવનમાં અગ્નિ પર ધ્યાન આપ્યું છે. આપણા જૂના સાહિત્યમાં પણ આપણે સ્નો પરત્વે એટલા રસિક કે સ્નેહાર્દ્ર નથી રહ્યા. શિયાળામાં પડતો વનસ્પતિ બાળી નાખે તેવો ઓસ એવો ગુજરાતીમાં સ્નોનો શબ્દાર્થ મળે છે. સ્નો આપણા માટે ઇન જનરલ પારકી ચીજ રહ્યો છે.

અત્યારે પાક્કો ઉનાળો ચાલી રહ્યો છે ‘ને અપવાદ સિવાય લોકો લૉકડાઉનમાંથી એકથી વધુ પ્રકારની ગરમીમાં આવી ગયા છે. ઉત્તર ‘ને પૂર્વી ભારતમાં જ્યાં શિયાળામાં બરફ છવાયેલો હોય છે ત્યાં લોકો સ્નોને દૂરથી જોઈને આનંદ અનુભવતા હશે. બાકીના ભારતમાં લોકો આઇસ ક્યૂબ ‘ને બરફનો ગોળો મળે તો ગદગદિત થઈ જતાં હશે. ગુજરાતીઓને નમકના ટેકરા ‘ને લવણના રણ જોવામાં રસ ખરો, પણ રમણે ચઢવાની તો સ્નોમાં જ મજા આવે. ગુજરાતીમાં પોતાના ગંજાવર ઉત્પાદન ‘ને સબરસ એવાં મીઠા પર લખેલું એટલું સાહિત્ય નહીં મળી આવે જેટલું સ્નો કે આઇસને વાપરીને લખ્યું હશે. છતાં એક વાત છે કે જેણે રણ નહીં જોયું હોય એણે રણ ‘ને રેતી પર બિન્દાસ ઘણુ લખ્યું હશે ‘ને એવા જ સમજુએ એ લખેલું વધાવ્યું હશે. એ રીતે ગુજરાતીમાં સ્નો ‘ને આઇસ લઈને ઘણુ ઓછું લખાયું હશે ‘ને તદ્દન નહિવત જેટલું જ નવું લખાયું હશે. શક્ય છે ગુજરાતી એવમ કાઠિયાવાડી લોકગીતમાં બરફ શબ્દ જડી જાય ‘ને ડાયરામાં ડાયસ પરથી કોઈ મહાવાતી બરફ વરસાવી દે, પરંતુ બર્ફ શબ્દ ફારસી હતો એ ના ભૂલી શકાય.

પનિહારી જીવનમાં ના જોઈ હોય એમણે દોરી છે ‘ને એ પછી સદેહે જોવાની મહેનત નથી કરી. ઘણાએ ઝાકળ શબ્દ ઘણી વાર લખ્યો વાંચ્યો છતાં ઝાકળ જોવા મહેનત નથી કરી. તેથી શું? આપણે આઇસ-કૉલ્ડ ‘ને ફ્રીઝ-કૉલ્ડ જેવી વિભાવના ‘ને શબ્દ શોધ્યા છે. અમેરિકામાં ટેક્સાસ તરફ પણ એવા શબ્દ જોવા મળે છે. આપણે કૉલ્ડ્રિંક શબ્દ શોધ્યો છે. એથી આગળ વધીને દૂધકૉલ્ડ્રિંક શબ્દ શોધ્યો છે. સમાસ ‘ને અમાસ તો ઠાલા કાફિયા. ગુજરાતી સાહિત્યમાં માન અકરામ જીતેલા ઘણા માનનીય વ્યક્તિઓએ આ શબ્દો વ્યવહારમાં વાપરીને ઠંડક માણી હશે. ભલે આપણા વડીલોના કામમાં થર્મોકોલ આવ્યું હોય, એમણે થર્મોકોલને એકાદ શેરમાં કદાચ જ સ્થાન આપ્યું હશે. ના, પોલિસ્ટાયરિન તો ઓવરયાંત્રિક કે અતિટેકનિકલ શબ્દ થઈ જાય. હશે. આપણા માટે સ્નો ‘ને આઇસ ઓવરઓલ ફિલ્મી ‘ને કૃત્રિમ રહ્યા. આમ ગુજરાતી મનાલીમાં રખડતો થયો પછી એને સ્વિત્ઝરલેન્ડનો બરફ વધુ સારો લાગવા માંડેલો. વાંસની સળી ઉપર બાઝેલો ‘ને આગળ પાછળ કે ઉપર નીચે એમ બે રંગી અર્થાત બેરંગી નહીં પણ દ્વિરંગી ચ સુરંગી ગોળો ચૂસીને મોટો થયો પછી ગુજ્જુ ગાય ગોલો ખાતો થયો ‘ને એ પછી બાઇટિંગ ભભરાવેલો બરફનો ઠંડો શીરો ચમચીથી ઇટ કરવા લાગ્યો. આઇસ હલવાથી એણે કોઈ મતલબ નથી.

આપણને તો હવે બરફના દેખાવની દૂધના માવાની એક મીઠાઈ અર્થાત બરફી પણ પહેલાં જેવી નથી ગમતી. હજુ મળે છે? હિમવત રાજાની પુત્રી પાર્વતી ‘ને કૈલાસ પર બિરાજમાન શિવ અંગે કરોડો ભારતીયોએ વિચાર્યું હશે, પરંતુ પહાડી ભારતીય પ્રજા સિવાય આપણે સાહિત્યમાં બરફને અવગણતા જ રહ્યા. અગ્નિપથ કાવ્ય ‘ને ચલચિત્ર ગમે. હિમમાર્ગ શબ્દ વાંચતાં જ બરફના રસ્તા કે પહાડ દેખાય ‘ને જાતક જડવત થઈ જાય કે મોબાઇલ કેમેરા રેડી રાખી કેવળ આહવાહ કર્યા કરે. બરફના ગોળા બનાવી રમવાની કોશિશ કરીએ કે પ્યાલામાં સ્નો નાખીએ તોય આપણો મેઇન ફોકસ શરીરને ઠંડી ના આડે તેના પર હોય. એવામાં બરફના ભાવ ‘ને ભીતરના સ્વભાવ વચ્ચે મુલાકાત ના થાય એમાં કોઈ આશ્ચર્ય નથી. રાજેશ વ્યાસ મિસ્કીન લખે છે કે થીજતી ગઈ સર્વ ભાષા અક્ષરે અક્ષર બરફ, એમ ફૂંકાયો પવન કે બહાર ને અંદર બરફ. કૈક સદીઓથી સમયના થર ઉપર થર જામતાં, પીગળે થોડુંક બાકી સર્વનું જીવતર બરફ. સરસ છે આખી ગઝલ. જી, ગુજરાતીમાં બરફનો વપરાશ નથી થયો એવું નથી. નમનીય ઉમાશંકર જોશીએ ઝરે નિશાએ હિમ ભૂમિ-ખોળે લખેલું.

રેડિયો આવ્યો એ પહેલાં ‘ને અંગ્રેજી શબ્દ આપણા કાને પડતા થયા એ પહેલાં આપણે તથા સ્નો કે આઇસ વચ્ચે ખાસ કોઈ સંબંધ નહોતો. અંગ્રેજી શબ્દ વડે આપણને ઘણુ મળ્યું છે. રૉબર્ટ ફ્રોસ્ટ કવિના નામ ‘ને કાવ્ય વડે ગઈ પેઢીને કશું મળ્યું હોય કે ગેમ ઓફ થ્રોન્સ ઉર્ફે એ સોન્ગ ઓફ આઇસ એન્ડ ફાયર વડે નવી પેઢીએ કશું મેળવ્યું હોય. બરફના મેદાન કે બરફની પહાડીમાં કોઈ ઋષિ હોય એવું ઇમેજિન કરવા કરતાં આપણને જંગલમાં ‘ને નદી કિનારે ઢગલો ઋષિ હોય એવું જોવું સહેલું ‘ને સહજ પડે છે. નિઃસંદેહ ભારતીયોના સાહિત્યિક માનસમાં બરફને લઈને મોટા ભાગની વાતોનું વાવેતર પશ્ચિમી કે વિદેશી સાહિત્યમાંથી થયું હશે. હિમમાનવ ‘ને યેતીના કન્સેપ્ટ લેખનમાં મોડા આવ્યા. કાશ્મીર, હિમાચલ પ્રદેશ ‘ને અરુણાચલ પ્રદેશનું લોક કે સામાન્ય સાહિત્ય આપણે ત્યાં બાકીના ભારતમાં ઘણુ મોડું જાણીતું થયું. ૧૯૪૭ પહેલાંની આઝાદીની લડાઈના ઇતિહાસમાં બરફનું બૅકગ્રાઉન્ડ હોય ‘ને અંગ્રેજો સામે ભારતીય હોય એવું આપણને યાદ નથી.

વસંત કાનેટકર લિખિત તથા મનોજભાઈ શાહ દિગ્દર્શિત ‘અમે બરફના પંખી’ સારું નાટક છે, પણ તેમાં બરફનો ઉપયોગ પ્રતીકાત્મક રીતે થયો છે ‘ને મર્યાદામાં. ગુજરાતી ગીતોમાં ઘણુ જાણીતું થયેલું અનિલ જોશીનું ગીત ઘણાને યાદ આવ્યું હશે. અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં. લૂમાં તરતો ઘોર ઊનાળો અમે ઉઘાડે ડિલે, ઓગળતી કાયાના ટીપાં કમળપાંદડી ઝીલે, ખરતા પીંછે પછડાતી બપ્પોર મૂકીને નીકળ્યા અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં. લીલા-સૂકા જંગલ વચ્ચે કાબરચીતરા રહીએ, નભમાં ઊડતાં સાંજ પડે તો સોનલવરણાં થઈએ, રાત પડે ને ડાળ ઉપરથી કોયલ થઈને ટહુક્યાં અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં. આ ગીતનાં વખાણ કરવાં પડે. તોય સ્પષ્ટ ‘ને સાચું દેખાય છે કે બરફ ફરી એક વાર ઉષ્મા સાથે વપરાયો, છતાં બરફ શબ્દનો વ્યાપ સાવ ક્ષુદ્ર બનાવી દેવાયો છે.

ગુજરાતીમાં બરફ શબ્દ કે અર્થ હોય એવી કહેવત શોધે ના જડી. રૃઢિપ્રયોગ હિમાળો ગળવો એટલે હિમાલયમાં જઈ બરફમાં દેહત્યાગ કરવો અથવા આકરી તપશ્ચર્યા કરવી. યા કુન્દેદુ તુષાર હાર ધવલા કરીને સરસ્વતી વંદના કરવી સરળ છે. તુષાર અર્થાત કપૂર, મોતી કે ચંદ્ર સમાન સ્ફટિક? પ્રશ્ન કર્યા વિના આગળ વધી શકાય. અનિલ જોશી કહે છે, નદીમાં બરફના ટુકડા તરતા જોઈને પનિહારી ગાય છે કે સૈ, મેં તો પાણીમાં ગાંઠ્ય પડી જોઈ ડેલી ઉઘાડ મારું બેડું ઉતાર કાળ ચોઘડિયે સૂધબૂધ મેં ખોઈ સૈ, મેં તો પાણીમાં ગાંઠ્ય પડી જોઈ. બરફને ગાંઠ કહેવા કરતાં ગાંઠને બરફ જાણી જણાવી. નરસિંહ મહેતાની ગોપી ગાય છે કે આ બેડાં તે મેલ્યા માન સરોવર પાળ જો આ ઈંઢોળી વળગાડી આંબલિયાની ડાળમાં રે લોલ, રૃડી ને રંગીલી વ્હાલા તારી વાંસળી રે લોલ. નરસિંહનું ધ્યાન ફરતું ફરતું બહુ બહુ તો વાંસળી પર પહોંચે છે, એ બરફ વિષે અજ્ઞાત કહો કે અનભિજ્ઞ છે. સંબંધ કે પ્રેમ નામની સંસારી લાગણી ‘ને પરમ જ્ઞાનમાં ફરક હોય. આપણે ત્યાં કૈલાસના હાર્દ કે શિખરને નમન કરવાનો ‘ને માનસરોવરના જળમાં સ્નાન આચમન વગેરે કરવાનો મહિમા છે. બરફને બાષ્પની જેમ બાજુમાં મૂકવાની સિસ્ટમ છે.

૧૯૬૧માં આવેલ ‘જંગલી’ ‘ને ૧૯૬૪માં આવેલ ‘કાશ્મીર કી કલી’ દ્વારા બિનબર્ફિલા ઇલાકામાં રહેતાં ભારતીયોને શમ્મી કપૂર સિવાય બરફની મજા મળેલી. બહુ બધાંએ બરફનું દર્શન કર્યું ‘ને બરફ અંગેની સમજ કેળવી. યુએસએસઆર સાથેના ભારતના જોડાણને કારણે સામ્યવાદી પ્રોપેગન્ડા સાહિત્ય ભારતમાં જ્યાં ‘ને ત્યાં જોઈએ ત્યારે મફતમાં મળતું. ગુજરાતમાં ઘણા લોકો સોવિયેત યુનિયન કે સોવિયેત સંઘ જેવા મૅગેઝિનમાં આવેલા ફોટામાં બરફ જોઈ અચંબામાં પડતાં. એ જમાનામાં ઘણા લોકોને ત્યાં અખબાર નહોતું આવતું. છાપાંની રંગીન પૂર્તિ પુસ્તકના પૂંઠા ચઢાવવામાં કામ આવતી ત્યારે અંગ્રેજી મૅગેઝિન, બુક કે મૂવી જોવાનું અપવાદ જેટલાં લોકો માટે બનતું. સરકારી ન્યૂઝ રિલમાં બરફ જોવા મળતો તો એય પુરાણી ટૅક્નોલોજી ‘ને મશીન વડે શ્વેત તથા શ્યામ. કોઠીનો આઇસક્રીમ મળતો ત્યાં બરફ દેખાતો. બરફની દુકાન પર વજનના ભાવે છૂટક બરફ મળે. ઘરે દૂધ વેચવા એવમ આપવા આવતા એ તો બહુ પછીથી બરફ રાખતાં થયેલાં.

પાડોશમાંથી બરફ માંગવાના દિવસો હતાં ત્યારે કે આજે આરઓ બરફની રેડી પેક્ડ બેગ બજારમાંથી લઈ લેવાની હોય, બરફ સાથેની કળા ‘ને સાહિત્ય આપણે ત્યાં એટલો વિકાસ ના પામી શક્યા. યસ, બરફમય વૉલ પેઇન્ટિંગ ‘ને ગ્રીટિંગ કાર્ડ ફેશનમાં આવેલાં, પરંતુ બરફનો અંદાજ ‘ને અનુભવ આપણને ઓછો. કે નહિવત. ખરેખર વિચારવાનું એ છે કે શું આપણે એ દિશામાં મન ‘ને મગજ જવા દઈએ છે ખરા? યોસેફ મેકવાન લખે છે કે, ઝાડના ડાંખળે ડાળીએ સૂર્યના કિરણ ચોંટી રહ્યાં, પાસમાં ટૂંટિયું વાળીને શાંત છે પથ પડ્યો, ચોતરફ વાયુના કાફલા બરફ-શા આભને લૈ વહે, ક્યાંકથી આવતો પંખીનો નાદ પણ થૈ કરો કાનમાં વાગતો. એમ લાગે ઘડી સાંજ આ ચિત્રમાં હોય જાણે મઢી. હિમવર્ષામાં જે એકાદ મિનિટ રહ્યો હોય એને આ વધુ સમજાય? જેણે કરા પડતાં નરી આંખે ના જોયા હોય તેને આ સમજાય? કલ્પના થાય. કરો એટલે કઠણ કાંકરો? કરો એટલે ઝીણો ‘ને ઠંડો એવો બરફ?

રઈશ મણિયાર કહે છે કે અચાનક લગાતાર બસ ઓગળે છે, સઘન રાતનું આ તમસ ઓગળે છે, કરે કો’ ટકોરો સ્મરણના બરફ પર, ને વચ્ચે રહેલા વરસ ઓગળે છે. જામી ગયેલી સ્મૃતિ. બરફને ટકોરો મારવો? ટકોરવો? ફ્રોઝન મેમરીમાં બંધ કે અકબંધ રહેલાં વર્ષો ઓગળે છે. ઓગળીને જાય ક્યાં, તો બરફમાં? જે છે તે પાસ્ટમાંથી ઓગળીને અંતે ભવિષ્ય માટે જામે છે એવી છે આ વાત. સામે છે ચિનુ મોદીની હાકલ. તું ભલે થીજી ગઈ છે, પણ સ્વભાવે છે નદી, આ બરફ તોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર. જાતનું સ્વરૃપ બદલવાનું છે જાતની વર્તમાન જડ હાલતને તોડીને. ઈર્શાદે ઘણી વાર બરફ વાપર્યો. પાંચ પગલાંમાં મપાઈ જાય કાયાનું જગત પણ, બરફના પગ મળ્યા છે, એ પછી અંજામ શું? બરફ સમો જે પીગળે કિંતુ હમણા એવો થાય, કાપો પણ ના કપાય કે ના પળમાં એ વહેંચાય, વસમો છે આ કાળ, ડગલું પણ ના ખસતો, છો હું લાંબી ભરતો ફાળ. બરફ જેમ ખોટું પીગળતી નીરવતા, મને એક ચહેરાની ગમતી નીરવતા. તું થીજેલો છે બરફ ને તપ્ત તું અંગાર છે, હોડીને ડૂબાડનારો પાણીનો અવતાર છે.

હરીન્દ્ર દવે જણાવે છે કે યુગયુગોથી બની ગંગા એ વહે છે અહીંયા, એના એક સ્પર્શથી જોયો જે બરફ પીગળતાં. ગૌરાંગ ઠાકર લખે છે કે, મને ઊંઘતો જોઈ રાજી રહે છે, હું જાગ્યો છું ત્યારે ડર્યો વેશપલટો. જવલ્લે જ જોવા મળે પારદર્શક, બરફરૃપે જળને જડ્યો વેશપલટો. જવાહર બક્ષી કહે છે જળનો જ જીવ છું, ફરી જળમાં વહી જઈશ. પળભર બરફમાં બંધ છું, પળમાં વહી જઈશ. સમય કે કર્મ નહીં, જીવ બરફમાં છે. કર્મ કે સમય બરફ છે, જીવ નહીં. એનિવેઝ, બરફ સારી રીતે છતાં એની એ ઓગળવું ‘ને જામવું એ દ્વૈત વચ્ચે જ આખરે વપરાયો. હર્ષદ ત્રિવેદી લખે છે કે માણસની પૂરી જાતમાં ભળવાનું મન થયું, પાણી હતાં તે મન થયું. બનીએ ચલો બરફ, બરફાવતારમાં જ પીગળવાનું મન થયું. સંજુ વાળા જણાવે છે કે પોત હશે પાણીનું તારું તો જ શક્યતા બરફ થવાની, નાહક ના વેડફ જન્મારો બીજું તો હું શું સમજાવું?

અનિલ ચાવડાએ લખ્યું છે કે ચાળણીમાં પાણી ભરવું છે તમારે તો ભરો, પણ જરા ધીરજ ધરો જળના બરફ થાવા સુધી. સ્વરૃપાંતરની ક્રિયાનું ક્ષેત્ર વધારતાં મુકેશ જોશીએ કહ્યું છે કે જિંદગીનો અર્થ એથી તો કશો ના નીકળે, ઉષ્ણ જળમાંથી બરફ કરવા યુવાની વાપરો, ને  બરફ  જેવો બુઢાપો ટીપે  ટીપે પીગળે. સુરેશ દલાલે દ્રષ્ટિ ચોવડી કરી નાખી ‘ને જીવનના તાપમાનની અસર ‘ને ઓળખ બંને આવરી લેતાં કહ્યું કે અહીંયા બધી દિશાએથી પડતો રહ્યો બરફ, દુનિયામાં માત્ર એકલાં રેતીનાં રણ નથી. મનોજ ખંડેરિયાએ પણ કશું એવું સરળતાથી કીધું કે બરફ થૈ ને થીજી જાશું સરળ સમજણ હતી કિંતુ, ભીના રહેવાના આનંદે નિતરવું યાદ આવ્યું નહીં. કોઈ સમયના વચગાળામાં, શબ્દો જન્મ્યા પરવાળામાં. બરફ ક્ષણોનો પીગળ્યો ક્યારે, પાણી છલક્યાં ગરનાળામાં.

પન્ના નાયક ‘બે શહેર’ અછાંદસ કાવ્યમાં સ્નોને પણ યાદ કરે છે. અહીં બારે માસ વરસતો વરસાદ મને સતત યાદ કરાવે છે. મુંબઈના પ્રથમ વરસાદથી પમરી ઊઠતી ધરતીની ધૂળની. ત્યાં સ્નો નથી પડતો, પણ સતત ઝંખના તો હતી. વરસતો સ્નો જોવાની. અહીં પડતો હબસીઓના દાંત જેવો સ્નો મારી પાસે કવિતા લખાવે છે. એમને ફિલાડેલ્ફિયામાં સ્નોનો અનુભવ ખરો. ઓવરઓલ સર્વે રચના સરસ છે. છતાં બરફનો મર્યાદિત અંદાજ અને અનુભવ વર્તાય છે. જો બરફ પર ફોકસ રાખી શકીએ ‘ને બરફની દિશા ખુલ્લી કરી શકીએ તો. બાકી વાત બરફનું સામાન્ય જ્ઞાન ‘ને વિજ્ઞાન હોય છે એની ક્યાં ના છે? આ તો હાથવગા ઉદાહરણ માત્ર હતાં, એમાં કોઈ સંશય નથી કે ગુજરાતી સાહિત્યમાં આ સિવાય ઘણુ લખાયું છે. ગુજરાતીમાં લખાયેલી વિવિધ શબ્દ સંખ્યાની વાર્તાઓમાં પણ સ્નો ‘ને આઇસ ગુજરાતી ન્યૂઝ ચેનલના એન્કર્સ કહે છે તેમ ક્યાંક ને ક્યાંક વપરાયા જ હશે.

વિદેશના સાહિત્યમાં સ્નો સ્વચ્છતા, શુદ્ધતા ‘ને નવજીવન માટે વપરાય છે. સ્નો કે આઇસમાં પાણીનું ઘન થવું એ સિવાય ઘણી ખાસિયત દેખીતી હોય છે. સ્નો જેવું સફેદ એમ કહીને પશ્ચિમમાં તદ્દન સ્પષ્ટ અથવા સેળભેળ કે મિશ્રણ વિનાનું સંપૂર્ણ છે એમ કહેવામાં આવે છે. જૂની ‘ને નવી બાઇબલમાં પચીસેક વાર સ્નો શબ્દ વપરાયો છે. સ્નોની ચમકનો ઉપયોગ સ્વયંપ્રકાશિત સ્થિતિ તરીકે કરવામાં આવે છે. પૃથ્વી પર કપડાં ધોવાનું કામ કરનારમાંથી કોઈ જેટલા શ્વેત ના કરી શકે તેટલા સ્નો જેવા શ્વેત વસ્ત્ર જિસસે પહેર્યા છે એમ કીધું છે. ત્યાં સ્નો કરતાં વધુ યાં વસ્ત્રને પ્રતીક તરીકે કામમાં લીધાં છે. ના, બધાં કલમકાર ફક્ત સ્નોનો દેખાવ વાપરે છે એવું નથી. જેમ્સ જોઇસની કૃતિ ‘ધ ડેડ’ હળવેથી નીચે પડતાં સ્નોના અવાજનો ઉપયોગ કરે છે. એમણે લખ્યું છે કે છેલ્લા અંત માટે અવતરણ પામતાં હોય તેમ બ્રહ્માંડમાં થઈને બેભાન પણે ધીરેથી પડતાં સ્નોનો અવાજ એ સાંભળતો ગયો ‘ને સર્વે જીવંત ‘ને મૃતક પર તેનો આત્મા મૂર્છા પામતો ગયો.

જાપાનના લેખકોએ સ્નોનું પ્રતીક જીર્ણોદ્ધાર, પુનઃશક્તિ સંચાર, કાયાકલ્પ કે પુનરુત્થાન માટે વાપર્યું છે. જાપાનિઝ માન્ગા ‘ને મૂવી લેડી સ્નોબ્લડ ‘ને તેના પરથી પ્રેરિત હોલિવૂડ મૂવી કિલ બિલ અંતિમ દ્રશ્યમાં સ્નોનો બખૂબી ઉપયોગ કરે છે. ૧૯૬૮ના નોબલ વિજેતા જાપાનના સાહિત્યકાર યાસુનારી કાવાબાટાની નોવેલ ‘સ્નો કન્ટ્રી’ સ્નોનો નિર્મળતા એવમ સત્ત્વતા દર્શાવવા રસપ્રદ ઉપયોગ કરે છે. એમણે લખ્યું છે- ઊંડા સ્નોમાં પથરાયેલા સફેદ કાપડનો વિચાર માત્ર કરતાં કપડું ‘ને સ્નો ઊગતા સૂર્યમાં સિંદૂરી વર્ણના દેખાય છે જે તેને એવી અનુભૂતિ આપવા માટે પૂરતાં હતાં કે ઉનાળાની ધૂળ ધોવાઈ ચૂકી છે, ખરેખર તો હવે તે પોતે પણ તદ્દન સ્વચ્છ થઈ ચૂક્યો છે. કયા બાત. ધોળા રંગનો ઉપયોગ અહીં નિર્દોષતા તથા પ્રકાશ સિદ્ધ કરવા પણ થયો છે. અહીં શેક્સપિયરનું એક વાક્ય યાદ આવે છે, જેને સૂર્ય ના સ્પર્શી શકે એવા સ્નો જેવી તે પવિત્ર છે.

૧૮૯૮માં ગુજરી ગયેલા ચાર્લ્સ ડોજસન ઉર્ફે લૂઇસ કેરલ એમની અત્યંત લોકપ્રિય રચના ‘એલિસિસ એડવેન્ચર્સ ઇન વન્ડરલેન્ડ એન્ડ થ્રૂ ધ લુકિંગ ગ્લાસ’માં લખે છે કે હું વિચારું છું કે આટલી કોમળતાથી ચુંબન કરતાં આ સ્નોને વૃક્ષ ‘ને ખેતર પર પ્રેમ થઈ ગયો છે કે શું? અને પછી એ તેમને ટાઢ તડકાથી સુરક્ષિત રાખવા સફેદ ચાદર નીચે બરાબર બંધ કરી દે છે ‘ને કદાચ કહે છે કે પ્રિયે આવતો ઉનાળો આવે ત્યાં સુધી સૂઈ જાવ. ઇ ઇ ક્યૂમિંગ્સ લખે છે કે સ્નો પોતાને અડનારને પોચો સફેદ તિરસ્કાર નથી આપતો. ઓસ્ટ્રેલિયન ‘ને મૂળ જર્મન એવા માર્કસ જુશાક એમની બેસ્ટ સેલર બુક ‘ધ બુક થિફ’માં લખે છે કે ચહેરા પર બરફના દડાનું આગમન એ બેશક લાંબી મિત્રતાનો યોગ્ય પ્રારંભ છે. વારુ, બરફના બોલની રમત નાનપણમાં ગુજરાતીઓ ક્યાંથી રમે? ‘આફ્ટર ડાર્ક’માં હારુકિ મુરાકામી લખે છે કે નસીબના બળે કદાચ આપણા માટે સ્નો પણ પડી શકે છે.

પ્રેમ કે સત્કર્મને વધાવવા આપણે ત્યાં પુષ્પ વૃષ્ટિ થાય એવું કલ્પવાનું સહજ છે. એમને ત્યાં એવા શુભ કે આનંદના પ્રસંગ સમયે સ્નો પડવાનું શરૃ થયું એમ કલ્પવું નેચરલ છે. વોલેસ સ્ટિવન્સ કહે છે કે ખરો શ્રોતા પોતાને ના સાંભળી પડતાં સ્નોને સાંભળે તો એ ત્યાં જે કશું પણ શૂન્ય છે અને જે કશું પણ શૂન્ય નથી એ સાંભળી શકે છે. ‘સ્નો પેસેજ’માં ગેરિટ એષ્ટરબર્ગ લખે છે કે જેવું ધીરેથી સ્નો પાડવાનું શરૃ થયું એવું મારી ભીતર નવી મુસાફરીનું પ્રાગટ્ય થયું. ટાકરાઈ કિકાકુ ‘વિન્ટર’માં લખે છે કે મેં વિચાર્યું કે આ મારું છે ‘ને તરત મને મારી ઘાસની ટોપી પર પડેલા સ્નો હળવા લાગવા માંડ્યા. મિલર કહે છે કે નીચે પડતાં પ્રત્યેક સ્નોની કણી રૃપે સ્વર્ગમાંથી કોઈ અનન્ય રસનો ચમકાર ઝરે છે. મેરી ઓલિવર લખે છે કે તારાની જેમ સ્નો ખરતો હતો ‘ને અંધારિયા વૃક્ષને ભરી દેતો હતો, જે જોઈને કોઈ પણ સરળતાથી કલ્પી શકે કે હોવું એ સુંદરતા જ છે ‘ને એ સિવાય કશું નથી.

કહે છે કે સ્નો પડે ત્યારે તમારી પાસે બે વિકલ્પ હોય છે. એક તો પાવડાથી સ્નોને હડસેલી કાઢવો. બીજો સ્નોથી દેવદૂત બનાવવા. ખલીલ જિબ્રાન કહે છે કે અનુકંપા એ સ્નો જેવી છે, જેને ઢાંકી દે તેને સુંદર કરી દે. એરિસ્ટોટલે કીધેલું કે સ્નોની કકડીની સુંદરતા પોંખવી હોય તો ઠંડીમાં જવું પડે. જ્યોર્જ માર્ટિન કહે છે કે ઉનાળાના (સરસ તથા આનંદી વાતાવરણમાં બનેલા) મિત્રો ઉનાળાના સ્નોની જેમ ઓગળી જાય, જ્યારે શિયાળાના (વિષમ વાતાવરણમાં રહેલા) મિત્રો સદૈવ મિત્રો બની રહે છે. લારા કહે છે કે પહેલો સ્નો એ પ્રથમ પ્રેમ જેવો હોય છે. બાવન વર્ષની ફેશન ડિઝાઇનર ‘ને રાઇટર નોવાલા ઉર્ફે તોશ્યાકી તાકીમોટો લખે છે કે અર્ધી રાતે નીરવતાથી પડી રહેલો સ્નો હરહંમેશ મારા હૃદયને મીઠી સ્પષ્ટતાથી ભરી દે છે. વિસ્ટા કેલી લખે છે કે સ્નોની કાંકરીઓ કુદરતની સૌથી વધુ ભંગુર ચીજ છે છતાં જુઓ એ બધી ભેગી રહે છે તો શું કરી શકે છે.

રૃમીના એક કાવ્યમાંથી તેમની એક વાત વિશ્વમાં ખૂબ જાણીતી થયેલી છે. તું ઓગળી રહેલો હિમ બન, તું તારા સ્વથી હાથ ધોઈ કાઢ. મુદ્દો ફના થવાનો છે. રૃમી કહે છે કે સ્વયં ઓગળી જાય એવા થવાનું છે ‘ને એ પછી સ્વયં ખુદ ધોવાણમાં ગાયબ થઈ જવું જોઈએ. રૃમી બરફને અમુક સમય પૂરતી જામી ગયેલી જાતની ઓળખને સમજાવવા વાપરે છે. ખેર, આશા રાખીએ કે આપણે ભવિષ્યમાં સ્નો ‘ને આઇ’ને ઓળખવા મથીએ વત્તા તે સાથે તેમના ‘ને આપણા જીવનમાં શું સામ્યતા છે તે શોધવા પ્રયત્ન કરીએ. હાલ લૉકના અપડાઉનમાં ઉનાળો આપણને ઊંચાનીચા કરે છે ત્યારે બરફ યાદ કરવાની જરૃર ના પડે, બરફ યાદ હોય જ. કહેવત છે કે સ્નોની દરેક કણી બરફના વાવાઝોડાની નિર્દોષતાની વકાલત છે. આપણે ત્યાં તો પરસેવો ‘ને વરાળ છે. કહે છે કે પ્રેમ કરતાં પહેલાં બરફના મેદાન પર પગલાં ના પડે એમ ચાલતા શીખો. આપણે ત્યાં તો ધૂળ ‘ને રેતી માંડ પગ નીચે આવે છે. ત્યાં કહે છે સ્નો ઓગળે ત્યારે ગંદકી નજરે પડતી જાય. આપણે કહીશું કાળઝાળ ગરમીમાં થાય એ બધું તપસ ના હોય ‘ને જ્યાં જ્યાં તડકો પડે એ બધું બાળવાનું ના હોય.

બુઝારો

બરફ

ઉત્તરનું બધું જ સૌંદર્ય

એક હજાર લિ(ચીનમાં જમીનનું માપ)ની હિમ સપાટીઓ નીચે ઢંકાઈ ગયું છે

અને દસ હજાર લિના ચકરાતા

Related Posts
1 of 57

હિમપાતની નીચે

મહાન દીવાલની બંને તરફ જુઓ

માત્ર એક વિરાટ આતંક રહી ગયો છે

પીળી નદીના ઉપલા અને નીચલા

ભાગોમાં

તમે હવે પાણી જોઈ શકતા નથી

પર્વતરેખાઓ નાચતા રૃપેરી સર્પો છે

મૈદાની ડુંગરો ચમકતા હાથીઓ છે

મારી ઇચ્છા છે આપણી ઊંચાઈને આકાશ

સાથે માપવાની

સ્વચ્છ ઋતુમાં

પૃથ્વી બહુ ખૂબસૂરત લાગે છે.

સફેદ વસ્ત્રો પહેરેલી ગુલાબી ચહેરાવાળી

છોકરી જેવી

આ નદીઓ અને પર્વતોનો નિખાર છે

જેને માટે અનગિનત યૌદ્ધાઓ મુકાબલા

કરે છે એકબીજાનો

સમ્રાટો શિહ-હુઆંગ અને વુ-ટિ સંસ્કારી

ન હતા

સમ્રાટો તાઈ-ત્સુંગ અને તાઈ-ત્સુમાં

ફીલિંગ ન હતી

ચંગેઝખાનને માત્ર ધનુષ્ય ખેંચતાં આવડતું

હતું, ગરુડો તરફ…

આ બધાં જ ભૂતકાળની સંપત્તિ છે.

ફક્ત આજે જ ફીલિંગવાળા માણસો છે.

કવિ ચીની સરમુખત્યાર માઓ ઝેદોંગ (બીજી ફેબ્રુઆરી ૧૯૩૬) અને અનુવાદક ચંદ્રકાંત બક્ષી (સ્પાર્ક પ્લગઃ પૃ.૧૪૬-૧૪૭)
—————————————.

Leave A Reply

Your email address will not be published.

Translate »