ધરપકડનું કારણ જાણીને આરજેના હોશકોશ ઊડી ગયા
મુંબઈના એક નંબરના ક્રિમિનલ ઍડ્વોકેટનો એ આખો દિવસ ભયંકર તાણમાં વીત્યો હતો.
નવલકથા સત્-અસત્ – પ્રકરણઃ 30- ૩૧
- સંગીતા-સુધીર
વહી ગયેલી વાર્તા…..
આરજેને પોતાની ચાલમાં ફસાવીને સત્યેન શાહે પોલીસના હાથે પકડાવી દીધો હતો. સાથે જ યુસુફ મહોમ્મદ પણ ઝડપાઈ ગયો હતો. જ્યારે આરજે અને યુસુફને તેમની ધરપકડ પાછળનું કારણ ખબર પડી ત્યારે બંનેના પગ તળેથી જમીન સરકી ગઈ. બીજી બાજુ જાનીની ઑફિસમાં મયૂરી બેભાન થઈ ગઈ હતી. આ જોઈને જાનીના આસિસ્ટન્ટ જયેન્દ્રને પરસેવો વળી ગયો. જયેન્દ્રએ મયૂરીના મોઢા પર પાણી છાંટ્યું જેથી મયૂરી ભાનમાં આવી. બિપિન જાનીની રાહ જોતાં જોતાં મયૂરીને ઘણા આડા-અવળા વિચારો આવી ગયા. તે ડરેલી હતી સાથે વાટ જોતાં થાકી પણ ગઈ હતી. તેથી તે જાનીને મળ્યા વિના જ તેની ઑફિસમાંથી ચાલી ગઈ. રસ્તામાં મયૂરીને વિચાર આવ્યો કે પોતે સાચી વાતનો એકરાર કરી લે. તે બધાંને કહી દે કે તેણે સત્યેન શાહ સામે જાતીય શોષણનો જે આરોપ મૂક્યો છે તે તદ્દન ખોટો અને પાયાવિહોણો છે. સુઝન સેલ્વમ, રમણી અને મહેક મોમિનને પણ મયૂરીની જેમ જ બિપિન જાનીની ઑફિસમાંથી મળવા માટે ઍપોઇન્ટમૅન્ટ નહોતી મળી. આ તરફ આ બધી મહિલાઓ પોતે કરેલા આક્ષેપો સામે પસ્તાતી હતી ત્યાં જાનકીએ ઉદ્યોગપતિ હર્ષદ ગાંજાવાલા સામે કરેલા બળાત્કારના આક્ષેપની ફરિયાદ પાછી ખેંચી લીધી હતી. ફરિયાદ સાચી હતી છતાંપણ ગાંજાવાલાએ વગ વાપરીને જાનકી પાસેથી પોતાનો પીછો છોડાવી લીધો હતો. મૅજિસ્ટ્રેટ સોનવણેએ હર્ષદને જામીન પર છોડ્યો હતો. અચલા આ બધી ઘટનાથી ધૂંઆપૂંઆ થઈ ગઈ હતી. તે જાણતી હતી કે જાનકીએ કરેલી ફરિયાદ સાચી છે, પણ મૅજિસ્ટ્રેટ સોનવણેએ ઉલટા ચોર કોટવાલ કો ડાટેની પેઠે જાનકી અને અચલાની વર્તણૂકને વખોડી હતી. અચલા પ્રેસ ક્લબમાં બેઠી બેઠી આ બધી વાતો પર વિચાર કરતી હતી, ત્યાં તેના કાને શબ્દો પડ્યા. જેમાં મૅજિસ્ટ્રેટ સોનવણે સામે કોર્ટમાં સ્ટેનો તરીકે કામ કરતી મહિલાએ જાતીય સતામણીના આરોપ લગાવ્યા છે અને આ મુદ્દાએ જોર પકડ્યું છે એ વાત અચલાને જાણવા મળી. મૅજિસ્ટ્રેટ સોનવણેને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તે જાણીને અચલાને ખુશી થઈ કે હવે હર્ષદ ગાંજાવાલાનો કેસ અન્ય કોઈ મૅજિસ્ટ્રેટ સંભાળશે અને બની શકે કે જાનકીને ન્યાય મળે.
હવે આગળ વાંચો…
જાગૃતિ અને અટલ જેવાં બિપિન જાનીના ટેબલ સામેની ખુરસીમાં બેઠાં, બરાબર એ જ સમયે ગેલોર્ડ રેસ્ટોરાંના મેઝનિન ફ્લોરના ખૂણાના ટેબલ ઉપર બેઠેલો એક સૂટ પહેરેલ માણસ ઊભો થયો અને જાનીના ટેબલ પાસે આવ્યો. એક ક્ષણ માટે એ ત્યાં ઊભો રહ્યો. જાની, જાગૃતિ અને અટલ ત્રણે તરફ એક દ્રષ્ટિ કરી અને પછી સીડી ઊતરીને રેસ્ટોરાંની બહાર નીકળી ગયો. જાનીને એવું લાગ્યું કે એ માણસને સત્યેને જ એના માટે મોકલાવ્યો હતો.
‘મિસ્ટર જાની, તમે ઑર્ડર આપ્યો?’ જાનીના વિચારો અટકાવતો પ્રશ્ન અટલે પૂછ્યો.
‘હં… નો… નહીં. હજુ સુધી મેં કંઈ ઑર્ડર આપ્યો નથી. હું હમણા જ અહીં આવ્યો છું.’ બે કપ કૉફી પી ચૂકેલો ઍડ્વોકેટ ગભરાટમાં એ ભૂલી ગયો.
‘તો જાગૃતિ, તું જ આપણા ત્રણે વતીથી ઑર્ડર આપને. મારા માટે ચિલ્ડ કિંગફિશર મગાવજે. હું જરા ફ્રેશ થઈ આવું.’ બોલતાં બોલતાં અટલ ઊભો થયો અને મેઝનિન ફ્લોર ઉપર જ આવેલ જેન્ટ્સના રેસ્ટ રૃમમાં ઘૂસ્યો.
અટલ ગયો અને જાનીના મોબાઇલમાં મેસેજ આવ્યો એ દર્શાવતો ‘ટિંગ’ અવાજ આવ્યો. મોબાઇલની લાઈટ ઝળકી ઊઠી. જાનીએ મોબાઇલ હાથમાં લીધો. એમાં મેસેજ હતોઃ ‘ફરી પાછો એ જ બે રિપોર્ટર જોડે આવ્યો? હવે તારાં કર્યાં તું ભોગવ.’ પેલા સૂટવાળાને મને મળવા જ સત્યેને મોકલ્યો હતો. આ બે અહીં મારી બાજુમાં આવીને બેસી ગયાં. મને મદદ કરવા સત્યેને મોકલેલ એ મદદગાર નારાજ થઈને ચાલી ગયો. એ મને એકલો મળવા ઇચ્છતો હશે. સ્વાભાવિક છે, આવી વાતમાં ત્રીજી વ્યક્તિની હાજરી હોવી ન જોઈએ. બપોરના પણ ઇન્કમટેક્સ ઑફિસના દરવાજા પાસે અટલ ઊભો હતો અને પાછળથી જાગૃતિ આવી. એ અજાણી વ્યક્તિ જે મને મદદ કરવા માટે આવી હતી એને એમ જ લાગ્યું હશે કે હું જાણીજોઈને એને ફસાવવા આ બે રિપોર્ટરોને મારી સાથે લઈ આવું છું. હવે શું કરું? આ બે રિપોર્ટરો પણ મારી પાછળ જમની જેમ પડ્યા છે. કોણ જાણે કેમ આજે જ તેઓ બંને, મને એક નહીં, બબ્બેવાર આવા અગત્યના સમયે જ મળ્યા.
ફ્રેશ થઈને અટલ રેસ્ટ રૃમમાંથી બહાર આવ્યો ત્યારે જાનીના મોઢા ઉપરનું નૂર ઊડી ગયું હતું. આમેય જાની ગેલોર્ડમાં આવ્યો એ પહેલાંથી ચિંતામાં તો હતો જ. અટલ ફ્રેશ થઈને આવ્યો ત્યાં સુધીમાં તો મોબાઇલ ઉપરનો મેસેજ વાંચી એનું મોઢું સફેદ રૃની પૂણી જેવું થઈ ગયું હતું.
‘અરે મિસ્ટર જાની, તમારું મોઢું આમ ફિક્કું કેમ પડી ગયું છે? તબિયત બરાબર નથી?’ સવાલ પૂછતાં અટલે જાનીના ગળા ઉપર હાથનો ઊંધો પંજો મૂકીને એના શરીરનું ઉષ્ણતામાન માપવાનો પ્રયત્ન કર્યો.
‘હં… ના, ના, મને કંઈ નથી થયું. તમે બેસો, મને અચાનક એક કામ યાદ આવ્યું છે. એટલે મારે જવું પડશે.’ આટલું બોલીને જાની ખુરસીમાંથી ઊભો થયો.
જાનીના ગળા ઉપર ઊંધો પંજો મૂક્યો હતો ત્યાંથી સરકાવીને અટલે એના ખભા ઉપર મૂક્યો અને જાનીને ખુરસીમાં બેસાડી દીધો. પછી એનો હાથ પકડીને પોતે સામેની ખુરસીમાં બેસી ગયો.
‘અટલ, છોડ. મને અર્જન્ટ કામ યાદ આવ્યું છે. મારે જવું પડે એમ છે.’
‘અચાનક એવું શું અર્જન્ટ કામ આવી પડ્યું? કે પછી અમે તમારી જોડે જોડાયાં એ તમને ગમ્યું નથી?’
‘ના, ના, એવું કંઈ નથી.’
‘બસ તો પછી બેસો. એક ડ્રિન્ક પીઓ એટલે તબિયત ઑલરાઈટ થઈ જશે. આવ્યા છો તો ડિનર લઈને જ જાઓ.’
‘ના, ના, મારે જવું જ પડશે.’
‘નો… નો, મિસ્ટર જાની, તમારી તબિયત ઠીક નથી લાગતી. આવી હાલતમાં અમે તમને જવા ન દઈ શકીએ. જો ખરેખર કોઈ અર્જન્ટ કામ યાદ આવ્યું હોય અને જવું જ હોય તો હું તમારી સાથે આવીશ.’ જાગૃતિએ જાનીનો ફિક્કો પડી ગયેલ ચહેરો જોતાં કહ્યું.
અટલ અને જાગૃતિના એક એક શબ્દે જાનીના મોઢાનો રંગ વધુ ને વધુ ફિક્કો પડવા લાગ્યો. જ્યારથી એને ઇન્કમટેક્સની નોટિસ આવી હતી ત્યારથી એ ગભરાયેલો હતો. હવે તો એના ગભરાટનો પાર ન રહ્યો. એને ત્યાંથી છટકવું હતું અને અટલ એને ડ્રિન્ક ને ડિનરનો આગ્રહ કરતો હતો. જાગૃતિ એની સાથે જવાનું કહેતી હતી. શું કરવું અને શું નહીં? સત્યેને મોકલાવેલ પેલો સૂટવાળો કદાચ બહાર રસ્તા ઉપર એની વાટ જોતો હશે. મારે જલદી બહાર જવું જોઈએ અને એ પણ એકલા.
ભલભલા ગુનેગારોને ફાંસીના ફંદામાંથી મુક્તિ અપાવનાર, જુઠ્ઠાને સાચું કરી બતાવનાર મુંબઈનો પ્રથમ દરજ્જાનો ક્રિમિનલ ઍડ્વોકેટ પોતાની સામે મુસીબત ખડી થઈ ત્યારે ગભરાઈ ગયો. જાનીનું કાયદાકીય જ્ઞાન અદ્ભુત, પણ એથી વધુ એને માનવ સ્વભાવની સૂઝબૂઝ હતી. મૅજિસ્ટ્રેટો અને જજો જોડે ઘરોબો કેમ કેળવવો એ વાત એ બરાબર જાણતો હતો. એ લોકોને કોને શેની અને કેટલી લાલચ આપવી એની એને બરાબરની ખબર હતી. સાક્ષીઓને કેવી રીતે ફોડવા, પોલીસ ઑફિસરોને કેમ સાધવા, આ બધી ટ્રિક્સ એને ખૂબ જ સારી આવડતી હતી. આવી કુનેહને કારણે જ એણે વકીલાતમાં અસાધારણ સફળતા મેળવી હતી. કેસો લડવા કરતાં એણે જજોને ફોડવાનું કાર્ય વધુ કર્યું હતું. આજે જ્યારે એની પોતાની સામે મુશ્કેલી આવીને ઊભી રહી ત્યારે એમાંથી છટકવાનો કોઈ માર્ગ એને દેખાતો ન હતો.
સત્યેન શાહે ખુદ બિપિન જાનીને ફોન કર્યો હતો. એ એના લાભની વાત કરવાનો છે એવું જણાવ્યું હતું. બપોરના ૨ઃ૧૫ કલાકે આઈટી ઑફિસના મેઇન ગેટ પાસે બોલાવ્યો હતો. જોગાનુજોગ અટલ ત્યાં ઊભો હતો. જાગૃતિ પણ અચાનક ત્યાં આવી પહોંચી હતી. આથી એ મીટિંગ થઈ શકી નહોતી. એ પછી સાત વાગે એને ગેલોર્ડમાં બોલાવવામાં આવ્યો અને ત્યારે પણ એ જ બે લોકો, અટલ અને જાગૃતિ એને નડ્યાં અને આ મીટિંગ પણ થઈ ન શકી. પેલો સૂટવાળો સત્યેનનો જ માણસ હશે અને બહાર મારી વાટ જોતો ઊભો હશે, પણ આ લોકો મને જવા નથી દેતાં. જાગૃતિ મારી સાથે આવવાનો આગ્રહ કરે છે. હવે મારે એ માણસને મળવું તો કેવી રીતે મળવું?
વિચાર કરતાં કરતાં જાનીને ચક્કર આવી ગયાં. મુંબઈના એક નંબરના ક્રિમિનલ ઍડ્વોકેટનો એ આખો દિવસ ભયંકર તાણમાં વીત્યો હતો. ખૂન કર્યા બાદ કોઈ ખૂનીને જેટલો ફફડાટ ન થાય એટલો ફફડાટ એ દિવસે જાનીને થયો હતો. એને મળેલ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની નોટિસ અને ત્યાર બાદ સત્યેનનો ફોન તેમ જ ફેલ થયેલી આ બે મીટિંગોને કારણે જાનીના મનમાં જાતજાતના નકારાત્મક વિચારોએ ઉલ્કાપાત મચાવ્યો હતો. કદીય, ક્યારેય પોતે-જાતે કોઈ મુસીબતમાં ન ફસાયેલો આ મુંબઈ શહેરનો બાહોશ ક્રિમિનલ ઍડ્વોકેટ પોતે આફતમાં ફસાવાને કારણે અને ત્યાર બાદ એક પછી એક અણધાર્યા બનેલા બનાવોનો આઘાત જીરવી ન શક્યો. જાનીને એટેક આવ્યો. અટલે તુરંત જ ઍમ્બ્યુલન્સ બોલાવી અને જાનીને નજીકની જ બૉમ્બે હૉસ્પિટલના આઈસીયુમાં ઍડ્મિટ કરાવ્યો. તાબડતોબ સારવાર મળવાને કારણે ચિંતાગ્રસ્ત સ્થિતિમાંથી જાની થોડાક કલાકમાં જ ઊગરી ગયો.
બીજે દિવસે સવારના જ્યારે જાનીએ બૉમ્બે હૉસ્પિટલના આઈસીયુના ખાટલામાં આંખ ખોલી ત્યારે એની બરાબર સામે મહાભારતના યુદ્ધ પહેલાં શ્રીકૃષ્ણની મદદ માગવા ગયેલો અર્જુન જેમ સૂતેલા શ્રીકૃષ્ણના ખાટલાની સામે પ્રભુના પગ પાસે ઊભેલો હતો એમ જ અટલ અને જાગૃતિ ઊભાં હતાં. એ બંનેને જોઈને જાનીને ફરી પાછો આંચકો લાગ્યો. એણે આજુબાજુ નજર કરી. એક બાજુ એની પત્ની અને બીજી બાજુ એની ઑફિસની સેક્રેટરી અને આસિસ્ટન્ટ જયેન્દ્રને ઊભેલાં જોઈને એને થોડીક શાંતિ થઈ.
એ ઝાઝો સમય ન ટકી.
બાજુમાં ટેબલ ઉપર પડેલ એના મોબાઇલ ઉપરના મેસેજે જાનીને ફરી પાછો અકળાવી નાખ્યો.
‘બબ્બે વાર એ જ બે રિપોર્ટરો જોડે તું આવ્યો. હવે ત્રીજો અને છેલ્લો ચાન્સ આપુું છું. આઈટીની જે બીજી નોટિસ તારી ઑફિસમાં મોકલાઈ છે એમાંથી પણ તારે બચવું જ હશે. આવતી કાલે સાંજના છ વાગે મરીન ડ્રાઈવ ઉપર આવેલ કપૂર મહેલની સામેની પાળી ઉપર એકલો જ બેસજે.’
આઈટીની બીજી નોટિસ શું હશે? મુંબઈના ટોચના ક્રિમિનલ લૉયર બિપિન જાનીને ફરી પાછાં કમકમાં આવી ગયાં!
સત્યેનની બહેન અને બનેવીના કહેવાથી આરજે, રોહિણી અને રોમેલ એ ત્રણેય અને યુસુફ મહમ્મદ આ બધાની ટ્રાફિકિંગ, ચાઈલ્ડ પ્રોસ્ટિટ્યુશન અને સ્મગલિંગ આ ત્રણ ભયંકર આરોપસર ધરપકડ થઈ. આરોપો એટલા ભયંકર હતા કે ફક્ત શકના આધારે એ કરવામાં આવ્યા હતા તેમ છતાં લંડનની ઓલ્ડ બેલી કોર્ટના મૅજિસ્ટ્રેટે એ ચારેયમાંથી કોઈને જામીન ન આપ્યા. ચારેયની કસ્ટડી એક મહિના માટે પોલીસને સોંપી. એ દરમિયાન પોલીસને બધી બાબતોનું ઇન્વેસ્ટિગેશન કરીને પુરાવાઓ રજૂ કરવાનું જણાવ્યું.
લંડનના પોલીસ સ્ટેશનમાં યુસુફ મહમ્મદ સામે એક ફરિયાદ આ પહેલાં પણ નોંધાયેલી હતી.
ઇંગ્લેન્ડમાં ભારતની જેમ મુસલમાનોને ચાર પત્ની ધરાવવાની છૂટ નથી. આમ છતાં યુસુફ મહમ્મદની ચાર પત્ની હતી. એ ચારેથી એ ધરાયો નહોતો એટલે એણે એક પાંચમી સ્ત્રી જોડે દૈહિક સંબંધ બાંધ્યો હતો. એક દિવસ એની એ પાંચમી સ્ત્રીએ જિદ્દ પકડી કે એ એની આગલી ચારે સ્ત્રીઓને ત્રણ વાર તલાક… તલાક… તલાક એમ કહીને છૂટી કરી દે અને એની જોડે નિકાહ કરે. યુસુફ મહમ્મદ માટે એ શક્ય નહોતું. આ વાત ઉપર એમનો ઝઘડો થયો અને મામલો એ હદ સુધી પહોંચ્યો કે એ સ્ત્રીએ પોલીસમાં ફરિયાદ કરી કે યુસુફ મહમ્મદે અનેક વાર એના ઉપર બળાત્કાર આચર્યો હતો.
એક સોળ વર્ષની યુવતી ઉપર પણ યુસુફ મહમ્મદે નજર બગાડી હતી. યુસુફ મહમ્મદની એ પાંચમી સ્ત્રીની ચડવણીથી એ નાબાલિગ યુવતીએ ‘આ વ્યક્તિ મને રંજાડે છે. મારા શરીર ઉપર ગમે ત્યાં હાથ ફેરવે છે. મારી આમન્યાનો વારંવાર ભંગ કરે છે.’ એવી ફરિયાદ કરી.
આ બંને ફરિયાદને કારણે લંડનની પોલીસે યુસુફ મહમ્મદની ધરપકડ કરી હતી. તૈમૂરના આદેશથી લંડનના મુસ્લિમોએ એ પાંચમી સ્ત્રી અને એ યુવતીને એમની ફરિયાદ પાછી ખેંચી લેવા દબાણ કર્યું. ફરિયાદ પાછી ખેંચી લેવાઈ, યુસુફ મહમ્મદને છોડી દેવામાં આવ્યો. પણ પોલીસના ચોપડે એ ફરિયાદ નોંધાઈ તો ગઈ જ.
આરજેની જોડે યુસુફ મહમ્મદની ધરપકડ કરવામાં આવી ત્યાર બાદ એનો ઇતિહાસ તપાસતાં આ વાત બહાર આવી એટલે એમની સામેનો શક વધુ ઘેરો બન્યો.
આરજે હવે ખૂબ જ ગભરાઈ ગયો હતો. જો ખરા-ખોટા પુરાવાઓ ઊભા કરીને સત્યેન શાહ એના ઉપર જે આક્ષેપો મૂકવામાં આવ્યા છે એ પુરવાર કરવામાં સફળ થશે તો લંડનની કોર્ટ એને, રોહિણી અને રોમેલ બધાને વર્ષો સુધી જેલમાં ધકેલી દેશે.
કાયદો અને વ્યવસ્થામાં દૃઢ વિશ્વાસ ધરાવનાર લંડનના પોલીસ ખાતાએ આરજેની બાબતમાં સત્યેનનાં બહેન-બનેવીની લાગવગને કારણે અપવાદ રાખ્યો હતો. એની અનેક વારની આજીજી અને કાકલૂદી છતાં આરજેને તૈમૂરનો કે અન્ય કોઈનો સંપર્ક કરવા દેવામાં આવ્યો નહોતો. મૅજિસ્ટ્રેટ સામે એમને ઊભા કરવામાં આવ્યા એ પહેલાં સખત શબ્દોમાં એમને ધમકી આપવામાં આવી હતી.
‘જો તમે ચૂં કે ચા કરશો તો તમારી ખેર નથી. મૅજિસ્ટ્રેટ કોઈ પણ સંજોગોમાં તમને જામીન ઉપર નહીં છોડે અને પછી પોલીસ કસ્ટડીમાં તમારા જે હાલહવાલ કરવામાં આવશે એ માટે તમે પોતે જ જવાબદાર રહેશો.’
અન્ય કોઈ રીઢા ગુનેગારો હોત તો એમને આવી ધમકીની ઝાઝી અસર ન થાત. તેઓ મૅજિસ્ટ્રેટને જણાવત ઃ
‘અમને પોલીસ કોઈનો સંપર્ક કરવા નથી દેતી. અમારે અમારો બચાવ કરવા સૉલિસિટર અને બેરિસ્ટર રાખવા છે.’
એરેસ્ટ થવાથી અને કરવામાં આવેલા આક્ષેપોથી આરજે હદ ઉપરાંત ગભરાઈ ગયો હતો. એમાં એને આવી ધમકીઓ મળી હતી એટલે એ મૅજિસ્ટ્રેટ પાસે એક હરફ સુદ્ધાં ઉચ્ચારી શક્યો નહોતો. યુસુફ મહમ્મદ આમ તો ખંધો અને બહાદુર હતો, પણ એની સામે પણ આ પહેલાં પોલીસમાં જે ફરિયાદો નોંધાઈ ચૂકી હતી એને કારણે એને પણ આપવામાં આવેલ ચેતવણીઓ માનવામાં જ એણે ડહાપણ માન્યું હતું.
કોર્ટમાંથી એ ચારેયને પાછાં પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યાં. રોહિણીને સ્ત્રીઓ માટેની અલાયદી કોટડીમાં લઈ જવામાં આવી. રોમેલ અને યુસુફ મહમ્મદને પુરુષો માટેની કોટડીમાં લઈ જવામાં આવ્યા. આરજેને એક અલાયદી કોટડીમાં લઈ જવામાં આવ્યો. દસ બાય દસની એ ભેંકાર, એક પણ બારી વગરની ત્રણ દીવાલ અને ચોથી બાજુએ લોખંડની જાળીવાળી એ કોટડીની વચ્ચે એક લાકડાની ખુરસી ઉપર આરજેને બેસાડવામાં આવ્યો. એક કલાક સુધી કોઈ ત્યાં ફરક્યું નહીં.
એકલતાએ આરજેને ખૂબ જ ગભરાવી મૂક્યો. જાતજાતના વિચારોએ એને ઘેરી લીધો.
‘શા માટે હું લોભિયો બન્યો? જેટલા પૈસા મેં પરદેશ મોકલી દીધા હતા એટલા મારી સો પેઢી માટે પૂરતા હતા.
‘મેં સાલાએ, એ સત્યેનને જય જનતા પાર્ટીમાં આવવા જ શું કામ દીધો? હું જ મોટા ઉપાડે ફંક્શનોમાં એને ચીફ ગેસ્ટ તરીકે બોલાવતો હતો. મેં જ એની આગળથી પાર્ટી માટે લાખોનાં ડોનેશન માગ્યાં હતાં. મેં જ એને પાર્ટીના પ્રમુખ સિદ્ધાંતભાઈ જોડે આત્મીયતા કેળવવા દીધી હતી.
‘મેં ગધેડાએ તૈમૂરને શું કામ સત્યેનનો કાંટો કાઢી નાખવાનું સૂચવ્યું?
‘શું કામ તૈમૂર પાસે સત્યેનની સામે બળાત્કારના આક્ષેપો કરાવ્યા?
‘હવે સત્યેન મારી ઉપર બરાબરનો બદલો લેશે. અમારી સામે આક્ષેપો પણ કેવા ગંભીર મૂકવામાં આવ્યા છે!
‘જો એ પુરવાર થશે તો? બાપ રે બાપ, તો તો અમારું આવી જ બનશે. સત્યેને કંઈ એમ ને એમ જ આવા આક્ષેપો નહીં કરાવ્યા હોય. એણે એ પુરવાર કરવા માટેના બધા જ પુરાવાઓ તૈયાર કરી રાખ્યા હશે. મેં જેમ ખોટું કર્યું એમ એ પણ ખોટું કરી શકે છે. સત્યેન બાહોશ તો છે જ.
‘એક મહિનાનો રિમાન્ડ! આ કોટડીમાં એકલા એકલા બેઠાં બેઠાં હું તો ગાંડો થઈ જઈશ. ત્રીસ દિવસ આવી રીતે હું કેમ કાઢીશ? અને આ લોકો મને મારશે તો નહીં ને?’
આરજેના મનમાં જેવો આ વિચાર આવ્યો બરાબર એ સમયે જ બાજુની કોટડીમાંથી કોઈનો ‘ઓહ બાપ રે! મરી ગયો. મને મારો નહીં… મારો નહીં. હું કશું જાણતો નથી.’ એવા બરાડા સાંભળવા મળ્યા. આરજેનાં હાંજાં એ સાંભળતાં ગગડી ગયાં.
પછી કોઈને લાકડી વડે ફટકા મારવાના અવાજો અને ચીસો કેટલીય વાર સુધી આરજેને સંભળાઈ. અચાનક એ અવાજો આવતા બંધ થઈ ગયા. થોડી વાર પછી કોઈ બોલ્યું,
‘મરી ગયો સાલો. એમ કરો, આપઘાત કર્યો છે એવો રિપોર્ટ બનાવી કાઢો.’
આ સાંભળીને આરજે થથરી ગયો. એને છઠ્ઠીનું ધાવણ યાદ આવી ગયું. હજુ તો એને કોઈએ હાથ પણ અડાડ્યો નહોતો. એમ છતાં બાજુની કોટડીમાં જે થયું એ સાંભળતાં આરજે ધ્રૂજી ઊઠ્યો એને લાગ્યું કે એને પણ કદાચ આમ જ પતાવી દેવામાં આવશે. ‘મારી રોહિણીનું શું થયું હશે? એના ઉપર શારીરિક ત્રાસ ગુજારવામાં આવ્યો હશે? રોમેલની એ લોકોએ મારઝૂડ કરી હશે? ઓહ બાપ રે! આ બધામાં હું ક્યાં ફસાયો? આ બધું પેલા તૈમૂરને લીધે જ થયું છે. હું તો મસ્ત મજાની મારી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પ્રેક્ટિસ કરતો હતો. મારી આવક કેટલી સારી હતી. પાર્ટીનું કામ નિષ્ઠાપૂર્વક કરતો હતો. પાર્ટીના પેલા ગુજરી ગયેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે મને નાહકનો ભોળવ્યો. પૈસાની લાલચ આપી, પાર્ટીના હિસાબોમાં ગોલમાલ કરવાનું સૂચવ્યું. તૈમૂરનો સંપર્ક કરાવ્યો. તૈમૂરે તો મારું ‘બ્રેન વૉશ’ જ કર્યું. પાર્ટીના કરોડો રૃપિયા ઉચાપત કરાવ્યા. હવે આ બધું ભોગવવાનું તો મારે જ છે. તૈમૂરને શું છે? એ તો ત્યાં દુબઈમાં બેઠો છે. હું અહીં લંડનની પોલીસ કસ્ટડીમાં સબડું છું. ન કરે નારાયણને આ લોકો બાજુવાળાની જે વલે કરી એવી જ મારી પણ કરે તો? મેં ભેગા કરેલા કરોડો-અબજો રૃપિયા શું કામના?’
એકલતા અત્યંત ભયાનક હોય છે. ભલભલા ભડવીરોને એ ખાઈ જતી હોય છે. ઍરકન્ડિશન્ડ રૃમમાં રૃની નરમ ગાદીમાં સૂવા ટેવાયેલા ભોંય ઉપર આડા પડેલા આરજેની આંખ માંડ થોડીક ઘેરાવા લાગી ત્યારે જ વહેલી સવારે એની કોટડીનું બારણુ ખૂલવાનો અવાજ આવ્યો. કોણ હશે? મારી મારઝૂડ તો નહીં કરેને? બીકમાં ને બીકમાં આરજે સફાળો બેઠો થઈ ગયો. કોટડીમાં અંધારું હતું. થોડીક ક્ષણમાં એને એ લોખંડના ખુલ્લા દરવાજા પાસે કોણ ઊભું હતું એનો ભાસ થયો. એ અહેસાસ થતાં જ આરજેના હૃદયના ધબકારા અનેકગણા વધી ગયા.
કોટડીના દરવાજામાં ઊભેલ બે માણસોમાંથી એક હતો હાથમાં લાકડી લઈને ઊભેલો લંડનનો બૉબી અને બીજો હતો અદબવાળીને મલકાતો સત્યેન!
* * *
‘મિસ્ટર, તમારા ક્લાયન્ટે જ, આરોપીએ જ લેખિત અરજી કરી છે. જણાવ્યું છે કે આ કેસને લીધે એની બદનામી થાય છે એટલે આ કેસ તુરંત જ ચલાવવો જોઈએ. વધુમાં એ પણ જણાવ્યું છે કે એ આજે ને આજે એટલે કે એ અરજી કરી હતી એ દિવસે એ કેસ ચલાવવા તૈયાર છે. ચાર્જશીટ દાખલ થઈ ચૂકી છે. હવે તમને વાંધો શું છે? પહેલાં તમે કેસ ચલાવવા ઉતાવળા હતા અને હવે કેસ ચલાવવા નથી ઇચ્છતા! શું આગલા મૅજિસ્ટ્રેટ જોડે તમારી કંઈ ગોઠવણ હતી?’
સોનાવણેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો અને એ ભાગી ગયો હતો આથી એની જગ્યાએ આવેલા મૅજિસ્ટ્રેટે આવું બોલવાની છૂટ લીધી.
હર્ષદના વકીલ પાસે કેસ ન ચલાવવા માટેની કોઈ દલીલ નહોતી. એણે જાતે જ કેસ તુરંત ચલાવવાની અરજી કરી હતી. હવે એની એ ના પાડતો હતો એટલે નવા આવેલા મૅજિસ્ટ્રેટને શંકા ગઈ કે સોનાવણે જોડે નક્કી હર્ષદે કોઈ ગોઠવણ કરી હશે એટલે જ એની પાસે એ કેસ તુરંત ચલાવવાની અરજી કરી હશે. હવે જ્યારે સોનાવણેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ત્યારે એ કેસ ચલાવવા રાજી નથી. નક્કી હર્ષદ ગુનેગાર છે.
મૅજિસ્ટ્રેટે તારીખ આપી નહીં. કેસ ચલાવવા માટે તુરંત હાથમાં લીધો. એટલું જ નહીં, એમણે એ વાત પણ જાહેર કરી દીધી કે તેઓ એ કેસ રોજેરોજ ચલાવશે. તારીખ કોઈ પણ સંજોગોમાં આપવામાં નહીં આવે.
નવા મૅજિસ્ટ્રેટના આ વલણે અચલાને આનંદિત કરી મૂકી. નક્કી હવે જાનકી હર્ષદે એની ઉપર બળાત્કાર કર્યો છે એ પુરવાર કરી શકશે અને નક્કી આ મૅજિસ્ટ્રેટ હર્ષદને એના એ ગુના માટે યોગ્ય સજા ફટકારશે. સત્યેન શાહે જે પાંચ સ્ત્રીઓ ઉપર બળાત્કાર ગુજાર્યા હતા એ સ્ત્રીઓએ પણ આ મૅજિસ્ટ્રેટ સામે એમની ફરિયાદ તુરંત જ નોંધાવવી જોઈએ તો સત્યેનને પણ આ મૅજિસ્ટ્રેટ એનાં દુષ્કૃત્યોની બરાબર સજા કરશે.
અચલા મનમાં ને મનમાં મલકાઈ રહી હતી. અટલને એ હવે દેખાડી આપશે કે પુરુષજાત સ્ત્રીઓ જોડે અભદ્ર વ્યવહાર કરે તો એમની શું વલે થાય છે.
હર્ષદને તો હાથનાં કર્યાં હૈયે વાગ્યાં. હવે એટલું જ જોવાનું હતું કે મૅજિસ્ટ્રેટ એને કેટલી સજા કરે છે? કેટલો સમય જેલમાં ધકેલે છે? કેટલો દંડ કરે છે?
‘ગુડ મોર્નિંગ…’
આરજે હજુ ઊભો થાય એ પહેલાં જ સત્યેને એનું અભિવાદન કર્યું. જોકે એ સવાર ખરેખર આરજે માટે સારી નહોતી.
‘તું બ્રેકફાસ્ટ કરે એ પહેલાં અમારે તને થોડી વ્યક્તિઓની મુલાકાત કરાવવી છે. જોકે તું એ બધાને ઓળખે જ છે. એમને ઇંગ્લેન્ડ લઈ આવનાર તું જ છે.’ આરજેને આશ્ચર્ય પમાડતાં સત્યેને ઉમેર્યું.
સત્યેન શું કહેવા માગે છે એની આરજેને સમજ ન પડી. ખુલાસો માગે એ પહેલાં સત્યેનની બાજુમાં ઊભેલા પોલીસે એની લાકડી ઊંચી કરીને સત્તાવાહી અવાજમાં કહ્યુંઃ ‘અમારી પાછળ પાછળ આવો.’
આજ્ઞાનું પાલન કર્યા સિવાય આરજેનેે છૂટકો નહોતો. પોલીસ કોન્સ્ટેબલ અને સત્યેનની પાછળ પાછળ એ ચાલવા લાગ્યો. અંધારામાં દસ-વીસ ડગલાં ચાલ્યા હશે અને તેઓ એક બંધ દરવાજા પાસે પહોંચ્યા. પોલીસે આગળો ખોલીને એ દરવાજો ખોલ્યો. દસ બાય વીસની લંબચોરસ આરજેની કોટડી જેટલી જ અંધારી રૃમમાં પાંચ-છ આધેડ વયની સ્ત્રીઓ, એટલી જ સંખ્યામાં ગભરુ, નમણી અને નાની ઉંમરની બાળકીઓ અને બીજાં ચાર-પાંચ બાર-ચૌદ વર્ષનાં બાળકો હતાં. દેખાવમાં એમાંનાં થોડાં નેપાળી તો થોડાં છેક દક્ષિણ ભારતના કેરાલાનાં વતની અને થોડાં હૈદરાબાદનાં મુસલમાન જણાતાં હતાં. થોડાં જમીન ઉપર સૂતાં હતાં, થોડાં બેઠાં હતાં. બે-ત્રણ સ્ત્રીઓ ઊભી ઊભી અંદરોઅંદર વાતો કરતી હતી. વહેલી સવારના સત્યેન અને એની સાથેના પોલીસને જોતાં આરજેના હૃદયના વધી ગયેલા ધબકારામાં અનેકગણો વધારો થયો.
‘આ બધું શું છે? આ લોકો કોણ છે?’ આરજેથી પુછાઈ ગયું.
‘કેમ? તું આ લોકોને ઓળખતો નથી?’ સત્યેને સામો પ્રશ્ન કર્યો.
‘હું આ લોકોને કઈ રીતે ઓળખું?’
‘સાહેબ, તમે જ તો નેપાળથી દુબઈ, દુબઈથી પેરિસ અને પેરિસથી લંડન, તમારા માણસો સાથે અમને અહીં લઈ આવ્યા છો. હવે તમે જ કહો છો કે તમે અમને ઓળખતા નથી?’ સત્યેન આરજેના સવાલનો જવાબ આપે એ પહેલાં જ એ કોટડીમાં ઊભેલી સ્ત્રીઓમાંની એક સ્ત્રીએ છણકો કરતાં જણાવ્યું.
‘વ્હૉટ નૉનસેન્સ? મારા માણસો તમને શું કામ અહીં લઈ આવે? અને મારા કયા માણસો તમને અહીં લઈ આવ્યા?’
‘ક્યા સા’બ, તુમ્હીને જ ઑર્ડર દિયા થા કિ એક ડઝન બચ્ચાંલોગ ચહિયે. આધા લડકા ઔર આધી લડકી.’
હવે પેલી સ્ત્રી, જેણે આરજેના સવાલનો જવાબ આપ્યો હતો એની બાજુમાં ઊભેલ, જોતાં જ એ પ્રોસ્ટિટ્યુટ હશે એવું જણાઈ આવે એ સ્ત્રીએ આરજેના ગાલ ઉપર હળવી ટપલી મારતાં જણાવ્યું.
‘આરજે, તું જો મારી સામે પાંચ સ્ત્રીઓ પાસે બળાત્કારના ખોટા આક્ષેપો કરાવી શકે તો હું પણ તારી સામે પાંચ નહીં, પણ આ પંદર વ્યક્તિઓ આગળ ટ્રાફિકિંગ, ચાઇલ્ડ પ્રોસ્ટિટ્યૂશન અને સ્મગલિંગ જેવા ભયંકર આરોપ કરાવી શકું છું. તને કદાચ ઇંગ્લેન્ડના કાયદાની જાણકારી નહીં હોય, પણ આ ત્રણેય ગુના માટે તને તેમ જ રોહિણી અને રોમેલને વર્ષો સુધીની જેલ થઈ શકે છે.’
‘વ્હૉટ? એટલે તું મારી વાઈફ અને સનને પણ આવા સદંતર ખોટા ગુનાઓમાં ઇન્વોલ્વ કરવા માગે છે? શરમ કર, શરમ.’
‘વ્હાય નૉટ? એવરી થિંગ ઈઝ ફેર ઈન લવ ઍન્ડ વૉર. મારી સામે ખોટા આક્ષેપો કરાવવામાં તને શરમ ન નડી તો હવે મને એ શાની નડે?’ જિંદગીમાં કદાચ સૌપ્રથમ વાર સત્યેન નફ્ફટાઈપૂર્વક વર્ત્યો.
‘તારાં જૂઠાણાં લંડનની કોર્ટમાં નહીં ચાલે. મારા બેરિસ્ટરો આ બધાને પળવારમાં જુઠ્ઠાં સાબિત કરી દેશે.’ મિયાં પડ્યા પણ તંગડી ઊંચી, આરજેનું કહેવું એ મુજબનું હતું.
‘આરજે, આ વાતમાં તું ખાંડ ખાય છે. તારો પેલો ઍડ્વોકેટ બિપિન જાની જેમ દિવસને રાત ને રાતને દિવસ અને જુઠ્ઠાને સાચું અને સાચ્ચાને જુઠ્ઠું કરવા માટે જાણીતો છે એમ જ આ બધાં પણ ખોટી જુબાની આપવામાં ખૂબ જ બાહોશ છે. તારો કેસ નીકળે ત્યાં સુધીમાં તો રોજ અહીંના એક્સ્પર્ટ બેરિસ્ટરો એમને કોર્ટમાં શું બોલવું, ઊલટતપાસમાં કેવા જવાબો આપવા એ બધું શીખવાડીને એવા તૈયાર કરી મૂકશે કે ભલભલા મૅજિસ્ટ્રેટો અને જજોને એમની વાત સાચી માનવી પડશે. કેસ તો જ્યારે નીકળશે ત્યારની વાત ત્યારે, ત્યાં સુધી એટલે કે છ-બાર મહિના તો તારે, રોહિણી અને રોમેલને આ પોલીસ સ્ટેશનની કોટડીમાં જ ગોંધાઈ રહેવું પડશે અને મિસ્ટર આરજે, ગઈકાલે તો તમે એકલા જુદી કોટડીમાં હતા. હવેથી તમને સામાન્ય ગુનેગારો જોડે રાખવામાં આવશે. પછી જોજો મજા.’
આ વાતચીત ચાલતી હતી એટલામાં જ એક બીજો પોલીસ રોહિણી અને રોમેલને લઈને ત્યાં આવી પહોંચ્યો. બંનેની આંખો રડી રડીને સૂજી ગઈ હતી. બેમાંથી કોઈએ આખી રાત ઊંઘનું એક મટકું પણ માર્યું ન હોય એવું ચોખ્ખું જણાઈ આવતું હતું. એક રાતમાં રોમેલનું વજન પાંચ કિલો ઘટી ગયું હોય અને રોહિણી પાંચ વર્ષ મોટી થઈ ગઈ હોય એવું જણાતું હતું. એ ત્રણેયની નજર એક થઈ અને તેઓ એકબીજાને કંઈ કહે એ પહેલાં જ એ ઓરડામાં જમીન ઉપર બેઠેલી એક પંદર-સોળ વર્ષની, પણ દેખાવે જ વંઠેલ જણાતી છોકરી અચાનક ઊભી થઈ. એણે ત્યાં ઊભેલા પોલીસનો હાથ પકડીને રોમેલ તરફ આંગળી ચીંધીને કહ્યું ઃ
‘આ જ એ નાલાયક છોકરો છે. એણે મારા ગુપ્ત અંગમાં પ્રવેશવાનો પ્રયત્ન કર્યો હતો.’
એ છોકરી આટલું બોલી ત્યાં તો બીજી એક છોકરી ઊભી થઈને બોલી ઃ
‘અને આ જ શેઠાણીએ મને ફોસલાવીને અહીં મોકલાવી છે.’ આરજે, રોહિણી અને રોમેલ આવા અણધાર્યા હડહડતા જુઠ્ઠા આક્ષેપોથી ડઘાઈ ગયાં.
‘આ તો ફક્ત નમૂનો છે. મિસ્ટર આરજે, જ્યારે કોર્ટમાં તારી, રોહિણી અને રોમેલ સામે આ લોકો જુબાની આપશે ત્યારે મજા જોજે. મૅજિસ્ટ્રેટ ઓછામાં ઓછી વીસ વર્ષની જેલ તો તમને બધાંને ફટકારશે જ.’
(ક્રમશઃ)
—————————–