તમારા માટે, તમારી સાથે, સતત…

ઇવા એક અત્યંત મહત્ત્વાકાંક્ષી યુવતી હતી

હવે ઇવાની દરેક સાંજ આકાશ સાથે રંગીન બનતી હતી.

0 399

‘એક અધૂરી વાર્તા’ નવલકથા – પ્રકરણ-૯

  • નીલમ દોશી હરીશ થાનકી

વહી ગયેલી વાર્તા

ડૉ. કુલદીપ દેશના અગ્રગણ્ય વિજ્ઞાની. વૈજ્ઞાનિક સંશોધન સંસ્થા ઇરોના ચૅરમેન. લેબોરેટરીમાં આબેહૂબ માનવ જેવા રૉબોટના સર્જનમાં તેમને સફળતા મળી, જેને નામ આપ્યું છે ઇવા. ઇવા ડૉ. કુલદીપને રૉબોટ તરીકે નહીં, પણ રીયલ વુમન તરીકે જીવવાનો હક માગે છે. ઇવાની રૉબોટ હોવાની મેમરી ડિલીટ કરી કુલદીપે તેને કહ્યું કે, તે એક મિત્રની પુત્રી છે. ઇવાએ આશ્રય આપવા બદલ ડૉ. કુલદીપનો આભાર માન્યો. ઇવા કુલદીપને અમુક પ્રશ્નો પૂછે છે જેને કારણે ડૉ. કુલદીપને જાનકી સાથે વિતાવેલા બાળપણની યાદ આવી. કુલદીપની પ્રિયતમા જાનકીનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું, ત્યારથી કુલદીપની જિંદગી શુષ્ક થઈ ગઈ હતી. એક દિવસ કુલદીપ અને ઇવા વચ્ચે જોબ કરવાના મુદ્દે રકઝક થાય છે અને કુલદીપ અધિકાર ભાવથી ઇવાને જોબ કરવાની ના પાડે છે. ઇવાને લાગે છે કે કુલદીપ તેના પ્રેમમાં છે. ઇવાના મનમાં પણ કુલદીપ માટે પ્રેમના અંકુર ફૂટે છે. કુલદીપને આ વાતની જાણ થતાં તે ઇવાનો પ્રેમ નકારી દે છે. ઇવાને આ વાતનો ગુસ્સો ચઢે છે અને તે અન્ય જગ્યાએ એસ્કોર્ટ ગર્લ તરીકે નોકરી કરવા લાગે છે. કુલદીપને ઇવાના પ્રોગ્રામિંગમાં ફેરફાર કરવાનું મન થાય છે. હકીકતે એક સર્જક પોતાના સર્જનના મોહમાં પડી ગયા હતા. ઇવા ડૉ. કુલદીપને કશું કહ્યા વિના જતી રહે છે. ઇવાને શોધવા કુલદીપ કામે લાગે છે. તે જૂની મેમરી ડિલીટ કરી નવી મેમરી ઉમેરવાનો વિચાર કરે છે. સોફ્ટવેરમાં ફેરફાર કરવા મહેનત કરે છે, પણ પ્રયાસ નિષ્ફળ જાય છે. ઇવા કુલદીપના મિત્ર આકાશ મલ્હોત્રાની પર્સનલ સેક્રેટરી બની જાય છે. આકાશ અને ઇવાને એકબીજાની કંપની ગમવા લાગે છે. ઇવા આકાશની પત્ની બનવાના સપના જોવા લાગે છે, પણ સ્વભાવે ઐયાશ એવો આકાશ ઇવાને પત્ની બનાવશે કે કેમ તે શંકા છે. ઇવાને પણ ખ્યાલ નથી હોતો કે તે રૉબોટ છે સ્ત્રી નથી.

હવે આગળ વાંચો…

હવે ઇવાની દરેક સાંજ આકાશ સાથે રંગીન બનતી હતી. દિવસે મૉડેલિંગ અને સાંજે આકાશની બાહોમાં..આકાશને તો જાણે બંને હાથમાં લાડુ હતા.

એક એવી જ રંગીન સાંજે આકાશની બાહોમાં સમાયેલી ઇવાએ લાડથી કહ્યું,

‘આકાશ..મને લાગે છે કે આપણે હવે મેરેજ કરી લેવા જોઈએ..’

‘આઇ લવ યુ ડીયર..પણ અત્યારે એવી ઉતાવળ શું છે? અને લગ્નની જરૃર પણ ક્યાં છે? વગર લગ્ને પણ હું તારો જ છું ને? શી ખોટ છે આપણને? તારી બધી ડિમાન્ડ હું

પૂરી કરું જ છું ને?’

‘પણ આકાશ, લગ્ન શા માટે નહીં?’

પણ ઇવા આગળ કશું બોલે તે પહેલાં જ આકાશે ઇવાના હોઠ પર પોતાના હોઠ મૂકી ઇવાને બોલતી બંધ કરી દીધી હતી. ઇવા ફરી એકવાર આકાશમાં ઓગળી ગઈ.

એ સાંજ પૂરતી તો વાત ત્યાં જ અટકી ગઈ એટલે આકાશે રાહતનો શ્વાસ લીધો.

પણ એ રાહત કદાચ કામચલાઉ હતી. ઇવાના..એક સ્ત્રીના મગજમાંથી એ વાત ખસે એમ નહોતી એની જાણ કદાચ આકાશને નહોતી.

બીજે દિવસે ઇવાએ ફરી એકવાર એ વાત કાઢી. બંને વચ્ચે ખાસ્સી ચર્ચા થઈ.

‘પણ શા માટે..? લગ્ન શા માટે નહીં..? આપણા આટલા સંબંધો પછી વાંધો શો..?

ઇવા એમ સહેલાઈથી વાત પડતી મૂકે એમ નથી. એવું લાગતા આકાશે નફટાઈથી હસતા હસતા કહી જ દીધું,

‘જો ડીયર..હું એકદમ ફ્રી નેચરનો માણસ છું. મને લગ્નનું બંધન પોસાય નહીં. હા, આપણા સંબંધો ચાલુ રહેશે. તને સારામાં સારી રકમ પણ મળતી રહેશે. તારી દરેક જરૃરિયાત હું પૂરી કરતો રહીશ અને તારે મારી જરૃરિયાત પૂરી કરવાની.. સિમ્પલ..એમાં મેરેજ કરીને આપણા સંબંધને કોમ્પ્લિકેટેડ બનાવવાની શી જરૃર છે? ધિસ ઇઝ મ્યુચલ અન્ડરસ્ટેન્ડિંગ..ડીયર.. બાકી  મેરેજ..? ફરગેટ ઇટ..’

‘આકાશ, તો શું હું તારા માટે એક કૉલગર્લ છું?’

‘તો એ સિવાય બીજું તું છે પણ શું? કોઈ સારી સ્ત્રી આ રીતે આવી સહેલાઈથી પોતાનું શરીર થોડી સોંપે? અને રીમેમ્બર..મેં તારી પર કોઈ બળજબરી નથી કરી. કોઈ બળાત્કાર નથી કર્યો, સમજી? મેં તારી પૂરી કીમત ચૂકવી છે. આજે તારી પાસે જે કંઈ સુખ સગવડનાં સાધનો, આ ફ્લેટ, કાર બધું કોને લીધે છે? માટે સમજુ બનીને જેમ ચાલે છે એમ ચાલવા દે. લગ્નની ગાંડી ઘેલી વાતો ભૂલીને જલસા કર અને કરાવ..’

આકાશે ખંધુ હસીને ઇવા સામે ગંદો ઇશારો કરતા ઇવાનો હાથ પકડ્યો.

ઇવા છંછેડાઈ. આકાશની નજરમાં તે શું હતી એક કૉલગર્લ માત્ર? એટલી જ તેની કીમત હતી?

ફરી એકવાર તે છેતરાઈ હતી? ઇવાના તન મનમાં જાણે આગ લાગી. આકાશના હાથને ઝાટકો મારી તે ત્યાંથી દોડી ગઈ.

આકાશ ઇવાને જતી જોઈ રહ્યો. જઈ જઈને આખરે તે ક્યાં જવાની હતી? તેને કોણ સંઘરવાનું હતું? તેણે પાછું તેની પાસે જ આવવું રહ્યું. આકાશે કોઈ ચિંતા કે પરવા કરવાની જરૃર ન જોઈ.

ગુસ્સામાં દોડી ગયેલી ઇવાને તેની મિત્ર ચાર્મી સાથેનો સંવાદ યાદ આવ્યો.

‘ઇવા, આ જગત પુરુષોનું છે. આ દુનિયા પુરુષો ચલાવે છે. તેઓ માટે સ્ત્રી ફક્ત ઉપભોગની ચીજ છે. જ્યાં સુધી તમે પુરુષને તમારું શરીર નથી સોંપતા ત્યાં સુધી તે તમે કહેશો તેમ કરશે. એક વખત તે તમને ભોગવી લેશે પછી બીજા જ દિવસથી તે તમને પોતાની પગની જૂતી સમજવા લાગશે. જો પુરુષોના જગતમાં તમે રાજ કરવા માંગતા હો તો એક વાત યાદ રાખો..તેને તરસાવો..તડપાવો..તેને તમારા ઘૂંટણિયે પડવા દો પણ..તેને એ કદી જ ન આપો જે તે તમારી પાસે ઝંખે છે.’

પણ હવે એ બધાનો કોઈ અર્થ નહોતો. એ માટે હવે ખૂબ મોડું થઈ ચૂક્યું હતું. એનું ભાન ઇવાને આ ક્ષણે જ થયું.

આખી રાત ઇવાના મગજમાં જાતજાતના વિચારો ફરી એકવાર ઘૂમરાતા રહ્યા. ના,  હવે તે આંસુ નહીં સારે. આજીજી નહીં કરે. પોતે ગમે તેમ કરીને આકાશને પાઠ ભણાવશે જ. મનોમન કોઈ નિર્ણય કર્યા બાદ ઇવાનું મગજ થોડું શાંત થયું.

બીજા દિવસે ઇવાને ઑફિસે આવેલી જોઈ આકાશને થોડું આશ્ચર્ય થયું. તેને તો હતું કે હજુ બે ચાર દિવસ ઇવા પોતાને   મનાવવાનો પ્રયાસ કરશે. રડશે, કકળશે, આજીજી કરશે…પણ એને બદલે જાણે કશું બન્યું જ ન હોય એમ ઇવા સ્વસ્થ હતી. તેણે લગ્નની કે એવી કોઈ વાત જ ન કાઢી. સીધી કામની વાત જ શરૃ કરી.

આકાશને થયું સારું થયું. ઇવા સમજી ગઈ.

ઇવા જેટલી જલ્દી વાસ્તવિકતા સ્વીકારી લે તેટલું પોતાના માટે સારું હતું. તેણે પણ હવે પ્રોફેશનલ એપ્રોચ અપનાવ્યો.

‘જો ઇવા, કાલે મારે સિંગાપોર જવાનું છે. ત્રણ દિવસનો પ્રોગ્રામ છે. તું આવીશ મારી સાથે..?’ આકાશે પૂછ્યું.

‘ના, મારે અહીં કામ છે. તું જઈ આવ..’

‘સારું, તો આવતી કાલે રાજસ્થાનથી એક પાર્ટી અહીં આવે છે. તું તેને આપણા અત્યાર સુધીના વર્ક આઉટ બતાવી દેજે. જરૃર પડે તેને બપોરે લંચ માટે કોઈ સારી હોટેલમાં લઈ જજે. ટ્રાઇ ટુ કન્વિન્સ હીમ…’

‘ઓકે..’

બીજે દિવસે સવારે અગિયાર વાગે ઉદેપુરથી મિ. આરીફ કરીને કોઈ વ્યક્તિ મળવા આવી. ઇવાએ તેને મળી પોતાની કંપનીની વિગતો સમજાવી. વાતવાતમાં ઇવાને એ સમજતા વાર ન લાગી કે આરીફને તેની વાત કરતા તેનામાં વધુ રસ પડતો હતો.

‘મેડમ, તમે મને તમારા શૉના કોઈ ડેમો બતાવી શકશો?’

‘ચોક્કસ,’ કહી ઇવા તેને પ્રોજેક્ટર રૃમમાં લઈ ગઈ. રૃમમાં અંધારું કરી સ્ક્રીન ચાલુ કર્યો. સામે પડદા પર ગયા મહિને મુંબઈમાં યોજાયેલો ફેશન શૉ ચાલુ થયો. ઇવા વચ્ચે વચ્ચે મૉડેલ્સ અને તેની વિશેષતાઓ વિશે જણાવી રહી હતી. અચાનક ઇવાને લાગ્યું કે આરીફનો હાથ તેના હાથ પર આવી ગયો હતો. ઇવાએ સિફતથી તેને દૂર હટાવ્યો. અને પછી પોતાનું બોલવાનું ચાલુ રાખ્યું.

એ પછી આરીફ ચૂપચાપ શૉ જોતો રહ્યો.

‘મિસ ઇવા, મને તમારું કામ ગમ્યું છે..આઈ મીન તમારી કંપનીનું..હું આકાશ સાથે કામ અંગે વાત કરી લઈશ.’

શૉ પુરો થતાં બપોરે આરીફને કંપની આપવા તે તેની સાથે ‘હોટલ નીઓ રીચ’ પહોંચી.

Related Posts
1 of 34

જમતા જમતા આરીફે ઇવાના ફેમિલી વિશે જાણવાનો પ્રયત્ન કર્યો, પણ ઇવાએ તેને ખોટું ન લાગે તે રીતે બિઝનેસમાં અંગત વાતો નહીં કરવાનો પોતાનો ઉસૂલ જણાવી દીધો.

તેની આ વાતથી આરીફ ખુશ થઈ ગયો અને બોલ્યો,

‘મિસ ઇવા, મને તમારી સ્માર્ટનેસ ગમી..ઇન ફેક્ટ..હું અહીં મારો પોતાનો જ એક બિઝનેસ શરૃ કરવા માગું છું..શું તમે મારું કામ સંભાળશો..? તમે જે સેલેરી માંગશો તે હું આપવા તૈયાર છું, કારણ કે મને તમારા જેવી વ્યક્તિની જરૃર છે.’

‘ઓકે..આઇ થિન્ક આઇ કેન જોઇન યુ.’

ઇવાએ વધારે વિચાર કર્યા સિવાય તુરત જવાબ આપ્યો.

ઇવામાં રહેલા સ્વતંત્રતાના, સ્વમાનના, બદલાની સારાસારનો વિવેક ગુમાવી બેસેલી સ્ત્રી જેવી નેગેટિવ ભાવનાઓ બીજા બધા પ્રોગ્રામો પર હાવી થઈ રહી હતી.

આજે આરીફ પાસેથી સારી ઑફર સામેથી આવતી હતી એથી તે વખત ગુમાવવા નહોતી માગતી.

વેલકમ કહેતા આરીફે તેની સાથે હાથ મિલાવ્યા.

પણ ઇવાને ક્યાં જાણ હતી કે આ હાથ મિલાવવા તેને કેટલા મોંઘા પડવાના છે? ઇવાના અસ્તિત્વ પર હવે કેવું જોખમ તોળાઈ રહ્યું હતું. એની જાણ એને ક્યાં હતી?

અને બરાબર ત્યારે એનો સર્જક હજુ પણ રાત-દિવસ એક કરીને જુદી-જુદી અનેક મથામણમાંથી પસાર થઈ રહ્યો હતો.

કુલદીપ ફરી એકવાર રાતદિવસ લેપટોપમાં ગૂંથાયો હતો. ઇવા પર જાતજાતના કંટ્રોલ મૂકવાની મથામણમાં સફળ થવાશે કે પછી..? એનો જવાબ સમયદેવતા સિવાય કોણ આપી શકે?

આકાશ સિંગાપોરથી પાછો આવ્યો ત્યારે ઇવા તેને છોડીને આરીફ સાથે જોડાઈ ચૂકી હતી. આકાશને પણ હવે ઇવામાં ખાસ કોઈ રસ નહોતો રહ્યો. તૂ નહીં તો ઓર સહી. તેના માટે છોકરીઓનો ક્યાં તોટો હતો? એણે પણ ઇવાની ખાસ કોઈ દરકાર કરી નહીં.

ઇવાએ બહુ જલ્દીથી આરીફનું કામ સંભાળી લીધું.

ઇવામાં આમ પણ હાઈ ઇન્ટેલિજન્સનો સુપરપાવર ઇન્સ્ટોલ કરાયેલો હતો, પણ કમનસીબે એનામાં ઇન્સ્ટોલ કરાયેલા બધા પોઝિટિવ સંવેદનોને બદલે હવે નેગેટિવ સંવેદનાઓ જ કામ કરતી થઈ હતી. કયા કારણથી આ ગરબડ ઊભી થઈ હતી એની જાણ તો એના સર્જક સિવાય કોને હોય  શકે? કમનસીબે એના સર્જકને પણ એ નહોતું સમજાયું. એથી એનો સર્જક કુલદીપ બધંુ ભૂલીને રાત-દિવસ એ કામમાં જ મથી  રહ્યો હતો.

ઇવામાં ઇન્સ્ટોલ કરાયેલી દૈવી વૃત્તિઓ નાશ પામી હતી અને આસુરી વૃત્તિઓ ઉપર આવી હતી. એ કદાચ કોઈ યાંત્રિક ગરબડને આભારી હતી, પણ એ ગરબડ કેમ થઈ, ક્યારે થઈ અને હવે એ ગરબડ કેમ દૂર કરી શકાય એ પ્રશ્ન કુલદીપ માટે માથાનો દુખાવો બની રહ્યો હતો.

એ નેગેટિવ ભાવનાના ઓથાર નીચે ઇવાને કુલદીપ અને આકાશ સામે બદલો લેવાના અને અઢળક પૈસા કમાવા સિવાય બીજા કોઈ વિચાર સ્પર્શતા નહોતા. એ માટે તે ગમે તે કરવા તૈયાર હતી.

આરીફની મુંબઈની આ ઑફિસ વસઇમાં હજુ નવી જ શરૃ થઈ હતી. હજુ તો ફર્નિચર અને ડેકોરેશનનું કામ ચાલતું હતું. શરૃઆતના પંદર દિવસ તો ઇવાને ખાસ કશું સમજાયું નહીં. પહેલી નજરે તો આરીફ જે કરતો હતો તેમાં તેને કંઈ વાંધાજનક ન દેખાયું. આરીફની જુદાં-જુદાં રાજ્યમાં ખાનગી પ્લેસમેન્ટ સેન્ટર ચલાવતી કંપની હતી. જેમાં નોકરી શોધતા યુવકો અને યુવતીઓ પોતાનું નામ રજિસ્ટર કરાવે. ભારત કે વિદેશમાં ચાલતી કોઈ પણ સંસ્થા કે પ્રાઇવેટ સેક્ટરને કામ માટે માણસોની જરૃર પડે ત્યારે તે અહીં રજિસ્ટર થયેલાં યુવક-યુવતીનાં નામ અને બાયોડેટા મંગાવે અને ઇન્ટરવ્યૂ લઈ પોતાની જરૃરિયાત પ્રમાણે નોકરીએ રાખી લે. આરીફની આવી ઑફિસો મુંબઈ ઉપરાંત યુ.પી., બિહાર, રાજસ્થાન, ગુજરાત અને કેરાલા વગેરે જગ્યાએ પણ હતી જ.

ઇવાને કામે રાખ્યા બાદ આરીફને બહુ થોડા જ વખતમાં ખ્યાલ આવી ગયો કે ઇવા એક અત્યંત મહત્ત્વાકાંક્ષી યુવતી હતી. તેને ઝડપથી ધનવાન બનવું હતું. એટલું જ નહીં, તેના મનમાં કોઈની સામે પ્રતિશોધ લેવાની ભાવના ભડકે બળી રહી હતી. આરીફનો જે મુખ્ય બિઝનેસ હતો તેમાં તેને આ પ્રકારની સ્ત્રી ખૂબ જ મદદરૃપ થાય તેમ હતી. એ જ રીતે ઇવાના સુપર ડુપર કોમ્પ્યુટર દિમાગને પણ ખ્યાલ આવી ગયો જ હતો કે આરીફનું કામ જે દેખાય છે એટલું જ નથી, પણ કોઈ ઊંડી રમત છે, પણ એ શું છે? એ તેને સમજાતું નહોતું અને સમજવાની ઇચ્છા પણ નહોતી. અર્જુનની એક આંખની જેમ હવે ઇવાને પૈસા સિવાય કશું જ નહોતું દેખાતું.

હકીકતે પહેલી નજરે એકદમ વ્યવસ્થિત દેખાતા ખાનગી પ્લેસમેન્ટ સેન્ટરના ઓઠા પાછળ આરીફ અનેક ગેરકાનૂની ધંધા ચલાવતો હતો. તેની પાસે અલગ-અલગ પ્રકારના ઘણા પોર્ટફોલિયો રહેતા. જેમાં એક પોર્ટફોલિયોમાં દેહ વ્યાપાર સાથે જોડાયેલી યુવતીઓ અને યુવકોની નોંધ રહેતી. જેમાં એમનાં નામ અને ફોટા મૉડેલ તરીકે નોંધવામાં આવતાં. શહેરની અમુક ઉચ્ચ મધ્યમવર્ગની હાઉસ વાઈફ પોતાના શોખ સંતોષવા પતિથી સંતાઈને શરીરના સોદા માટે અહીં પોતાનો મોબાઇલ નંબર નોંધાવતી. તે ફક્ત પતિ નોકરીએ જાય ત્યારે બપોરનો સમય જ ગ્રાહક માટે ફાળવતી.

બીજા પોર્ટફોલિયોમાં વિદેશમાં ઘરકામ માટે જરૃરિયાત માટે ઘરેલુ કામ જાણતી સ્ત્રીઓની માહિતી રાખવામાં આવતી. અહીંથી અત્યંત ગરીબ ઘરની સ્ત્રીઓને ઘરકામના બહાના હેઠળ વિદેશ મોકલવામાં આવતી. ત્યાં તેનો કબજો સંભાળતી વ્યક્તિ તે સ્ત્રીઓનો પાસપોર્ટ લઈ લેતી અને પછી બળજબરીથી તેમની પાસે દેહ વ્યાપાર કરાવવામાં આવતો. એટલું જ નહીં, તેમની પાસે જરૃર પડ્યે ગેરકાનૂની કામ પણ કરાવવામાં આવતા.

આરીફના આ પ્રાઇવેટ એમ્પ્લોયમૅન્ટ એક્સચેન્જમાં રજિસ્ટર થયેલા બેરોજગાર યુવક-યુવતીઓને તેમની તંગ આર્થિક હાલતનો ફાયદો ઉઠાવી કામ અપાવવાના ઓઠા હેઠળ અજાણતા જ આતંકવાદી પ્રવૃત્તિનો હાથો બનાવી દેવામાં આવતા અને ત્યાર બાદ એને બ્લેકમેલ કરી આ કામ ચાલુ રાખવા માટે મજબૂર કરી દેવામાં આવતા. એક દિવસ આરીફે ઇવાને બોલાવી અને કહ્યું,

‘ઇવા, આપણને એક નવું કામ મળી શકે તેમ છે, પરંતુ મારા અનેક બિઝનેસ ચાલતા હોવાથી હવે હું કોઈ નવું કામ મારા નામે કરવા માગતો નથી, કારણ કે તેમાં ટેક્સના લફરા વધી જાય તેમ છે. જો તું ઇચ્છે તો તે કામ હું તારા નામે શરૃ કરું. અલબત્ત, તેમાં બધું જ મૂડી રોકાણ મારું હશે. તેનો બધો વહીવટ પણ હું જ સંભાળીશ. તારે તો ફક્ત કામ સંભાળવાનું..તેમાં જે આવક થાય તેના પંદર ટકા તારા.’

‘કામ કેવું છે?’

‘દવા બનાવતી વિદેશી કંપનીઓ કે જેનું ભારતમાં બહુ મોટું માર્કેટ છે તેમાં મોટા ભાગની દવાઓ એવા રોગ માટેની હોય છે જે રોગ એકવાર થયા બાદ તેની દવા કાયમ માટે લેવી પડતી હોય. જેમ કે બ્લડપ્રેશર, ડાયાબિટીસ, વગેરે અથવા તો કૅન્સર એઇડ્સ જેવા અતિ ગંભીર ગણાતા રોગ અથવા તો જેને ઇમરજન્સી ડ્રગ્સ કહેવાય, જેવા કે હાર્ટ-એટેક કે બ્રેઇન-સ્ટ્રોક આવે ત્યારે લેવાના થતાં ઇન્જેક્શન વગેરે. આ બધી દવાઓ ગરીબ દર્દીને પરવડી શકે તેવી હોતી નથી. મારા કેટલાક મિત્રો સાથે મળી એવી દવા બનાવતી ફેક્ટરી શરૃ કરી છે, જેમાં ઇમરજન્સી ડ્રગ્સનું પ્રોડક્શન ખૂબ જ ઓછી કીમતે થશે અને પ્રોડક્શન કોસ્ટ ઓછી હોવાથી સ્વાભાવિક રીતે તેની વેચાણકીમત પણ ઓછી જ હોવાની.’

‘સરસ..મારે તેમાં શું કરવાનું છે..?’

‘આ દવાઓ માટે મુંબઈની એજન્સી આપણને મળી છે. આવતા સોમવારે તેનો

પહેલો લોટ આપણી ઑફિસ પર આવશે. આપણને જે કેમિસ્ટે ઓર્ડર આપ્યો હોય તેને ત્યાં એ માલ તારે પહોંચાડવાનો રહેશે.’

શરૃઆત છે એટલે મેં બહુ થોડો માલ મંગાવ્યો છે. દસ જેટલા કેમિસ્ટનો ઓર્ડર છે. એક વખત કામ બરાબર ચાલુ થઈ જશે પછી એક ગોડાઉન રાખી લઈશું અને ડિલિવરી માટે સ્ટાફ પણ રાખીશું, પણ અત્યારે તો તારે જવું પડશે. ઓકે..?’

‘ઓકે..નો પ્રોબ્લેમ..’

સોમવારે સવારે અગિયાર વાગ્યે ગાડી આવી એટલે આરીફે ઇવાને કેમિસ્ટનું લિસ્ટ અને એડ્રેસ આપી રવાના કરી. પહેલે જ મહિને લગભગ નવ ગાડી માલ આવ્યો અને ડિલિવર પણ થઈ ગયો એટલે આરીફે ઇવાને તેના કમિશન પેટે એક લાખ રૃપિયા રોકડા આપ્યા.

ત્યાં સુધીમાં ઇવાને સમજ પડી ચૂકી હતી કે તેણે જે દવાઓ પહોંચાડી છે એમાં ચોક્કસ કોઈ મોટી ગરબડ છે. પણ શું? એ હજુ તેની સમજમાં નહોતું આવતું. જોકે ઇવાને કંઈ એની બહુ પરવા નહોતી. હા, એક વખત જો તેને સાચી વાતની જાણ થાય તો પોતે આરીફને દબાવીને વધારે પૈસા કઢાવી શકે. કદીક તેને એવી ઇચ્છા થતી. બાકી એક લાખ રૃપિયા જેવી રકમમાં તેને ખાસ રસ નહોતો. હવે ઇવાની અંદર  કરોડો..અબજોમાં રમવાના સમણા જાગ્યા હતા.

આરીફ જે દવા મંગાવતો હતો તે બધી   ડુપ્લિકેટ, નકલી દવાઓ  હતી. તેના પર નામ ઓરિજિનલ દવાનું  લખાતું હતું, પરંતુ તે બધી દવાઓ નકલી હતી.   ઇવા માત્ર આ દવાઓની કેરિયર જ નહોતી બની, પણ ઓન પેપર તે આ બિઝનેસની માલિક પણ હતી. એથી ભવિષ્યમાં કોઈ પણ કાયદાકીય ગૂંચ ઊભી થાય તો આરીફને બદલે બધી જ જવાબદારી ઇવા અને માત્ર ઇવા પર જ આવે એવી વ્યવસ્થા આરીફે કરી હતી. ઇવા આ બધી વાતોથી બિલકુલ અજાણ હતી.

એક દિવસ ઇવા માલની ડિલિવરી

આપીને ઘેર પાછી ફરી હતી. થાકી ગઈ હોવાથી તેણે પલંગ પર લંબાવ્યું અને સૂતા સૂતા ટી.વી. ઓન કર્યું. તેમાં ન્યૂઝ આવી રહ્યા હતા. કોઈ ખાનગી દવાખાનામાં એક દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ

નીપજ્યું હતું. દર્દીના સગાઓએ ડૉક્ટર પર બેદરકારી દાખવ્યાનો આરોપ મૂક્યો હતો. ડૉક્ટરે ઇમરજન્સી સારવાર આપી હતી,

પરંતુ તેને અપાયેલા ઇન્જેક્શને અસર ન કરી હોવાનો દાવો કર્યો હતો. આથી તે દવા જે કેમિસ્ટની દુકાનેથી આવી હતી ત્યાં પોલીસ તપાસ કરવામાં આવી રહી હતી. તે તપાસ દરમ્યાન ઇન્જેક્શન નકલી હોવાનું બહાર આવ્યું હતું.

એ કેમિસ્ટની દુકાનનું પાટિયું ટીવીમાં જોતાંવેંત ઇવા ચોંકી ઊઠી. એ દુકાનમાં તો પોતે જ દવા સપ્લાય કરતી હતી. ધીમે ધીમે આ જ ફરિયાદ અન્ય દવાખાનાંઓ, હૉસ્પિટલોમાંથી આવવા લાગી. ન્યૂઝ ચેનલો પર ચર્ચાઓ ચાલુ થઈ અને ખાસ્સો

ઊહાપોહ જાગી રહ્યો.

હવે ઇવા સમક્ષ આખી વાત દીવા જેવી સ્પષ્ટ થઈ ગઈ. ઇવાએ તુરત આરીફને ફોન કર્યો. આરીફે તેને થોડા સમય માટે મુંબઈ છોડી અમદાવાદ જવા જણાવ્યું.

‘પણ જતાં પહેલાં મારે તને મળવું છે.’ ઇવાએ જિદ પકડી.

(ક્રમશઃ)
—————————

Leave A Reply

Your email address will not be published.

Translate »