તમારા માટે, તમારી સાથે, સતત…

તમારા કિસ્મતની લગામ તમારા હાથમાં લો

આદર્શ સંજોગો કદી સંભવી શકતા નથી

0 97
  • પંચામૃત – ભૂપત વડોદરિયા

ચીલીના કવિ પેબ્લો નેરુદાનું એક કાવ્ય છે ઃ ‘હું કદાચ તેને ચાહતો હતો, કદાચ હું તેને ચાહતો નહીં હોઉં, પ્રેમ બહુ ટૂંકો હતો, પણ તેને ભૂલી જવાની વાત બહુ લાંબી ચાલી!’

જુવાન માણસ પોતાની જિંદગીની એક કલ્પનામૂર્તિ ઘડે છે. જિંદગીની આ સ્વપ્નમૂર્તિને તે ચાહે છે. જિંદગીની એ આદર્શ મૂર્તિ અને વાસ્તવિક જિંદગી વચ્ચે અંતર વધતું જ જાય છે. પેલી મૂર્તિથી એ દૂર ને દૂર ચાલ્યો જાય છે. એક વાર એ કલ્પનામૂર્તિને ખૂબ ચાહી હોય છે. પછી તેને ભૂલવા એ કોશિશ કરે છે. પેલી મૂર્તિ વારે વારે તેને યાદ આવ્યા કરે છે અને ભૂલવાની કોશિશ સ્વયં જ વધુ તીવ્ર યાદ બની જાય છે. અડધી જિંદગી વીતી ગયા પછી પણ એ મૂર્તિ વારે વારે મનની ક્ષિતિજ પર વીજળીની જેમ ઝબક્યા કરે છે.

Related Posts
1 of 57

માણસની જિંદગીના આદર્શ રૃપ એક હજાર હોઈ શકે છે. જિંદગીના આરંભે માણસ પોતાની જિંદગીની એકસો કલ્પનાકુંડળી કાઢી શકે છે. સેલ્વેડોર ડાલી નામના ચિત્રકારે તેની આત્મકથામાં લખ્યું છે – નાનો હતો ત્યારથી નેપોલિયન બનવાનું સ્વપ્નું હતું. ડાલી ચિત્રકાર બન્યો, નેપોલિયન તો ના બન્યો, પણ અંગત સંબંધોમાં, દુનિયા સાથેના સંબંધોમાં તેનો વહેવાર લગભગ નાનકડા નેપોલિયન જેવો લાગે છે. જે કોઈ તેના પરિચયમાં આવે તેને એ પીડા જ આપે છે. બીજાને પીડા આપવામાં તેને કાંઈક વિચિત્ર આનંદ આવે છે. ઘણાબધા જાણ્યે-અજાણ્યે બીજાઓને – પોતાના આપ્તજનો સહિતના તમામ સંબંધીઓને – નાની કે મોટી પીડા આપ્યા કરે છે. પોતાની ઇચ્છા મુજબનો એક હસીન ખ્યાલ પોતાની જિંદગી વિષે ઊભો કરવો તેમાં કાંઈ ખોટું નથી, પણ આ ખ્યાલ જિંદગીના છોડને બાંધી દેનારું એક લોખંડી પાંજરું બની જાય ત્યારે પોતાની જાત સાથે જ એક અથડામણ જાગે છે. કેટલાક નક્કી કરેલા નકશામાં જિંદગીને આલેખી શકે છે, પણ આવું તો બહુ થોડા માણસોની બાબતમાં જ બની શકે. મોટા ભાગના માણસોને તો પોતાની જિંદગી સાથે એવી રીતે કામ પાડવાનું આવે છે કે જાણે રાત કાપવા માટે કોઈ ધર્મશાળામાં અજાણ્યા વટેમાર્ગુ સાથે ગંજીફાની બાજી રમવા બેઠા! માણસ માટે ખાસ વિકલ્પો હોતા નથી અને તેણે પોતાના વિશે કરેલી પૂર્વ-ક્લ્પના મુજબની રમત તો તે ગોઠવી જ શકતો નથી.

સામાન્ય રીતે માણસ એવો અનુભવ કરે છે કે તેના કિસ્મતે, તેના સંજોગોએ, તેની લાચારીએ તેને બરાબર ડોકમાંથી પકડી લીધો છે અને જ્યાં દોરી જાય ત્યાં દોરાઈ જવું પડે છે! પણ ઇતિહાસમાં કેટલા બધા માણસોએ કિસ્મતની લગામ પોતાની ડોક કે મોંમાંથી કાઢી નાખીને પોતાના કિસ્મત ઉપર જ જાણે ચઢાવી દીધી છે. સર વોલ્ટર સ્કોટની ઐતિહાસિક નવલકથાઓમાં પાણીદાર અશ્વો કૂદાવનારા નાયકોનાં રંગનીતરતાં સાહસો વાંચનારને ખબર નથી હોતી કે વોલ્ટર સ્કોટ નાની ઉંમરે પગ વગરના થઈ ગયા હતા! સમરસેટ મોમની સરળ અને શબ્દકોષને પૂછવા જવું ના પડે તેવી રીતે વાંચી શકાતી પ્રવાહી શૈલીમાં ભીંજાઈ જનારા માણસને ખબર જ ના પડે કે મોમની પોતાની જીભ તોતડાતી હતી અને બહુ જ લાંબી કષ્ટદાયક કસરત કરીને તેણે પોતાની જીભને ઠીક ઠીક સીધી કરી હતી!

માણસ જ્યારે પોતાના જીવનના આદર્શ ચરિત્રની કલ્પના કરવા બેસે છે ત્યારે ખરેખર તો તે આદર્શ સંજોગોની કલ્પના કરતો હોય છે! આદર્શ સંજોગો કદી સંભવી શકતા નથી એટલે આવા સંજોગોનો વિયોગ અનુભવીને એ રડે છે! પણ કેટલાય માણસો પ્રતિકૂળ સંજોગોની ભુલભુલામણીમાં કેમ આગળ જવું અગર આગળ ન જવાય ત્યારે પણ કઈ રીતે નાસીપાસ ના થવું અને ટકી રહેવું તેનો જ ખ્યાલ કરીને પોતાની જાતને ઘડે છે. આવો માણસ જિંદગીના ફળના જે કંઈ રસ-કસ છે તે ઠીક અંશે પામે છે. પાકી લીંબોળીની પણ એક મીઠાશ છે, પણ પાકી લીંબોળી મોંમાં હોય ત્યારે દ્રાક્ષના વિચાર કરીને અને દ્રાક્ષ મોંમાં આવે ત્યારે પાકી લીંબોળીનો વિચાર કરીને કેટલાક મઝા મારી નાખે છે. જિંદગી જેમ જેમ ઉકેલાતી આવે તેમ તેમ તેનું ભરતગૂંથણ કરવું તેમાં મઝા છે, પણ જિંદગીના આ તાણાવાણા સુતરાઉ કાપડના નહીં, રેશમના હોત તો સારું હતું, તેના વસવસામાં સુતરાઉની શોભા ખોઈ બેસવાનો કંઈ અર્થ નથી.
—————————–

Leave A Reply

Your email address will not be published.

Translate »