તમારા માટે, તમારી સાથે, સતત…

સુપર ટ્યૂન ઇન્ટ્યૂશન

ઇન્ટ્યૂશનની તરફેણમાં આઇનસ્ટાઇને કહેલું કે હું સાચો છું એવું અમુક વાર મને ફીલ થાય છે

0 280
  • ચર્નિંગ ઘાટ – ગૌરાંગ અમીન

પોતપોતાના ભીતરના સંકુચિત ઊભરા નહડાવશે
સહિયારા અવકાશમાં સદા વહેતી ધારા ધવડાવશે

મનમાં ઉચાટ રહ્યા કરે છે, કશુંક અજુગતું થવાનું છે. આવું ઘણા ક્યારેક કહેતાં હોય છે. કોઈક કશું મહત્ત્વનું કાર્ય કરવા જતું હોય ‘ને આકસ્મિક તેના મનમાં કોઈ જ કારણ વિના કશો વિચાર આવે એટલે એ જે-તે કાર્ય કરવાનું મુલતવી રાખે છે. કોઈને કેટલાય દિવસથી કે મહિનાઓથી વિપરીત પ્રવાહો સામે કશુંક મેળવવું હોય છે ‘ને એક સમય આવે છે જ્યારે સંજોગો એના એ રહે છે વત્તા પોતાના અગાઉના અનુભવ સ્મરણમાં હોય છે છતાં તેને એમ થાય છે કે આજે કામ થઈ જશે અને કામ થઈ જાય છે. જોઈતું ‘ને સામાન્ય રીતે ઉપલબ્ધ શાક નહીં મળે કે પછી ક્યારેય ના મળે એવા સ્થળે પાર્કિંગ મળશે એવી ફીલિંગ સાચી પડે છે. ક્યારેક કોઈની તાર્કિક લાગતી ‘ને મગજ સ્વીકારી ચૂક્યું હોય તેવી ઉક્તિ ખોટી પડશે એવું અકારણ લાગતું હોય છે. તો ક્યારેક અણધાર્યો બહારથી આવેલો બાલિશ લાગતો વિચાર પારકો જાણી આપણે નકારી કાઢીએ છીએ ‘ને પછી પસ્તાવો થાય છે કે એ વિચારનું સ્વાગત કર્યું હોત તો સારું થાત. ઊંઘમાંથી ઊઠીને અચાનક એક સંવેદના આવે ‘ને આપણે ધ્યાનમાં ના લઈએ અને આપણે આપણા પૂર્વ નિર્ધારિત નિર્ણય પર વળગી રહીએ છીએ જે ખોટો સાબિત થાય છે.

ટિપિકલ હિન્દી ચલચિત્રનો જમાનો હતો ત્યારે હીરો કહાની મેં ટ્વિસ્ટ પ્રકારના સીનમાં અરીસામાં પોતાનાથી સ્વતંત્ર એવા પોતાના જ સ્વરૃપ સાથે સંવાદ કરતો બતાવતા. હીરોનું ઝમીર જાગતું. ભારતમાં ઘણી વાર રાજકારણનો કાદવ વલોવાઈને ઉપર આવે છે ‘ને એ કાદવનો અધિપતિ એવો કોઈ રાજકારણી કાદવનાં કપડાં ઊતરતાં દિગંબર થાય છે અને એ પછી જ્યારે એ નવા વસ્ત્ર ધારણ કરે છે ત્યારે તે કહે છે કે મારા અંતરાત્માનો અવાજ મેં સાંભળ્યો. માઇકમાં ઘણા બોલે છે કે તમારા અંતઃકરણનો અવાજ સાંભળો. પશ્ચિમમાં કોન્સાયન્સ શબ્દ વપરાય છે. સદ્વિવેકબુદ્ધિ. હન્ચ ‘ને ગટ ફીલિંગ અહીં પણ નોર્મલ જન વાપરે છે. ઇન્સાઇટ છે ‘ને સેકન્ડ સાઇટ પણ છે. ઇએસપી, ફોરનોલેજ ‘ને ક્લેરવોયન્સ થોડી ભિન્ન બાબત. ઇનર કે ઇનેટ ફીલિંગ, થોટ કે નોલેજ. સ્વયંસ્ફૂર્તિ કે અંતર્જ્ઞાન. સિક્સ્થ સેન્સ બહુ ફેમસ થયેલી ઓળખ છે. સૌથી વધુ રસપ્રદ શબ્દ છે ઇન્ટ્યૂશન યાને અંતરદ્રષ્ટિ કે અંતરસ્ફુરણા. તર્કની મદદ વિના થતું પ્રમાણ નિરપેક્ષ પ્રત્યક્ષ જ્ઞાન.

ઇન્ટ્યૂશનની તરફેણમાં આઇનસ્ટાઇને કહેલું કે હું સાચો છું એવું અમુક વાર મને ફીલ થાય છે, હું જાણતો નથી હોતો કે હું સાચો છું. વિશ્વમાં ઇન્ટ્યૂશન સાથે સક્ષમ નાતો બાંધનારા ‘ને ના બાંધનારા સૌનું મંતવ્ય છે કે સામાન્ય રીતે ઇન્ટ્યૂશન રેશનલ કે લોજિકલ નથી હોતું. સાઇકોલોજીના જ્ઞાતા ‘ને કૃષ્ણમૂર્તિ, રજનીશ સાથે બુદ્ધિઝમની જેમના પર વધુ અસર છે એવા મૂળ ગોરા સ્વામી ધ્યાન ગિતેન કહે છે કે ઇન્ટ્યૂશન કોઈ નિશ્ચિત ક્ષણની કળા છે. જ્યારે બુદ્ધિ ઘડિયાળના લોલકની જેમ ભૂતકાળની યાદ ‘ને ભવિષ્યની કલ્પનાઓ વચ્ચે ઝૂલતી હોય છે ત્યારે ઇન્ટ્યૂશન હંમેશાં અહીં ‘ને અત્યારની પળમાં હોય છે. પ્રેતાત્માઓ સાથે વાતચીત કરી શકવાનો દાવો કરનાર વ્યક્તિ એટલે કે મીડિયમ તરીકે વર્ષોથી કામ કરનાર ‘ને મનોવિજ્ઞાનની અનુસ્નાતક એવી સિલ્વિયા ક્લેર કહે છે કે ઇન્ટ્યૂશન એટલે કેમ એવું પૂછવાની જરૃરિયાત વિના તત્ક્ષણ શું કરવું તે જાણકારીની સૂઝ. ઘણાની જેમ એમના મતે ઇન્ટ્યૂશન બુદ્ધિની સર્વોચ્ચ કક્ષા છે જે મનુષ્યની કોઈ પણ પ્રકારની ક્ષમતા ‘ને આવડત કરતાં ક્યાંય આગળની શક્તિ છે.

ઇન્ટ્યૂશન અન્ય ભીતરી તાકાતથી અલગ પડે છે. ઇન્સ્ટિક્ટ જન્મજાતવૃત્તિ છે, એવું કુદરતી વલણ છે જે જીવને ચોક્કસ વર્તન કરાવે છે. ઇન્સ્ટિક્ટ શીખી શકાય એવી પ્રતિક્રિયા નથી. ઇન્સ્ટિક્ટ શરીરની બંધારણીય વૃત્તિ છે, આસપાસ જે કશું થાય તેને વળતો જવાબ આપતું સ્વયંસંચાલિત વર્તન છે. મોટા ભાગના જીવ પોતાની ઇન્સ્ટિક્ટ પર અંકુશ ના રાખી શકે. રસપરમ વાત એ છે કે અપવાદ સિવાય કોઈ મનુષ્યમાં ઇન્સ્ટિક્ટ હાજર નથી કે સક્રિય નથી. જે ગટ ફીલિંગ કહેવાય છે તે અગાઉ જાણેલા કે અનુભવેલા કેસમાંથી નિચોવાઈને આવતો કૉલ હોય છે. કોન્સાયન્સ એટલે નૈતિકતાના ધોરણે શું સાચું ‘ને શું ખોટું એ નક્કી કરતી સેન્સ. કોન્સાયન્સ સામાજિક એવમ સાંસ્કૃતિક ધારાધોરણ તેમ જ ધર્મ ‘ને કાયદા પર પણ આધાર રાખી શકે. ઇન્સાઇટ કેવળ હા ‘ને ના અથવા રેડ ‘ને ગ્રીન લાઇટ દર્શાવી નથી અટકતી, એ આગળ શું કરવું કે સમસ્યાનો ઉકેલ કેવી રીતે લાવવો એ અંગેની શક્તિ છે. ઇન્સાઇટ માટે જે-તે વિષયનો અભ્યાસ ‘ને અનુભવ જોઈએ અને જ્યારે સિમ્પ્લી કોઈ અન્ય શબ્દ વિના સેન્સિંગ વપરાય, ત્યારે સમજવું કે ઇન્દ્રિય સમક્ષ જે હોય તેનું કેવળ વિહંગાવલોકન કરીને પ્રત્યાઘાત આપવાની વાત છે.

મનુષ્યની રિઝનિંગ કરવાની તાકાત તેની ઉત્ક્રાંતિની લાંબી સફરમાં નવીસવી છે, એવું જ લોજિકલ ‘ને રેશનલ બાબતે. મનુષ્યને અહંકાર છે કે એ વિચારી શકે છે, તોલીમોલી શકે છે ‘ને માત્ર ઇન્ટર્નલ ઇમ્પલ્સ પર આધાર નથી રાખતો. વિશ્વમાં લાખો અકસ્માત મનુષ્યની આ વિચારવાની આદત કે લતને કારણે થાય છે. ઇતિહાસમાં હજારો મોટી ‘ને કરોડો નાની નિષ્ફળતા મનુષ્યની વિચાર કરવાની રઇસીને કારણે નોંધાયેલી છે. અન્ય પ્રાણીઓ કરતાં પોતે ઊંચો છે એવું સાબિત કરવાનો નશો મનુષ્યને કોઠે પડી ગયો છે. વાસ્તવમાં જંગલમાં આદિમાનવ તરીકે રહેતાં મનુષ્યમાંથી આજના મારા તમારા જેવા મનુષ્ય સુધી પહોંચવામાં ઇન્ટ્યૂશનનો ફાળો મોટો છે. બાકી દિમાગી કસરત કરવાનું શરૃ કર્યું એ પહેલાં મનુષ્ય જાતિ લુપ્ત થઈને ભૂતપૂર્વ બની ગઈ હોત. ઇન્ટ્યૂશનને સંસ્કૃતમાં વિજ્ઞાનધન કહે છે. નિધ્યાન એટલે વિશેષ રૃપે જોવું કહે છે. શિવ માનસ પૂજામાં શંકરાચાર્યે આત્મા ત્વં ગિરિજા મતિ સહચરા કીધું છે તેમાં મતિ એટલે ઇન્ટ્યૂશન. ઇન્ટ્યૂશનને મધ્યમા કરતાં ઊંચી એવી પશ્યંતી સાથે સંબંધ. કશું જોઈ કે જાણીને અગાઉ તેને જોયા જાણ્યાનું ભાન તાજું થવું એટલે પ્રત્યભિજ્ઞાને ઇન્ટ્યૂશન સાથે સંબંધ.

મનુષ્યનું મન કહો કે તેની માનસિકતા ચોવીસ કલાક કાર્યરત રહી શકે એવા એક ટીકાખોરનો રોલ કરે છે. મનુષ્ય જે કશું પણ વિચારે, જુએ, સાંભળે, બોલે કે કરે એ ટીકાખોર પ્રત્યાઘાત આપ્યા કરશે કે આમ નહીં તેમ, તેમ નહીં આમ. બીજી તરફ મન ચોવીસ કલાક કાર્યરત રહી શકે એવા હજૂરિયાની ફરજ પણ બજાવી શકે છે. એ મનુષ્યને ચણાના ઝાડ પર ચઢાવી તેના પર ઘર બનાવવાની યોજના પણ આપી દે. ક્યારેક આ બંને જય વિજય બાથે વળગી શકે છે. આ બે પૈડાં વચ્ચે મનુષ્યનું કર્મ ઘણીવાર ઘાયલ થાય છે. આ બે અતિસક્રિય નેતાઓને કારણે સાચો સરકારી મુલાઝિમ ઇન્ટ્યૂશન તેની કામગીરી નથી કરી શકતો ‘ને અંતે ઘણા મહત્ત્વનાં કામ કાયમ માટે બગડી જાય છે. માનસશાસ્ત્રીઓએ આ અંગે રિસર્ચ ‘ને એનાલિસિસ કરેલાં છે. દરેક મનુષ્ય પાસે ઇન્ટ્યૂશનની શક્તિ હોય છે જે નોર્મલી મૃતપ્રાય, અવિકસિત કે સુષુપ્ત અવસ્થામાં હોય છે. મનુષ્ય ચાહે કે ઠાની લે તો ઇન્ટ્યૂશન એક્ટિવેટ કરી જ શકે, પણ મનુષ્યને તો પોતાના મગજની ભૂલ જોતાં ‘ને સ્વીકારતા જોર આવે છે ‘ને એ પછી પણ મગજ વધુ વિકસાવવામાં જ રસ.

જેને કોઈ અસર હેઠળ બાંધી નથી શકાતું ‘ને જે આપબળે ચલણમાં આવી ચલન પામે છે તે છે આશ્ચર્ય. મૌન આશ્ચર્ય છે. શબ્દ અસંખ્ય તેમ જ વિવિધ છે છતાં તેમનું શોષણ કરી શકાય છે. મનુષ્ય કે મન જાતે વિચારે છે ત્યારે તે શબ્દ વડે વિચારે છે ‘ને તે પ્રથમ, દ્વિતીય કે તૃતીય પુરુષ વિષે જ વિચારે છે. પાંચ ઇન્દ્રિય ‘ને મન વચ્ચે સજ્જડ નાતો હોવા છતાં મનને પાંચ ઇન્દ્રિયથી અલગ ગણ્યું છે. સ્પર્શ, ગંધ કે સ્વાદ જો મન ના હોય તો પોતાના પગ પર ઊભા થઈ શકે તેમ નથી. જ્યારે મન પાંચે ઇન્દ્રિયથી મુક્ત કામ કરી શકે છે. જે શબ્દનો અર્થ આપણી ભાષાઓમાં ના હોય તે શબ્દ કે કોઈ ચિત્ર વડે પણ મન બહારથી વિચાર થકી મનુષ્યને આપી શકે છે. ગીતા દ્વારા કૃષ્ણ બીજા અધ્યાયના ઓગણત્રીસમા શ્લોકમાં રૃટિન કે રેગ્યુલર માઇન્ડને આઉટ ઓફ બોક્સ કાઢતાં કહે છે કે ઘણા આત્માને આશ્ચર્યવત જાણે છે, ઘણા આત્માને આશ્ચર્યવત વર્ણવે છે, ઘણા આત્માને આશ્ચર્યવત છે એમ સાંભળે છે. તેઓ ઇશારો આપે છે કે આશ્ચર્ય નામક ટેગ પર ટિક કરી બહુધા પોતાના બોક્સમાં પરત જતાં રહે છે.

શિવ સૂત્ર કહે છે કે વિસ્મય યોગની ભૂમિકા બાંધે છે, પરંતુ યોગ યાને કનેક્શનમાં આપણને રસ નથી કે એ આપણી પ્રાયોરિટી નથી. સમજવા ‘ને સ્વીકારવામાં પોતાની પરંપરાગત રીતે કામ કરતી સિસ્ટમમાં બદલાવ કરવો પડે એ વાતને દુષ્કર યા ક્લિષ્ટ કરાર આપી કે જાદુ જાહેર કરીને આપણે કૂવામાં સેફ એન્ડ સિક્યોર થઈ જઈએ છીએ. અમેઝમેન્ટ કે વન્ડર જણાય ત્યાં કૂદકો મારીને બહાર આવી જઈએ તો એ આશ્ચર્ય શું છે એ થોડું કે ઘણુ જાણી શકીએ, પણ મનુષ્યને એમ કે હું જ વિચારું. બહારથી આવેલા વિચારની કિંમત શું? હા, હજુ બહારથી કોઈ પુસ્તક કે વ્યક્તિ કશું કહે તો કદાચ આવવા દઉં. એમાં સિવિલાઇઝ્ડ મનુષ્ય તો ભણ્યો, આધુનિક વિજ્ઞાન સાથે અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર ‘ને કાયદાશાસ્ત્ર. આખરે થાય છે એવું કે મનુષ્ય ક્યારેક જ બહારથી અંદર આવી પ્રગટેલો વિચાર જાણી શકે છે ‘ને એમાંય ક્યારેક એ સમજી શકે છે ‘ને એમાં પણ ક્યારેક એ જે-તે વિચાર મુજબ પોતાનામાં કે પોતાના કર્મમાં પરિવર્તન કરે છે.

Related Posts
1 of 57

મોટા ભાગના મનુષ્ય સરપ્રાઇઝને સરપ્રાઇઝ રહેવા દેવામાં રસ ધરાવે છે. સુખ મળે તો મજા આવે એવી ઇચ્છા ‘ને રખે દુઃખ મળશે તો એવા ભય વચ્ચે મનુષ્ય પોતાની ભીતરમાં જાગેલો સાદ ઇગ્નોર કરે છે કે ઓવરરૃલ કરે છે. જોગાનુજોગ કે ચમત્કાર લાગે તેવી રીતે કોઈ લાભ થાય તોય મનુષ્ય બ્યૂટીફુલ એક્સિડન્ટ કે ઈશ્વરના આશીર્વાદ ગણીને ફરી પાછો પોતાના ખોખામાં ગોઠવાઈ જશે. સરપ્રાઇઝ આઘાત આપે ત્યારે કદાચ યાદ રહી જાય, પણ તેવા સંજોગોમાં યાદ રહે તોય નુકસાન કે પીડા. ભક્તિસૂત્ર કહે છે કે તન્મય થાવ, જે વિસ્મયકારક આશ્ચર્યવત છે તેમાં. કિન્તુ, આપણે જે ઓલરેડી સમજી ચૂક્યા હોવાનો ખ્યાલ ધરાવીએ છીએ તે જ ગોખવામાં મન્મય થઈએ છીએ. અમુકતમુક વાતનો અફસોસ કહો કે પસ્તાવો ફરિયાદના જાપ કરાવે છે ‘ને જેની સિરિયલ બનાવી સિઝન પર સિઝન ચલાવી મારવાનો ગુપ્ત મનસૂબો હોય છે તેવા એડવર્ટાઇઝની જેમ જોયેલા સ્વપ્ન આપણી ફુલ ટાઇમ પ્રાર્થના બને છે. એવામાં અંતર્નાદ હિઅર થાય તોય લિસન ના કરીએ ‘ને લિસન કરીએ તો તેને ઓહ કે વાહ રિએક્ટ કરીને ચાલતા થઈએ છીએ.

વિજ્ઞાનીઓએ કરેલ સંશોધનથી સિદ્ધ થયું છે કે કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયાત્મક શક્તિ કે આવડત કરતાં ઇન્ટ્યૂશનની તાકાત વધુ ઝડપી ‘ને ચોક્કસ છે. અમેરિકાની નોર્થઇસ્ટર્ન યુનિવર્સિટીના મનોવિજ્ઞાની જયૂડિથ હોલ જણાવે છે કે જો તમે કોઈ બાબતે વધુ વિચારશો તો તમે શું કરો છો એ તમને યાદ નહીં રહે. પરંતુ, જો તમે ઑટોમેટિક પાયલોટ પર હશો તો બધું સારું થશે. તમારી મોટા ભાગની સામાજિક જિંદગી એવી રીતે જ જીવાય છે. આ જાણીને જે ઓછું જ વિચારી શકે છે કે જેમને વધુ વિચારવાથી નબળા કે દુઃખી હોવાનો અહેસાસ થાય છે તેમને પાનો ચઢશે, પણ અહીં જયૂડિથ વિચાર્યા વગર પોતાનું ધાર્યું દે ઠોક કરો એમ નથી કહેતાં. અહીં મુખ્યતઃ એ મામલો ચોપડે લેવાનો છે જે અનપ્લાન્ડ હોય કે જ્યાં કન્ફ્યૂઝન હોય. પડશે એવી દેવાશે કે યા હોમ કરીને પડો ફતેહ છે આગે બરાડવાથી ઇન્ટ્યૂશનની તાકાત ઊભરવાને બદલે દબાઈ શકે છે.

ઇન્ટ્યૂશનને ફોલો કરવામાં મનુષ્યને પોતાનો અહંકાર નડે છે. કર્તાને જ્યારે હું કરું છું કે મેં કર્યું છે એવું નક્કર રીતે ફીલ થાય ત્યારે ડકાર આવતો હોય છે. એ બાબતે કર્તાએ એટલું જાણવું રહ્યું કે જો તે ઇન્ટ્યૂશનની તાકાત કામમાં લેશે તો એ પોતાની જ તાકાત વધારશે ‘ને વાપરશે. ટેવ કે બંધાણને કારણે મગજ ઘસ્યા વિના હુંકાર શરૃઆતમાં ના સંતોષાય એવું બને. ધીરે ધીરે હૃદય પણ મારું છે અને એ માત્ર સારું નહીં, પણ કામનું છે એવું મગજને સમજાશે એટલે મગજ પણ ઠેકાણે રહેશે. અલબત્ત, જેમ મારું મગજ એટલે જોરદાર એવા પ્રકારનો ઓવર કોન્ફિડન્સ ડૂબાડે તેમ મારા દિલનો અવાજ હંમેશાં સાચો જ હોય એવી વધારાની ચરબી પણ મોટા આંચકા આપે. ઇન્ટ્યૂશનની ધાર તેજ કરવા માટે આઇ ઉર્ફે હું જેટલો ગેરહાજર રહે તેટલું સારું એ ટેકનિકલ ફેક્ટ દિલ ઔર દિમાગમાં જડી દેવી પડે.

ઇન્ટ્યૂશન સેન્સિટિવિટી નથી, ફીલિંગ છે. અન્ય કોઈ સંવેદનાની જેમ ઇન્ટ્યૂશનનું તોલમાપ મગજ દ્વારા કાઢવું અત્યંત કઠિન કે પછી અશક્ય છે. જર્મનીની યુનિવર્સિટી ઓફ કલોનની સાઇકોલોજિસ્ટ સાશા ટોપોલિન્સકી કહે છે કે, ઇન્ટ્યૂશન એવી ઊર્મિશીલ બાબત છે જે તમને કોઈ આઇડિયા અંગે આત્મવિશ્વાસ આપે છે. એ ફીલિંગ કોઈ પણ મારામાંથી ના લઈ શકે. હું કહી શકું કે હું આ કાર સેલ્સમેનનો વિશ્વાસ નથી કરતી, કેમ નથી કરતી એ હું ના કહી શકું. ઓફ કોર્સ, અહીં વ્યક્તિગત જીવન, વારસા કે વાતાવરણને કારણે આવેલી પૂર્વગ્રંથિઓ લગીર પણ કામે ના લાગે એ અંગે સાવધાન રહ્યા પછી કામમાં લીધેલી ઇન્ટ્યૂશનની તાકાતની વાત છે. યુનિવર્સિટી ઓફ શિકાગોની સાઇકોલોજિસ્ટ જેન રિઝન કહે છે કે, ઇન્ટ્યૂશન પોતાના તરફ ધ્યાન ખેંચે ‘ને ભાવનાનો સ્રાવ કરે તે પછી તે ભાવનાને ડગમગાવવી અઘરી છે. કદાચન ઇન્ટ્યૂશન કોઈ જાદુ નથી, છતાં હું તેના સંમોહનમાં છું.

સભાનતા પૂર્વક ઇન્દ્રિયો, મન ‘ને મગજનો પ્રત્યક્ષ ઉપયોગ કર્યા વગર જ્ઞાન પામવાની શક્તિ એટલે ઇન્ટ્યૂશન. અંગ્રેજી શબ્દ ઇન્ટ્યૂશનના મૂળ લેટિન શબ્દ ઇન્ટ્યૂએરીમાં છે જેનો અર્થ થાય છે ગંભીરતાપૂર્વક ગણતરીમાં લેવું. એ પછી જે અંગ્રેજી શબ્દએ ઇન્ટ્યૂશનના મૂળ મજબૂત કર્યા તે શબ્દ છે ઇન્ટ્યૂઇટ અર્થાત મનથી કોઈ નિશ્ચિત ચીજ પર ધ્યાન કેન્દ્રિત કરવું. ઇન્ટ્યૂશન તટસ્થ એવમ સ્થિર ભાવમાં મન હોય ત્યારે સક્રિય થાય. મન કોઈ પક્ષ લે ત્યારે મન આડકતરી રીતે કોઈ નિર્ણય લેવાની દિશા પકડી ચૂક્યું હોય છે. પૂર્વગ્રહ ના ચાલે. ગામઠી પોશાકમાં અજાણ્યા ગ્રામ્યજનને જોઈને મગજમાં અગાઉથી સ્ટોર થયેલા ડેટાને નિર્ણાયક ગણી લે તો જે-તે વ્યક્તિ ભોળો કે નિરક્ષર કે આર્થિક રીતે નબળો જ હશે એમ પાયામાંથી જ માનીને મન ઇન્ટ્યૂશનની રાહ જોશે, અંતે ના અર્થ રહે ના સ્વાર્થ સરે. મને દક્ષિણ ભારતીય વાનગી નથી જ ભાવતી એમ લઠ્ઠ પકડી રાખે એ વ્યક્તિ સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં જવું કે નોર્થ ઇન્ડિયન જેવા વિકલ્પ પર ઇન્ટ્યૂશનનું સાચું જજમૅન્ટ નહીં જાણી શકે.

ઇન્ટ્યૂશન ‘ને આત્મવિશ્વાસ અલગ રાખવા પડે. આત્મવિશ્વાસ અતિ સૂક્ષ્મ કે તીક્ષ્ણ એવો માયાવી સ્વભાવ ધરાવે છે. વ્યક્તિ કોઈ એક ક્ષેત્રમાં સફળ થાય કે એકથી વધુ ક્ષેત્રમાં પોતાના ધારેલાં કે સારાં પરિણામ મેળવે એટલે તેનો આત્મવિશ્વાસ જિનેરિક યાને વ્યાપક પ્રકારનો બની જઈ શકે છે, પરંતુ સમજવાનું એ છે કે બચ્ચન કે મોહસીન ખાનને જ્ઞાત હોવું જોઈએ કે જે ક્ષેત્રમાં અનુભવ ના હોય તે ક્ષેત્રમાં આત્મવિશ્વાસથી ઘૂસીને એક્શનમાં આવી જાવ તો સફળતા એમ ના મળે. એવું જ ઇન્ટ્યૂશનને લઈને પણ બની શકે છે. મનુષ્ય ક્યારે અહંકાર કે અભિમાનમાં આવી જાય છે તેનું તેને ભાન નથી રહેતું. જર્મન સાઇકોલોજિસ્ટ ગર્ડ ગાઇગરેન્ઝરનું કહેવું છે કે એક ક્ષેત્રમાં બરાબર કામ કરતું ઇન્ટ્યૂશન અન્ય કોઈ ક્ષેત્રમાં બરાબર કામ કરે એ જરૃરી નથી. વળી ક્ષેત્ર કે જે માહોલ પર ઇન્ટ્યૂશન વાપરવાનું હોય છે તે પોતે કેટલું ચોક્કસ રીતે કાર્યરત હોય છે તે પણ મહત્ત્વનું છે.

ઇન્ટ્યૂશનનો ઉત્તર જાણતાં પહેલાં પ્રશ્ન યોગ્ય હોવો ફરજિયાત છે. રણમાં કોઈ ઠેકાણે પાણી મળશે કે નહીં એ મુદ્દે ઇન્ટ્યૂશન ઢંઢોળી શકાય, પણ ઉનાળાની બપોરે ખુલ્લા રણમાં બરફ ક્યાં મળશે એવા પ્રશ્ન આગળ ઇન્ટ્યૂશન આઉટ આવવાને બદલે વધુ ઇન સાઇડ ભરાઈ જાય કે સાવ આઉટ થઈ જાય. જે બાબત હોય તેનું કાર્યક્ષેત્ર કેવી રીતે કામ કરે છે તેની થોડી જાણકારી જોઈએ. મેક્રોકોગ્નિશન નામની વોશિંગ્ટન ખાતે આવેલી કન્સલ્ટિંગ ફર્મના સાઇકોલોજિસ્ટ ગેરી કલેનનું માનવું છે કે જે ક્ષેત્ર નિશ્ચિત નિયમ અનુસાર કામ કરતું હોય તે અંગે ઇન્ટ્યૂશન સાચું પડી શકે, બાકી શક્યતા ઓછી. કોઈ સ્થળે આગ લાગી હોય તો પ્રભાવિત વિસ્તારમાં આગના આઉટકમ કે ઇફેક્ટ અંગે ઇન્ટ્યૂશન કામ કરી શકે કેમ કે આગ વિજ્ઞાનના નિર્ધારિત નિયમ મુજબ ચાલવાની, પરંતુ જો શેરબજાર અસામાન્ય રીતે નાચતું હોય કે કોઈ નચાવતું હોય તો તેવા સંજોગોમાં ઇન્ટ્યૂશનની ચોક્કસાઈ ના રહે.

સ્ટોપ કે ગો બેમાંથી શું ચોઇસ કરવું તે પ્રશ્ન પહેલાં વ્યક્તિને અંદાજ હોવો જોઈએ કે પરિણામ કે ધ્યેય સ્વરૃપે શું જોઈએ છે. ભૂખ કે સ્વાદ? આશ્રમમાં પ્રશ્ન થાય કે આ આશ્રમમાં રહેવાય કે નહીં અથવા આ આશ્રમ ચલાવતી સંસ્થા સાથે જોડાવાય કે નહીં તે પહેલાં વ્યક્તિ સ્પષ્ટ હોવો જોઈએ કે આશ્રમ સાથે રિલેશનશિપ કેળવાય તેની પાછળ તેનો આશય શું છે, ભોગાનંદ જોઈએ છે કે સચ્ચિદાનંદ? ઇલેક્શનનો સમય હોય ત્યારે ટિકિટ મળશે, ટિકિટ લેવાય ‘ને ટિકિટ મળે તો જીતી શકાશે જેવા એક કરતાં વધુ દ્વંદ્વ આ, તે ‘ને પેલી કન્સ્ટિટ્યૂઅન્સીના સંદર્ભમાં થાય. જી, જો લક્ષ્ય નિશ્ચિત ના હોય ‘ને ફક્ત શોધ જ ચાલતી હોય તોય કર્મનું કારણ તો સાનમાં હોય ‘ને હોવું જ જોઈએ. જંગલમાં ખોવાયા હોઈએ ત્યારે અમુક જ સ્થળે પહોંચવું છે તેવું ના હોય, પણ સેફ સ્થાન પર જવાનો માર્ગ મળી જાય તેવી મતિ હોવી ઘટે. એવી સ્થિતિમાં કોઈ પણ ગામ કે મનુષ્યની વસાહત કે મનુષ્યો વાપરતાં હોય તેવો રોડ કે વન વિભાગની પોસ્ટ જેવા ઉદ્દેશ હોવા ઘટે. ડાંગના જંગલમાં ભટક્યા હોઈએ ત્યારે પોતે રહેતાં હોય તે હોટલનો જ રસ્તો જડી જાય એવી હઠ રાખીએ તો ઇન્ટ્યૂશન સાથે પોતે કાળી મજૂરી કરતાં રહીએ ‘ને કાળી રાત પડી જાય.

મહાન કે સફળ વૈજ્ઞાનિકો સંભવનીય સમર્થ શોધ સુધી પહોંચવા ક્યા રસ્તે ચાલવું તે માટે પોતાના સર્જનાત્મક ઇન્ટ્યૂશનને અનુસરતા હોય છે. ઘણા નોબલ પારિતોષિક વિજેતા વૈજ્ઞાનિકોએ આ અંગેના અનુભવ શેઅર કરેલા છે. ૧૯૮૫માં મેડિકલ ક્ષેત્રનું નોબલ જીતનાર માઇકલ બ્રાઉને કહેલું કે અમે અમારું કાર્ય કરતા હતા ત્યારે અમને ઘણી વાર લાગતું કે કોઈ તાકાત અમારું માર્ગદર્શન કરતી હતી. બેશક એ વૈજ્ઞાનિકો કામચોર નહોતા કે નેગેટિવ મૂડ સાથે કામ નહોતા કરતા. માનસશાસ્ત્રીઓએ અભ્યાસ દ્વારા જાણ્યું છે કે મનોભાર નીચે કાર્ય કરનાર વ્યક્તિમાં ઇન્ટ્યૂશન બરાબર કામ ના કરી શકે. એટલે સુધી કે આસપાસના વાતાવરણમાં ચિંતા કે ઉદ્વેગ પેદા કરે તેવું કશું પણ હોય ‘ને વ્યક્તિ પર તેની અસર પડે તો ઇન્ટ્યૂશનનો પ્રવાહ રોકાઈ જાય છે કે અસ્તવ્યસ્ત થઈ જાય છે. હા, આ કારણથી પણ ઇન્ટ્યૂશનની શક્તિ અલગ અલગ વ્યક્તિત્વ મુજબ અલગ-અલગ હોય છે.

જૂજ મનુષ્યમાં એ સમજ હોય છે કે નિર્ણય કરવા માટે મંથનનો અવકાશ હોવો એ વૈભવી સ્થિતિ છે. મૃત્યુ આસપાસ મંડરાતું હોય ત્યારે જે તરત થઈ જાય એ કરી નાખવું પડે અથવા કશું જ કરી શકવાની હાલત ના હોય. અસમંજસ હોય તો ઠીક, બાકી એક્શન માટેની અર્જ રોકીને ઉપમીમાંસા કરવાની તાકાત હોવી એ મોટી વાત છે. મનુષ્યએ ક્રોસ-રોડઝ પ્રકારના એવા મોકાનો શુભ પ્રકારનો લાભ ઉઠાવતા શીખવું જોઈએ. સાથે ઇન્ટ્યૂશનની શક્તિના સક્ષમ વહન માટે સક્ષમ વાહક બનવું પડે. ઇન્ટ્યૂશનનો ઉપયોગ કરવાની ખરી આવડત નિર્ણય લેવામાં ‘ને એથી વિશેષ સમસ્યા ઉકેલી સર્જનાત્મકતાથી આગળ વધવામાં છે. અમુક સ્ટડી પરથી તારણ નીકળ્યું છે કે કેવળ ઓનલાઇન થયેલા ટાઇપિંગના રીડિંગ પરથી એ ટાઇપ કરનાર પર્સન ‘ને તેને લઈને પરિસ્થિતિ કેવી છે તેનો અંદાજ ઇન્ટ્યૂશન વડે લગાવી શકાય છે. રજનીશનું માનવું હતું કે સતત ઇન્ટ્યૂશનની સ્થિતિમાં રહેવું એ મનુષ્ય જાતનો એક ધ્યેય છે. કરોડો લોકો ઇન્ટ્યૂશન પર જરા જેટલું ધ્યાન આપ્યા વિના જીવી ગયા છે એટલે જીવવા માટે ઇન્ટ્યૂશન વિકસાવવું જ પડે એવું નથી. હા, એ વાતમાં કોઈ શક નથી કે ઇન્ટ્યૂશન વિકસાવવામાં વ્યક્તિગત ‘ને સામૂહિક ફાયદો છે.

બુઝારો – મનુષ્યના જ્ઞાનના ઉત્કર્ષમાં સાયન્ટિફિક ઇન્ટ્યૂશનની ભૂમિકાનું બહુમાન કરવા માટે એન્ટાર્ક્ટિકામાં ૭૮૦ મીટર ઊંચા એક સીધા ચઢાણવાળા પહાડની અણીદાર ટોચનું નામ ઇન્ટ્યૂશન પિક છે.
————————

Leave A Reply

Your email address will not be published.

Translate »