તમારા માટે, તમારી સાથે, સતત…

આરીફે પાડેલા નગ્ન ફોટા જોઈ ઇવા દંગ થઈ ગઈ

'ઇવા, સાચી વાત એ છે કે તારી ચામાં અમે ઘેનની ગોળી નાખી હતી.'

0 619

– નીલમ દોશી   હરીશ થાનકી

‘એક અધૂરી વાર્તા’ – નવલકથાઃ પ્રકરણ-૧૦

વહી ગયેલી વાર્તા

ડૉ. કુલદીપ દેશના અગ્રગણ્ય વિજ્ઞાની. વૈજ્ઞાનિક સંશોધન સંસ્થા ઇરોના ચૅરમેન. લેબોરેટરીમાં આબેહૂબ માનવ જેવા રૉબોટના સર્જનમાં તેમને સફળતા મળી, જેને નામ આપ્યું છે ઇવા. ઇવા ડૉ. કુલદીપને રૉબોટ તરીકે નહીં, પણ રીયલ વુમન તરીકે જીવવાનો હક માગે છે. ઇવાની રૉબોટ હોવાની મેમરી ડિલીટ કરી કુલદીપે તેને કહ્યું કે, તે એક મિત્રની પુત્રી છે. ઇવાએ આશ્રય આપવા બદલ ડૉ. કુલદીપનો આભાર માન્યો. ઇવા કુલદીપને અમુક પ્રશ્નો પૂછે છે જેને કારણે ડૉ. કુલદીપને જાનકી સાથે વિતાવેલા બાળપણની યાદ આવી. કુલદીપની પ્રિયતમા જાનકીનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું, ત્યારથી કુલદીપની જિંદગી શુષ્ક થઈ ગઈ હતી. એક દિવસ કુલદીપ અને ઇવા વચ્ચે જોબ કરવાના મુદ્દે રકઝક થાય છે અને કુલદીપ અધિકાર ભાવથી ઇવાને જોબ કરવાની ના પાડે છે. ઇવાને લાગે છે કે કુલદીપ તેના પ્રેમમાં છે. ઇવાના મનમાં પણ કુલદીપ માટે પ્રેમના અંકુર ફૂટે છે. કુલદીપને આ વાતની જાણ થતાં તે ઇવાનો પ્રેમ નકારી દે છે. ઇવાને આ વાતનો ગુસ્સો ચઢે છે અને તે અન્ય જગ્યાએ એસ્કોર્ટ ગર્લ તરીકે નોકરી કરવા લાગે છે. કુલદીપને ઇવાના પ્રોગ્રામિંગમાં ફેરફાર કરવાનું મન થાય છે. હકીકતે એક સર્જક પોતાના સર્જનના મોહમાં પડી ગયા હતા. ઇવા ડૉ. કુલદીપને કશું કહ્યા વિના જતી રહે છે. ઇવાને શોધવા કુલદીપ કામે લાગે છે. તે જૂની મેમરી ડિલીટ કરી નવી મેમરી ઉમેરવાનો વિચાર કરે છે. સોફ્ટવેરમાં ફેરફાર કરવા મહેનત કરે છે, પણ પ્રયાસ નિષ્ફળ જાય છે. ઇવા કુલદીપના મિત્ર આકાશ મલ્હોત્રાની પર્સનલ સેક્રેટરી બની જાય છે. આકાશ અને ઇવાને એકબીજાની કંપની ગમવા લાગે છે. ઇવા આકાશની પત્ની બનવાના સપના જોવા લાગે છે, પણ સ્વભાવે ઐયાશ એવો આકાશ ઇવાને પત્ની બનાવશે કે કેમ તે શંકા છે. આકાશ ઇવાને લગ્ન કરવાની ના પાડી દે છે. ઇવા ઉશ્કેરાઈ જાય છે. એવામાં તે આરીફના સંપર્કમાં આવે છે અને આરીફની કંપનીમાં જોડાય છે. આરીફ ગેરકાનૂની કામો કરતો હોય છે. દેહવ્યાપાર, નકલી દવાઓના બિઝનેસ સાથે જોડાયેલો હોય છે. તે ઇવાના નામે નકલી દવાનો બિઝનેસ શરૃ કરે છે. એક દિવસ આ નકલી દવાના વ્યાપારનો ભાંડો ફૂટે છે. આ જોઈને ઇવા ગભરાઈ જાય છે. તે આરીફને ફોન કરીને મળવા કહે છે.

હવે આગળ વાંચો…

‘નોટ નાઉ..હમણા આ બધી ચર્ચાઓ ચાલવાની…જેમ-જેમ સમાચાર આવતા જશે તેમ આગળ કાર્યવાહી થતી રહેવાની.

પોલીસ તપાસના ચક્કર ચાલુ રહેવાના. જોકે આપણુ નેટવર્ક એટલું જોરદાર ગોઠવાયેલું છે કે તારે એ બધી ચિંતા કરવાની કોઈ જરૃર નથી. એ બધું અમારું કામ છે. અમે ફોડી લેશું. બસ, અત્યારે તું અમદાવાદ પહોંચી જા. ત્યાં બીજા અનેક કામો તૈયાર છે. ક્યાં જવાનું છે એનું એડ્રેસ હું તને મેસેજ કરું છું. ત્યાં બધી સગવડ છે. હું પણ તારી પાછળ અમદાવાદ પહોંચું જ છું. પછી બધી વાત રૃબરૃ કરીશું.’

એટલું કહી ઇવા આગળ કશું પૂછે એ પહેલાં આરીફે ફોન કાપી નાખ્યો.

આરીફે આપેલા સરનામે ઇવા અમદાવાદમાં પહોંચી. શહેરથી ખાસ્સો દૂર આ એક વૈભવશાળી બંગલો હતો. ઇવા અમદાવાદ પહેલી વાર આવી હતી. આમ જુઓ તો અમદાવાદ નહીં, ઇવા મુંબઈની બહાર પણ પહેલી વાર નીકળી હતી. પોતે  એક અકસ્માતમાં મા-બાપ અને સાથે-સાથે પોતાની યાદદાસ્ત પણ ખોઈ ચૂકી હતી. એમ કુલદીપે જણાવ્યું ત્યારે સહેલાઈથી તેણે એ વાતનો સ્વીકાર કરી લીધો હતો કેમ કે ખરેખર પોતાને કશું યાદ ક્યાં આવતું હતું? પોતે કંઈ આસમાનમાંથી તો નહીં જ

ટપકી હોય ને? તેને કલ્પના પણ ક્યાંથી આવી શકે કે તે ઉપરથી નહીં, પણ કુલદીપની લેબોરેટરીમાંથી ટપકી હતી. એકવાર પોતાના અતીત વિશે, મમ્મી, પપ્પા વિશે પૂછપરછ કરતા કુલદીપે તેને સમજાવ્યું હતું કે, ડૉક્ટરે વૉર્નિંગ આપી છે કે હજુ તારા મગજ ઉપર બહુ સ્ટ્રેસ ન આવવું જોઈએ. જેથી અતીતની કોઈ વાત જબરજસ્તી યાદ કરવાનો પ્રયાસ નહીં કરવાનો. એની જાતે એની મેમરી ક્યારેક પાછી આવી જશે અને ત્યારે જાતે તને બધી જાણ થશે. ત્યાં સુધી ધીરજ રાખવી રહી. આમ ઇવાના મનનું સમાધાન થયું હતું.

આરીફ બે દિવસમાં અમદાવાદ આવી ગયો હતો. ઇવાએ મુંબઈની પરિસ્થિતિ વિશે પૂછતા તેણે જણાવ્યું હતું કે, ત્યાં સ્થિતિ બહુ સ્ફોટક બની ચૂકી છે. પોલીસ એ વિશે સઘન પૂછપરછ, તપાસ કરી રહી છે અને દવાની એ કંપનીમાં માલિક તરીકે તારું નામ હોવાથી હમણા તારે મુંબઈ જવું કોઈ રીતે સલામત નથી. આમ પણ અત્યારે અહીં ઘણુ કામ છે.

બીજે દિવસે આરીફે ઇવાને જણાવ્યું,

‘ઇવા, હું અત્યારે જયપુર જઈ રહ્યો છું. કાલે સવારે આપણા એક ખાસ ગેસ્ટ દુબઈથી આવી રહ્યા છે. તારે તેને ઍરપોર્ટ પરથી રિસીવ કરી ઝંઝા હોટેલમાં પહોંચાડવાના છે. એમનું નામ છે જનાબ મકબૂલ કૈફ. બપોરે એમની જમવાની વ્યવસ્થા ત્યાં જ કરી છે. એ જમી લે ત્યાં સુધી તેની સાથે રહેજે. તે

બપોરે આરામ કરવાની ઇચ્છા વ્યક્ત કરે એટલે ઑફિસે આવતી રહેજે. હું સાંજે આવી સીધો જ એમને મળવા જઈશ.’

‘પણ હું એમને ઓળખીશ કઈ રીતે..?’

‘મેં તેને તારો ફોટો મોકલી દીધો છે. એ જ તને ઓળખી લેશે. તારે તો સવારે સાડા દસે ફક્ત ઍરપોર્ટ પર હાજર રહેવાનું છે. ઓકે..?’

‘ઓકે.’

બીજે દિવસે ઇવા સમયસર ઍરપોર્ટ પહોંચી ગઈ. મકબુલ કૈફે તેને ઓળખી લીધી. તેણે હસીને ઇવા સાથે હાથ મિલાવ્યા અને ઇવાએ કાર હોટલ પર લેવડાવી.

મકબુલ કૈફ યુવાન અને આકર્ષક પુરુષ હતો. દુબઈના અન્ય ધનાઢ્યોની માફક સોનાના ઘરેણાથી લદાયેલો નહોતો. તે એકદમ સહજ અને સરળ લાગતો હતો.

બપોરે લંચ પછી પણ ક્યાંય સુધી તે ઇવા સાથે વાતો કરતો રહ્યો. તેને ઇવા ખૂબ જ શાર્પ લાગી.

‘મિસ ઇવા..યુ આર નોટ ઓન્લી વેરી બ્યુટીફુલ ગર્લ..બટ વેરી ઇન્ટેલિજન્ટ ટુ. આરીફે ખરેખર જ પોતાની ઑફિસ માટે એક યોગ્ય વ્યક્તિની પસંદગી કરી છે.’

‘થેન્ક્સ સર..’ ઇવાએ ઘડિયાળમાં જોયું.

‘ઓકે મિસ ઇવા..હવે તમે જઈ શકો છો..પણ જતાં પહેલાં એક કપ ચા પીવામાં મને કંપની આપશો?’

‘શ્યોર..’

થોડીવારમાં ચા આવી. ચા પીતા પીતા મકબૂલે ઇવાને થોડીવાર વાતોમાં રોકી રાખી. ત્યાં અચાનક ઇવાને લાગ્યું કે તેની

પાંપણો ભારે થઈ રહી છે. તેની આંખો ખૂલી નથી રહી શકતી. હજુ તે આગળ કશું વિચારે એ પહેલાં તો એ બેહોશ થઈ ગઈ. મકબૂલે ઝડપથી કોઈને મેસેજ કર્યો અને….

અને ઇવા જ્યારે ભાનમાં આવી ત્યારે  ત્યાં મકબૂલની સાથે તેણે આરીફને પણ જોયો.

આંખો ચોળતાં ઇવાએ ઘડિયાળમાં નજર કરી તો રાતના દસ વાગી ચૂક્યા હતા. હવે તે પૂરી હોશમાં આવી ચૂકી હતી. એનું ધ્યાન પોતાનાં કપડાં પર પડ્યું અને તે ગભરાઈ. આ શું? તેની આ હાલત? તેનાં કપડાંના કોઈ ઠેકાણા નહોતા રહ્યા અને…અને…

તેના ગળામાંથી ચીસ નીકળી ગઈ..

‘આ..શું છે આ બધું?’

‘રીલેક્ષ બેબી..રીલેક્ષ…તને હમણા બધું સમજાઈ જશે. તારાથી કોઈ વાત છૂપાવવામાં નહીં આવે. રાઇટ આરીફ?’

‘યેસ,’ કહેતા આરીફ હસ્યો. બંનેના ગંદા ઇશારા જોઈ ઇવા ત્યાંથી ઊભી થવા ગઈ. પણ ત્યાં…

‘નો..નો બેબી, બી સીટેડ..અમે કહીએ એ પછી જ ઊભું થવાનું ઓકે..?’

‘આખરે શું છે આ બધું? મારી સાથે આ રીતે…’

‘જો ઇવા, તારે સાચી વાત જાણવી છે?’ હવે આરીફ બોલ્યો. ઇવાએ હકારમાં માથું હલાવ્યું. હજુ ઘેનની અસરમાંથી પૂરી રીતે મુક્ત નહોતું થવાયું. માથું ભારે-ભારે લાગતું હતું.

‘ઇવા, સાચી વાત એ છે કે તારી ચામાં અમે ઘેનની ગોળી નાખી હતી.’

ઇવાના માથામાં સણકા આવતા હતા. તેના મગજમાં મકબૂલના શબ્દોનું અર્થઘટન ધીમે ધીમે થઈ રહ્યું હતું.

‘કેમ? શા માટે?’

જવાબમાં મકબૂલ ઊભો થયો અને પછી ઇવા પાસે આવી બોલ્યો,

‘જો બેબી, આરીફ મારા ધંધામાં પાર્ટનર છે. તે અહીં ભારતનું કામ સંભાળે છે. અમારા ધંધાનો એક નિયમ છે કે અમે કોઈ પણ વ્યક્તિને કામ પર રાખીએ તે

પહેલાં તેની પાસે એક કરારખત કરાવી લઈએ છીએ, પણ અમારો ધંધો જરા એવો છે કે તેમાં અમે કરારખત, અર્થાત એગ્રીમેન્ટ વકીલ પાસે તૈયાર કરાવી શકતા નથી એટલે તે અમે જાતે જ બનાવી લઈએ છીએ સમજી..’

‘કેવો કરારખત? ક્યાં છે એ..? મેં એવો કોઈ કરાર નથી કર્યો.’

Related Posts
1 of 34

ઇવાનું દિલ ફફડી ઊઠ્યું.

‘તેં નથી કર્યો, પણ અમે કર્યો છે એનું શું?’

‘એટલે..?’

આરીફ ખડખડાટ હસી પડ્યો. પોતાના ખીસ્સામાંથી મોબાઇલ કાઢી તેમાંથી ફોટા અને વીડિયો બતાવતા એણે નફટાઈથી કહ્યું,

‘આ છે અમારો કરારખત, જોઈ લે..’

ઇવા તેમાં થોડીવાર પહેલાં આરીફે પાડેલા ફોટા જોઈ દંગ થઈ ગઈ. તેમાં તે અર્ધનગ્ન અવસ્થામાં અને કેટલાક ફોટામાં તદ્દન નગ્ન અવસ્થામાં મકબૂલ સાથે..

એ આઘાતથી જોઈ રહી. શું બોલવું તે સમજાયું નહીં.

‘બી કૂલ બેબી, અહીં આ બધું સામાન્ય છે. આનો ઉપયોગ અમે નાછૂટકે જ કરીએ છીએ અને આરીફ પાસેથી મેં તારા વિશે જે કંઈ સાંભળ્યું છે એનાથી મને નથી લાગતું કે એવી કોઈ જરૃર પડે. માટે રીલેક્સ. જોકે આમ તો તારે માટે આ પણ જરૃરી નહોતું. અમારી પાસે બીજી એક વસ્તુ પણ છે.’

‘શું?’

ઇવા માંડ-માંડ આટલું જ બોલી શકી. હજુ એક તો એ ઘેનની અસરમાંથી પૂરી મુક્ત નહોતી થઈ અને એમાં આ ફોટા જોઈ આઘાતથી અવાચક જેવી બની રહી હતી.

‘જો આ…’ કહેતા આરીફે તેની સામે કાગળ ધર્યા.

‘આ..આ શું છે?’

‘આપણે કરેલા એગ્રીમેન્ટના લિગલ ડોક્યુમૅન્ટ..એ મુજબ નકલી દવાની જે કંપની છે એની માલિક તું એકલી છો. એની પૂરી જવાબદારી તારી એકલીની છે. અત્યારે તું પોલીસના મોસ્ટ વૉન્ટેડ લિસ્ટમાં છો. આખા મુંબઈની પોલીસ તારી શોધમાં છે.’

‘ઓહ..નો..’

‘ઓહ..યેસ બેબી.’ ખંધુ હસતા આરીફ બોલ્યો.

ઇવા ગુસ્સાથી રાતીચોળ બની રહી..

‘એટલે..એટલે તમે લોકોએ મારી સાથે દગો કર્યો?’

‘બેબી, આમાં દગા કે વગર દગાનો કોઈ સવાલ નથી. અમે કોણ છીએ એની તને જાણ છે?’

‘અને એ જાણ્યા પછી તું બીજા કોઈ સવાલો કરવાની ભૂલ નહીં કરે.’

મકબૂલે ઉમેર્યું. તેના અવાજની કરડાકી જોઈ ઇવા સ્તબ્ધ બની ગઈ.

આ બધું શું થઈ રહ્યું છે તેની સાથે?

એ પછી અડધો કલાક આરીફ બોલતો રહ્યો…ઇવા આઘાતથી સાંભળતી રહી. જીવનના આ કયા મોડ પર તે આવીને ઊભી રહી ગઈ હતી?

તે સાંજે..

આરીફ અને મકબૂલ પોતાનો માસ્ટર પ્લાન ઘડી રહ્યા હતા.

બરાબર એ સમયે કુલદીપ કોઈ પણ ભોગે ઇવામાં ફેરફાર કરવા મરણિયો બની રહ્યો હતો.

ઇવા હવે એક કઠપૂતળી બની ચૂકી હતી. એના પ્રોગ્રામમાં ફેરફાર કરવા મથી રહેલા કુલદીપના આડાઅવળા પ્રયોગોને લીધે ઇવા હવે વિચારવાની શક્તિ ધીમે ધીમે ખોઈ રહી હતી. એકીસાથે ઘણુ બધું વિચિત્ર બની રહ્યું હતું પોતાની સાથે, એવું કંઈક ઇવાને લાગતું હતું, પણ શું? એનો જવાબ તેને કોણ આપે..?

પોતાની લેબોરેટરીમાં બેઠેલા ડૉ. કુલદીપની ભીતરમાં વિચારોનો ચક્રવાત સર્જાયો હતો. ઇવાના સર્જને અનેક પ્રશ્નો સર્જ્યા હતા. હવે એમાંથી બહાર આવવાનો ઉકેલ શોધવા તે મથી રહ્યો હતો. એક ફેરફાર કરવા જતા બીજા અનેક ફેરફાર આપોઆપ થઈ રહ્યા હતા અને એ ફેરફાર કેવા થતા હતા એ પણ પૂરી રીતે સમજમાં નહોતું આવતું. કુલદીપ પોતાના સર્જનથી હવે બરાબર ગૂંચવાયો હતો. ગંભીર રીતે ગૂંચવાયો હતો. પોતે આવો રૉબોટ સર્જીને કોઈ ભૂલ કરી હતી કે શું?

ઇવાનું સર્જન કરતી વખતે કુલદીપે તેનામાં માનવીમાં રહેલી બધી જ વૃત્તિઓનું પ્રયોગાત્મક ધોરણે, અજમાયેશ માટે આરોપણ કરેલું, પણ ત્યારે એને કલ્પના સુધ્ધાં નહોતી કે ક્યારેક કોઈ પળે જ્યારે એની ભીતરની કોઈ આસુરી ભાવના ઉછાળો મારીને ઉપર આવશે ત્યારે એના પરિણામ કેવા ખતરનાક આવી શકે? આખરે તો એ એક મશીન જ રહેવાની ને? અને માનવીય રૃપ ધારણ કરેલું મશીન આસુરી વૃત્તિના કેફમાં આવીને જ્યારે કોઈ તોફાને ચડે ત્યારે કેવા કેવા ઉલ્કાપાત સર્જાઈ શકે એનો વિચાર કર્યા સિવાય કુલદીપ પોતાના સર્જનના કેફમાં મશગૂલ રહ્યો હતો. એ ભૂલ નાની-સૂની નહોતી એનો ખ્યાલ કુલદીપને હવે દરેક પળે આવી રહ્યો હતો. જેમ જેમ એ વિચારતો જતો હતો તેમ તેમ એની ભયાનકતા એને ધ્રૂજાવી દેતી હતી. કશુંક કરવું જોઈએ..પણ શું? રાત-દિવસ મથ્યા પછી પણ એ ઇવાના પ્રોગ્રામિંગમાં ધાર્યા મુજબના કોઈ ફેરફાર નહોતો કરી શક્યો. એની આસુરી વૃત્તિઓને ખતમ નહોતો કરી શક્યો. હવે ખતમ કરવી હોય તો ફક્ત તેની આસુરી ભાવનાને નહીં, ઇવાના સમગ્ર અસ્તિત્વને ખતમ કરવું રહ્યું.. એ એક જ આખરી ઉપાય બચતો હતો. એ ઉપાય કરવો કે નહીં, તેનો નિર્ણય લેતા કુલદીપ હજુ અચકાતો હતો. હવે કોઈ નિર્ણય લઈને તે ઉતાવળ કરવા નહોતો માગતો. હવે બીજી કોઈ ભૂલ પોસાય તેમ નહોતી.

જોકે શું કરવું તે કુલદીપને તાત્કાલિક સમજાયું નહીં. પોતાની પ્રયોગશાળામાં બે હાથે માથું પકડીને બેસેલા કુલદીપના દિમાગમાં અચાનક એક નામ ચમક્યું. ડૉ. રંગનાથન..યસ એ એક માત્ર અત્યારે તેના તારણહાર બનીને સાચી સલાહ આપી શકે તેમ હતા. ડૉ. રંગનાથન એક વખતના તેના ગુરુ હતા. જે અત્યારે ચેન્નાઈમાં હતા. આખરી નિર્ણય લેતા પહેલાં એકવાર ડૉ. રંગનાથનને મળવું જરૃરી હતંુ. એવું કુલદીપને લાગતું હતું, પણ હજુ કોઈ ચોક્કસ નિર્ણય પર આવી શકાયું નહોતું.

કુલદીપ ઇવા પર નજર રાખી રહ્યો હતો. ઇવાએ ઘર છોડી નોકરી કરવાનો નિર્ણય લીધો ત્યારે તેણે ઇવાને સમજાવવાનો પ્રયાસ કરવામાં કોઈ કચાશ નહોતી રાખી, પણ એમાં સફળ નહોતો થયો. પોતાની દરેક ચેતવણીના ઇવાએ ઊંધા જ અર્થ કાઢ્યા હતા. કુલદીપની દરેક સીધી વાતના અર્થ ઇવાની દ્રષ્ટિમાં બદલાઈ ચૂક્યા હતા. જેમ જેમ કુલદીપ તેને સમજાવવાનો પ્રયાસ કરતો જતો હતો તેમ તેમ ઇવા વધારે આક્રમક બનતી જતી હતી. કુલદીપને ઇવાનું વર્તન સ્પષ્ટ દેખાઈ શક્યું હતું અને એથી જ તેની અકળામણ, તેની મૂંઝવણ વધી હતી. ઇવા સાચેસાચ સ્ત્રી હોત તો ઈશ્વરને ભરોસે જ બધું છોડી દેવું પડ્યું હોત, પણ અહીં તો ઇવાનો ઈશ્વર, તેનો સર્જનહાર એ પોતે જ હતો. એથી ઇવાના કોઈ પણ કાર્ય કે કોઈ પણ વર્તન માટે એ પોતે જવાબદાર હતો અને એ ભાન જ કુલદીપને સતત કંઈક કરવા પ્રેરી રહ્યું હતું.

ઘણી મહેનત પછી આખરે કુલદીપ ઇવાનો પત્તો મેળવી શક્યો હતો. ઇવા વિશે બધી વાત જાણીને એની ચિંતા અનેકગણી વધી ચૂકી હતી. આરીફ વિશે તેણે જાતજાતની અફવાઓ સાંભળી હતી. હવે ગમે તેમ કરીને ઇવાને આમાંથી બહાર કાઢવાની જ હતી. કુલદીપ પોતાની લેબોરેટરીમાં લેપટોપ પર બેસી ઇવાના મગજમાં હકારાત્મક ફેરફાર કરવા કેટકેટલા સોફ્ટવેર ડાઉનલોડ કરવા મથી રહ્યો હતો, પરંતુ હજુ સફળતા કોસો દૂર હતી. નિષ્ફળ જવાનું પોસાય તેમ નહોતું અને સફળતાનો કોઈ રસ્તો દૂર દૂર સુધી નજરે નહોતો પડતો. છતાં હાર્યા સિવાય, આશા ગુમાવ્યા સિવાય કુલદીપ મચી રહ્યો હતો.

જો એ કશું ન કરી શકે તો એકમાત્ર છેલ્લો ઉપાય હતો ઇવાની ટોટલ સિસ્ટમને ડિફ્યુઝ કરવાનો..પણ..તેનો અર્થ હતો પોતાની દસ વરસની મહેનતને એક જ પળમાં બેકાર કરી દેવાનો. તેમ કરવાથી ઇવાનું અસ્તિત્વ કાયમ માટે ભૂંસાઈ જાય.

આજે તેના ખુદના જ સર્જને તેને કેવી દ્વિધામાં મૂકી દીધો હતો. પોતાના અદ્ભુત સર્જનનું વિસર્જન કરવાનો વિચાર સુધ્ધાં કુલદીપને અકળાવતો હતો. જે ઝનૂનથી એણે ઇવાનું સર્જન કર્યું હતું, એ જ ઝનૂનથી આજે રાત-દિવસ તે ઇવામાં જરૃરી ફેરફાર કરવા, તેમાં ફક્ત સદ્વૃત્તિ, હકારાત્મક વિચારો જ રહે અને બીજી બધી સંવેદનાઓ ડિલીટ થઈ શકે એ માટે ઝઝૂમી રહ્યા હતા અને એ ન થાય તો વિસર્જન એક એ જ એકમાત્ર આખરી ઉપાય બચતો હતો. પણ… વિસર્જન શબ્દ સાથે જ ફરી એકવાર ડૉ. કુલદીપે જોશથી માથું ધૂણાવ્યું. જાણે એ શબ્દને મગજમાંથી ખંખેરી નાખવા માગતા હતા.

ઇવા તેનું લાડકું સર્જન હતી. ગમે તેમ કરીને એ ઇવામાં જરૃરી ફેરફાર કરીને જ રહેશે. બસ, ત્યાં સુધી ઇવાને સાચવી લેવાની હતી. સામ, દામ, દંડ, ભેદ કોઈ પણ રીતે.

આ પળે ઇવા તેના કંટ્રોલમાં નહોતી અને એ જ ચિંતા એમને સતત સતાવતી હતી. પોતાનું સર્જન જ્યારે અવળે રસ્તે ચડી જાય ત્યારે તેના સર્જકને થતી પીડાનો અહેસાસ આ પળે ડૉ. કુલદીપ અનુભવી રહ્યા હતા. કદાચ ઈશ્વર પણ આવી જ કોઈ વ્યથા અનુભવતો હશે ને? એનું પરમ સર્જન માનવી જ્યારે અવળી દિશા પકડે ત્યારે એ પણ મારી જેમ જ, મારા જેટલી જ વ્યથા થતી હશે? એવી જ અકળામણ એ પણ અનુભવતો હશે કે શું?

ફરી એકવાર કુલદીપના મગજમાં  જાતજાતના વિચારો તોફાન મચાવી રહ્યા હતા.

ડૉ. કુલદીપના મનમાં જાણે સાવ અચાનક વીજળીના ઝબકારની જેમ આ પ્રશ્ન સળવળી ઊઠ્યો અને આ ઝબકારે તે ચોંકી ઊઠ્યા. પોતે તો એક ઇવા સર્જી છે. ઈશ્વરે તો આખી માનવજાત…! અને પોતાના આવા અપ્રતિમ સર્જનને અવળે રસ્તે ચડેલો જુએ ત્યારે તેને ન જાણે કેવી પીડા અનુભવવી પડતી હશે?

પોતાની પ્રયોગશાળામાં લેપટોપ પર કામ કરતી કુલદીપની આંગળીઓ થંભી ગઈ હતી. પૂરી રાત તે વિચારોની આંધીમાં સપડાયેલા રહ્યા.

આ તરફ ઇવાએ હારેલી સ્ત્રીની જેમ વિચારવાનું છોડી દીધું હતું. આ લોકો કહે એમ કર્યા સિવાય બીજો કોઈ ઉપાય પોતાની પાસે બચ્યો નથી એ તેને સમજાઈ ગયું હતું. બની શકે છેલ્લી ઘડીએ કંઈક સૂઝે..એ એક જ આશા હવે રહી હતી. આમ પણ હવે તે વધારે કશું વિચારવાની શક્તિ ખોઈ બેસી હતી.

બીજે દિવસે સવારે બરાબર સાડા દસ વાગ્યે આરીફની સૂચના મુજબ ઇવા આપેલા સરનામે જઈને ઊભી ત્યાં એક સિલ્વર કલરની મારુતિ કાર તેની પાસે આવીને ઊભી રહી. તેના સ્ટિયરિંગ પર એક બુરખાધારી સ્ત્રી બેઠી હતી. તેના ઇશારે ઇવા કારમાં જઈ બેસી ગઈ. એ સ્ત્રીએ પોતાનો કોઈ પણ જાતનો પરિચય આપ્યા સિવાય પહેલા ઇવાની આંખો પર કાળી પટ્ટી બાંધી દીધી.તેના હાથ પણ બાંધી દીધા જેથી તે ભૂલથી પણ પટ્ટી ખોલી ન શકે અને પછી ગાડી ઝડપથી વડોદરા હાઈવે પર દોડાવી મૂકી.

રસ્તામાં ઇવાએ તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો, પણ વ્યર્થ….લગભગ એકાદ કલાકના ડ્રાઇવ પછી પેલી યુવતીએ એક તરફ ગાડી પાર્ક કરી. કારનો પાછળનો દરવાજો ખોલી ઇવાને બહાર કાઢી બંગલામાં તેડી ગઈ.

(ક્રમશઃ)
————————-

Leave A Reply

Your email address will not be published.

Translate »