અરૂપ રત્નો પામવા માટે રૂપના સાગરમાં ડૂબકી…!
સંતોષ તો સ્વયં આનંદનું રૃપ છે. સંતોષ એક પૂર્ણ વિરામ છે, પરિપૂર્ણતા છે.
- હૃદયકુંજ – દિલીપ ભટ્ટ
વિશ્વામિત્ર તપ અને ધ્યાનમાં તો સાક્ષાત આનંદમૂર્તિ જ બની જતા હતા, પરંતુ એનાથી એમને અસંતોષ હતો. એ અસંતોષે જ એમને રાજર્ષિમાંથી બ્રહ્મર્ષિ બનતા અટકાવ્યા
અનેક લોકો અત્યારે સુખ લેવાનો મોકો જતો કરીને એમ માને છે કે બસ આટલું કામ કરી લઉં પછી હાશ નિરાંતેથી જિંદગીની મોજ માણીશું. મોટે ભાગે આ લોકો પર જૂની પેઢીના સંસ્કારો સવાર છે. આવું જે લોકો વિચારે છે તેઓ મોજથી બહુ દૂર રહી જાય છે. એવી મોજ કદી એમને મળતી નથી, કારણ કે સુખ શેરડીના સાંઠા જેવું છે. એ કંઈ એકસાથે ગળી ન શકાય. એની નાની નાની ગંડેરી બનાવવી પડે. બચત જેવું છે. ટીપાં અને સરોવરનો સંબંધ છે અથવા કાંકરા અને પાળ જેવું છે. એકસાથે તો કંઈ થતું નથી. સમય પણ ક્ષણક્ષણમાં રચાયેલો છે. પ્રતિક્ષણનું સુખ એ જ ખરું સુખ છે. ક્યારેક લોકો બધું જ બરાબર કરે છે, પણ સુખ લેવાનું ભૂલી જાય છે. એવું નથી કે એમને સુખની કંઈ પડી નથી, પણ તેઓ એમ માને છે કે બસ, આ બધું હું સુખ માટે તો કરું છું, પછી સુખ મળવાનું જ છે ને!
વરસનો નાનો ઘટક એટલે કે એકમ દિવસ છે. દિવસ સુખ ન આપે તો વરસ પાણીમાં જાય. લોકો પોતાનું નવું વરસ સારું જાય એ માટે દીપાવલીના તહેવારોમાં ઊંચી મનોકામનાઓનું કપોતકળાએ સેવન કરે છે, પણ પછીથી એવી દડમજલમાં પડી જાય છે કે તેઓ ભૂલી જ જાય છે કે તેમના હૃદયનું પરિપોષણ આનંદથી જ થાય છે. એ આનંદ કોઈને પિયાનો વગાડવામાંથી મળે તો કોઈને દયનીય બાળકોને ભોજન કરાવવામાંથી મળે. કલા કે પરમાર્થમાંથી આનંદ મળે પણ સ્વાર્થમાંથીય આનંદ મળે. સંતો ભલે એને તામસિક કહે. લોભીને એક પાઈ કે એક કરોડમાંથી આનંદ તો સરખો જ મળે. જેમ મહાન અભિનેતાને જેટલો આનંદ રાજા તરીકેનો અભિનય કરવામાં મળે, એટલો જ આનંદ રંક હોવાનો અભિનય કરવામાં મળે.
આત્માને આનંદની તરસ હોય છે. તપસ્વી વિશ્વામિત્ર કે જેમણે ગાયત્રી મંત્રની રચના કરી જે વાસ્તવમાં એક મહાન સૂર્યસ્તુતિ છે અને ગાયત્રી તો છંદનું નામ છે, એ અને એવી અનેક ઉપાસનાઓ કર્યા પછી અને મહાન ધનુર્વિદ્યા આત્મસાત કર્યા પછી પણ એમની આનંદ માટેની તરસ અધૂરી રહી. અધૂરી તરસ સમસ્યા સર્જે છે. તપશ્ચર્યામાં વિશ્વામિત્ર ઇન્દ્રનું આસન ડોલાવવા લાગ્યા તોય તેઓ સ્વયં પરિતૃપ્ત ન હતા. એટલે આનંદની શોધ તો ભીતર ચાલુ જ રહી. પરિણામ એ આવ્યું કે અધૂરી સાત્ત્વિક તરસની પરિપૂર્તિ કરવા તેઓ અપ્સરા મેનકા તરફ તણાયા, નિઃસહાય રીતે એમના હૃદયરંગ એ તરફ વહેવા લાગ્યા. આ ઘટનાને શાસ્ત્રોએ ઋષિના તપોભંગ તરીકે વર્ણવી છે. મેનકા અતિ સુંદર તો હતી જ, પરંતુ વિશ્વામિત્રની આંખે તો એ હતી એથીય સુંદર લાગતી હતી. વિશ્વામિત્રના પ્રણયને જ જાણે કે ન્યાય આપતા હોય એમ કવિવર ટાગોરે લખ્યું છે કે અરૃપ રત્નો પામવા માટે હું રૃપના સાગરમાં ડૂબકી મારું છું.
વિશ્વામિત્ર અસામાન્ય પ્રતિભાના માલિક હતા. મેનકા મિલન પછી પણ દેવોની સભામાં તેમની પ્રતિષ્ઠા રજમાત્ર ઓછી થઈ ન હતી. અયોધ્યાના રામરાજ્યનું નિર્માણ કરનારા બે ઋષિઓ હતા. વશિષ્ઠ અને વિશ્વામિત્ર. એમાં વશિષ્ઠ અવિચલિત ચરિત્ર ધરાવતા હતા. વિશ્વામિત્ર પણ હતા તો એવા જ, છતાં આનંદના ભ્રમમાં તેઓ સરી પડ્યા. એટલે કે માત્ર આનંદ એ જીવનનો ઉપક્રમ નથી, એમાં પરિતોષ પણ હોવો જોઈએ. વિશ્વામિત્ર તપ અને ધ્યાનમાં તો સાક્ષાત આનંદમૂર્તિ જ બની જતા હતા, પરંતુ એનાથી એમને અસંતોષ હતો. એ અસંતોષે જ એમને રાજર્ષિમાંથી બ્રહ્મર્ષિ બનતા અટકાવ્યા.
સંતોષ તો સ્વયં આનંદનું રૃપ છે. સંતોષ એક પૂર્ણ વિરામ છે, પરિપૂર્ણતા છે. ત્યાં જે અંત આવે છે તે રઝળપાટનો છે. મનને ભટકવું ગમે છે તેની અમોઘ ઔષધિ સંતોષ છે. પૃથ્વી પર પ્રાપ્તિના વિકલ્પોનો કોઈ અંત નથી અને અંત છે તે અંતઃકરણનો સંતોષ છે. રાજાઓના જમાનામાં એક સોનામહોરથી સંતોષ પામનારા વિદુર જેવા વિદ્વાનો હતા અને લાખો સોનામહોરથીય જેમની ધનભૂખ ભાંગતી ન હતી તેવા રાજનીતિજ્ઞો પણ હતા. ધનભૂખ જિંદગીની સર્વ નિરાંતને હણી લે છે અને એ વધુ ને વધુ પ્રજ્વલિત થઈ જાતકને અનેક ઉત્પાત કરાવે છે. સંતોષ કોઈ કળા નથી, એક સંસ્કાર છે. ઉછેરની પરંપરામાં જો એ સમાવિષ્ટ હોય તો જ ઘરની નવી પેઢીમાં જોવા મળે છે. આપણે ગુજરાતીઓ છીએ એટલે આપણા ઘરમાં જેટલી વાત લક્ષ્મીલાલસાની હોય એટલી સંતોષની ન હોય, પણ સંતોષના સંસ્કાર દાખલ કરવા રહ્યા. એના વિના સંતાનોને જિંદગીની અસલ મહેક નહિ મળે.
રિમાર્ક ઃ ઘટ ઘટ મેં સાંઈ બિરાજે તેહી કારજ સંતોષ બિલાસે
નિત પૂજા નિત રાજભોગ હૈ યેહી સાંઈ હૈ શ્વાસબિશ્વાસે.
———————–