તમારા માટે, તમારી સાથે, સતત…

‘મી ટૂ’ ચળવળનો ગેરલાભ લઈને સજ્જન પુરુષોની આબરૂ ન લૂંટાય

'મી ટૂ' ચળવળ હેઠળ જેટલા આક્ષેપો થાય છે એ બધા જ સાચા નથી હોતા.

0 433

સત્ – અસત્ – નવલકથા – પ્રકરણઃ ૪૦ ( અંતિમ પ્રકરણ )

– સંગીતા-સુધીર

સત્યેન અને આરજે તેમજ તેના પરિવારની તપાસ પંચ સમક્ષ હાજરી

તૈમૂર લંડનથી ભાગીને પેરિસ જતો હોય છે, એ સમયે બોર્ડર પોલીસ તેની ધરપકડ કરે છે અને ઇન્ટરપોલને સોંપે છે. આ બધા ઘટનાક્રમનું ટીવી પર જીવંત પ્રસારણ થાય છે. આ બધી માહિતી જેકબ સત્યેનને આપે છે. આ સમાચાર સાંભળીને સત્યેનને ખુશી થાય છે અને સાથે મૂંઝવણ પણ. જોકે, તેને એ સમયે અબ્રાહમનો વિચાર આવે છે. તેથી તે જેકબને અબ્રાહમને મળવાની વાત કરે છે. યુસુફે સાઇનાઇડની ગોળી ગળીને આત્મહત્યા કરી છે એ વાતની જાણ થતાં આરજેને આઘાત લાગે છે. તેને શંકા જાય છે કે તૈમૂરના માણસોએ જ યુસુફને આપઘાત કરવા ઉશ્કેર્યો હશે. એ જ સમયે પોલીસ સ્ટેશનનો ઇન્સ્પેક્ટર આરજેને તૈમૂરની ધરપકડના સમાચાર સંભળાવે છે. આ બધા સમાચાર ટીવી પર લાઇવ જોતાં આરજેના હાંજા ગગડી જાય છે. હવે વર્ષો સુધી લંડનની જેલમાં સબડાવવું પડશે એવા વિચારે આરજે ચિંતામાં મૂકાઈ જાય છે. રોમેલ અને રોહિણીને પણ યુસુફ અને તૈમૂરના સમાચાર મળે છે. આરજેએ જે લેખિત કબૂલાત કરી હતી, તે એ પાળે છે. ઉચાપત કરેલાં રૃપિયા તે પાર્ટીના એકાઉન્ટમાં પાછા જમા કરાવે છે. બીજી બાજુ સત્યેન આરજે અને તેના પરિવાર સામે કરેલા આક્ષેપો પાછા ખેંચી લે છે. મુંબઈ હાઈકોર્ટના આદેશને અનુસરીને ત્રણ નિવૃત્ત જજોની બેન્ચ મી ટૂ મુદ્દા ઉપર કામ કરે છે. સત્યેન ઇન્કવાયરી કમિશન સમક્ષ હાજર થાય છે. સત્યેન શાહની ઊલટતપાસ કરવામાં આવે છે. ત્રણ મહિનાની અંદર તપાસ પંચ તેમનો રિપોર્ટ જજ સુરેન્દ્ર ત્રિવેદીને સોંપે છે. બીજી બાજુ મયંક શેઠ, સુઝેન સેલ્વમના પ્રેમી ડેવિડ ગોન્ઝાલ્વિસ અને તેજાનીએ સત્યેન શાહને મારવા માટે ગુંડાઓ રોક્યા હોય છે, તેમને સત્યેનના આવવાથી ધ્રાસ્કો પડે છે. તેઓ તેમના ગુંડાઓને સત્યેનને મોતને ઘાટ ઉતારવાનું કહે છે. જોકે, રંજના સેનના પ્રેમી અમર્ત્ય સેનને પોતે રંજનાને આપેલી સલાહ યોગ્ય લાગે છે. લચ્છુ અદનાનીને તો તેની પત્ની રમણી અદનાનીએ કરેલી કબૂલાતમાં કંઈ સમજ નહોતી પડી. ચીફ જજ તેમનો નિર્ણય સંભળાવવામાં સમય લે છે. બીજી બાજુ અટલ અને અચલા અને જાગૃતિ અને મંથન લગ્નગ્રંથિથી જોડાવાની જાહેરાત કરે છે. સત્યેન આરજે અને તેના પરિવારને લંડનથી છોડાવીને ભારત લઈ આવે છે. તપાસ પંચ સમક્ષ તેઓને હાજર કરે છે અને આરજે પાસે તેણે કરેલા ખોટા કામો તેમજ સત્યેન સામે કરાવેલા ખોટા આક્ષેપોની કબૂલાત કરાવે છે. આ બધી કબૂલાતને કારણે આરજે વિહવળ થઈ જાય છે કે જો તૈમૂરને આ બધા વિશે ખબર પડશે તો તેના શું હાલ-હવાલ થશે.

હવે આગળ વાંચો…

જે સમયે પ્રેસ ક્લબમાં રિપોર્ટરો અટલ અને અચલા લગ્નગ્રંથિથી થોડા સમયમાં જ જોડાવાના છે એની ખુશાલીમાં શેમ્પેઇનની જ્યાફત ઉડાવતા હતા એ જ સમયે વરલી સી ફેસ ઉપર આવેલ મધુરિમા બંગલાના અતિ વૈભવી ડ્રોઇંગ રૃમમાં કાંતિલાલ, એમનો મોટો દીકરો શશીકાંત, મોટી દીકરી ભાનુમતી, પુત્રવધૂ સાવિત્રી અને પૌત્ર મંથન આ પાંચે જણા સત્યેનનો ઊધડો લઈ રહ્યા હતા.

‘તને સત્તર વાર કહ્યું હતું કે રાજકારણમાં ન પડ તોયે તેં એમાં ઝંપલાવ્યું અને જોયુંને એનું પરિણામ શું આવ્યું?’

કાંતિલાલે દીકરાને ઠપકારતાં કહ્યું.

‘સૌને ડૂબી મરવાનું મન થાય એવા તારી વિરુદ્ધ આક્ષેપો થયા.’ નાનપણમાં પોતે સૌને ડૂબી મરવા જેવા કાર્યો કર્યા હતા એ ભૂલી જઈને શશીકાંતે એના નાના ભાઈને ઠપકાર્યો.

‘અમારી તો તેં રાતોની ઊંઘ જ ઉડાડી દીધી હતી.’ સાવિત્રીએ પણ પતિ સામે ફરિયાદ કરતાં કહ્યું.

‘અને પપ્પા, તમને ખબર છે આપણને કેટલું મોટું આર્થિક નુકસાન થયું છે? આપણી બધી જ કંપનીઓના શેરોના ભાવ ગગડી ગયા છે.’ મંથને પણ એનું મંતવ્ય રજૂ કર્યું.

‘તું ચૂપ રહે, મંથન. પપ્પાનો વાંક કાઢે છે, પણ તેં પોતે પણ આવું જ કર્યું છે.’ સાવિત્રીએ એકના એક દીકરાને ઠપકાર્યો.

‘મમ્મી, મેં તો આ બધી જુઠ્ઠી સ્ત્રીઓને ખુલ્લી પાડવા, આ બધી ‘મી ટૂ’ ચળવળ

ઊપડી છે એનું પરિણામ શું આવશે એની સૌને જાણ કરાવવા જાગૃતિ જોડે મળીને ત્રાગડો રચ્યો હતો. એ બધું પણ અમે કર્યું હતું તો પપ્પાની સૂચનાથી જ.’ મંથને પોતાના બચાવમાં કહ્યું.

‘અરે, પણ તમને બધાને ખબર છે? અમેરિકામાં અમારી શું વલે થતી હતી? સ્ત્રીઓની દરેકેદરેક કિટી પાર્ટીમાં ભાઈની જ ચર્ચા થતી હતી.’

અત્યાર સુધી બધાથી અજાણ મધુરિમામાં આવી પહોંચેલ જ્યોત્સ્ના આ બધાની વાતો દીવાનખાનાના દરવાજામાં ઊભી રહીને સાંભળી રહી હતી. એણે એના આગમનની જાણ કરાવી સૌને આશ્ચર્યમાં નાખી દેતાં સત્યેનની સામે થઈ રહેલી ફરિયાદોમાં વધારો કર્યો.

‘અરે, ભાઈએ ત્યાં લંડનમાં શું શું કર્યું હતું એની તમને ખબર છે? એ તો સારું હતું કે તમારા બનેવીની શાખ બહુ સારી છે અને મારા લંડન પોલીસ કમિશનરની વાઈફ જોડે બહેનપણા છે. નહીં તો ભાઈ ત્યાં ખૂબ મોટી મુશ્કેલીમાં મૂકાઈ જાત.’

‘અરે, પણ તું મુંબઈ આવી ક્યારે?’ સત્યેને બધાની ફરિયાદો અવગણીને અચાનક લંડનથી કોઈને પણ જણાવ્યા વગર આવી પહોંચેલી બહેન જ્યોત્સ્નાને પ્રશ્ન કર્યો.

‘આવું નહીં તો શું કરું? છાપાં રોજ ભાઈના વિશે નવા નવા સમાચારો છાપતા હતા. જાતજાતની અટકળો કરીને બ્રિટિશ રિપોર્ટરો તો ઠીક, પણ લંડનમાં પ્રસિદ્ધ થતાં ગુજરાતી અખબારો પણ રોજ નવી નવી બાતમી આપતા હતા. ભાઈએ મુંબઈ

હાઈકોર્ટના ચીફ જજે નિમેલા તપાસપંચ આગળ જુબાની આપી એ જાણીને મારાથી રહેવાયું નહીં. એ તપાસપંચના અહેવાલ ઉપર ચીફ જસ્ટિસ એમનો શું ઓર્ડર આપે છે એ જાણવા માટે એટલી તાલાવેલી લાગી કે હું મારી જાતને રોકી શકી નહીં. એટલે જ હું બધું જ છોડીને મુંબઈ આવી ગઈ છું. ભાઈ, તેં તો આપણા ઘરમાં જ નહીં, સમાજમાં જ નહીં, મુંબઈમાં છોડ, હિન્દુસ્તાનની બહાર પણ ઊથલપાથલ કરી મૂકી છે.’

‘હા… હા. તારે લીધે કેટલી બધી ઊથલપાથલ થઈ છે એનું તને ભાન છે?’ શશીકાંતે મોટા ભાઈ તરીકે ફરી એક વાર સત્યેનને ઠપકાર્યો.

‘બસ, હવે બહુ થયું.’ સત્યેનને ભાંડવાનું બંધ કરો. એણે આપણને બધાને થોડા સમય તકલીફમાં મૂક્યા હતા, પણ કામ તો ખૂબ જ સારું કર્યું છે. પાર્ટીના કરોડો રૃપિયા એણે

પાછા આણ્યા છે. હિન્દુઓનો કટ્ટર દુશ્મન પેલો તૈમૂર, એને પણ મારા દીકરાએ બરાબરનો સપડાવ્યો છે. અરે, પણ સત્યેન, તને આ બધી બાબતમાં મદદ કરનાર પેલો અબ્રાહમ ક્યાં છે? એ પણ લંડન તો આવ્યો હતો ને?’ કાંતિલાલે સૌને સત્યેનને ભાંડતા અટકાવીને કહ્યું.

‘પપ્પા, અબ્રાહમ પણ આજે મુંબઈ આવી રહ્યો છે. એને પણ ચીફ જસ્ટિસ તપાસપંચના અહેવાલ ઉપર શું ઓર્ડર કરે છે અને અહીં કોર્ટ આરજેને શું સજા કરે છે એ જાણવામાં ખૂબ જ રસ છે.’

‘જ્યોત્સ્નાબહેન, તમે સાવ એકલાં આવ્યાં છો કે બનેવી પણ સાથે છે?’ સાવિત્રીએ હવે ગૃહિણી તરીકેની એની ફરજ બજાવી.

‘ભાભી, હું એકલી જ આવી છું. એમનાથી તો નીકળાય એવું નહોતું.’

‘તો ચાલો, અંદર આવો. જરા ફ્રેશ થાવ. હું તમારા માટે ચા-નાસ્તાનો બંદોબસ્ત કરું. તમારો સામાન ક્યાં છે?’

‘એ તો આપણો ગેટકીપર ઉતારે છે.’

‘ચાલો, હવે કોઈએ સત્યેન કે મંથન, બેમાંથી કોઈને કશું કહેવાનું નથી અને મંથન, તારું આ જાગૃતિ જોડેનું પ્રકરણ ક્યાં સુધી

પહોંચ્યું? હવે તો તું લગ્ન કરવા રાજી છે ને?’ કાંતિલાલે પૌત્રને પ્રશ્ન કર્યો.

મંથન કંઈ જવાબ આપે એ પહેલાં સાવિત્રી બોલી, ‘પપ્પા, ચીફ જસ્ટિસના ઓર્ડરની જ એ બંને વાટ જોઈ રહ્યા છે. ઓર્ડર આવી જાય, એ શું છે એ જાણ્યા બાદ તેઓ લગ્ન કરવાના છે.’

* * *

મુંબઈ હાઈકોર્ટનો વચલો કોર્ટ રૃમ જ્યાં ચીફ જસ્ટિસ બેસતા હતા એ ખીચોખીચ ભરાઈ ગયો હતો. બેન્ક ઓફ ઇન્ડિયાના બિલ્ડિંગની પાછળ આવેલ ગલી જ્યાંથી હાઈકોર્ટમાં પ્રવેશાય છે એ આખી ગલી પણ   માનવમેદનીથી ખીચોખીચ ભરાઈ ગઈ હતી.

‘મી ટૂ’ ચળવળ અમેરિકામાંથી શરૃ થઈ હતી અને એની જાણ સૌપ્રથમ ન્યૂ યૉર્કના એક મૅગેઝિને વિશ્વને કરી હતી. આથી એ મૅગેઝિનના રિપોર્ટરો, ફોટોગ્રાફરો અને એ ચળવળ સૌપ્રથમ શરૃ કરનાર અમેરિકન મહિલા પણ ખાસ મુંબઈ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ એમનો શું ઓર્ડર કરે છે એ જાણવા મુંબઈ આવી પહોંચ્યાં હતાં.

બરાબર અગિયારના ટકોરે ચીફ જજનો છડીદાર એમના પ્રવેશવાના દ્વારમાંથી બહાર આવ્યો અને રાબેતા મુજબ ‘સાઇલન્સ…’ એમ કહીને એણે હરહંમેશ કરતાં વધુ મોટા અવાજે કોર્ટરૃમમાં ઉપસ્થિત સર્વેને શાંત રહેવા જણાવ્યું. બધાની નજર હવે ચીફ જજ જે પ્રવેશદ્વારમાંથી કોર્ટમાં પ્રવેશતા હતા ત્યાં દોરાઈ.

મુંબઈ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુરેન્દ્ર ત્રિવેદીને એક બૂરી કહી શકાય એવી સિગારેટ પીવાની લત હતી. એક વાર કોર્ટરૃમમાં અગિયાર વાગે દાખલ થાય પછી બે વાગ્યા સુધી, લંચ રિસેસ ન પડે ત્યાં સુધી, તેઓ સિગારેટ પી શકતા નહોતા. આથી કોર્ટરૃમમાં દાખલ થતા પહેલાં તેઓ દરવાજાની બહાર ઊભા ઊભા એમણે છેલ્લે સળગાવેલી એક સિગારેટ પૂરેપૂરી પી લેતા અને પછી જ કોર્ટરૃમમાં દાખલ થતા.

આજે પણ તેઓ એમની ચેમ્બરમાંથી બહાર નીકળ્યા અને વીસ ડગલાં ચાલીને એમની કોર્ટરૃમના દરવાજા પાસે પહોંચ્યા. ખિસ્સામાંથી ૫૫૫, જે બ્રાન્ડની સિગારેટ તેઓ વર્ષોથી પીતા હતા, એનું વીસ સિગારેટનું ખોખું ખિસ્સામાંથી બહાર કાઢ્યું. એમાં બાકી રહેલી દસ સિગારેટમાંની એક સિગારેટ કાઢી. પછી બીજા ખિસ્સામાંથી લાઇટર કાઢીને એના વડે એ દિવસની એમની અગિયારમી સિગારેટ સળગાવી. હાથમાં રહેલ સ્ટેટ એક્સપ્રેસના પીળા રંગના ખોખા તરફ એમણે એક દૃષ્ટિ કરી. એની ઉપર ‘સિગારેટ પીવી એ તંદુરસ્તી માટે હાનિકારક છે’ એવી જે ચેતવણી લખવામાં આવી હતી એ વાંચી. એમણે મનોમન વિચાર કર્યા, ‘મારા જેવો ભણેલો-ગણેલો એક જજ પણ જો આ ચેતવણી વાંચ્યા બાદ સિગારેટનું સેવન કરે છે તો સામાન્ય માનવી તો આવી ચેતવણી વાંચતા પણ નહીં હોય. ખરેખર લત એ બહુ જ બૂરી ચીજ છે.’

‘મારી પત્ની રોજ મને સિગારેટ છોડવાનું કહે છે. મારો દીકરો પણ મને પપ્પા, તમે સિગારેટ છોડી દો એવું કહ્યા કરે છે. મારા સિગારેટ પીવાને કારણે મારી પત્ની અને દીકરાને નાછૂટકે એમના શ્વાસમાં સિગારેટના ધુમાડા લેવા પડે છે. તેઓ પેસિવ સ્મોકર બની જાય છે. ચાલ, આજે એક ઐતિહાસિક નિર્ણય આપવા જઈ રહ્યો છું તો મારા જીવનનો પણ એક ઐતિહાસિક નિર્ણય લઉં. આ મારી છેલ્લી સિગારેટ છે. હવે પછી હું સિગારેટનું સેવન નહીં કરું.’

દૂર ઊભેલા ચપરાશીને એણે હાથનો ઇશારો કરીને પાસે બોલાવ્યો. તેેઓ જે સિગારેટ પી રહ્યા હતા એ અડધી હજુ બાકી હતી. એમણે એ જમીન ઉપર ફેંકીને બૂટ વડે એને કચડી નાખી. જાણે કે તેઓ આદતને જ કચડી નાખતા હોય. ચપરાશી જેવો બાજુમાં આવ્યો કે એમણે ખિસ્સામાંથી બાકી રહેલ સ્ટેટ એક્સપ્રેસ સિગારેટનું મોંઘામાંનું પેકેટ અને લાઇટર એને આપી દીધાં. ચપરાશી કંઈ સમજ્યો નહીં કે શા માટે જજસાહેબ એમને આ આપી રહ્યા છે.

‘રઘુનાથ…’ જજસાહેબ એમના

ચપરાશીને નામથી બોલાવતા, ‘આ બંને ચીજો તું કચરાની પેટીમાં ફેંકી દે. હવેથી હું સિગારેટ પીવાનો નથી.’

રઘુનાથ બિચારો આભો બની ગયો. એને સમજ ન પડી કે જજસાહેબ શું કહી રહ્યા હતા.

જિંદગીનો આવો કઠણ નિર્ણય લઈને મુંબઈ હાઈકોર્ટના ચીફ જજ મિસ્ટર સુરેન્દ્ર ત્રિવેદી એક બીજો અત્યંત કઠિન નિર્ણય

આપવા કોર્ટરૃમમાં દાખલ થયા.

* * *

‘મી ટૂ’ આ ચળવળની જાણકારી મને હતી જ. સત્યેન શાહ ઉપર પાંચ-પાંચ સ્ત્રીઓએ બળાત્કાર અને જાતીય શોષણના જે આક્ષેપો કર્યા હતા એ વિશે અખબારોમાં પ્રસિદ્ધ થયેલા રિપોર્ટો મેં વાંચ્યા હતા. ત્યાર બાદ અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ વિરુદ્ધ થયેલા જાતીય શોષણના આક્ષેપો પણ મેં વાંચ્યા હતા. એ સર્વે વાંચ્યા બાદ મોડી મોડી પણ એમના ઉપર જે વીત્યું હતુું એ જાહેરમાં કહેવાની હિંમત દર્શાવતી સ્ત્રીઓ પ્રત્યે મને માન થયું હતું, પણ મારે એ કબૂલવું જોઈએ કે એક જજ તરીકે મને આ બધા ન્યૂઝપેપરના રિપોટ્ર્સ વાંચતા એવો વિચાર આવ્યો નહોતો કે સિક્કાની બે બાજુ હોય છે. જે રીતે એક પછી એક સ્ત્રીઓએ એમના ઉપર વર્ષો પહેલાં જે પ્રકારનું જાતીય શોષણ કરવામાં આવ્યું હતું એ વિશે જાણ કરી હતી એ જ રીતે પુરુષો, જેમની વિરુદ્ધ વર્ષો બાદ જાતીય શોષણના આક્ષેપો કરવામાં આવ્યા હતા એમને પણ દરેકને પોતાના બચાવમાં કંઈક કહેવાનું હશે એવું મેં વિચાર્યું જ નહોતું. એક ન્યાયાધીશ તરીકે મને એ વિચાર આવવો જોઈતો હતો કે આક્ષેપો કરનાર બધી વ્યક્તિઓ સાચી નથી હોતી અને મૂંગા રહેનાર, આક્ષેપોનો રદિયો ન આપતી બધી વ્યક્તિઓ ગુનેગાર પણ નથી હોતી. મારી આ ભૂલ વિશે આ પ્રશ્ન ઉપર મારું ધ્યાન મિસ જાગૃતિએ દોર્યું. એમના પ્રગટ થયેલા અહેવાલોને કારણે મને આ આખી બિનાની તપાસ કરવા માટે એક તપાસપંચ નીમવાની જરૃરિયાત જણાઈ. એ માટે હું મિસ જાગૃતિનો આભાર માનું છું.

‘એમણે મારું ધ્યાન દોરવા માટે જૂઠાણાનો આધાર લીધો. કોર્ટ જોડે રમત આદરી. તેઓ મારું ધ્યાન આ સમસ્યા ઉપર અન્ય રીતે પણ દોરી શક્યા હોત. આવો ખોટો રસ્તો અપનાવવા બદલ મિસ જાગૃતિને મારે સજા કરવી જ રહી.

‘જાગૃતિનો આભાર માનતાં માનતાં હું એમને સજા પણ કરવાનો ઇરાદો ધરાવું છું. જેથી ભવિષ્યમાં કોઈ સારા કાર્ય માટે ખોટો રસ્તો અપનાવતા ખચકાય.’

ચીફ જસ્ટિસ મિસ્ટર સુરેન્દ્ર ત્રિવેદીએ એમણે નીમેલ તપાસપંચે રજૂ કરેલ અહેવાલ ઉપર એમનું જજમૅન્ટ આપવાનું શરૃ કર્યું. શરૃઆતમાં જ એમણે જાગૃતિની પ્રશંસા કરતાં કરતાં તેઓ એને સજા આપવાના છે એવું જણાવીને સર્વેને વિસ્મયમાં નાખી દીધા.

જજમૅન્ટની શરૃઆત જો આવી વિસ્મયતાપૂર્વકની છે તો હવે પછી સમગ્ર જજમૅન્ટમાં તેઓ શું શું આશ્ચર્યજનક જણાવશે? કોને સજા કરશે? કોને નિર્દોષ ઠરાવશે? સૌ અટકળો કરવા લાગી ગયા.

કોર્ટમાં હાજર જાગૃતિના મુખ ઉપર ચીફ જસ્ટિસે એના કાર્યની પ્રશંસા કરી હતી એનો હર્ષ વર્તાતો હતો. એના પ્રેમી મંથનના મુખ ઉપર એની પ્રિયતમાને સજા થવાની છે એનો છવાયેલો વિષાદ દેખાતો હતો.

પાંચ સ્ત્રીઓ, જેમણે સત્યેન શાહ વિરુદ્ધ આક્ષેપો કર્યા હતા એમાંની એકે પોતે કરેલા આક્ષેપો ખોટા હતા એવી સ્વકબૂલાત કરી લીધી હતી. એ રંજના સેનને ચીફ જસ્ટિસના શરૃઆતના જ ઉદ્ગારો સાંભળીને ખાતરી થઈ ગઈ કે જાગૃતિની જેમ જ ચીફ જસ્ટિસ એને પણ માફ નહીં કરે. તેઓ જરૃરથી એને સજા કરશે. રંજના સેનની આતુુરતા એટલી જ હતી કે એ સજા કેવી અને કેટલી હશે?

અન્ય ચાર સ્ત્રીઓ, જેઓ પોતે જાણતી હતી કે એમના આક્ષેપો ખોટા હતા અને તે છતાં તપાસપંચ સમક્ષ એમણે એમના જૂઠાણાઓ ચલાવે રાખ્યા હતા એમના ગભરાટનો પાર નહોતો.

ચીફ જસ્ટિસ આટલું બોલ્યા અને અટક્યા. તેઓ એમનું જજમૅન્ટ આપવાનું ફરીથી ચાલુ કરે એ પહેલાં એમને ઉધરસ આવી. એ કેમેય કરીને અટકે નહીં. પાછળ ઊભેલા ચપરાશીએ ઝડપથી આગળ આવી એમના ટેબલ ઉપર પાણી ભરેલો ગ્લાસ ઉપાડીને એમને પીવા માટે ધર્યો. ચીફ જસ્ટિસે પાણીનો ગ્લાસ મોઢે માંડ્યો, એકાદ-બે ઘૂંટડા ભર્યા, પણ આમ કરતાં એમની ઉધરસ બંધ થવાને બદલે, ઘટવાને બદલે વધી ગઈ. તેઓ લાંબા સમય સુધી ઉધરસ ખાતા રહ્યા.

કોર્ટરૃમમાં એમના જજમૅન્ટની શરૃઆતના શબ્દો સાંભળીને જે ઝીણો ઝીણો ગણગણાટ શરૃ થયો હતો એ હવે એકદમ વધી ગયો. હાજર સૌને ઉધરસ ખાતા ચીફ જસ્ટિસને જોઈને ચિંતા થવા માંડી. કોર્ટના એક સિનિયર ઍડ્વોકેટે બીજા સિનિયર ઍડ્વોકેટને દબાયેલા અવાજે કહ્યું,

‘મેં તો જજસાહેબને સિગારેટ છોડી દેવાની ભલામણ ઘણા વખત પહેલાં કરી હતી. એમણે એ ન માની. જોયું એનું આ પરિણામ.’

‘ઍડ્વોકેટોને વારંવાર દબડાવવાની આદતને કારણે જ જસ્ટિસ ત્રિવેદીને ઉધરસ આવે છે. એમણે એમની આ આદત એમના પોતાના લાભ માટે સુધારવી જોઈએ.’ ઍડ્વોકેટ મિસ્ટર અરદેસર પટેલે ચીફ જસ્ટિસની ઉધરસ અટકતી ન હોવાને કારણે ટકોર કરી.

‘કોઈએ એમની પીઠ પસરાવવી જોઈએ, જેથી એમને ઉધરસ ખાતાં ખાતાં રાહત થાય.’ કોર્ટના એક ખૂણામાં ઊભેલી અચલાએ સ્ત્રીસહજ ઉપાય જણાવ્યો.

‘હા, હા, એમની બાજુમાં ઊભેલા પ્યુને જજ સાહેબની પીઠ ઉપર હાથ ફેરવવો જોઈએ.’ અટલે અચલાના કહેવાને સપોર્ટ આપ્યો.

બાજુમાં ઊભેલા સૉલિસિટર જોશીએ આ બંનેની વાતો સાંભળી અને કહ્યું,

‘જજસાહેબની પીઠ પસરાવવાની એ પ્યુનની હેસિયત નથી. એ તો જજસાહેબની બાજુમાં ઊભો પણ રહે છે ગભરાતા ગભરાતા.’

સુંવાળી ગાદી ધરાવતી, ઊંચી બેઠકવાળી એ ભવ્ય ખુરસીમાં ટટ્ટાર બેસેલા જજનું માથું ઉધરસ ખાતાં ખાતાં એક બાજુ ઢળી પડ્યું. હાજર સૌ બૂમ પાડી ઊઠ્યા, ‘ડૉક્ટરને બોલાવો… ડૉક્ટરને બોલાવો…’

* * *

‘વર્ષો સુધી સિગારેટ પીવાનું આ પરિણામ હતું.’

પ્રેસ ક્લબમાં એ સાંજના ફરી પાછી પત્રકારોની ટોળકી ભેગી થઈ હતી. એમાં હાજર ‘ગરવો ગુજ્જુ’ના તંત્રી રાજેશ શાહે અનેક વાર અનેકો કહી ચૂક્યા હતા એ સર્વસામાન્ય વિધાન ફરી પાછું એના

પત્રકારમિત્રોને કહ્યું.

‘હા, વિશ્વભરમાં ‘સ્મોકિંગ ઇઝ ઇર્ન્જરિયસ ટુ હેલ્થ’ એવી રોજેરોજ જાહેરખબરો થાય છે તોયે લોકો સિગારેટ પીવાનું છોડતા નથી.’ ફ્રીલાન્સર મદનસિંહે રાજેશ શાહના કથન બાદ પોતાનું ડબકું મૂક્યું.

‘મિસ્ટર મદનસિંહ, યુ કિપ ક્વાયટ. તું ખુદ હી સિગારેટ પીતા હૈ.’ ‘ગુડ આફ્ટરનૂન’ના ડેનિયલ ફનાન્ડીસે ડાહી સાસરે ન જાય અને ગાંડીને શિખામણ આપે એવા મદનસિંહને ઠપકાર્યો.

‘હા, પણ સારું થયું કે ચીફ જસ્ટિસની કોર્ટમાં ડૉક્ટર હાજર હતા અને એમનો તાબડતોબ ઉપચાર કરવામાં આવ્યો.’

જાગૃતિએ જણાવ્યું.

‘તને તો ચીફ જસ્ટિસ બેભાન થઈ ગયા ત્યારે આનંદ થયો હશે? પછી તાત્કાલિક સારવાર મળી અને તેઓ સાજા થયા એટલે અફસોસ થયો હશે, નહીં?’ અચલાએ

જાગૃતિને પૂછ્યું.

‘એવી સેલ્ફિશ હું નથી. ચીફ જસ્ટિસ ભલે મને સજા કરવાના હોય એથી કંઈ હું એમનું બૂરું ન ઇચ્છું. મને સજા થશે એની તો મેં મંથન સામે ખોટા આક્ષેપો કર્યા ત્યારની જાણ હતી, પણ અચલાબહેન…’ અચાનક જાગૃતિએ અચલાને ‘અચલાબહેન’ કહીને સંબોધી એટલે સૌ આશ્ચર્ય પામ્યા, ‘તમે સાંભળ્યું નહીં, ચીફ જસ્ટિસે મારા વખાણ પણ કર્યા હતા.’

‘હા… હા, હવે આવતા અઠવાડિયે જ્યારે ચીફ જસ્ટિસ ફરી પાછા એમનું જજમૅન્ટ આગળ સંભાળવવાનું શરૃ કરશે ત્યારે ખબર પડશે કે તેઓ કોના કોના વખાણ કરે છે અને કોને કોને સજા કરે છે.’ અચલા બોલી.

‘ઔર તબ તક તો અચલાજી આપ મિસિસ અટલજી હો જાયેગી. હૈ..ના સહી બાત?’ પવન મિશ્રાએ સવાલ કર્યો.

‘યસ, મિત્રો, આ શનિવારે હું અને અચલા હિન્દુવિધિ મુજબ અત્યંત સાદાઈપૂર્વક લગ્નગ્રંથિથી એકબીજા જોડે જોડાવવાના છીએ.’ પવન મિશ્રાએ અચલાને કરેલા સવાલનો જવાબ અટલે આપ્યો.

‘એટલેે? સાલા, તું સાદાઈથી લગ્ન કરી નાખશે. અમને બધાને પાર્ટી નહીં આપે?’ ધર્મેશે અટલને ઠપકાર્યો.

‘અરે, આ તો અચલા દબાણ કરતી હશે એટલે અટલ લગન કરવા પણ તૈયાર થયો છે.’ રાજેશે અટલ સાદાઈથી લગ્ન કેમ કરવાનો છે એનો ફોડ પાડ્યો.

‘અટલ, તપાસપંચનો અહેવાલ તો તેં સ્ટડી કર્યો જ હશે. ચીફ જસ્ટિસ શું જજમૅન્ટ આપશે એનો અંદાજ તને આવી ગયો હશે.’ મદનસિંહે ટોપિક બદલતાં કહ્યું.

‘અંદાજ શું કરવાનો? ચીફ જજે થોડામાં ઘણુ બધું  કહી નાખ્યું છે. સત્યેન શાહે જેલમાં જવાની તૈયારી શરૃ કરી દેવી જોઈએ.’ ધર્મેશે એના અંદાજ મુજબ કહ્યું.

‘આઈ થિન્ક સત્યેન શાહ વિલ અગેન રન અવે.’ ડેનિયલે એનો અભિપ્રાય આપ્યો.

‘અટલ, તને શું લાગે છે?’ ધર્મેશે અટલનો ઓપિનિયન માગ્યો.

‘હું જાણું છું કે સત્યેન શાહ નિર્દોષ છે. એની સામે કરવામાં આવેલા જાતીય શોષણના એ ચાર સ્ત્રીના આક્ષેપો એક ભયંકર રાજદ્વારી કાવતરું હતું. સત્યેન શાહનું ગુમ થવા પાછળનું કારણ એ કાવતરાબાજોને ખુલ્લા પકડવાનું હતું. એમણે જાનના જોખમે જય જનતા પાર્ટીના કરોડો રૃપિયા બચાવ્યા છે. આપણા દેશના રાજકારણમાં જે પરદેશીઓની, ઇસ્લામધર્મીઓની એમના સ્વાર્થ ખાતર જે દખલગીરી હતી એ સત્યેન શાહને કારણે હવે અટકી જશે.’ અટલે એનો ઉભરો એના પત્રકારમિત્ર સમક્ષ ઠાલવ્યો.

‘અટલ હમણા જે બોલ્યો એ કાલે ‘ગરવો ગુજ્જુ’માં છાપી નહીં મારતો.’ ધર્મેશે રાજેશ શાહને ટકોર કરી.

‘વ્હોટ ઈઝ રોન્ગ ઈન ઈટ?’ ડેનિયલ ફર્નાન્ડીસે પ્રશ્ન ઉઠાવ્યો.

‘હા… હા, ઈસ મેં ગલત ક્યા હૈ? મૈં હિન્દુસ્તાનીમેં અટલ કા યહ કહેના જુરુર પ્રકાશિત કરૃંગા.’ પવન મિશ્રાએ કહ્યું.

‘અરે, તમે જોજોને, મુંબઈના નહીં, ઇન્ડિયાના અને વર્લ્ડના બધાં જ ન્યૂઝપેપરો હવે ચીફ જસ્ટિસ સુરેન્દ્ર ત્રિવેદી તપાસપંચના અહેવાલ ઉપર શું જજમૅન્ટ આપશે, કોને સજા કરશે, કોને નહીં, એની જાતજાતની અટકળો છાપશે. સત્યેન શાહને જરૃરથી જેલની સજા થશે એવું તેઓ છાપશે, છાપશે અને છાપશે જ. આ જ આપણું કાર્ય છે.’ રાજેશે સામાન્ય રીતે જે બનતું હોય છે એ જણાવ્યું.

‘પણ અત્યારના તો આપણુ કાર્ય આપણી સામે પડ્યું છે. ઉઠાવો પોતપોતાના ગ્લાસ, માંડો મોઢે અને કહો, ‘ચીયર્સ ફોર ધિસ ટુ ફેન્ટાસ્ટિક રિપોર્ટર કપલ, અચલા ઍન્ડ અટલ.’ મદનસિંહે પોતાનો વ્હિસ્કી ભરેલો ગ્લાસ ઉપાડતાં કહ્યું.

* * *

‘જો સાંભળ, અટલ અને અચલા આ શનિવારે અટલના ઘરે લગ્ન કરવાનાં છે. એમણે કોઈને આમંત્ર્યા નથી. તેઓ સાદાઈથી લગ્ન કરવાના છે. સત્યેન શાહ, જેના માટે અટલ કામ કરી રહ્યો છે, ફક્ત એમને એકલાને જ અટલે લગ્નમાં આવવાનુંં આમંત્રણ આપ્યું છે. મોકો ખૂબ સારો છે. અટલના ઘરમાં જ સત્યેન શાહને પતાવી દે.’ સલીમે એના સાગરીતને જણાવ્યું.

* * *

‘તેજાનીસા’બ…’

‘હા, બોલ. મારું કામ ક્યારે કરવાનો છે. પૈસા પાછા આપવાની વાત નહીં કરતો. મને પૈસા નથી જોઈતા, બદલો જોઈએ છે. એ સત્યેન શાહને છ મહિના ખાટલામાં પડેલો મારે જોવો છે. એ જિંદગીભર લંગાડતો ચાલે એ મારે જોવું છે.’

‘હા… હા, મૈં આપકો યેચ બાત બતાને વાલા થા. જુઓ, આ શનિવારે સત્યેન શાહનો મળતિયો રિપોર્ટર અટલ એની પ્રેમિકા અચલા જોડે એના ઘરે લગ્ન કરવાનો છે. લગ્ન તેઓ એકદમ સાદાઈથી કરવાના છે. કોઈને આમંત્રણ આપ્યું નથી. ફક્ત સત્યેન શાહને જ બોલાવ્યા છે. વરઘોડિયા અટલ-અચલા, ગોરમહારાજ અને સત્યેન શાહ એ ચાર વ્યક્તિઓ જ શનિવારે સવારના અટલના ઘરમાં હશે. એ વખતે હું મારા માણસો જોડે એમના ઘરમાં ઘૂસીને સત્યેનને એવો મેથીપાક જમાડીશ કે બસ, છ મહિનાનો ખાટલો અને તૂટેલી ટાંગ.’

‘વાહ, મારા રાજા, વાહ. અમારી ઇન્ડસ્ટ્રીમાં અમસ્તો તારો ડંકો નથી વાગતો.’ તેજાનીએ ખુશ થતાં અંધારી આલમના એ શખ્સને કહ્યું.

Related Posts
1 of 34

* * *

‘રોડ્રિગ્સ…’

‘હા, બોલ, ડેવિડ.’

‘સાંભળ, પેલો રિપોર્ટર અટલ એની જાતવાળી અચલા જોડે આ શનિવારે મેરેજ કરે છે. સાલા, આગળ ખૂબ પૈસા છે, પણ એ ખર્ચવા નથી માગતો. સાદાઈથી ઘરમેળે જ લગન કરે છે. એણે ફક્ત સત્યેન શાહને જ એના ઘરે બોલાવ્યો છે. ધિસ ઈઝ અ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી.’

‘બસ.. સમજી ગયો. મને એ અટલના ઘરનું એડ્રેસ એસએમએસ કરી દે.’

* * *

અત્યંત સાદાઈપૂર્વક પોતાના વન બેડરૃમ કિચનના ફ્લેટમાં કરવા ધારેલ અટલ અને અચલાનાં લગ્નમાં કોઈએ ન ધારેલ એવી અને એટલી વ્યક્તિઓ હાજર હતી.

અટલ અને અચલાએ એમના પત્રકારમિત્રોને લગ્નની જાણ કરી હતી. બિલાડીના પેટમાં ખીર ટકે તો જ પત્રકારોના પેટમાં ખબર ટકે. દરેકેદરેક અખબારે આ બે આગળ પડતા પ્રતિષ્ઠિત રિપોર્ટરો એકબીજાને પરણવાના છે અને લગ્ન અત્યંત સાદાઈપૂર્વક અટલના ફ્લેટમાં જ કરવાના છે એવું એમના વાચકોને અખબારોમાં મોટાં મોટાં મથાળાં બાંધીને જાહેર કરી દીધું હતું.

‘ગરવો ગુજ્જુ’એ અટલ અને અચલાની બાયોગ્રાફી છાપી.

પવન મિશ્રાએ એ દંપતી એકબીજા જોડે કેવી કેવી સ્પર્ધા કરતી હતી એ એના વાચકોને જણાવ્યું.

ડેનિયલ ફર્નાન્ડીસે છાપ્યું કે હમણા જે ‘મી ટૂ’ એ ચર્ચાસ્પદ વિષય ઉપર તપાસપંચ નીમાયું હતું અને એમણે આપેલ અહેવાલ ઉપરથી મુંબઈ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ જજમૅન્ટ આપી રહ્યા હતા એમાં અટલ જે વ્યક્તિને સપોર્ટ કરી રહ્યો હતો એ જ વ્યક્તિની વિરુદ્ધ અચલા હતી. સામસામે પક્ષે લડતા બંને લગ્નગ્રંથિથી જોડાય છે એ દુનિયાની આઠમી અજાયબી છે!

અનેક અખબારોએ અટકળો બાંધી કે એકબીજાની ચડસાચડસી કરતાં, સામસામે લડતાં આ બંને પત્રકારનું લગ્નજીવન ઝાઝું ટકવાનું નથી.

જોષીઓએ આ બે વ્યક્તિના ભવિષ્ય ભાખ્યા. માન્યમાં ન આવે એવા બનાવ એમના જીવનમાં બનશે એવું એમણે જણાવ્યું.

જાગૃતિ, મંથન, સત્યેન શાહ અને પાંચ સ્ત્રીઓ, ‘મી ટૂ’ ચળવળ, આ બધાની જેમ જ અટલ અને અચલાનાં લગ્ન પણ મુંબઈ શહેરમાં ઘરે ઘરે ચર્ચાવા લાગ્યાં.

જગ્યાના અભાવને કારણે સૌ બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં તેમ જ કમ્પાઉન્ડની બહાર વીસ ફૂટના રસ્તા ઉપર અટલ અને અચલા ચોરીના ફેરા ફરી લે પછી એમને મુબારકબાદી આપવાની વાટ જોતાં ઊભા હતા.

એક વાર ફરી પાછો સત્યેન બચી ગયો.

* * *

મુંબઈ હાઈકોર્ટના કોઈ પણ ચીફ જસ્ટિસના કોઈ પણ કેસના ચુકાદા વખતે ક્યારેય ન થયેલી ભીડ ચીફ જસ્ટિસ સુરેન્દ્ર ત્રિવેદીની કોર્ટમાં હતી. ‘મી ટૂ’, સૌને દઝાડતા આ વિષય ઉપર તપાસપંચે રજૂ કરેલ રિપોર્ટ અને એની ઉપર થયેલ દલીલો સાંભળ્યા બાદ ચીફ જસ્ટિસ સુરેન્દ્ર ત્રિવેદી એમનું જજમૅન્ટ આજે પૂરું કરવાના હતા.

‘યત્ર નારીસ્તુ પૂજ્યતે, તત્ર રમંતે દેવતા’ આવા ઉમદા વિચાર ધરાવતા ભારત દેશમાં આજે સ્ત્રીઓને પગની પાની ગણવામાં આવે છે. આ એક અત્યંત દુઃખ પહોંચાડનારી તેમ જ સર્વે માટે શરમજનક વાત છે.’

મુંબઈ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુરેન્દ્ર ત્રિવેદીએ મહિના પહેલાં શરૃ કરેલા જજમૅન્ટને આગળ વધારતાં જે વાત એમને વર્ષોથી ખટકતી હતી એ શરૃઆતમાં જ જણાવી.

‘સતી સાવિત્રી, મહારાણી અહલ્યાબાઈ, ખૂબ લડી મર્દાની વો તો ઝાંસીવાલી રાણી થી એ લક્ષ્મીબાઈ, ફ્રીડમફાઈટર સરોજિની નાયડુ, અદ્ભુત પેન્ટર અમ્રિતા સેરગિલ, લોખંડી સ્ત્રી ઇન્દિરા ગાંધી, કોકિલકંઠી લતા મંગેશકર, મધર ઇન્ડિયાની અદ્ભુુત એક્ટર નરગિસ દત્ત, આવી આવી પ્રતિભાવંત અને વિશ્વમાં ભારતનું નામ ઉજ્જવળ કરનાર સ્ત્રીઓના દેશમાં આજે એમનું આત્મસમ્માન હણાય છે. એમની ગરિમા લાજે એવા નીચ અને હીન શારીરિક શોષણ તેમ જ બળાત્કારિક કાર્યો થાય છે.

અમેરિકામાં શરૃ થયેલી ‘મી ટૂ’ ચળવળે વર્ષોથી દુભાતી અને શોષાતી આવતી ભારતીય સ્ત્રીઓને એમનું બંધ મોં ખોલવાની હિંમત બક્ષી છે. ભારતના બીજા નંબરના રાજકીય પક્ષના ટ્રેઝરર તેમ જ એક નંબરના ઉદ્યોગપતિ સત્યેન શાહ સામે પાંચ પાંચ પ્રતિષ્ઠિત સ્ત્રીઓએ ‘મી ટૂ’ ચળવળ હેઠળ જાતીય શોષણ અને બળાત્કારના આક્ષેપો કર્યા છે. એમના જ પુત્ર મંથન સામે પણ એક યુવાન પત્રકાર સ્ત્રીએ આ જ ચળવળ હેઠળ જાતીય શોષણના આક્ષેપો કર્યા છે. સત્યેન શાહે વળતાં એમના ઉપર આક્ષેપ કરનાર પાંચમાંની ચાર સ્ત્રીઓ ઉપર માનહાનિના દાવા કર્યા છે.

મંથન ઉપર આક્ષેપ કરનાર રિપોર્ટર જાગૃતિએ ખુલ્લી કોર્ટમાં એકરાર કર્યો કે એણે ફક્ત ન્યાયતંત્રનું લક્ષ જાય એ હેતુસર જુઠ્ઠા આક્ષેપો કર્યા હતા. સત્યેન શાહ વિરુદ્ધ આક્ષેપો કરનાર પાંચમાંની એક સ્ત્રી, જાણીતી લેખિકા રંજના સેને, પણ ફક્ત પ્રસિદ્ધિ ખાતર ખોટા આક્ષેપો કર્યા હતા એવું કબૂલ્યું છે.

એક વાત આથી જરૃરથી સિદ્ધ થાય છે.

‘મી ટૂ’ ચળવળ હેઠળ જેટલા આક્ષેપો થાય છે એ બધા જ સાચા નથી હોતા.

શક્ય છે કે કાલે આ જ કોર્ટમાં મારા હાથ નીચે કાર્ય કરતી કોઈ સ્ત્રીકાર્યકર કોઈના ચઢાવ્યાથી મારી વિરુદ્ધ પણ ‘મી ટૂ’ ચળવળ હેઠળ જાતીય શોષણના આક્ષેપો કરે. એ આક્ષેપો ખોટા પુરવાર થાય ત્યારની વાત ત્યારે, પણ ત્યાં સુધીમાં હું તો બદનામ થઈ જાઉં. સમગ્ર ન્યાયતંત્રને લાંછન લાગી જાય. મારી વિરુદ્ધના એ આક્ષેપો ખોટા પુરવાર થાય તોયે મને જે લાંછન લાગ્યું હોય એ કંઈ ભૂંસાઈ ન જાય.

‘મી ટૂ’ ચળવળ અવશ્યથી સ્ત્રીઓને એમની ઉપર થતા અત્યાચારો જણાવવાની હિંમત બક્ષે છે. એ જાહેર થતાં વધુ અત્યાચારો થતા અટકે છે. સાથે સાથે આ ચળવળ હેઠળ પ્રસિદ્ધિ તેમ જ અન્ય કારણસર જુઠ્ઠા આક્ષેપો થતાં પુરુષોને નુકસાન પહોંચે છે. આથી પ્રશ્ન ખડો થાય છે કે શું ‘મી ટૂ’ ચળવળ યોગ્ય છે?

આ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકે મેં નીચે મુજબનો નિર્ણય લીધો છે.

‘સૌપ્રથમ ઉદ્યોગપતિ તેમ જ જય જનતા પાર્ટીના ટ્રેઝરર સત્યેન શાહ સામે મયૂરી મહેતા, મહેક મોમિન, સુઝન સેલ્વમ, રંજના સેન અને રમણી અદનાની, આ પાંચ પ્રતિષ્ઠિત સ્ત્રીઓએ જાતીય સતામણી અને બળાત્કારના આક્ષેપો કર્યા છે. એ સર્વે સ્ત્રીઓએ કરેલા આક્ષેપો અને એ આક્ષેપોના સમર્થનમાં રજૂ કરેલા સાક્ષીઓ તેમ જ પુરાવાઓ તપાસપંચે સાંભળ્યા અને જોયા.

રંજના સેને તપાસની શરૃઆતમાં જ કબૂલી લીધું કે એણે પ્રસિદ્ધિ ખાતર ખોટા આક્ષેપો કર્યા હતા અને સત્યેન શાહની માફી માગી લીધી. બાકીની ચાર સ્ત્રીઓના આક્ષેપો સદંતર ખોટા હોવાનું પુરવાર થયું છે.

સત્યેન શાહે રજૂ કરેલ એમની રોજનીશીઓ જ એકલી એ ચારેય સ્ત્રીઓના આક્ષેપો ખોટા પુરવાર કરવા માટે પૂરતી છે. આ રોજનીશીઓ ઉપર આ ચાર સ્ત્રીઓ વતી એમના કાબેલ ઍડ્વોકેટે એ ખોટી, બનાવટી, પાછળથી લખેલી છે એટલે એમાંના લખાણ ઉપર વિશ્વાસ કરી ન શકાય એવી જોરદાર દલીલો કરી હતી. સત્યેન શાહના સાક્ષીઓની જુબાની એવું દેખાડી આપે છે કે સત્યેન શાહે એ રોજનીશીઓ રોજેરોજ લખી હતી. સૌપ્રથમ તો એ રોજનીશીઓના કાગળો અને એના ઉપર જે જુદી જુદી શાહીથી લખાણ કરવામાં આવ્યું હતું એની નિષ્ણાતો આગળ કરાવેલી તપાસમાં એમણે જણાવ્યું હતું કે રોજનીશીના કાગળો અને એમાં જે શાહીથી લખાણ કરવામાં આવ્યું હતું એ જુદા જુદા સમયે વપરાતી જુદી જુદી શાહી છે. સત્યેન શાહની પત્ની, પુત્ર, પિતા, એમના ઘરના નોકર-ચાકરો, એમની ઑફિસના કાર્યકરો આવી દસ વ્યક્તિએ એમણે જુદા જુદા સમયે, જુદી જુદી જગ્યાએ સત્યેન શાહને એમની રોજનીશી લખતા જોયા હતા એવું જણાવ્યું છે.

એક પ્રશ્ન દરેક આરોપી સ્ત્રીને તપાસપંચના સભ્યોએ વારંવાર પૂછ્યો હતો,

‘તમારા ઉપર જો વર્ષો પહેલાં બળાત્કાર થયો હતો તો એ વાત અત્યાર સુધી કેમ કોઈને કહી નહીં? આમ અચાનક શા માટે આ આરોપો કર્યા?’

રંજના સેને તો કબૂલી જ લીધું કે એણે પ્રસિદ્ધિ માટે આવા ખોટા આરોપો કર્યા હતા. એણે એવું પણ કબૂલ્યું કે એને આવા આરોપો કરવાનું કહેવામાં આવ્યું હતું. એના ઉપર દબાણ કરવામાં આવ્યું હતું.

અન્ય ચાર આરોપી સ્ત્રીઓ તપાસપંચના સભ્યોના આ સવાલનો સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા. મયૂરી મહેતા તો  એમના કહેવા મુજબ સત્યેન શાહે એમના ઉપર જ્યારે બળાત્કાર કર્યો હતો ત્યારે ખૂબ જ સારી સામાજિક અને આર્થિક એવી સ્થિતિમાં હતાં. આખી ઘટનાનું એમનું વર્ણન એક પરીકથા જેવું હતું. જે લેખકે આખો પ્રસંગ ઘડી કાઢીને મયૂરી મહેતાને લખી આપ્યો હતો એમને પણ સત્યેન શાહે ફ્રીલાન્સર રિપોર્ટર મિસ્ટર અટલની મદદથી શોધી કાઢીને તપાસપંચ આગળ ઊભા કર્યા હતા. એમણે કબૂલી લીધું છે કે આખી ઘટના, જે મયૂરી મહેતાએ વર્ણવી છે એ એમણે ઉપજાવી અને લખીને આપી હતી. આથી વધુ શું પુરાવો જોઈએ કે મયૂરી મહેતાના આક્ષેપો સાવ ખોટા છે?

મહેક મોમિન, સુઝન સેલ્વમ અને રમણી અદનાની, આ ત્રણે સ્ત્રીઓએ પણ એમણે કરેલા આક્ષેપો સાચા છે એવું ખાતરીપૂર્વક દર્શાવી નથી શકી. ઊલટાનું એમની ઊલટતપાસમાં બહાર આવ્યું છે કે એ ત્રણેએ જુઠાણાં આચર્યાં હતાં. એમ કરવા માટે એમને લાલચ આપવામાં આવી હતી અને દબાણ થયું હતું.

સત્યેન શાહ અને એમના સાક્ષી રિપોર્ટર અટલ અને અન્ય સાક્ષીઓની જુબાની વાંચતાં એવું પુરવાર થાય છે કે આ એક આખી રાજકીય રમત હતી. આરજે તરીકે ઓળખાતા જય જનતા પાર્ટીના મુખ્ય કાર્યકર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રવીન્દ્ર જેસિંગલાલ ભગતે પાર્ટીર્ના ભૂતપૂર્વ ટ્રેઝરર સાથે મળીને પાર્ટીના કરોડો રૃપિયાની ઉચાપત કરી હતી. સત્યેન શાહને એની ગંધ આવી હતી. પોલ પકડાઈ ન જાય એ માટે આરજેએ દુબઈના તૈમૂરની મદદથી આ ચાર સ્ત્રીઓ ઉપર વિવિધ પ્રકારનાં દબાણો લાવીને સત્યેન શાહ સામે બળાત્કારના ખોટા આક્ષેપો કરાવ્યા હતા. નામ મુજબ સત્યનો આગ્રહ ધરાવતા સત્યેન શાહે ભયંકર સામાજિક તેમ જ આર્થિક દબાણ હોવા છતાં એ આક્ષેપોનો રદિયો આપવાનું ઠરાવ્યું. અણીના સમયે એમને એ ટાળવું પડ્યું અને દેશ છોડીને ભાગવું પડ્યું.

આ કોર્ટ સત્યેન શાહે ત્યાર બાદ કરેલ અસંભવિત જણાતાં કાર્યો, જેેને કારણે જય જનતા પાર્ટીના આરજે અને અન્યોએ ઉચાપત કરેલા અને દેશબહાર મોકલાવેલા કરોડો રૃપિયા પાછા મળ્યા અને આ સર્વેના સૂત્રધાર તૈમૂરને ઇન્ટરપોલને સુપરત કરાવ્યો એ બદલ સત્યેન શાહને અભિનંદન આપે છે.

આ ચારેય સ્ત્રીઓને જુઠ્ઠા આક્ષેપો કરવા બદલ અને એના દ્વારા સત્યેન શાહ જેવી પ્રતિષ્ઠિત વ્યક્તિને રંજાડવા માટે પાંચ વર્ષની કેદ ફરમાવે છે. ઉપરાંત દરેક સ્ત્રીને રૃપિયા દસ દસ લાખનો દંડ પણ ફરમાવે છે. દંડની રકમમાંથી અડધી રકમ સત્યેન શાહને આપવામાં આવશે. અડધી રકમ આપણી સરકારે સ્થાપેલ નારી કલ્યાણ સંસ્થાને આપવામાં આવશે.

ચીફ જસ્ટિસ સુરેન્દ્ર ત્રિવેદી એમનું જજમૅન્ટ આગળ લખાવે ત્યાં તો એને પાંચ વર્ષની કેદ ફરમાવવામાં આવી છે એ જાણતાં કોર્ટમાં હાજર મયૂરી મહેતા અને રમણી અદનાની, બંને, બેભાન થઈને ઢળી પડ્યાં. સુઝન સેલ્વમ છાતી ઉપર એના હાથ વડે ક્રૉસ દોરવા અને જિસસ ક્રાઈસ્ટને યાદ કરવા લાગી. મહેક મોમિનના મોઢામાંથી મોટેથી ‘યા અલ્લાહ’ શબ્દો સરી પડ્યા.

* * *

ગુનેગારો અનેક વેળાએ એમની વિરુદ્ધનો ચુકાદો સાંભળતાં બેભાન થઈ જાય છે. ઘણા મસ્તક ઉપરનો કાબૂ ગુમાવી બેસે છે અને ગાંડા થઈ જાય છે. અનેક હિંસક બનીને જજને મારવા દોડી જાય છે. એક ગુનેગારે તો એની વિરુદ્ધ ચુકાદો આવતાં એના પોતાના વકીલને જ લાફો મારી દીધો હતો, ‘નાલાયક, તું તો કહેતો હતો કે હું ચપટી વગાડતાં જ છૂટી જઈશ.’

મયૂરી અને રમણી, આ બે સ્ત્રીઓના બેભાન થવાને લીધે કોર્ટમાં ખળભળાટ મચી ગયો.

‘ડૉક્ટરને બોલાવો…’

‘ઍમ્બ્યુલન્સ લાવો…’

આવા આવા ઉદ્ગારો થવા લાગ્યા. ચીફ જસ્ટિસ સુરેન્દ્ર ત્રિવેદીને જજમૅન્ટ આગળ લખાવવાનું અટકાવવું પડ્યું,

‘હવે પછીનું જજમૅન્ટ આવતી કાલે લખાવીશ.’

આવું કહીને ચીફ જસ્ટિસ ઊભા થઈ ગયા. કોર્ટરૃમ જે અત્યાર સુધી શાંત હતો એ મચ્છી બજારમાં ફેરવાઈ ગયો. કોઈએ ચીફ જસ્ટિસના વખાણ કર્યા, કોઈએ ચીફ જસ્ટિસને વખોડિયા. અમુક લોકો તો ‘સત્યેન શાહનું પૅકેટ પહોંચી ગયું લાગે છે’ એટલી હદ સુધી બોલવા લાગ્યા. અટલને ગર્વ થયો કે એની મહેનત લેખે લાગી હતી. બાજુમાં ઊભેલ અચલાએ ગિરદીમાં કોઈ જુએ નહીં એમ હળવેથી અટલના પંજામાં પોતાનો પંજો ભેળવ્યો અને પ્રિયતમમાંથી પતિ બની ચૂકેલા અટલને કાનમાં ધીમેથી કહ્યુંઃ

‘અભિનંદન… આનું સેલિબ્રેશન તો લંડનમાં જ કરવું પડશે. મિસ્ટર સત્યેનને કહેજે કે લંડન વાયા ઇઝરાયલ જવાનો બંદોબસ્ત કરી રાખે.’

* * *

જજ જ્યાં સુધી એમનું જજમૅન્ટ પૂરેપૂરું સંભાળવી નથી દેતાં ત્યાં સુધી બધા પક્ષકારોનાં મનમાં ફફડાટ રહેતો હોય છે. રંજના સેન તો જાણતી જ હતી કે એ જુઠ્ઠું બોલી છે. એણે એના જુઠાણાનો એકરાર પણ કરી દીધો હતો. એ જાણતી હતી કે એને સજા તો થવાની છે, પણ શું થશે? કેટલી થશે? એ વિચારતાં વિચારતાં રંજના સેન કાંપી ઊઠતી હતી. ચીફ જસ્ટિસ મયૂરી અને અન્ય સ્ત્રીઓને આટલી મોટી બે વર્ષની કેદની સજા કરશે એવો રંજનાને સ્વપ્નામાં પણ વિચાર આવ્યો નહોતો. હવે રંજનાના મનમાં ફડકો પેઠો, ‘કદાચ મને પણ કેદની આટલી મોટી સજા ફરમાવવામાં આવી શકે.’

હર્ષદ ગાંજાવાલા તો જાણતો હતો કે એણે હિચકારું કૃત્ય કર્યું છે. અન્ય જેઓને તપાસપંચ આગળ ગુનેગાર તરીકે ઊભા કરવામાં આવ્યા હતા એમને પણ શું સજા કરવામાં આવશે એ વિચારે ફફડતા હતા. બીજા દિવસે બરાબર અગિયારના ટકોરે સુરેન્દ્ર ત્રિવેદીએ કોર્ટમાં એમની બેઠક લીધી અને કોઈ પણ જાતની ઔપચારિક વિધિ ન કરતાં હાજર ઍડ્વોકેટો એમને જે નમન કર્યું એ અવગણતાં એમનું બાકી રહેલું જજમૅન્ટ લખાવવાનું શરૃ કર્યું,

‘રંજના સેન, જેણે પોતાના ગુનો કબૂલ કરી લીધો છે એના જુઠ્ઠા આક્ષેપો પાછળની લાચારી અને ગુનો કબૂલ કરવાની હિંમત, આ બંને ધ્યાનમાં લઈને કોર્ટ એને ફક્ત એક મહિનાની જેલ અને રૃપિયા પાંચ હજારનો દંડ ફરમાવે છે. એ દંડની રકમ પણ નારી કલ્યાણ સંસ્થાને આપવામાં આવશે.’

‘રિપોર્ટર જાગૃતિએ એના પ્રેમી મંથન સામે ઉમદા હેતુથી આ કોર્ટનું ધ્યાન ખેંચવા જે આક્ષેપો કર્યા એ જુઠ્ઠા છે એવું તુરંત જ કબૂલ્યું. એનો આશય સારો હતો, પણ જૂઠાણુ એટલે જૂઠાણુ. જૂઠાણુ ચલાવી ન લેવાય. આથી જાગૃતિને પણ આ કોર્ટ એક દિવસની, આજે આ કોર્ટ ઊઠે ત્યાં સુધીની કેદ અને રૃપિયા પાંચ હજારનો દંડ ફરમાવે છે. આ દંડની રકમ પણ નારી કલ્યાણ સંસ્થાને આપવામાં આવશે.’

‘હર્ષદ ગાંજાવાલાએ ગજબની હિંમત કરી. એક નાબાલિગ પછાત કોમની યુવતી ઉપર એણે બળાત્કાર કર્યો, પછી એ ગુનો છાવરવા લાલચો આપી અને ફરિયાદ પાછી ખેંચાવી. રિપોર્ટર અચલાના પીઠબળથી એ યુવતી જાનકીમાં હિંમત આવી. એણે પાછી ખેંચી લીધેલી ફરિયાદ પાછી કરી. તપાસપંચના અહેવાલમાં હર્ષદ ગાંજાવાલા ગુનેગાર છે એવું સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે. આથી હું હર્ષદ ગાંજાવાલાને એના

દુષ્કૃૃત્ય માટે પાંચ વર્ષની જેલ અને રૃપિયા પચાસ હજારનો દંડ કરું છું. આ દંડની રકમ હર્ષદ ગાંજાવાલાના કૃત્યોની ભોગ બનેલી જાનકીને આપવામાં આવશે.’

ચીફ જસ્ટિસ સુરેન્દ્ર ત્રિવેદીએ આમ એક પછી એક અત્યાચાર આચરનારા પુરુષોને અને જુઠ્ઠું બોલનારી સ્ત્રીઓને સજા કરી.

‘અનેક સામાજિક કલ્યાણ ધરાવતી સંસ્થાઓ તેમ જ સ્ત્રી મંડળોએ તપાસપંચ સમક્ષ ‘મી ટૂ’ ચળવળ સામે એમના અભિપ્રાયો રજૂ કર્યા છે. ‘મી ટૂ’ ચળવળ સારી છે, પણ સ્ત્રીઓ આ ચળવળનો લાભ કરતાં ગેરલાભ વધુ લેશે એવી પૂરેપૂરી શક્યતા સત્યેન શાહના દાખલા ઉપરથી જણાય છે. સ્ત્રીઓના રક્ષણ માટે આપણા દેશે અનેક કાયદા ઘડ્યા છે. એ સૌ પૂરતાં છે. એટલે ‘મી ટૂ’ ચળવળને લગતો કોઈ નવો કાયદો આપણી સરકારે ઘડવો જોઈએ એવું મને જણાતું નથી. આમ છતાં સ્ત્રીઓ આ ચળવળનો ગેરલાભ લઈને સજ્જન પુરુષોની આબરૃ ન ખરડે એ માટે હું આપણી સરકારને અહીં મેં જે ગાઇડલાઇન્સ દર્શાવી છે એ મુજબના કાયદા તેમ જ નિયમો ઘડે એવી ભલામણ કરું છું. સરકાર એ કાયદો અને નિયમો ઘડે એ દરમિયાન હું એવો આદેશ કરું છું કે જે કોઈ પણ સ્ત્રીને ‘મી ટૂ’ ચળવળ હેઠળ ભૂતકાળમાં એના ઉપર થયેલ અત્યાચાર, જાતીય શોષણ યા બળાત્કારની વિગતો જાહેર કરવી હોય, એ કૃત્યો કરનારા સામે આક્ષેપો કરવા હોય, એમણે સૌપ્રથમ સોગંદનામા દ્વારા લેખિત આક્ષેપો અને એના પુરાવાઓ નજીકના પોલીસ સ્ટેશનમાં આપવાના રહેશે. એ પોલીસ સ્ટેશનના ચીફ ઇન્સ્પેક્ટર ત્યાર બાદ જેમની વિરુદ્ધ આ આક્ષેપો કરવામાં આવ્યા હોય એમનો એ આક્ષેપો વિશે ખુલાસો માગશે. જો જરૃર જણાય તો તેઓ પોલીસ પ્રૉસિક્યુટરની સલાહ મેળવશે. ત્યાર બાદ જો એ આક્ષેપો એમને સાચા જણાય તો જ એ સ્ત્રીને એ જાહેર કરવાની લેખિત પરવાનગી આપશે. આવી લેખિત પરવાનગી સ્ત્રીએ લેખિત આક્ષેપો આપ્યા હોય એના ત્રીસ દિવસની અંદર આપવાની રહેશે. જો આવી પરવાનગી આપવામાં ન આવે તો એ નિર્ણયની વિરુદ્ધ એ સ્ત્રી કોર્ટમાં અરજી કરી શકે છે અને કોર્ટ પરવાનગી આપે ત્યાર બાદ જ એ એણે કરેલા આક્ષેપો જાહેર કરી શકશે. કોર્ટની યા પોલીસ સ્ટેશનના ચીફ ઇન્સ્પેક્ટરની લેખિત પરવાનગી મળ્યા બાદ જ એ સ્ત્રી એના આક્ષેપો, એને જે રીતે યોગ્ય લાગે એ રીતે જાહેર કરી શકશે. જો ત્રીસ દિવસની અંદર લેખિત પરવાનગી આપવામાં નહીં આવે તો એ સ્ત્રીને એના આક્ષેપો જાહેર કરવાની છૂટ રહેશે. આ સૂચનાનો જે કોઈ પણ સ્ત્રી ભંગ કરશે એની તુરંત જ ધરપકડ કરવામાં આવશે અને મેં આપેલ આ ચુકાદાનો ભંગ તેમ જ કોર્ટનું અપમાન કરવા બદલ એની સામે કાયદેસરનાં પગલાં લેવામાં આવશે.’

‘હું આપણી સરકારને સૂચન કરું છું કે મેં આ જે કાર્યપ્રણાલી સૂચવી છે એને લગતો એક કાયદો વહેલામાં વહેલી તકે ઘડે. એ કાયદો ઘડાય અને અમલમાં મૂકાય ત્યાં સુધી મહારાષ્ટ્રની પોલીસ મારા આ સૂચનનો અમલ કરે. સરકારને મારુંં એ પણ સૂચન છે કે તેઓ જે નવો કાયદો ઘડે એમાં એવુંં ખાસ દાખલ કરે કે ‘મી ટૂ’ હેઠળ જે કોઈ પણ સ્ત્રી આરોપ કરે એણે એનું નામ જાહેર કરવાની પરવાનગી આપવાની રહેશે અને એનો આરોપ સાચો છે એવું પુરવાર કરવાની જવાબદારી એ સ્ત્રીની રહેશે. જો એ એણે કરેલ આરોપ પુરવાર કરી ન શકે તો એ સ્ત્રીને ઓછામાં ઓછી એક વર્ષ અને વધુમાં વધુ પાંચ વર્ષની સજા ફરમાવવામાં આવે તેમ જ વધુમાં વધુ દસ લાખ રૃપિયાનો દંડ પણ ફટકારવામાં આવે. આવી સ્ત્રીઓએ એમનો આરોપ પુરવાર ન થતાં એણે જે પુરુષ વિરુદ્ધ આરોપ કર્યો હોય એની અંગ્રેજી તેમ જ અન્ય બે ભાષાઓનાં અખબારોમાં પોતાનો ફોટો છાપીને જાહેર માફી માગવાની રહેશે.’

‘મી ટૂ’ જેવા જટિલ પ્રશ્નોનો ઉકેલ લાવવામાં તપાસપંચે અને એમની સામે હાજર થયેલા ઍડ્વોકેટો અને સૉલિસિટરો અને અન્યોએ જે વિવિધ પ્રકારની માહિતી પૂરી પાડી છે અને સૂચના કર્યા છે એ બદલ આ કોર્ટ એ સર્વેની આભારી છે.’

* * *

ચીફ જસ્ટિસ સુરેન્દ્ર ત્રિવેદીએ જજમૅન્ટ લખાવવાનું પૂરું કર્યું અને કોર્ટ બરખાસ્ત થઈ કે તુરંત જ જય જનતા પાર્ટીના પ્રેસિડન્ટ સિદ્ધાંતભાઈ સૂર્યકાંત સરવરિયાએ કોર્ટમાં હાજર પ્રેસ અને ટીવી રિપોર્ટરો સમક્ષ જાહેર કર્યું,

‘સત્યેન શાહ જ જય જનતા પાર્ટીના પ્રેસિડન્ટ બનવાલાયક છે. જો સત્યેન શાહ ન હોત તો પાર્ટીના કરોડો રૃપિયાની રવીન્દ્ર જેસિંગલાલ ભગતે દુબઈના તૈમૂરના કહેવાથી અને એની મદદથી જે ઉચાપત કરી હતી એ બધા જ પૈસા પાછા ન મળત. જય જનતા પાર્ટીનું નામોનિશાન ભૂંસાઈ જાત. સૌથી વધુ તો આ ‘મી ટૂ’ ચળવળનો થોડીક સ્ત્રીઓ જે ગેરલાભ ઉઠાવે છે એ ચાલુ જ રહ્યો હોત. સત્યેન શાહને કારણે હવેથી કોઈ પણ સ્ત્રી કોઈ પણ પુરુષની સામે જાતીય સતામણીનો કે બળાત્કારનો ‘મી ટૂ’ ચળવળ હેઠળ ખોટો આક્ષેપ કરતાં સો વાર વિચાર કરશે. આપણો આખો સમાજ આ માટે સત્યેન શાહનો આભારી છે.’

આટલું બોલ્યા પછી જય જનતા પાર્ટીના પ્રેસિડન્ટે બંને હાથ જોડીને સત્યેેન શાહને વંદન કર્યા. પળવારમાં સિદ્ધાંતભાઈની વાણી અને વર્તન ટીવીની બધી જ ચૅનલ્સમાં દર્શાવવામાં આવ્યાં. સત્યેન શાહની જેટલી અસત્ય વગોવણી થઈ હતી એથી અનેક ગણી એમની સત્ય પ્રતિષ્ઠા પથરાઈ ગઈ. સત્ પ્રકાશિત થયું. અસત્ ઓગળી ગયું.

* * *

કોર્ટમાં હાજર અમર્ત્યને પણ બીક હતી કે રંજના સેનને ચીફ જસ્ટિસ ખૂબ લાંબી સજા કરશે. જ્યારે ચીફ જસ્ટિસે જણાવ્યું કે તેઓ રંજના સેનને ફક્ત બે અઠવાડિયાની જેલ અને પાંચ હજાર રૃપિયાનો દંડ ફરમાવે છે ત્યારે એની ચિંતા દૂર થઈ. એ આનંદમાં આવી ગયો. જેવા જજમૅન્ટ લખાવીને ચીફ જસ્ટિસ ખુરશીમાંથી ઊભા થયા કે એ રંજના સેન પાસે દોડી ગયો. ‘ગભરાતી નહીં તારા પાંચ હજારનો દંડ હું હમણા જ ભરી દઈશ. બે અઠવાડિયાં પછીનું આપણા લગ્નનું મુહૂર્ત પણ જોવડાવી રાખીશ. રિસેપ્શન તાજમાં જ રાખ્યું.’ રંજના સેનથી અમર્ત્યના આ કથનનો વિરોધ થઈ ન શક્યો. એની આંખમાંથી હર્ષના આંસુ ટપકવા લાગ્યા. સજાના બે અઠવાડિયાંનો રંજના સેને ખૂબ જ સદ્ઉપયોગ કર્યો. જેલમાં બેઠાં બેઠાં આખા બનાવની એક નવલકથા એણે લખી નાખી. ‘સત્-અસત્’ શીર્ષક ધરાવતી રંજના સેનની નવલકથા જેવી છપાઈ કે એની પાંચ હજાર પ્રતો ચપોચપ વહેંચાઈ ગઈ. પ્રકાશક આગળ એટલી બધી માગ આવી કે એને રાતોરાત બીજી દસ હજાર કોપી છપાવવી પડી. રંજના સેન લિખિત નવલકથા ‘સત્-અસત્’ને એ વર્ષની શ્રેષ્ઠ નવલકથાનું પારિતોષિક મળ્યું. અમર્ત્ય સેને એનું બોલેલું પાળ્યું. અટલની જેમ સાદાઈથી નહીં, એ ધામધૂમથી રંજના સેન જોડે લગ્નગ્રંથિથી જોડાયો.

* * *

અચલાની ઇચ્છા સત્યેન અને અબ્રાહમ બંનેએ પૂરી કરી. સત્યેન જ્યાં રહેવાનો હતો એ જ જેરૃસલેમની હોટેલમાં અબ્રાહમે અટલ-અચલાને ચાર રાત્રિ રહેવાનો બંદોબસ્ત કરાવી આપ્યો અને સત્યેને એ બન્નેને લગ્નની ભેટ તરીકે ઈંગ્લૅન્ડના સુંદર લેક ડિસ્ટ્રિક્ટમાં ચાર રાત્રિ એના ખર્ચે મધુરજની ઊજવવાની ગોઠવણ કરી આપી.

આરજેએ એના ગુનાઓ કબૂલ કરી લીધા. જય જનતા પાર્ટીના ઉચાપત કરેલા પૈસા પાછા આપી દીધા આ કારણે એને ફકત ત્રણ મહિનાની જેલ અને પચાસ હજારનો દંડ ફરમાવવામાં આવ્યો.

મયૂરીના ભાઈએ એણે આપેલ એક ખોખું પાછું મેળવવાના નિષ્ફળ પ્રયાસો કર્યા. એમાં એ ગુંડા જોડે ગરમાગરમી અને પછી ઝપાઝપી થઈ. મયંકની મદદે એનો બનેવી મહેશ દોડ્યો. એટલે એ પણ એ ઝંઝાવાતમાં સપડાયો. મયંકને એનું ખોખું તો પાછું ન મળ્યું પણ પાર્ટીએ મયંક અને મહેશ બેઉને પાર્ટીમાંથી બરતરફ કર્યા.

તેજાનીએ મયંક અને મહેશના બનાવ ઉપરથી ધડો લઈને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ગુંડાને એણે જે પૈસા આપ્યા હતા એ ભૂલી જવામાં ડહાપણ માન્યું.

ડેવિડે જેલમાં જઈને સુઝનને કહ્યું, ‘ડાર્લિંગ તું ગભરાતી નહીં. તારી પાંચ વર્ષની સજા સારી ચાલચલગતને લીધે અને રવિવાર તેમ જ રજાના દિવસો ગણતા ત્રણ વર્ષમાં જ પૂરી થઈ જશે. તું અહીંથી બહાર આવે ત્યાં સુધી હું તારી રાહ જોઈશ. આમેય આપણે ક્રિશ્ચિયનો હિન્દુઓની જેમ બહુ નાની ઉંમરે લગ્ન નથી કરતા.’

લચ્છુ અદનાનીએ નિષ્ફળ બબ્બેવાર આપઘાતના પ્રયત્નો કર્યા. આખરે એણે મન મનાવ્યું. જેલમાં પત્નીને મળીને કહ્યું, ‘જો હુઆ સો હુઆ. અબ મુઝે વચન દે, બહાર આકે તુ કુછ ભી ઉલ્ટાપુલટા નહીં કરેગી.’  ‘મુઝે માફ કર લચ્છુ, અબ ઐસા નહીં હોગા.’ આવા પ્રેમાળ પતિ સામે રમણી બીજું શું કહે?

લંડન મોસ્કના અન્ડરગ્રાઉન્ડ ઓરડામાં પૂરાયેલ મૌલવી અને યાકુબ મિયાં, અબ્દુલ મિયાં, હુસેન અને યાસીન આ પાંચેયનો એ ઓરડામાંથી તો છુટકારો થયો, પણ લંડનની પોલીસે એમની ધરપકડ કરી ને એમને ફરી પાછા એક ઓરડામાં જ આ વખતે જેલમાં ધકેલ્યા.

ચીફ જસ્ટિસ સુરેન્દ્ર ત્રિવેદીના આવા બહાદુરીભર્યા સમાજ ઉપયોગી કાર્ય માટે ભારત સરકારે કદર કરીને એમને સુપ્રીમ કોર્ટના જજ નીમ્યા.

ફક્ત મુંબઈના જ નહીં, ભારતના જ નહીં પણ વિશ્વના બધી જ ભાષાનાં અખબારોએ સત્યેન શાહ વિરુદ્ધ પાંચ પાંચ સ્ત્રીઓએ જે ખોટા ‘મી ટૂ’ ચળવળ હેઠળ બળાત્કારના આક્ષેપો એમના ઉપર જે રાજકીય કારણોસર દબાણો થયા હતા એના લીધે કર્યા હતા અને ત્યાર બાદ સત્યેન શાહે જે પ્રકારે હિંમત દાખવીને એ પાંચેય સ્ત્રીઓના આક્ષેપોને ખોટા ઠેરવ્યા હતા એટલું જ નહીં, પણ જય જનતા પાર્ટીના આરજેએ ઉચાપત કરેલા કરોડો રૃપિયા પાછા મેળવ્યા હતા અને આ સઘળાના સૂત્રધાર તૈમૂરને ઇન્ટરપોલને હવાલે કરાવ્યો હતો એ વિષયની જાણકારી આપતા સત્યેન શાહના મોંફાટ વખાણ કર્યા. ટાઇમ મૅગેઝિને એમના કવર પેજ ઉપર સત્યેન શાહનો ફોટો છાપ્યો અને એને ‘મેન ઓફ ધ યર’ જાહેર કર્યો. ભારત સરકારે સત્યેન શાહને ભારત રત્નના ખિતાબથી નવાજીને એનું બહુમાન કર્યું.

અટલ-અચલા-જાગૃતિ તેમ જ રંજના સેન, આ ચારેયને પણ પદ્મ વિભૂષણ પદવીઓ એનાયત થઈ.

આગામી ઇલેક્શનમાં જય જનતા પાર્ટીનો જંગી બહુમતીથી વિજય થયો. પિતાની એક વખતની શિખામણ અને ત્યાર બાદના જાતઅનુભવ ઉપરથી સત્યેન શાહે સિદ્ધાંતભાઈના અતિ આગ્રહ છતાં રાજકારણમાંથી નિવૃત્તિ લીધી અને સમગ્ર ધ્યાન બિઝનેસમાં જ કેન્દ્રિત કર્યું.

* * *

રિપોર્ટર જાગૃતિ મંથન જોડે લગ્નગ્રંથિથી જોડાઈ. અટલ અને અચલાનાં લગ્ન જેટલી સાદાઈથી થયાં હતાં એટલી જ ભવ્ય રીતે મંથન અને જાગૃતિનાં લગ્ન થયાં. અટલ અને અચલાનાં લગ્નમાં વગર આમંત્રણે જેટલા લોકોએ હાજરી આપી હતી એથી બમણા લોકોએ એમનાં લગ્નમાં આમંત્રણ મળતાં હાજરી આપી.

* * *

‘આ શું છે? આજે મંથન અને

જાગૃતિની સુહાગરાત છે. આપણા બેડરૃમને કેમ શણગાર્યો છે?’ સાવિત્રીએ એના પતિને પ્રશ્ન કર્યો.

‘કેમ? પરિણીત યુગલ બીજી વાર સુહાગરાત મનાવી ન શકે?’ એક તોેફાની સ્મિત આપતાં સત્યેન શાહે સાવિત્રીને પોતાના બાહુપાશમાં જકડી લેતાં સામો પ્રશ્ન કર્યો.

‘ઊભા રહો… ઊભા રહો. તમે મારું જાતીય શોષણ કરી રહ્યા છો. મારી ઇચ્છા વિરુદ્ધ તમે આવું કોઈ પણ કૃત્ય કરી ન શકો.’

‘એમ? તો કાલે તું પણ ‘મી ટૂ’ ચળવળ હેઠળ વરલી પોલીસ સ્ટેશનમાં મારી સામે લેખિત ફરિયાદ આપજે.’

‘એ તો આપીશ જ, પણ એ પહેલાં તમારે મારા ઉપર બળાત્કાર કરવો પડશે.’

‘એ તો હું કરવાનો જ છું, પણ તારા એ સત્ને વરલી પોલીસ સ્ટેશનમાં બધા અસત્ જ માનશે.’

(સમાપ્ત)

————–.

સર્જકની કેફિયત

સત્-અસત્‘, ૪૦ પ્રકરણની અમારી આ નવલકથાનું ૩૯મું પ્રકરણ ગયા અંકમાં પ્રસિદ્ધ થયેલ. અભિયાનના આ અંકમાં અમારી આ નવલકથા સમાપ્ત થાય છે.

મારી ધર્મપત્ની સંગીતા જોશી અને હું, અમે બંને, અમારી આ નવલકથા અભિયાનમાં હપ્તાવાર પ્રગટ કરવા બદલ સમગ્ર અભિયાનપરિવારના ખૂબ ખૂબ આભારી છીએ. અભિયાનના વાચકોએ, જેમણે અમારી નવલકથા વાંચી અને વખાણી છે, દર અઠવાડિયે એનું નવું પ્રકરણ પ્રગટ થાય એની કાગડોળે વાટ જોઈ છે એમના પણ અમે ખૂબ ખૂબ આભારી છીએ. આ વાર્તા વિશેના વાચકોના પ્રતિભાવ અમને ગમશે.

– સુધીર શાહ
કરીમ ચેમ્બર્સ, ત્રીજો માળ, અંબાલાલ દોષી માર્ગ-ફોર્ટ, મુંબઈ-૪૦૦૦૦૧,
ફોન નં. ૯૧-૨૨-૨૨૬૫૪૬૫૮

—————————–

Leave A Reply

Your email address will not be published.

Translate »