તમારા માટે, તમારી સાથે, સતત…

જય શબરી માતા

તમે મારા વખાણ ના કરો કે મારા કર્મ પાછળ મને શ્રેય ના આપો

0 597
  • ચર્નિંગ ઘાટ – ગૌરાંગ અમીન

રામનું જીવન અઘરું પડે તો રામનું નામ સહેલું છે
સીધું સરળ સાચું સત્ય શબરીએ પુરવાર કરેલું છે

શ્રી રામ જોઈ ‘ને બોલીને રાવણે વિદાય લીધી. અંતે મતિ સા ગતિ એ જાણનારા શ્રીમદ્ ભાગવત વડે શુકદેવજીએ કરેલી અજામિલની વાત જાણતા હશે. અજામિલ મૂળે પંડિત તેમ જ સંસ્કારી બ્રાહ્મણ હતો. આપણે જેને ધાર્મિક કહીએ તેવો હતો. એક કાળે એ વાસનાથી ગ્રસિત થઈને દસ ઇન્દ્રિયના પ્રતીક એવા દસ પુત્રો જણે છે. આખરે એમને મોટા કરવામાં એ અઠયાસી વર્ષનું મરણ પથારીએ પડેલું નકામું અર્થાત કોઈ પણ શ્રમ કરી શકવા અસમર્થ શબવત શરીર બની જાય છે. અંત સમય આવે છે. એને સૌથી નાનો પુત્ર ખૂબ યાદ આવે છે ‘ને એનું નામ રટે છે. નારાયણ. રાતોરાત એ સામાન્ય કે કનિષ્ઠ નર નારદના રોલમાં આવી જાય છે. આગળનું બધાં જાણે છે તેમ તે નારાયણ કે મોક્ષ પામે છે. મોક્ષ એટલે મોહનો ક્ષય. રાવણે જીવનનો મહત્ત્વનો ‘ને મોટો ભાગ રામ રામ રામ કર્યા કર્યું. રાવણને તેના શ્રમનું ફળ અંતે સદેહે ‘ને જાગૃત અવસ્થામાં મળ્યું. લંકા શ્રી લંકા ખરેખર બની. કેટલે દૂર છેક અયોધ્યાથી નીચે ઊતરી સ્વયમ શ્રીરામ રાવણને શબ બનાવે છે.

શ્રીરામના આશીર્વાદથી જીવનના સાગરમાં આનંદ પામનાર રામાનંદ સાગરની રામાયણ સિરિયલ બહુમતીએ માણી. દૂરદર્શન. એ જમાનામાં દૂરદર્શનના યીંગ તથા યાંગ અર્થાત દ્વૈતના બે ભાગ એકબીજામાં ભળીને એક થાય છે એ બ્રહ્મના સિમ્બોલ નીચે સત્યમ શિવમ સુંદરમ લખાઈને આવતું હતું, જે હવે નથી આવતું. ટેલિવિઝન શબ્દનું ભાષાંતર દૂરદર્શન એક રીતે રસપ્રદ છે. ફાર એટલે દૂર છતાં ફારસી નહીં, ટેલિવિઝન. વિઝન કે દર્શન શબ્દ દ્રષ્ટા ‘ને દ્રશ્યના દ્વૈત સાથે દ્રષ્ટિની મર્યાદા સૂચવે છે. વિઝન ‘ને ઇમેજિનેશન અલગ એ પાછું યાદ રહે. અજામિલને નજીક દર્શન થયેલું. રાવણ પહેલેથી દૂર દર્શન કરતો હતો. વાલ્મીકિએ રામાયણ દૂરથી લખેલું. રામાયણમાં જે લખ્યું એ ઘટ્યું તેની પહેલાં. કારણ, વાલ્મીકિ ઋષિ હતા. મહાભારતના સંજયને દિવ્યદ્રષ્ટિ મળેલી જેને કારણે એ ટેલિવિઝન કરી શકતો હતો. સંજય સમયમાં દૂરનું નહોતો જોઈ શકતો. ઋષિ માટે અંગ્રેજીમાં સિઅર શબ્દ છે. સાક્ષાત જોઈ શકે તે કે પ્રત્યક્ષ જોનાર.

આપણે ત્યાં રામ અને કૃષ્ણ બંનેને સાંકળતી એક વાત કહેવાનો ઘણાએ લાભ લીધો છે. કૃષ્ણએ કીધું એ કરવાનું હોય, રામે કર્યું એ કરવાનું હોય. રામાયણનો હીરો રામ છે. રામાયણમાંથી રામને અનુસરવાના છે. જ્યારે મહાભારતમાંથી અર્જુનને અનુસરવાનો છે. અર્જુન એટલે નર. નિઃસંદેહ અહીં નર એટલે મનુષ્ય કે જીવ, મેલ કે મેન નહીં. નારાયણ એટલે નરે જે દિશામાં અયન અર્થાત ઉત્ક્રાંતિ કે ઉચ્ચતા પામવાની છે તે સ્થિતિ. અર્જુન મનુષ્ય છે. રામ ઈશ્વર છે. અર્જુન અગણિત પછડાટ ખાધા પછી જ્ઞાન પામવા સુધી પહોંચે છે. અર્જુન ગીતાના ઉપદેશ પછી પણ જ્ઞાન પામી નથી શકતો. રામ ખરું કે લોકમાનસમાં મહત્ત્વનું રામાયણ શરૃ થાય છે એ પહેલાં જ્ઞાન પામી ચૂક્યા હોય છે. અર્જુન પૂર્ણ ભક્ત થવાના રસ્તા પર હોય છે. રામ એ છે જેની પૂર્ણ ભક્તિ થાય છે. બંને શ્રમ કરે છે છતાં રામના શ્રમ ‘ને અર્જુનના શ્રમમાં ફરક પડે છે.

રામે કોઈ ઉપદેશ નથી આપ્યો? રામાયણનો અભ્યાસ કરવામાં આવે તો સીધી ‘ને સરળ દ્રષ્ટિથી દેખાય કે રામે ઘણા ઉપદેશ આપ્યા છે. પણ વારુ, રામે જે કશું પણ મહત્ત્વનું કીધું છે એ અયોધ્યા કે મહેલની બહાર કીધું છે. રામે તેમની ગંભીર વાતચીત ભક્તો સાથે કરી છે, ગુરુ સાથે કરી છે. રામે સંસારમાં રહી તમે કામધંધાને કર્મનું શીર્ષક આપી કરતાં રહો ‘ને તમે જેને ફરજ કહો તેને ધર્મ માની મનોરંજન કરતાં જીવતા રહો એમ નથી કીધું. રામ કર્મયોગ જીવેલા હતા ‘ને રામ પાસે અર્જુન જેવો આદર્શ માણસ નહોતો આવ્યો. રામ પાસે આદર્શ ભક્ત આવેલા. એવા આદર્શ ભક્ત કે જે ભગવાનને મળે એટલે સમકક્ષતા કે એકત્વ સધાઈ જાય. સ્વાભાવિક છે કે રામના ઉપદેશ અથવા સામાન્ય શબ્દથી ઓછી વાત કરનાર રામની ગૂઢ તથા ગર્ભિત વાતો ઉપદેશ તરીકે પોપ્યુલર તો ઠીક, પણ ફેમસ પણ ના થાય. એવા રામના એક ભક્ત રસપરમ વ્યક્તિત્વ ધરાવે છે. એમણે જીવન કેવી રીતે જીવવું એ નથી શીખવું. એમને ભૌતિક બાબતમાં પહેલેથી રસ નહોતો. એ આપણી દ્રષ્ટિમાં નારી છે.

સરવર કાંઠે શબરી બેઠી રટે રામનું નામ, એક દિન આવશે સ્વામી મારા અંતરના આ રામ. મારી ઝૂંપડીએ ક્યારે રામ પધારે, રામ પધારી આવી જનમ સુધારે જનમ સુધારે રે. પંપાને નીર આયુષ્યને તીર બેઠી જપું મારા રામને અધીર, ઊઠે કલ્લોલ ડોલે હિલ્લોલ ઘેરા ગાજે મહીં રામના બોલ. શ્રીરામ શ્રીરામ નામ શબરી જાપે, રામ આવીને મારી નાવડી તારે. વગડા તે વનમાં ઝૂંપડી બનાવી, ઊભી છે એકલી અલખ જગાવી, દર્શન દેવાને ક્યારે આવે મારો રામ. શબરી ઘેર રામ પધાર્યા, શું કરું મે’માની, સાત ભુવનના નાથ પધાર્યા, ઝૂંપડી મારી નાની. શબરીએ બોર કદી ચાખ્યા’તા ક્યાં? એણે જીભે તો રાખ્યા’તા રામને, એક પછી એક બોર ચાખવાનું નામ લઈ અંદરથી ચાખ્યા’તા રામને. શબરી ના ઘરે શ્રીરામ પધાર્યા, ભાવ ધરી ભગવાન પધાર્યા, પૂજા અર્ચન મંત્ર ન જાણુ, વેદ પુરાણની વાત ના પિછાણુ રાખી હૃદય રઘુનાથની મુરત, રામ રામ બસ રામ ઉચાર્યા. ગુજરાતીમાં શબરી ‘ને તેમની ભક્તિની અભિવંદના કરતા ઘણા ભજન છે. આફ્ટર ઓલ, સુદામાના પૌંઆ ‘ને વિદુરની ભાજી પહેલાં શબરીના બોર આવ્યા. જય શબરી માતા.

ઋષિ વાલ્મીકિ રામાયણના અરણ્યકાંડમાં ચુંમોતેરમા સર્ગમાં શબરીને યાદ કરે છે. સર્વોત્તમ કહેવાય એવા રાજાના એ બંને પુત્ર જંગલમાં કબંધે બતાવેલા પશ્ચિમ તરફના માર્ગ પર થઈને પંપા સરોવરની દિશામાં આગળ વધ્યા. રામ અને લક્ષ્મણ પ્રાણવાન રસથી ભરેલાં વિવિધ ફળથી સમૃદ્ધ વૃક્ષોની હારમાળાઓ ધરાવતા પર્વતો જોતાં સુગ્રીવને મળવા આગળ વધ્યા. એ બંને રઘુનંદન પર્વતની ટોચ પર થોડો સમય માટે રોકાયા, બંને રાઘવોએ પંપાના પશ્ચિમ તટ પર ઘાસ વાળી જમીન પર રોકાણ માટે પસંદગી કરી. ત્યાંથી પશ્ચિમ તરફ આગળ વધતાં એમની નજર શબરીના રમ્ય આશ્રમ પર પડી. અનેક વૃક્ષોથી ઘેરાયેલા એ રમ્ય આશ્રમમાં પ્રવેશી એ બંને શબરીના મેળાપ તરફ આગળ વધ્યા. એ બંને, રામ ‘ને લક્ષ્મણને જોતાં સાથે સિદ્ધા શબરી કુદરતી રીતે જ ઊભા થતાં હાથ જોડી દે છે, ત્યાર બાદ રામ ‘ને લક્ષ્મણના ચરણને વળગી પડે છે.

યોગ્ય પદ્ધતિ અનુસાર એ બંનેના પાદનું પ્રક્ષાલન કરી આચમન સેવે છે, બંનેને સ્વાગત સમયે જે-તે પ્રદાન કરવાનું હોય તે આપે છે. તે પછી ધર્મમાં સંસ્થિત તે શ્રમણીને રામ કહે છે કે તેં તારા સર્વે વિઘ્નને જીતી લીધા છે, તારા તપના બળમાં વધારો થયા કરે છે, તારા રાગ રસ વગેરે, તારા દર્દ વ્યાધિ તથા તારા તાપનું ધન યોગ્ય રીતે ગોઠવાઈ ગયા છે. તારા ચુસ્ત નિયમોનું પરિણામ આવી ગયું છે. તારા મનને પૂર્ણ સુખ મળી ચૂક્યું છે. હે વિવેક બુદ્ધિમય બોલનારી, ગુરુની સેવા કરવાનું યોગ્ય ફળ તને મળી ગયું છે. સિદ્ધ જનો વચ્ચે રહી એમની સાથે સંમત થયેલી સિદ્ધ શબરી રામની વાત સાંભળી તેમને પરસ્પરમાં એકમેકની ઉપસ્થિતિ જણાવે છે ‘ને કહે છે કે હવે ગુરુ જનને પૂજવાનું પરિણામ પ્રાપ્ત થયું, આપનાં દર્શન થયાં એ જ મારા તપની સિદ્ધિ. હે દેવમાં ઉત્તમ, આ અહીં હમણા મારા તપનું ફળ મળ્યું. હે પુરુષઋષભ, આપને વ્યક્તિગત પૂજવાથી મને સ્વર્ગ કે જે કશું પણ હોય એ બધું મળી ગયું.

હે સૌમ્ય અર્થાત ચંદ્ર સ્વરૃપ, તમારા સોમ અર્થાત અમૃત વરસાવતાં ચક્ષુ વડે મને માન આપી તમે મને ગદગદ કરી દીધી, મારા સંચિત આગામી પ્રારબ્ધ ત્રણે પ્રકારના ભાગ્યનો નાશ થયો. તમે તે પૂર્ણ છો એ હું જાણું છું એટલે જ્યાં મારા ગુરુ જનો સિધાવી ગયા છે, જ્યાંથી પાછા આવવાનું હોતું નથી ત્યાં હું હવે ગમન કરું એવી આપ કૃપા કરો. આપના દુશ્મનો કામ, ક્રોધ, મદ, મત્સર્ય, લોભ, ઈર્ષ્યા વગેરેને આપે અને મેં હરાવ્યા છે. વળી, આપ શરત વિના મુક્તિ આપનારા છો તેથી તમે મારી પ્રાર્થના સાંભળશો. આપણા ચિત્રકૂટમાં આગમન થયા બાદ જેમની હું સેવા કરતી હતી એ જનો જેની તુલના ના થાય એવી પ્રભાવાળા દિવ્ય વિમાનમાં આરૃઢ થઈને સિધાવ્યા હતા. એ ધર્મના જ્ઞાની મહાભાગ મહર્ષિએ મને કહેલું કે તમે શ્રીરામ લક્ષ્મણ સાથે અહીં અતિથિ બની ગમે ત્યારે આવશો અને આપનાં દર્શન થકી હું ત્યાં જઈશ જ્યાં પુણ્યનો કદી ક્ષય નથી થતો. એ મહાભાગોએ કહેલું એટલે આપ પુરુષઋષભ પુરુષવ્યાઘ્ર માટે પંપાના તટ પર ઊગી શકે એવા ખાવા યોગ્ય ફળ આપના માટે હું લાવી છું.

Related Posts
1 of 57

ધર્માત્મા શબરીની વાત સાંભળી જે વિશેષ પ્રકારનું રહસ્યમય હોય છે એ જ્ઞાન જેને નિરંતર આવકારતું રહ્યું છે તે શબરીને રાઘવ કહે છે કે મેં કબંધના મુખે એ ગુરુ જનનો પ્રભાવ સાંભળ્યો છે, જો તમને સ્વીકાર્ય હોય તો હું તે પ્રભાવને પ્રત્યક્ષ જોવા માંગું છું. રામના એ વચન સાંભળીને બંને ભાઈઓને એ મહાન વનને બતાવતા શબરી બોલી કે હે રઘુનંદનો, મેઘની ઘટા જેવા શ્યામ ‘ને વિવિધ પ્રકારનાં પશુ-પક્ષીઓથી ભરેલું આ વન જુઓ જે માતંગવનથી ઓળખાય છે. હે મહાદેદીપ્યમાન શ્રીરામ, અહીં મારા શુદ્ધ આત્મા એવમ પરમાત્મચિંતનપરાયણ ગુરુ નિવાસ કરે છે, અહીં એમણે મંત્રોથી વિશુદ્ધ થઈને મંત્રો વડે અગ્નિમાં પોતાના શરીરને હોમ્યું હતું. આ એ વેદી છે જ્યાં મારા દ્વારા પૂજિત એ ગુરુ વૃદ્ધાવસ્થામાં શ્રમને કારણે કાંપતા હાથે દેવોને ફૂલની હવિ અર્પણ કરતા હતા. રઘુ વંશમાં ઉત્તમ, જુઓ એમના તપના પ્રભાવને કારણે આજે પણ આ વેદી તમામ દિશાઓ તેજથી પ્રકાશિત કરી રહી છે. ઉપવાસને કારણે દુર્બળ થઈ ગયેલું શરીર લઈને એ સ્નાન કરવા નહોતા જઈ શકતા એટલે અહીં સાતે સાગર પ્રગટ થયા હતા તે જુઓ.

તેમણે સ્નાન કરીને પોતાના વલ્કલ વસ્ત્રો આ વૃક્ષ પર ફેલાવી દીધા હતા તે આજે પણ સૂકાયા નથી એ જુઓ. દેવતાઓની પૂજા કરવા મારા ગુરુએ કમળ વગેરે પુષ્પની જે માળાઓ બનાવી હતી તે હજુ પણ મૂરઝાઈ નથી. હવે તમે સમગ્ર વન જોઈ લીધું, જે સાંભળવા યોગ્ય હતું એ સાંભળી લીધું. હું હવે આપની આજ્ઞાથી આ દેહનો પરિત્યાગ કરવા ધારું છું. જે મુનિનો આશ્રમ છે ‘ને જેમનાં ચરણોની હું દાસી હતી એમની પાસે હવે હું જવા ઇચ્છું છું. શબરીના ધર્મિષ્ઠ વચન સાંભળીને લક્ષ્મણ સહિત રામને અનુપમ પ્રસન્નતા થઈ. એમના મુખમાંથી સરી પડ્યું- આશ્ચર્ય. તદુપરાંત કઠોર તપશ્ચર્યા કરનારી શબરીને રામે કહ્યું હે ભદ્ર, તેં મારી બરાબર અર્ચના કરી હવે તારી ઇચ્છા મુજબ સુખેથી આગળની યાત્રા કર. શ્રીરામની આજ્ઞા સાંભળી દેહ પર ચીર ‘ને મૃગચર્મ ધારણ કરેલી જટાધારી શબરીએ અગ્નિમાં એ દેહને હોમીને અગ્નિ સમાન તેજસ્વી દેહ પ્રાપ્ત કર્યો. દિવ્ય વસ્ત્ર, આભૂષણ, પુષ્પમાળા ‘ને આલેપન ધારણ કરેલી પ્રિયદર્શના દેખાતી શબરી સુદામા પર્વત પર પ્રગટતી વીજળી સમાન તેજ પાથરતી સ્વર્ગ તરફ આગળ વધી. તેણે પોતાનું ચિત્ત એકાગ્ર કરીને એ પુણ્યધામ તરફ ગતિ કરી જ્યાં તેના ગુરુ વિહાર કરતા હતા.

ફરી એક વાર જય શબરી માતા. શબરી રામને પરસ્પરમાં એકબીજાની ઉપસ્થિતિ વિષે વાત કરે છે એ મુદ્દો જોરદાર છે. શબરી રામને કહે છે કે તમારામાં હું હાજર છું, જેવી રીતે મારામાં તમે હાજર છો. તમે મને એ જ રીતે યાદ કરો છો જે રીતે હું તમને યાદ કરું છું. શબરી રામજીને જાણે કહે છે કે તમે મારા વખાણ ના કરો કે મારા કર્મ પાછળ મને શ્રેય ના આપો, કારણ કે મારામાં તમે ઉપસ્થિત છો એ રીતે એ બધું તમે જ કર્યું છે અને એ તમારામાં રહેલ મારા માટે કર્યું છે. રામ જ્યારે શબરી સમક્ષ પહોંચે છે ત્યારે જટા વધી ગયેલી હોય છે, લાંબી દાઢી હોય છે. શબરીને આમ પણ રામનો દેખાવ શું એ ક્યાં ખબર હતી? વળી, શબરી કહે છે, મારા ગુરુએ મને કહેલું અતિથિ બની આવશે, ક્યારે આવશે એ નક્કી નહીં. શબરી જ્ઞાની હતી એટલે એને ખબર કે ગુરુને એવું ના પૂછાય કે ક્યારે આવશે. શબરીને ખબર કે મેળાપ શક્ય હશે, મેળાપ શબરી દેહ છોડે એ પહેલાં શક્ય હશે એટલે જ એમના ગુરુએ કહ્યું હશે. બસ, હવે માત્ર મારે થોડો શ્રમ જ કરવાનો બાકી રહ્યો છે, બાકી બધું તો થઈ ગયું છે.

પુરુષઋષભ. શ્રી રામચંદ્ર માટે શબરી આ શબ્દ વાપરે છે. પુરુષ એટલે અહીં આત્મા. શબરી એક સ્ત્રી તરીકે રામને નથી જોતી. શબરી એક માતા તરીકે શ્રીરામને નથી જોતી. શબરી એક મનુષ્ય તરીકે શ્રી રામને નથી જોતી. શબરી માટે વાલ્મીકિએ સિદ્ધા સિવાય શ્રમણી શબ્દ વાપર્યો છે. શ્રમણી એટલે ત્યાગી ‘ને સંત. સંયમી  ‘ને વિરક્ત માટે યતિ કે સાધુ કે સાધક શબ્દ પણ વાપરી શકાય. શબરી જેવા ચુસ્ત અનુયાયી કે ભક્ત માટે સંન્યાસિની કે વૈરાગીની શબ્દ પણ વાપરી શકાય, પરંતુ પ્રયત્ન પ્રયાસ ‘ને પ્રવૃત્તિ પર ભાર મૂકવા માટે શ્રમ શબ્દનો સંદર્ભ સ્પષ્ટ રીતે જરૃરી હતો. શબરી ચોવીસ કલાક સતત એક કામ કર્યા કરતી હતી. આશ્રમ શબ્દ વાપરીને વાલ્મીકિ શ્રમ ખરેખર કોને કહેવાય એ સમજાવી દે છે. કેવો આશ્રમ? રમ્ય. સુંદર ‘ને આનંદદાયક? રમ્ય કહી વાલ્મીકિ તેને વીર્યવાન જાહેર કરે છે. સૃષ્ટિના મૂળની તાકાત જે સ્થળમાં છે તે. રમ્ય એટલે જે રામમય છે તે.

શબરી નામમાં શબ છે. શબરક એટલે અનસિવિલાઇઝડ. જંગલી. અણસુધરેલું, પ્રાથમિક અવસ્થાનું ‘ને એથી આગળ પશુ સમાન. જે શબ પણ ખાઈ શકે. શબરી એટલે જે જીવતા શરીર તો ઠીક, પણ શબ પ્રત્યે પણ ભેદભાવ નથી ધરાવતી તે. જે લગીર કર્મ શેષ ના રહેવા દે તે. જેનામાં સારા ખરાબ એવાં કોઈ સંસ્કાર નથી તે. સંસ્કાર શબ્દ સામાજિક રીતે ખૂબ ઊંચી કિંમત ધરાવે છે, પરંતુ આ અરણ્યકાંડ છે. આ પરમાત્મા ઉર્ફે આત્માનું ક્ષેત્ર છે. અહીં, મનુષ્ય કે કેવળ પૃથ્વી પર ઓઢાયેલા વસ્ત્ર એવી માનસિક છાપ લગીર ના ચાલે. અનકન્ડિશન્ડ માઇન્ડ જોઈએ. શબરી એટલે જેનું મન શબને પેલે પાર સ્થિત છે. શબરી માટે વાલ્મીકિ કહે છે ધર્મ સંસ્થિતા. જે ધર્મમાં સ્થિત છે. એક બિનસામાજિક એવમ બિનસંસ્કારી શ્રમણી જે ધર્મમાં સ્થિત છે. શબરીના આશ્રમમાં શ્રીરામ ધર્મની ગ્લાનિ થઈ ‘ને અધર્મનો ઉદય થયો એટલે ધર્મની સંસ્થાપના કરવા નહોતા આવ્યા. અધર્મનો લગીર ઉદય નહોતો ‘ને શ્રમ દ્વારા ધર્મની સંસ્થાપના સંપૂર્ણ થઈ હતી એટલે આવેલા.

શબરી શ્રી રામને પુરુષઋષભ કહે છે અને પુરુષવ્યાઘ્ર પણ કહે છે. ઋષભ શબ્દ કે પ્રત્યય શ્રેષ્ઠતા દર્શાવવા વપરાય છે. વ્યાઘ્ર સફિક્સ વીરતા કે સામર્થ્યના સંદર્ભ સાથે શ્રેષ્ઠતા દર્શાવવા વપરાય છે, પરંતુ અહીં પુરુષ શબ્દ મહત્ત્વનો છે. નરઋષભ કે નરવ્યાઘ્ર નથી કીધું. માનવઋષભ કે દેવવ્યાઘ્ર પણ નથી કીધું. શબરીનું મુખ કે વાલ્મીકિનો કિત્તો પુરુષ શબ્દ આત્મા માટે વાપરે છે. જે આત્મામાં મુખ્ય છે, અંતિમ છે ‘ને આદિ છે તે. યસ, ઋષભ ‘ને વ્યાઘ્ર શબ્દ શિવ ‘ને શક્તિના સંદર્ભમાં વાપર્યા છે. મેટર ‘ને એનર્જી. શબરી માટે નર ‘ને નારી એવા કોઈ ભેદ નથી એટલે જ એ કહે છે કે શ્રીરામમાં શિવનું શ્રેષ્ઠ અવતરણ છે ‘ને શક્તિનું શ્રેષ્ઠ અવતરણ છે. શ્રીરામ તમામ આત્મામાં ઉત્તમ છે એ રીતે પુરુષોત્તમ છે. શબરી જુએ છે કે શ્રીરામ પરમાત્મા છે. વાલ્મીકિ શબરી માટે આગળ ધર્માત્મા શબ્દ એમ જ નથી વાપરતા. શબરીના શબ્દોને વાલ્મીકિ ધર્મિષ્ઠ વચન કહે છે.

શબરી સૂર્યવંશી રામને સૂર્ય સાથે નથી સરખાવતી. સૌમ્ય શબ્દ વાપરી તેમને સોમ તરીકે જુએ છે. રામ મહાશક્તિમાન હતા. રામ દેખાવમાં પણ મહાબળવાન હતા. શબરી રામને સૌમ્ય કહે છે. શબરીની કક્ષા જુઓ એ જાતે પોતાને અગ્નિમાં વિલોપ કરી શકે છે. યોગશાસ્ત્ર કે તંત્રશાસ્ત્ર જાણનારા જાણતા હશે કે મણિપુર ચક્ર પર જેનો સહજ કાબૂ હોય ‘ને જેમને અગ્નિએ પૂર્ણ રીતે સ્વીકાર્યા હોય એ પોતાનામાં અગ્નિ જાગૃત કરી શકે. શબરીનો ભૂતાગ્નિ અસામાન્ય હતો. શબરી મૃગચર્મ પહેરે છે. શબરી પોતાના ગુરુનું વિદેહી કે અદેહી તેજ જોઈ શકે છે. શબરી વન ‘ને વન્ય સૃષ્ટિ ઇદમ અર્થાત પરમ તત્વ સિવાયનું અન્ય છે છતાં ગુરુમય છે એ જાણે છે. શબરીને ભાન છે કે ઈશ્વર મળે પછી પણ સદ્ગુરુને અનુસરવાનું હોય, કેમ કે એ ગુરુની કક્ષા ઘણી ઉચ્ચ છે. માતંગ ઋષિ પોતાના આશ્રમમાં પોતાની શિષ્યા રામ લક્ષ્મણના સ્વાગતમાં છોડી આગળ વધેલા. વશિષ્ઠ કહે છે શબરીને વિજ્ઞાને ક્યારે પણ બહિષ્કૃત નહોતી કરી. શબરીને રામ ભદ્ર કહે છે.

શબરી દેહ ત્યાગે છે ‘ને રાવણ પણ દેહ ત્યાગે છે. રાવણનું એક નામ દશાનન એટલે દસ માથાળો છે ‘ને રાવણ મહાપંડિત છે. શબરીના નામમાં શબ છે ‘ને શબરી જંગલી છે કે આદિવાસી. શબરી દાનવ, અસુર કે રાક્ષસ નથી. શબરી આશ્રમમાં રહે છે, મહેલમાં નહીં. શબરીનો આશ્રમ રમ્ય છે, રાવણનો મહેલ મનોરમ્ય છે. ના, શબરી મૂર્ખ કે અજ્ઞાની નથી. શબરી પંડિતાઈથી ઘણી ઉપર જ્ઞાનમાં છે. શબરી કુસંસ્કારી કે અસામાજિક નથી. શબરીનું કહેવા પૂરતું જે એક માથું છે તે સતત રામની રાહ જોઈ અંતે રામના ચરણમાં પ્રણામે છે. શબરી કર્મથી ઋષિની શિષ્ય હોય છે, રાવણ જન્મથી ઋષિનો પુત્ર. રામ ઊંચેથી નીચે શબરીને મળવા આવેલા ‘ને રાવણને મારવા આવેલા. શબરી રામ લક્ષ્મણને શક્તિ મળે એ અર્થે પોતાના ગુરુના શક્તિપુંજ સાથે મેળાપ કરાવે છે. રાવણ રામની શક્તિ ચોરીને ભાગી ગયેલો ‘ને પોતાની કરવા મથતો હતો. શબરીનો અહંકાર ગુરુ ‘ને રામ વચ્ચે સમ્યક રીતે વહેંચાયેલો હતો. રાવણ પર દસ અહંકાર સીધા રાજ કરતા હતા. જય શબરી માતા.

બુઝારો – માણસ પોતાનામાં બદલાવ નથી લાવી શકતો કે નથી લાવવા માંગતો એટલે એ સંબંધમાં ને જેની સાથે સંબંધ હોય તેનામાં બદલાવ આવે એમ ઇચ્છે છે અને એ માટે પ્રયત્નશીલ રહે છે. માણસ પોતાના ઈશ્વર સાથેના સંબંધમાં પણ એ જ રીતથી ચાલે છે. અંતે ઈશ્વર તો ઈશ્વર જ રહે છે, પણ માણસ ભક્ત નથી બનતો.

————————-

Leave A Reply

Your email address will not be published.

Translate »