અબ્રાહમ અને સત્યેનની ચાલ ઊલટી પડી
છુપાવેલી સાઇનાઇડની ગોળી ચાવીને થોડી મિનિટો પહેલાં જ યુસુફે આપઘાત કર્યો હતો.
સત્ – અસત્ નવલકથા – પ્રકરણઃ ૩૬ – સંગીતા-સુધીર
વહી ગયેલી વાત
અગ્નિપથ સામયિકમાં મંથનની નફ્ટાઈનો ચિતાર આપવામાં આવ્યો. મંથને જાગૃતિને લગ્નનો વાયદો કરીને જાતીય શોષણ કરી હોવાની વાત કહેવામાં આવી. મુંબઈ હાઈકોર્ટના ચીફ જસ્ટિસે સુઓમોટો અંતર્ગત મી ટુ કેસ હાથમાં લીધો. એ જ રીતે પ્રેસ ક્લબમાં પણ લોકો વચ્ચે ઉગ્ર ચર્ચાઓ થઈ. કેટલાક લોકો સ્ત્રીઓની તરફેણમાં બોલતા હતા તો કેટલાક સ્ત્રીઓની વિરુદ્ધમાં. સ્થિતિ એટલી હદે વણસવા લાગી હતી કે લોકો એકબીજા સાથે મારામારી ઉપર ઊતરી આવ્યા હતા. કેટલાક લોકોના મતે સ્ત્રીઓ મજબૂરીના કારણે ચુપ રહેતી હતી અને હવે સમય આવ્યો, હિંમત મળી તેથી જાતીય શોષણ સામે અવાજ ઉઠાવી રહી છે, તેમ કહેવું હતું, જ્યારે અમુક લોકોનું માનવું હતું કે સ્ત્રીઓ પ્લાન કરીને જાતીય શોષણના આક્ષેપો લગાવતી હોય છે. તેમનો આશય સમાજમાં ઉચ્ચ હોદ્દા ધરાવતા પુરુષોને શિકાર બનાવવાનો અને તેમની પાસેથી યેનકેન સહાય મેળવવાનો હોય છે. જોકે, સમગ્ર વાત ચીફ જસ્ટિસે હાથમાં લીધેલા મી ટુ કેસ પર આવીને અટકી. બીજી બાજુ લંડનમાં અબ્રાહમ અને સત્યેન તૈમૂરને પકડવા લંડન મોસ્કમાં પ્રવેશ્યા. અબ્રાહમનું માનવું હતું કે તૈમૂર સાઉથ ફિલ્ડ વિસ્તારમાં આવેલી ફલક મસ્જિદ કે જે લંડન મોસ્ક તરીકે ઓળખાય છે, ત્યાં ગયો છે. તેથી મસ્જિદમાં પ્રવેશી તૈમૂરની હિલચાલ ઉપર નજર રાખવી. લાગ જોઈને તે જેવો બહાર નીકળે કે પોલીસને હવાલે કરી દેવો. જોકે, અબ્રાહમ અને સત્યેન જેવા લંડન મોસ્કમાં પહોંચ્યા કે ત્યાંના મૌલવીએ ચાર કસાયેલા શરીરવાળા ગાઇડનેે બોલાવી બંનેને માર મારીને અધમૂઆ કરવાનું કાવતરું રચ્યું. અબ્રાહમ અને સત્યેનને આ વાતનો અણસાર આવી ગયો. તેમણે ત્યાંથી નીકળવાની તૈયારી કરી પણ…
હવે આગળ વાંચો…
એની સામે ઊભેલ ગાઇડે અબ્રાહમ એ માટે કંઈ કરે એ પહેલાં એના પેટમાં જોરથી એક મુક્કો ઠોસી દીધો. એને કારણે અબ્રાહમ બેવડો વળી ગયો. તુરંત જ પાછળના ગાઇડે, જેણે એનું ખમીસ પકડ્યું હતું એણે અબ્રાહમની પીઠ પર જોરથી મુક્કો માર્યો. એક ક્ષણનો પણ વિલંબ કર્યા સિવાય અબ્રાહમની સામેના ગાઇડે ફરીથી એના પગના ઘૂંટણ વડે અબ્રાહમના મોઢા ઉપર જોરથી પ્રહાર કર્યો. ઉપરાઉપરી પ્રહાર થવાને કારણે અબ્રાહમ લથડી પડ્યો. મસ્જિદની અંદર આવતા અને ત્યાંથી બહાર જતા લોકો આ ઝપાઝપી જોઈને બાજુએ ઊભા રહીને તમાશો જોવા લાગ્યા. બધા જ એ એરિયામાં રહેતા મુસલમાનો હતા આથી હિન્દુ કે યહૂદીઓની વહારે કોઈ આવે એમ નહોતું.
જે બે ગાઇડો સત્યેનને આગળ-પાછળથી ઘેરીને ઊભા હતા તેઓ સત્યેને એમના ઉપર કરેલા આક્રમણથી અવાક્ થઈ ગયા. બાજુમાં એમના સાથીદારો અબ્રાહમની જે રીતે પીટાઈ કરી રહ્યા હતા એ જોવા એમણે સત્યેન પ્રત્યે ક્ષણભર દુર્લક્ષ સેવ્યું. તકનો લાભ લઈને સત્યેન ત્યાંથી દોડ્યો. બાજુમાં ઊભેલાઓમાંથી એક-બે જણે એને દોડતાં અટકાવવાની કોશિશ કરી, પણ સત્યેને એમને હડસેલીને પાડી નાખ્યા. થોડે દૂર જ એક ટેક્સી ઊભી હતી. સત્યેને ઝડપથી એનો દરવાજો ખોલ્યો. બીજી જ ક્ષણે ડ્રાઇવરને જોતાં જેટલી ઝડપથી એણે દરવાજો ખોલ્યો હતો એટલી જ ત્વરાથી એ બંધ કરી દીધો. જો સત્યેન એ ટેક્સીમાં બેસત તો એ ઇસ્લામધર્મી ડ્રાઇવર જરૃરથી એને લંડન મોસ્કના મૌલવીને જ સુપરત કરત. સમયસૂચકતા વાપરીને સત્યેને ટેક્સીમાં બેસવાનું ટાળ્યું અને ઑલિમ્પિક્સની સો મીટરની દોડવાની હરીફાઈમાં ભાગ લીધો હોય એ રીતે એણે સાઉથ ફીલ્ડ વિસ્તારમાંથી બહાર જતા રસ્તા તરફ દોડવાનું શરૃ કર્યું.
પેલા ચારમાંના ત્રણ ગાઇડ સત્યેનને પકડવા દોડ્યા. રસ્તા ઉપર ચાલતા રાહદારીઓ આ ચારને આમ દોડતાં જોઈ કુતૂહલપૂર્વક એમને જોવા લાગ્યા. સૌને થયું કે આગળના માણસે કોઈનું પાકીટ ચોર્યું હશે એટલે એને પકડવા પેલા ત્રણ માણસ એની પાછળ દોડતા હશે. એકાદ-બે રાહદારીઓએ તો અંગ્રેજીમાં ‘ચોર… ચોર… પકડો, પકડો…’ એવી બૂમો પણ પાડી. ચોથો ગાઇડ અબ્રાહમને પકડીને લંડન મોસ્કની અંદર ઘસડી જવા લાગ્યો. દોડતાં દોડતાં સત્યેનને વિચાર આવ્યો, ‘શું અબ્રાહમને આમ એકલો મૂકીને ભાગી જવું યોગ્ય હતું?’ બીજી જ ક્ષણે એને એનું એ વર્તન યોગ્ય લાગ્યું. જો અબ્રાહમને બચાવવા એ પણ ત્યાં રહે તો એ બંનેને લંડન મોસ્કના એ ચાર ગાઇડ તેમ જ અન્યો મારીમારીને ખોખરા કરી નાખે. પછી એ જગપ્રસિદ્ધ મસ્જિદની કોઈ એક અંધારી કોટડીમાં પૂરી દે. કોઈને એ વાતની જાણ પણ નહીં થાય. આ બંને વ્યક્તિઓ રાતોરાત ક્યાં ગુમ થઈ ગઈ એની કોઈને ભાળ પણ નહીં મળે. પોતે જો છૂટો હશે તો અબ્રાહમને છોડાવી શકશે.
સત્યેન અને એને પકડવા એની પાછળ દોડતા ત્રણ ગાઇડ વચ્ચેનું અંતર ધીમે ધીમે ઘટતું જતું હતું. એકાદ-બે મિનિટમાં તેઓ સત્યેનને પકડી લે એવી શક્યતા જણાતી હતી. લંડનનો એ રસ્તો રાહદારીઓ તેમ જ વાહનોથી ખીચોખીચ ઊભરાતો હતો. સઘળા રાહદારીઓ પોતપોતાની જગ્યાએ ઊભા રહીને આ પકડદાવની રમત જોઈ રહ્યા હતા. સામાન્ય રીતે હૉર્ન ન વગાડનાર લંડનના કારચાલકો આ ચારને બાજુએ ખસી જવા વારંવાર હૉર્ન મારવા લાગ્યા. સત્યેનની બાજુમાંથી લંડનની એક મજલી લાલ રંગની પબ્લિક ટ્રાન્સપોર્ટની બસ પસાર થઈ. હનુમાનકૂદકો મારીને સત્યેન એમાં ચઢી ગયો. દરવાજા પાસે ઊભેલા કંડક્ટરને ધડામ દઈને એની ચાલુ બસમાં ચઢી આવેલ માનવીને જોતાં આશ્ચર્ય થયું. એની લંડન બસના કંડક્ટરની વર્ષોની કારકિર્દીમાં ક્યારે પણ કોઈ આવી રીતે ચાલુ બસમાં ચઢ્યું નહોતું. ‘શા માટે આ માણસે આમ ચાલતી બસમાં કૂદીને ચઢવાનું જોખમ લીધું છે?’ એ જોવા એ ડઘાયેલા બસ કંડક્ટરે બસની પાછળ નજર કરી. ત્રણ મિયાંઓને એણે દોડતા જોયા. ઈસુ ખ્રિસ્તે સ્થાપેલ ક્રિશ્ચિયન ધર્મમાં જન્મ લેનાર એ બસ કંડક્ટરે ચાલુ બસે ચઢેલા સત્યેનને બસમાંથી ઉતારી દેવાનો વિચાર માંડી વાળ્યો. બસ સાઉથ ફીલ્ડ વિસ્તારની બહાર નીકળી. પેલા ત્રણ ગાઇડ એમના વિસ્તારની હદ જ્યાં પૂરી થતી ત્યાં આવીને અટકી ગયા. સત્યેને હાશકારો અનુભવતાં એક ઊંડો શ્વાસ લીધો. નાનપણમાં ન્યુએરા સ્કૂલમાં યોજાતા વાર્ષિક રમતોત્સવમાં સત્યેને દોડવાની સ્પર્ધામાં ભાગ લીધો હતો. ત્યાર બાદ જિંદગીનાં આટલાં વર્ષોમાં એ આટલી ઝડપથી ક્યારેય દોડ્યો નહોતો.
* * *
અબ્રાહમને પકડીને ઊભેલા ચોથા ગાઇડની વહારે મસ્જિદમાંથી બીજા ત્રણ-ચાર લઠ્ઠાઓ આવી પહોંચ્યા. એ સૌએ મારીમારીને અબ્રાહમને અધમૂઓ કરી નાખ્યો. અર્ધબેભાન અવસ્થામાં ઘસડીને મસ્જિદના પાછલા ભાગમાં આવેલ એક જબરદસ્ત મોટા બેઝમેન્ટની અસંખ્ય રૃમમાંની એક અંધારી કોટડીમાં અબ્રાહમને જમીન ઉપર સુવાડ્યો અને કોટડીનો દરવાજો બહારથી બંધ કરી દીધો.
અબ્રાહમ જાગ્યો પછી એને વિચાર આવ્યો, ‘આ લોકોએ અમારી જોડે આવું વર્તન કેમ કર્યું? શું એમને જાણ થઈ ગઈ હશે કે અમે તૈમૂરની ભાળ કાઢવા આવ્યા હતા. જો એવું હોય તો નક્કી તૈમૂર આ જ મસ્જિદમાં છુપાયો હશે. મારું આ લોકો શું કરશે? હું અહીંથી છૂટીશ કેવી રીતે? છૂટીશ ખરો?
* * *
મુંબઈ હાઈકોર્ટના ચીફ જજના ઑર્ડરની જાણ થતાં જ અચલા ખુશ થઈ ગઈ. જાનકીનો કેસ પણ જો ચીફ જજ ચલાવે તો તો પેલા રાસ્કલ હર્ષદને જેલની સજા પાક્કી થાય. અમેરિકામાં તો ફક્ત હાથચાલાકી કરનારને પણ જેલની સજા કરવામાં આવે છે. તાજેતરમાં જ પ્લેનમાં સફર કરી રહેલ એક પુરુષે એની બાજુમાં સૂતેલી સ્ત્રીના પેન્ટની ઝિપ ખોલી હતી. આટલું કરવા માટે એને અમેરિકાની કોર્ટે નવ વર્ષની જેલની સજા કરી હતી. હવે ઇન્ડિયાની અને ખાસ કરીને મુંબઈની કોર્ટના જજ જાતીય શોષણ કરનાર વ્યક્તિઓને શું સજા કરે છે એ જાણવા અચલા તલપાપડ થઈ રહી હતી.
પાંચ પાંચ સ્ત્રીઓનું જાતીય શોષણ કરનાર સત્યેન શાહનો પક્ષ લેનાર અટલના મુંબઈ હાઈકોર્ટના જજના વલણ બાદ શું વિચારો છે એ જાણવા અચલાએ અટલને ફોન જોડ્યો.
‘હેલો, અટલ…’
‘યસ, મિસ ફેમસ રિપોર્ટર અચલા…’ અટલે મજાક કરતાં કહ્યું.
અટલનો સારો મૂડ અચલાને ન ગમ્યો.
‘અટલ, તને જાણ તો હશે જ કે મુંબઈ હાઈકોર્ટના ચીફ જજે સ્ત્રીઓનું જે પ્રમાણે જાતીય શોષણ થઈ રહ્યું છે એ માટે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે અને બધા જ જાતીય શોષણના કેસ જાતે તપાસવાનું અને એવાં હિચકારાં કૃત્યો કરનાર પુરુષોને જાતે જ સજા આપવાનો નિર્ણય લીધો છે.’
‘હા.. હા, આવો જબરદસ્ત નિર્ણય મારી આસિસ્ટન્ટ જાગૃતિની ફરિયાદ ઉપરથી જ તો ચીફ જજે લીધો છે.’ અટલના અવાજમાં અચલાને કોઈ પણ પ્રકારનો ભય ન વર્તાયો.
‘અટલ, તને નથી લાગતું કે તું જેનો પક્ષ લઈને ફર્યા કરે છે એ વ્યભિચારી, લંપટ સત્યેન શાહને હવે ચીફ જજ એક એવો દાખલો બેસાડનારી સજા કરશે કે ત્યાર બાદ બધા જ પુરુષો સ્ત્રીઓ સામે નજર બગાડતા ડરશે.’
‘મને એ વાતની બિલકુલ શંકા નથી કે આપણી હાઈકોર્ટના ચીફ જજ યોગ્ય ન્યાય જ કરશે. ગુનેગારોને સજા કરશે અને જેમની ખોટી-ખોટી વગોવણી થઈ હોય એવા પુરુષોની માનહાનિ માટે જેમણે ખોટેખોટા આક્ષેપો કર્યા હોય એવી સ્ત્રીઓને એવો દાખલો બેસાડનારી સજા કરશે કે ત્યાર બાદ બધી જ સ્ત્રીઓ પ્રસિદ્ધિ ખાતર પુરુષો સામે જાતીય શોષણના ખોટા આક્ષેપો કરતાં ડરશે.’
* * *
‘સર, તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ અને આ ગાડીના રજિસ્ટ્રેશનના પેપર દેખાડો.’ લંડન ટનલમાં પ્રવેશતાં પહેલાં ચેકપોસ્ટ ઉપર ઊભેલા પોલીસે તૈમૂરને સવાલ કર્યો.
‘શ્યૉર…’
તૈમૂરે એનું ઇન્ટરનૅશનલ ડ્રાઇવિંગ લાઇસન્સ અને એ જે ગાડી ચલાવી રહ્યો હતો એનો માલિક એનો જ માણસ યુસુફ મહમ્મદ છે એ દર્શાવતાં ગાડીનાં રજિસ્ટ્રેશનનાં કાગળિયાં પૂછપરછ કરનાર પોલીસને આપ્યાં.
‘થેન્ક યુ. બે મિનિટ થોભો. હું આ કાગળિયાં ચેક કરીને આવું છું.’
બે મિનિટને બદલે વીસ મિનિટ બાદ ચેકપોસ્ટનો એ પોલીસ અન્ય ચાર બંદૂકધારી પોલીસો અને રિવૉલ્વર ધરાવનાર ઇન્સ્પેક્ટર સાથે પાછો ફર્યો. તૈમૂરને થયું, માર્યા ઠાર. કંઈ ગરબડ લાગે છે. ઇન્સ્પેક્ટરે તૈમૂરે જે ડ્રાઇવિંગ લાઇસન્સ અને કાર રજિસ્ટ્રેશનના કાગળ આપ્યાં હતાં એ એને પાછાં આપતાં કહ્યુંઃ
‘આ કારનો માલિક તો જેલમાં છે.’
‘યસ… ઇન્સ્પેક્ટર. એ મિસ્ટર યુસુફ મહમ્મદ મારો લંડનનો રિપ્રેઝન્ટેટિવ છે. કંઈક ગેરસમજને કારણે એને એરેસ્ટ કરવામાં આવ્યો છે. બે-ચાર દિવસમાં એ છૂટી જશે. કાર એના નામની છે, પણ માલિક તો હું જ છું.’
‘ઓકે… ઓકે. અમને એમ કે જેલમાં મોકલાયેલ વ્યક્તિની કાર લઈને તમે લંડનની બહાર જઈ રહ્યા છો.’
‘નો… નો. ઇન્સ્પેક્ટર, એવું કંઈ નથી. કારનો માલિક હું જ છું. ફક્ત મારા માણસના નામથી ખરીદવામાં આવી છે.’
‘ઓહ! ધૅટ્સ ફાઇન. તમે જઈ શકો છો, પણ જતાં પહેલાં થોડીક ફોર્માલિટી કરવાની છે. કાર તમારા નામની નથી એટલે તમારે એક અન્ડરટેકિંગ ઉપર સહી કરવી પડશે. આપ જરા બાજુમાં કાર પાર્ક કરીને બે મિનિટ માટે પોલીસ સ્ટેશનમાં અન્ડરટેકિંગ ઉપર સહી કરવા આવશો?’
‘શ્યૉર…’
હાશ અનુભવતો તૈમૂર કાર રિવર્સ કરી, બાજુમાં પાર્ક કરી, એની વાટ જોઈને ઊભેલા ઇન્સ્પેક્ટર તેમ જ ચાર બંદૂકધારી પોલીસ સાથે પોલીસ સ્ટેશન તરફ ગયો.
તૈમૂર જેવો પોલીસ સ્ટેશનમાં દાખલ થયો કે પેલા ઇન્સ્પેક્ટરે એની સાથેના ચાર બંદૂકધારી પોલીસોને ઑર્ડર કર્યો,
‘એરેસ્ટ ધિસ પર્સન.’
* * *
મૌલવીના મસલ્સમેનથી છુટકારો મેળવી સત્યેન લંડનની ચાલુ બસમાં ચઢી તો ગયો, પણ પછી એને વિચાર આવ્યો, ‘હવે જવું ક્યાં?’
અબ્રાહમને તાત્કાલિક છોડાવવો જરૃરી હતું. તેઓ અબ્રાહમને એ મસ્જિદમાંથી લંડનના કોઈ અજાણ્યા વિસ્તારમાં પણ લઈ જાય. લંડનની બહાર પણ લઈ જાય. આ દુનિયાની બહાર પણ મોકલી આપે!
સત્યેનને લંડન પોલીસ પાસે મદદ માગવી યોગ્ય ન લાગી. મુસલમાનોના એ વિસ્તારમાં કોર્ટનો હુકમ હતો, છતાં પણ તૈમૂરને ત્યાં પકડવા માટે એમણેે અનિચ્છા દર્શાવી હતી. આ તો એમણે એ મસ્જિદમાં પ્રવેશવું પડે. એના એકેએક ખૂણા તપાસવા પડે. લંડનની પોલીસ આવું કરે જ નહીં. મસ્જિદના એ મૌલવી એમને એ કરવા પણ ન દે.
પોલીસને મસ્જિદની અંદર પ્રવેશી અબ્રાહમને એ લોકોએ ત્યાં કેદ રાખ્યો છે કે નહીં એની તપાસ કરવી હોય તો એ માટે કાં તો લંડનના પોલીસ કમિશનરનો આદેશ જોઈએ અથવા તો કોર્ટનો હુકમ જોઈએ. એ બંને મેળવવા અશક્ય ભલે ન હોય, પણ મેળવતાં પુષ્કળ સમય લાગે. એટલામાં એ મૌલવી અબ્રાહમને પતાવી પણ નાખે.
હવે કરવું શું?
સત્યેન મૂંઝવણમાં મુકાઈ ગયો.
અબ્રાહમને કેમ છોડાવવો?
એના આ સવાલનો સત્યેનને જવાબ ન જડ્યો.
* * *
‘બહેન, આ બધું શું ચાલી રહ્યું છે?’ આફ્રિકાથી શશીકાંતે નાની બહેનને વૉટ્સઍપ ઉપર પ્રશ્ન કર્યો. ઍપલના આઇફોનમાં શશીકાંતની લાલચોળ આંખો જોઈને જ્યોત્સ્ના છળી ઊઠી.
‘ભાઈ ઉપર પાંચ-પાંચ સ્ત્રીઓએ જાતીય શોષણના આક્ષેપો કર્યા. ભાઈએ એ બદલ કંઈ જ વિરોધ ન દર્શાવ્યો. પ્રેસ રિપોર્ટરોને ‘નો કમેન્ટ્સ… નો કમેન્ટ્સ’ કરીને આઘા રાખ્યા. પછી પોતે જ પ્રેસ કૉન્ફરન્સ બોલાવી. આખી દુનિયાના ન્યૂઝ રિપોર્ટરોને પોતાની ઑફિસમાં ભેગા કરીને એ પોતે જ ગુલ થઈ ગયો. લોકોએ સાવિત્રી ભાભી અને આપણા પપ્પાને માથે માછલાં ધોયાં. હવે આપણા નાલાયક ભત્રીજાનું પ્રકરણ બહાર આવ્યું છે. હું તો માનતો હતો કે મંથન ખૂબ જ સંસ્કારી સંતાન છે. પત્ની અને બાળકીનાં મૃત્યુ બાદ એણે ફરીથી લગ્ન કરવાની ઘસીને ના પાડી એટલે મને તો એના મૃતપત્ની પ્રત્યેના પ્રેમ માટે ખૂબ જ માન થયું હતું, પણ એ સાલો એના બાપ જેવો જ નપાવટ નીકળ્યો. એણે પણ બાપની પરંપરા ચાલુ રાખી. સ્ત્રીઓની લાજ લૂંટતાં એ હલકટને એના બાપની જેમ જ બિલકુલ શરમ ન નડી.’
‘શશીકાંત… શશીકાંત, આ તું શું બોલી રહ્યો છે એનું તને ભાન છે? સત્યેન જેવો સંસ્કારી પુરુષ મુંબઈમાં તો શું, આખી દુનિયામાં તને શોધ્યો નહીં જડે. એની સામે કરવામાં આવેલા બધા જ આક્ષેપો સદંતર ખોટા છે.’
‘જ્યોત્સ્ના, મને ખબર છે, સત્યેન તારો લાડકો ભાઈ છે એટલે તું એનું ખોટું ઉપરાણુ તાણે છે.’
‘ના… ના.. ભાઈ, હું જે કંઈ પણ કહું છું એ બધું સાચું છે. સત્યેન હમણા અહીં લંડનમાં જ છે.’
‘હેં! સત્યેન લંડનમાં છે? એ ત્યાં શું કરે છે? તને કઈ રીતે જાણ થઈ કે સત્યેન લંડનમાં છે?’
સત્યેનની અથથી ઇતિ સુધીની બધી વાત જણાવી જ્યોત્સ્નાએ એના ભાઈની આંખો ખોલી.
‘પણ તો પછી આ મંથનનું શું લફરું છે? મુંબઈના ન્યૂઝપેપરમાં મંથને કોઈ જાગૃતિ નામની રિપોર્ટર, જે એની સાથે કૉલેજમાં હતી એનું કૉલેજકાળ દરમિયાન અને હમણા પાછું જાતીય શોષણ કર્યું છે, એને રેપ કરી છે એવા સમાચારો છપાયા છે.’
‘ઓહ બાપ રે! આ તું શું કહે છે, ભાઈ? સાચી વાત છે?’
‘હા. સો ટકા સાચી. જો હું તને હમણા જ વૉટ્સઍપ પર એ ન્યૂઝપેપરના રિપોર્ટનો ફોટો મોકલાવું છું.’
‘ભાઈ, સત્યેન સામે થયેલા આક્ષેપો સાવ પાયાવિહોણા છે એની તો મને ખાતરી છે, પણ આ મંથન? એની સામે પણ આવા આક્ષેપો? શશીકાંત, તને નથી લાગતું કે કોઈએ આપણા કુટુંબ સામે મોટું ષડ્યંત્ર રચ્યું છે? કાલે તારી સામે પણ આવા બદનક્ષીભર્યા આક્ષેપો કોઈ કરશે.’
‘જા… જા, આક્ષેપોવાળી. મારી સામે કોઈ એક અક્ષર પણ ઉચ્ચારશે તો આ આફ્રિકાનો સિંહ એને ફાડી ખાશે, પણ બહેન, સત્યેન ત્યાં લંડનમાં શું કરે છે? અને મંથન? એ આવો નીકળશે એવું તો મેં સપને પણ નહોતું ધાર્યું.’
‘મંથન એવો નથી. આપણા ફૅમિલીમાંનું કોઈ આવું અધમ અને નીચ કૃત્ય કરે એ શક્ય જ નથી. નક્કી આ કોઈ ભયંકર કાવતરું છે. ભાઈ, તું ધીરજ ધર.’
‘જો જ્યોત્સ્ના, હવે મારાથી રહેવાતું નથી. હું કાલની જ ફ્લાઇટમાં મુંબઈ પપ્પા આગળ જાઉં છું. ભાનુમતીને પણ કહું છું કે એ પણ તરત જ મુંબઈ આવી પહોંચે અને તું પણ મુંબઈ પહોંચી જા. અત્યારના પપ્પાને આપણા બધાની ખૂબ જ જરૃર છે. સાવિત્રી ભાભીને પણ આપણે સધિયારો આપવો જોઈએ. તેં એમને જણાવ્યું કે સત્યેન લંડનમાં છે?’
‘શશીકાંત, હું તારી વાત બરાબર સમજું છું, પણ મારું અત્યારના અહીં લંડનમાં રહેવું ખૂબ જ જરૃરી છે. તમે લોકો પપ્પા આગળ જાવ. હું સત્યેનને મળ્યા બાદ શું કરવું એ નિર્ણય લઈશ.’
* * *
બસ જેવી હાઇડ પાર્કના મારબલ આર્ચ પાસે પહોંચી અને ઓક્સફર્ડ સ્ટ્રીટમાં પ્રવેશે એ પહેલાં સત્યેન એમાંથી ઊતરી ગયો. વિચાર કરતાં કરતાં એ હાઇડ પાર્કના સ્પીકર્સ કૉર્નર સુધી પહોંચ્યો. ત્યાં એક અંગ્રેજ જોરશોરથી બરાડા પાડીને સૌને કહી રહ્યો હતો,
‘મુસલમાનો ખૂબ જ ઝડપથી આપણા સૌનું ધર્મપરિવર્તન કરાવી રહ્યા છે. થોડા દિવસોમાં જ આપણે બધાને મુસલમાન બની જવાની ફરજ પડશે. એટલે આ દુનિયા રસાતાળ જશે. આપણે બધા જ ડૂબી જઈશું. જેટલો સમય બાકી રહ્યો છે એ જિસસને યાદ કરતા ગાળો. એમાં જ આપણા સૌનું કલ્યાણ છે.’
હાઇડ પાર્કના એ સ્પીકર્સ કૉર્નરમાં લોકોને જે કંઈ પણ બોલવું હોય એની છૂટ છે. સત્યેનને પણ થયંુ કે એ ત્યાં જઈને મોટેથી બોલે,
‘લંડન શહેરમાં મુસ્લિમોનું વર્ચસ ખૂબ જ છે. લંડનની પોલીસ પણ એમનાથી ડરે છે.’
અચાનક સત્યેનને સૂઝ્યું, પેલા તૈમૂરના સાગરીત યુસુફની પણ લંડન પોલીસે ધરપકડ કરી છે. જો યુસુફને સામ, દામ, દંડ અને ભેદ, કોઈ પણ રીતે પોતાના પક્ષમાં લઈ શકાય તો એના દ્વારા અબ્રાહમને મસ્જિદમાં રાખ્યો છે કે બીજે કશે એ જાણી શકાય.
સત્યેને તુરંત જ જે પોલીસ સ્ટેશને આરજે અને યુસુફની ધરપકડ કરી હતી ત્યાં ફોન કર્યો. ત્યાંના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટે સત્યેનને જે જણાવ્યું એ સાંભળતાં સત્યેનના હાથમાંથી મોબાઇલ પડી ગયો. હાઇડ પાર્કમાં ઊગેલા લીલાછમ ઘાસમાં ચણી રહેલાં કબૂતરો એ પડતાં ત્યાંથી ઊડી ગયાં.
છુપાવેલી સાઇનાઇડની ગોળી ચાવીને થોડી મિનિટો પહેલાં જ યુસુફે આપઘાત કર્યો હતો.
* * *
આહુજા મર્ડર કેસ ચાલતો હતો ત્યારે કૅપ્ટન નાણાવટીનો બચાવ સાંભળવા મુંબઈ હાઈકોર્ટમાં જેટલી માનવમેદની ઊભરાતી હતી એથી બમણી સંખ્યામાં મુંબઈના ચીફ જજની કોર્ટમાં ‘મી ટૂ’નો આક્ષેપ કરનાર સ્ત્રીઓના કેસ સાંભળવા લોકો ઊમટ્યા હતા.
મુંબઈ હાઈકોર્ટના ચીફ જસ્ટિસની કોર્ટ ખીચોખીચ ભરાઈ ગઈ હતી. કોઈ પણ વ્યક્તિના હલનચલન માટે એક તસુ જેટલી જગા રહી નહોતી. એમાંના અડધા ઉપરાંત દેશ-પરદેશનાં અખબારના રિપોર્ટરો હતા. નારી સંસ્થાઓ, એનજીઓ, મૅરેજ બ્યૂરો તેમ જ બાન્દ્રામાં આવેલ ફૅમિલી કોર્ટના મોટા ભાગના ઍડ્વોકેટો હતા. કેસની વિગતો તુરંત જ એમના દર્શકોને જણાવી શકાય એ માટે હાઈકોર્ટના કમ્પાઉન્ડની બહાર જુદી જુદી ટીવી ચેનલોની વૅન એમના સેટેલાઇટ યંત્રો સાથે ઊભી હતી.
મુંબઈ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુરેન્દ્ર ત્રિવેદીએ એક અખબારના રિપોર્ટની નોંધ લઈને આક્ષેપો કરનાર સ્ત્રીઓની કહાણી અને જેમના ઉપર આક્ષેપો થયા એ પુરુષોની કેફિયત જાણવા ચાહી હતી. તેઓ આ બાબતમાં કાયદાકીય શું કાર્યવાહી કરે છે? કસૂરવાર ઠહેરનારાને શું સજા ફરમાવે છે? આવા જાતીય શોષણના બનાવો ભવિષ્યમાં ન બને એ માટે શું પગલાં લે છે? એ સર્વ જાણવા સૌ આતુર હતા.
જાતીય શોષણના આક્ષેપોની ‘મી ટૂ’ના ચળવળની શરૃઆત અમેરિકામાં થઈ હતી. ત્યાર બાદ ભારતમાં એ ફેલાઈ હતી. આમ છતાં અમેરિકાની કોઈ કોર્ટે આ ફરિયાદ પ્રત્યે ધ્યાન ધર્યું નહોતું. મુંબઈની
હાઈકોર્ટના ચીફ જસ્ટિસે જ સ્ત્રીઓને સ્પર્શતા આ અત્યંત ગંભીર પ્રશ્ન ઉપર કાયદાકીય રીતે વિચારણા કરવાનું જાતે ઠરાવ્યું હતું. વિશ્વનાં અખબારોએ આથી મુંબઈ
હાઈકોર્ટના ચીફ જજના આ કાર્યને ખૂબ જ બિરદાવ્યું હતું.
મંથન, જેની વિરુદ્ધ જાગૃતિએ એક વાર નહીં, પણ અનેકવાર ખોટાં વચનો આપી જાતીય સુખ ભોગવવાનો આરોપ કર્યો હતો, હર્ષદ ગાંજાવાલા, જેની વિરુદ્ધનો બળાત્કારનો આરોપ એક વાર પાછો ખેંચીને ફરી પાછો કરવામાં આવ્યો હતો ને બીજા દસ-બાર પુરુષો, જેમની ઉપર પણ સ્ત્રીઓનું જાતીય શોષણના આરોપો થયા હતા એ બધા જેવા કોર્ટના કમ્પાઉન્ડમાં દાખલ થયા કે ત્યાં ઊભેલ માનવમેદનીએ ચિત્કારો કરી એમની ઉપર ધિક્કારનો વરસાદ વરસાવ્યો ઃ
‘રેપિસ્ટ રોમિયાઓને જેલમાં નાખો.’
‘સ્ત્રીઓને બચાવો. આ પુરુષોને મારો…’
‘બળાત્કારીથી સમાજનું રક્ષણ કરો… ગાંજાવાલાને સજા કરો.’
‘મંથન… મંથન હાય… હાય…’
જો આ લોકો દસ-બાર બૉડીગાર્ડોથી સુરક્ષિત વીંટળાયેલા ન હોત તો માનવમેદનીએ એમને ઢિબેડી નાખ્યા હોત. લોકો કોઈ વ્યક્તિને આટલી હદ સુધી ધિક્કારી શકે એ સાવિત્રીએ એ દિવસે નજરોનજર જોયું.
‘સત્યેન આજે અહીંયા હોત તો લોકો એ નિર્દોષને પણ આમની જેમ જ ધિક્કારત.’ આવો વિચાર આવતાં સાવિત્રીને કમકમાં છૂટી ગયાં.
આખી જિંદગી જેઓ મગરૃરીથી જીવ્યા હતા એવા કાંતિલાલને બાજુમાં જ ચાલી રહેલા મંથનનું ગળું દબાવી દેવાનું મન થયું. ‘મારો પૌત્ર આવું હલકટ અને નીચ કાર્ય કરી જ કેમ શકે? હે ભગવાન, અમે તો એને ફરી પાછાં લગ્ન કરવાનું કેટલુંય દબાણ કર્યું હતું, પણ આ લંપટને જુદી જુદી સ્ત્રીઓ જોડે જ રાસલીલા રચવી હતી.’
આફ્રિકાથી આવી પહોંચેલ શશીકાંત અને અમેરિકાથી આવેલ ભાનુમતીને સમજ નહોતી પડતી કે કોણ સાચું છે? એમનો ભાઈ? ભત્રીજો? કે આક્ષેપો કરનારી સ્ત્રીઓ?
વર્ષો પહેલાં ભારતમાં પણ જ્યુરી સિસ્ટમ હતી. એની યાદ અપાવતા જ્યુરીના દસ સભ્ય જ્યાં બેસતા હતા એ બે બેન્ચ મુંબઈની હાઈકોર્ટના બીજે મજલે મધ્યમાં, લિફ્ટની બરાબર સામે આવેલ ચીફ જસ્ટિસની કોર્ટના જમણા ખૂણામાંથી હજુ પણ ખસેડવામાં આવી ન હતી. જાગૃતિ, જેના આક્ષેપોના અખબારના અહેવાલો વાંચીને ચીફ જજ ત્રિવેદીએ જાતીય શોષણ વિશેની તપાસ આદરવા માટે આજે સર્વે લાગતા-વળગતાઓને કોર્ટમાં હાજર રહેવાનું ફરમાન કર્યું હતું એ અને એમની સાથે સાથે અચલાએ જે દલિત, નાબાલિગ યુવતી જાનકી ઉપર થયેલા બળાત્કાર માટે ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ હર્ષદ ગાંજાવાલા સામે જિહાદ ઉપાડી હતી એ જાનકી, જેમણે સત્યેન શાહ સામે આક્ષેપો કરીને ભારતમાં ‘મી ટૂ’ની ચળવળ શરૃ કરી હતી એ મયૂરી અને એની સાથે જોડાયેલ મહેક, સુઝેન, રંજના અને રમણી આ સર્વે એ જ્યુરી માટેની બે બેન્ચ ઉપર બેઠાં હતાં.
દરેકનાં હૃદય જોરજોરથી ધબકતાં હતાં. મયૂરી, મહેક, સુઝેન અને રમણી, આ સૌના ધબકારાનું કારણ એમણે ખોટા આક્ષેપો કર્યા હતા એ હતું. રંજનાને ચિંતા હતી કે એ પોતે જુઠ્ઠી છે એ એકરાર પ્રત્યે કોર્ટ કેવું વલણ અખત્યાર કરશે? જાનકીએ એક વાર પૈસા લઈને કરેલ ફરિયાદ પાછી ખેંચી લીધી હતી ત્યાર બાદ ફરી પાછી એની એ ફરિયાદ કરી હતી. આવા વર્તનને કારણે કોર્ટ શું એની વાત સાચી માનશે? જાગૃતિને ચિંતા હતી કે જે કારણસર એણે મંથનને વગોવ્યો હતો એનો એ ઉદ્દેશ પાર પડશે?
અગિયારના ટકોરે ચીફ જસ્ટિસ એમની ચૅમ્બરમાંથી કોર્ટરૃમમાં આવ્યા. નિયમ પ્રમાણે એમના ઍસોસિયેટે જાગૃતિ અને અન્ય સ્ત્રીઓ વિરુદ્ધ મંથન, સત્યેન શાહ, હર્ષદ ગાંજાવાલા અને અન્યોનાં નામ ઉચ્ચાર્યાં.
‘માય લૉર્ડ…’ મુંબઈ હાઈકોર્ટના ટોચના વકીલોમાં જેમની ગણના થતી હતી એવા છ ફૂટ બે ઇંચની ઊંચાઈ ધરાવતા નેતરની સોટી જેવા પાતળા મિસ્ટર અરદેશર પટેલ ઊભા થયા. સૌપ્રથમ હું આપને આપે આજે સ્ત્રીઓ ઉપર થતા જાતીય શોષણના પ્રશ્નનું પૃથક્કરણ તેમ જ નિરાકરણ લાવવાનું હાથમાં લીધું છે એ બદલ મુબારકબાદી આપું છું. હું જે સ્ત્રીએ સૌપ્રથમ આવી જાહેરાત કરવાનું જોખમ માથે લીધું એ મિસિસ મયૂરી મહેશકુમાર મહેતા અને ત્યાર બાદ જે બીજી ત્રણ સ્ત્રીઓએ પણ એમના પર થયેલા જાતીય શોષણ વિશે ફરિયાદ કરવાની હિંમત દાખવી એ સુઝેન સેલ્વમ, મહેક મોમિન અને રમણી અદનાની વતીથી આપની સમક્ષ હાજર થાઉં છું.’ હંમેશાં સત્યના પક્ષે જ દલીલ કરવા પંકાયેલા અરદેશર કોર્ટમાં ‘અદિ’ તરીકે ઓળખાતા હતા. અદિ મયૂરી અને સત્યેન સામે ફરિયાદ કરનાર સ્ત્રીઓ વતી હાજર થાય છે એ જાણીને અચલાની માન્યતા કે સત્યેન ગુનેગાર છે એ ખાતરીમાં ફેરવાઈ ગઈ.
‘ચાર કેમ? પાંચ સ્ત્રીઓએ મિસ્ટર સત્યેન શાહ સામે ફરિયાદ કરી હતીને? તમે એ પાંચમી સ્ત્રી રંજના સેન વતીથી હાજર નથી થતા?’ આ બધા બનાવોની ઝીણવટપૂર્વક માહિતી મેળવી ચૂકેલા ચીફ જજે પ્રશ્ન કર્યો.
‘માય લૉર્ડ, મેં કોઈ વકીલ કર્યો નથી. મારે તો મારા આક્ષેપો પાછા ખેંચી લેવા છે.’ રંજના સેને ઊભા થઈને જણાવ્યું.
‘શા માટે? તમને કોઈએ ધાકધમકી આપી છે?’
સામાન્ય રીતે જો કોઈ પક્ષકાર જાતે જજને ઉદ્દેશીને કંઈ કહેવા માગે તો જજ એને સાક્ષીઓ માટેના બૉક્સમાં આવીને એની વાત કહેવાનું જણાવે છે. આજે ચીફ જજે એ શિરસ્તો વેગળો મૂક્યો.
શરમથી માથું નીચું ઢાળી ઊભેલી રંજના સેને ચીફ જજના આ પ્રશ્નનો ઉત્તર ન આપ્યો. થોડીક ક્ષણ જવાબની વાટ જોઈને ચીફ જજે કહ્યું,
‘તમારે આક્ષેપો પાછા ખેંચી લેવા હોય તો હું તમને એમ કરતાં અટકાવી ન શકું, પણ એક વાર આક્ષેપ કર્યો છે એટલે તમારી સામે સત્યેન શાહ વતીથી જે બદનક્ષીના કેસ થયા છે એના જવાબ તો તમારે આપવા જ પડશે. તમે કરેલા આક્ષેપો જો ખોટા હશે તો હું તમને એક પ્રતિષ્ઠિત માણસની ખોટી બદનામી કરવા બદલ સજા કરતા બિલકુલ ખચકાઈશ નહીં.’
ચીફ જજનું કહેવું સાંભળીને રંજના સેન ધુ્રસકે ધ્રુસકે રડવા લાગી.
‘જો બહેન, તમે એક પ્રતિષ્ઠિત માણસ ઉપર ખૂબ જ હલકી કક્ષાના અને ગંભીર આક્ષેપો કર્યા છે. હવે તમે એ પાછા ખેંચી લેવા માગો છો. એક વાર કમાનમાંથી તીર છૂટ્યું એટલે એ કશેક ને કશેક તો વાગે જ. તમારા આક્ષેપો સાચા હતા કે ખોટા? એ તમે પાછા ખેંચી લો કે નહીં, પણ મિસ્ટર સત્યેન શાહની તમારા આક્ષેપોને કારણે વગોવણી થઈ છે એટલે તમે કરેલા આક્ષેપોનું પરિણામ તો તમારે ભોગવવું જ રહ્યું.’
આંસુ લૂછતાં લૂછતાં રંજના સેને કહ્યું ઃ
‘મારે તો સાચું જ કહેવું છે. હું તો ચાલતી ગાડીએ ચઢી ગઈ હતી. હવે મને ખૂબ જ પસ્તાવો થાય છે. સત્યેન શાહે જે માગણી કરી છે એટલા અધધધ પૈસા મારી પાસે નથી. મારી પાસે તો વકીલને રોકવા માટેના પૈસા પણ નથી. હું તો હાથ જોડીને ખુલ્લી કોર્ટમાં સત્યેન શાહની માફી માગું છું. એમણે મારી ઉપર કોઈ પણ જાતનું જાતીય શોષણ કર્યું નથી.’ આટલું બોલ્યા બાદ રંજના સેને એનું મોઢું સાવિત્રી, કાંતિલાલ અને મંથન તરફ ફેરવ્યું અને એમને ઉદ્દેશીને કહ્યું, ‘હું તમારા ત્રણેયની પણ માફી માગું છું.’
(ક્રમશઃ)
—————————–