તમારા માટે, તમારી સાથે, સતત…

પ્રતિષ્ઠિત નાગરિકની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા બદલ મૅજિસ્ટ્રેટનો પ્રકોપ

મયૂરીને રહી રહીને થતું હતું કે એણે સોગંદ ઉપર તો ખોટું બોલવાનો ગુનો કર્યો જ હતો.

0 188

નવલકથા – સત્ – અસત્ – પ્રકરણ ઃ ૨૫

  • સુધીર સંગિતા

સત્યેનની ચાલ અને આરજેનું છટકું

તૈમૂર આરજેને જણાવે છે કે જય જનતા પાર્ટીમાં કરવામાં આવેલા કૌભાંડનો પર્દાફાશ કરવા અટલે જે પિટિશન ફાઇલ કરી હતી, તેમાં આરજે કૌભાંડનો મુખ્ય સૂત્રધાર હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. તૈમૂરની વાત સાંભળીને આરજેના હોશકોશ ઊડી જાય છે અને તૈમૂરની સલાહના પગલે તે લંડન ભાગી જવાની તૈયારી કરવા લાગે છે. એ જ સમયે પોલીસ આરજેની ધરપકડ કરવા માટે તેના ઘરે પહોંચી જાય છે. આરજે પોલીસ ઇન્સ્પેક્ટરને લાલચ આપીને પાછા મોકલી દે છે તેમજ પત્ની રોહિણી અને દીકરા રોમેલ સાથે લંડનની ફ્લાઇટ પકડવા ઍરપોર્ટ પર પહોંચે છે. ચેક ઇન કર્યા બાદ ત્રણેય ફ્લાઇટમાં બેસે છે. ફ્લાઇટ ટેક ઓફ કરવાની તૈયારી કરે છે, ત્યાં જ આરજે, રોહિણી અને રોમેલને ફ્લાઇટમાંથી ઉતારી મૂકવામાં આવે છે. રોહિણી અને રોમેલ આરજેના કારસ્તાનોથી તદ્દન અજાણ હોય છે. તેઓ આ બધા ઘટનાક્રમને કારણે અસમંજસમાં મૂકાઈ જાય છે. ત્રણેય ફ્લાઇટમાંથી નીચે ઊતરી કસ્ટમ અધિકારી સાથે જાય છે. આરજેએ તેની બેગમાં હીરા, પાઉન્ડ અને ડૉલર પોતાની સાથે લીધા હતા. આ બધી વસ્તુઓની હેરાફેરી કરવા બદલ તેઓની ધરપકડ કરવામાં આવી હોવાનું જણાવવામાં આવે છે. આખરે ક્રિમિનલ ઍડ્વોકેટ બિપિન જાનીની મદદથી ત્રણેયને જામીન મળે છે. બીજી બાજુ અટલ જય જનતા પાર્ટીના એકાઉન્ટ્સના સ્ટેટમેન્ટ અને ઇન્કમટેક્સ રિટર્ન્સની માહિતી મેળવીને સત્યેન શાહને મોકલે છે. બધી માહિતી વાંચીને સત્યેન શાહની આંખો ફાટી જાય છે. આ બધા હિસાબો જોઈને સત્યેન શાહનું મગજ ચકરાવે ચઢી જાય છે. તે અટલને જય જનતા પાર્ટીના એકાઉન્ટને લગતી અન્ય વિગતો મેળવવાનું કામ સોંપે છે. અટલ સત્યેનને જણાવે છે કે આ બધી વિગતો મેળવવી મુશ્કેલ છે. જોકે, સત્યેન શાહ અટલને ગમે તે રીતે આ વિગતો લાવી આપવાની તાકીદ કરે છે. સત્યેન શાહ આરજેએ કરેલા ગોટાળાની વિગતો મેળવવામાં તલ્લીન હોય છે, ત્યાં આરજે જામીન મેળવીને પરિવાર સાથે લંડન પહોંચી જાય છે. રંજનાની સાથે સાથે રમણી અદનાની પણ તેને મળેલી નોટિસના પગલે ગભરાઈ જાય છે. પોતે સત્યેન શાહ સામે કરેલા આક્ષેપો ખોટા છે એવું સાબિત થાય તો સમાજમાં તેની અને તેના ભાઈની બદનામી થઈ જાય એ ડરે તે સમગ્ર હકીકત તેના પતિ લચ્છુને જણાવવાનો પ્રયત્ન કરે છે.

હવે આગળ વાંચો…

મયૂરીના મનમાં પણ મથામણ થવા લાગી. એણે કહેતાં તો ઍડ્વોકેટ બિપિન જાનીને હિંમતભેર કહી દીધું હતું કે, ‘સત્યેન શાહે ખરેખર એનું જાતીય શોષણ કર્યું હતું’ અને એના કહેવાથી બિપિન જાનીએ બચાવનામું પણ તૈયાર કરીને દાખલ કરી દીધું હતું. મયૂરીને થોડા દિવસો પહેલાં એણે છાપામાં વાંચેલો એક કિસ્સો યાદ આવ્યો.

એક વ્યક્તિએ એની સામે કરવામાં આવેલ બદનક્ષીના દાવાના બચાવમાં સોગંદ ઉપર જણાવ્યું હતું કે એણે જે વાતો ફરિયાદી માટે કરી હતી એ સાચી હતી. ત્યાર બાદ જ્યારે એ કેસ ચાલ્યો ત્યારે કોર્ટમાં પણ સાક્ષીના કઠેડામાં ઊભા રહીને, ગીતા ઉપર હાથ મૂકીને સાચું બોલવાના સોગંદ લઈને, ફરી પાછી એ વાત એણે દોહરાવી કે ફરિયાદી માટે એણે જે વાતો કરી હતી એ સાચી હતી અને સાચી વાત કરવાથી કોઈ બદનક્ષી ન થાય. ઊલટતપાસમાં એ આરોપી ખોટો ઠર્યો હતો. કોર્ટે એને સોગંદ ઉપર જુઠ્ઠું બોલવા માટે પર્જરીના ગુના હેઠળ છ મહિનાની કેદ અને રૃપિયા એક લાખનો દંડ કર્યો.

આ વાત યાદ આવતાં મયૂરીને રહી રહીને થતું હતું કે એણે સોગંદ ઉપર તો ખોટું બોલવાનો ગુનો કર્યો જ હતો. પેલા આરોપીની જેમ જ્યારે કેસ ચાલે ત્યારે ઊલટતપાસમાં એ જો પકડાઈ જાય તો એને પણ દંડરૃપે જેલની સજા થઈ શકે છે. એની સામે દાખલ કરવામાં આવેલા પિટિશનમાં સત્યેન શાહની પત્ની, પિતા અને પુત્ર તેમ જ એની કંપનીએ વારંવાર જણાવ્યું હતું કે એણે જે આક્ષેપો કર્યા હતા એ સદંતર ખોટા છે. એના પુરાવાઓ એમની પાસે છે. રહી રહીને રિપોર્ટર અટલે પણ એવા જ આક્ષેપો કરતું પિટિશન દાખલ કર્યું હતું. જો એમની આગળ એવા પુરાવાઓ ખરેખર હોય તો જરૃર એ જુઠ્ઠી સાબિત થશે. દંડની રકમ તો એ સહેલાઈથી ભરી શકે, પણ જેલની સજા એ સહી શકશે? ત્યાર બાદ એનો પતિ એને સ્વીકારશે? એનો સમાજ એને આવકારશે? એનો ભાઈ હમણા કરે છે એટલો જ પ્રેમ કરશે? એ જો જુઠ્ઠી પુરવાર થશે તો એની અસર એના પતિ અને ભાઈ, જે ઇલેક્શનમાં ઊભા રહેવાના છે, એમના ઉપર કેવી પડશે?

મયૂરીને લાગ્યું કે સત્યેન શાહ સામે ખોટા આક્ષેપો કરવાની એણે ભયંકર ભૂલ કરી હતી. એટલું જ નહીં, પણ એ ભૂલ કબૂલી ન લેતાં અસત્યને જ વળગી રહેવામાં અને સોગંદ ઉપર અસત્ય બોલવામાં એણે પોતાની જાતે પોતાની જાતને તકલીફમાં મૂકી દીધી હતી. એક ગુનેગારને એના ગુનાની યાદો સતત અકળાવે અને સતાવે છે. એની ઊંઘ ઉડાડી દે છે. ભૂખ હરી લે છે. મયૂરીની પણ ભૂખ મરી ગઈ. ઊંઘ ઊડી ગઈ.

* * *

અચલાના ગુસ્સાએ માઝા મૂકી દીધી.

ચાનો કપ હજુ એણે મોઢે માંડ્યો નહોતો અને એની નજર એ દિવસના અખબારના પ્રથમ પાને જમણી બાજુએ નીચેના ખૂણામાંની બે હેડ લાઈન્સ ઉપર પડી. એ વાંચતાં અચલા બેબાકળી બની ગઈ. એનું મગજ ફાટફાટ થવા લાગ્યું. હાથમાંનો ચાનો કપ એણે ટિપોઈ ઉપર જોરથી પછાડ્યો. કપના ચૂરેચૂરા થઈ ગયા. અંદર રહેલી ગરમ ચાના છાંટા એને દઝાડતાં ચારે બાજુ ઊડ્યા. કાચની ટિપોઈ તૂટી ગઈ. અચલાનો ગુસ્સો અસ્થાને નહોતો.

અખબારની પહેલી હેડલાઈન નીચે મુજબની હતી ઃ
‘બળાત્કારનો ખોટો આરોપ કરી પ્રતિષ્ઠિત નાગરિકની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા બદલ મૅજિસ્ટ્રેટનો પ્રકોપ’

‘હું એક નાબાલિગ, પછાત કોમની યુવતી છું. મારા માલિકે મારા ઉપર બળાત્કાર આચર્યો છે.’ અડધી રાતના આવી ખોટી ફરિયાદ કરીને પ્રતિષ્ઠિત નાગરિકની હેરાનગતિ તેમ જ પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડ્યા બાદ એ ફરિયાદ પાછી ખેંચી લીધા પછી ફરીથી એક જર્નાલિસ્ટની ચડવણીને કારણે એવી જ ખોટી ફરિયાદ કરવા બદલ મૅજિસ્ટ્રેટનો પ્રકોપ. આવી ખોટી ફરિયાદ બદલ ફરિયાદીને જ સજા થઈ શકે છે આવું જણાવ્યા છતાં જર્નાલિસ્ટના ચઢાવે ચઢી ગયેલ એ યુવતીએ ફરિયાદ પાછી ખેંચી ન લેતાં અને આરોપી સામે મેં કરેલા આક્ષેપો સાચા છે એવું કહેતાં ‘કાયદાનો તમે ગેરલાભ ઉઠાવો છો. આ સારું નથી.’ આમ જણાવીને મૅજિસ્ટ્રેટે પોલીસને વહેલામાં વહેલી તકે ઇન્ક્વાયરી કરીને એમનો રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કરવાનું જણાવ્યું અને આરોપીને રૃપિયા પચાસ હજારના જામીન ઉપર છોડ્યા.’

આ કિસ્સાની વધુ માહિતી અખબારના પાંચમા પાને વિગતવાર છાપવામાં આવી હતી.
ફરિયાદી જાનકીએ થોડા દિવસો પહેલાં એના ઉપર એના માલિકે અડધી રાતના બળાત્કાર કર્યો હતો. એ પછાત કોમની અને સગીર વયની છે એના પુરાવાઓ આપ્યા હતા. આ ફરિયાદને કારણે ગામદેવી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શિંદેએ આરોપીને તાબડતોબ પોલીસ સ્ટેશને બોલાવ્યા હતા. આરોપીએ પોતાના બચાવ માટે મુંબઈના ખ્યાતનામ ક્રિમિનલ ઍડ્વોકેટ બિપિન જાનીને અડધી રાતના પોલીસ સ્ટેશને બોલ્યા હતા. એ પછી ફરિયાદી યુવતી જાનકીને પ્રતીતિ થતાં કે એણે જે ખોટી ફરિયાદ કરી હતી એનાં માઠાં પરિણામો એણે ભોગવવા પડશે એટલે એણે ફરિયાદ પાછી ખેંચી લીધી હતી અને આરોપીની માફી માગી હતી. આ બનાવ બન્યાને થોડા દિવસો બાદ અચાનક જાનકી પ્રસિદ્ધ જર્નાલિસ્ટ અચલા સાથે ફરી પાછી ગામદેવી પોલીસ સ્ટેશનમાં આવી હતી અને એણે પોતાની એની એ જ એક વાર કરેલી અને પાછી ખેંચી લીધેલી ફરિયાદ બીજી વાર કરી હતી. ઇન્સ્પેક્ટર શિંદેને જર્નાલિસ્ટ અચલાએ જાનકીની બીજી વારની ફરિયાદ નોંધવા અને એના ઉપર કાર્ય કરવા ફરજ પાડી હતી. એ કારણે મુંબઈના પ્રતિષ્ઠિત બિઝનેસમેનને નાછૂટકે ઇન્સ્પેક્ટર શિંદેએ પોલીસ સ્ટેશનમાં બોલાવવાની ફરજ પડી હતી. કોર્ટ અને મૅજિસ્ટ્રેટ સમક્ષ આરોપીને ઊભો કરતા સઘળી બીના જાણ્યા બાદ મૅજિસ્ટ્રેટે ફરિયાદીની ઝાટકણી કાઢી હતી અને જર્નાલિસ્ટો કાયદાનો ગેરફાયદો લેવાનું સામાન્ય નાગરિકોને જે ઉત્તેજન આપે છે એને વખોડ્યું હતું. મૅજિસ્ટ્રેટનાં બે પાનાંના ઑર્ડરમાં એમણે જર્નાલિસ્ટ અચલાના કાર્ય પ્રત્યે ખુલ્લા શબ્દોમાં નારાજગી વ્યક્ત કરી હતી. આરોપીને મૅજિસ્ટ્રેટે રૃપિયા પચાસ હજારના જામીન ઉપર મુક્ત કર્યા હતા અને ઇન્સ્પેક્ટર શિંદેને આખી બાબતની જાંચતપાસ કરીને બનતી ત્વરાએ એમનો રિપોર્ટ રજૂ કરવા આદેશ આપ્યો હતો.

બરાબરની આ પહેલી હેડલાઈનની નીચે પણ પહેલાથી વધુ મોટા અક્ષરોમાં છપાયેલ બીજી હેડલાઈન નીચે મુજબની હતી ઃ

નવોદિત જર્નાલિસ્ટની અદ્ભુત કામગીરી
પાંચ પાંચ સ્ત્રીઓ ઉપર બળાત્કાર કરનાર શહેરના ટોચના ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ સત્યેન શાહ પોતે તો ગુમ થઈ ગયા, પણ એમના કુટુંબીજનો અને અન્યો દ્વારા એમણે એ પાંચેય સ્ત્રીઓ વિરુદ્ધ એમણે કરેલા આક્ષેપો ખોટા છે એવું જણાવીને એ બદલ બિનશરતી માફી માગવાની અને નુકસાની પેઠે પાંચ કરોડ રૃપિયા એ દરેક સ્ત્રી પાસે માગવાની ધૃષ્ટતા દેખાડી છે. શહેરની નવોદિત જર્નાલિસ્ટ મિસ જાગૃતિએ આવા અન્યાય સામે એ પાંચેય સ્ત્રીઓને નમતું ન જોખવા અને લડી લેવાની હિંમત આપી છે. ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ સત્યેન શાહની વગને કારણે શહેરના કોઈ પણ ઍડ્વોકેટો એમની સામે કેસ લડવા તૈયાર નહોતા. પ્રખ્યાત ક્રિમિનલ લૉયર બિપિન જાનીએ પણ આ પાંચ સ્ત્રીઓનો બચાવ કરવાની અસમર્થતા દર્શાવી હતી. આવી પરિસ્થિતિમાં એ પાંચેય સ્ત્રીઓનો પક્ષ લઈ ઍડ્વોકેટ બિપિન જાનીને એમનો બચાવ કરવા જર્નાલિસ્ટ જાગૃતિએ સમજાવ્યા હતા. જાગૃતિએ આ પાંચેય સ્ત્રીઓના એમના ઉપર સત્યેન શાહે ગુજારેલ અત્યાચાર અને બળાત્કારના વિગતવાર ઇન્ટરવ્યૂ કર્યા હતા, જે શહેરનાં પ્રતિષ્ઠિત મૅગેઝિનો અને અખબારોએ પ્રસિદ્ધ કર્યા છે. એક ઊગતી રિપોર્ટર અને જર્નાલિસ્ટનું આવું કાર્ય અત્યંત પ્રશંસનીય છે. પ્રતિષ્ઠિત નાગરિકો એમની પ્રતિષ્ઠાને જોરે મનમાની કરે છે અને પોતાનાં અપકૃત્યો છુપાવવા જેમના ઉપર એમણે અત્યાચાર ગુજાર્યો હોય તેઓ એમની સામે કોઈ પણ પગલાં ન લે એ માટે પોતે જ સામે ચાલીને ખોટા કેસો કરતા હોય છે. પીડીતાઓ ગભરાઈને એમની સામે આક્ષેપો કરવાનું છોડી દે છે. આવી પીડીતાઓને હિંમત આપવાનું, પોતાના હક માટે લડવાનું, અન્યાય સાંખી ન લેવાનું પીઠબળ આપવાનું કામ જર્નાલિસ્ટ જાગૃતિએ કર્યું છે એ બદલ તેઓ ધન્યવાદને પાત્ર છે.

આવું આવું તો આ રિપોર્ટમાં જાગૃતિની પ્રશંસા કરતું અને સત્યેન શાહને વખોડતું ઘણુ બધું એ દિવસના અખબારમાં છપાયું હતું.

સ્વાભાવિક છે કે અચલાનું માથું આ બે રિપોર્ટ વાંચીને ફરી જાય.

અચલાને બે વાતનો ગુસ્સો હતો.

અચલાને બદનામ કરવામાં આવી હતી.

જાગૃતિને વખાણવામાં આવી હતી.

પોતાની બદનામી તો ઠીક, અચલાને બરાબર ખબર હતી કે સૌ એને એક સારા રિપોર્ટર અને ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ તરીકે ઓળખતા હતા. નવીસવી જાગૃતિ કરતાં એની શાખ અનેક ગણી વધારે હતી, પણ આમ જો એની બદનામી અને જાગૃતિની પ્રશંસા થતી રહે તો એની પ્રતિષ્ઠાને જરૃરથી હાનિ પહોંચે. પોતાની પ્રતિષ્ઠાની હાનિ કરતાં અચલાને જાગૃતિની પ્રતિષ્ઠાની ઉન્નતિ વધુ ખટકતી હતી.

અદેખાઈ એ માનવસ્વભાવ છે.

દરેકેદરેક માનવીમાં વત્તા-ઓછા અંશે એ હોય જ છે. વ્યક્તિ જેટલી વધુ પ્રતિષ્ઠિત એટલી જ અન્યો માટેની એની અદેખાઈ પણ વધુ. દરેકેદરેક વ્યવસાયના લોકોમાં અદેખાઈ દૃષ્ટિગોચર થાય છે. વેપારીઓ પોતાનો વેપાર વધારવાની સાથે સાથે પ્રતિસ્પર્ધીઓનું વેચાણ ઓછું કેમ થાય એના ત્રાગડા વધુ રચે છે. વકીલોમાં તો આવી અદેખાઈ બહુ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે. નામાંકિત વકીલો નવોદિત ઍડ્વોકેટો આગળ ન આવે એની ખાસ તકેદારી રાખે છે. નવાસવા ઍડ્વોકેટોને તેઓ ખોટી સલાહ આપી ખોટા પાટે ચડાવી દે છે. એમના ક્લાયન્ટો આગળ એમને ઉતારી પાડે છે. કળા અને લેખનના ક્ષેત્રમાં પણ કલાકારો, સાક્ષરો, લેખકો આ જ પ્રમાણે એકબીજાની અદેખાઈ કરે છે. મોઢે એકબીજાને ખૂબ સારું કહે છે, ગળે વળગે છે, પણ પાછળથી પીઠમાં ઘા કરે છે. એકબીજાને વગોવે છે. એકબીજાનું ખરાબ અને ઘસાતું બોલે છે.

જેમ જેમ વ્યક્તિની પ્રતિષ્ઠા વધુ તેમ તેમ એની અનિશ્ચિચિતતા વધુ. એમને સતત બીક લાગે છે કે એમનું ટોચનું સ્થાન અન્ય કોઈ પચાવી પાડશે. એ સ્થાન ટકાવી રાખવા, ત્યાં બીજું કોઈ પહોંચે નહીં, અન્ય કોઈ લઈ ન લે એટલે એ ઘણા કાવાદાવા કરે છે. ઊગતા લેખકો, કલાકારો, વેપારીઓ, વકીલો આ સર્વે એમના ક્ષેત્રમાં જે આગળ હોય તેઓ અન્યોને આગળ વધતા રોકે છે.

અચલા પણ આમાં અપવાદ નહોતી.

સત્યેન શાહે બોલાવેલ, ન યોજાયેલ પ્રેસ કૉન્ફરન્સમાં અચલા જ્યારે જાગૃતિને સૌપ્રથમ વાર મળી અને એમાં એણે એક જર્નાલિસ્ટનો જે ઝબકારો જોયો ત્યારથી જ એને જાગૃતિ માટે અદેખાઈ ઉત્પન્ન થઈ હતી. અખબારમાં આજે એને વખોડવામાં અને જાગૃતિને વખાણવામાં આવી હતી આથી જાગૃતિ પ્રત્યેની એની અદેખાઈ પ્રજ્વલિત થઈ ઊઠી. અચલાએ મનોમન નિશ્ચય કર્યો કે કોઈ પણ રીતે એ જાગૃતિની પ્રસિદ્ધિ ઉપર પાબંદી આવે એવા પ્રયત્નો કરશે.

* * *

‘હા…હા…હા…’ બિપિન જાનીએ એના એક વધુ વિજય માટે અટ્ટહાસ્ય કર્યું.

‘સાલા, બિપિન… હસે છે શું? તું તો કહેતો હતો કે હવે બધું પતી ગયું છે. તારા કહેવાથી મેં લાખો રૃપિયા વેર્યા. સાલી, પેલી છોકરીને ઘર અપાવ્યું. વર પણ અપાવવાનો હતો, પણ એણે ફરી પાછી મારી સામે ફરિયાદ કરી.’

‘એ હર્ષદિયા, તું આ બધું કોને કહી રહ્યો છે? તને ખબર છે ને હું ટોચનો ક્રિમિનલ લૉયર છું? જોયું નહીં, ચપટી વગાડતાં તને બેલ ઉપર છોડાવ્યો. મૅજિસ્ટ્રેટે સ્ટ્રિક્ચર તો તારી સામે ફરિયાદ કરનાર એ છોકરી અને એને ચઢાવનાર પેલી જર્નાલિસ્ટ સામે જ કર્યા ને.’

‘અરે, હા રે હા, પણ સાથે સાથે એમણે શિંદેને ઇન્ક્વાયરી કરીને તાબડતોબ રિપોર્ટ આપવાનું પણ જણાવ્યંંુ ને.’

‘એ તાબડતોબ એટલે છ-બાર મહિના.’

‘હેં!’

‘હા… કંઈ ને કંઈ બહાના કાઢીને શિંદે રિપોર્ટ આપવાનું લંબાવશે. છ-બાર મહિના કાઢી નાખશે. એટલી વારમાં અખબારો અને એના વાચકો આ કિસ્સો ભૂલી જશે. પછી શિંદે રિપોર્ટ એવો આપશે કે મૅજિસ્ટ્રેટ નિર્દોષ તને ગણાવીને છોડી મૂકશે. પેલી નાલાયક છોકરીને ખોટી ફરિયાદ કરવા બદલ ધમકાવશે.’

‘પણ અરે, પેલી જર્નાલિસ્ટ, એ આવું થવા દેશે?’

‘એ જો ખોટી ઊહાપોહ કરશે તો કદાચ મૅજિસ્ટ્રેટ તારી સામે ચાર્જ ઘડશે.’

‘હેં?!’

‘હેં… હેં શું કરે છે? જો અચલાને કારણે મૅજિસ્ટ્રેટને તારી સામે આરોપો ઘડવાની ફરજ પડે તો પણ એ દેખાવ પૂરતા જ હશે. એ પછી કેસ ચાલશે. ફરિયાદીની જુબાની લેવામાં આવશે. હું એની ઊલટતપાસ કરીશ. એમાં એ છોકરીની પત્તરખાંડી નાખીશ. તેં તો એને નાગી કરી હતી. હું એને ભરકોર્ટમાં ઉઘાડી પાડીશ. ઊલટતપાસમાં એને એવી મૂંઝવી નાખીશ કે એ મનમાં ને મનમાં અચલાને ગાળો ભાંડશે.’

‘પણ પછી શું?’

‘પછી કંઈ નહીં. એ છોકરી પાસે કોઈ સાક્ષી નહીં હોય. અચલા જો એના માટે સાક્ષી ઊભા કરશે તો આપણે ઊલટતપાસમાં એમને પણ ખોટા ઠરાવીશું. છેવટે કોર્ટ તને નિર્દોષ જાહેર કરશે. પેલી છોકરીને ખોટી ફરિયાદ કરવા બદલ સખત શબ્દોમાં ઠપકો આપશે.’

Related Posts
1 of 34

‘એમ?’

‘હા… હા. એટલે તું હવે વ્હિસ્કીનો બીજો એક પેગ બનાવ. આપણે ચીયર્સ કરીએ, પણ પહેલાંના જેવી ચિંગૂસાઈ ન કરતો. આ બધું કરવા માટે પાકીટ ખુલ્લું રાખવું પડશે.’

‘સાલી, આ એક વખતની મજા ખૂબ મોંઘી પડી ગઈ.’

હર્ષદ ગાંજાવાલા મનમાં ને મનમાં બબડ્યો.

* * *

લંડનનું હિથ્રો ઍરપોર્ટ જર્મનીના ફ્રેન્કફર્ટ અને અમેરિકાના ન્યુયૉર્કના ઍરપોર્ટ જેટલું જ મોટું છે. બ્રિટિશ ઍરવેઝનાં વિમાનો માટે તો હિથ્રોમાં એક અલાયદું ટર્મિનલ છે. એ ટર્મિનલ પણ અધધધ મોટું છે. ત્યાંના ગેટ નંબર-૨૮માંથી બહાર નીકળીને ઈમિગ્રેશનના ઓફિસરો જ્યાં બેઠા હતા ત્યાં પહોંચતાં પહોંચતાં આરજે, રોહિણી અને રોમેલને ખાસ્સો સમય લાગ્યો.

‘લંડન કેમ આવ્યા છો?’ બ્રિટિશ ઈમિગ્રેશન ઓફિસરે આરજેને સવાલ કર્યો.

‘બસ, થોડા દિવસ ફરવા. મારી વાઈફને ઑક્સફર્ડ સ્ટ્રીટમાં શૉપિંગ કરવું છે. મારા સનને બ્રિટિશ મ્યુઝિયમ જોવું છે.’

‘ઓહ… વેરી ગુડ. વેલકમ ટુ લંડન.’

આરજેને હાશ થઈ. એને ગભરાટ હતો કે રખેને ઇન્ડિયાની પોલીસે લંડનના ઈમિગ્રેશન ખાતાને એની સામે થયેલા કેસની માહિતી આપી હોય. એ ત્રણેય પોતપોતાની હૅન્ડબૅગો લઈને જેવા કસ્ટમ્સમાંથી બહાર નીકળવા ગયા કે ત્યાંના એક ઓફિસરે એમને કહ્યું ઃ

‘સર, મૅડમ, અમારે તમને થોડા પ્રશ્નો પૂછવા છે.’

‘હેં! શું પ્રશ્નો છે?’

‘આપ મારી સાથે આવો અને મૅડમ, તમે આ લેડી ઓફિસર જોડે જાવ. યુ માય સન, યુ ગો વિથ ધિસ અધર ઓફિસર.’

‘કેમ? કેમ? અમને એવા કેવા સવાલો પૂછવા છે કે આમ જુદા જુદા અંદર લઈ જાવ છો.’

‘નો સર, નથિંગ ટુ વરી. થોડા પર્સનલ સવાલો કરવા છે. અહીં બધાની વચ્ચે એ કરવા યોગ્ય નથી.’

‘પણ અમને જુદા જુદા કેમ લઈ જાવ છો?’

‘ધૅટ’સ અવર ડિસિઝન. અમારે તમને અલગ અલગ પ્રશ્નો પૂછવા છે. હવે વધુ સવાલ-જવાબ ન કરતાં અમારી સાથે ચાલો.’ ઓફિસરના અવાજમાંથી નરમાશ નીકળીને એ કડક થઈ ગયો હતો.

ઍરપોર્ટ ઉપર સામાન્ય રીતે કોઈ ગુનેગારને પ્રશ્નોત્તરી કરવા લઈ જવામાં આવે તો શરૃઆતમાં બાહ્યરૃપે એમની જોડે ખૂબ જ મીઠો વ્યવહાર અને નરમાશભર્યું વર્તન કરવામાં આવે છે. એક વાર એમને અલાયદા ખંડમાં લઈ જવામાં આવે પછી ચાર દીવાલની વચ્ચે એમને ધમકાવવામાં આવે છે. શિક્ષાનો ભય દાખવવામાં આવે છે. જરૃર પડે તો બે-ચાર લપડાક પણ મારવામાં આવે છે. જો તેઓ સત્ય ન જણાવે તો એમને સારો એવો મેથીપાક ખવડાવવામાં આવે છે.

આરજે હવે ગભરાયો. એવું શું હશે કે કસ્ટમ્સ ઓફિસરોને એમને જુદાં જુદાં લઈ જતાં હતાં. આગલા દિવસે એમને પ્લેનમાંથી ઉતારવામાં આવ્યાં હતાં. એમની બૅગોમાં તેઓ બ્રિટિશ કરન્સી અને ડાયમન્ડ લઈ જતાં ઝડપાયાં હતાં. એમને એરેસ્ટ કરવામાં આવ્યાં હતાં અને જામીન પર છોડવામાં આવ્યાં હતાં. આ બધી વાતની જાણ મુંબઈ પોલીસે આ બ્રિટિશ ઓફિસરને કરી તો નહીં હોય ને?

રોહિણી અને રોમેલને સમજ નહોતી પડતી કે શું થઈ રહ્યું છે. એમને પણ હવે ખૂબ જ બીક લાગવા માંડી હતી. મુંબઈમાં તો મૅજિસ્ટ્રેટે એમને જામીન ઉપર છોડ્યાં હતાં, પણ હવે અહીં લંડનમાં જો કોઈ કારણસર એરેસ્ટ કરવામાં આવશે તો અહીંના મૅજિસ્ટ્રેટ એમને જામીન ઉપર છોડશે? એકબીજાથી જુદાં જુદાં કરવામાં આવેલ એમને ત્રણેયને પાછાં ભેગાં થવા દેવામાં આવશે?

રોહિણી અને રોમેલ થરથર કાંપતાં હતાં.

* * *

સત્યેન શાહ હવે સંપૂર્ણ રીતે જય જનતા પાર્ટીને લૂંટનારા લોકોને ઉઘાડા પાડવા, એમણે લૂંટેલો માલ પાછો મેળવવા સજ્જ થઈ ગયો હતો. અટલ, એની આસિસ્ટન્ટ જાગૃતિ, સૉલિસિટર જોશી અને સત્યેનના પોતાના કુટુંબીજનો આ સર્વે વતીથી એણે જે કાર્ય આરંભ્યું હતું અને હવે પછી એ જાતે જે કાર્ય કરવાનો હતો એને સત્યેન અને અબ્રાહમે સંયુક્ત રીતે ‘ઑપરેશન સત્-અસત્’ એવું નામ આપ્યું હતું.

સત્યેન હવે ‘ઑપરેશન સત્-અસત્’નું પ્રથમ પગલું માંડવા સજ્જ હતો.

* * *

પૈસા ફેંકો તમાશા દેખો…

લક્ષ્મી દેખી ભલભલા મુનિવરો ચળી જાય છે. સામાન્ય માનવીનું તો ગજું જ શું?

‘ઑપરેશન સત્-અસત્’નું સત્યેન શાહનું પ્રથમ કાર્ય પૈસા આપીને લોકોને ફોડવાનું હતું.

આરજેના ઘર અને ઑફિસનો એક-એક માણસ. જય જનતા પાર્ટીનો સેક્રેટરી અને આરજેનો જમણો હાથ. પાર્ટીના સ્વર્ગસ્થ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ઑફિસનો એક માણસ. થોડી બૅન્કોના મેનેજરો અને થોડા

ઇન્કમટેક્સ ઓફિસરો. બસ, સત્યેને જેરૃસલેમમાં બેઠાં બેઠાં આ બધી વ્યક્તિઓમાંની અમુકનો જાતે જ મોબાઇલ ઉપર સંપર્ક સાધ્યો. મોટી મોટી લાલચો આપી એમની આગળથી એને જે માહિતી જોઈતી હતી એ આપવા અને એમના થકી જે કરાવવાનું હતું એ કરવા માટે એમને લલચાવ્યા. સામ, દામ, દંડ અને ભેદ ચારેનો જ્યાં જેટલો ઉપયોગ જરૃરી હતો એ કર્યો. જેમનો મોબાઇલ ઉપર સંપર્ક સાધવાનું શક્ય કે યોગ્ય નહોતું એમને સાધવાનું કાર્ય એણે અટલને સોંપ્યું.

ફક્ત ચાર દિવસમાં જ સત્યેનને જે જે માહિતીની જરૃર હતી એમાંની અડધા ઉપરાંત એને જાતપ્રયત્ન તેમ જ અટલની કાર્યકુશળતાને કારણે પ્રાપ્ત થઈ. બાકીની થોડા દિવસોમાં મળવાની શક્યતા હતી. એ શું હશે એની અટકળ તો મળેલી માહિતીના આધારે સત્યેને કરી લીધી.

હવે ઑપરેશન સત્-અસત્નો બીજો તબક્કો શરૃ થયો.

* * *

‘મિસ્ટર ભાસ્કર…’ બિપિન જાનીએ ગુસ્સામાં આરજેની ઑફિસમાં એના આસિસ્ટન્ટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને ફોન કર્યો.

‘યસ, બિપિનભાઈ. બોલો, શું છે?’

‘શું છે, શું છે શું? છેલ્લાં પાંચ વર્ષના અસેસમેન્ટ ખોલવાની મને નોટિસ મળી છે? ૪૮ કલાકની અંદર એનો જવાબ આપવાનો છે. દર વર્ષે તમે મારા રિટર્ન્સ પાસ કરવા તગડું પેકેટ ઓફિસરને આપો છો. આમ છતાં એ પચાસ હજારના પગારદારે પચાસ લાખની આવક ઉપર ટેક્સ ભરનાર મને, મુંબઈના ખ્યાતનામ ક્રિમિનલ ઍડ્વોકેટને, એના રિટર્ન્સ પાછા ખોલવા અને રિઅસેસમેન્ટ કરવાની નોટિસ મોકલાવી છે. આવી ધૃષ્ટતા એ કરી જ કેમ શકે? એ જે માગતો હતો એટલા પૈસા તમે પહોંચાડતા હતા કે પછી મારી આગળથી એ લઈને આરજે એ પણ એના ખિસ્સામાં મૂકતો હતો?’

‘સર, મને ખૂબ જ નવાઈ લાગે છે. આપણા જ ઓફિસરે આપણુ જ ખાઈને આપણું જ કેમ ખોદ્યું? નવાઈની વાત તો એ છે કે તમારા એકલાના જ નહીં, અમારા ઘણા બધા ક્લાયન્ટો, જેઓ આરજેનાં સગાંવહાલાં છે, એમના પણ છેલ્લાં પાંચ વર્ષના રિટર્ન્સ ફરી પાછા તપાસવાની નોટિસો આપી છે. અરે, ખુદ રવીન્દ્ર શેઠના પણ છેલ્લાં પાંચ વર્ષના રિટર્ન્સ ખોલવાની નોટિસ એણે અમને મોકલી છે.’

‘એ સાલો આરજે છે ક્યાં?’

‘હું એમનો સંપર્ક સાધવાની ક્યારથી કોશિશ કરું છું. અચાનક તેઓ ફૅમિલી જોડે લંડન ગયા છે. ત્યાં ક્યાં છે એની અમને જાણ નથી. એ ત્રણેયમાંના કોઈ એમનો મોબાઇલ રિસીવ નથી કરતા.’

‘સાલાને મેં નકામો લંડન ભાગી જવાનો રસ્તો ખુલ્લો કરી આપ્યો.’ મનોમન બિપિન જાની બબડ્યો. પછી ભાસ્કરને ઉદ્દેશીને કહ્યુંઃ ‘હવે મારે શું કરવાનું છે? ૪૮ કલાકમાં આ નોટિસનો જવાબ આપવાનો છે.’ બિપિન જાનીનો ગુસ્સો આસમાને પહોંચી ગયો હતો. આરજે જો ત્યાં હોત તો એ ઊભા ઊભા એનું ગળું દબાવી દેત. છેલ્લાં કેટલાંય વર્ષોથી નિયમિતરૃપે રિટર્ન્સ પાસ કરાવવા ઇન્કમ ટેક્સ ઓફિસરને પાંચથી માંડીને પંદર લાખ ખવડાવવા પડશે એવું કહીને આરજેએ એની આગળથી લાખો રૃપિયા લીધા હતા. આમ અચાનક એના રિટર્ન્સ પાછા ખોલવાની નોટિસ આવી જ કેમ? નક્કી આ કોઈનું કાવતરું લાગે છે? મને તો આવી નોટિસ આવી, પણ સાથે સાથે ભાસ્કરના કહેવા મુજબ આવી નોટિસ ખુદ આરજેને પણ મોકલવામાં આવી છે! એનાં સગાંવહાલાંને પણ એ પાઠવવામાં આવી છે! નક્કી આની પાછળ કોઈનો હાથ હોવો જોઈએ. જરૃરથી આરજેની પાર્ટીની વિરુદ્ધની સત્તા ઉપરની પાર્ટીનું જ આ કારસ્તાન લાગે છે. આવતા વર્ષે ઇલેક્શન છે એટલે એમણે અપોઝિશનની બદનામી અને કનડગત શરૃ કરી દીધી છે. આ નોટિસો બીજું કંઈ નહીં, પણ પોલિટિકલી મોટિવેટેડ છે, પણ હવે મારે કરવું શું? ૪૮ કલાકમાં જવાબ આપવાનો છે અને પેલો નાલાયક આરજે લંડનમાં ગૂઢાયો છે. હું જવાબ શું આપું? વાર્ષિક પંદર-વીસ કરોડની આવકના બદલામાં મેં પચાસ લાખની આવક દેખાડી છે. એમાંથી પણ અડધા ઉપરાંતની રકમ તો ખર્ચામાં દેખાડી છે.

હવે જ્યારે આઈટીવાળા મારી સંપત્તિની ચકાસણી કરશે એટલે એમને જાણ થશે કે બે બેડરૃમમાંથી મેં પાંચ બેડરૃમનો આઠ કરોડનો ફ્લેટ ગયા વર્ષે જ ખરીદ્યો છે, દર બીજા વર્ષે હું મર્સિડીઝ અને મારી વાઈફ બીએમડબ્લ્યુ બદલીએ છીએ. દેવલાલીમાં ચાર વર્ષ પહેલાં મેં જે બંગલો બાંધ્યો છે એની કિંમત જ દસેક કરોડની હશે. જુદાં જુદાં લૉકરોમાં મારી વાઈફનાં જે ઘરેણા છે, મેં જે હીરા ખરીદીને એમાં સંગ્રહ્યાં છે, અમેરિકન ડૉલર જે મારી પાસે પડ્યા છે, મારા કેટલાય ક્લાયન્ટોને લાખો રૃપિયા ધીર્યા છે. આ બધું પચાસ લાખની આવકમાંથી ખર્ચો બાદ કરતાં ફક્ત વીસ લાખની નેટ ઇન્કમમાંથી ક્યાંથી આવ્યું એવું પૂછવામાં આવશે તો હું શું જવાબ આપીશ? દેખીતી જ રીતે મારી રહેણીકરણી અને સંપત્તિ હું જે આવક દેખાડું છું એને અનુરૃપ નથી. મારી આ બધી સંપત્તિની ઇન્કમ ટેક્સવાળાઓને જાણ થશે તો પેનલ્ટીની સાથે ટૅક્સ તો ભરવો જ પડશે, પણ ખોટા રિટર્ન્સ ભરવા માટે, સાચી આવક છુપાવવા માટે, સોગંદ ઉપર જુઠ્ઠું બોલવા માટે એ લોકો મને જેલભેગો કરશે. આપણી કાયદાવ્યવસ્થામાં જે ઢીલ છે એને કારણે મારી સામેના કેસ હું લંબાવી શકીશ, ચુકાદાઓમાંથી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકીશ, પણ અંતે તો મને સજા થશે, થશે અને થશે જ. આ બધું થશે તો મારી પ્રતિષ્ઠા ધૂળધાણી થઈ જશે. લાખો-કરોડોની આવક બંધ થઈ જશે.

આટલા બધા પૈસા લીધા તોય ઓફિસરે મારી સામે આવી નોટિસ કાઢી છે એટલે નક્કી એને ઉપરથી પ્રેશર આવ્યું હશે. રાજકીય દબાણ થયું હશે. જો એમ હશે તો હવે તો એ ઓફિસરને પૈસાથી પટાવવો મુશ્કેલ થઈ જશે. બિપિન જાનીને અનુભવી હોવાને કારણે પળવારમાં આ બધી વાતોનો વિચાર આવી ગયો. ભલભલા ગુનેગારોને ધરપત આપનાર, ખૂન કર્યું હોય એવા ખૂનીને ફાંસીના ગાળિયામાંથી છુટકારો અપાવનાર બિપિન જાનીને પોતાના ઉપર આફત આવી ત્યારે પરસેવો છૂટી ગયો.

(ક્રમશઃ)
————————–

Leave A Reply

Your email address will not be published.

Translate »