તમારા માટે, તમારી સાથે, સતત…

ચાર્મીની સાથે રહી થોડા દિવસમાં જ ઇવા એક કૉલગર્લ બની ગઈ…

જવાબમાં ઇવા થોડી ખમચાઈ. આ પ્રશ્ન માટે તે કદાચ તૈયાર નહોતી.

0 850

એક અધૂરી વાર્તા – નવલકથા – પ્રકરણ-૮

– નીલમ દોશી   હરીશ થાનકી

વહી ગયેલી વાર્તા

ડૉ. કુલદીપ દેશના અગ્રગણ્ય વિજ્ઞાની. વૈજ્ઞાનિક સંશોધન સંસ્થા ઇરોના ચૅરમેન. લેબોરેટરીમાં આબેહૂબ માનવ જેવા રૉબોટના સર્જનમાં તેમને સફળતા મળી. માનવીય સંવેદનોથી સભર એક સુંદર સ્ત્રીના રૉબોટને તેમણે નામ આપ્યું ઇવા. ઇવા ડૉ. કુલદીપને રૉબોટ તરીકે નહીં, પણ રીયલ વુમન તરીકે જીવવાનો હક માગે છે. કુલદીપ ઇવાને મંદિરે લઈ ગયા તો ઇવાએ ધાર્મિક ભાવના ધરાવતી સ્ત્રીની માફક વર્તન કર્યું. ઇવાની રૉબોટ હોવાની મેમરી ડિલીટ કરી કુલદીપે તેને કહ્યું કે, તે એક મિત્રની પુત્રી છે. ઇવાએ આશ્રય આપવા બદલ ડૉ. કુલદીપનો આભાર માન્યો. અને ઇવાએ ડૉ. કુલદીપને પૂછી નાખ્યું – સર, તમે લગ્ન નથી કર્યાં?’ અને ડૉ. કુલદીપ યાદોમાં સરી પડ્યા… ડૉ. કુલદીપને જાનકી સાથે વિતાવેલા બાળપણની યાદ આવી. બંનેના પરિવારને જાણ થતાં બંનેની સગાઈ કરવામાં આવી, પરંતુ મંદિરે દર્શન કરવા જતાં એક અકસ્માતમાં કુલદીપના પિતા અને જાનકીનું  મૃત્યુ થયું. ત્યારથી કુલદીપની જિંદગી શુષ્ક થઈ ગઈ હતી. એક દિવસ કુલદીપ અને ઇવા વચ્ચે જોબ કરવાના મુદ્દે રકઝક થાય છે અને કુલદીપ અધિકાર ભાવથી ઇવાને જોબ કરવાની ના પાડે છે. ઇવાને લાગે છે કે કુલદીપ તેના પ્રેમમાં છે. ઇવાના મનમાં પણ કુલદીપ માટે પ્રેમના અંકુર ફૂટે છે. કુલદીપને આ વાતની જાણ થતાં તે ઇવાનો પ્રેમ નકારી દે છે. ઇવાને આ વાતનો ગુસ્સો ચઢે છે અને તે અન્ય જગ્યાએ એસ્કોર્ટ ગર્લ તરીકે નોકરી કરવા લાગે છે. કુલદીપને ઇવાના પ્રોગ્રામિંગમાં ફેરફાર કરવાનું મન થાય છે. હકીકતે એક સર્જક પોતાના સર્જનના મોહમાં પડી ગયા હતા. ઇવા તેના ક્લાયન્ટ આદિત્ય ખન્નાને કંપની આપે છે. ઇવા અને આદિત્યની કેમેસ્ટ્રી જામે છે. ઇવા ખોટા રવાડે ચઢી જાય છે. ડૉ. કુલદીપને પોતાના સર્જન પર ગુસ્સો આવે છે. ઇવા ડૉ. કુલદીપને કશું કહ્યા વિના જતી રહે છે. ઇવાને શોધવા કુલદીપ કામે લાગે છે. તે જૂની મેમરી ડિલીટ કરી નવી મેમરી ઉમેરવાનો વિચાર કરે છે.

– હવે આગળ વાંચો…

તે કમાન્ડ આપતા પહેલાં કુલદીપે નવી મેમરી ઇન્સ્ટોલ કરવાનું સોફ્ટવેર બરાબર કામ કરે છે કે નહીં તે ચેક કરવા સોફ્ટવેર ઓપન કરવા પ્રયત્ન કર્યો, પણ..

ઓહ ગોડ…તે સોફ્ટવેર તેણે જ્યારે છેલ્લે ઇવાની મેમરી બદલી હતી ત્યારે જે પાસવર્ડ સેટ કર્યો હતો એ પાસવર્ડ માંગતું હતું.. કુલદીપે પોતાની સ્મૃતિ પર વજન આપી પાસવર્ડ યાદ કરવાનો પ્રયત્ન કર્યો પણ.. તે અત્યારે યાદ જ નહોતો આવતો. આમ તો ઇવાના સર્જન વખતે તેના દરેક પ્રોગ્રામના અલગ-અલગ ત્રણસો જેટલા પાસવડ્ર્ઝ કુલદીપે પોતાની ડાયરીમાં લખી રાખ્યા હતા, પણ આ પાસવર્ડ ‘ઇવા રૉબોટ નથી, પણ તેના મિત્રની દીકરી છે’ તે મેમરી બદલી ત્યારે સાવ છેલ્લે નાખ્યો હતો ત્યારે  ભૂલથી તે ડાયરીમાં લખવાનો રહી ગયો હતો..

બે કલાકની મથામણ પછી પણ તેને પાસવર્ડ યાદ ન આવ્યો. જ્યાં સુધી તે યાદ ન આવે ત્યાં સુધી હાલની મેમરી ડિલીટ કરવાની ભૂલ કરવા જેવી નથી તેનો કુલદીપને ખ્યાલ હતો…આમાં ફરગોટ પાસવર્ડ એવી કોઈ સવલત નહોતી. આ તો એક અત્યંત પર્સનલ પ્રોગ્રામ હતો. જે તેણે જાતે વિકસાવેલા સોફ્ટવેરથી સંચાલિત થતો હતો. અંતે થાકી, હારીને લેપટોપ બંધ કર્યું ત્યારે કુલદીપના ચહેરા પર અત્યંત થાક અને હતાશા દેખાતા હતા.

બીજા દિવસે કુલદીપ શ્યામા એસ્કોર્ટની ઑફિસે પહોંચ્યો. ત્યાં જઈ મેનેજર કુલકર્ણીને મળીને ઇવાની ફ્રેન્ડ ચાર્મીનો સંપર્ક મેળવ્યો અને સીધો જ તેના ઘેર પહોંચી ગયો. ઇવા તેને જોઈ આભી બની ગઈ. તેને કદાચ કલ્પના નહોતી કે કુલદીપ આટલી જલ્દી તેના સુધી પહોંચી જશે.

કુલદીપે ચાર્મીની હાજરીમાં ઇવાને ઘરે આવવા ખૂબ સમજાવી, પણ ઇવા એકની બે ન થઈ.

છેવટે ચાર્મીએ વચ્ચે પડી કુલદીપને ખાતરી આપી કે, ‘હમણા ઇવા ખૂબ જ ડિસ્ટર્બ છે. અત્યારે તમે ઘરે જાવ. હું તેને નિરાંતે સમજાવવાનો પ્રયત્ન કરીશ. તે આવવા રાજી થશે એટલે હું જ તેને તમારે ત્યાં મૂકી જઈશ.’

પરંતુ…કુલદીપને ક્યાં ખબર હતી કે ચાર્મી એ કામ ક્યારેય કરવાની નહોતી. ચાર્મી ફક્ત એસ્કોર્ટ ગર્લ જ નહોતી. તે શહેરમાં વિદેશી દારૃની હેરાફેરી કરતી એક ટોળકી સાથે સંકળાયેલી હતી. તેનો ઇરાદો ઇવાને પણ પોતાના કામમાં સામેલ કરી દેવાનો હતો.

થાકીને, નિરાશ બનીને કુલદીપે એકલા જ પાછું ફરવું પડ્યું.

ચાર્મીની સાથે રહી થોડા દિવસમાં જ ઇવા એક કૉલગર્લ ક્યારે બની ગઈ તેની જાણ ઇવાને પોતાને પણ ક્યાં થઈ શકી હતી? એ તો જાણે કુલદીપ પર વેર વાળવું હોય, બદલો લેવો હોય એમ ઝનૂનપૂર્વક ચાર્મી કહે તેમ કર્યે જતી હતી..શું ગુમાવ્યું કે શું મેળવ્યું એવા કોઈ લેખાંજોખાંમાં પડ્યા સિવાય પોતાની સફળતાના કેફમાં મગરૃર બની ઝૂમી રહી હતી.

કુલદીપને બતાવી દેવાના કેફમાં ઇવા કેવા કળણમાં ખૂંપતી જતી હતી, પોતે કોના ઇશારે નાચતી હતી એનું પણ ઇવાને ક્યાં ભાન હતું?

ઇવાને ઘેર લાવવાના કુલદીપના બધા પ્રયાસો નિષ્ફળ જ રહ્યા. હવે કુલદીપ પોતાની લેબમાં બેસી સતત મથતો રહેતો ઇવાનું દિલ અને દિમાગ બદલવા..પણ પરિણામ… સરિયામ નિષ્ફળતા.

તે દિવસે કુલદીપના મોબાઇલમાં લોકલ પોલીસ સ્ટેશન પરથી ફોન આવ્યો. વિદેશી દારૃની બોટલ સાથે ઇવાની ધરપકડ થઈ હતી.

કુલદીપ પોલીસ સ્ટેશન પહોંચ્યો. શહેરના એક નામાંકિત વૈજ્ઞાનિક હોવાના નાતે પોલીસ અધિકારી તેને ઓળખતા હતા એટલે એમણે ઇવા સામે કેસ દાખલ ન કરતા માત્ર ઠપકો આપી બીજી વખત આવું ન કરવાની બાંહેધરી લઈ જવા દીધી.

‘ઇવા, હવે પ્લીઝ ઘેર ચાલ.’

‘સોરી..સર..અને થેન્કયુ..ફરી એકવાર મને મદદ કરવા માટે.’

કુલદીપ આગળ કશું કહે એ પહેલાં જ ચાર્મી આવી પહોંચી અને ઇવા તેની સાથે ઉપડી ગઈ.

‘આવું તો ચાલ્યા કરે ઇવા, તું આ બધું મન પર ન લેતી સમજી.’ ઘરે પહોંચતાવેંત ચાર્મીએ વાત ઉપાડી.

‘મન પર લેવાનો પ્રશ્ન નથી ચાર્મી, પણ એમ લાગે છે કે આ બધાં કામ હવે મને થ્રીલ નથી આપતા. હું હવે એક અલગ જિંદગી શરૃ કરવાનું વિચારું છું.’

‘શું કરવાનું વિચારે છે?’

‘એ તો મને પણ ખબર નથી, પણ એટલું ચોક્કસ કે હું આ તારા જગતને અલવિદા કરું છું.’

‘ઓલ ધ બેસ્ટ ઇવા, ઇનફેક્ટ, હું જ્યારે પણ મારા ભૂતકાળ વિષે વિચારું છું, ગામડે વિતાવેલું બચપણ યાદ કરું છું ત્યારે મને મારી જાત પર ધિક્કાર થઈ આવે છે, પણ અત્યારે હું આ કામમાં એ જગ્યાએ પહોંચી ગઈ છું જ્યાંથી પાછા ફરવું મારા માટે અશક્ય છે. જો તું આ કળણમાંથી નીકળવા માગતી હો તો જલ્દી નીકળી જા.’ ચાર્મી બોલી.

હવે ક્યાં જવું એ વિચાર ઇવાએ એ સાંજે જ કરી લીધો.

બીજે દિવસે સવારે દસ વાગ્યે આકાશ મલ્હોત્રા ઑફિસે પહોંચ્યો ત્યાં તેના ટેબલ પર પડેલા વિઝિટર્સ કાર્ડ પર નજર ફેરવતા પહેલું નામ જોઈ તેની આંખ ચમકી. તે નામ ઇવાનું હતું.

આકાશે એને તુરત બોલાવી.

‘વોટ આ પ્લીઝન્ટ સરપ્રાઇઝ! ઇવા…વર્મ વેલકમ ટૂ મલ્હોત્રા એન્ટરપ્રાઇઝ.’

આકાશે હાથ લંબાવ્યો.

‘થેન્ક્સ ..’ તેના હાથમાં પોતાનો હાથ મૂકતા ઇવા બોલી.

થોડી પળો માટે ઇવાના મખમલી હાથની ઉષ્મા માણી અંતે હાથ નાછૂટકે છોડવો પડ્યો. તે રંજ સાથે ઇવાને ખુરશી પર બેસવાનો ઇશારો કરી આકાશે વળતો પ્રશ્ન કર્યો,

‘છેલ્લે તો તે મને કામ પર આવવાની ના કહી હતી તો પછી આજે અહીં અચાનક જ..? માત્ર મળવા કે? આટલા દિવસો પછી આજે અચાનક?

જવાબમાં ઇવા થોડી ખમચાઈ. આ પ્રશ્ન માટે તે કદાચ તૈયાર નહોતી. તેના ચિત્તમાં શ્યામા એસ્કોર્ટ..આદિત્ય…ચાર્મી.. દારૃની હેરાફેરી, પોતાની ધરપકડ..આ બધું જ એક ફિલ્મની પટ્ટીની માફક પસાર થઈ ગયું. શું કહેવું, કેટલું કહેવું તે વિચારતી ઇવાને જવાબ આપવામાં થોડીવાર થઈ એટલે પોતે પ્રશ્ન પૂછવામાં કોઈ ભૂલ કરી છે તેનો ખ્યાલ આવતા આકાશને વાર ન લાગી.

કોઈ પણ સ્ત્રી જ્યારે પોતાનો નિર્ણય બદલે ત્યારે તેની પાછળ કોઈ અનિવાર્ય કારણ હોય છે તે સમજ આવતા આકાશ ઝડપભેર પોતાની વાતને બદલાવતા બોલ્યો,

‘ફરગેટ ઇટ ઇવા, ડુ યુ વોન્ટ ટૂ જોઇન હીયર?’

‘યેસ..સર. મને તમારી ઑફર યાદ આવી એથી હું..’

‘ગુડ..આઇ લાઇક ધેટ.. યુ આર મોસ્ટ વેલકમ..બાય ધ વે, કુલદીપે તને અહીં નોકરી માટે રજા આપી એ જાણી મને આનંદ થયો.’

‘નહીં સર, હવે હું તેમની સાથે નથી રહેતી.’

‘ઓહ..વેલ, તો ક્યાં રહે છે?’

‘હજુ આજે જ એ ઘર છોડ્યું. હવે શોધીશ કોઈ જગ્યા.’

‘શોધવાની જરૃર નથી. મારા જ બંગલામાં આઉટ હાઉસ ખાલી છે. તું ઇચ્છે તો ત્યાં રહી શકે છે.’

‘ઓહ..ઓકે સર. થેન્કસ અ લોટ..સો નાઇસ ઓફ યુ.’

‘ઇટ્સ માય પ્લેઝર..તારા જેવી સુંદર યુવતી માટે હું એટલું પણ ન કરી શકું?’

‘સર, મારી જોબ? મારે શું કામ કરવાનું રહેશે?’

‘તારી જોબ પાક્કી.. યેસ. લેટ મી એક્ષ્પ્લેઇન યોર ડ્યુટી’.

‘ઇવા, તારા જેવી ટેલેન્ટેડ વ્યક્તિ માટે અહીં કોઈ મુશ્કેલ કામ નથી.’ કહી આકાશે પોતાની કંપની વિશે આછેરો ચિતાર આપવો શરૃ કર્યો.

 

ઈવા આકાશ સામે ગોઠવાઈ. આકાશે ઇવા માટે કૉલ્ડ્રિન્ક મંગાવ્યું અને તેની સામે જોતા જોતા પોતાની મલ્હોત્રા એન્ટરપ્રાઇઝ કંપની વિશે વિગતવાર વાત કરી. એ મુજબ..

Related Posts
1 of 34

મલ્હોત્રા એન્ટરપ્રાઇઝ એક ઍન્ટર્ટેઇનમૅન્ટ કંપની હતી. જેનું મૉડેલિંગના  વ્યવસાયમાં ખાસ્સું નામ હતું. મોટા ભાગે દુબઈ સ્થિત વિવિધ ગોલ્ડ કંપનીઓ ભારતમાં જ્યારે પોતાના ઓર્નામેન્ટ્સના શૉ ઓર્ગેનાઇઝ કરતી ત્યારે તેને મૉડેલ્સ મલ્હોત્રા એન્ટરપ્રાઇઝ પુરા પાડતી. એ

ઉપરાંત ભારતની બેસ્ટ ગારમેન્ટ કંપનીઓ તથા પોતાનું પ્રાઇવેટ બુટિક ચલાવતા અગ્રગણ્ય ફેશન ડિઝાઇનરોમાં પણ મલ્હોત્રા એન્ટરપ્રાઇઝના મૉડેલ્સની ભારે માગ રહેતી. મૂળે તો મલ્હોત્રા એન્ટરપ્રાઇઝ મૉડેલિંગ વ્યવસાયમાં આવવા માગતા યુવાનો અને યુવતીઓને મૉડેલિંગની તાલીમ આપતી.

ધનાઢ્ય કુટુંબના બિનધાસ્ત નબીરાઓ અને પોતાની જાતને હીરોઇનથી કમ ન સમજતી યુવતીઓ અહીં મોંઘી ફી ભરીને તાલીમ લેતી. મલ્હોત્રા એન્ટરપ્રાઇઝ આવા લોકોને આકર્ષવા વિદેશી કોચને બોલાવતી. વિદેશી કોચ પાસે તાલીમ લેતાં આવાં યુવક-યુવતીઓ ભારે ગર્વ અનુભવતાં. જો કોઈ મધ્યમ વર્ગનો યુવક કે યુવતી મોંઘી ફી ભરી ન શકે તો તેમના માટે બીજો ઓપ્સન રહેતો. એમણે મલ્હોત્રા એન્ટરપ્રાઇઝ સાથે કરાર કરવા પડતાં કે તાલીમ લીધા બાદ પાંચ વરસ સુધી તદ્દન મામૂલી દરે મલ્હોત્રા એન્ટરપ્રાઇઝ વતી વિવિધ જગ્યાએ મૉડેલિંગ કરવું પડતું. ગ્લેમરસ જગતની ઝાકમઝાળથી આકર્ષાઈ રોજ મલ્હોત્રા એન્ટરપ્રાઇઝનો દરવાજો ખખડાવતા ઢગલાબંધ લોકોને કારણે આકાશ મલ્હોત્રા થોડા જ વખતમાં કરોડોપતિ થઈ ગયો હતો.

જોકે આકાશ મલ્હોત્રાના કરોડોપતિ થઈ જવા પાછળ માત્ર આ જ કારણ નહોતું. કૉલેજકાળથી ડ્રગ્સની હેરાફારીમાં પકડાઈ ચૂકેલા આકાશે ખાનગીમાં એ બિઝનેસ પણ ચાલુ જ રાખ્યો હતો. હા, હવે તે વધુ સાવચેત બની ગયો હતો. મૉડેલિંગ વ્યવસાયના ઓઠા હેઠળ આ ધંધાને હવે તેણે વધુ સારી રીતે વિકસાવ્યો હતો. પોતાના મૉડેલ્સને તાલીમ માટે વિદેશ મોકલતા અને ત્યારે તેમની યે જાણ બહાર તેઓ આકાશના કેરિયર બની જતા. આખું કૌભાંડ ખૂબ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલું હતું.

ડ્રગ્સના જોખમી બિઝનેસ સાથે સંકળાયેલો આકાશ મલ્હોત્રા શરાબ કે સિગારેટને કદી હાથ ન લગાડતો, પણ તેની ફક્ત એક જ નબળાઈ હતી. સુંદર નારી દેહ..કોઈ રૃપગર્વિતાને જોઈ તે ભાન ભૂલી જતો. તેને પામવા તે કોઈ પણ હદ સુધી જઈ શકતો. હવે તો ‘શૉ-બિઝનેસ’માં આવવા માગતી દરેક યુવતી પોતાને શું ‘કોમ્પ્રોમાઇઝ’ કરવું પડશે તેનો ખ્યાલ હોવાથી આકાશને ખાસ તકલીફ ન પડતી. યુવતીને સ્ટેજ મળતું, નામ મળતું, સફળતા મળતી અને આકાશને…

આમાંથી જેટલી જરૃરી લાગી એટલી વિગત આકાશે ઇવાને આપી.

હજુ આકાશની વાત ચાલુ હતી ત્યાં જ  ઇવાના મોબાઇલમાં રિંગ વાગી. ઇવાએ નામ વાંચ્યું. ડૉ. કુલદીપ. નામ વાંચી ઇવાના હોઠ થોડા વંકાયા. તેણે ફોન ઉપાડવાની દરકાર કર્યા સિવાય રીજેક્ટ કરી નાખ્યો.

કૉલ રીજેક્ટ કરી તે આકાશ સામે જોઈને બોલી..

સોરી, કોઈ ફાલતુ ફોન હતો.’

‘તમે વાત ચાલુ રાખો સર..’

પણ આકાશની નજર કુલદીપના નામ પર પડી ચૂકી હતી. ઇવાએ કુલદીપનો ફોન કટ કરી નાખ્યો એ જોઈ આકાશે વિચાર્યું કે નક્કી, ઇવાને કુલદીપ સાથે કોઈ વાંધો આવ્યો છે. ગુડ..પોતાનું કામ હવે વધારે આસાન બની રહેશે એ વિચારે આકાશ મલક્યો.

ઇવાનો સંપર્ક કરવામાં નિષ્ફળ રહેલા કુલદીપે તાકીદે ઇવાના ફોનમાં મેસેજ મૂક્યો.

પણ કુલદીપનું નામ જોતા જ ઇવાએ વાંચ્યા સિવાય જ એ મેસેજ ડિલીટ કરી નાખ્યો.

એ રાત્રે ઇવા જ્યારે  આકાશના બંગલાના આઉટ હાઉસમાં આરામ  ફરમાવી રહી હતી બરાબર ત્યારે કુલદીપ લેપટોપ પર અનેક ગણતરીઓમાં ગૂંચવાયો હતો. આજે

પહેલી વખત કુલદીપને લાગ્યું કે પોતાથી ભૂલ થઈ ગઈ હતી..મોટી ભૂલ થઈ ગઈ હતી. ઇવાના સર્જનમાં તે કોઈ જગ્યાએ ગોથું ખાઈ ગયો હતો.

ઇવા અન્ય રૉબોટ જેવી આજ્ઞાંકિત નહોતી, કારણ કે તે ફક્ત વિચારી જ શકતી નહોતી. તેનામાં ભાવનાઓ પણ હતી, લાગણીઓ પણ હતી. આ ભાવનાઓ અને લાગણીઓ, કે જે તેને અન્ય રૉબોટથી અલગ પાડતી હતી એ વાત સમસ્યા પણ બની શકે, પોતાના સર્જકથી ઊલટું પણ વિચારી શકે કે કરી શકે. ઈશ્વરે બનાવેલા માણસની જેમ જ. માણસ પણ અત્યારે પોતાના સર્જનહારને વફાદાર ક્યાં રહે છે? તો માણસની જેમ વિચારતો રૉબોટ પણ પોતાને ઠીક પડે તેમ સ્વચ્છંદી બનવાનો જ ને?

આ વિચારની સાથે જ ડૉ. કુલદીપ ગંભીર બની ગયા. ચિંતા અને કોઈ અદીઠ ભયનાં વાદળો તેના ચહેરા પર ઝળૂંબી રહ્યા. ઇવા હવે તેમને માટે કદાચ એક મોટી સમસ્યા બની રહી હતી.. ઇવાના દિલમાં સ્વતંત્ર જિંદગી જીવવાની પ્રબળ ભાવના તેમણે પોતે મૂકેલી. હવે ગમે તેમ કરીને ઇવાના પ્રોગ્રામિંગમાં ફેરફાર કરવા જ રહ્યા. જેથી તે પોતાના કંટ્રોલમાં રહે.

જે ઝનૂનથી કુલદીપ ઇવાના સર્જનમાં રાત-દિવસ એક કરી રહ્યા હતા એ જ ઝનૂન કે હવે તો કદાચ એના કરતાં પણ વિશેષ ઝનૂનથી તે ઇવાના પ્રોગ્રામિંગમાં ફેરફાર કરવા મથી રહ્યા. નોકરીમાંથી રજા લઈને રાત-દિવસ ઘેર પોતાની લેબોરેટરીમાં તે મથતા રહ્યા. વચ્ચે બે ચાર વાર તેની આસિસ્ટન્ટ આયનાના ચિંતા ભર્યા ફોન આવતા રહ્યા. કદી રજા ન લેનારા બોસ આમ આટલી લાંબી રજા લે અને તે પણ શહેરમાં હોવા છતાં જ.. એ તેને માટે ચિંતા અને આશ્ચર્ય બંને બની રહે તેમ હતા. કુલદીપની આસિસ્ટન્ટ આયનાને તેના આ બોસ માટે ખાસ લાગણી હતી. કદાચ મનોમન જ તે કુલદીપને ચાહતી હતી, પણ કુલદીપ જાનકીને કદી ભૂલી શક્યો નહોતો.

કુલદીપના અચાનક કામ પર ન આવવાથી ચિંતામાં પડેલી આયના કુલદીપને ફોન કર્યા સિવાય રહી ન શકી.

‘સર, એવરિથિંગ ઓકે? મારું જેવું કંઈ કામ હોય તો હું આવી જાઉં?’

‘ નો..નો આયના એવરિથિંગ ઇઝ ફાઇન. નો નીડ ટુ વરી. થેન્ક્સ ફોર યોર કન્સરર્ન..’

કહેતા કુલદીપે ફોન બંધ કર્યો. અત્યારે કોઈ વધારે પૂછપરછ કરે તો જવાબ દેવાના મૂડમાં તે નહોતો. સાચો જવાબ આમ પણ કોઈને આપી શકાય એમ ક્યાં હતું?

પરંતુ રાત દિવસની અથાગ મહેનત પછી પણ કુલદીપ ઇવાના પ્રોગ્રામિંગમાં ધાર્યા ફેરફાર નહોતો કરી શકતો. હવે એને

પોતાની ભૂલનો પસ્તાવો થતો હતો. ધીરે ધીરે પરિસ્થિતિ વિકટ બની રહી હતી..કુલદીપની સામે રોજ રોજ જાણે ઇવાનાં નવાં-નવાં સ્વરૃપો આવી રહ્યાં હતાં. જેને તે સમજી શકતો નહોતો. ઇવા ક્યા સંજોગોમાં કેમ વર્તશે એની કેટકેટલી ગણતરીઓ કરી હતી. કમનસીબે હવે એ બધી ગણતરીઓ ખોટી પડતી હતી. તેનામાં ઇન્સ્ટોલ થયેલી સ્વતંત્રતાની લાગણી કદાચ બીજી બધી લાગણીઓ પર હાવી થઈ રહી હતી.

ઇવાની જિંદગી રોજ નવાં-નવાં રૃપ ધારણ કરતી હતી.

મૉડેલિંગની ગ્લેમરસ દુનિયા સાથે હવે ઇવાને રાત-દિવસનો પનારો થયો હતો.  એ ઝાકઝમાળથી, એ આકર્ષણથી બચવું ઇવા માટે મુશ્કેલ બની રહ્યું હતું. તેને  આકાશની પર્સનલ સેક્રેટરી તરીકે જોબ મળી હતી. આકાશ તેને નાના, મોટા ફાલતુ કામ ચીંધતો. જે ઇવાને બોરિંગ લાગતાં, પણ આકાશ તેને પોતાથી દૂર જવા દે તેમ નહોતો. હા, વચ્ચે કદીક તક મળે તો એ  મૉડેલ્સની પાસે જઈને બેસતી. ખાસ કરીને આકાશ જ્યારે શહેરની બહાર હોય ત્યારે  મોટા ભાગનો સમય તે મૉડેલિંગ કરતાં લોકોના કામને નિહાળવામાં ગાળતી. તેને લાગતું કે એ કામ તો પોતે પણ કરી શકે છે.

એક દિવસ બહુ જ મોટી-પાર્ટીના કામ વખતે તેની મૉડેલ દિલ્હીથી આવી ન શકવાથી શૂટિંગ બંધ રાખવું પડે તેમ હતું. કંપનીને જાણીતા ચહેરા નહોતા જોઈતાં. આથી મલ્હોત્રા કંપનીના એક પણ મૉડેલને કામ આપી શકાય તેમ નહોતું. બધા દ્વિધામાં હતા ત્યાં ઇવાએ આકાશ પાસે જઈ કહ્યું,

‘સર, તમને જો વાંધો ન હોય તો હું આ ઍડમાં મૉડેલિંગ કરું..?

‘તું…તું આ કામ કરી શકીશ..?’ આકાશને માન્યામાં નહોતું આવતું.,

‘તમે જુઓ તો ખરા સર..’

‘ઓકે..લેટ્સ ટેક ચાન્સ..તું કોસ્ચ્યૂમ ડિઝાઇનર સમીરને મળી લે. પછી તૈયાર થઈને બે નંબરના ફ્લોર પર આવી જા.’અને…ઇવા તૈયાર થઈ ફ્લોર પર આવી  ત્યારે તેને જોઈને આકાશ આભો જ બની ગયો..

‘વાઉ..યુ લૂક ફેબ્યુલેસ..’ ઓરિજનલ મૉડેલ કરતાં ઇવા અનેકગણી સુંદર દેખાતી હતી અને પછી ઇવાએ એક અનુભવી મૉડેલની અદાથી એક પછી એક જે પોઝ આપ્યા, તે જોઈ આકાશ દંગ થઈ ગયો.  શૂટિંગ પૂરું થયું એટલે તેણે બધાની હાજરીમાં જ ઇવાને હગ કરતી વખતે તેણે તેને ભીંસી જ નાંખી..

‘થેન્ક્સ..થેન્ક્સ ઇવા…ઈટ વોઝ ગ્રેટ..તારા જેવો કોહિનૂર હીરો તો મારી પાસે જ હતો અને હું તેને બીજે શોધતો હતો..!’

ઇવાના શરીરમાંથી એક મધુર ઝણઝણાટી પસાર થઈ ગઈ. એ ઝણઝણાટી કામની સફળતાને કારણે હતી કે એક પૌરુષસભર દેહના સ્પર્શને કારણે..તે તેને ન સમજાયું..

ઇવાને સમજાય કે ન સમજાય, પણ આકાશ મલ્હોત્રાને બરાબર સમજાઈ ગયું હતું. તેના તન-બદનમાં આગ લાગી ચૂકી હતી. તે હવે ઇવાના માદક દેહને પામવા તલપાપડ થઈ ગયો. કદાચ ઇવાને પણ

પુરુષ દેહનું આકર્ષણ જાગ્યું હતું. એટલે ઇવાને પથારી સુધી ખેંચી જવામાં આકાશને ઝાઝી મહેનત ન કરવી પડી.

આકાશ મલ્હોત્રા..

જિંદગીના બેતાલીસમાં વર્ષના પડાવે પહોંચેલા આકાશ મલ્હોત્રાએ આટલા વખતમાં ઘણી લીલીસૂકી જોઈ લીધી હતી. બાળપણમાં પિતાને તો એક ઈમાનદાર સરકારી કર્મચારી તરીકે કામ કરતા જોયા હતા, પણ એમની જ સાથે કામ કરતા અન્ય લોકોને ભ્રષ્ટાચારના માર્ગે ખૂબ શ્રીમંત બની  લીલાલહેર કરતા જોઈ પિતાના આદર્શવાદ પર આકાશને ખૂબ ગુસ્સો આવતો. જિંદગી અભાવ વચ્ચે પસાર થતી હતી. પિતાની પ્રમાણિકતાને સમજી શકવા અસમર્થ આકાશે યુવાનીમાં પગ મૂકતા જ નક્કી કરી લીધું હતું કે તે કોઈ પણ ભોગે સમૃદ્ધિ હાંસલ કરશે જ. એ માટે ભલે ગમે તે રસ્તો અખત્યાર કરવો પડે.

નસીબજોગે કૉલેજમાં આકાશની દોસ્તી પણ એવા લોકો સાથે થઈ જે સ્મગલિંગના કામમાં નવા નવા જોડાયા હોય. ઝડપથી ધનવાન થવાનો શોર્ટકટ શોધતા આકાશને જાણે લોટરી લાગી.

ઐયાશીના શોખીન આકાશે જિંદગીમાં સારું કામ એક જ કર્યું અને તે લગ્ન ન કરવાનું. તેને કોઈ બંધન, કોઈ જવાબદારી સ્વીકાર્ય નહોતા. જે માર્ગ પર એને ચાલવું હતું તેમાં પત્ની અને પરિવાર બાધારૃપ બને તેમ તેને લાગતું હતું.

પણ પોતાની ઐયાસીને પોષવા તેણે બિઝનેસ પણ એવો પસંદ કર્યો જે તેને દરેક રીતે મદદરૃપ થઈ શકે. આમ પણ શૉ-બિઝનેસનું જગત પોતે જ એક લપસણી ભૂમિ ગણાય. સો ટકા શુદ્ધ ચારિત્ર્ય ધરાવતા લોકો આ વ્યવસાયમાં ખૂબ ઓછા જોવા મળે. આ ક્ષેત્રમાં આવતી યુવતીઓ શારીરિક શોષણની થોડી ઘણી માનસિક તૈયારી સાથે જ અહીં

પગ મૂકતી હોય છે એટલે આકાશ જેવા લોકો માટે તો આ ક્ષેત્ર સ્વર્ગથી ઓછું નહોતું.

ઇવાને મુક્ત પંખીની માફક હવે ખુલ્લું આકાશ જોઈતું હતું અને હવે આકાશ પણ તેની સાથે હતો. આકાશ…યસ..આકાશ..અને આકાશને પસંદ કરવાનું મુખ્ય કારણ આકાશની ઉંમર..આકાશ પણ કુલદીપની જ ઉંમરનો હતો. કુલદીપે ભલે તેને નકારી હતી, પણ આકાશે તેને આવકારી હતી. આકાશને પસંદ કરીને તે કુલદીપ સામે બદલો લઈ રહી છે એવો વહેમ પણ કદાચ ઇવાના અજ્ઞાત મનમાં જાગ્યો હતો. હવે તે આકાશની

પત્ની બનીને કુલદીપને બતાવી દેશે. આકાશ પાસે શું નહોતું? કુલદીપની જેમ તે અરસિક નહોતો અને કુલદીપ કરતાં પણ વધારે

પૈસાપાત્ર હતો. ઇવાને કેટલા પ્રેમથી આકાશે આવકારી હતી.

પણ ઇવાને ખબર નહોતી કે આકાશ માટે તે ફક્ત ઐયાશીનું એક સાધન માત્ર હતી.આકાશ કદી કોઈ એકનો થઈ શક્યો નથી કે થવાનો પણ નથી. આ બધી માયાજાળ કેવી છેતરામણી છે તેની ઇવાને ક્યાં ખબર હતી?

પોતે કોણ છે, પોતાનું અસ્તિત્વ ક્યાં સુધી છે એની જાણ પણ ઇવાને ક્યાં હતી?

(ક્રમશઃ)

————————

Leave A Reply

Your email address will not be published.

Translate »