તમારા માટે, તમારી સાથે, સતત…

પોતાનું સમણુ પૂરું કરવા પહેલી વાર આકાશને પોતાનું શરીર ધર્યું

ઝાયેદને સરકાર કહીને સંબોધન કરવું તે મોનાની અદા હતી

0 560
  • ‘એક અધૂરી વાર્તા’ નવલકથા – પ્રકરણ-૧૩

– નીલમ દોશી   હરીશ થાનકી

વહી ગયેલી વાર્તા

ડૉ. કુલદીપ દેશના અગ્રગણ્ય વિજ્ઞાની. તેઓ લેબોરેટરીમાં આબેહૂબ માનવ જેવી ઇવા રૉબોટનું સર્જન કરે છે. એક દિવસ કુલદીપ અને ઇવા વચ્ચે જોબ કરવાના મુદ્દે રકઝક થાય છે અને કુલદીપ અધિકાર ભાવથી ઇવાને જોબ કરવાની ના પાડે છે. ઇવાને લાગે છે કે કુલદીપ તેના પ્રેમમાં છે. ઇવાના મનમાં પણ કુલદીપ માટે પ્રેમના અંકુર ફૂટે છે. કુલદીપને આ વાતની જાણ થતાં તે ઇવાનો પ્રેમ નકારી દે છે. ઇવાને આ વાતનો ગુસ્સો ચઢે છે અને તે અન્ય જગ્યાએ એસ્કોર્ટ ગર્લ તરીકે નોકરી કરવા લાગે છે. ઇવા ડૉ. કુલદીપને કશું કહ્યા વિના જતી રહે છે. ઇવાને શોધવા કુલદીપ કામે લાગે છે. તે જૂની મેમરી ડિલીટ કરી નવી મેમરી ઉમેરવાનો વિચાર કરે છે. સોફ્ટવેરમાં ફેરફાર કરવા મહેનત કરે છે, પણ પ્રયાસ નિષ્ફળ જાય છે. ઇવા કુલદીપના મિત્ર આકાશ મલ્હોત્રાની પર્સનલ સેક્રેટરી બની જાય છે. આકાશ અને ઇવાને એકબીજાની કંપની ગમવા લાગે છે. ઇવા આકાશની પત્ની બનવાના સપના જોવા લાગે છે, પણ આકાશ ઇવાને લગ્ન કરવાની ના પાડી દે છે. ઇવા ઉશ્કેરાઈ જાય છે. એવામાં તે ગેરકાનૂની કામ કરતાં આરીફના સંપર્કમાં આવે છે. આરીફ ઇવાના નામે નકલી દવાનો બિઝનેસ શરૃ કરે છે. એક દિવસ આ નકલી દવાના વ્યાપારનો ભાંડો ફૂટે છે. આ જોઈને ઇવા ગભરાઈ જાય છે. આરીફ ઇવાને અમદાવાદ મોકલી દે છે. પોતે પણ અમદાવાદ ભેગો થઈ જાય છે. દુબઈના એક માણસ મકબુલ કૈફની મદદથી તે ઇવાના અશ્લીલ ફોટા લઈ લે છે અને તેને બ્લેકમેઇલ કરી પોતે જેમ કહે તેમ કરવા કહે છે. સકીના નામની યુવતીના માધ્યમથી ઇવા પાસે અમદાવાદ શહેરમાં જુદાં જુદાં સ્થળોએ બોમ્બ વિસ્ફોટ કરાવવાનું પ્લાનિંગ કરવામાં આવે છે. ઇવા આ વાત સાંભળી ગભરાઈ જાય છે, પણ તેની પાસે કોઈ વિકલ્પ નથી હોતો. બીજી બાજુ ડૉ. કુલદીપ અન્ય એક જાણીતા વિજ્ઞાની મિત્ર ડૉ. રંગનાથન આગળ ઇવાના સર્જન અને અત્યારની પરિસ્થિતિની વાત કરે છે. ડૉ. રંગનાથનની મદદથી તે ઇવા જે કામ કરવા જઈ રહી છે તે જાણે છે. આ જાણ બાદ ડૉ. કુલદીપ ઇવાનું અસ્તિત્વ મિટાવવા સમગ્ર સિસ્ટમ ડિફ્યુઝ કરી નાખે છે અને દેશને મોટા ખતરામાંથી ઉગારી લે છે. ડો. કુલદીપ  ઘણા દિવસો બાદ ઓફિસ જાય છે. તેની સેક્રેટરી આયના તેને આવકારે છે. મન હળવું કરવા કુલદીપ આયના સાથે ડિનર પર જાય છે. બીજી બાજુ ઝાયેદ નામનો શખ્સ મુંબઈ પહોંચે છે.
હવે આગળ વાંચો…

અંદર પહોંચતા જ ઝાયેદ તેની પાસે સર્યો. બીજી જ પળે મોના તેની બાહોમાં સમાઈ ગઈ.

‘ ડાર્લિંગ, મને ડર હતો કે તું કદાચ આજે નહીં આવે તો મારું શું થશે?’ મોનાને ચૂમતા ઝાયેદ બોલ્યો.

‘આપ બુલાયે ઔર હમ ના આયે, યે તો મુમકીન હી નહિ, ઐસા કભી હુઆ હૈ?’

એકદમ શાયરાના અંદાઝમાં બોલવું અને ઝાયેદને સરકાર કહીને સંબોધન કરવું તે મોનાની અદા હતી. ઝાયેદને તે ખૂબ જ ગમતું. ઝાયેદ જ્યારે-જ્યારે પણ ભારત આવતો ત્યારે મોના તેની જરૃરિયાત બની રહેતી. જરૃરિયાતનું એક સામાન્ય કારણ મોનાનું કોઈ પણ પુરુષને પાગલ કરી દે તેવું સૌંદર્ય અને તેની કામશાસ્ત્રની નિપુણતા.

કદાચ એથી જ આજે ઍરપોર્ટ પર મુસ્તફાએ જ્યારે અબ્બાજાનની નાદુરસ્ત તબિયત વિષે કહ્યું ત્યારે પણ પોતે મોનાના સંગેમરમર જેવા બદનની હૂંફ માણવાની લાલચ પર કાબૂ રાખી શક્યો નહોતો અને તુરત જ અબ્બા પાસે જવાને બદલે તે અહીં પહોંચ્યો હતો.

‘ઇન્હી અદાઓ પે તો હમ મરતે હૈ જાનેમન.’

રૃમમાં પ્રવેશ કરતાની સાથે દરવાજો બંધ કરી ઝાયેદ સીધો મોનાને વળગી પડ્યો અને તેના મખમલી હોઠ પર પોતાના હોઠ મૂકીને આગળ વધવા જતો હતો ત્યાં..

‘અરે સરકાર, થોડી ધીરજ તો ધરો. હમણા રૃમ સર્વિસ માટે બોય આવશે.’

ઝાયેદથી પોતાની જાતને સલૂકાઈથી છોડાવી મોના સામેના સોફા પર જઈને બેઠી એટલે માંડ પોતાની જાત પર કાબૂ મેળવી ઝાયેદ બાથરૃમ તરફ જતા બોલ્યો,

‘બોય આવે એટલે તેની પાસે એક વ્હિસ્કીની બોટલ અને થોડું મન્ચિંગ ઓર્ડર કરજે. હું હમણા જ નહાઈને આવું છું.’

જવાબમાં મોનાએ સહેજ સ્મિત વેર્યું. ઝાયેદ ઝડપથી બાથરૃમમાં ઘૂસ્યો. મોનાએ સોફા પર જ લંબાવીને આંખો બંધ કરી. બંધ આંખો સામે વીતેલા સમયખંડનું કોઈ ચોસલું તેની સામે હાઉકલી કરી રહ્યું.

થોડાં વરસ પહેલાં મુંબઈની મલ્હોત્રા એન્ટરપ્રાઇઝ કંપની દ્વારા એક જબરદસ્ત ફેશન શૉનું આયોજન થયું હતું. જેમાં એક મૉડેલ તરીકે પોતે ભાગ લીધો હતો.

‘હાય મોના..આઈ એમ આકાશ, આકાશ મલ્હોત્રા. નાઈસ ટુ સી યુ.’

એ આકાશ મલ્હોત્રા, મલ્હોત્રા એન્ટરપ્રાઇઝનો માલિક હતો. એ રૃપ, સૌંદર્યનો આશિક હતો. તેની પારખુ નજરે મોનાને પહેલી જ વારમાં પારખી લીધી હતી. ઇવા પછી મોના..અને મોના પછી.. એ ક્રમ તો ચાલતો રહેવાનો.

મોના પણ ઓછી સ્માર્ટ થોડી હતી? આ ક્ષેત્રમાં આવવાનું નક્કી કર્યું ત્યારથી તેને પોતાની એકમાત્ર મૂડીનો પૂરો ખ્યાલ હતો. એ મૂડી હતી…તેનું ધગધગતા અગ્નિ જેવું રૃપ. તે સારી રીતે જાણતી હતી કે આ મૂડીના જોરે તે અનેક લોકોને નચાવી શકશે, ઇચ્છશે તેટલા પૈસા બનાવી શકશે. ઈશ્વરે આપેલા અઢળક રૃપને જોરે તે ગ્લેમરની દુનિયામાં પ્રવેશીને પોતાના સપના, પોતાની મહત્ત્વાકાંક્ષા પૂરી કરી શકશે અને એ બધું મેળવવા માટે તે કંઈ પણ કરવા તૈયાર હતી.

આજે આકાશ મલ્હોત્રાએ, માલિકે સામેથી તેને બોલાવી એ તેને માટે ઓછા ગર્વની વાત નહોતી.

‘ઓહ, થેન્ક્સ સર, મેની થેન્ક્સ ફોર ગિવિંગ મી અ ચાન્સ ઇન ધીસ શૉ.’

‘આઈ થિન્ક ધિસ ઇસ યોર ફર્સ્ટ શૉ..રાઈટ?’

‘યેસ સર, પણ હું તમને નિરાશ નહીં કરું.’

‘ગુડ. આઇ રિયલી હોપ સો. આઇ લાઇક યોર કૉન્ફિડન્સ..કોઈ પણ મૉડેલ માટે આત્મવિશ્વાસ સૌથી જરૃરી વાત છે. શૉ પૂરો થયા બાદ મને મળજો.’

‘સ્યોર સર.’

‘ઓલ ધ બેસ્ટ..’

અને મોના પર એક નજર નાખી આકાશ આગળ વધ્યો. કોને ક્યારે કેટલો ભાવ આપવો એ આકાશને ખબર હતી જ. શૉ પૂરી રીતે સફળ થયો. અન્ય મૉડેલોની જેમ મોનાએ પણ ખૂબ તાળીઓ અને વાહ વાહ મેળવી. તેના પહેલા જ શૉમાં તે છવાઈ ગઈ હતી એનો તેને આનંદ હતો. શૉ પૂરો થતાની સાથે જ અભિનંદન આપનારાઓની લાઇન લાગી હતી. એમાં આકાશ સૌ પ્રથમ હતો.

તે રાત્રે મોનાએ પોતાની મહત્ત્વાકાંક્ષા, પોતાનું સમણુ પૂરું કરવા પહેલી વાર આકાશને પોતાનું શરીર ધર્યું હતું. પહેલી વારને લીધે થોડો ખચકાટ જરૃર અનુભવાયો હતો, પણ માનસિક તૈયારી સાથે જ તો આ ક્ષેત્રમાં તેણે પ્રવેશ કર્યો હતો. કોઈ એકને ગોડ ફાધર બનાવ્યા સિવાય અહીં આગળ આવવું કે ટકી રહેવું તેના જેવી સામાન્ય છોકરી માટે આસાન નહોતું. તો પછી આકાશ, આવડી મોટી કંપનીનો માલિક પોતે જ્યારે તેને આવકારતો હોય ત્યારે વિચાર કરવાનો કોઈ સવાલ જ ક્યાં હતો?

પણ આકાશ સાથે સંબંધ બંધાયાના થોડા સમયમાં જ સાવ અચાનક તેની મુલાકાત થઈ રાજન વકીલ સાથે…

જેણે તેની જિંદગીની આખી દિશા બદલી નાંખી.

કોણ હતો આ રાજન વકીલ?

એનો પ્રિયતમ? એનો દોસ્ત? કે એનો માર્ગદર્શક? રાજનની યાદ આવતા તેની આંખ સહેજ ભીની થઈ ગઈ..મનોમન બોલી…

‘થેન્ક્યુ રાજન…થેન્ક્યુ વેરી મચ ફોર કમિંગ ઇન માય લાઈફ.’

વિચારોમાં ખોવાયેલી મોનાને કાને અચાનક બાથરૃમનો દરવાજો ખૂલવાનો અવાજ સંભળાયો અને મોનાએ ઝડપથી આંખો લૂછી નાખી જાણે કે રંગભૂમિ પર અદાકારનો પ્રવેશ થાય અને જેટલી ઝડપથી એ પોતાના પાત્રમાં પ્રવેશી જાય તેમ બીજી પળે રંગ બદલી તે બોલી ઊઠી.

‘કેટલી બધી વાર લગાડી સરકાર..યે નાચીઝ તો મર ગઈ આપકા ઇન્તઝાર કરતે કરતે…’

* * *

બીજા દિવસે સવારથી આયના ખૂબ મૂડમાં હતી. ઑફિસે આવવા નીકળી ત્યારે તૈયાર થતી વખતે આજે તેણે લાંબો સમય અરીસા સમક્ષ વિતાવ્યો. કયા કપડાં પહેરવા એ નક્કી કરતા આજે તેને ખાસ્સી વાર લાગી. બે વખત કપડાં બદલાવ્યાં. તેની સાથે ફ્લેટ શેઅર કરતી તેની પાર્ટનર મધ્યમા,  આયનાની એક એક હરકત ધ્યાનથી જોઈ રહી હતી. આજે આયનાને તૈયાર થતી વખતે કોઈ ગીત ગણગણતી સાંભળી ન રહેવાતા તે પૂછી બેઠી,

‘શું વાત છે આયના? આજે તું બહુ ખુશ દેખાઈ રહી છે? એનિથિંગ સ્પેશ્યલ? કે પછી આજે કોઈ એવું સપનું જોઈ લીધું છે..?’

આયનાએ થયું કે કહી દઉં કે, સપના જોવાના દિવસો પુરા થયા બેબી, હવે તો સપનું સાકાર થવાના દિવસો આવ્યા છે, પણ બીજી જ પળે તેણે પોતાની જાતને સંભાળી લીધી છતાં પણ એટલું બોલ્યા વગર ન રહેવાયું,

‘યસ, આજે મારે એક બહુ જ અગત્યની વ્યક્તિ સાથે સાંજે ડિનર પર જવાનું છે, તો રાત્રે મોડું થશે. તું મારી રાહ ન જોતી ઓકે..?’

‘શું હું જાણી શકું કે કોણ છે એ બહુ અગત્યની વ્યક્તિ?’

‘વાત જરા લાંબી છે. આવીને કહું તો..?’

મધ્યમાને પણ કામે જવાનું મોડું થતું હતું એટલે તેણે હા પાડી અને સાથે તાકીદ કરી,

‘રાત્રે બહુ મોડું ન કરતી. હું તારી રાહ જોઈશ. તારી પાસેથી વાત સાંભળ્યા વગર મને ઊંઘ નહિ આવે સમજી..?’

Related Posts
1 of 34

‘ઓકે બાબા, હવે તું જા. ઑફિસે મોડી પડીશ તો ગરોળી જેવું મોઢું ધરાવતો તારો બોસ તને નકામી વઢશે.’

કહી સહેજ ધક્કો મારી મધ્યમાને દરવાજાની બહાર કાઢી આયના ફરીથી અરીસા પાસે જઈ પોતાને નીરખી રહી. તેના ચહેરા પર સંતોષનું એક સ્મિત ફરી વળ્યું.

તે ઑફિસે પહોંચી ત્યારે તેનું ધ્યાન કુલદીપ આવી ગયો છે કે નહીં તે જોવામાં હતું. આજે કુલદીપનું વર્તન પોતાની સાથે કેવું હશે? એ જાણવાના કુતૂહલમાં પોતે રોજના સમય કરતાં અડધો કલાક વહેલી પહોંચી હતી એનું ભાન કુલદીપની ખાલી કેબિન જોતા તેને થયું. એ આખો દિવસ આયના જાણી જોઈને કુલદીપ તરફ ફરકી સુધ્ધાં નહીં. કુલદીપે પણ તેને બોલાવી નહોતી. અલબત્ત, તેનું ધ્યાન સતત એ જ વાતમાં હતું કે ગઈ કાલે વાત થયા મુજબ કુલદીપ તેને ડિનર માટે બોલાવે છે કે કેમ? કે પછી કાલે તેનામાં આવેલો બદલાવ કોઈ કારણસર ક્ષણિક ઊભરો માત્ર હતો?

એક દિવસમાં પોતે કેવી કેવી કલ્પનાઓ કરી બેઠી હતી. ક્યાંક એ બધું પોતાનો એક ભ્રમ તો નહોતો ને? ના, હવે કોઈ ભ્રમમાં તે નહીં રહે. બધો મદાર કુલદીપના આજના વર્તન પર હતો.

માંડ માંડ તેણે કામમાં જીવ પરોવ્યો. સાંજે થાકીને લેપટોપ બંધ કરતી વખતે મનમાં થોડી નિરાશા વ્યાપી હતી. ઊભી થવા જતી હતી ત્યાં જ.. અચાનક તેના મોબાઇલમાં રિંગ વાગી. સ્ક્રીન પર નામ વાંચ્યું.. ‘કુલદીપ’.. નામ વાંચતાની સાથે જ આશાનું કિરણ ફરી એકવાર મનમાં ચમકી રહ્યું.

‘યસ સર..’

‘આયના, કાલે વાત થયા મુજબ આપણે ડિનર લેવા સાથે જવાનું છે ને?’

‘એઝ યુ વિશ સર..’ અવાજ પર મહાપરાણે કંટ્રોલ રાખી આયનાએ ધીમેથી કહ્યું.

‘ઓકે, તો દસ મિનિટ પછી નીકળીએ.’

‘ઓકે સર..’ અને ફોન પુરો.

* * *

લગભગ એક કલાકની કામકેલી બાદ થાકેલા ઝાયેદને વળગીને સૂતેલી મોનાના રેશમી વાળમાં તંદ્રા જેવી સ્થિતિમાં હાથ ફેરવતા ઝાયેદ હળવેથી બબડ્યો,

‘જમવા જઈશું કે અહીં જ મંગાવી લેશું..?’

‘પહેલાં તારે ડ્રિન્ક્સ લેવું છે? જો ન લેવું હોય તો ત્યાં જઈએ.’

‘નહિ, હવે કોઈ નશાની જરૃર નથી…તારો નશો પૂરતો છે જાનેમન. ચલ નીચે જ જમવા જઈએ.’ કહી ઝાયેદ પથારી છોડી ફ્રેશ થવા ચાલ્યો. બરાબર એ જ વખતે તેના મોબાઇલમાં રિંગ વાગી એટલે ઝાયેદ ફોન લેવા પાછો ફર્યો.

‘માલિક, આપના અબ્બા હજૂર હમણા જ જન્નતનશીન થઈ ગયા છે. આપ આવો છો..કે હું ગાડી લઈને તેડવા આવું..?’

સામેથી મુસ્તફાની વાત સાંભળી ઝાયેદ ચૂપ થઈ ગયો.

‘હું લેવા આવું છું.’ જવાબ મળતા વાર લાગી એટલે મુસ્તફાએ પોતાની વાત રિપીટ કરી. મુસ્તફાનો અવાજ સાંભળી હોશમાં આવેલા ઝાયેદે કહ્યું..

‘ના, લેવા આવવાની જરૃર નથી. મુંબઈના ટ્રાફિકમાં અહીં આવવામાં તને બહુ મોડું થઈ જશે. હું ટેક્ષી કરીને આવું છું.’

કહી ફોન કાપી મોનાને ઝડપથી વાત સમજાવી હોટલના કાઉન્ટર પર ફોન કરી ટેક્ષીની વ્યવસ્થા કરવાનું કહેતા કહેતા તે ઝડપભેર તૈયાર થવા લાગ્યો. ઝાયેદ ટેક્ષીમાં નીકળ્યો એટલે તેને બાય કહી મોનાએ એક નંબર લગાડ્યો. એક રિંગ પૂરી થઈ છતાં પણ ફોન ન ઉપાડ્યો એટલે એણે થોડી અધીરાઈ સાથે તરત બીજી વખત ફોન લગાડ્યો..

‘એના ફાધર અચાનક એક્સપાયર થઈ ગયા છે એટલે તે અહીંથી એના ઘરે જવા નીકળ્યો છે. ના…ના…તેની ગાડીમાં નહિ, ટેક્ષીમાં નીકળ્યો છે.’ કહી બહુ જ ધીમા સાદે તેણે કોઈ માહિતી આપી અને પછી તરત ફોન કાપી નાંખ્યો. સામે છેડે મોનાની વાત સાંભળીને રાજન કંઈક વિચારમાં પડ્યો હતો.

* * *

બરાબર દસ મિનિટ પછી આયના કુલદીપની ગાડીમાં તેની પાસે ગોઠવાઈ. સડસડાટ દોડતી ગાડીની સાથે જ બંનેના મનમાં વિચારો પણ એ જ ગતિએ દોડી રહ્યા હતા.

‘આયના..’

‘યસ સર..’

‘આ ઑફિસ નથી. સો ..ઓન્લી કુલદીપ..ઓકે? અને આમ પણ આપણે એકલા હોઈએ ત્યારે તું મને ક્યારે સર કહે છે?’

‘યેસ સર..સોરી કુલદીપ..’

‘કેમ આજે મૌન?’

‘શું બોલવું તે કદાચ સમજાતું નથી.’

‘એની પ્રોબ્લેમ?’

‘નો..નો પ્રોબ્લેમ.’

‘આર યુ ઓકે આયના?’

‘યેસ, આઇ એમ એબસોલ્યુટલી ઓકે.’

‘ભલે..તારે કશું કહેવાનું ન હોય તો પૂછવાનો મને કોઈ હક્ક નથી.’

‘નહીં કુલદીપ, આમાં હક્કની કોઈ વાત, કોઈ સવાલ નથી.’

‘તો સવાલ શેનો છે?’

‘એનો જવાબ હજુ હું પોતે શોધું છું. મને ય કદાચ પૂરી જાણ નથી.’

‘ગઈ કાલે જ આપણે વાત થઈ હતી કે દુઃખ ઠાલવવા માટે કોઈ ખભાની જરૃર હોય તો..’

‘કુલદીપ, ઠલવાઈને કોઈની સહાનુભૂતિ, કોઈની દયા મળે એ મને પસંદ નથી. મારી પીડા મને મુબારક. આમ પણ હવે હું એ રીતે જીવતા શીખી ગઈ છું. આ તો ગઈ કાલે એ કૉફી હાઉસમાં વરસો બાદ ગયાં એથી મન થોડું ઉદાસ બની ગયું હતું અને એથી બોલાઈ ગયેલું.’

‘અને હું જોઈ રહ્યો છું કે એ ઉદાસી આજે પણ તારા ચહેરા પર અકબંધ છે.’

‘કુલદીપ, અમુક વાતોને ભૂલવા માણસને થોડો સમય તો જોઈએ ને?’

‘યેસ. એગ્રી..આયના, આજે મારે પણ કશુંક ભૂલવું છે અને એ માટે મારે પણ સમય જોઈશે.’ કુલદીપ મનમાં જ બોલ્યો.

થોડી વાર મૌન છવાઈ રહ્યું. ગાડી શહેરની બહાર તરફ ભાગી રહી હતી. એ તરફ આયનાનું ધ્યાન જતાં તે બોલી.

(ક્રમશઃ)

—————————

Leave A Reply

Your email address will not be published.

Translate »