તમારા માટે, તમારી સાથે, સતત…

બોમ્બ બ્લાસ્ટકા પ્રોજેક્ટ થોડે દિનકે લિએ પોસ્ટપોન્ડ કરના પડેગા

'કુલદીપ, યુ આર  બ્રેવ. તેં જે કર્યું છે તે બહુ જ મોટું કામ છે

0 478

‘એક અધૂરી વાર્તા’  નવલકથા – પ્રકરણ-૧૨

– નીલમ દોશી   હરીશ થાનકી

વહી ગયેલી વાર્તા
ડૉ. કુલદીપ દેશના અગ્રગણ્ય વિજ્ઞાની. વૈજ્ઞાનિક સંશોધન સંસ્થા ઇરોના ચૅરમેન. લેબોરેટરીમાં આબેહૂબ માનવ જેવા રૉબોટના સર્જનમાં તેમને સફળતા મળી, જેને નામ આપ્યું છે ઇવા. એક દિવસ કુલદીપ અને ઇવા વચ્ચે જોબ કરવાના મુદ્દે રકઝક થાય છે અને કુલદીપ અધિકાર ભાવથી ઇવાને જોબ કરવાની ના પાડે છે. ઇવાને લાગે છે કે કુલદીપ તેના પ્રેમમાં છે. ઇવાના મનમાં પણ કુલદીપ માટે પ્રેમના અંકુર ફૂટે છે. કુલદીપને આ વાતની જાણ થતાં તે ઇવાનો પ્રેમ નકારી દે છે. ઇવાને આ વાતનો ગુસ્સો ચઢે છે અને તે અન્ય જગ્યાએ એસ્કોર્ટ ગર્લ તરીકે નોકરી કરવા લાગે છે. ઇવા ડૉ. કુલદીપને કશું કહ્યા વિના જતી રહે છે. ઇવાને શોધવા કુલદીપ કામે લાગે છે. તે જૂની મેમરી ડિલીટ કરી નવી મેમરી ઉમેરવાનો વિચાર

કરે છે. સોફ્ટવેરમાં ફેરફાર કરવા મહેનત કરે છે, પણ પ્રયાસ નિષ્ફળ જાય છે. ઇવા કુલદીપના મિત્ર આકાશ મલ્હોત્રાની પર્સનલ સેક્રેટરી બની જાય છે. આકાશ અને ઇવાને એકબીજાની કંપની ગમવા લાગે છે. ઇવા આકાશની પત્ની બનવાના સપના જોવા લાગે છે, પણ આકાશ ઇવાને લગ્ન કરવાની ના પાડી દે છે. ઇવા ઉશ્કેરાઈ જાય છે. એવામાં તે આરીફના સંપર્કમાં આવે છે અને આરીફની કંપનીમાં જોડાય છે. આરીફ ગેરકાનૂની કામો કરતો હોય છે. તે ઇવાના નામે નકલી દવાનો બિઝનેસ શરૃ કરે છે. એક દિવસ આ નકલી દવાના વ્યાપારનો ભાંડો ફૂટે છે. આ જોઈને ઇવા ગભરાઈ જાય છે. આરીફ ઇવાને અમદાવાદ મોકલી દે છે. પોતે પણ અમદાવાદ ભેગો થઈ જાય છે. દુબઈના એક માણસ મકબુલ કૈફની મદદથી તે ઇવાના અશ્લીલ ફોટા લઈ લે છે અને તેને બ્લેકમેઇલ કરી પોતે જેમ કહે તેમ કરવા કહે છે. સકીના નામની યુવતીના માધ્યમથી ઇવા પાસે અમદાવાદ શહેરમાં જુદાં જુદાં સ્થળોએ બોમ્બ વિસ્ફોટ કરાવવાનું પ્લાનિંગ કરવામાં આવે છે. ઇવા આ વાત સાંભળી ગભરાઈ જાય છે, પણ તેની પાસે કોઈ  વિકલ્પ નથી હોતો. બીજી બાજુ ડૉ. કુલદીપ અન્ય એક જાણીતા વિજ્ઞાની મિત્ર ડૉ. રંગનાથન આગળ ઇવાના સર્જન અને અત્યારની પરિસ્થિતિની વાત કરે છે. ડૉ. રંગનાથનની મદદથી તે ઇવા જે કામ કરવા જઈ રહી છે તે જાણે છે. આ જાણ બાદ ડૉ. કુલદીપ ઇવાનું અસ્તિત્વ મિટાવવા સમગ્ર સિસ્ટમ ડિફ્યુઝ કરી નાખે છે અને દેશને મોટા ખતરામાંથી ઉગારી લે છે.
હવે આગળ વાંચો…

પોતાની વર્ષોની સાધનાને એક જ પળમાં નષ્ટ કરી દેવી પડી હતી. ડૉ. કુલદીપના ચિત્તમાં ઘમસાણ યુદ્ધ ચાલુ હતું. પોતાની ક્યાં ભૂલ થઈ હતી કે પોતાની જિંદગીનું અમૂલ્ય, ગૌરવરૃપ સર્જન એવી ઇવાને આમ વિદાય આપવી પડી? રહી રહીને આ પ્રશ્ન કુલદીપના મગજમાં હથોડાની માફક ઝીંકાતો હતો. હજુ તો વિશ્વ સમક્ષ ઇવાને હાજર કરીને પોતાની સફળતા વિશે વાત કરે તે પહેલાં તો…

કુલદીપ, આર યુ.ઓકે? રિલેક્સ..કુલદીપ રિલેક્સ…

કુલદીપે કશો જવાબ ન વાળ્યો એટલે ડૉ. રંગનાથને કુલદીપની પીઠને થપથપાવી.

‘કુલદીપ, યુ આર  બ્રેવ. તેં જે કર્યું છે તે બહુ જ મોટું કામ છે.. નાઉ, પ્લીઝ કમ આઉટ ફ્રોમ ઓલ ધીસ. હું જાણું છું કે તેં દેશ માટે મોટો ભોગ આપ્યો છે. બહુ જ મુશ્કેલ હોય છે પોતાની લાંબા વખતની મહેનતને અંતે પ્રાપ્ત થયેલી સફળતાને એક જ પળમાં પોતાના હાથે જ હતી-નહતી કરી નાખવાનું કામ. વળી તે જે કર્યું છે તે માટે તને અત્યારે મારા સિવાય શાબાશી આપનારું પણ કોઈ જ નથી. તું કદી કોઈને તારી વરસોની મહેનત વિશે, તારા સર્જન વિષે કશું જણાવી પણ નહીં શકે..નો બડી વીલ નો કે તેં આવો કોઈ રૉબોટ બનાવ્યો હતો અને પછી તારે હાથે જ  દેશ માટે…

‘યુ ડીડ વેરી વેલ કુલદીપ…હેટ્સ ઓફ ટુ યુ…’

કુલદીપે રંગનાથન સામે જોયું. તેની આંખોમાં ખરેખર કુલદીપ પ્રત્યે અહોભાવ છલકતો હતો.

‘થેન્ક્યુ સર..મને આશ્વસ્ત કરવા બદલ. પણ તમારા સાથ વગર આ કશું જ શક્ય બની શક્યું ન હોત..’

‘યુ આર ઓલ્વેઝ વેલકમ યંગમેન. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. ભવિષ્યમાં પણ ગમે ત્યારે મારા જેવું કામ પડે તો કહેજે..આ ઘરડા દિમાગમાં હજુ પણ ઘણી તાકાત છે…’

ડૉ. રંગનાથનનો દિલથી આભાર માની બીજા દિવસની ફ્લાઈટમાં કુલદીપ મુંબઈ પાછો ફર્યો. ઘેર આવતાવેંત કપડાં બદલાવી  તે સીધો જ કામે જવા રવાના થયો. આજે તે એક પળ પણ એકલો ઘરે રહેવા નહોતો માગતો, કારણ કે તે જાણતો હતો કે એકાંતની દરેક પળમાં ઇવાના જ વિચારો, એ જ વ્યથા  તેના દિલ અને દિમાગ પર કબજો જમાવી દેશે..

ફ્લાઈટમાં પણ ઇવાના વિચારોએ તેનો પીછો ક્યાં છોડ્યો હતો?

કેટલાં વરસોની અથાક મહેનત પછી ઇવાનું સર્જન શક્ય બન્યું હતું. તેના સર્જન દરમિયાન અને તેના અસ્તિત્વ પછી બનેલી નાની-મોટી પ્રત્યેક ઘટનાઓ એક ફિલ્મની માફક તેના દિમાગમાં ઘૂમી રહી હતી. ઇવાના સર્જન વખતે એવી તો ક્યાં કલ્પના પણ આવી હતી કે પોતાના ઉત્તમ સર્જનનું વિસર્જન પણ પોતે જ કરવું પડશે?

સર્જન સમયે જેટલો આનંદ ડૉ. કુલદીપે અનુભવ્યો હતો એટલો જ વિષાદ, વ્યથા હવે તેમને ઘેરી વળી હતી. હજુ તો પોતાના સર્જનને દુનિયા સમક્ષ લઈ જઈને ગર્વ મહેસૂસ કરવાનો બાકી હતો. ત્યાં જ…

પણ કદાચ એ ગર્વ તૂટી ગયો એ સારું જ થયું. માનવીનું સર્જન કરીને પોતે ઈશ્વર બનવાના ખ્વાબ જોતા હતા? પરિણામનો વિચાર કર્યા સિવાય ઈશ્વરના કામમાં ડખલગીરી ઊભી કરવા મથતા હતા? વિચારોના આ એક જ ચકરાવામાંથી પીછો છોડાવવા તે મથી રહ્યા.

 

ઑફિસે પહોંચીને કુલદીપે પોતાના ચહેરા પર એક મહોરું ઓઢી લીધું. મનની અસ્વસ્થતા કોઈને પણ નજરે ન પડવી જોઈએ. ભીતરમાં જે સંઘર્ષ ચાલી રહ્યો હતો તેનો અણસાર સુધ્ધાં કોઈને ન આવવો જોઈએ.

‘હેલ્લો સર, કેમ છો..? ક્યાં ખોવાઈ ગયા હતા આટલા દિવસ..?’

કુલદીપને આવેલો જોતાં જ દરવાજા પાસે જ સામે ઊભેલો એક ગુલાબી ચહેરો ટહુક્યો..ડાર્ક બ્લૂ સ્કિન ટાઇટ બ્લેઝર, ખૂલતું લેમન યલો ટોપ, વ્યવસ્થિત સેટ કરેલા વાળની કપાળ પર લહેરાતી લટ, આંખ પર રીમલેસ ફ્રેમના ગોલ્ડન ચશ્મા એના વ્યક્તિત્વને એક અલગ લુક આપી રહેતા. ચશ્મા પાછળથી પણ તેની તેજસ્વી આંખની ચમક જોઈ શકાતી. એ આયના હતી. કુલદીપની આસિસ્ટન્ટ કે એની પી.એ. જે નામ આપો તે.

કુલદીપ સામાન્ય રીતે ક્યારેય લાંબી રજા ન લેનારો માણસ હતો. એથી એની લાંબી રજા ખાસ કોઈ કારણ સિવાય ન હોઈ શકે એવી સૌની સામાન્ય માન્યતા હતી.

કુલદીપને જોતા જ આયનાના ચહેરા પર  સ્મિતની લહેરખી ફરી વળી. એના દિલમાં હાશકારો થયો.

‘હેલ્લો સર..આર યુ ઓકે?’

‘યેસ..એમ ફાઇન..આયના,..હાઉ આર યુ? એન્ડ એવરિથિંગ ઓકે હીયર?’

‘યેસ સર..એવરિથિંગ ઓકે..’

‘આઇ એમ ફાઇન સર, બટ કુલદીપ,  વોટ અબાઉટ યુ? બહુ લાંબું વૅકેશન લીધું?’

‘હા, કદીક તો લેવું પડે ને? ઘણા સમય બાદ મોકો મળ્યો તો પૂરો લાભ ઉઠાવ્યો.’

‘સર, બહારગામ ગયા હતા?’

‘તારું ઘડીકમાં આ સર અને ઘડીકમાં કુલદીપ ક્યાં સુધી ચાલુ રહેશે?’

કુલદીપે પ્રયત્નપૂર્વક વાત બીજે વાળવાનો પ્રયાસ કર્યો. તે અત્યારે બીજી કોઈ વાત કરવાના મૂડમાં નહોતો. કોઈ સવાલ જવાબ આ ક્ષણે તેને નહોતા જોઈતા.

બોલતાં-બોલતાં કુલદીપ પોતાની ચેમ્બરમાં પ્રવેશ્યો. તેની પાછળ-પાછળ આયના પણ પ્રવેશી.

કુલદીપને આયનાની પોતા માટેની લાગણીનો અંદાજ હતો.

પણ જાનકીની જગ્યા આજ સુધી તે કદી કોઈને આપી શક્યો નથી. એથી જ આયનાના દિલની વાત જાણવા છતાં અજાણ્યો બની રહ્યો હતો. જોકે આજે તેને જરૃર થયું કે આયના તેની સાથે આ રીતે વાતો કરતી રહે. આજે કદાચ પહેલી વાર તેને કોઈના સાથની જરૃર જણાઈ હતી. આજે તે એકલો પડવા નહોતો ઇચ્છતો. આજે વિચારોના ચક્રવાતમાંથી તેને છૂટવું હતું.

કુલદીપે ટેબલ પર પડેલો પાણીનો ગ્લાસ ઉઠાવી એકીશ્વાસે પાણી ગટગટાવ્યું.

અચાનક આયના બોલી ઊઠી.

‘કુલદીપ, આજે આપણે લંચ લેવા બહાર જઈશું? ઘણા સમયથી બહાર નથી ગયા.’

‘ઓકે..એઝ યુ વિશ.નો પ્રોબ્લેમ.’

આયનાને નવાઈ લાગી. મોટે ભાગે આવા કોઈ પ્રસ્તાવનો ઇન્કાર કરી દેનાર કુલદીપે આજે એક જ વારમાં હા પાડી દીધી?

‘ક્યાં જઈશું?’

‘સ્થળ તારી પસંદગી. જ્યાં તું લઈ જાય ત્યાં. આપણે તારી પાછળ પાછળ..’

‘શું વાત છે સર? આજે કોઈ નવા મૂડમાં છો?’

‘જે માનવું હોય તે માની શકે છે. આઇ એમ ધ સેઇમ.’

નો..નોટ એટ ઓલ..યુ આર નોટ સેઇમ. આયનાએ મનોમન કહ્યું અને પછી બોલી,

‘પહેલા કામ. પછી લંચ. કંઈક કામ તો કરવું પડશે ને?’

આયના એ વાક્ય કુલદીપને સારું લગાડવા બોલી હતી એ જાણતી હતી કે કુલદીપ હંમેશાં કામને પહેલું મહત્ત્વ આપતો હતો.

‘કામ તો થતું રહેશે. જિંદગી આખી કામ તો ચાલતું જ રહેવાનું ને? ચાલ, પહેલા ક્યાંક નિરાંતે બેસીને કૉફી પીશું. પછી લંચ માટે તું જ્યાં લઈ જાય ત્યાં. આજે કામનો મૂડ નથી. આઇ એમ ટાયર્ડ.’

આયના આશ્ચર્યથી કુલદીપ સામે જોઈ રહી.

‘અરે, એમાં આમ આંખો ફાડીને શું જુએ છે?’

‘જોઉં છું કે આ તમે જ બોલો છો? કે હું કોઈ સપનામાં છું?’

‘માણસ કદીક બદલાય પણ ખરો ને? ફોર અ ચેન્જ..આજે કંઈક અલગ કરવાનો મૂડ છે. એની ઓબ્જેક્શન?’

‘નો. નોટ એટ ઓલ..બલ્કે હું તો..’

બોલતાં-બોલતાં આયના અચકાઈ..

‘તું ઇચ્છે તો એ વાક્ય પૂરું કરી શકે છે.’

કુલદીપ આજે ન જાણે કેવા યે મૂડમાં હતો કે પછી જાતથી ભાગવા ઇચ્છતો હતો?

‘ના, ખાસ કશું નહીં.’

‘ખાસ સિવાયનું પણ ચાલશે.’

‘તમારું કૉફીનું સજેશન સાંભળી હું વિચારતી હતી કે…’

‘કે..?’

Related Posts
1 of 34

‘કે આ સજેશન તો હું આપવાની હતી ત્યાં એ તમારા તરફથી આવ્યું.’

‘ઓહ..એમ વાત છે? ગુડ..ચાલો..તો પછી શુભસ્ય શીઘ્રમ.. નીકળીશું?’

‘સ્યોર’ કહેતા આયના ઊભી થઈ. ટેબલ પર પડેલું પોતાનું પર્સ લીધું. તેના ચહેરા પર ખુશી છલકી ઊઠી હતી. થોડી વાર બંને કૉફી હાઉસમાં જવા બહાર નીકળ્યાં.

* * *

એ રાત્રે દોઢ વાગ્યે ગફૂરે એ અવાવરું મકાનના કંપાઉન્ડમાં ખોદેલા ખાડામાં ઇવાને દફનાવી. છેલ્લે પાવડાથી ધૂળ સમથળ કરી ત્યારે ત્યાંથી થોડે દૂર આવેલા પોતાના બંગલામાં ધૂંધવાયેલો ઇનાયત સકીનાને પૂછતો હતો..

‘મગર વો મરી કૈસે..? વો અપને સાથ કોઈ ઝહરકી પુડિયા તો નહિ લાઈ થી..?’

‘નહિ સાબ, મૈને પહલે હી વહ સબ ચેક કિયા થા. ઉનકો દિલકા દૌરા પડા..જબ વો મર રહી થી. મૈં ઉનકે સામને થી. ધીરે ધીરે ઉનકી સાંસ રુકતે હુએ મૈંને ખુદ અપની આંખોસે દેખા હૈ.. વો બહોત જ્યાદા ડરી હુઈ થી તો લગતા હૈ કી ડર કે મારે શાયદ દિલકા દૌરા…..’

ઇનાયતના ચહેરા પર ગુસ્સો છલકી ગયો..

‘જો ભી હો, વો તો મરી, મગર અપના તો સારા પ્લાન હી ફેલ હો ગયા..સલીમ ખાન કહતે થે કી અબ કલકા બોમ્બ બ્લાસ્ટકા પ્રોજેક્ટ થોડે દિનકે લિએ પોસ્ટપોન્ડ કરના પડેગા..પહેલી દફા મેરા કામ બિગડા હૈ.’

સકીના ચૂપચાપ સાંભળતી રહી પછી બોલી,

‘અબ ક્યા હોગા..? ઇસ કામ કો અંજામ કૌન દેગા..?’

એનો જવાબ ઇનાયત તો શું, સલીમ ખાન પાસે પણ નહોતો.

ફક્ત એક જ વ્યક્તિ એ જવાબ જાણતો હતો અને એ અત્યારે અબુધાબીથી ભારત આવતી ફ્લાાઇટમાં બેઠો હતો. એનું નામ હતું ઝાયેદ…

ઝાયેદ..ફક્ત બત્રીસ વર્ષનો તરવરિયો યુવાન..તેના ચહેરા પર ગજબની માસૂમિયત હતી. એ સારી રીતે જાણતો હતો કે તેના ચહેરા પરની એ માસૂમિયત જ તેની મૂડી હતી. એને પહેલી વખત મળતી વખતે કોઈ વિચારી જ ન શકે કે આ વ્યક્તિએ આટલી નાની વયે બારથી વધુ બોમ્બ બ્લાસ્ટમાં અનેક નિર્દોષ લોકોને ખતમ કરી નાખ્યા હશે. તેના બૂટની ઝીપમાં કાયમ એક નાનકડી રિવોલ્વર પણ રહેતી. ઝાયેદ એક આઈ.ટી. ગ્રેજ્યુએટ હતો.

ફ્લાઈટ ઉપડવાને હજુ વાર હતી ત્યારે તેણે પોતાના વૉટ્સઍપમાં આવેલો છેલ્લો મેસેજ ફરીથી વાંચ્યો જેમાં લખ્યું હતું.

‘ગાય દૂધ આપી શકે તેમ નથી. તમે તાત્કાલિક મુંબઈ આવી જાવ..’

એકવાર ફરીથી વાંચી તેણે મેસેજ ડિલીટ કર્યો. તેના ચહેરા પર એક ખંધું હાસ્ય ફરકી રહ્યું.

* * *

કૉફી હાઉસમાં કૉફી પીતા પીતા કુલદીપ કોઈ ફાલતુ જોક કરી પોતે જ હસી રહ્યો હતો. કુલદીપ અને જોક? કામ સિવાયની કોઈ વાત ન કરનાર કુલદીપ આજે કંઈક અલગ જ મૂડમાં હોય એવું આયના અનુભવી રહી. આજે કદાચ પહેલી વાર આયના શ્રોતાના રોલમાં હતી અને કુલદીપ વક્તાના રોલમાં. આયના આશ્ચર્યથી કુલદીપને સાંભળી રહી હતી. હકીકતે સાંભળવા કરતાં કુલદીપને નીરખી રહી હતી. સ્માર્ટ આયનાને એ પારખતા વાર ન લાગી કે ક્યાંક તો કશીક ગરબડ છે. આજનું કુલદીપનું વર્તન નોર્મલ નહોતું. કંઈક ખોટું છે અવશ્ય ખોટું છે, પણ શું? એની સમજ આયનાને ન પડી. અચાનક કુલદીપનું ધ્યાન આયના પર પડ્યું. આયના એને કોઈ જુદી જ રીતે નીરખી રહી હતી કે શું? તેના મનનો તાગ લેવા માગતી હતી

કે શું? પોતે કોઈ અજુગતું વર્તન કરી રહ્યો હતો?

‘આયના, આમ બાઘાની જેમ મારી સામે શું તાકી રહી છે? એની થિંગ રોંગ વિથ યુ?’

‘નથિંગ રોંગ વિથ મી..બટ આઇ નો સમથિંંગ મસ્ટ બી રોંગ વિથ યુ.’

આયના મનમાં જ બોલી. કુલદીપના મનમાં આજે ચોક્કસ કંઈક ગડમથલ છે. જેને ભૂલવા તે મથી રહ્યો છે. એ સમજતા આયનાને વાર લાગે એમ નહોતી.

‘શું વિચારે છે આયના?’

‘ખાસ કશું નહીં. આ કૉફી હાઉસમાં આવીને એક યાદ આવી ગઈ.’

‘યાદ? કોની યાદ?’

‘સર, માનવી માત્રને એક અતીત હોય છે. એવો અતીત જેને એ ભૂલવા મથે છે. આજે આ કૉફી હાઉસે મને પણ મારા અતીતની એક યાદ સાથે જોડી દીધી.’

ઓહ, થેન્ક ગોડ…કુલદીપે નિરાંતનો શ્વાસ લીધો. પોતે માનતો હતો એવો કોઈ ખ્યાલ આયનાને નથી આવ્યો. એ તો બિચારી પોતાના જ અતીતમાં ખોવાયેલી છે.

‘આયના, તારા એ અતીત વિશે પૂછવાનો મને કોઈ રાઇટ નથી. તારી ભીતરમાં ડોકિયું કરવાની અનધિકાર ચેષ્ટા હું કદી નહીં કરું, પણ ક્યારેક મન હળવું કરવા માટે કોઈ ખભાની જરૃર પડે તો..’

અચાનક કુલદીપ અટકી ગયો.

ભાવનાના પ્રવાહમાં ખેંચાઈને પોતે આ શું બોલી રહ્યો હતો?

પણ મળેલો મોકો આયના કેમ છોડે?

‘સર, કોઈ ખભાની જરૃર તો કોને નથી હોતી? પણ દરેકના નસીબમાં એવો ખભો ક્યાં હોય છે?’

આયનાના અવાજમાં અનાયાસે એક ભીનાશ ભળી રહી. જે કુલદીપને આજે સ્પર્શ્યા સિવાય ન રહી શકી.

‘આયના, અગર તને યોગ્ય લાગે તો મારી આગળ તું જરૃર નિખાલસતાથી વાત કરી શકે છે. ઇફ યુ કેન ટ્રસ્ટ મી..’

‘કુલદીપ, તારી પર ટ્રસ્ટ નહીં કરું તો કોની પર કરીશ?’ આયના મનમાં જ ગણગણી.

પરંતુ અત્યારે, આ પળે એવું કંઈ બોલવું હિતાવહ નથી એટલું ન સમજે એટલી મૂરખ આયના થોડી હતી?

‘કુલદીપ, જવા દો..અતીતની દુઃખદ યાદોને વાગોળી મારે આ સુંદર સમયને વેડફી નથી નાખવો. આજે તમને પણ ઘણા સમયે આવા મૂડમાં જોયા છે, ત્યારે મારે લીધે તમારો મૂડ બગડે એવું હું નથી ઇચ્છતી.’

‘ના, ના, આયના એવું કશું નથી. દિલની વાત કોઈને કહી દેવાથી બીજું કશું ન થઈ શકે તો પણ થોડો ભાર તો અવશ્ય હળવો થાય છે ‘ને રિલેક્સ થવાય છે.’

‘યેસ..સર..યુ આર એબસોલ્યુટલી રાઇટ..પણ સર, મને લાગે છે આપણે એ વાત બીજા કોઈ દિવસ પર રાખીએ તો? આજે બસ બધું ભૂલીને સાથે કૉફી પીએ.’

‘ઓકે..એઝ યુ વિશ. આઇ વૉન્ટ ફોર્સ યુ. પણ તારા મનની વાત જાણવાનું મને ચોક્કસ ગમશે. જો તને વાંધો ન હોય તો…’

‘સ્યોર સર..અને મને પણ મનની વાત તમારી સાથે શેર કરવી ગમશે.’

‘તો એક કામ કરીએ..કાલે સાંજે ઑફિસ પછી આપણે ડિનર સાથે લેશું. ઇઝ ઇટ ઓકે?’

આયનાને પોતાના કાન પર વિશ્વાસ ન આવ્યો. આજે કૉફી, પછી લંચ અને કાલે ડિનર? અને એ પણ કુલદીપ સામેથી ઑફર કરે? નક્કી કંઈક તો છે એ હવે નક્કી થઈ ગયું, પણ શું..? એ જાણવું જ રહ્યું.

‘તો કાલનું ડિનર ફાઇનલ?’

‘માય પ્લેઝર સર..’

અને બંનેએ કૉફીનો મગ હાથમાં લીધો.

* * *

ઝાયેદની ફ્લાઇટ મુંબઈના ઍરપોર્ટ પર ઊતરી ત્યારે સાંજના સાત વાગ્યાનો સમય થયો હતો. તે પોતાનો સામાન લઈ ઍરપોર્ટની બહાર આવ્યો ત્યારે તેનો ડ્રાઇવર મુસ્તફા તેની રાહ જોઈને ઊભો હતો. કારનો દરવાજો ખોલતા તે બોલ્યો,

‘માલિક, આપના અબ્બાહુઝુરની તબિયત બહુ  નાસાઝ છે. ગઈકાલે જ મને ફરમાવતા હતા કે આપ જ્યારે પણ બમ્બઈ આવો ત્યારે પહેલાં મારે સૌથી પહેલાં આપને એમના દીદાર કરવા લઈ જવા.’

‘મુસ્તફા, મારે અત્યારે તો એક બહુ જરૃરી કામે જવાનું છે. તું મને તાજ હોટેલ લઈ જા. મને ત્યાં ઉતારી તું ગાડી લઈ ઘરે જતો રહેજે. અબ્બાને કહેજે કે કાલ સવારે હું એમને મળવા આવીશ.’ કહી ઝાયેદે પોતાની ઘડિયાળમાં જોયું.

‘જેવો હુકમ માલિક’ કહી મુસ્તફાએ ગાડી સ્ટાર્ટ કરી. થોડી જ વારમાં ગાડી મુંબઈની ભારે ભરખમ ભીડમાં ખોવાઈ ગઈ.

હોટલ તાજ પહોંચતાવેંત ઝાયેદ પોતાના બુક કરાવેલા સ્યૂટમાં પહોંચ્યો ત્યાં એક વ્યક્તિ તેની રાહ જોઈને બેઠી હતી. તેને જોઈ ઝાયેદની આંખમાં એક ચમક ઊભરી રહી.

કોણ હતી એ વ્યક્તિ..?

હોટેલ તાજની લોન્જમાં બેસેલી એ યુવતીની નજર વારે વારે દરવાજા તરફ જતી હતી. એ કોઈની પ્રતીક્ષા કરી રહી હતી એ સ્પષ્ટ જણાઈ આવતું હતું.

ઍરપોર્ટ પરથી ઝાયેદ સીધો હોટેલ તાજના પોતાના રૃમમાં પ્રવેશ્યો. તેની પાછળ પાછળ તે યુવતી પણ રૃમમાં પહોંચી. એને જોતા જ ઝાયેદના ચહેરા પર એક મુસ્કુરાહટ આવી ગઈ.

‘હાય મોના…આવી ગઈ તું..? ચાલ..’

અને ઝાયેદ મોના સાથે ઉપર પોતાના રૃમમાં પહોંચ્યો.

(ક્રમશઃ)
————————–

Leave A Reply

Your email address will not be published.

Translate »