તમારા માટે, તમારી સાથે, સતત…

‘મને લાગે છે કે રંજના સેનને જોતાં બિપિન જાનીને એટેક આવ્યો હશે’

જાનીની વધી રહેલી મુશ્કેલી અને જાગૃતિ-મંથનની લવસ્ટોરીનો આરંભ

0 292

નવલકથા – સત્ – અસત્  – પ્રકરણ ૩૪

– સંગીતા-સુધીર

વહી ગયેલી વાર્તા…
ઍડ્વોકેટ બિપિન જાની સત્યેન શાહના મોકલેલા માણસને મળવા માટે મરીન ડ્રાઇવની ફૂટપાથ ઉપર બેઠો હતો. એ જ સમયે ત્યાં અટલ અને જાગૃતિ આવી ચઢે છે. બંને જણા બિપિન જાની પાસે જઈને બેસે છે. બંનેના આવવાથી જાનીને ગૂંગળામણ થવા લાગે છે. તે વિચારે છે કે આ બંનેને કારણે ફરી પાછું પેલા માણસને મળી નહીં શકાય. જાની બંનેથી છુટકારો મેળવવા માટે ત્યાંથી જવાની વાત કરે છે. એ જ સમયે જાગૃતિ બિપિન જાનીને પેલી ચાર સ્ત્રીઓને મળવાની વાત કરે છે. જાની એ સ્ત્રીઓને ફરી ક્યારેક મળવાની વાત કરે છે. અટલ લાગ જોઈને જાનીને સત્યેન શાહ કેસની વાત છેડે છે. તે જાનીને જણાવે છે કે તેને બધી ખબર છે. ઇન્કમટેક્સની નોટિસ, તે જે માણસને મળવા માગે છે એ વાત, પેલી ચાર સ્ત્રીઓએ કરેલા આક્ષેપો ખોટા છે એની જાણ બધી વાત તે જાનીને કરે છે અને સાથે જ તે જાનીને સત્યનો સાથ આપવાની વાત કરે છે. જાની અટલની વાત સાંભળીને છંછેડાઈ જાય છે. જોકે, અટલ જાનીને આરજેએ લંડનમાં કરેલી કબૂલાતની કોપી બતાવે છે. તે જાનીને કહે છે કે આરજેએ લંડનમાં કબૂલાત કરી છે કે પાર્ટીમાં તેણે ગોટાળા કર્યા હતા અને સત્યેન શાહ સામે તેણે જાતીય સતામણીના ખોટા આક્ષેપો કરાવ્યા હતા. આ કબૂલનામું વાંચીને જાનીનું હૃદય જોરજોરથી ધબકવા લાગે છે. તેને આરજે પર ગુસ્સો આવે છે. પાંચેય સ્ત્રીઓએ કરેલા આક્ષેપો ખોટા છે એ વાત જાની જાણે છે, છતાં તે આરજેનો બચાવ કરે છે એ વાતની જાણ બધાંને થશે તો નામોશી થશે તેવો ડર જાનીને લાગે છે. બીજી બાજુ અટલ અને જાગૃતિ ઍડ્વોકેટ જાનીને મરીન ડ્રાઇવ પર એકલા છોડીને ઘરે જવા નીકળે છે. રસ્તામાં જાગૃતિ અટલ સામે પોતાના પ્રેમનો એકરાર કરે છે. જોકે, અટલ જાગૃતિના પ્રેમનો અસ્વીકાર કરે છે. તે જાગૃતિને બંને વચ્ચેના ગુરુ-શિષ્યાના સંબંધની યાદ અપાવે છે. આ સાંભળીને જાગૃતિ રડવા લાગે છે. જાગૃતિને શાંત કરવા અટલ બહાર ડિનર લેવાનું કહે છે. બંને જણા ગેલોર્ડ રેસ્ટોરન્ટમાં જાય છે. ગેલોર્ડમાં અગાઉથી જ સત્યેન શાહની પત્ની અને મંથન ડિનર લેવા માટે આવેલાં હોય છે. અટલ અને જાગૃતિને જોઈને બંને તેમને આવકારે છે. જાગૃતિ અને મંથન કૉલેજકાળના મિત્રો છે એ વાત જાણીને સાવિત્રી અને અટલને આનંદ થાય છે. ચારે જણા પેટ ભરીને વાતો કરે છે, ડિનર લઈને છૂટા પડે છે. રસ્તામાં અટલ

જાગૃતિને મંથન વિશે પૂછે છે. જાગૃતિ અટલને જણાવે છે કે બંને કૉલેજમાં સાથે ટેનિસ રમતાં હતાં. તે મંથનને મનોમન ચાહતી હતી, પણ કહી ન શકી અને મંથનનાં લગ્ન થઈ ગયાં. આ બાજુ સાવિત્રી મંથનને જાગૃતિ વિશે પૂછે છે. મંથન સાવિત્રીના

જાગૃતિ વિશેના વિચારો જાણીને શરમાઈ જાય છે. અટલ જાગૃતિને જણાવે છે કે તેને મંથનની આંખોમાં તેના માટે પ્રેમ દેખાઈ રહ્યો છે. આ સાંભળીને જાગૃતિ પણ શરમાઈ જાય છે. અટલ જાગૃતિને મંથન સામે પોતાના પ્રેમનો એકરાર કરવાની સલાહ આપે છે.

હવે આગળ વાંચો…

આરજેના કબૂલાતનામાની કૉપી વાંચતાં બિપિન જાનીને વજ્રાઘાત લાગ્યો. એ ઓછો હોય એમ અટલ અને જાગૃતિના ગયા બાદ તુરંત જ રંજના સેન આવી પહોંચી. રંજના સેન જોડેનો એનો વાર્તાલાપ ચાલુ હતો ત્યાં જ, જેમની પાસે એની જ સલાહ લીધા બાદ તૈમૂરે સત્યેન શાહ સામે જાતીય શોષણના ખોટા આક્ષેપો કરાવ્યા હતા અને હવે એમની ઉપર થયેલા બદનક્ષીના દાવાઓમાં જેમને એ ડિફેન્ડ કરતો હતો, એ ચારે સ્ત્રીઓને પોતાની તરફ આવતાં જોઈ બિપિન જાનીના હાંજા ગગડી ગયા.

મુંબઈનો સૌથી એલિગન્ટ, એમ કહોને કે રાજમાર્ગ કહેવાતો મરીન ડ્રાઇવનો રસ્તો બે ભાગમાં વહેંચાયેલો છે. દરિયા પાસે આવેલા એના અડધા ભાગ ઉપર નરીમાન પૉઇન્ટથી ઉપડેલી અને ‘પિઝા બાય ધ બે’ આગળથી સાથે જોડાયેલી કારો ચોપાટી તરફ જાય છે. એ જ બાજુએ મરીન ડ્રાઇવની પહોળી ફૂટપાથ છે, જેની ઉપર વહેલી સવારના, સાંજના તેમ જ રાત્રિના લોકો વૉક કરવા આવે છે. ધસમસ ધસી આવતાં અરબી સમુદ્રનાં મોજાંને ખાળતી મરીન ડ્રાઇવની પાળી ખૂબ જ જાણીતી છે. કંઈકેટલાયે પ્રેમીઓએ આ પાળી ઉપર બેઠાં બેઠાં એકબીજાને જિંદગીભર ચાહવાનાં વચનો આપ્યાં છે. બીજી બાજુનો રસ્તો, જ્યાં ચોપાટીથી નરીમાન પૉઇન્ટ તરફ જતી ગાડીઓ દોડે છે એ રસ્તાના છેડે એકસરખાં પાંચ-પાંચ માળનાં મકાનો લાઈનબદ્ધ ઊભાં છે. આ મકાનોની વચ્ચે જ જે મકાનની સામે બિપિન જાની બેઠો હતો એ કપૂર મહલ આવેલો છે. રસ્તાની વચ્ચોવચ પાળી બાંધીને એમાં ઝાડવાઓ રોપીને, ડાબી અને જમણી બાજુના રસ્તાને જુદા પાડવામાં આવ્યા છે.

મયૂરી, સુઝન, મહેક અને રમણી આ ચારેય સ્ત્રીઓ અડધો રસ્તો ઓળંગીને બરાબર વચ્ચે જ્યાં ઝાડવાઓ ઉગાડવામાં આવ્યા હતા ત્યાં આવી પહોંચી. ડાબી બાજુથી આવતી ગાડીઓ અટકે એટલે રસ્તો ક્રૉસ કરીને બિપિન જાની પાસે પહોંચવાની તેઓ વાટ જોતાં હતાં. જેવી બિપિન જાની અને એ ચાર સ્ત્રીઓની નજર એક થઈ કે એ ચારેય સ્ત્રીઓએ એમના હાથ ઊંચા કરીને હલાવ્યા અને મોટેથી બોલ્યાં, ‘સર, તમે ત્યાં જ રહેજો અમે આવીએ છીએ.’

બિપિન જાનીથી આ એક વધુ

વજ્રાઘાત સહન ન થયો. ક્વીન્સ નેક્લેસ તરીકે ઓળખાતા મરીન ડ્રાઇવની ફેમસ પાળી ઉપર બેઠેલો બિપિન જાની ઢળીને નીચે ફૂટપાથ ઉપર પડ્યો. રંજના સેન તેમ જ રસ્તાની વચ્ચે ઊભેલી ચારે સ્ત્રીઓ આ જોઈને સ્તબ્ધ બની ગઈ.

* * *

‘સત્યેન, તૈમૂરને કેમ જવા દીધો?’

તૈમૂરની ઓસ્ટિન લંડનના મુખ્ય પોલીસ સ્ટેશનમાંથી બહાર નીકળી એ જ સમયે ત્યાં આવી પહોંચેલા અબ્રાહમે સવાલ કર્યો.

‘અરે હા, અબ્રાહમ, આરજેની ફરી ધરપકડના આનંદમાં હું એ ભૂલી જ ગયો કે એને રિસીવ કરવા આવેલા તૈમૂરની સામે પણ કોર્ટે વૉરન્ટ જારી કર્યું છે.’ આરજેએ એની કબૂલાતમાં તૈમૂર જ બધાં કાવતરાંનો સૂત્રધાર છે એવું ચોખ્ખું જણાવ્યું હતું.

સત્યેનની દરેકેદરેક હિલચાલ ઉપર નજર રાખી રહેલા અબ્રાહમને જાણ થઈ કે આરજેએ એના ગુનાનો લેખિત એકરાર કર્યો છે અને એ કબૂલાતનામાની મદદથી સત્યેન તૈમૂરના નામનું પણ એરેસ્ટ વૉરન્ટ ઈશ્યુ કરાવવાની તજવીજ કરી રહ્યો છે. સત્યેનને આખા કૌભાંડનો પર્દાફાશ કરવા માટે એની જરૃર પડશે એવું વિચારીને અબ્રાહમ લંડન આવી પહોંચ્યો હતો.

‘તૈમૂર ક્યાં ગયો હશે એ હું જાણું છું.’ અબ્રાહમે સત્યેનને કહ્યું ઃ ‘ચાલ, આપણે ત્યાં પહોંચી જઈએ.’

‘એકલા?’

‘નહીં, નહીં, આપણે થોડા તૈમૂરને એરેસ્ટ કરી શકીએ. એને એરેસ્ટ તો લંડનની પોલીસ જ કરશે.’

સમગ્ર યુનાઇટેડ કિંગ્ડમની વસતિના ૪.૪ ટકા લોકો ઇસ્લામધર્મી છે. ઇંગ્લેન્ડમાં એમની વસતિ સૌથી વધુ, લગભગ ત્રીસ લાખ જેટલી એટલે કે શહેરની વસતિના પાંચ ટકા જેટલી છે. લંડનના ‘સાઉથ ફીલ્ડ’ વિસ્તારમાં આવેલ ‘ફઝલ મસ્જિદ’ જે ‘લંડન મોસ્ક’ તરીકે પણ ઓળખાય છે એની આજુબાજુની જગ્યામાં મુસ્લિમો જ રહે છે. એ જગ્યા મુસ્લિમોનું ઇન્ટરનૅશનલ હેડ ક્વાર્ટર ગણાય છે. અબ્રાહમને ખાતરી હતી કે તૈમૂર સાઉથ ફીલ્ડમાં આવેલ લંડન મોસ્કમાં જ ભરાયો હશે.

‘સર, તૈમૂર લંડન મોસ્કમાં જ હશે. તમારી કોર્ટે એને એરેસ્ટ કરવા માટે જે ઑર્ડર બહાર પાડ્યો છે એની બજવણી માટે આપ અમને એક સબ-ઇન્સ્પેક્ટર અને બે પોલીસ કૉન્સ્ટેબલો આપો. અમે એમની સાથે જઈને તૈમૂર કોણ છે એ આઇડેન્ટિફાઇ કરશું.’ સત્યેને પોલીસ કમિશનરને રિક્વેસ્ટ કરી.

સત્યેનની માગણી ઉપર પોલીસ કમિશનરે થોડીવાર વિચાર કર્યો. કોર્ટે ઈશ્યુ કરેલું વૉરન્ટ ધ્યાનથી જોયું. એ ઑર્ડર એમણે એક નહીં, બે વાર વાંચ્યો. પછી સામેની ખુરસીમાં બેઠેલા સત્યેન શાહ તરફ જોઈ ડોકું ધુણાવીને ના પાડતાં કહ્યું ઃ

‘સૉરી, તૈમૂર જો લંડન મોસ્કમાં હોય તો અમે એને એરેસ્ટ કરી ન શકીએ.’

‘શા માટે?’ સત્યેનની બાજુની ખુરસીમાં બેઠેલા અબ્રાહમે અધીરાઈથી સવાલ કર્યો.

‘કારણ કે એ એક ધાર્મિક જગ્યા છે. ચર્ચ, મંદિર, મોસ્ક, તમારા જ્યુના સિનેગોગ આવાં ધાર્મિક સ્થળોમાં અમે ન તો પ્રવેશી શકીએ કે ન તો ત્યાં કોઈને એરેસ્ટ કરી શકીએ.’

‘અચ્છા ચાલો, મોસ્કની અંદર તમારા ઓફિસર નહીં જાય. તેઓ બહાર ઊભા રહે. અમે કંઈ ને કંઈ ગોઠવણ કરીને તૈમૂરને લંડન મોસ્કમાંથી બહાર લઈ આવીશું. પછી તો તમારો ઓફિસર એને એરેસ્ટ કરી શકશે ને?’ સત્યેને પૂછ્યું.

‘હા, મોસ્કની બહાર અમે જરૃર એને એરેસ્ટ કરી શકીએ, પણ અમે નહીં કરીએ.’

‘કેમ?’ અબ્રાહમ હવે અકળાઈ ગયો.

‘મિસ્ટર, એ આખો એરિયા મુસ્લિમ એરિયા છે. લંડનના અડધાથી વધુ મુસ્લિમો સાઉથ ફીલ્ડમાં રહે છે. ત્યાં જો અમે તૈમૂરને એરેસ્ટ કરીએ તો રમખાણો ફાટી નીકળશે. લંડનના મુસ્લિમો ઠેર ઠેર આગ ચાંપી દેશે. અમારા સબ-ઇન્સ્પેક્ટર અને પોલીસને તો તેઓ ત્યાં જ ઊભા ને ઊભા કાપી નાખશે.’

‘વ્હૉટ?’ ઉશ્કેરાઈને સત્યેને પૂછ્યું.

‘જુઓ મિસ્ટર સત્યેન, ઉશ્કેરાવાની જરૃર નથી. એક વ્યક્તિને એરેસ્ટ કરવા માટે આખા લંડન શહેરની સલામતીને જોખમમાં મૂકી ન શકાય.’

‘તો પછી કાયદાની બજવણીની તમારી ફરજનું શું?’ સત્યેન હવે ખૂબ જ ઉશ્કેરાઈ ગયો હતો. ખૂબ જ મોટા અવાજે એણે આ સવાલ પૂછ્યો.

‘મિસ્ટર સત્યેન, ખોટા બરાડા ન પાડો. અમે અમારી ફરજ બરાબર સમજીએ છીએ. કોર્ટે જે વૉરન્ટ ઇશ્યુ કર્યું છે એ આજે ને આજે જ બજાવવું જોઈએ, તૈમૂરને આજે ને આજે જ પકડવો જોઈએ એવું કંઈ જરૃરી નથી. આખા લંડનની સલામતીના ભોગે તો નહીં જ. આપણે એક-બે દિવસ વાટ જોઈશું. તૈમૂર લંડન મોસ્ક અને સાઉથ ફીલ્ડ એરિયામાંથી બહાર આવે કે તરત જ એને પકડી લઈશું.’

ધૂંઆપૂંઆ થયેલ સત્યેન ખુરસીમાંથી ઊભો થતાં અબ્રાહમને ઉદ્દેશીને બોલ્યો ઃ

‘ચાલો, બે દિવસ વાટ જોઈશું એટલામાં તૈમૂર ક્યાંનો ક્યાં છૂ થઈ જશે. આપણે જ કંઈક કરવું પડશે.’

પોલીસ સ્ટેશનની બહાર આવતાં અબ્રાહમે સત્યેનને સવાલ કર્યો ઃ ‘હવે શું?’

‘બીજું કંઈ નહીં. તું ઇઝરાયલી ટૂરિસ્ટ છે. હું ઇન્ડિયન ટૂરિસ્ટ છું. આપણે લંડનની ખૂબ જાણીતી લંડન મોસ્ક જોવા જવાના છીએ.’

* * *

‘કાલે આખો દિવસ ક્યાં હતી? તારો મોબાઇલ પણ આઉટ ઑફ રીચ હતો. બિપિન જાની ફરીથી આઈસીયુમાં છે.’

આરજેએ કરેલા કબૂલાતનામાની કૉપી બિપિન જાનીને આપીને અટલ અને જાગૃતિ બંનેએ એને અવાક્ કરી એના હાલ ઉપર છોડી દીધો હતો. ત્યાર બાદ નરીમાન પોઇન્ટ ઉપરથી સૂર્યાસ્તને જોઈને એ બંને રિપોર્ટરો ગેલોર્ડમાં ડિનર લેવા ગયાં હતાં. ત્યાં એમને સાવિત્રી અને મંથન મળ્યાં અને એમની સાથે જોડાઈને એમણે ડિનર લીધું. પછી જાગૃતિને એના ઘરે ઉતારતાં અટલે ‘કાલે સવારના વહેલી આવજે. બિપિન જાની ઉપર આરજેના કબૂલાતનામાની શું અસર થઈ છે એ જાણ્યા બાદ આપણે આગળનો વ્યૂહ ઘડશું’ એવું જણાવ્યું હતું. નક્કી કર્યા મુજબ બીજા દિવસે જાગૃતિ આવી નહીં. અટલે વારંવાર મોબાઇલ ઉપર એનો સંપર્ક સાધવા પ્રયત્ન કર્યો, પણ જાગૃતિનો મોબાઇલ આઉટ ઑફ રીચ હતો. એ પછીના દિવસે જાગૃતિ અટલ હજુ ચા પીને નહાવા જાય એ પહેલાં એના ઘરે આવી પહોંચી. ખુશખુશાલ જાગૃતિને જોતાં અટલે પ્રશ્ન કર્યો ઃ

‘કાલે આખો દિવસ ક્યાં હતી? તારો મોબાઇલ પણ આઉટ ઑફ રીચ હતો. બિપિન જાની ફરીથી આઈસીયુમાં છે.’

‘મને ખબર છે.’

‘તને ક્યાંથી ખબર પડી?’

‘બિપિન જાનીની ચારેય ક્લાયન્ટો અને પાંચમી સ્ત્રી, જેણે પણ સત્યેન શાહ સામે જાતીય શોષણના આક્ષેપો કર્યા છે એ બધાં ગઈકાલે રાત્રિના મારા ઘરે આવ્યાં હતાં. એમણે કહ્યું.’

‘શું કહ્યું?’

‘એ જ કે મારા કહેવા મુજબ તેઓ આગલા દિવસે સાંજના કપૂર મહલમાંથી નીકળી, મરીન ડ્રાઇવનો રસ્તો ક્રૉસ કરીને સામેની પાળી ઉપર બેઠેલા બિપિન જાની પાસે પહોંચ્યાં ત્યારે એમની પાસે એ પાંચમી સ્ત્રી, રંજના સેન ઊભી હતી.’

‘એ રંજના સેન એ જ સમયે ત્યાં કેવી રીતે પહોંચી?’

‘મેં જ એને કહ્યું હતું. તમને એ વાત કહેવાની રહી ગઈ હતી. સૉરી.’

‘અચ્છા, એટલે હવે તું તારી જાતે સ્ટ્રેટેજી નક્કી કરે છે.’

‘નો… નો. એવું નથી. રંજના સેનનો અચાનક ફોન આવ્યો એટલે મને થયું કે પેલી ચાર સ્ત્રીઓ સાથે રંજના સેન પણ જો બિપિન જાની જ્યાં બેઠા હોય ત્યાં આવે તો આપણે જે સ્ટ્રેટેજી ઘડી હતી એ વધુ મજબૂત થાય. એટલે મેં એને ત્યાં આવવા જણાવ્યું. તમને એ કહેવાનો મોકો મળ્યો નહોતો.’

‘મને લાગે છે કે રંજના સેનને જોતાં બિપિન જાનીને એટેક આવ્યો હશે.’

‘ના… ના. બિપિન જાનીને આરજેનું કબૂલાતનામું વાંચતાં જોરદાર ધક્કો લાગ્યો હશે. એમાં પાછી એ બધી સ્ત્રીઓ ત્યાં આવી પહોંચી.’

‘હા, હા, પણ એટેક તો બિપિન જાનીને એની ચાર ક્લાયન્ટોને જોયા પછી આવ્યો ને?’

‘હા, એ ચારેય કપૂર મહલમાંથી નીકળીને રસ્તો ક્રૉસ કરીને જેવી બિપિન જાની પાસે આવી કે તેઓ નીચે ફૂટપાથ ઉપર ઢળી પડ્યા. એ પાંચેયે ભેગા મળીને એમને બૉમ્બે હૉસ્પિટલમાં ઍડ્મિટ કર્યા.’

‘એ લોકો તારા ઘરે શા માટે આવ્યાં હતાં?’

‘કેમ? એ ચારેય સ્ત્રીઓને બિપિન જાની પાસે હું જ તો લઈ ગઈ હતી. બિપિન જાનીને એટેક આવતાં તેઓ બધાં મૂંઝવણમાં પડી ગયાં હતાં કે એમના કેસનું શું થશે?’

‘પણ પેલી પાંચમી રંજના સેન, એ તારી પાસે શું કામ આવી હતી? એ પણ એ ચારેની સાથે?’

Related Posts
1 of 34

‘એ રંજના સેન પણ મારી પાસે અફસોસ કરવા જ આવી હતી. એણે મારી આગળ કબૂલાત કરી હતી કે પ્રસિદ્ધિ ખાતર એણે સત્યેન શાહ સામે ખોટા આક્ષેપો કર્યા હતા. એમનું એકસાથે આવવું તો એક કૉઇન્સિડન્સ હતો.

‘પછી પેલી ચાર સ્ત્રીઓએ તારી આગળ કબૂલાત કરી કે નહીં? રંજના સેનની જેમ એમને પણ પશ્ચાત્તાપ થયો કે નહીં?’

‘ના… ના. હજુ સુધી તો એમણે રંજના સેનની જેમ નથી પશ્ચાત્તાપ વ્યક્ત કર્યો, કે નથી એમના જૂઠાણાની કબૂલાત કરી. એ બધી તો…’

‘તું એ બધી વાત જવા દે. પહેલાં મને કહે કે કાલે આખો દિવસ તું હતી ક્યાં?’

‘કાલે… કાલે…’ જાગૃતિએ એેની નજર અટલની નજરથી હટાવીને નીચે ઢાળી દીધી. જવાબ આપતાં એ ખચકાતી હતી.

‘કાલે… કાલે શું કરે છે? ક્યાં હતી તું કાલે?’

‘અટલજી…’ જાગૃતિ વધુ કંઈ ન બોલી. પણ એણે એનું મલકતું મોઢું નીચું કર્યું. બંને હાથ વડે એની ઓઢણીને ગોળ ગોળ ફેરવવા લાગી. ચકોર અટલ શું વાત હશે એ કળી ગયો. એણે સામેથી જ પૂછી લીધું ઃ

‘મંથનને મળવા ગઈ હતી?’

‘ના… હા… હા. રાત્રિના હું ઘરે પહોંચી અને મંથનનો ફોન આવ્યો. મને કહે, હજુ ટેનિસ રમે છે કે રિપોર્ટરની રખડપટ્ટીમાં રમવાનું બંધ કરી દીધું છે? મેં ના કહ્યું. પહેલી વાર મળ્યો હતો ત્યારે ચૅલેન્જ આપી હતી એમ પાછી ચૅલેન્જ આપી, કાલે સવારના બૉમ્બે જિમમાં આવીને પ્રૂફ આપજે. અટલજી, તમે માનશો, કોઈ દિવસ ન હારે એ મંથનને મેં કાલે હરાવી દીધો. પછી મેં જીતનું પ્રાઇઝ માગ્યું એટલે એ મને બ્રેકફાસ્ટ ઉપર લઈ ગયો. પછી અટલજી, એ મને એની ઑફિસમાં લઈ ગયો. આખી ઑફિસ દેખાડી. બધાની જોડે ઓળખાણ કરાવી. બપોરના લંચ પણ અમે સાથે લીધું. પછી એ મને એના બંગલે લઈ ગયો. સાવિત્રી આન્ટી મને જોઈને ખુશ થઈ ગયાં. એમણે મને ખૂબ જ સારી રીતે આવકારી. કલાકો સુધી મારી જોડે વાતો કરી. હું તમને ફોન કરીને કહેવાની હતી કે હું મોડી આવીશ, પણ ઘરેથી જલદી નીકળતાં એ રહી ગયું અને પછી પેલી પાંચ સ્ત્રીઓ વારંવાર મને ફોન કરતી હતી એટલે મેં મોબાઇલ સ્વિચ ઑફ કરી નાખ્યો. સૉરી, આ બધામાં તમને ફોન કરવાનું ભૂલી ગઈ.’ જાગૃતિ ઉત્સાહમાં ને ઉત્સાહમાં બોલી ગઈ. એના અવાજમાં આનંદ હતો.

‘જાગૃતિ, એક રિપોર્ટરને આવું ભુલકણાપણુ ન પોસાય.’

‘હા, મને ખબર છે. હું ખૂબ જ દિલગીર છું. પ્લીઝ, મને માફ કરી દો.’

‘માફી એક જ શરતે મળશે.’

‘શું?’ અટલ એને માફ કરવા તૈયાર છે એ જાણીને ખુશ થતાં જાગૃતિએ પૂછ્યું.

‘કોણે પ્રપોઝ કર્યું એ સાચેસાચું કહે એટલે માફી મળશે.’

‘હું સમજી નહીં, અટલજી.’

‘અરે ગાંડી, તમે એકબીજાને પ્રપોઝ કર્યું કે નહીં?’

‘અટલજી, તમે આ શું પૂછો છો?’ અટલના પ્રશ્નથી એકદમ શરમાઈ જતાં, પણ સાથે સાથે હરખાઈ જતાં જાગૃતિએ કહ્યું.

‘કેમ? તું તો મંથનને પ્રેમ કરતી જ હતી. એને પણ તારા પ્રત્યે કૂણી લાગણી હતી એ તો મેં ગેલોર્ડમાં જ જોઈ લીધું હતું. પછી એણે તને તરત બોલાવી. મંથન જેવો ચૅમ્પિયન ટેનિસનો ખેલાડી તારી સામે હારી જાય? એ તો જાણીજોઈને હારી ગયો હતો, ગાંડી. બ્રેકફાસ્ટ માટેનું એ બહાનું હતું. પછી તને પોતાની ઑફિસમાં લઈ ગયો, ઘરે લઈ ગયો અને લંચ સાથે કર્યું. સાવિત્રીબહેને પણ તારી જોડે ખૂબ વાતો કરી. મંથનનો તારા પ્રત્યેનો વિચાર સ્પષ્ટ જણાઈ આવે છે.’

‘કેવો વિચાર? અટલજી.’

‘અરે પગલી, એ જ કે મંથનને તું ગમે છે.’

‘સાચ્ચે જ?’

‘અફ કોર્સ, દીવા જેવી ચોખ્ખી વાત છે. પણ એણે તને પ્રપોઝ કર્યું કે નહીં?’

‘ના. પણ અટલજી…’ થોડું વધારે શરમાતાં અને એથી પણ વધુ હરખાતાં

જાગૃતિ બોલી,

‘મેં મંથનને જ્યારે ટેનિસમાં હરાવ્યો ત્યારે એણે મારી જોડે શેકહૅન્ડ કર્યું અને પછી બાથ ભરીને કોન્ગ્રેચ્યુલેશન કહ્યું. આખા દિવસ દરમિયાન એણે વારંવાર મારા હાથને અને ખભાને સ્પર્શ કર્યો. એની નજર મારા પરથી હટતી જ નહોતી.’

‘ગાંડી, આટલું બધું થયું એ છતાં તું સમજતી નથી.’

‘શું?’

‘એ જ કે હી ઈઝ ઈન લવ વિથ યુ. હવે તું મુહૂર્ત જોવા નહીં બેસતી. જેમ બને એમ જલદી. નહીં… નહીં આજે જ મંથનને કહી દેજે કે યુ લવ હિમ.’

‘ઓહ, અટલજી…’ જાગૃતિ એની જિંદગીમાં આટલું કદીય નહોતી શરમાઈ કે નહોતી હરખાઈ.

‘ઓકે… જો, આપણે હવે કામની વાત કરીએ. એ પણ મંથનને લગતી જ છે.’

‘યસ… યસ. આપણુ કામ આગળ વધારવા તો હું આવી છું.’

‘તો સાંભળ…’ અટલ એ પછી

જાગૃતિને જે વાત કહેવા લાગ્યો એ સાંભળતાં સાંભળતાં જાગૃતિ આશ્ચર્ય પામતી ગઈ. વચ્ચે વચ્ચે કહેવા લાગી, ‘નો… નો. નહીં…. નહીં, અટલજી, મારાથી આવું નહીં થાય. હું આવું હરગિજ કહી નહીં શકું.’

* * *

‘આ વખતનો એટેક તો ખરેખર જીવલેણ જ હતો. તમારા પતિએ ગયા જન્મમાં ખૂબ જ પુણ્ય કર્યાં હશે એટલે તેઓ બચી ગયા.’ એ કાર્ડિયોલૉજિસ્ટને જાણ નહોતી કે ગયા જન્મમાં કદાચ બિપિન જાનીએ પુણ્ય કર્યાં હોય, પણ આ જન્મમાં તો એણે પાપો જ કર્યાં હતાં.

‘હજી કેટલો સમય અહીંયા રહેવું પડશે?’

‘હજી ત્રણ-ચાર દિવસ એમને આઈસીયુમાં રાખવા પડશે. એ પછી એકાદ-અઠવાડિયું હૉસ્પિટલમાં રહેવું

પડશે. ઘરે પણ થોડા દિવસ આરામ કરવો જોઈશે. ઍડ્વોકેટ સાહેબે હવે કોર્ટમાં જવાનું બંધ કરવું જોઈએ. ઍક્ટિવ પ્રેક્ટિસમાંથી

નિવૃત્તિ લઈ લેવી જોઈએ. ઑફિસમાં બેઠાં બેઠાં બે-ચાર કલાક ક્લાયન્ટોને સલાહ આપે તો વાંધો નથી.’ બૉમ્બે હૉસ્પિટલના આઈસીયુ યુનિટમાં ફરીથી દાખલ કરાયેલા બિપિન જાનીના પલંગ પાસે ઊભેલી એમની પત્નીને કાર્ડિયોલૉજિસ્ટે જણાવ્યું.

* * *

બે દિવસ પછી મયૂરી, સુઝન, મહેક, રમણી તેમ જ બિપિન જાનીના અન્ય ક્લાયન્ટો જેમના અટપટા કેસો બિપિન જાની પાસે હતા એમને સૌને બિપિન જાનીની ઑફિસમાંથી પત્ર મળ્યો.

‘નાદુરસ્ત તબિયતને કારણે ડૉક્ટરની સલાહ અનુસાર મિસ્ટર બિપિન જાની ઓછામાં ઓછા છ મહિના સુધી કોર્ટ એટેન્ડ નહીં કરી શકે. તમારા કેસો થોડા સમયમાં જ સુનાવણી માટે આવે એવી વકી છે આથી તમે તમારાં કાગળિયાં અમારી ઑફિસમાંથી લઈ જાઓ અને એ કેસો ચલાવવા માટે અન્ય ઍડ્વોકેટને રોકો. ઍડ્વાન્સ તરીકે તમે જે ફી આપી છે એ બાબત મિસ્ટર બિપિન જાની સ્વસ્થ થાય અને ડૉક્ટર એમને ઑફિસ એટેન્ડ કરવાની રજા આપે ત્યાર બાદ એમને મળજો. નાદુરસ્ત તબિયતને કારણે આવું

પગલું ભરવું પડે છે એ બદલ મિસ્ટર બિપિન જાની ખૂબ જ દિલગીર છે.’

* * *

‘અગ્નિપથ’ મૅગેઝિને ‘મી ટૂ’નો એક ખાસ અંક બહાર પાડ્યો. એના વાચકો જ નહીં, પણ સમગ્ર મુંબઈ શહેરમાં એ ‘મી ટૂ’ના અંકે ઊહાપોહ મચાવ્યો.

‘અગ્નિપથ’ના પગલે પગલે ‘ગજગામિની’એ પણ તુરંત જ એમનો પણ ખાસ અંક બહાર પાડ્યો. ‘ગરવો ગુજ્જુ’, ‘ગુડ આફ્ટરનૂન’ અને ‘હિન્દુસ્તાની’ આ બધાં ન્યૂઝપેપરોએ પણ એમના પેપરના વધારાઓ બહાર પાડ્યા. બીજા દિવસે મુંબઈ શહેરના જ નહીં, લગભગ ભારતનાં, બધી જ ભાષાનાં, નાનાં-મોટાં અખબારોએ

‘અગ્નિપથ’માં છપાયેલ ન્યૂઝ એમના પોતાના મંતવ્યો સાથે પ્રસિદ્ધ કર્યા.

જેમ મયૂરી મહેતા અને એના પછી મહેક મોમિન, સુઝેન સેલ્વમ, રમણી અદનાની અને રંજના સેને સત્યેન શાહ ઉપર જાતીય શોષણના આરોપો મૂક્યા હતા તેમ જ જાગૃતિ જોશીએ પણ સત્યેન શાહના જ પુત્ર મંથનની સામે જાતીય શોષણના આરોપો મૂક્યા હતા! એણે તો મુંબઈ પોલીસમાં એ બાબતની ફરિયાદ પણ નોંધાવી હતી.

‘અગ્નિપથ’નો સ્પેશિયલ ઈશ્યુ આખેઆખો જાગૃતિ અને મંથનના ફોટાઓથી ભરેલો હતો. સત્યેન શાહ અને જે પાંચ

પાંચ સ્ત્રીઓએ એમની ઉપર જાતીય શોષણના આક્ષેપો કર્યા હતા, એ બધાંના ફોટા અને એ આક્ષેપોની વિગતો એ મૅગેઝિને ફરી પાછી પ્રસિદ્ધ કરી હતી. મુંબઈ શહેરના આગેવાનો, જાણીતી વ્યક્તિઓ, સામાજિક કાર્યકરો, નારી સંસ્થાની અધ્યાપિકાઓ આ સર્વેના પણ ‘મી ટૂ’ વિષયના એમના અભિપ્રાયો આ સ્પેશિયલ ઈશ્યુમાં પ્રસિદ્ધ કરાયા હતા.

‘અગ્નિપથે’ એની કવર સ્ટોરીમાં જણાવ્યું હતું,

‘એક યુવાન, બાહોશ, આશાસ્પદ અને કુંવારી યુવતી જાગૃતિ જોશી, જે ‘અગ્નિપથ’ની રિપોર્ટર છે એને ફોસલાવામાં આવી હતી અને એનું વારંવાર જાતીય શોષણ કરવામાં આવ્યું હતું.

‘જાગૃતિ અને મંથન એકબીજાને સૌપ્રથમ વાર કૉલેજના ઊઘડતા દિવસે મળ્યાં હતાં.  એ જ દિવસે મંથન, જે એક સિનિયર સ્ટુડન્ટ હતો એણે જાગૃતિને ટેનિસ રમવા આમંત્રી. ટેનિસ રમતની એની પાર્ટનર બનેલ જાગૃતિને જીવનની પાર્ટનર બનાવવાનાં વચનો આપીને મંથને જાગૃતિને એની શય્યાની પાર્ટનર બનાવી દીધી.’

‘અગ્નિપથ’ની કવર સ્ટોરીમાં આ સર્વે વિગતવાર એક નવલકથાના સ્વરૃપમાં કહેવામાં આવી હતી.

‘વર્ષ પૂરું થતાં બધાં વચનો ભૂલીને, જાગૃતિને પણ ભૂલીને મંથન માનસીને પરણી ગયો. અચાનક જ ગયા અઠવાડિયે ગેલોર્ડ રેસ્ટોરાંમાં મંથન એની મધર જોડે ડિનર લેવા ગયો હતો. ત્યાં એને જાગૃતિનો મેળાપ થયો. તક ઝડપી લઈને લંપટ મંથને બીજા દિવસે જાગૃતિને પોતાની ઑફિસમાં બોલાવી. લગ્ન માટે એને મજબૂર કરવામાં આવ્યો હતો એવું જણાવ્યું. એની પત્ની માનસી અને પુત્રીનું મોટર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. બધાની ઇચ્છા હોવા છતાં એણે પુનઃ લગ્ન નહોતાં કર્યાં, કારણ કે એ હજુ પણ જાગૃતિને પ્રેમ કરતો હતો. આવું જૂઠાણુ ચલાવીને એણે પોતાના પ્રેમમાં ગળાબૂડ ડૂબેલી જાગૃતિને વિશ્વાસમાં લીધી અને ફરી પાછી ફોસલાવી.

‘હવે તું અચાનક મળી ગઈ છે તો હું કોઈની પણ પરવા નહીં કરું. મારું ફેમિલી મને મિલકતમાંથી બાકાત કરી નાખશે એની મને પરવા નથી. હું હવે તારો જ બની રહેવા ઇચ્છું છું.’ આવું આવું જણાવીને મંથને જાગૃતિને એકવાર ફરી ફોસલાવી. ત્યાર બાદ એણે અનેક વાર આપ્યાં હતાં એવાં ખોટાં વચનો ફરીથી આપ્યાં અને એ સાંજ પોતાના બેડરૃમમાં જાગૃતિ જોડે ગાળી.

‘બીજા દિવસે જ્યારે જાગૃતિએ મંથનને ફોન કર્યો અને ‘લગ્ન ક્યારે કરશું?’ એવું પૂછ્યું ત્યારે એ નફ્ફટે જે  જવાબ આપ્યો એ શબ્દશઃ ‘અગ્નિપથે’ એમની કવર સ્ટોરીમાં છાપ્યો.

(ક્રમશઃ)
——————

Leave A Reply

Your email address will not be published.

Translate »